![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/raj_goswami-4.jpg)
રાજ ગોસ્વામી
ટેલિવિઝન પર અત્યારે અબ્દુલ કરીમ તેલગીની એક સિરીઝ લોકપ્રિય થઇ છે. 90ના દાયકામાં, આ તેલગીએ તેની ધૂર્ત બુદ્ધિનો ઉપયોગ કરીને, નકલી સ્ટેમ્પ પેપર્સ છાપવાનો એક એવો ધંધો શરૂ કર્યો હતો, જેનું ટર્નઓવર એક દાયકાની અંદર 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તેલગી નકલી સ્ટેમ્પ નહીં, પણ રૂપિયા છાપતો હતો (સિરીઝમાં તેના નામે એક સંવાદ છે : મુજે પૈસા કમાના નહીં હૈ, પૈસા બનાના હૈ) અને શબ્દશ: ઉડાડતો હતો એવું કહેવામાં પણ ખોટું નથી. તેની એક સાબિતી છે :
એક જમાનામાં મુંબઈના અપરાધીઓ, ગેંગસ્ટરો, બૂકીઓ અને ગંજેરીઓમાં સૌથી લોકપ્રિય એવા અંધેરીના દીપા ડાન્સ બારમાં, એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો વહેમ રાખતી, તરન્નુમ ખાન નામની એક બાર ડાન્સર ઉપર તેલગીએ એક જ રાતમાં 90 લાખ ઉડાવી દીધા હતા. તેલગીએ તેને આખા મુંબઈમાં ‘કરોડપતિ બાર ડાન્સર’ તરીકે પ્રખ્યાત (કે કુખ્યાત) બનાવી દીધી હતી.
ધૂર્ત લોકોના આવા જ કિસ્સાઓ અને કહાનીઓ લોકજીભે ચઢે છે. આવા લોકોની ફિલ્મો અને હવે સિરીયલો લોકપ્રિય થઇ રહી છે તેની પાછળ દિલચસ્પ મનોવિજ્ઞાન છે. તેલગીની સિરીઝના નિર્દેશક હંસલ મહેતાએ આ અગાઉ હર્ષદ મહેતાના શેર બજારની ઠગાઈ પર બનાવેલી સિરીઝ પણ એટલી જ લોકપ્રિય થઇ હતી.
ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર ઠગો અને ઠગાઈની ઘણી ફિલ્મો તેમ જ સિરીઝોને દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. અગાઉ એવી ફિલ્મો પણ ધૂમ મચાવતી હતી. વિદેશોમાં પણ કાઠા-કબાડાવાળી ફિલ્મો અને સિરીઝો જોવાવાળો મોટો વર્ગ છે. જેમાં હિંસા હોય તેવી કહાનીઓ તો સદીઓથી લોકપ્રિય રહી છે, પરંતુ ઠગબાજીની કહાનીઓમાં લોકોની રુચિનું અલગ જ કારણ છે.
ખૂન-બળાત્કારની કહાનીઓમાં રસ લેતા દર્શકોમાં તો એક છુપી શરમ અને અપરાધબોધ હોય છે, કારણ કે તે કહાનીઓમાં એક પ્રકારની વિકૃતિ અને અમાનવીયતા હોય છે. આશ્ચર્યજનક રીતે, ઠગબાજીના કિસ્સા-કહાનીઓમાં લોકો વધુ ‘સહજતા’ અનુભવતા હોય છે, કારણ કે એવી માનવીય વૃત્તિ તેમને ઘણી પરિચિત હોય છે; સીધી કે આડકતરી રીતે તેમને ઠગાઈ સાથે નિયમિત પનારો પડતો રહે છે. “આવું તો હું ય કરી શકું” અથવા “આવા લોકોને તો હું ય જાણું છું”નો ભાવ એવી કહાનીઓને અંતરંગ બનાવે છે.
સમાજની રચના માણસ અસલમાં જેવો છે તેવી નહીં, પણ માણસ કેવો હોવો જોઈએ તેના આદર્શ પર થઇ છે. જેમ કે, માણસ સ્વભાવથી લોભી, કપટી અને સ્વાર્થી છે. તે પોતાના સ્વાર્થ માટે કશું પણ કરવા તૈયાર થઇ શકે છે, પણ સમાજ માણસ પાસેથી નૈતિક વ્યવહારની અપેક્ષા રાખે છે. પરિણામે, માણસ તેની વૃત્તિને છુપાવી રાખીને સદાચાર કરે છે. બીજી રીતે કહીએ તો, આપણે સ્વભાવથી ચોર છીએ, પણ દેખાડો સંત હોવાનો કરીએ છીએ.
અમુક માણસો દંભનું મોહરું ફગાવી દે છે અને ખુલ્લેઆમ પાપાચર કરે છે. એ લોકો તેને પાપાચાર માનતા પણ નથી. જેમ કે બહારવટીઓ અને ઠગ-પિંઢારાઓ એવું માનતા હતા કે તેઓ તેમના લોકોની ભલાઈ માટે કૃત્યો આચરતા હતા. તેલગીના કિસ્સામાં પણ તે તેના સમાજમાં તો સેવાભાવી થઇને ફરતો હતો.
એક તો ધૂર્ત લોકોમાં તેમના કૃત્યો માટે અપરાધબોધનો અભાવ અને ઉપરથી, તે જે કરી રહ્યા છે તે લોકોની ભલાઈ માટે છે તેવી ભાવના આપણને તેમની કહાની તરફ આકર્ષે છે. દેશમાં અને વિદેશમાં આવા લોકો પર જેટલી પણ ફિલ્મો કે ટી.વી. સિરીઝો બની છે, તેમાં તે કંઇક અંશે વિલન તરીકે નહીં પણ હીરો તરીકે ઉભરે છે.
ફિલ્મ સર્જકો પણ તેમને એક મામુલી બદમાશ તરીકે નહીં, પણ લાર્જર ધેન લાઈફ કિરદારમાં પેશ કરે છે. દાખલા તરીકે, અમિતાભ બચ્ચનનો એન્ગ્રી યંગ મેન વિજય હંમેશાં કાયદા-કાનૂનની સામેની સીમામાં રહ્યો છે, પણ દર્શકોની સૌથી વધુ સહાનુભૂતિ તેને જ મળી છે, નહીં કે કાયદાના રખેવાળને. કેમ? કારણ કે તક મળે તો દરેક માણસને કાનૂનનું ઉલ્લંઘન કરવાનું ગમે. તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હો અને કોઈ બાઈકવાળો તમારી સામેથી સિગ્નલ તોડીને રવાના થઇ જાય, તો તમને તેના દુ:સ્સાહસ પર નહીં, તમારી મજબૂરી પર ગુસ્સો આવે.
બીજું, પડદા પર ધૂર્ત માણસને અત્યંત સફાઈ અને સફળતાપૂર્વક ઠગાઈ કરતો જોઇને આપણને તેના પર ‘માન’ થઇ જાય છે. કોઈ માણસને ખૂન કરતો જોઇને આપણને અરેરાટી આવી જાય, પણ એ જ માણસ ચાલાકીથી કોઈના ખીસ્સામાંથી પાકીટ મારી લે તો આપણને તેની હોંશિયારીનું વિસ્મય થાય. કાં તો તે આપણને આપણામાં એવી ચાલાકીનો અભાવ હોવાનો અહેસાસ કરાવે અથવા “આવું તો હું પણ કરી શકું છું” તેવો આત્મવિશ્વાસ પેદા કરે. બંને સ્થિતિમાં ધૂર્ત માણસ આપણને આપણા વિશે વિચારતા કરી મૂકે છે.
હિંસક અપરાધનો સીધો સંબંધ શારીરિક તાકાત સાથે છે અને ધૂર્તતાનો સીધો સંબંધ બુદ્ધિ સાથે છે, એટલે હિંસા આપણને જેટલી પ્રેરિત ન કરે તેટલી બુદ્ધિ કરે છે કારણ કે દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે તેની બુદ્ધિ તેજ છે. શરીરની તાકાતમાં આવો દાવો સૌ ના કરી શકે. એટલે આપણે પડદા પર હર્ષદ મહેતા કે અબ્દુલ તેલગીને સિસ્ટમમાં છીંડાં પાડીને ધાડ પાડતા જોઈએ છીએ, ત્યારે આપણને તેમનું એ સાહસ ‘પ્રેરણાદાયી’ લાગે છે. હત્યા જોઇને તમને હત્યા કરવાનું મન ના થાય, પણ બેંકમાં પૈસાની હેરફેર જોઇને તમને એકવાર તો એવો વિચાર આવે કે “હું હોઉં તો આ રીતે નહીં પણ તે રીતે કરું.”
ત્રીજું, પડદા પરના ધૂર્ત “હીરો” મિલનસાર, મિતભાષી અને જિંદાદિલ હોય છે. જેમ કે, સિરિયલ કિલર અને કૌભાંડી ચાર્લ્સ શોભરાજ તેની ખૂબસૂરતી અને ચાર્મથી લોકોને આકર્ષતો હતો. ત્યાં સુધી કે તે દિલ્હીની તિહાડ જેલના રક્ષકોને ભાઈબંધ બનાવીને ભાગી ગયો હતો. એટલે જ તે એક સેલિબ્રિટી અપરાધી તરીકે દુનિયા ભરમાં મશહૂર છે.
ધૂર્ત લોકોની બુદ્ધિ અને ચાર્મ આપણને તેમના તરફ આકર્ષે છે. તેમના વ્યક્તિત્વમાં એક પ્રકારની ગૂઢતા, રહસ્યમયતા અને નૈતિક સંદિગ્ધતા હોય છે. કોઈને શંકા પણ ન જાય તે રીતે બીજા લોકોને પટાવાની અથવા સિસ્ટમને છેતરવાની તેમની કુનેહ અને શું સાચું છે અને શું ખોટું છે તેની નવેસરથી વ્યાખ્યા કરવાની તેમનું સાહસ આપણને મુગ્ધ કરે છે.
આપણે સૌ આપણને હોંશિયાર ગણતા હોઈએ છીએ. આપણું મગજ આપણી આજુબાજુમાં કશું આડુંઅવળું થતું હોય તો તેને પકડી પાડવા માટે બનેલું છે. એટલા માટે આપણે તદ્દન અપરિચિત વ્યક્તિ સાથે પણ એવા આત્મવિશ્વાસના સાથે સંબંધ કેળવીએ છીએ કે એ ગડબડ કરશે તો હું તેને પકડી પાડીશ.
આપણે જ્યારે પડદા પર ધૂર્ત લોકોને છેતરપીંડી કરતા જોઈએ છીએ ત્યારે આપણમાં બે ભાવ પેદા થાય છે: એક, “આ માણસની જુર્રત તો જુવો! આશ્ચર્ય થઇ જાય એવું છે,” અને બે, “આના જાંસામાં આવી ગયેલા સાવ બેવકૂફ છે. હું હોઉં તો આની ચાલમાં ના ફસાઉં.”
ધૂર્ત લોકો ઉત્તમ પ્રકારના મનોવૈજ્ઞાનિક હોય છે. તેમને સામેવાળી વ્યક્તિના મનને વાંચતા આવડતું હોય છે. બીજા કરતાં એક ડગલું આગળ રહેવાની તેમની આવડત તેમને આપણી પ્રશંસાનું પાત્ર બનાવે છે. અમિતાભ બચ્ચનના પાત્રએ ‘ડોન’ ફિલ્મમાં જ્યારે એમ કહ્યું કે “ડોન કા ઈન્તેજાર તો ગ્યારાહ મુલ્કો કી પુલીસ કર રહી હૈ, લેકિન ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ,” ત્યારે દર્શકોએ પાળેલી તાળીઓમાં “પોલીસ કેવી મૂરખ છે” તેની ખુશી પણ સમાયેલી હતી.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર