આ અહીં પાર આવ્યા

નટવર ગાંધી
04-01-2020

પન્નાને જન્મદિને, 28 ડિસેમ્બર 2019

જુઓ, સખી, જરૂર આ અહીં પાર આવ્યા!
જુઓ, સખી, ફરી જુઓ, અહીં પાર આવ્યા!
ઝંખ્યું હતું સતત તો ય ન આશ જેની,
સ્વપ્ને હતું સતત તો ય ન શક્ય એવું,
ઝંઝાભરી સફર પાર કર્યા પછીનું,
આ આપણું મિલન મિષ્ટ અભીષ્ટ કેવું!


માર્ગે હતા વિકટ સંકટ, કૈંક કષ્ટ,
ને નિયતિ હતી વિચિત્ર ન સાથ દેતી,
સાથે ન કોઈ બસ આપણ એકલા બે,
દેતા રહ્યા ઉભય હિંમત હાથ, સાથ,
ના હારતા, મથી રહ્યા દિન રાત કેવા!
રે એમ તો દિવસ માસ, અનેક વર્ષ,
ને દાયકા વીતી ગયા કંઈ વ્યર્થ, તો યે
જુઓ, સખી, જરૂર આ અહીં પાર આવ્યા!

--

                                            - નટવર ગાંધી

(ડી. એચ. લોરેન્સના એક કાવ્યનું શીર્ષક: Look! We Have Come Through!)

Category :- Poetry