વેબિનાર

રવીન્દ્ર પારેખ
08-07-2020

શું છે કે આજકાલ ડોબીનારનો,
સોરી, વેબિનારનો રાફડો ફાટ્યો છે
તો મને ય થાય છે કે
હું પણ વેબિનાર કરું,
પણ આવડત ઓછી ને મિલકત વધારે
એટલે વેબિનારને બદલે
ડોબી નારથી જ ચલાવવું પડે છે
જો કે હું પણ ઓછો નથી
મને પણ થાય કે બધાં જ જો
વેબિનાર વેબિનાર રમતાં હોય તો
હું પણ શું કામ રહી જાઉં?
એટલે મેં એક વેબિનાર મિત્રને સાધ્યો,
કહ્યું, 'મારે પણ વેબિનારમાં ભાગ લેવો છે.'
તો એ કહે, 'તને સલાહ આપતા આવડે છે?'
મેં કહ્યું, 'ના.'
'તો તું ના ચાલે.'
'પણ મારી પાસે પૈસા છે.'
'તો તું ચાલે, પણ લોકોને શું પૈસા બતાવશે?'
'પૈસા તો રખાય, બતાવાય નહીં!'
‘સારું, તો તું શું કરી શકે એમ છે?'
'હું નાટક કરી શકું?'
'સ્ટેજની બહાર કરી શકે?'
'બહાર તો ટકટક કરી શકું, પત્ની સાથે.'
'બીજાની પત્ની સાથે?'
'પત્ની તો પોતાની જ હોયને!'
'કેમ બીજાની ના હોય?'
'હોય પણ તે મારી ના હોયને!'
'બીજાનાં ભાઈબહેન આપણા હોય તો
બીજાની પત્ની આપણી ના હોય?'
'મારી તો ના જ હોય.'
'તું ચર્ચા કરી શકે?'
'વિષય ખબર હોય તો કરી શકું.'
'ચર્ચા તો વિષય ન હોય તો જ થાયને!'
'એ તો દખલ કહેવાય.'
'દખલથી જ દાખલ પડી જવાય.'
'હું દાખલ ના પડી શકું.'
‘ઓકે. તને કવિતા આવડે છે?'
'બહુ જ સરસ સોનેટ લખું છું.'
'સોનેટ, નેટ પર ન ચાલે.'
'ગઝલ પણ આવડે છે, ચાલે?'
'આવડે તે ન ચાલે, ન આવડે તે જ ચાલે.'
'હું સમજ્યો નહીં.'
'ગઝલના છંદ, પ્રાસ આવડે છે?'
'એમાં તો હું એક્સપર્ટ છું.'
‘ડોબા, એક્સપર્ટનું આમાં કામ જ નથી'
'તો કોણ ચાલે?'
'તને જોનારને મૂરખ બનાવતા આવડે?'
'એ બાબતમાં હું મૂરખ છું.'
'બીજાને ખાલી ખાલી વખાણતા આવડે?'
'એ તો ખુશામત કહેવાય.'
'ટોળું ભેગું કરતાં આવડે?'
'સોશિયલ ડિસ્ટંસિંગમાં ટોળું?'
'ઓનલાઈન તો ટોળું કરાયને?'
'તે કેમ કરવાનું?'
'તે ન કરે તો તને લાઈક કોણ કરશે?'
'એ તો નથી આવડતું.'
'જાતને આગળ કરતા આવડે છે?'
'પાછળ રાખવામાં  જ જિંદગી ગઈ.'
'તો તું પાછળ જ રહે, બીજાને આવવા દે -'

e.mail : [email protected]

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક પૂર્તિ’, “સંદેશ”માં કવિની વ્યંગ કૃતિ

Category :- Poetry