ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.નો "ભાષાસંસ્કાર વૈભવ"

સતીન દેસાઈ − ‘પરવેઝ’; ‘દીપ્તિ “ગુરુ
15-09-2020

જે દેશની આબોહવામાં ભાષાલક્ષી આવો મંત્ર ગુંજતો હોય "ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ ને ગુજરાતી જીવીએ." અર્થાત્‌ જેની સર્વ પ્રજ્ઞાઓથી માંડી, શ્વાસ-પ્રાણ ગુજરાતી ભાષા પ્રદાન કરતી સરસ્વતીને સમર્પિત હોય, એવા યુનાઇટેડ કિંગ્ડમના જાગૃત  ભાષાસંવર્ધકોને વંદન કરતા પૂર્વે, ગઝલ ગુરુવર રાજેન્દ્ર શુક્લના શિષ્ય હોવાના નાતે, હું સ-વંદન એમનો ભાષાલક્ષી મત્લાનો આ એક શેર ટાંકી, આ આલેખનને શણગારીશ.

"તતત તોતડાતાં ભરે ડગ આ ભાષા,
અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે?
ગઝલ તો હજી આવવાની હવે છે,
હજી પૂરું, વાતાવરણ ક્યાં રચ્યું છે!”

                                         − રાજેન્દ્ર શુકલ

[ગુરુવરની ‘ગઝલસંહિતા’નું ‘સભર સુરાહી’ પુસ્તક; પૃ.105]

મંડળની ગઝલનો આ પ્રશ્નાર્થ એના યથાર્થ સાથે ખરેખર જ ગુજરાતમાં આજના ગુજરાતી ભાષાસાહિત્યનાં વાતાવરણને લાગુ પડે છે, કે જ્યાં ઝવેરચંદ મેઘાણી, રાજેન્દ્ર શાહ, બ.ક. ઠાકોરથી માંડી ઉમાશંકર જોષી જેવા અણિશુદ્ધ ભાષા આરાધકોના અભાવે આજે રાજેન્દ્રભાઈના ઉપરોક્ત કથનની વેદનાઓને પડઘાતી કરી દીધી છે. ત્યારે યુનાઇટેડ કિંગ્ડમનાં એ પરભાષીય વાતાવરણમાં ય  નિજ ભાષાકીય નાભિનાદ ગુંજને પ્રત્યેક ગુજરાતીમાં મંત્રસ્થ કરવાને પ્રતિજ્ઞારત એવા સમાધિસાધકો છેલ્લા પાંચ દાયકાઓથી અવિરત અથાક યજ્ઞ કરી રહ્યા છે. જેનો સારગર્ભ એમના જ સેવી પંચમ શુક્લના આ શેરમંત્રમાં આપણે પામી શકીશું.

"મિલન પળ અધૂરી કદી આવજો ના.
કશી બેસબૂરી કદી આવજો ના."

                                      − પંચમ શુક્લ

સાક્ષાત્‌ બ્રહ્મ-દર્શનની ઘડીઓને આનંદ ઉલ્લાસે ઉઘાડતો આ પંચમભાઈનો શેર જ એ અકાદમીના પૂર્ણ ધ્યેય-٘મિલન અને એની કબીરી સબૂરીની પ્રતીતિ કરાવે છે.

સગર્વ પંચમભાઈને એ સંકલ્પનો અધિકાર પણ છે જ, કે તેઓ છેલ્લાં પાંચ વરસથી અકાદમીના મૂર્ધન્ય સ્થાપક, સંવાહક અને માર્ગદર્શક એવા ગાંધીવાદી વિચારશૈલી ધરાવતા મૂલ્યનિષ્ઠ, નિર્ભીક પત્રકાર, કટાર તથા નિબંધ લેખક વિપુલ કલ્યાણીના શિષ્યપદે અકાદમીના દેશ વિદેશના પ્રચાર-પ્રસાર કાજે વેબસાઈટ અને ડિજીટલ માધ્યમનો સ-કુનેહ ઉપયોગ કરે છે. કારણ કે એ સ્વયં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગમાં ડોક્ટરેટ હોઈ, ત્યાં એન્જિનિયરીંગ અધ્યાપક તરીકે મેટ્રોપોલિટન યુનિવર્સિટી સંલગ્ન સેવાકર્મ સાધે છે.

જ્યારે આપણું ગુજરાત આ ભાષા સમૃદ્ધિ જાળવવા અનેકાનેક સરકારી બિન સરકારી માધ્યમોથી ભેખ ધરી રહ્યું છે, ત્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં માતૃભાષાના એ પ્રથમ ઉદ્દગારની જ અમૃત વાણીલીલાના પર્વ પળેપળ ઉજવવાની અમીટ તરસ સીંચનાર કેટલાક જાગ્રત વીરોએ મુશાયરા પ્રવૃત્તિઓ દ્વારા વિલાયતના લેન્કેશર પરગણામાં ઓઞણીસો પંચોતેરના ગાળામાં ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ની સ્થાપના કરી, પ્રવૃત્તિઓને યુરોપ સુધી વેગ આપ્યો. પછી લંડન ખાતે ‘ગુજરાતી સાહિત્ય સંઘ’નું નિર્માણ થયું. જે સમય જતાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’માં રૂપાંતરિત થયું. આ ચૈતન્ય પૂર્વે ઓગણીસસો ચોસેઠમાં ત્રણ ગુજરાતી શાળાઓએ અસંખ્ય શિક્ષકો તૈયાર કર્યા.

માતૃભાષા લેખનીની અનન્ય પિપાસાએ અનેક જાગ્રત લહિયાને લંડનના સામાયિક ‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’ અને 'નવ બ્રિટન’ વગેરેમાં દીપાવી ઝળહળતાં કર્યાં. પણ એમનાં ચૈતન્યને ભાષાના મોરપીંછ શણગાર ને મેઘધનુના સપ્તરંગી ઝબકારમાં સજાવવા કાજે કવિસંમેલનના પ્રણેતાઓએ ઓગણીસો સત્યોતેરમાં સૂર્યકાંત દવેના નિવાસ સ્થાને, કવિ ડાહ્યાભાઈ પટેલ, વિપુલ કલ્યાણી સહિત અનેક ભાષાભક્તોના કપાળે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપનાનું ચંદન તીલક કર્યુ. જે હજી આજે સાડા ચાર દાયકાના ગાળામાં યે એઓની ભાષા સંસ્કૃતિ સાધનાભક્તિની દીવાનગીના કારણે એવું જ ઝળહળ મહેકે છે.

સંસ્થાકીય ઉપક્રમોને આગળ વધારતા પહેલાં, હું એ ભાષાઋણત્વની એક ઝલક જે મેં અનુભૂત કરી છે, એ વિશે સહેજ ફોડ પાડું કે જ્યારે તમે માતૃભાષા જ શ્વસતા હોય, ત્યારે એ સમાન જીવો વચ્ચે અપિરિચિતતાનો કે અંતરનો કોઇ અવકાશ ક્યાં ય રહેતો જ નથી. ડાહ્યાભાઈ પટેલને સદેહે હું સન્મુખ નથી થઈ શક્યો. પણ એમની કવિતાના આસ્વાદ ગ્રંથમાં મારો આસ્વાદ આલેખિત છે. તો એઓએ રચિત સત્યેશ્વર ગાંધીજી ફાઉન્ડેશનમાં પ્રતાપ પંડ્યા અને મોહનભાઈ બારોટની કૃપાઓથી અનેક વાર મેં મંચ શોભાવી શબ્દ પુષ્પો અર્પણ કર્યા છે. વિપુલભાઈને તો "નિરીક્ષક" સામાયિકમાં તથા અનેક અખબાર પત્રોમાં વાંચી ધન્યતા અનુભવી જ છે. જ્યારે પંચમભાઈ મારા વતન દાહોદના જ ગુરુવર રાજેન્દ્ર શુક્લના ઋષિવંશને શોભાવવા જ મિત્ર દિલીપભાઈ તથા રાજેશ્વરીબહેનનાં કૂળચરિત્રને અધ્યાત્મવાદથી શોભાવવા અવતર્યા હોવાથી જ, એમનું સાન્નિધ્ય અનેક અવસરે એમના આ શેર જેમ જ માણ્યું છે.

"શિખર પર ગોઠવી શૈયા ઉદિતની રાહ જોઉં છું.
ઘટાટોપે છો ઘેરાઉં તડિતની રાહ જોઉં છું. 

પ્રતિ ક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.”

                                                         − પંચમ શુક્લ

જનમજાત જ અધ્યાત્મના શિખરે ઉદિતની રાહ જોતાં, હરેક સહ સમભાવ દાખવનાર પંચમભાઈએ એમનું સાહિત્યસર્જન કર્મ તથા સેવાકર્મ સંભવિત શૈલીમાં નહીં, પણ સંકલ્પની શ્રદ્ધેય શૈલીમાં જ સિદ્ધ કર્યું છે. એથી જ એઓ યુનાઇટેડ કિંગ્ડમનિવાસી હોવા છતાં, ‘નવનીત સમર્પણ’, ‘શબ્દ સૃષ્ટિ’, ‘કવિલોક’, ‘કવિતા’ એવા” અગણિત સુપ્રસિદ્ધ ગણનાપાત્ર ગુજરાતી સામાયિકોમાં યુનાઇટેડ કિંગ્ડમની અકાદમીને ઝળહળાવી રહ્યાં છે.

અકાદમીના ભેખધારીઓ રાજકીય લક્ષણા દાખવ્યા વિના, એકત્વના જ એકલક્ષી તારે વણાઈ, વિપુલભાઈના નેજા હેઠળ સાહિત્ય સંસ્કૃતિ તથા કલા ઉન્નતિના જે સંયોજનો કરે છે, એ અકલ્પનીય છે. કવિ સંમેલન, સાહિત્યિક સેમિનાર, લિટરેરી ફેસ્ટીવલ, પુસ્તકમેળા, બહુવિધ વ્યાખ્યાન આયોજન, ચર્ચાઓ, નૃત્ય સંગીત તથા ચિત્રકામને ય પ્રાધાન્ય આપવામાં એ ગૌરવ અનુભવે છે. વિપુલભાઈની વિલક્ષણ ચૈતન્ય દ્રષ્ટિને કારણે, એમણે 1995થી સ્થાપેલ “ઓપિનિયન" મેગેઝીનને કારણે અનેકવિધ દેશોના બુદ્ધિજીવી સર્જકોના સર્જનાત્મક વિચારોની આપ-લે એ ક્રાંતિ જગાવી છે. વાણી વિચારની અવકાશી મોકળાશને જગવનાર આ સર્જકના ઐતિહાસિક કતૃત્વે ગુજરાતી લેક્સિકોનની સામગ્રીના પ્રચાર અને પ્રસારને જે વેગ દીધો છે, એ અતૂલ્ય છે. તો એમની વિચાર પ્રધાન લેખનીઓ પણ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં સુવર્ણ અક્ષરે અંકિત જ છે.

અંતે, આ સાહિત્ય અકાદમીને મારી સલામી દેતા એ જ કહીશ કે પંચમ શુક્લના આ શેરની જેમ મા સરસ્વતીનાં શરણમાં સર્વ સમર્પિત કબૂલાત સાથે નિસ્વાર્થ નિજાનંદી ભાષાઅર્ચન કરતા આ ભક્તોને  ઈશ્વર જોરે કલમ ઔર જ્યિયાદા દે. 

"તમે સનાતન લીલાં ભગવન.
અમે વિનાશી ટીલાં ભગવન.
તમે અગોચર પાવડી,
અમે રગશિયા ચીલા ભગવન."

પંચમભાઈ, આપની આ ઈશ્વરીય વંદના શીશે ચડાવતા એટલું જરૂર કહીશ કે તમે સૌએ ભાલે જે ભાષાભક્તિ-તિલક કર્યાં છે, એ અવિનાશી છે જ અને અવિરત અવિનાશી રહેશે જ. કારણ કે તમે જે સરસ્વતીને સાધો છો, એની પાસે તમારા શેર જેમ જ ક્યાં કૈં  બિન જરૂરી માગો છો?

"અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિન જરૂરી કદી આવજો ના."

એ/3 અભિલાષા ફ્લેટ, પારિજાત સોસાયટી પાસે, ફતેહપુરા, પાલડી અમદાવાદ.  380 007

સૌજન્ય : “તોફાની તાંડવ” દૈનિક, અમદાવાદ : તંત્રી - જિગર ઠકકર; 10 સપ્ટેમ્બર 2020

Category :- Diaspora / Features