અમૅરિકાના 44મા રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નવા પુસ્તક ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’ના પ્રકાશન ટાણે

લિપ્યંતર અને અનુવાદ : રૂપાલી બર્ક
20-11-2020

CBS News અમૅરિકાની અગ્રણી ન્યૂઝ ચૅનલ છે. The 60 Minutes Interviewની પ્રખ્યાત શ્રેણીમાં અનેક મહાનુભાવોની મુલાકાત પ્રસ્તુત કરવામાં આવે છે. નવેમ્બર 16, 2020ના રોજ સ્કૉટ પૅલી [Scott Pelley] સાથેની 60 મિનિટની મુલાકાતમાં બરાક ઓબામાએ એમના નવા પુસ્તક ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’માં લખેલી અમૅરિકાની લોકશાહી, વર્તમાન રાજકારણ, વગેરે બાબતો ઉપર સવાલોના  આપ્યા જવાબ ખૂબ રસપ્રદ છે. આ પુસ્તક બે ભાગમાં પ્રકાશિત થવાનું છે. પ્રથમ ભાગ નવેમ્બરની 16મીએ અમૅરિકામાં ક્રાઉન દ્વારા અને ભારતમાં વાયકિંગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ મહત્ત્વના પુસ્તકમાં યુવાવસ્થાથી અમૅરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધીની સફરનો ઓબામાનો અંગત ઇતિહાસ મળે છે, ખાસ કરીને લોકશાહી ઉપરથી મળેલી ભેટ નહીં, પરંતુ સહભાવ અને સહ-સમજના પાયા પર રચાયેલી અને દિન પ્રતિદિન સંયુક્ત પ્રયાસથી બંધાતી જતી હોય છે એવી એમની પ્રતીતિ પર આધારિત છે.

સ્કૉટ : [પ્રેક્ષકોને] ડોનલ્ડ ટ્રમ્પ પોપ્યુલર વોટ હારી ગયેલા અને ત્રણ રાજ્યોમાં માત્ર ૧% ઇલૅક્ટોરલ કૉલૅજના વૉટ વધુ મેળવ્યા હોવા છતાં 2016ની ચૂંટણીની રાતે તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ને પરોઢ ત્રણ વાગે ફોન કરીને અભિનંદન પાઠવ્યા. આજે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન સામે હારી ગયા હોવા છતાં પ્રૅસિડન્ટ ટ્રમ્પ મતદાતાઓના નિર્ણયનો સ્વિકાર કરવા તૈયાર નથી. ચૂંટણીની મડાગાંઠ વિશે મિસ્ટર  ઓબામા આજે પ્રથમ વખત બોલ્યા છે. ૪૪મા પ્રૅસિડન્ટના પ્રારંભિક વર્ષો અને પ્રથમ સત્ર અંગેનાં સંસ્મર્ણો ધરાવતા નવા પુસ્તક ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’ના પ્રકાશન ટાણે અમે એમની સાથે વાતચીત કરી. (ઘડિયાળના કાંટા ફરવાનો ટીક...ટીક ધ્વનિ સંભળાય.) વાર્તાને થોડી ક્ષણોમાં આગળ ચલાવીએ.

(ટૂંકો વિરામ.)

[પ્રૅસિડન્ટ ઓબામાને] આ ઘડીએ પ્રૅસિડન્ટ ટ્રમ્પ માટે તમારી શી સલાહ છે?

ઓબામા : પ્રૅસિડન્ટ જનતાનાં સેવક હોય છે. નિયમથી તેઓ પદનાં હંગામી સંભાળનાંરાં હોય છે અને જ્યારે આવરદા પૂર્ણ થઈ જાય ત્યારે દેશને આગળ કરવાની અને પોતાના અહમ્‌, સ્વાર્થ અને નિરાશાથી પર થવાની તમારી જવાબદારી બને છે. પ્રૅસિડન્ટ ટ્રમ્પને મારી સલાહ છે કે આ રમતના પાછળના તબક્કામાં દેશને પ્રાધાન્ય આપવા માટે તમારી લોકોની સ્મૃતિમાં રહેવું હોય તો તમારે પણ એ જ કરવું પડશે.

સ્કૉટ : તમારા મતે એમના ઝૂકવાનો સમય થઈ ગયો છે.

ઓબામા : બેશક. ખરેખર તો ચૂંટણીના બીજા દિવસે જ એમણે માન્ય રાખી દેવાનું હતું, મોડામાં મોડું ચૂંટણીના બે દિવસ બાદ. જો તમે આંકડા તપાસો તો જૉ બાયડન સ્પષ્ટ બહુમતથી જીતેલા છે. એ રાજ્યો બીજી તરફ વળે એવા કોઈ જ ચિહ્નો દેખાતા નથી, ચૂંટણીનાં પરિણામ ફેરવી નાખે એટલા પ્રમાણમાં તો નહીં જ.

સ્કૉટ : રાહત પૂરી પાડવાનું સૌજન્ય દર્શાવવાની જગ્યાએ સામાન્ય રીતે નવા ચૂંટાયેલાં વહીવટદારોને પૂરાં પડાતાં નાણાં અને સવલતો આપવાનો ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ઈનકાર કરી રહ્યું છે. ટ્રમ્પ પ્રૅસિડન્ટ ઇલૅક્ટ હતા ને એમને મળતી હતી એ પ્રમાણે પ્રૅસિડન્ટ ઇલૅક્ટ બાયડનને ખાનગી રાષ્ટ્રિય સુરક્ષાની માહિતી મળતી નથી. આ સંજોગોમાં સંક્રાંતિ આગળ નથી વધી રહી એ અંગે આપણા વિરોધીઓ શું વિચારી રહ્યાં હશે, અત્યારે, રશિયા, ચીન?

ઓબામા : જુઓ, આપણા વિરોધીઓએ આપણને નબળા પડતા જોયા છે, તાજેતરની ચૂંટણીના સંદર્ભે જ નહીં પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન. રાજકીય વ્યવસ્થામાં તિરાડો પડી છે જેમાં ગેરફાયદો લેવાનો અવકાશ રહેલો છે. એક જૂની કહેવત છે કે ‘એકપક્ષી રાજકારણ પાણીની ધારે અટકી જવું જોઈએ’, બરાબર ને. આપણી વિદેશ નીતિની વાત આવે છે ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા કહીએ છીએ, ડિવાઇડેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા નહીં. 

સ્કૉટ : [પ્રેક્ષકોને] પ્રૅસિડન્ટને અમે ભૂતકાળના વિભાજનોના સ્મારકમાં મળ્યાં. આંતરવિગ્રહ દરમ્યાન સ્મિથસોન્યિન નેશનલ પોર્ટ્રેટ ગૅલરી હૉસ્પિટલ હતી. ક્લૅરા બાર્ટન અને વૉલ્ટ વ્હિટમૅન દર્દીઓની સેવા કરતાં જ્યારે 16મા પ્રૅસિડન્ટ (સ્ક્રિન પર ઍબ્રહૅમ લિંકનનો ફોટો દર્શાવવામાં આવે છે.) ઘાયલોને દિલાસો આપતા. અમે પ્રૅસિડન્ટ ઓબામા સાથે એમના પુસ્તક વિશે વાત કરવાના સ્થળ તરીકે એમના અગાઉ થઈ ગયેલા પ્રૅસિડન્ટ્સની ગૅલરીને પસંદ કરી.

[પ્રૅસિડન્ટ ઓબામાને] હું શીર્ષક વિષે જાણવા ઉત્સુક છું. મારા મત મુજબ ઘણાં લોકોને લાગે છે કે આપણે ‘પ્રૉમિસ્ડ લૅન્ડ’ (સ્વર્ગ) બનવાથી ઘણા વેગળા છીએ.

ઓબામા : ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’ શીર્ષક મેં એટલા માટે રાખ્યું કારણ કે ભલે આપણા જીવનકાળમાં આપણે એ પડાવ સુધી પહોંચી ના શકીએ, ભલે આપણને રસ્તામાં મુસીબતો અને નિરાશાઓનો સામનો કરવો પડે, મને એટલો ભરોસો છે કે આપણે દેશને વધુ શ્રેષ્ઠ બનાવવા સક્ષમ છીએ, શ્રેષ્ઠતમ દેશ નહીં પરંતુ વધુ શ્રેષ્ઠ.

સ્કૉટ : તમે પુસ્તકમાં લખ્યું છે (ચશ્માં પહેરી પુસ્તકમાંથી વાંચે છે.) “આપણી લોકશાહી કટોકટીના આરે લથડિયા ખાઈ રહી છે.” તમે કહેવા શું માગો છો?

ઓબામા : મૂળભૂત સંસ્થાકીય ધોરણો નેવે મુકાયા એવા રાષ્ટ્રપતિકાળમાંથી આપણે પસાર થયા. પ્રૅસિડન્ટ પાસેથી આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ એને ભૂતકાળમાં રિપબ્લિકન અને ડૅમોક્રેટ બન્નેએ નોંધ્યા છે. કદાચ, સૌથી મહત્ત્વનું અને અત્યંત ઊચાટ સાથે આપણે, જેને અમુક લોકો સત્યનો સડો કહે છે (સહેજ હાસ્ય સાથે), તેના સાક્ષી બન્યા છીએ. આ બાબતને વિદાય થતા પ્રૅસિડન્ટ ટ્રમ્પે વેગ આપ્યો છે. ના કેવળ એવો ભાવ કે આપણે સત્ય કહેવાની જરૂર નથી પરંતુ એ કે સત્યનું કંઈ જ કામ નથી.

સ્કૉટ : મોટા પાયે થયેલી ચૂંટણીમાં ગેરરીતિના ખોટા દાવાની આપણા દેશ પર શું અસર થઈ રહી છે?

ઓબામા : પ્રૅસિડન્ટને હારવું નથી ગમતું અને કદી હાર કબૂલતા નથી. મને ચિંતા એ વાતની છે કે વધુ સમજદારી ધરાવતા રિપબ્લિકન અમલદારો પણ એમની હામાં હા ભરી ને એમને ખુશ કરી રહ્યા છે. ના કેવળ નવા ચૂંટાયેલા બાયડેન પ્રશાસનને જ પરંતુ સામાન્યત: લોકશાહીને ગેરકાયદેસર ઠેરવવાની દિશામાં આ વધુ એક ડગલું છે. આ જોખમી રસ્તો છે. આપણા પોતાના સંતાનો હારે ત્યારે જો આવું વર્તન કરે તો આપણે ન ચલાવી લઈએ. દા. ત. મારી દીકરીઓ જો કોઈ સ્પર્ધામાં ભાગ લે અને હારે ત્યારે વગર કોઈ પુરાવાએ સામા પક્ષ પર છેતરપીંડીનો આક્ષેપ કરે તો આપણે એમને ઠપકો આપીએ. મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી સમજ ઊભી થઈ છે કે સત્તા મેળવવા માટે કંઈ પણ ચાલી જાય છે અને એને માન્યતા મળી જાય છે. આ માત્ર યુનાઈટેડ સ્ટેટ્સ પૂરતું જ સીમિત નથી પરંતુ સત્તામાં રહેવા માટે હું કંઈ પણ કરી શકું એમ છું — હું માણસોનો સંહાર કરી શકું છું, એમને જેલમાં બંધ કરી શકું છું, અવિશ્વસનીય ચૂંટણીઓ કરાવી શકું છું, પત્રકારોને દબાવી શકું છું, એવું માનનારા વિશ્વભરમાં તુંડમિજાજી નેતાઓ અને સરમુખત્યારો છે, પરંતુ એવું બનવું યોગ્ય નથી. મારા મત મુજબ જો બાયડને વિશ્વને એક સંદેશો મોકલવાની જરૂર છે કે જે મૂલ્યોનો અમે પ્રચાર કર્યો, વિશ્વાસ રાખ્યો અને સમર્થન કર્યું એમાં અમે અડગ છીએ.

સ્કૉટ : પ્રૅસિડન્ટ ઈલૅક્ટ બાયડન આ ચૂંટણીમાં ઇતિહાસમાં કોઈએ મેળવ્યા ના હોય એટલા મતથી જીત્યા તેમ છતાં 20-20 વોટ ડૉનલ્ડ ટ્રમ્પના અસ્વીકાર કરતાં સમર્થન જેવું વધુ લાગ્યું. એમને 71 મિલિયન મત મળ્યા છે, 2016માં મળ્યા હતા એનાં કરતાં 8 મિલિયન વધારે મત થયા. આ ઉપરથી આપણા દેશ વિશે તમને શું લાગે છે?

ઓબામા : આ બાબત પરથી સ્પષ્ટ જણાય છે કે આપણો દેશ વિભાજીત છે અને મેં જેમ કહ્યું તેમ ના કેવળ રાજકારણીઓ વિભાજીત છે પરંતુ મતદાતાઓ પણ વિભાજીત છે. હવે એવી હરીફાઈ થઈ ગઈ છે કે ઓળખ અને સામેવાળી વ્યક્તિને પાડી દેવાનું મહત્ત્વનું મનાય છે, પ્રશ્નો, હકીકતો, નીતિઓનું કોઈ જ મહત્ત્વ રહ્યું નથી. એને પ્રાધાન્ય અપાય છે. વર્તમાન મીડિયાનું વાતાવરણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. જો જાગૃત નાગરિકો નહીં હોય તો આ લોકશાહી ટકી શકશે નહીં. બીજી તરફ, પ્રૅસિડન્ટ સાચું પગલું ના લઈ રહ્યાં હોય ત્યારે એમને ટોકી શકે એવાં અન્ય સ્તરે જવાબદાર ચૂંટાયેલા વહીવટદારો નહીં હોય તો પણ આ લોકશાહી નકામી સાબિત થશે. એમને ટોકવા પડે.

સ્કૉટ : મિસ્ટર પ્રૅસિડન્ટ, એવું જણાઈ રહ્યું છે કે અમૅરિકનો એકબીજા સાથે મતભેદના સ્તરેથી એકબીજાની ઘૃણા કરતા થઈ ગયા છે. (પ્રેસિડન્ટ લિંકનના તૈલચિત્ર તરફ આંગળી ચીંધતા.) વ્યક્તિનો જે પ્રશ્ન હતો ને મને વિચાર ...

ઓબામા : સામેવાળી વ્યક્તિનો દૃષ્ટિકોણ જોવાની જરૂરને પૂરેપૂરી સમજી હોય એવી વ્યક્તિ તરીકે એમણે સારો દાખલો પૂરો પાડ્યો છે.

સ્કૉટ : આજે જ્યાં આપણે આવ્યાં છે ત્યાંથી આગળ કેવી રીતે જઈ શકીશું?

ઓબામા : ઍબ્રહૅમ લિંકનને ચાહું છું એવી બીજી કોઈ અમૅરિકન હસ્તી નથી પરંતુ એમને પણ  આંતરવિગ્રહનો સામનો કરવો પડ્યો. મારા મત મુજબ આપણે ઇચ્છવું જોઈએ કે એવું ના બને. મને વિશ્વાસ છે કે નવા પ્રૅસિડન્ટ ધારે તો નવી શરૂઆત કરી જ શકે છે. એથી વૉશિંગ્ટનમાં સર્જાયેલી મડાગાંઠ ને પૂરેપૂરી ઉકેલી નથી શકાવાની. મારા મત મુજબ અવાસ્તવિક્તાને વાસ્તવિક્તાથી છૂટી પાડવાની ખાતરી આપી શકે એવાં ધોરણોને પ્રોત્સાહન આપવા અને જાહેર જનતાને પ્રશ્નો અંગે બહેતર સમજ આપવા મીડિયા અને ટૅક કંપનીઓ સાથે મળીને આપણે કાર્ય કરવું પડશે. મને લાગે છે કે આપણે સ્થાનિક સ્તરે કાર્ય કરવું પડશે.

જ્યારે આપણે સ્થાનિક સ્તરની વાત કરીએ ત્યારે મેયર, કાઉન્ટી કમિશ્નર, વગેરે હોદ્દેદારોના ભાગે નક્કર ધોરણે નિર્ણયો લેવાનું આવે છે, તાત્ત્વિક ધોરણે નહીં. એટલે જાણે રસ્તો સમો કરવાનો હોય, બરફ હટાવવાનો હોય, બાળકો સુરક્ષિત રીતે રમી શકે એવું મેદાન તૈયાર કરવાનું હોય. એ સ્તરે લોકોમાં ઊંડી ઘૃણા હોય એવું મને લાગતું નથી અને માટે લોકશાહીને કારગર બનાવવા માટે જરૂરી સામાજિક વિશ્વાસના પુન:સ્થાપન માટે આપણે ત્યાંથી શરૂઆત કરવી પડશે.

સ્કૉટ : [પ્રેક્ષકોને] મિસ્ટર ઓબામા ચાર વર્ષના સંપૂર્ણ મૌન પછી ડૉનલ્ડ ટ્રમ્પ પર બોલ્યા છે. વૉશિંગ્ટન પછી ઍડમ ચૂંટાયા ત્યારથી ચાલતી આવતી પારંપારિક આજ્ઞાને અનુસર્યા. તમારા અનુગામીની નિંદા કરશો નહીં. ‘અ પ્રૉમિસ્ડ લૅન્ડ’માં તેઓ ટકોર કરે છે કે આવું કરવું ભૂલ હતી કે શું? …

[ઓબામાને સંબોધતા] તમારા પુસ્તકમાં તમે જાતતપાસ કરતા પૂછો છો, “સત્ય બોલવામાં આકરાપણું ટાળવાનો પ્રયત્ન શા માટે કરેલો? વચન અને કર્મમાં સાવચેતી દાખવેલી કે કેમ?”

ઓબામા : હા, એ કાયદેસરની અને સમજી શકાય એવી ટીકા છે. ખરું કહું ને તો મારા રાજનૈતિક વિરોધીઓનો મારી સાથેનો જેવો વ્યવહાર હું ઈચ્છું છું એવો વ્યવહાર મેં સતત એમની જોડે કર્યો. દા. ત. જૉઇન્ટ કોંગ્રૅસ્નલ અડરૅસ દરમ્યાન જ્યારે કોઈ બૂમ પાડે કે તમે જૂઠું બોલો છે ત્યારે સંયમ રાખવો. એવા તબક્કા હતા જ્યારે મારા ટેકેદારો એવું ઇચ્છતા હતા કે હું આક્રમક બનું એનું કારણ હું સમજી શકું છું. લોકોને માથા પર ટપારી ને થોડા મુક્કા મારું એવું.

સ્કૉટ : એવું તમે ના કર્યું એ ભૂલ કરી એવું લાગે છે તમને?

ઓબામા : દરેક પ્રૅસિડન્ટ એમની પ્રકૃતિ લઈને સત્તા પર આવે છે. હું ચૂંટાયો એનું એક કારણ એ છે કે મેં એવો સંદેશો આપ્યો હતો કે અમૅરિકન લોકો સારા અને સભ્ય છે અને રાજકારણ કોઈ કુસ્તીની સ્પર્ધા નથી કે બધાં એકબીજાના ગળા પકડવા દોડે. ખાસ તો એ કે અપ્રિય બન્યા વિના આપણે સંમત થઈ શકીએ છીએ.

સ્કૉટ : 2020 કરતાં પણ ખરાબ સત્તાની બદલીઓ થઈ છે. લિંકન પ્રૅસિડન્ટ ઇલૅક્ટ હતા ત્યારે દક્ષિણના રાજ્યો સફળ થયા હતા. આમ છતાં, નૅશનલ પોર્ટ્રેટ ગૅલરીની બહાર રાજનૈતિક હિંસાના ડરથી ધંધાકીય સ્થળો હજુ ય લાકડાના પાટિયાથી ઢાંકી રાખેલા છે. પ્રૅસિડન્ટ ટ્રમ્પે આગામી ઉદ્દઘાટન દિવસે શું કરવું જોઈએ?

ઓબામા : સત્તાની શાંતિપૂર્ણ બદલી માટે આપણે અમુક પરંપરાઓને અનુસરતાં આવ્યાં છે. સત્તા છોડતા પ્રૅસિડન્ટ નવા ચૂંટાયેલા પ્રૅસિડન્ટને અભિનંદન પાઠવે, સરકાર અને સંસ્થાઓને સહકાર આપવાની સૂચના આપે. પ્રૅસિડન્ટ ઇલૅક્ટને ઓવલ ઑફિસમાં આવવા આમંત્રણ આપે. પછી ઉદ્દઘાટનના દિવસે પ્રૅસિડન્ટ એમને વ્હાઈટ હાઉસમાં આવવા આમંત્રણ અપાય છે. નાનકડું રિસૅપ્શન રાખવામાં આવે છે અને તમારે ઉદ્દઘાટનના સ્થળે પહોંચવાનું હોય છે. ત્યાં વિદાય લઈ રહેલા પ્રૅસિડન્ટ શ્રોતાજન તરીકે બેઠેલા હોય છે. નવા પ્રૅસિડન્ટ શપથ ગ્રહણ કરતા હોય તે દરમ્યાન વિદાય લઈ રહેલા  પ્રૅસિડન્ટ સામાન્ય નાગરિકની માફક બેઠેલા હોય છે, અમૅરિકન લોકો વતી શ્રેષ્ઠ કાર્ય કરવા અંગે નવા પ્રૅસિડન્ટ પ્રત્યે વચનબદ્ધ. ડોનલ્ડ ટ્રમ્પ એવું જ કરશે કે કેમ એ જોવાનું રહેશે. હજુ સુધી એમનું વલણ એવું નથી દેખાયું પરંતુ કહ્યું છે એમ આશા અમર છે. ત્યાં ક્યાંક પ્રૉમિસ્ડ લૅન્ડ છે.

સ્કૉટ : [પ્રેક્ષકોને] મિસ્ટર ઓબામાના આ શબ્દો કહ્યાના બે કલાક બાદ, એકેય રાજ્યમાંથી છેતરપીંડી કે ભૂલના અહેવાલ ના આવ્યા હોવા છતાં પ્રૅસિડન્ટ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી ટ્વીટ કર્યું કે અમે જીતીશું. બરાક ઓબામા સાથે આપણા દેશની અન્ય સમસ્યાઓ અને એના ઘરની એક સમસ્યા અંગે વાત કરવા થોડી ક્ષણોમાં પાછા મળીશું. 2009માં બરાક ઓબામાના પ્રથમ ઉદ્દઘાટન દરમ્યાન, જાહેર જનતાથી અજાણ, ઇન્ટૅલિજન્સ રિપોર્ટ હતો કે આતંકી હુમલાનું આયોજન કરવામાં આવેલું છે. પોડિયમ પર ઊભેલાં પ્રૅસિડન્ટ ઓબામા પાસે નૅશનલ મૉલમાંથી 2 મિલિયન લોકોને સ્થળ ખાલી કરાવવા માટે વાંચવાની સૂચનાઓ હતી. મિસ્ટર ઓબામાના શરૂઆતનાં વર્ષો, ચૂંટણીમાં એમનો ઐતિહાસિક વિજય અને પ્રથમ સત્રનો સમાવેશ કરતા નવા પુસ્તકમાં દર્શાવેલી નવી માહિતીઓમાંની આ એક છે. ભૂતકાળના અને વર્તમાનના યુદ્ધો વિશે અમે 44મા પ્રૅસિડન્ટ સાથે વાર્તાલાપ કર્યો. કહાણી એક પળમાં આગળ વધશે.

[પ્રૅસિડન્ટ ઓબામાને] જ્યૉર્જ ફ્લૉઈડનું ગળું દબાવવાનો વીડિયો તમે જોયો છે?

ઓબામા : હા, ચોક્કસ જોયો છે. હૃદયભંગ કરનારો છે. જો કે ભાગ્યે જ તમને આવું આટલી બર્બર્તાભર્યુ અને ખાસ્સો સમય ચાલેલું દૃશ્ય જોવા મળે જેમાં પીડિતની માનવતા આંખે ઊડીને વળગે. કોઇકની પીડા અને વિવશતા આટલી સ્પષ્ટપણે વર્તાતી હોય. મારા મત મુજબ આ એક એવી ક્ષણ હતી જેમાં ખૂબ જ ટૂંકા સમય માટે આ દેશમાં આફ્રિકન-અમૅરિકન જે વાસ્તવિક્તાની સમજ લાંબા સમયથી કેળવી શક્યા છે એની સાથે અમૅરિકાનો મોંમેળાપ થયો. દેશ આખામાં એનાથી જે ખળભળાટ મચ્યો એ મારા માટે હિંમત અને પ્રેરણા આપનારી ઘટના હતી. એ હકીકત કે માત્ર અશ્વેત લોકો નહીં, આ ઘટનાથી આઘાત પામેલા માત્ર ઉદારમતવાદીઓ નહીં જેમણે પ્રતિસાદ આપ્યો અને કૂચ કરી પરંતુ બધાં સહભાગી બન્યાં. ઘણી વખત આપણે આપણા ભૂતકાળ અને વર્તમાનનો સામનો કરવાનું ટાળીએ છીએ, એ દિશામાં આ પ્રથમ નાનું પગલું હતું.

સ્કૉટ : મિસ્ટર પ્રૅસિડન્ટ, ટ્રૅવ્યોન માર્ટિન, તામિર રાઇસ, બ્રૅયોના ટેલર, જ્યૉર્જ ફ્લોઇડ, આ અન્યાયનો અંત કેમ દેખાતો નથી?

ઓબામા : એના ઘણાં બધાં કારણો છે. પહેલું તો, આપણું ગુનેગાર સંબંધી ન્યાય તંત્ર એવું છે કે ઘણી વખત નાની વયના, પર્યાપ્ત તાલીમ વગરના અધિકારીઓને સમુદાયો વચ્ચે નિયંત્રણ રાખવા મોકલીએ છીએ. દીર્ઘકાલીન ગરીબીનાં મૂળ કારણો સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરતાં નથી. જો આ સમસ્યાનો ઉકેલ કરવો હોય તો આપણા પોલીસ અધિકારીઓ ખોટું કરીને છટકી જઈ શકે એટલી સુરક્ષાની જોગવાઇ એમની સાથે કરેલા કૉન્ટ્રેક્ટમાં ના હોવી જોઈએ. આ પોલીસ અધિકારીઓને વધુ અસરકારક તાલીમ આપવા માટે વધુ નાણાં ખર્ચવાની જરૂર છે. પોલીસ અધિકારીઓને મિજાજને નિયંત્રણમાં રાખવાનું શિક્ષણ આપવાની જરૂર છે. એનો મતલબ એ નથી કે બધી જવાબદારી પોલીસના માથે નાખી ને આપણે જવાબદારીમાંથી મુક્ત થવાનું છે, કારણ કે બધા ગોળીબારો, જીવનનું અવમૂલ્યન, એ બધું ભેદભાવના વારસા, જીમ ક્રો અને અલગતાનો હિસ્સો છે જેને માટે આપણે સર્વ જવાબદાર છીએ. ગુનેગાર સંબંધી ન્યાય તંત્રમાં નૃવંશસંબંધી ભેદભાવનો અંત આણવો હોય તો આપણે કૉર્પૉરૅટ અમૅરિકામાં પ્રવર્તતો નૃવંશસંબંધી ભેદભાવ અને લોકોને ઘર ખરીદવા જતાં જે ભેદભાવનો સામનો કરવો પડે છે તે દિશામાં પણ પ્રયત્ન કરવા પડશે. એ મોટો પ્રૉજૅક્ટ છે અને સારી વાત એ છે કે એ માટે આપણે સહિયારી જવાબદારી લઈ શકીએ એમ છીએ. આ બાબતે આપણે અત્યાર સુધી કર્યું છે એના કરતાં વધું સારું કરી શકીએ એમ છીએ. સ્કૉટ, તમે કેમ છેો? (કોણીથી કોણી ટકરાવી અભિવાદન કરે છે.)

સ્કૉટ : હું મજામાં છું, મિસ્ટર પ્રૅસિડન્ટ. અમે પ્રૅસિડન્ટ સાથે માસ્ક પહેરીને ગયા બુધવારે જોડાયા હતા અને તે દિવસે યુ.એસ.નો 1,43,000 કોવિડ ઇન્ફૅક્શનનો આંકડો થયો. નવો રૅકૉર્ડ. મિસ્ટર ઓબામાએ પણ એમના પ્રથમ સત્રમાં જે નવો ફ્લુ ફાટી નીકળેલો, એ H1N1નો સામનો કરેલો.

ઓબામા : ખરેખર, હું ડરી ગયેલો. આ પરિસ્થિતિને સૌથી સારી રીતે કેમ કાબૂમાં લઈ શકાય એ નક્કી કરવા મેં ઝડપથી એક ટીમને કાર્યરત કરી દીધી. આરંભથી મારા મનમાં અમુક સ્પષ્ટ ખ્યાલો હતા. પહેલું તો એ કે અમે વિજ્ઞાનને અનુસરીશું અને બીજું કે અમે અમૅરિકન લોકોને સારી માહિતી પહોંચાડીશું.

સ્કૉટ : H1N1 ના તો કોવિડ જેટલો ચેપી ના એટલો જોખમી હતો. જો કે, એમાં 12, 000 અમૅરિકનો માર્યા ગયા. આ પુસ્તકમાં આર્થિક કટોકટી, ધ અફોર્ડેબલ કૅર ઍક્ટ, ઓસામા બિન લાદેનને ખત્મ કરવાનો નિર્ણય અને આઠ વર્ષોનું કાર્ય બીજાના હાથમાં સોંપવું, એવા અન્ય યુદ્ધો આવરી લેવાયા છે. તમે વૉશિંગ્ટન છોડ્યું એ દિવસથી પુસ્તકની શરૂઆત થાય છે — સોંપ્યું “એવાને જે પૂર્ણત: પ્રત્યેક બાબતે અમારી વિરુદ્ધ હતા.”

ઓબામા : હું અને ડૉનલ્ડ ટ્રમ્પ એક જ બાબતે સંમત છીએ અને એ કે એ મારી કોઈ વાત સાથે સંમત નથી. આપણા વિભાજનો અને આપણી સરકારની સમસ્યાઓ માટે હું ટ્રમ્પને જવાબદાર ગણતો નથી. એમણે માત્ર વેગ આપ્યો છે, આગળ તો એ લોકો વધ્યા છે અને ટ્રમ્પ પછી પણ એ લોકો ટકવાના છે.

સ્કૉટ : તમે પુસ્તકમાં લખ્યું છે કે “ભલે જે સંજોગો ઊભા થાય, જે પ્રશ્નો ખડા થાય, દેશને જે પરિણામો ભોગવવા પડે પણ મારી સાથે કામ નહીં કરવાનું”, એવું રિપબ્લિકનોએ યુદ્ધના ધોરણે આયોજન કર્યું હતું. હવે રિપબ્લિકન વહીવટમાં ડૅમોક્રૅટ્સ માટે પણ એવું કહી શકાય એમ છે. હું વિચારું છું કે તમને શું લાગે છે કે આજના સમયમાં ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે સમાધાન શક્ય છે?

ઓબામા : પહેલું તો મને નથી લાગતું કે અહીંની એમની બન્ને સભાઓ પર આ માત્ર એક બિમારી છે. ઘણાં બધાં મુદ્દાઓ પર ડૅમોક્રૅટ્સ જ્યૉર્જ બુશનો વિરોધ કરતા પરંતુ વૃદ્ધો માટે પ્રિક્રિપ્શન ડ્રગ પ્લાનને અમલી બનાવવા ટૅડ કૅનૅડીએ જ્યૉર્જ બુશ સાથે મળીને કામ કર્યું. નૅન્સી પૅલોસી ઈરાક સામેના યુદ્ધના સખત વિરોધી હતાં પરંતુ વખતોવખત એમના સહયોગીઓના ગુસ્સા વચ્ચે પણ આપણા સૈન્યને ઈરાક મોકલવાનો નિર્ણય થયો, ત્યારે એમને પૂરતાં નાણાં ફાળવવામાં આવે એ નક્કી કરવા માટે એમણે પોતાનો મત આપ્યો.

સ્કૉટ : [પ્રેક્ષકોને] મડાગાંઠ માટે મિસ્ટર ઓબામા થોડીક જૂની ને થોડી નવી બાબતોને દોષ આપે છે.

[પ્રૅસિડન્ટ ઓબામાને] સૅનૅટની હવનમાં હાડકાં નાખવાની પરંપરા એવી છે જેને લીધે લઘુમતી પક્ષ ઘડેલાં કાયદા અને બિન-પારંપરિક મીડિયાને અવરોધી શકે છે.

ઓબામા : મીડિયાનો પરિવેશ બદલાઈ ગયો છે એના પરિણામે મતદારોના દૃષ્ટિકોણ બદલાઈ ગયા છે. તેથી મને લાગે છે કે ડૅમોક્રૅટિક અને રિપબ્લિકન મતદારો વધુ ભાગલાવાદી બની ગયાં છે. મારા પ્રૅસિડન્ટ કાળ દરમ્યાન હું રિપબ્લિકન્સના મોઢે આ વાત ઘણી વખત સાંભળતો હતો. આમાંના અમુક તો મારા સાથી કર્મચારીઓ હતાં. હું સૅનૅટમાં હતો. અમુક મારા મિત્રો હતાં અને મને આ વાત કહેતાં, હું કહેતો, જુઓ મિસ્ટર પ્રૅસિડન્ટ, હું જાણું છું કે તમે સાચા છો પણ જો હું તમને ટેકાનો મત આપીશ તો ઠાર માર્યો જઈશ એ નક્કી. હું મારી સીટ ગુમાવી બેસીશ કારણ કે એમના મતદારોમાં મારી રાક્ષસ તરીકેની એટલી બધી માહિતી ફરતી કરી છે કે મારી સાથે અફોર્ડૅબલ કૅર ઍક્ટને પણ રાક્ષસકરાર આપવામાં આવ્યો છે. આથી, જે લોકો સહકાર આપવા ઈચ્છે છે એ પણ આપી શક્તા નથી. આથી જ હું વર્તમાન પક્ષપાતીપણા માટે માત્ર ટ્રમ્પને કે માત્ર મીડિયાને જવાબદાર ઠેરવતો નથી. મારા કાર્યકાળના પ્રારંભિક તબક્કા દરમ્યાન તમે આમાંના અમુક વલણો જોયા જ હતા પરંતુ સમય જતા એ બદતર થતા ગયા છે.

સ્કૉટ : [પ્રેક્ષકોને] ભૂતપૂર્વ પ્રૅસિડન્ટે પણ ઘર આંગણેના અવરોધ સહિત એમના અસંભવિત ઉદય વિશે લખ્યું છે.

[પ્રૅસિડન્ટ ઓબામાને] 2008માં પ્રૅસિડન્ટના પદ માટેની ચૂંટણી લડવા સામે તમારી પત્નીના વિરોધ વિશે તમે આશ્ચર્યજનક રીતે પ્રામાણિક્તાથી લખ્યું છે. એમના શબ્દો તમે લખ્યા છે, “જવાબ ના છે. હું નથી ઇચ્છતી કે તમે પ્રૅસિડન્ટ પદ માટે ચૂંટણી લડો. હે ઈશ્વર. બરાક. બસ ક્યારે કહીશું?” મેં નકલ બરાબર કરી કે નહીં?

ઓબામા : આના કરતાં વધારે તીક્ષ્ણ હતો, પણ તમે સારો પ્રયાસ કર્યો, સ્કૉટ.

સ્કૉટ : પછી એ રૂમમાંથી બહાર ચાલ્યાં ગયાં. તેમ છતાં તમે શા માટે માંડી ના વાળ્યું?

ઓબામા : જુઓ, પ્રશ્ન કાયદેસરનો છે. અહીં સંદર્ભ ધ્યાનમાં રાખવાનો છે. એના બે જ વર્ષ પહેલાં યુ. એસ. સૅનૅટ માટે આટલી જ અસંભવિત ચૂંટણી હું લડેલો. એથી બે વર્ષ પૂર્વે હું કૉંગ્રેસ માટે લડેલો.

સ્કૉટ : જેમાં તમે હારી ગયેલા?

ઓબામા : હા, હારી ગયેલો. એના એક-બે વર્ષ પહેલાં હું રાજ્યની સૅનૅટ માટે લડેલો. અમારે બે નાનાં બાળકો હતાં. મિશેલ હજુ કામ કરતી હતી. મેં પુસ્તકમાં પૂછ્યું છે, આમાંનો કેટલો હિસ્સો કેવળ સ્વપ્રતિષ્ઠાનો ઉન્માદ હતો? કેટલે અંશે મિથ્યાભિમાન હતો? કેટલી હદે હું મારી જાત સમક્ષ કશું પુરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો? સમય જતા એણે નિષ્કર્ષ કાઢી આપ્યો કે મારે આના રસ્તામાં ન આવવું જોઈએ. એણે …

સ્કૉટ : પ્રૅસિડન્ટ બનવાની તમારી મહત્ત્વાકાંક્ષા આડે એમણે ના આવવું જોઈએ એવું?

ઓબામા : હા. એને ખૂબ કચવાટ સાથે એવું કર્યું. અંતે હું જીત્યો એના કારણે એની નિરાશામાં વધારો ના થયો, કારણ કે કુટુંબ પર જે બોજ પડે છે એ વાસ્તવિક હોય છે.

સ્કૉટ : મને લાગે છે કે તમે દિવસ-રાત એક કરવા પડે એવા કાર્યકાળમાંથી બહાર આવો ત્યારે ખ્યાલ આવે છે કે તમને જે બધું વહાલું હોય છે, તે, તમે જેને પ્રેમ કરો છો એને આભારી હોય છે.

ઓબામા : મને લાગે છે કે એનો તો મને મારા કાર્યકાળ દરમ્યાન જ ખ્યાલ આવી ગયો હતો. એણે એ વાતને માન્ય રાખી ને મને માફ કર્યો એ એની મહેરબાની છે જેને માટે હું એનો આભારી છું. મને ખબર નથી કે હું એને લાયક છું કે નહીં.

સ્કૉટ : [પ્રેક્ષકોને] હાલ, ૫૯ વર્ષની ઉંમરે મિસ્ટર ઓબામા એમના પ્રૅસિડેન્શ્યલ સેન્ટર તૈયાર કરવામાં વ્યસ્ત છે.  

ઓબામા : શિકાગોની દક્ષિણ દિશામાં, ઐતિહાસિક જૅકસન પાર્કમાં આવેલું છે. આ સ્થળે મિશેલ અને મારી મુલાકાત થઈ હતી. અહીં મેં મારા જાહેર જીવનની શરૂઆત કરી હતી.

સ્કૉટ : [પ્રેક્ષકોને] એમની ટીમે અમને મોડલ બતાવ્યું છે. મિસ્ટર ઓબામાના ફાઉન્ડેશને ખાનગી દાનમાંથી કુલ $500 મીલિયનના અડધા ઉપર નાણાં ભેગાં કરી લીધાં છે. શરૂ કર્યા પછી લગભગ ૪ વર્ષ લાગશે.

ઓબામા : અહીં અમે ઓવલ ઑફિસનું પ્રમાણભૂત મોડલ બનાવીશું અને મિશેલનાં વસ્ત્રો રાખીશું જે વિનાસંદેહ ખૂબ લોકપ્રિય બનશે. આ ઉપરાંત અમે ઘણી બધી સગવડો ઊભી કરીશું જેમાં જાહેર સેવાઓમાં રસ ધરાવતા યુવાનોને વર્ગ તાલીમ અપાશે અને એક સુંદર પાર્ક વિકસાવીશું જ્યાં અભાવમાં ઉછરેલાં યુવાનોને લાભ મળી શકશે.

સ્કૉટ : [પ્રેક્ષકોને] ઓવલ ઑફિસની છેલ્લી ક્ષણોમાં મિસ્ટર ઓબામાએ એમના અનુગામી માટે પ્રૅસિડન્ટના ડૅસ્કમાં ચિઠ્ઠી મૂકી હતી. એનો અંશ કંઈક આવો છે, “આપણે આ ઑફિસના હંગામી વાપરનારા છે. આપણી લોકશાહીના ઓજારોને કમ સે કમ આપણે મેળવેલા ત્યારે હતા એટલા મજબૂત છોડીને જઈએ.”

ઓબામા : અંતિમ દિવસે, તમે જે ટીમ જોડે કામ કર્યું હોય એના પર લાગણીઓ કેન્દ્રીત હોય છે. યુદ્ધના સમય સિવાય એવાં જ પ્રકારનાં દબાણ અને તાણ હેઠળ લોકોનો સમૂહ સાથે મળીને સાતત્યપૂર્ણ રીતે કાર્ય કર્યું હોય એવું ભાગ્યે બનતું હોય છે. એમાં ઉદાસી હોય છે. જો કે એમાં કાર્ય પૂર્ણ કર્યાનો એક સંતોષ પણ હતો અને મેં એના વિશે લખ્યું છે. મેં મારા ભાગની દોડ પૂરી કરી હતી અને નિ:સંદેહપણે હું કહી શકું છું કે અમુક લક્ષ્યો સિદ્ધ ના કરી શકવા સંબંધી અધૂરપો, વસવસાઓ, નિરાશાઓ છતાં મેં સુકાન સંભાળ્યું ત્યારે હતો એના કરતાં દેશ વધુ સારી સ્થિતિમાં હતો.

~

e.mail : [email protected]

સ્રોત : https://www.youtube.com/watch?v=mAFv55o47ok            

Category :- Opinion / Interview