કોરોના ક્રૂર આ કારમો

નટવર ગાંધી
28-05-2020

છેલ્લા કેટલાક મહિનાઓથી ટી.વી., રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લાં સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયાં છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું?

આવી કટોકટીને સમયે સંત પુરુષો અને ધર્મગુરુઓ આવી હોનારતોમાં ઈશ્વરનો હાથ જુએ છે.  1932માં બિહારમાં થયેલ ભયકંર ધરતીકંપને ગાંધીજીએ ત્યાંની અસ્પૃશ્યતાના પાપની દૈવી સજા તરીકે જોયો હતો!

રાજકર્તાઓ અને અમલદારો કે જેની જવાબદારી પ્રજાની સંભાળ લેવાની હોય છે તે એમ પણ કહે કે આવા વાયરસમાં કોઈ મહામારી થવાની નથી, આવી હોનારતો થયા કરે, એની ચિંતા કરવાની જરૂર નથી. જે કાંઈ થયું છે તેનો ઉકેલ તરત થઈ જશે. આમ કહીને આખીયે વાત હસી કાઢવાનો પ્રયત્ન કરે છે. અમેરિકામાં જ્યારે વધુ ને વધુ લોકો કોરોના વાયરસથી મરવા લાગ્યા છે ત્યારથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આવી ચાલબાજી ચલાવી રહ્યા છે. પણ આવા ભયંકર અને ખતરનાક વાયરસ સામે આવી ચાલાકી નથી ચાલતી.

નોંધપાત્ર વાત તો એ છે કે આવા વિનાશક સમયે પણ આપણી આજુબાજુની કુદરતી દુનિયા તો એના નિત્ય ક્રમ પ્રમાણે જ ચાલ્યા કરે છે, ઋતુઓ બદલાતી રહે છે, જાણે કે પ્રકૃતિને વાયરસ અડતો જ નથી! 

આવા વિચારોને મુક્ત ઝૂલણા છંદમાં સાંકળી લેવાનો અહીં પ્રયાસ કર્યો છે.

(મુક્ત ઝૂલણા)

દૂર કો પૂર્વનાં દેશથી આવતો વાયરો, કારમો
લાવતો વાયરસ જબર એક ક્રૂર ને જીવલેણ,
કોઈ કહે આ તો છે ઓગણીસ આંકડા માંડતો કોવીડો વાયડો,
કોઈ કહે આ તો છે કોરોના નામનો રોગ મોટો,
ક્યાં ય એનો નથી કોઈ જોટો.

એ તો માણસ માણસ જોતો જાય, માણસ, માણસ ખાતો જાય, હડફેટે જે ચડ્યું, સામે જે કોઈ મળ્યું,
છોટુ મોટું, સાચું ખોટું, ડાહ્યું ડમરું, સારું નરસું,
રંક તવંગર, શઠ, સંત ને શેઠ શામળશા, રાંક ગરીબડા, બડા સાહ્યબા,
ફરક પડે નહીં એને, એ તો કોઈ ભેદ વગર ને ભાવ વગર ને ભાન વગર
હરખ હરખ સહુ ભરખી જાય.

નર્સ ને ડોકટરો માત્ર એટલું કહે :  ના, ના, ના, મના, મના, મના,
ના આના, ના જાના, ના મિલના મિલાના,
ને હાથ તો કભી ના મિલાના, બસ બરાબર ધોના,
માસ્ક લગાના, હાથ છૂપાના, કછું નહીં છુના,
થાશો નહીં તો ફના, ફના ને ફના, સર્વથા ફના,
લોકડાઉન, લોકઇન, બારણાં બધા જ બંધ,
નહીં મિલન, નહીં સમ્મેલન, આલિંગન તો નહીં, નહીં,
ઘર ઘર પિંજર કેદ થઈને રહો ને કરવું હોય તે કરો,
પણ છાના માના, છાના છપના,
ખાના, પીના, સોના, પણ જોજો હોં ઘરમાં ને ઘરમાં.
થાશો નહીં તો ફના, ફના ને ફના, સર્વથા ફના.
આ બધું સાંભળી ધરપતે સુઈ ગયા લોક સૌ
જાગીને જોવે તો
કૂદકે  ભૂસકે કોવીડો વધ્યા કરે
લોક સૌ ફડફડે, તડફડે, પછી પડે,
મોતનો આંકડો રોજ ઊંચો ચડે,
કોયડો બડો થયો. 

જે બધા પ્રમુખ ને પ્રધાન છે, એ બધા મૂછ કૈં મરડયા કરે,
બાદશાહ, વાહ વાહ હજૂરિયા,
પિષ્ટમ પેષણ ભાષણ કરતા બહુ કહે:
જી હજુર, કોવીડો? કોવીડો છે જ ક્યાં?
નથી, નથી અહીં નથી, ને હોય તો ય શું થયું?
એવું તો થયા કરે, લોક તો મર્યા કરે, વાત કંઈ નવી નથી.
અમે બધા હાજર અહીં,
હારવી હિમ્મ્ત નહીં, હારશે વાયરસ કોવીડો.

થોડી તો ધીરજ ધરો,
કોવીડો કાઢવા, નોતર્યા છે ભુવા,
મંતરે જન્તરે, ગોતશે, કોઈ અક્સીર દવા ને ઈલાજો નવા,
જાદૂથી ભસ્મ ભેગી થશે લેબમાં, જાણશો વેબમાં,
ગૂગલે જાણવું, ક્યાં જવું, ના જવું,
વિષય ચિન્તા તણો છે જ ના, છે જ ના, નાસશે વાયરસ કોવીડો.

થોડી તો ધીરજ ધરો,
જેમ આવ્યો જ તેમ
જરૂર પાછો જશે વાયરસ કોવીડો.
થોડી તો ધીરજ ધરો,
આવતા ગ્રીષ્મના ધખધખ્યા વાયરા કોરડા વીંઝશે,
આભની આગમાં રાખ થઈ ઉડશે, વાયરસ કોવીડો.

આ બધું સાંભળી ધરપતે સુઈ ગયા લોક સૌ
જાગીને જોવે તો
કૂદકે  ભૂસકે કોવીડો વધ્યા કરે
લોક સૌ ફડફડે, તડફડે, પછી પડે,
મોતનો આંકડો રોજ ઊંચો ચડે,
કોયડો બડો થયો. 

ધર્મની જે ધજા ભવ્ય ઊંચી ધરે,
વૈષ્ણવો તે કહે: પ્રશ્ન છે માત્ર આ માનવી જાતનો,
પાપ એણે કર્યા, બહુ કરી છે મજા, ના કરી કૈં પૂજા,
ને રજા દૈ દીધી દેવને,
કાળું ધોળું કર્યું, રાંકને ત્રાસ આપ્યો ઘણો,
એ બધા પાપ ધોવા કરી ધામધૂમે કથા રામની,
અગરબત્તી કરી, પૂજન ભક્તિ કરી, 
કાશીએ ઠેઠ જઈ સ્નાનથી સ્વચ્છ થૈ, ધ્યાન ઊંડું ધર્યું, દાન મોટું કર્યું,
તે છતાં પાપ ધોવાય નહીં, મેલ એનો જ એ ઉખડે નહીં જરી,
તેની છે આકરી આ સજા તે હવે ભોગવો,
ભાગ્યમાં જે લખ્યું, તે થકી છૂટકો છે નહીં.

સંત થઈ ઠાવકા, બોધ કૈં આપતા:
આપણા પાપનો મેલ ધોવા બધો,
ઈશ્વરે મોકલ્યો કોવીડો કારમો,
જ્યાં સુધી માનવી જાત પાપી હશે, દંભી ઢોંગી હશે,
ત્યાં સુધી ક્રૂર આ દાનવી કોવીડો આવશે,
મોતની ભઠ્ઠીમાં માનવી જાતને હોમશે.

પ્રશ્ન છે માત્ર આ માનવી જાતનો,
કુદરતે અસર ના, કસર ના,
ઝાડ, પાન, ધાન, પાક, પુષ્પ કૈં હજાર જાત, પારિજાત
કેસુડો, કેવડો, ગુલાબ લાલ, મંજરી
ફુલતાં, ફાલતા, ઝૂલતા, હર્યા ભર્યા,
કોવીડો એમને અડે નહીં, નડે નહીં!

પ્રશ્ન એક માનવી જાતને,
વર્ષ ચાર પાંચ બાદ યાદ કોણ રાખશે?
કે હતો એકદા કોવીડો નામનો વાયરસ?
ટાળવા કારમા ક્રૂર એ રોગને વાત જે કરી હતી, વચન આપ્યું હતું?
વાત જો ટાળી ને વચન ભંગ જો કર્યું,
કોવીડો આવશે ફરી ફરી, નકી, નકી.
જાણવું માનવી જાતને.

Category :- Poetry