‘જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !’

વિપુલ કલ્યાણી
22-04-2019

 મનસુખભાઈ શાહ શનિવાર ને 20 ઍપ્રિલ 2019ના રોજ, છ્યાશી વરસને આરે, પાછા થયા અને લંડન માંહેનાં બેઠકઊઠકનાં થાનકને નામ, મારે સારુ, વધુ એક મીંડું મુકાયું. એમનો અસાંગરો તેથીતો હચમચાવી મૂકનારો સાબિત થવાનો, તે નક્કી. … વારુ, જાન્યુઆરી 2009માં મુંબઈથી પ્રકાશિત થતાં “જન્મભૂમિ-પ્રવાસી”માં અને તે પછી, “ઓપિનિયન”માં પ્રગટ થયેલો આ લેખ અહીં અંજલિરૂપે સાદર કરું છું. દોસ્ત મનસુખભાઈને મનસા-વાચા-કર્મણા વિદાય વંદના હજો ! 

°

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, જેને ભાષાશૈલી અને મિજાજની રીતે, ઝવેરચંદ મેઘાણીના કુળવારસ ઠેરવે છે, તે મસ્ત પ્રકૃતિ અને શૈલીના કવિ, કરસનદાસ માણેકનો કાવ્યસંગ્રહ, ‘રામ, તારો દીવડો !’ 1964માં પ્રગટ થયેલો. તેમાંનું આ કાવ્ય વખણાયું છે :

જીવન અંજલિ થાજો,
           મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુખિયાનાં આંસુ લ્હો’તા અંતર કદી ન ધરાજો !
                                મારું જીવન અંજલિ થાજો !

આશરે છએક દાયકાઓથી લંડનમાં વસવાટ કરતાં એક દંપતીનું જીવન અને કવન નીરખીએ તો કોઈને ય એમ થાય કે કવિ ‘વૈશંપાયન’ની આ મનીષા આ બંનેએ જીવતરમાં રગેરગ ઊતારી જાણી છે.

આ દંપતી એટલે મહાનગર લંડનના પશ્ચિમિયા ઉપનગર એજવેરમાં હાલ વસતાં દયાબહેન અને મનસુખલાલ ભગવાનજી શાહ. બીજાના મનનું સુખ વધારનારાં અને ચોમેર દયા પ્રસરાવનારાં તરીકેની બંનેની ગણના, હવે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

દયાબહેનના દાદા અમરશી ગોવારજી શાહ, સન ૧૮૬૨ના અરસામાં, વતન માંડવીથી, આફ્રિકે કમાવા ધમાવા ગયા હતા. દોઢસો ઉપરાંતના વરસો પહેલાંની એ વાત બને છે. ત્યારે ન હતાં વિમાન, કે ન હતી આગબોટ. હોડકે બેસીને બીજા અનેકોની પેઠે અમરશીભાઈ પણ રોજગારી કાજે પરદેશ સિધાવ્યા હશે. ઝાંઝીબાર ટાપુમાં આ સાહસિક માડુ આખરે ઠરીઠામ થયા. વળી, તેમનો ઘરવટ અને સંસાર પણ ત્યાં જ ઊભો થયો. અમરશીભાઈના દીકરા નારણજીભાઈ કુંવરબાઈને પરણ્યા અને તેમનું ત્રીજું સંતાન એટલે આપણા આ દયાબહેન. તેમનાથી બે મોટા ભાઈઓ અને તે પછી બીજો સાતનો વિસ્તાર. ટૂંકામાં, દયાબહેનને સંસ્કાર વારસો માંડવીથી ખસતો ખસતો ઝાંઝીબારમાંથી જ પ્રાપ્ત થયો. ત્યાં એ ઉછર્યાં અને ત્યાં જ તેમનું લાલનપાલન થયું.

બીજી પાસ, મૂળ ભૂજના વતની ભગવાનજીભાઈ શાહ ૧૮૯૯ના અરસામાં, હજુ કદાચ મૂછનો ય દોરો ફૂટ્યો નહીં હોય તેવડી ચૌદ વરસની કાચી વયે, આફ્રિકાની વાટે નીકળી પડેલા. કેન્યાના કાંઠા વિસ્તારમાં નસીબ અજમાવતા રહ્યા અને પછી દેશના કાપસા બેટ નામક પીઠપ્રદેશમાં ય નસીબ અજમાવાને સારુ આંટોફેરો કરી આવેલા, પરંતુ, છેવટે ઇતિહાસપ્રસિદ્ધ બંદરી શહેર મોમ્બાસામાં જ ઠરીઠામ થયા. ભગવાનજીભાઈએ ભચીબાઈ સાથે સંસાર માંડ્યો. અને સન ૧૯૩૩ની ૧૨ માર્ચે આપણા આ મનસુખભાઈનો મોમ્બાસા ખાતે જન્મ થયો. એમનાથી એક નાના ભાઈ શાંતિચંદ્ર શાહ. વકીલાતની સનદ્દ ધરાવતા શાંતિભાઈએ ૧૯૬૫થી કેનેડામાં વસવાટ કર્યો છે અને ત્યાં ય માનસ્થાન જમાવ્યું છે.

આફ્રિકાવાસી અનેક પરિવારોમાં બનતું આવ્યું છે તેમ, મનસુખભાઈને માધ્યમિક શિક્ષણ પછી, આગળ ભણવા, મુંબઈની પહેલાં ખાલસા અને પછી રૂઈઆ કૉલેજમાં પ્રવેશ મળેલો. થોડોક અભ્યાસ કર્યો, ન કર્યો, અને ૧૯૫૧ના અરસામાં, મુંબઈમાં માતા ભચીબાઈનું અવસાન થતાં, શિક્ષણને તિલાંજલિ આપીને પિતાની પડખે હાથવાટકો બનવાનો મનસુખભાઈને માથે જવાબદારીઓ આવી પડી. ૧૪ નવેમ્બર ૧૯૫૪ના શુભ ચોઘડિયે જંગબારી દયાબહેન અને મોમ્બાસાવાસી મનસુખભાઈ લગ્નગ્રંથિએ જોડાઈ ગયાં. પિતા ભગવાનજીભાઈનું ૧ જુલાઈ ૧૯૫૯ના રોજ દેહાવસાન થયું. અને પછી સન ૧૯૬૧ વેળા, આ દંપતીએ નસીબ અજમાવવાને સારું વિલાયતની વાટ પકડી.

આફ્રિકાના વસવાટ દરમિયાન, મનસુખભાઈ વેપારવણજમાં પાવરધા બનતા રહ્યા હતા. એમણે પ્રેમચંદ ધરમશી શાહની, જાણીતી વેપારી પેઢીનો વહીવટ કેન્યામાં રહીને નિષ્ઠાએ જમાવ્યો ય હતો. વિલાયતમાં આવ્યા બાદ, નામું લખવાનો વ્યવસાય મનસુખભાઈએ ખીલવી જાણ્યો. તેમાં એ વિકસીને જ રહ્યા. તેમાં આગળ વધતા રહ્યા અને નિવૃત્ત થયા ત્યારે લંડનમાં હિસાબનીસોની એક ખ્યાતનામ યહૂદી પેઢીમાં અગ્રગણ્ય અધિકારીપદે ય એ હતા. અનેક જાણીતા અને માનીતા શહેરીઓના માર્ગદર્શક હિસાબનીસને નાતે તેમને ઘણાને તારી ય જાણ્યા હતા.

દયાબહેન - ભત્રીજો, રવિ શાહ તથા મનસુખભાઈ શાહ

જગતને ચોક કોઈ પણ આદમીનું હોય તેવું જ આ દંપતીનું ય તદ્દન સામાન્ય જીવન. પરંતુ અજવાળું થતાંની સાથે કમળની પાંખડીઓ જેમ ખૂલવા માંડે, ખીલવા માંડે છે અને વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે, તેમ આ દંપતીનો વિકાસ આ મુલકે વૃદ્ધિ પામતો ગયો અને અનેકોને પ્રસન્ન કરતો રહ્યો. મનસુખભાઈ ધારત તો એ ખુદ ધંધોધાપો ખીલવી શક્યા હોત; પણ, ના, એમણે મનપસંદ નોકરી કરી અને બાકીનો સમય અનેક ક્ષેત્રે સમાજને પદાર્પણ કરવાનો રાખ્યો. એમણે ગુજરાતી સાહિત્યની આરંભિક સંસ્થામાં જેમ સમયદાન દીધું તેમ દિવંગત કુસુમબહેન શાહનાં વડપણ હેઠળના “ગુજરાત સમાચાર”માં લેખો લખીને, પત્રકારત્વ વાટે સમાજના સવાલોને એ સતત ગજાવતા રહેલા. પોતાના વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સમિતિઓ પરે ય સક્રિય ફાળો આપતા રહેલા. વર્ણીય સંબંધક સંસ્થાઓમાં એમનું યોગદાન આજે પણ અનેકો સંભારે છે. મનીષ મોદી દીધો, અલ્લામા મુહમ્મદ ‘ઈકબાલ’નો એક શેર સહજ સાંભરે છે :

આફ્રીનશ સે સરાપા-નૂર તૂ, જુલ્મત હૂ મૈં
ઇસ સિયાહ-રોજી પે લેકિન તેરા હમ-કિસ્મત હૂઁ મૈં

મહાકવિ, જાણે કે, કહે છે : ‘સમયના આરંભ કાળથી, તમે જ મૂર્તિસ્વરૂપે પ્રકાશ છો. આ કમનસીબ દહાડે હું અંધકારમાં રહ્યો છું. અને છતાં, તમે અને હું એક જ નાવમાં જોડાજોડ છીએ.’ આવી આવી એ દિવસોની વસાહતીઓની પરિસ્થિતિ આ મુલકે હતી. એમાં ટટ્ટાર બનીને, પોતીકા સારુ નહીં, બલકે સમાજને સારુ, આ દંપતી ન્યાયોચિત ઝઝૂમતું રહેલું, તેમ જાણ્યું છે. પહેલવહેલાં, કેન્યામાંથી અને ત્યાર બાદ યુગાન્ડામાંથી, અનેક ભારતીયોની હકાલપટ્ટી થઈ, ત્યારે જે બહોળો વર્ગ વિલાયત ભણી આવ્યો તેમને થાળે પાડવાનાં ગંજાવર કામોમાં આ દંપતીએ પાછું વાળીને જોયું નથી. ‘યુગાન્ડા રિસેટલમેન્ટ બૉર્ડ’ના નેજા હેઠળ, સ્વયંસેવક તરીકે, નોકરીએથી પાછા ફરીને દરરોજ સાંજે, અને શનિવાર - રવિવારે, દયાબહેન અને મનસુખભાઈએ પોતાનો સારો ય ફાજલ વખત શરણાર્થીઓની છાવણીઓમાં જઈને થોકબંધ સેવાકાર્યમાં જ ગાળ્યો હતો. અનેક લોકોને માર્ગદર્શન આપવામાં અને તેમને થાળે પાડવામાં એમણે તન, મન અને ધન ખરચી જાણી સહાયતા આપી છે. આટલું કમ હોય તેમ, સરકારી સમિતિઓમાં જઈને આ લોકોની જરૂરિયાતો વિશે બેધડક ધા નાંખી છે. રેડિયો, ટીવીનાં માધ્યમ માધ્યમોનો ય એમણે ઉપયોગ કરી જાણેલો.

ધની પ્રેમ, વિષ્ણુ શર્મા, પ્રાણલાલ શેઠ, ઇન્દુબહેન શેઠ જેવાં જેવાં અનેક આગેવાનોની જોડાજોડ આ શાહ દંપતીએ પણ તે દિવસોમાં રંગ રાખેલો. કેન્યામાંનાં અનેક પરિચિતોનાં સંતાનોને ઘેર સાચવીને આ દંપતીએ ઉચ્ચ ભણતરમાં, વળી, સક્રિય સહાયટેકો ય આપ્યો છે. આવાં અનેકો સાથેનો આ દંપતીનો આજે પણ હૂંફાળો સ્નેહસંબંધ જોયોજાણ્યો છે.

રાજકારણ, અર્થકારણ, દેશાંતરગમન, રંગભેદ, વર્ણભેદ, ઓળખ અંગેના સવાલો બાબત તેમ જ ધર્મ ક્ષેત્રે પણ દયાબહેન અને મનસુખભાઈનું યોગદાન સીમિત રહ્યું નથી. આફ્રિકામાંની આપણી વસાહતના અનેક પાસાંઓ અંગેનું એમનું જ્ઞાન અમર્યાદ છે. વસાહતની ઢગલાબંધ ઇતિહાસમાન્ય વિગતમાહિતીઓ એકઠી કરીને તેનો સતત ઉપયોગ પણ કરતા રહે છે. વળી, જૈન સમાજમાં એમણે નિષ્ઠા અને જોમ સાથે જેમ અહીં કામો નિપટાવ્યાં છે અને સ્થાનમાન અંકે કર્યું છે, તેમ જગત ભરના જૈન આગેવાનો સાથે મીઠો નિજી સંબંધ કેળવતા કેળવતા નિર્ભીકપણે વિચાર માર્ગદર્શન આપ્યાં કર્યું છે. લેસ્ટરસ્થિત જૈન સમાજમાં, લંડનસ્થિત મહાવીર ફાઉન્ડેશનમાંનાં મનસુખભાઈ શાહનાં યોગદાનનો, ભલા, જોટો મળે ખરો ? પરંતુ, હવે દયાબહેન અને મનસુખભાઈ એ સ્તરેથી ય ખસી ગયાં છે તથા પાયાગત માનવીય મૂલ્યો જળવાતાં હોય તેવાં વિવિધ કામોમાં ખૂંપી ગયાં છે. બંને ખૂબ વાંચે છે, વિચારે છે અને ફાજલ સમયે મનસુખભાઈ લેખનકામ પણ કરે છે. સાંસદો સુધી સમાજની વાતો રજૂ કરવા સારુ લોકમત જગવવા સક્રિય સંપર્ક જાળવતા ય રહે છે.

હવે પાનખરે ઉજાસ બેઠો છે. હાકલ થઇ હોય અને દયાબહેન મનસુખભાઈ અદબ વાળી બેઠાં હોય તેમ આજે ય બનતું નથી. અનેકોની નબળી પળોમાં હજુ આજે ય હૂંફટેકો આપવામાં આ દંપતી હાજરાહજૂર રહ્યું છે. અને સાથોસાથ, પોતાના વિધવિધ અનુભવોનાં મીઠાં ફળોની, લગીર છવાઈ જવાની ભાવના સભાનપણે સંકોરતાં સંકોરતાં, આ દંપતી સતત લ્હાણી કરતું રહ્યું છે. એમનું જીવન આમ ખરા અર્થમાં અંજલિ રૂપ બની ગયું છે.

પાનબીડું :

In reality, there is, perhaps, no one of our natural passions so hard to subdue as pride. Disguise it, struggle with it, beat it down, stifle it, mortify it as much as one pleases, it is still alive, and will every now and then peep out and show itself; you will see it, perhaps, often in this history; for, even if I could conceive that I had completely overcome it, I should probably be proud of my humility.

—Benjamin Franklin

હકીકતમાં, આપણા સઘળા પ્રકૃતિદત્ત મનોવિકારોમાં, કદાચ, ગર્વને વશમાં રાખવાનું સૌથી આકરું છે. તેને ઢાંકી દેજો, તેને પડકારતા રહેજો, તેને મહાત કરજો, તેને ગૂંગળાવી નાંખજો, અનુકૂળ હોય ત્યાં લગી તેનું દમન કરજો, અને તે પછી ય તે જો જીવંત રહે, તેમ જ વારે ઘડિયે બહાર નીકળી આવી ડોકાયા કરે; તો તમે ઇતિહાસને પાને જોયું હશે, તે મુજબ, તમને લાગે કે મેં તેને સંપૂર્ણપણે કાબૂમાં રાખવા શક્ય તમામ પ્રયાસો કરી જોયા છે, તો પછી, જાણવું કે નિરભિમાનિતાને જ શરણે જવાનો, એક માત્ર, માર્ગ મારી સામે પડ્યો છે.

— બેન્જામિન ફ્રેન્કલિન

(૧૭૦૫ – ૧૭૯૦; અમેરિકાના એક સંસ્થાપક રાષ્ટ્ર ઘડવૈયા)

(લખાયું : ૨૨ ડિસેમ્બર ૨૦૦૮)

[સંવર્ધિત લેખ; 22 ઍપ્રિલ 2019] 

e.mail : [email protected] 

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar