‘ટ્યુઝડેઝ વિથ મોરી : એન ઑલ્ડ મૅન, અ યંગ મૅન એન્ડ લાઈફ્સ ગ્રેટેસ્ટ લેસન્સ’ એક સફળ અને લોકપ્રિય પણ અંદરથી ખાલીપણું અને શૂન્યતા અનુભવતો યુવાન જ્યારે તેના વૃદ્ધ અને મરણોન્મુખ પ્રોફેસર પાસેથી જિંદગીનો અર્ક મેળવે છે …
શિક્ષકદિન નજીક છે, ત્યારે જો આપણા મનમાં સવાલ આવતો હોય કે એક શિક્ષક વિદ્યાર્થીને શું આપી શકે તો એક બહુ જાણીતું, ફરી ફરી વાંચવું ગમે એવું પુસ્તક ‘ટ્યુઝડેઝ વિથ મોરી : એન ઑલ્ડ મૅન, અ યંગ મૅન એન્ડ લાઈફ્સ ગ્રેટેસ્ટ લેસન્સ’ યાદ કરવું જોઈએ. વિદ્યાર્થી ફી ભરે અને શિક્ષક વિષય ભણાવી દે ત્યાં વાત પૂરી નથી થઈ જતી, ત્યાં કદાચ વાત શરૂ થાય છે. જૂનો સમય હોય કે અત્યારનો, આ દેશ હોય કે બીજો, શિક્ષક-વિદ્યાર્થી સંબંધના સુંદર પરિમાણો જગતે હંમેશાં જોયાં છે – આ પુસ્તક એની જ એક ભવ્ય ઝાંખી આપે છે.
‘ટ્યુઝડેઝ વિથ મોરી’ આમ તો સ્મરણયાત્રા જેવું છે. તેનો અનેક ભાષામાં તેનો અનુવાદ થયો છે. ટેલિફિલ્મ, નાટક અને ફીચર ફિલ્મો બની છે. નૉનફિક્શન કેટેગરીના આ નાનકડા બેસ્ટસેલરમાં જિંદગીનો અર્ક ભર્યો છે. તેમાં એક શિક્ષક, એક વિદ્યાર્થી અને જીવન-શિક્ષણની વાત છે.
યુવાન મિચ આલ્બમ સફળ છે. પૈસા, પ્રતિષ્ઠા બધું મળ્યું છે તો પણ કંઈક ખૂટે છે, અંદરનું ખાલીપણું ખૂંચે છે. એક દિવસ નાઈટલાઈન નામના ટી.વી. શોમાં મિચ જુએ છે પોતાના પ્રિય પ્રોફેસર મોરી શ્વાર્ટઝને. એ કાર્યક્રમમાં જીવલેણ એ.એલ.એસ. રોગથી ઘેરાયેલા પ્રોફેસર મોરીની મુલાકાત લેવાઈ રહી હતી. એમણે કહ્યું કે ‘મારી પાસે વખત ઓછો છે. મરતા પહેલા હું જે શીખ્યો એ જિજ્ઞાસુઓ સાથે વહેંચવાની ઈચ્છા છે. મારા ઘરના દરવાજા મેં ખોલી નાખ્યા છે.’
મિચની નજર સામેથી ચલચિત્રની પટ્ટીની જેમ આખો કૉલેજકાળ પસાર થઈ જાય છે. તેને યાદ આવે છે કે યુનિવર્સિટી કૉન્વૉકેશન વખતે પોતે પ્રોફેસરને ભેટીને ભીની આંખે સંપર્કમાં રહેવાનું વચન આપ્યું હતું. એ વાતને સોળ વરસ થઈ ગયા છે. થોડા સંકોચ સાથે એ પ્રોફેસરને મળવા જાય છે. તેઓ તેને ઉષ્માભર્યો આવકાર આપતાં ભેટે છે ત્યારે મિચને ખ્યાલ આવે છે કે રોગે તેમના શરીરને કેટલું પોલું કરી નાખ્યું છે. મિચની આંખો ભીની થતી જોઈને પ્રોફેસર કહે છે, ‘દુ:ખ થાય ત્યારે રડવામાં વાંધો નથી, પણ મારા રોગે મને પ્રેમ આપતાં અને પ્રેમ સ્વીકારતાં શીખવ્યું છે. બચેલી જિંદગીને હું એક પ્રોજેક્ટ તરીકે જોઉં છું. મારે એ શીખવું, શોધવું ને વર્ણવવું છે જેનાથી જિંદગી અને મૃત્યુ વચ્ચે એક પુલ બંધાય. મિચ, મારે તને ઘણું બધું કહેવું છે.’
બંને નક્કી કરે છે કે દર મંગળવારે મળવું.
અને શરૂ થાય છે અદ્દભુત લાઈફ લેસન્સ. પ્રોફેસરના અંતિમ વર્ગો, અઠવાડિયામાં એક વાર તેમના ઘરમાં, તેમના અભ્યાસખંડની બારી પાસે મૂકેલા ટેબલ પરથ શરૂ થાય છે. બારીમાંથી દેખાય છે ગુલાબી ફૂલોની વેલ. નીચે નાના છોડ ડોલે છે. કોઈ પુસ્તક નથી, કોઈ વિષય નથી અને મિચને મળતો જાય છે જિંદગીનો અર્થ, અનુભવમાંથી નીતરતો અર્ક.

મિચ આલ્બલ
પણ પ્રોફેસરની તકલીફ વધતી જાય છે. ધીરે ધીરે પથારીમાંથી ઊઠવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થિતિની ગંભીરતા બંને સમજે છે, છતાં બંને હસતાં રહે છે, વાતો કરતાં રહે છે. મૈત્રી, પ્રેમ, લગ્ન, પરિવાર, વૃદ્ધત્વ, ક્ષમા, સફળતા, કારકિર્દી, સંસ્કૃતિ, ઈશ્વર, જિંદગી અને મૃત્યુ વિશે. મિચ પોતાનામાં સ્થિર થતો જાય છે અને પ્રોફેસરનો પ્રકાશ ઓલવાતો જાય છે.
ચૌદમા મંગળવારે ફેફસાં સાવ ખલાસ થયાં છે. પ્રોફેસર માંડ બોલે છે, ‘આજે વાત નહીં કરું. મને સારું નથી.’ મિચ તેમને પંપાળતો રહે છે. પછી કહે છે, ‘મને ગૂડબાય કહેતાં નથી આવડતું.’ ‘જો, હું બતાવું.’ કહી પ્રોફેસર મિચનો હાથ લઈને પોતાની છાતી પર મૂકે છે, ‘આઈ લવ યુ.’ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળે છે. મિચ તેમને આશ્લેષમાં લે છે અને હથેળીથી તેમનો ભીનો ચહેરો લૂછે છે. પાતળી ઢીલી ચામડી નીચેનાં હાડકાંનો સ્પર્શ થતાં તેને કંઈ કંઈ થાય છે.
ત્યાર પછીના શનિવારે પ્રોફેસર શાંતિથી મૃત્યુ પામે છે. ‘હું એમને બચાવી ન શક્યો.’ મિચ લખે છે, ‘મને લાગતું કે હું તેમને મળવામાં બહુ મોડો પડ્યો, પણ તેઓ કહેતા રહ્યા કે જિંદગીમા ક્યારે ય મોડું નથી થતું. છેલ્લી પળ સુધી તેઓ જીવંત અને પરિવર્તનશીલ હતા.’
પણ મિચ ત્યાર પછી ખાલી નથી રહેતો. જીવનને જોવાની નવી દૃષ્ટિ એને પ્રાપ્ત થઈ છે. થોડા વખત પછી મિચનો ભાઈ જીવલેણ રોગથી ઘેરાય છે ને મિચ તેને મળવા સ્પેન જાય છે. ‘તેને ભેટીને મેં કહ્યું કે તને બીમારી આવી છે તે સ્થિતિને હું સન્માનથી સ્વીકારું છું ને તારી સાથે સંપર્કમાં રહેવા માગું છું. જેટલો પણ તું મારી જિંદગીમાં રહી શકે તેટલા સમયને પકડી રાખવા માગું છું. આઈ લવ યુ, માય બ્રધર. મોરીને ન મળ્યો હોત તો હું આ રીતે વર્તી શક્યો ન હોત.’ મિચે લખ્યું છે.
એક શિક્ષક વિદ્યાર્થીને અને વિદ્યાર્થી શિક્ષકને આ હદ સુધી આપી શકે. એકમેકમાં પ્રાણ પૂરી શકે. જિંદગીને માણતાં અને તેને ગરિમાથી છોડતાં પણ શીખવી શકે. જિંદગીની પળેપળને નવાં ઉત્સાહ અને સ્ફૂર્તિથી, માનવીય સંવેદનો અને જીવનમૂલ્યોથી ભરપૂર કરી શકે.
મોરી કહે છે, ‘જે કરવાની ક્ષમતા છે અને જે કરવાની ક્ષમતા નથી એ બંનેને સ્વીકારો.’ ‘જે વીતી ગયું છે તેનાથી ભાગવાનો કે તેને ભૂંસવાનો પ્રયત્ન ન કરો.’ ‘પોતાને અને અન્યને ક્ષમા આપો.’ ‘જિંદગીમાં કદી મોડું થતું નથી.’ ‘હૃદયપૂર્વક જેની પાસે વ્યક્ત થઈ શકાય તેવું કોઈક શોધી લો, કોઈને માટે કંઈક કરી છૂટો, પોતાની જાત સાથે સંપીને રહો અને માણસાઈ ન ભૂલો.’ ‘પ્રેમ હંમેશાં જીતે છે.’ ‘આપણે જે સંસ્કૃતિમાં જીવીએ છીએ તે માનવીને પોતાની નજરમાં હીણો સાબિત કરે છે. એવી સંસ્કૃતિનો ઈનકાર કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ.’ ‘એક અક્કલ વગરની દોડમાં સામેલ થઈને આપણે એવું માનીએ છીએ કે આપણે જે કરીએ છીએ તે બહુ અગત્યનું છે. પણ આ ભ્રમ તૂટે તે પછી કશું બચતું નથી. જીવનને અર્થ આપવો હોય તો બીજાને પ્રેમ આપો અને જીવનમાં અર્થ ઉમેરે તેવું કંઈક સર્જનાત્મક કરો.’
‘તમે ઈચ્છો તો તમારું સ્વપ્ન પૂરું થાય જ.’ ‘પ્રેમ આપતાં અને સ્વીકારતાં શીખો.’ ‘પ્રેમ એ એકમાત્ર બુદ્ધિપૂર્વકની ક્રિયા છે.’ ‘પોતાની દયા ખાવાનું મને ગમતું નથી. શરીરને રોજ રોજ થોડું થોડું કરીને ખલાસ થતું જોવું ભયંકર છે, પણ એનાથી રોજ મને અલવિદા કહેવાની તક મળે છે.’ ‘ક્યારેક તમે જે જુઓ છો તે નહીં, જે અનુભવો છો તે સાચું હોય છે.’ ‘આજનો દિવસ આ પૃથ્વી પર છેલ્લો હોય તો? જો મરવાનું આવડી જાય તો જીવવાનું પણ આવડે. મૃત્યુ ગમે ત્યારે આવશે તેવી પ્રતીતિ થશે તો તમે આટલા મહત્ત્વાકાંક્ષી નહીં રહો.’ ‘પરિવાર જેવો કોઈ ટેકો નથી, કોઈ આધાર નથી, કોઈ આનંદ નથી.’ ‘કોઈ ચીજ પર નિર્ભર ન રહો, દુનિયામાં કશું કાયમી નથી.’ ‘પૈસા માનવતાનો અને સત્તા પ્રેમનો વિકલ્પ ન બની શકે.’ ‘શું વિચારવું ને શાને મહત્ત્વ આપવું તે તમે પોતે નક્કી કરો. કોઈ વ્યક્તિ કે સમુદાયને તમારા વતી નિર્ણય લેવાનો અધિકાર ન આપો. ‘બધું જતું ન કરો અને બધા માટે જીદ પણ ન કરો.’ ‘કરુણા અને જવાબદારીનું ભાન – આ બે બાબતો વિશ્વને જીવવા જેવું બનાવે છે.’ ‘જ્યાં સુધી પ્રેમ છે, સ્મરણો છે, તમે જેને સ્પર્શ્યું છે, પોષ્યું છે તે છે, ત્યાં સુધી તમે પણ છો જ.’
પુસ્તકની છેલ્લી લીટી છે, ‘ધ ટિચિંગ ગોઝ ઓન.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 સપ્ટેમ્બર 2023