નગર લૉકડાઉનમાં

પાર્થ પ્રદ્યુમ્ન પંડ્યા
03-04-2020

રાત્રે અઢી-ત્રણ વાગ્યે
ચોકીદાર ઝોકું ખાય
કે તરત જ
ઓરડાની બારી વાટે
કૂદી આવે છે
સ્ટ્રીટલાઇટનો ઝાંખો પ્રકાશ

અને
ઊભો રહી જાય છે
સામેની દીવાલના ટેકે
ફુસફુસિયા અવાજમાં
કહી સંભળાવે છે
લૉકડાઉનમાં સપડાયેલા નગરની વાત

સન્નાટો છે ચોમેર
ના પાવરલૂમનો ઘોંઘાટ,
ના કારખાનાની સીટીનો ધ્રૂજતો ચિત્કાર
કૂતરું પણ હવે ભસે છે, જવલ્લે જ

ઠરી ગઈ છે 'અમ્મા'ની ચાની કીટલી
થંભી ગયાં છે 'ચાચા'ની રિક્ષાનાં પૈડાં
જનાર્દનના પડીકીના ગલ્લા પર
બાઝી ગયાં છે બાવાં

ઘરોના
અધખૂલા દરવાજા પાછળ
બિડાઈ ગઈ છે
આખેઆખી માણસજાત

સૂમસામ થઈ ગયો છે
ધમધમતો મારગ
ના રસ્તો માપતા પગ
ના કોઈ પગરવ
બચી છે રોજમદારોના પગની છાપ

ભૂખથી હારીને
જિંદગીને પોટલાંમાં બાંધીને
જેઓ ચાલી નીકળ્યા'તા
કુટુંબકબીલા સાથે

રોજ મારી ઊંઘ ઉડાવીને
ચાલ્યો જાય છે
સ્ટ્રીટલાઇટનો ઝાંખો પ્રકાશ

Category :- Poetry