સુરેશ જોષીના સમ્પાદનકાર્ય વિશે, સવિશેષે ‘નવોન્મેષ’ અંગે, એક નૉંધ

સુમન શાહ
25-02-2021

સુરેશભાઈના સમ્પાદનકાર્ય વિશે તેમ જ ‘નવોન્મેષ’ અંગે હું મારે જે કહેવું છે તે કહું :

મેં મારા થીસિસમાં સુરેશભાઈએ કરેલા અનુવાદોને, આસ્વાદોને તેમ જ એમના સમગ્ર પત્રકારત્વને પૂરક પ્રવૃત્તિનો દરજ્જો આપેલો છે. એમનાં સર્જન વિવેચન તેમ જ અધ્યાપનમાં એ પ્રવૃત્તિઓ નૉંધપાત્રપણે પૂરક પુરવાર થઈ છે. આ વાત હું અવારનવાર કરી ગયો છું.

એમણે કરેલા સર્જક ગદ્યના સમ્પાદનને તેમ જ આજે જેની સવિશેષે વાત કરું છું તે ‘નવોન્મેષ’ને હું ખૂબ જ મહત્ત્વનાં સમ્પાદન ગણું છું. એ બન્ને સમ્પાદનો એમણે, એક કલામર્મજ્ઞ વ્યક્તિએ, કર્યાં છે એનો મહિમા છે.

‘નવોન્મેષ’ એ ગાળાના કવિઓનાં કાવ્યોનું એમણે કરેલું સમ્પાદન છે. એનો સમ્પાદકીય લેખ એથી પણ મહત્ત્વનો છે. એ ગાળામાં આપણા સાહિત્યમાં આધુનિક સંવેદનાનાં કાવ્યો વાર્તાઓ નિબન્ધો લખાયાં હતાં, તેનું તદનુસારી વિવેચન પણ થયું હતું.

એ સમગ્ર સર્જન અને વિવેચન વિશે સુરેશભાઈ શું માને છે એ જાણવાને અમે સૌ ઉત્સુક રહેતા. એક સભામાં એમણે મારો અને બીજા બેત્રણ મિત્રોનો નામનિર્દેશ કરેલો - અમે હાજર ન્હૉતા - એથી એટલો બધો પાનો ચડેલો કે ન પૂછોની વાત !

સૌ એમનાં મન્તવ્યો જાણવા માગતા, તેનું એક બીજું કારણ પણ હતું. એ કે જો એમને આપણા પરમ્પરાગત સાહિત્યથી સંતોષ ન્હૉતો, તો એમને એમની હાજરીમાં સરજાઈ રહેલા સાહિત્યથી સંતોષ હતો કે કેમ.

કાવ્યસર્જન પૂરતી વાત કરીએ, આ સમ્પાદન પૂરતી, તો એમને એટલો બધો સંતોષ ન્હૉતો. એમણે કહેલું કે આ 'કુણ્ઠિત સાહસ' છે. કુણ્ઠિત એટલે બૂઠું, ખાંડું. અલબત્ત, નવોદિતોનું એ સાહસ બૂઠું તો ન્હૉતું. ઘણા પરમ્પરાગતોને એ વાગેલું. એ ખાંડું પણ ન્હૉતું.

પણ કુણ્ઠિત એટલે રૂંધાયેલું કે અટકી પડેલું એ અર્થ લઈએ તો કહેવું રહે કે એ સાહસ ઉત્ફુલ્લ ન્હૉતું, ક્યાંક પ્હૉંચ્યા પછી શમી ગયેલું.

એ ગાળાના સર્જકો આધુનિક સંવેદનાને આકારતા હતા તે વીગતને યાદ કરું તો મને હાલ થાય છે કે એ સંવેદનાની સમજ સીમિત હતી. એ સંવેદનાનું ઍક્સપોઝર ડાયરેક્ટ ન્હૉતું એટલું ડીરાઈવ્ડ હતું. પ્રયોગશીલતા એનું સાધન ગણાય, ભાષાની એક માધ્યમ તરીકેની સભાનતા, એમાં જરૂરી ગણાય, ખાસ તો ભાષાની પોતાની મર્યાદાઓને વિશેની જાણકારી, એ બાબતો એમાં ખૂટતી ન્હૉતી પણ એને વિશેની સૂઝબૂઝ આધુનિકોમાં ઓછી હતી.

કોઈ પણ સમ્પાદન એક પ્રકારની સહભાગીતા ગણાય. સમ્પાદક પોતાને ગમેલી ચીજો આગળ કરે, તેની વકીલાત કરે, તેમ કરવા જતાં કેટલીક ન ગમતી ચીજો પણ ચીંધે. એ બધું ‘નવોન્મેષ’માં થયું છે. એવી તુલના કરવાનું પણ જરૂરી છે કે એમણે પૉંખેલા કે ટપારેલા કવિઓ આજે ક્યાં પ્હૉંચ્યા છે.

છેવટે મેં કહેલું - મને યાદ છે એ પ્રમાણે - કે સમ્પાદનો દૃષ્ટિપૂર્વક થવાં જોઈએ. આમાં આ ભાઈ છે અને આ બહેન નથી અથવા આ બહેન છે ને આ ભાઈ નથી એવી ચર્ચાઓ પાસે વાત આપણે ત્યાં અટકી જાય છે, મૂળમાંથી વિધાનો લઈને સમીક્ષા થવી જોઈએ. સુરેશભાઈએ ‘કુણ્ઠિત સાહસ’ કહીને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, એની પણ સમીક્ષા થવી જોઈએ. આગળના સમયમાં કેટલાક સમ્પાદકોએ તો એમ કહ્યું હતું કે - તમને ગમતી કૃતિ મોકલી આપો ! હું એને સમ્પાદનકર્મની મશ્કરી ગણું છું. આ ભૂમિકાએ ‘નવોન્મેષ’ એક આદર્શ સમ્પાદન છે.

ઉછીની લાગણીઓ વિશે મારે એમ કહેવાનું છે કે સાહિત્યમાં ઉછીનું કશું હોઈ શકે નહીં. દાખલા તરીકે, બૉદ્લેર જો પોતાના શ્હૅરની વાત કરતા હોય તો આદિલ મનસૂરી પોતાના શ્હૅરની કરે એમાં શું ખોટું છે? એ નકલ નથી, એ બૉદ્લેરથી મળેલી પ્રેરણા જરૂર છે. મહાન સાહિત્યકારોની સંગતથી જાગૃતિ આવે છે. ક્ષિતિજવિસ્તાર થાય છે. રુચિનો વિકાસ થાય છે. બધું બદલાય છે.

સુરેશભાઈએ જોયું છે કે આધુનિકતાને નામે આપણે ત્યાં શું બદલાયું. કેમ? કેવી રીતે? વગેરે. એ ગાળામાં જે પ્રયોગશીલતા અને જે માધ્યમસભાનતા જન્મેલી એની એમણે કાવ્યોનાં દૃષ્ટાન્તો લઈને સમીક્ષા કરી છે. એથી કવિઓને લાભ થયા છે. એ કવિઓ પોતાની રીતે વિકસ્યા છે. છતાં આજે એ જાણવું રસપ્રદ બને કે એ પ્રારમ્ભકાલીન સર્જકતાએ એ કવિઓને કશો લાભ સંપડાવ્યો છે કે કેમ.

આમ ‘નવોન્મેષ’ અનેક સંદર્ભોમાં ધ્યાનપાત્ર બને છે. આધુનિક ગુજરાતી કવિતાના અધ્યેતાઓ માટે એ અનિવાર્ય છે.

= = =

(February 13, 2021: USA)

Category :- Opinion / Literature