મિત્રો

પારુલ ખખ્ખર
16-08-2021

ભૂલભૂલમાં તીર ત્રાંસું તાકી જનાર મિત્રો,
સો-સો સલામ જીવતી રાખી જનાર મિત્રો!

નક્કર તો શોધવું'તું સરકી જવાનું બ્હાનું,
જૂના કરંડિયેથી નાસી જનાર મિત્રો!

શોધ્યા'તાં, સાચવ્યાં’તાં - છો ધારદાર તેથી,
ખમ્મા, ઓ મર્મસ્થાને વાગી જનાર મિત્રો!

કરજો ને તમતમારે જીવલેણ વાર કરજો,
મારી કલમનું લોહી ચાખી જનાર મિત્રો!

જીતી ગયા પરંતુ જીતી શક્યા ખરેખર?
અંચઇ કરીને બાજી મારી જનાર મિત્રો!

હસતા'તા, નાચતા'તા, ભાગ્યા ફટાક દઈને,
બે છિદ્ર નાવડીમાં ભાળી જનાર મિત્રો!

મક્તાનો શેર તમને અર્પણ કરે છે ‘પારુલ’
ભેટી પડીને જાસા આપી જનાર મિત્રો!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 16

Category :- Poetry / Poetry