સુધા

રોહિત વઢવાણા
14-09-2019

પોતાની આદત મુજબ, સુધાએ સવારનો નિત્યક્રમ પતાવીને બાલ્કનીમાં રાખેલી ખુરસી પર બેસતાં ચાનો એક ઘૂંટ ભર્યો. માર્ચની શરૂઆત હતી. સૂરજ હજુ તપ્યો નહોતો. તેણે ટિપોઈ પર મૂકેલું સમાચારપત્ર ઉઠાવ્યું અને હેડલાઈન જોઈ ગઈ. સમાચારોમાં કઈ ખાસ રસ પડે તેવું લાગ્યું નહિ. આકાશમાં ઊડતાં પક્ષીઓ અને નીચે મેદાનમાં થતી ચહલપહલ જોતાં તેણે ચા પૂરી કરીને કપ સામે રાખેલી ટિપોઈ પર મૂકી દીધો.

સવારની આહ્લાદકતાને શ્વાસમાં ભરતાં તેણે ફરીથી છાપું ઉઠાવ્યું અને પાનાં ફેરવવા લાગી. અચાનક તેની નજર એક મોટા રંગીન ચોકઠામાં છપાયેલી જાહેરાત પર પડી. રિલાયેબલ કંપનીએ ગ્રેજ્યુએટ થયેલી, અંગ્રેજી બોલી શકતી હોય તેવી યુવતીઓ જોગ નોકરી માટે વોક-ઈન ઇન્ટરવ્યૂ રાખેલા. અગિયારથી પાંચ સુધી હોટેલ ક્રાઉન સ્ટારમાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા અને સર્ટિફિકેટ સાથે જવાનું હતું.

રિલાયેબલ ગુજરાતની સૌથી મોટી કંપની હતી, અને તે માત્ર અનેકવિધ બિઝનેસ એક્ટિવિટી માટે જ નહિ, પરંતુ તેની સામાજિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે પણ જાણીતી હતી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની પ્રવૃત્તિઓ હેઠળ રિલાયેબલ કંપનીએ અનેક શાળાઓ, દવાખાનાઓ, વૃદ્ધાશ્રમો, પુસ્તકાલયો અને દેવાલયો બનાવેલાં. તેના ચેરમેન સમાજ સેવા માટે જાણીતા હતા અને તેનું નામ ખૂબ સમ્માનથી લેવાતું.

સુધાને થયું, ચાલ ઇન્ટરવ્યૂ આપી આવું. ગ્રેજ્યુએટ છું અને ઇંગ્લિશ તો કડકડાટ બોલું છું તો બીજું શું જોઈએ તેમને? નોકરીનો પૂર્વ અનુભવ માંગ્યો ન હતો તેની ખાતરી તેણે ફરીથી જાહેરાત વાંચીને કરી લીધી. સ્પષ્ટ લખેલું હતું - નો એક્સપિરિયન્સ રિક્વાયર્ડ. સુધાએ છાપું ટિપોઈ પર મૂકી દીધું અને આંખ પર આવતા ખુલ્લા વાળ હાથ વડે દૂર કર્યા. તેણે શાળાએ જવા નીકળતાં બાળકો અને તેને છોડવા જતાં પેરેન્ટ્સ પર પોતાની બાલ્કનીમાંથી નજર નાખી. સુધાના મનમાં વિચાર આવ્યો કે માવતર પોતાના છોરુંઓને કેટલી આશાથી ભણાવતાં હોય છે કે મોટા થઈને ખૂબ સફળ થાય અને સારી નોકરીએ લાગે.

ફરીથી તેને ઇન્ટરવ્યૂ અંગે ખ્યાલ આવ્યો, પણ હવે તેનું મન થોડું કોચવાયું. તે નક્કી નહોતી કરી શકતી કે એપ્લિકેશન લઈને ઇન્ટરવ્યૂ આપવા જવું કે નહિ. મનમાં એક વિચાર એવો આવ્યો કે 'ચાલ જતી આવું, બહુ બહુ તો ના કહી દેશે, બીજું શું?' પણ બીજો વિચાર હાવી થઇ રહ્યો હતો. 'શાને નાહકનો ધક્કો ખાવો. મોટા ભાગની નોકરીઓ તો આમે ય પહેલાંથી ફિક્સ જ હોય છે. ઇન્ટરવ્યૂ તો માત્ર દેખાવ માટે યોજાતા હોય છે. છોડ, નથી જવું નાહકની નામોશી વેઠવા.' તેના મનમાં વિચારોનું દ્વંદ્વ ચાલી રહ્યું હતું.

તેણે સંપાદકીય પાનું ખોલ્યું. આમ તો મોટા ભાગના વાચકો સંપાદકીય પાનાને અવગણીને આગળ વધી જાય કેમ કે તેમાં ગંભીર કહી શકાય તેવી વાતો ઉલ્લેખાતી હોય છે, જેમાં બહુ ઓછા લોકોને રસ પડે છે. પરંતુ સુધા સંપાદકીય જરૂર વાંચતી. આજના સંપાદકીય પાના પર એક પ્રખ્યાત સમાજશાસ્ત્રીએ શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓને વેઠવી પડતી સામાજિક મુશ્કેલીઓ અંગે લેખ લખેલો. તેમણે એવી દલીલ કરેલી કે દરેક સ્પેશિયલી એબલ વ્યક્તિએ સમાજમાં પોતાનું મોભાનું સ્થાન મેળવવું જોઈએ અને તેના માટે સંઘર્ષ પણ કરવો જોઈએ. સુધાને લાગ્યું કે વાત તો સાચી છે, ઊંઘતા સિંહના મોંમાં શિકાર મૂકવા કોણ આવવાનું? આ સકારાત્મક વિચાર સાથે તે સમાચારપત્ર અને ચાનો કપ ઉઠાવીને પોતાના રૂમમાં જતી રહી.

લગભગ દશ વાગ્યા સુધીમાં સુધા ક્રીમ રંગનો કુર્તો અને બ્લૂ જીન્સ પહેરીને તૈયાર થઈ ગઈ હતી. કમ્ફર્ટેબલ રહે તેવા પણ ફોર્મલ લેધર શૂઝ પહેરી લીધા હતા. હેર ડ્રાઇરથી વાળ કોરા કરી લીધા અને હંમેશાંની માફક વાળને ચેહરાની બંને બાજુ લહેરાતા રહેવા દીધા હતા, જેથી કાન અને ગાલ ઢંકાઈ જાય. તેણે એકવાર ફરીથી પોતાના સર્ટિફિકેટનું ફોલ્ડર ખોલીને ચકાસી લીધું કે મેટ્રિક્યુલેશન, હાયર સેકન્ડરી, ગ્રેજ્યુએશન, કમ્પ્યુટર વગેરે બધાં જ પ્રમાણપત્રો ઓરિજીનલ પણ હતાં અને તેની નકલોના બબ્બે સેટ તૈયાર હતા. પાસપોર્ટ સાઈઝના ફોટા પણ સારી એવી સંખ્યામાં હોય, તથા ઓળખ માટે ચૂંટણી કાર્ડ, ડૃાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને પાસપોર્ટ જેવા બધા જ ડોક્યુમેન્ટની બબ્બે નકલો પણ રાખી લીધી હતી. પોતાનો બાયોડેટા અને એપ્લિકેશન પણ તૈયાર હતી. થોડા કોરા કાગળો પણ ફોલ્ડરમાં હતા. એક સરસ અણી કાઢેલી પેન્સિલ, રબર, શાર્પનર, એક બ્લૂ અને એક બ્લેક પેન, નાનું સ્ટેપ્લર વગેરે બધું જ ફોલ્ડરના સામેના ભાગમાં આપેલા નાનાં નાનાં ખાનાંઓમાં પોતાની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું તેની પણ ખાતરી કરીને તેણે ફોલ્ડરની ચેન બંધ કરી.

એક હાથમાં ફોલ્ડર પકડીને તે છાતી પર આવે તેમ ઊભા રહી પોતાની જાતને અરીસામાં જોઈ લીધી. માથાથી પગ સુધી સરસ રીતે વેલ-ઓર્ગેનાઇઝડ લાગતી સુધા ઇન્ટરવ્યૂ આપવા જવા માટે તૈયાર હતી. અચાનક યાદ આવતાં તે ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ અને ડ્રોવરમાંથી લાલ ચાંદલો કાઢીને કપાળે ચોડ્યો, એટલે તેના હોઠ પર સ્મિત આવ્યું અને આંખોમાં ચમક. હવે તે બરાબર તૈયાર હતી, નીકળવા માટે.

સોસાયટીની બહાર નીકળીને તેણે ઓટોરિક્ષા રોકી હોટેલ ક્રાઉન સ્ટાર તરફ ચાલવા જણાવ્યું. વૃદ્ધ રિક્ષાચાલકે મીટર ચાલુ કરતી વખતે તેની સામે થોડું વિચિત્ર રીતે જોયું પણ સુધાએ તેની નોંધ ન લીધી. રસ્તામાં તેના મનમાં અનેક ખયાલો આવતા રહ્યા. ભણવામાં તો તે પહેલાંથી જ હોશિયાર હતી. પ્રથમ ક્રમાંક તો નહિ પણ ક્લાસમાં હંમેશાં ટોપ ટેનમાં જરૂર આવતી. એકેય વર્ષ એવું નહોતું જયારે તેને ફર્સ્ટ ક્લાસ ન આવ્યો હોય. જો કે તે વાકેફ હતી કે આવા સારા એકેડેમિક રેકોર્ડ છતાં કેમ તેને નોકરી હજી સુધી નહોતી મળી.

પરંતુ આજની વાત અલગ હતી. પહેલાં તો પાંચ-દશ નાની કંપનીઓ કે સંગઠનોમાં ઇન્ટરવ્યૂ આપેલા. આજે તો આટલી મોટી કંપની ઇન્ટરવ્યૂ યોજી રહી હતી. રિલાયેબલની પ્રતિષ્ઠા મુજબ તે જેને પણ લેશે તેને લાયકાતના આધારે લેશે તેવી શક્યતા વધારે લાગી રહી હતી, અને એટલા માટે સુધાને વિશ્વાસ હતો કે નોકરી માટે તેનો એકેડેમિક રેકોર્ડ અને અંગ્રેજી પરની પકડ ખૂબ ઉપયોગી થશે. આવા થોડા સકારાત્મક ખ્યાલોથી તેનું મન પ્રફુલ્લિત બન્યું ત્યાં તો રીક્ષા હોટેલ ક્રાઉન સ્ટાર સામે આવી પહોંચી. સુધાએ મીટર પ્રમાણે પૈસા ચૂકવ્યા અને 'થેન્ક યુ' કહીને હોટેલના મેઈન એન્ટ્રન્સ તરફ આગળ વધી. ત્યાં ઊભેલા દરવાને તેના માટે કાચનો વિશાળ દરવાજો ખોલ્યો, અને તાલીમ અનુસાર માથું ઝુકાવી, હાથ લહેરાવીને સુધાને અંદર પ્રવેશવા આમંત્રિત કરી. પરંતુ તેની નજર થોડીવાર માટે સુધાના ચહેરા પર ચોંટી રહી. સુધાએ અંદર પ્રવેશતાં થોડી સખ્તાઈથી તેની સામે નજર કરી એટલે દરવાને નજર નીચી કરી લીધી.

હોટેલના રિસેપ્શન એરિયામાં જ રિલાયેબલના ઇન્ટરવ્યૂ માટે દિશાસૂચન કરતું સાઈનબોર્ડ મૂકેલું હતું એટલે સુધા તે દિશામાં આગળ ચાલી. હોટેલના મેઇન બોલરૂમમાં ઇન્ટરવ્યૂના કેન્ડિડેટને બેસાડવામાં આવેલા હતા. તેઓએ પોતાના નામ ટેબલ પર બેઠલી બે યુવતીઓને લખાવી દેવાનાં હતાં અને નંબર પ્રમાણે તેમને બોલાવવામાં આવતા. બાજુના એક રૂમમાં ઇન્ટરવ્યૂની વ્યવસ્થા કરેલી.

સુધા સમયસર આવી ગઈ હતી, અને તેણે કાગળમાં જોયું કે તેનું નામ દશમાં નંબરે લખવામાં આવેલું. નામ લખાવ્યા પછી તે ખુરશી પર બેઠી. બીજી છ યુવતીઓ બોલરૂમમાં બેઠેલી હતી. કદાચ ત્રીજા નંબરનું ઇન્ટરવ્યૂ ચાલતું હશે તેવું સુધાએ અનુમાન લગાવ્યું. કેન્ડિડેટનાં નામ લખતી બન્ને યુવતીઓ તેના તરફ જોઈને અંદર અંદર કંઈક વાતચીત કરી રહી હતી પણ સુધાની નજર પડતાં તેઓએ આંખ ફેરવી લીધી. સુધાએ પણ પોતાની નજર ફેરવી અને ત્યાં બેઠેલી બીજી યુવતીઓ તરફ ધ્યાન દીધું. તેમાંથી એક સુધા સામે તાકી રહી હતી. સુધાએ તેની સામે સ્મિત કર્યું, એટલે તેણે પણ પ્રતિભાવમાં ડોક હલાવી અને પછી બીજી બાજુ ફરી ગઈ.

થોડીવારમાં એક યુવતી ઇન્ટરવ્યૂ રૂમમાંથી નીકળીને બહાર તરફ ગઈ. ટેબલ પરથી યુવતીએ ચોથા નંબરની કેન્ડિડેટને અંદર જવા જણાવ્યું. એક બ્લેક સાડી પહેરેલી લાંબી, પાતળી અને રૂપાળી યુવતી ઊભી થઈ અને કોઈ મોડેલ રેમ્પ વોલ્ક કરે તેમ ચાલતી ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશી. સુધાની નજરે તે છોકરી દરવાજાની અંદર પ્રવેશી ગઈ ત્યાં સુધી પીછો કર્યો. સુધાએ પોતાના વાળ બન્ને ખભા પરથી આગળ તરફ કર્યા અને ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાનું ફોલ્ડર ખોલીને અંદરના કાગળ ફરીથી એકવાર ઊથલપાથલ કરી ચેક કર્યા. પોતાનો કુર્તો સરખો કર્યો અને આંગળી ખુરસીના હેન્ડરેસ્ટ પર ધીરે ધીરે તબલા વગાડવાની ઢબે થનકાવતી પોતાનો વારો આવે તેની રાહ જોતી બેસી રહી.

દરેક ઇન્ટરવ્યૂ લગભગ દશથી બાર મિનિટ જેટલું ચાલતું હતું. ધીમે ધીમે ઇન્ટરવ્યૂ માટે આવનારી યુવતીઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો હતો. સુધા આવનારા કેન્ડિડેટ્સને એક નજરે જોઈ લેતી પણ તેમની સામે નજર મેળવવાનું કે વાતચીત કરવાનું ટાળતી હતી. કેટલીક યુવતીઓએ ધીમેધીમે અરસપરસ સંપર્ક બનાવીને ગુસપુસ ચાલુ કરી દીધી હતી. લગભગ એકાદ કલાક રાહ જોયા પછી સુધાનો નંબર બોલાયો એટલે તેણે ફરીથી પોતાના વાળ આગળ તરફ લાવી પોતાના ગાલ અને કાન ઢાંક્યા અને કુર્તો ઠીક કરી પોતાનું ફોલ્ડર ઉઠાવી ઇન્ટરવ્યૂ રૂમ તરફ ગઈ.

'મે આઈ કમ ઈન સ … ઓહ મેડમ?' સુધાએ દરવાજો ખોલીને અંદર ડોકું કર્યું અને આ વાક્ય પૂરું થાય તે પહેલાં જ તેણે સરને બદલે મેડમ કર્યું. એ જોઈને સુધાને આશ્ચર્ય થયું કે ઇન્ટરવ્યૂ લેવા માટે ત્રણ મહિલાઓ બેઠેલી હતી.

'યસ પ્લીઝ, આવો.' એવો જવાબ તરત જ મળ્યો, એટલે જરા ય રોકાયા વિના સુધા ટેબલની સામે રાખેલી ખુરસી પાસે જઈને ઊભી રહી. ત્રણેય મહિલાઓએ સુધા તરફ જોયું એટલે થોડીવાર તેમની નજર પ્રશ્નાર્થ બની ગઈ હોય તેવું લાગ્યું. સુધા ત્રણેક સેકંડથી ખુરસી પાસે ઊભી હતી તેનો અહેસાસ થતાં ઇન્ટરવ્યૂ લેનાર મુખ્ય મહિલાએ ઊંઘમાંથી જાગતી હોય તેમ હળવો ઝટકો ખાતાં સુધાને બેસવા માટે હાથથી નિર્દેશ કર્યો. બીજી બન્ને મહિલાઓ હજી પણ સુધા સામે નજર માંડીને જોઈ રહી હતી. સુધાએ ખુરસી પર બેસતાં સ્મિત કર્યું એટલે તેના જવાબમાં તેઓએ પણ હોઠ ખેંચીને મલકાવ્યા. વચ્ચે બેઠેલી મહિલા ઇન્ટરવ્યૂ શરૂ કરે તેવી અપેક્ષા સાથે તે બંને મહિલાઓએ પોતાની ચુપકીદી જાળવી રાખી.

'તમારું નામ શું છે? તમે કરેલા અભ્યાસ અંગે વિગત આપશો?' મધ્યમાં બેઠેલી મહિલાએ પ્રોફેશનલ સ્માઈલ સાથે સુધાની સામે જોઈને પૂછ્યું.

સુધાએ પોતાની ગરદન થોડી વધારે સીધી કરી અને બોલવાનું શરૂ કર્યું, 'જી મેડમ. મારું નામ સુધા જૈન છે. મેં ગયા વર્ષે જ ફર્સ્ટ ક્લાસ સાથે બી.કોમ. પૂરું કર્યું અને ત્યાર બાદ છ માસનો કમ્પ્યુટર કોર્સ કર્યો છે.' જવાબ પૂરો કરીને સુધાએ પણ સ્મિત સાથે ઇન્ટરવ્યૂ લેનાર ત્રણેય મહિલાઓ સામે જોયું.

શરૂઆતના ત્રણેક પ્રશ્નો બાદનો પ્રશ્ન અંગ્રેજીમાં પુછાયો એટલે સુધાએ તેનો જવાબ પણ અંગ્રેજીમાં જ આપ્યો. ત્યાર બાદ લગભગ આઠેક મિનિટ સુધી અંગ્રેજીમાં જ સુધાનું ઇન્ટરવ્યૂ વાતચીતની ઢબે ચાલ્યું. એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, હોબીઝ, એક્સટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, તત્કાલીન સામાજિક અને રાજકીય બાબતો જેવા વિવિધ વિષયો પર એકાદ બબ્બે પ્રશ્નો થયા અને સુધાએ તેમના આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યા. પોતાના સારા જવાબોથી સુધાનો કોન્ફિડન્સ વધી ગયો હતો.

ઇન્ટરવ્યૂ પૂરું થવા આવ્યું એટલે મુખ્ય સીટ પર બેઠેલી મહિલાએ સુધાને કહ્યું, 'તમને એક અંગત પ્રશ્ન પૂછું? જો ખોટું ન લગાડો તો.'

સુધા ડરીને ચમકી ગઈ પણ તેને ખબર હતી કે હવે શું સવાલ પૂછવામાં આવશે. ખરેખર તો આખા ઇન્ટરવ્યૂ દરમિયાન તે બાબતનો ઉલ્લેખ ન થયો તે સુધાને આશ્ચર્યજનક લાગેલું પણ હવે તે તૈયાર હતી. 'હા, ચોક્કસ પૂછો.' સુધાએ હસીને કહ્યું.

'તમારો કોઈ અકસ્માત થયેલો કે ... આઈ મીન ...' ઇન્ટરવ્યૂ લેનાર મુખ્ય મહિલાએ થોડું કચવાતાં પોતાના પ્રશ્ન અંગે સંકેત આપ્યો.

'ના મેડમ, મારો કોઈ જ અકસ્માત નથી થયો. મારા ચહેરાની વિકૃતિનું કારણ આનુવંશિક બીમારી છે જેને ટીચર્સ કોલિન્સ સિન્ડ્રોમ કહે છે. તેમાં કાન, આંખ, દાઢી કે ગાલ જેવા ચહેરાના વિવિધ હાડકાંઓમાં વિકૃતિ આવે છે. તેમનો પૂરો વિકાસ ન થવાને કારણે કે તેમના બદલાયેલા આકારને કારણે ક્યારેક વ્યક્તિને સાંભળવામાં, જોવામાં, શ્વાસ લેવામાં કે ચાવવામાં તકલીફ રહે છે.' સુધાએ થોડી નિરાશા સાથે પોતાના ચેહરાની વિકૃતિ અંગે જણાવ્યું. તેણે બાળપણથી આ બીમારી હતી, જેને કારણે તેનો ચહેરો થોડો વાંકો અને અવિકસિત હતો. નાનેથી મોટી થઈ ત્યાં સુધી તેણે કુદરતદેણ ક્ષતિને કારણે સમાજમાં જવાબદેહી ભોગવવી પડી હતી. લોકોના પ્રશ્નોના જવાબ આપવા પડતા. લોકોની ત્રાસી નજરોમાં રહેલી દયા અને આશ્ચર્યનું કેન્દ્ર બનવું પડતું હતું. નાનપણમાં કેટલી ય વાર તો શાળામાં કે શેરીમાં તોફાની બાળકોએ તેને અપમાનિત પણ કરેલી. સુધાએ આવા દરેક પ્રસંગ પર કેટલા ય દરિયા ભરાઈ જાય એટલા આંસુ સારેલાં.

આજ પહેલા જેટલા પણ ઇન્ટરવ્યૂ આપ્યા, તેમાં ચહેરાની વિકૃતિનાં કારણે સુધાને નોકરી મળવાને બદલે માત્ર સહાનુભૂતિ અને દિલગીરી જ મળી હતી. આજે રિલાયેબલ કંપનીનું નામ વાંચીને ઘણી આશા સાથે તે આવેલી અને જે રીતે પૂરા ઇન્ટરવ્યૂ દરમિયાન તેની સાથે વાતચીત ચાલી અને તેને પોતાની ક્ષમતા અંગે વાત કરવાની તક મળી, તેનાથી સુધાનો આત્મવિશ્વાસ બંધાયો હતો પણ હવે જ્યારે બાબત હાથમાંથી નીકળી જવાના આરે આવી ગયેલી ત્યારે સુધાને ફરીથી હતાશા થઈ આવેલી.

‘ઓહ ! આઈ સી.' કહેતાં ત્રણેય ઇન્ટરવ્યૂ લેનાર મહિલાઓએ દિલગીરીપૂર્ણ ચહેરે એકબીજાં સાથે જોયું અને પછી સુધા સામે નજર માંડતાં જમણી બાજુ બેઠેલી મહિલા કે જેને અત્યાર સુધી એક પણ પ્રશ્ન નહોતો પૂછેલો તેણે પૂછ્યું, 'પણ સુધા, તેનો કોઈ ઈલાજ કે ઓપરેશન ન કરાવી શકાય?'

'મેડમ, આઈ અન્ડરસ્ટેન્ડ યોર કન્સર્નર્સ. બટ તેનો કોઈ તબીબી ઈલાજ નથી. હા, કેટલાક લોકો સર્જરી દ્વારા અમુક હાડકાંના આકારમાં અમુક અંશે સુધારો કરાવી શકે છે જેથી ચહેરો થોડો શેપમાં આવે. જરૂર હોય તો દ્રષ્ટિ માટે અને શ્રવણ માટે યંત્રોનો ઉપયોગ પણ લોકો કરે છે. પરંતુ ટીચર્સ કોલિન્સ સિન્ડ્રોમથી સદંતર પીછો છોડાવવો અશક્ય છે.' 

'ઓહ, બીજો કોઈ જ રસ્તો નથી? આઈ એમ સોરી.' જમણી બાજુ વળી મહિલાએ પ્રતિભાવ આપ્યો અને એકાદ ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ રહી. 

સુધા પણ ચૂપ રહી. પરંતુ આ સમય દરમિયાન તેનામાં અચાનક જ કોઈ શક્તિનો સંચાર થયો હોય તેમ તેણે તદ્દન અલગ જ રણકાથી અને આજ પહેલાં ક્યારે ય ન દર્શાવેલા આત્મવિશ્વાસથી કહ્યું, 'આ રોગ લગભગ દર પચાસ હજારમાંથી એક વ્યક્તિને થાય છે, તેવું તબીબો કહે છે અને એટલા માટે હું લાખોમાં નહિ તો એટ લિસ્ટ પચાસ હજારમાં એક છું તેનું ગૌરવ લઇ શકું તેમ છું. સાચી વાત ને?'

સુધાએ હસીને ત્રણેય મહિલાઓ સામે નજર માંડી, એટલે લગભગ ત્રણેય મહિલા એકસાથે જ બોલી ઊઠી, 'હા, કેમ નહિ. ફોર સ્યોર. એન્ડ થેન્ક યૂ વેરી મચ.'

ફરીથી રૂમમાં શાંતિ છવાઈ રહી અને ત્રણેય મહિલાઓ પોતપોતાના કાગળમાં કઈ નોંધ કરવામાં વ્યસ્ત બની.

સુધા પણ 'થેન્ક યૂ' કહી, પોતાનું ફોલ્ડર બંધ કરી રૂમની બહાર નીકળી ગઈ.

બહાર રસ્તા પર વાહનો સડસડાટ પસાર થતાં હતાં. વાતાવરણ એન્જિનના, ટાયરોના ઘસાવાના અને હોર્નના અવિરત અવાજોથી ભરેલું હતું. સુધાએ રિક્ષા રોકવા માટે હાથ ઉંચક્યો, ત્યારે તેને થયું કે એનો હાથ જાણે કે એકદમ વજનદાર થઈ ગયો હતો. પણ બીજી જ પળે, હવામાં હાથ લહેરાવી સઘળું ખંખેરતી તે રિક્ષામાં બેસી ગઈ.

e.mail : [email protected]

સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 46-50

Category :- Opinion / Short Stories