Opinion Magazine
Number of visits: 9667092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવ 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|18 September 2023

પ્રીતમ લખલાણી

માણેકબા સ્વર્ગે સિઘાવ્યાં બાદ માઘવજી બાપાનું સ્થાન ફળિયે ઠૂંઠા થઈ ગયેલા આંબા તળે જ હતું. સવારસાંજ ચોરે દેવ દર્શન જાય, આટલી બઘી જ ઘડી આંબાને રેઢો મૂકે. બાકી દિ’ આખો આંબા નીચે ખાટલો ઢાળી ગામના સરખે સરખા ડોસા જોડે બીડીના કસ લેતાં અલકમલકની વાતોના ગપાટા મારતા બેઠા હોય.

દીકરા મોહનની વહુ કમળા આમ તો માઘવજી બાપાની લાજ કાઢતી. જમવા ટાણે ગામ આખું સાંભળે તેમ રાંઘણિયામાં રોટલા ઘડતી મોટા છોકરાને સાદ પાડી કહેતી, ‘અરે, મહેશ, બાપાને કહે કે, તમારા ભાઈબંઘોને હવે ઘરે તગડી મૂકો અને ઓસરીમાં ટળો તો મારી મા તમારી થાળી માંડે’.

વખતના માર્યા બિચારા માઘવજી બાપા મનમાં ને મનમાં નશીબને કોસતા, ‘જેવી પ્રભુ ની ઈચ્છા’, એમ કહીને મનને મનાવતા. વહુનો સાદ કાને પડતાં જ ખાટલેથી ઊભા થઈ ફળિયાની કુંડીએ હાથ પગ ઘોઈ, ઓસરીના એક ખૂણે પાથરેલ ગોદડી પર આવીને બેસે. કમળાવહુ મોઢું બગાડતી; જાણે શેરીના કૂતરાને રોટલો નાખતી હોય તેમ છણકો કરી, સસરાની થાળીમાં રોટલાનો ઘા કરતી, અને જેવી આવી હોય તેવી જ પાછી રાંઘણિયામાં જતી રહેતી.

કમળા વહુ પરણીને આવી ત્યારે તો શરૂઆતમાં માણેકબા અને માઘવજીબાપાનુ તેનાં સગાં માબાપ હોય તેમ ઘ્યાન રાખતી. કમળાનાં સાસુસસરા પ્રત્યેનાં પ્રેમ લાગણી જોઈ ગામ આખું માણેકબાને કહેતું, ‘અરે! માણેકમા, તમે તો કોઈક જન્મમાં પુણ્ય કર્યાં હશે, તે તમારા મોહનને આવી ભાગ્યલક્ષ્મી મળી, પણ એક નાનકડી બાબતમાં સસરા-વહુ વચ્ચે મન દુઃખ થઈ ગયું. કમળાએ રાઈ જેવી વાતને પહાડ જેવું સ્વરુપ આપી દીઘું!’

કમળાની ઈચ્છા હતી કે મોટા દીકરા મહેશને પરણાવી ફળિયામાં પોતાની મેડી સામે એકાદ બે ખોરડાવાળું નાનું મકાન ચણાવી આપી, વહુ-દીકરાને નોખાં કરી આંખ સામે રાખવાં.

એક સાંજે ફાનસના અજવાળે ઓસરીના એક ખૂણે બીડી વાળતા મોહને, કમળાના શીખવાડ્યા પ્રમાણે બાપાને કહ્યું, ‘બાપા, હવે આપણો મહેશ પરણાવવા જેવડો થયો છે, તો કયાંક સારું એવું ખોરડું જોઈ, વાજતે ગાજતે મહેશની જાનનાં ગાડાં જોડીએ.’

‘મોહન! આ બાબતમાં તું મને શું પૂછે છે? તને વહુને જ્યાં ઠીક લાગે ત્યાં ગામમાં મહેશની વાત કરી જુઓ. બઘું જ્યારે પાકે પાયે નકકી થઈ જાય ત્યારે તું મને વાત કર જે! માથે સાફો બાંઘી, જાનની આગળ સાબદો થઈને હું ઊભો રહી જઈશ.’

‘બાપા, તમારી બઘી વાત સાચી. કમળાની મનમાં એક ઈચ્છા છે, કે …..’ અને મોહનને મનમાં એક ક્ષણ માટે થયું કે, હવે જે વાત મારે કરવાની છે તે બાપાને કેમ કરીને કહું, મોહનને આમ વાત કરતો એકાએક અટકી ગયેલ જોઈ, ઓસરીના ઓટલે ફાટેલા ગોદડાને ટેભા મારતી કમળા વહુએ, લાજના છેડાને જરા એક કોર ખેંચી, મોહન પટેલની અઘૂરી વાતને પોતાના હાથમાં લીઘી. ‘બાપા, આપણે મહેશને પરણાવીએ એટલે આપણને આ મેડી નાની પડશે! આપણે તો સાંકડે-માંકડે આ મેડીમાં વર્ષો કાઢી નાખ્યાં પણ કોઈની પારકી જણીને ઘરે લાવ્યાં પછી આ ભંડકિયા જેવી મેડીમાં કેમ રખાય!’

‘અરે! દીકરા કમળા, આપણે એકાદ-બે ખોરડાની બીજી નાની એવી એક નવી મેડી ચણાવી નાખીશું! એમાં તે કંઈ મોટી વાત નથી. બે ત્રણ ઓરડાની મેડી ચણતાં કેટલી વાર. ગામમાં ક્યાં જમીનનો તોટો છે! બસ, તમે અને મોહન બન્ને મને હુકમ કરો એટલી જ વાર!’

‘પણ બાપા, મારી અને તમારા દીકરાની ઈચ્છા છે કે, ગામમાં બીજે કયાં ય જગ્યા લઈને મેડી ચણાવીએ તેના કરતાં, આ ફળિયામાં ઠૂંઠા થઈ ગયેલ આંબાને વઢાવી નાખીએ તો કેમ રહેશે? આ આંબો નથી આપતો ફળ કે નથી આપતો છાંયડો! વગર કારણે ફળિયામાં જગ્યા રોકે છે ને ઉપરથી દિ’ આખો કાગડાની ક્રાઉં ક્રાઉંથી માથું ખવાઈ જાય તે નોખું !’

આંખે આવેલ ઝળહળિયાંને ધોતિયાના છેડે લૂંછતા, માઘવજી બાપા બોલ્યા, ‘બેટા કમળા, તમારા વડસાસુ મને કહેતાં હતાં કે, માઘવ, તું જન્મ્યો તેના બે દિવસ બાદ તારા બાપુએ આ આંબાને ફળિયે રોપ્યો હતો. કમળા, હું તમને શું કહું? પણ મોહન તું કયાં બઘું નથી જાણતો! આ આંબાને છાંયડે શું શું નથી થયું? આપણા ખોરડે જ્યારે રૂડો પ્રસંગ આવ્યો ત્યારે તેના લીલા પાંદડે ઊંબરે, ડેલીએ જ નહીં પણ આખી શેરીમાં તોરણ બંઘાયા છે! તારી મા મારી હારે પરણીને પહેલ વહેલી આ આંબે આવી હતી. તારા લગ્નનો માંડવો, આ આંબાને છાંયડે જ નંખાયો હતો! તારી ચારે ય બે’નોની જાન મેં આ આંબા હેઠેથી જ વળાવી હતી … .અને મારાં માબાપ તેમ જ તારી માની નનામી પણ આ આંબા હેઠેથી જ ઊપડી હતી. દીકરા, તું જરા કમળાને સમજાવ કે જીવતા જીવ મારા હાથે આ ઘોર પાપ ન કરાવે. જે દિવસે મારો દેહ પડે અને મારી નનામી અહીંથી ઉપડે તે પછી તમારે જે કરવું હોઈ તે કરજો! પણ આ ઘડીએ તો ભગવાનને ખાતર બસ આ વિચારને માંડી વાળો. તમારે ગામમાં જ્યાં મેડી બાંઘવી હોય ત્યાં ખુશીથી બાંઘો! અને સાંભળો, જો તમારે બે પૈસાની અગવડ હોય તો ખુશીથી એક દસ બાર વીઘાનો ટુકડો વેચી નાખજો!’

બસ, આ દિવસથી કમળાવહુની આંખમાં માઘવજી બાપા એક કણાની જેમ ખૂંચવા માંડ્યા, લાગ મળતાં જ ડોસાને મેણાં-ટોણાં મારવાનું ચૂકે નહીં.

***********

હોળીના પાંચેક દિવસ પહેલાં કમળાએ મોહન પટેલને કહ્યું, ‘રેડિયો સાંભળ્યો? બે ચાર દહાડા માવઠું રહેવાનું છે. બાપાને કહો કે બે ચાર દહાડા મેડી પર સૂઈ જાય. આ ઉંમરે માંદા પડશે તો કોણ ચાકરી કરવાનું છે?’

મોહને બાપાને શાંતિથી કહ્યું, ‘બાપા, હોળીને કારણે તમને આંબાની ચિંતા છે. માવઠાને કારણે મને તમારી ચિંતા છે. આવા માવઠામાં તમને નથી લાગતું કે તમે મેડી પર સૂઈ જાઓ. ન કરે નારાયણ ને વરસાદ અને વંટોળમાં તમને કંઈ થઈ જાય તો હું ગામમાં કોઈને મોઢું બતાવવા જેવો નહીં રહું.’

મોહનની વાત માનીને માઘવજીબાપા માવઠાને લીઘે મેડી પર સૂઈ જાય પણ એમનો જીવ તો આંબામાં જ હોય. મોડી રાત સુઘી આંબાની ચિંતા કરતા સૂએ નહીં. અવારનવાર ઊઠીને નાનકડી બારીમાંથી ડોકિયું કરી આંબાને જોઈ લે. હોળીના આગલા દિવસે તો પવન અને વરસાદે માઝા મૂકી. ‘આવા તોફાનમાં કોણ બહાર નીકળે?’ એમ વિચારી માઘવજી બાપા રાત્રે શાંતિથી સૂતા.

રોજની જેમ આજે પણ ખેતર જતાં પહેલાં બાપા આંબા તળે ખાટલે બેઠા હશે. એમ વિચારી વહેલી સવારે શિરામણમાં રોટલો અને ચા આપવા મોહન પટેલ ઓસરીમાં આવ્યા અને એમની નજર ફળિયે જડાઈ ગઈ. ગામના છોકરાઓ કુહાડીથી જમીન દોસ્ત આંબાના કટકા કરી રહ્યા હતા. પાછળ ઉભેલ કમળાએ મોહન પટેલને હસતાં કહ્યું, ‘લાગે છે કે વંટોળમાં આંબો ઢળી પડયો હશે. છોકરાં ભલે, હોળી માટે લઈ જતાં. ચાલો, એક બલા ટળી.’

‘અરે, પણ તેં બાપાનો વિચાર કર્યો છે?’

‘એમાં શું વિચાર કરવાનો? ઠૂંઠા આંબાના દહાડા પૂરા થયા હશે!’

ફળિયે, માવઠાને કારણે ઢળી ગયેલ આંબાના દુઃખદ સમાચાર બાપાને આપવા મોહન પટેલ મેડી પર ગયા. બાપાના ઓરડાનું બારણું અંદરથી બંઘ હતું. જોરથી એક બે બૂમો પાડી. કંઈ જવાબ ન મળતાં એણે જોરથી એક પાટું મારીને બારણું તોડી નાખ્યું. અંદર પગ મૂકતાં હેબતાઈ ગયા. માઘવજી બાપા ચત્તાપટ જમીન પર પડયા હતા. એમનો હાથ પકડી ઢંઢોળ્યા. જાણે આંબાનું ઠુંઠું! મોહન પટેલ પળમાં સમજી ગયા. તેમણે બાપાના નામની એક મોટી પોક મૂકી. પોક સાંભળી મા-દીકરો ફળિયેથી મેડી પર દોડી આવ્યાં. બન્નેના પગ પણ જમીન સાથે જડાઈ ગયા. ઘડીક વારમાં ગામ આખામાં વાયુ વેગે બે વાત ફેલાઈ ગઈ. ગઈ રાત્રે વંટોળમાં માઘવજી બાપાના ફળિયે આંબો ઢળી પડયો અને સાથે જ માઘવજી બાપા કોઈને કંઈ કહ્યા વગર મોટે ગામતરે ચાલી નીકળ્યા.

હોળીની એ સાંજે ગામના પાદરમાં ઢોલ નગારાને અબીલ ગુલાલ સાથે હોળીમાં માઘવજી બાપાના ફળિયાનો આંબો બળી રહ્યો હતો, અને પાદરમાં વહેતી નદીના સામે કાંઠે સ્મશાનમાં ચિતા પર માઘવજી બાપાનો દેહ …..

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

તીર

ઉમેશ સોલંકી|Poetry|18 September 2023

ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ

આ સીમથી પેલી સીમ

હું શોધું છું

ક્યાં છે ભારત? ક્યાં છે ભારત?

આંખોમાં ચમકતી આશા લઈ

ગરમ લોહીની ભાષા લઈ

હું શોધું છું

ક્યાં છે ભારત? ક્યાં છે ભારત?

તો મળ્યું ભારત મને

દિલ્હીના દરબારમાં

ગાંધીના ઘેરાવમાં

માર્ક્સના રોકાણમાં

ટાઈના ઘુમાવમાં

ખાખીના ગુમાનમાં

ધર્મના ધીરધારમાં

છાપામાં ઊછળકૂદ કરતા શબ્દોની ભરમારમાં

રોડ પર દોડતા ગોળ-ગોળ આકારમાં

ગામની ગલીઓ પર પડતાં પગલાંના સ્વભાવમાં

ખૂણ્ખાંચરે ઠેકઠેકાણે શોધ્યું

તો લાગ્યું

ભારત શાનો વિવિધતાવાળો દેશ અનૂઠો

ભારત એટલે એક અંગૂઠો

ભારત એટલે એક અંગૂઠો

મેંય હવે માફકસરનું કોર જોડ્યું છે.

ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે

લે, ડાબા હાથથી એ જ અનોખું તીર છોડ્યું છે.

e.mail : umlomjs@gmail.com

Loading

શૈક્ષણિક દુર્દશાનો ચિતાર સરકાર જ આપે છે ને એને માટે જવાબદાર પણ સરકાર જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 September 2023

રવીન્દ્ર પારેખ

વિધાનસભાનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023ને મંજૂરી મળી ગઈ છે અને આ વિધેયકથી આવનારાં 100 વર્ષની શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાયાનું સરકારનું માનવું છે. સરકારને લાગે છે કે રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓને વહીવટ અને સંચાલનમાં આપેલ ઓટોનોમીથી ગુજરાત વિશ્વ ફલક પર એજ્યુકેશન હબ બનીને ઉભરશે. એજ્યુકેશન હબ તો બનતાં બનશે, પણ અત્યારે જે સ્થિતિ છે, તે જોતાં તે એજ્યુકેશન હબ તો નહીં, પણ એજ્યુકેશન ‘શબ’ બને એવી શક્યતાઓ વધુ છે.

પબ્લિક યુનિવર્સિટી એક્ટ, 2023 મુજબ કુલપતિઓની ટર્મ 5 વર્ષની થઈ છે ને તે પછી પણ બીજી યુનિવર્સિટીમાં વધુ એક ટર્મ મેળવી શકે એવી જોગવાઈ છે. આ એક્ટ દ્વારા 11 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા આવશે. બિલમાં અધ્યાપક, આચાર્ય, પ્રોફેસર, અધ્યક્ષની નિમણૂકમાં 33 ટકા મહિલાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. યુનિવર્સિટીનાં સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલની ભૂમિકા મહત્ત્વની રહેશે, જે કદાચ સેનેટ, સિન્ડિકેટને વિકલ્પે હોઈ શકે. આ વિધેયકના પ્રતિભાવો મિશ્ર છે. માઈગ્રેટ થતાં વિદ્યાર્થીઓને, તમામ યુનિવર્સિટીઓની પ્રણાલી સરખી થઈ જતાં, એકમાંથી બીજી યુનિવર્સિટીમાં જવાની સરળતા રહેશે. દક્ષિણ ગુજરાત શૈક્ષિક સંઘ બિલ સ્વીકારવાના મતનો છે, તો બિલને કારણે સેનેટ, સિન્ડિકેટ નીકળી જતાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોનું પ્રતિનિધિત્વ રહેશે નહીં એવી ચર્ચા પણ સંબંધિત વર્તુળોમાં છે. સરકારી યુનિવર્સિટીઓનું ભાવિ ઉજ્જવળ બનવાની આશા સરકારને હશે, પણ યુનિવર્સિટીઓની અત્યારની હાલત સરકારે જ વિધાનસભામાં વર્ણવી છે તે જુદું જ ચિત્ર ઊભું કરે છે.

સાધારણ રીતે સાધનસંપન્ન વિદ્યાર્થીઓ વધુ વિદ્યાભ્યાસ અર્થે વિદેશ ઊડી જાય છે, ત્યારે વિદેશી સગવડોનો લાભ લેવાનો આરોપ તેમના પર આવે છે, પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાથી ત્રાસીને તેઓ વિદેશ દોડે છે તે વાતને નજર અંદાજ કરવામાં આવે છે. અહીં પૂરતી ફી આપવા છતાં શિક્ષણનાં કોઈ ઠેકાણાં ન હોય કે શિક્ષણ લીધાં પછી નોકરીની કોઈ ખાતરી ન મળતી હોય ને તમામ સ્તરે વગનો જ મહિમા થતો હોય તો વિદ્યાર્થી અહીં શું કામ રહેશે? જે સાધનસંપન્ન છે તે તો વિદેશ જઈને ભવિષ્ય સુધારશે ને જે સાધનસંપન્ન નથી, તેનું તો આમે ય ભવિષ્ય જ શું છે? પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર કરીને મંત્રીશ્રીઓ પ્રસન્ન છે, પણ શિક્ષણમંત્રીશ્રીએ જ ગુરુવારે વિધાનસભામાં આપેલી વિગતો ઉત્સાહવર્ધક નથી.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGCનો આદેશ છે કે જે તે યુનિવર્સિટી અને કોલેજે નેશનલ એસસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ-NAACની માન્યતા મેળવી લેવી. NAAC ચોક્કસ માપદંડોને આધારે યુનિવર્સિટી તથા કોલેજોની શૈક્ષણિક ગુણવત્તાનું અને વહીવટી બાજુનું મૂલ્યાંકન કરે છે ને જે તે સંસ્થાઓને માન્યતા આપે છે. ગુજરાતની કુલ 108 યુનિવર્સિટીઓ છે, તેમાંથી 88 યુનિવર્સિટીઓ પાસે NAACની માન્યતા નથી. કોલેજો ગુજરાતમાં 2,468 છે, પણ 2,371 પાસે NAACની માન્યતા નથી. ટૂંકમાં, 78 ટકા યુનિવર્સિટીઓ અને 96 ટકા કોલેજો ગુજરાતમાં એવી છે જે NAACનાં માપદંડોનો સામનો કરવાથી દૂર છે. સરકારે તાકીદે માન્યતા મેળવી લેવા યુનિવર્સિટીઓને અને કોલેજોને જણાવ્યું છે, પણ અત્યાર સુધી એની કોઈ અસર વર્તાઇ નથી, તો હવે કેટલી વર્તાશે એ તો ફરી આમ જ જાણ કરાશે ત્યારે ખબર પડશે. એ છે કે સરકારે ખાનગી યુનિવર્સિટીઓને પણ 2 વર્ષમાં NAACની માન્યતા મેળવી લેવા જણાવ્યું છે.

આ તો યુનિવર્સિટીઓ અને કોલેજોની વાત થઈ, પણ પ્રાથમિક શિક્ષણની દરિદ્રતા ને ગરીબાઈ તો વધુ શરમજનક અને દયાજનક છે. એવું નથી કે સરકાર પાસે બજેટ નથી. 2023-‘24નું ગુજરાતનું બજેટ 3,01,022 કરોડ રૂપિયા હતું. તેમાંથી સૌથી વધુ 43,651 કરોડ જેવી રકમ શિક્ષણને ફાળવાઈ, પણ એ રકમ શિક્ષણ માટે ખર્ચાઈ હોય એવું એટલે લાગતું નથી, કારણ, સરકારે જ પ્રાથમિક શિક્ષણનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વિગતો વિધાનસભામાં આપી છે, એ પરથી બજેટ, શિક્ષણ માટે ખર્ચાયું નથી એ નક્કી. વિધાનસભામાં સરકારે જે વિગતો આપી છે, એમાં વર્ષોથી કોઈ સુધારો થયો નથી અને હાલત બદથી બદતર જ થતી ગઈ છે.

સરકાર 2017થી 32 હજાર કાયમી શિક્ષકોની ઘટ ન પૂરવાનાં સોગંદ ખાઈને બેઠી હોય તેમ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયક શિક્ષકો રાખીને કારભાર કરવા ધારે છે, એ તો ઠીક, પણ પ્રાથમિક સ્કૂલો જે જગ્યાએ ચાલે છે એ સ્થિતિ તો સરકાર ભિક્ષુક થવાની જ બાકી રહી હોય એવી ગરીબીની ચાડી ખાય છે. એકથી વધુ વર્ગના વિદ્યાર્થીઓ એક જ ખંડમાં ઠૂંસવામાં આવ્યા હોય કે જર્જરિત દીવાલો વચ્ચે બાળકો જોખમી રીતે ભણતાં હોય એવા આંકડાઓ સરકારે, વિપક્ષના સભ્યોની પૃચ્છામાં, જાહેર કર્યા છે. સરકારે લેખિતમાં જવાબો આપ્યા છે અને જાહેર કર્યું છે કે આગામી વર્ષોમાં બધી ક્ષતિઓ દૂર કરવામાં આવશે. જો કે, સરકાર બરાબર જાણે છે કે આગામી વર્ષોમાં તેનાથી કૈં થવાનું નથી. થવાનું હોત તો વીતેલાં વર્ષોમાં થયું જ હોત, પણ કૈં ન થાય એની સરકારે પૂરતી કાળજી રાખી છે. કૈં થયું હોત તો દુર્દશાના આંકડાઓમાં ક્યાંક તો ઘટાડો થયો હોત, પણ થયો નથી તે હકીકત છે. આમ તો એકથી વધુ શિક્ષણમંત્રીશ્રીઓ રાજ્યમાં છે, પણ તેમનાથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી, એટલે આ મામલે મુખ્યમંત્રીશ્રી સીધો હસ્તક્ષેપ કરે તો જ કૈં ફેર પડે તો પડે !

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ 32,000થી વધુ છે, તેમાંથી 17,267 સ્કૂલો એવી છે, જેમાં એક જ ઓરડામાં એકથી વધુ વર્ગના વિદ્યાર્થીઓને ઠાંસવામાં આવે છે. મતલબ કે અડધીથી વધારે સ્કૂલોને પૂરતા ઓરડા જ નથી. એમાં પણ જર્જરિત ઓરડાવાળી શાળાઓ 3,838 છે. ઘટતા ઓરડાની સંખ્યા 9,153 છે. RTE મુજબ ઘટતા ઓરડાઓની શાળાઓ 1,588 અને ઘટતા ઓરડાઓની સંખ્યા 2,614 બતાવાઈ છે. જેને કમ્પાઉન્ડ વોલ જ નથી એવી શાળાઓ 5,439 છે. લાઇટ જ ન હોય એવી શાળાઓ 8 છે. 7,599 પ્રાથમિક સ્કૂલો એવી છે, જેને ધાબું નથી, પતરાં છે. ડાંગની એક સ્કૂલ તોડી પાડવામાં આવી, તે હવે ભાડાંના ઓરડામાં ચાલે છે. આ સ્થિતિ આદિવાસી બાળકોની ધીરજ કેટલી ટકાવી રાખશે તે જોવાનું રહે. રહી વાત મેદાનોની, તો હવે રમતગમતનાં મેદાનો ને વ્યાયામ શિક્ષકો વગરની સ્કૂલો જ તેની વિશેષતા છે. આ અંગેની વારંવારની નોટિસો પછી, ત્રણેક વર્ષમાં ખાનગી સ્કૂલોમાં 129 અને સરકારી સ્કૂલોમાં 264 મેદાનો તૈયાર થયાં છે તે નોંધવું ઘટે. લાગે છે, આ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો છે?

આમ તો જાતભાતની પરીક્ષાઓ ને ઇન્ટરવ્યૂ શિક્ષકને નોકરી આપવા લેવાય છે, તો ય શિક્ષણમંત્રીશ્રીના કહેવા મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 1,885 શિક્ષકો શૈક્ષણિક લાયકાત વગરના છે, જેમાંથી અમદાવાદમાં જ 306 શાળાઓના 805 શિક્ષકો લાયકાત વિનાના છે. આમ તો ખાનગી સ્કૂલોની જવાબદારી સરકારની નથી એટલે ત્યાં શું ચાલે છે તે તો કોઈ તપાસ વગર ખબર નહીં પડે, પણ તપાસ થાય તો તેનાં પરિણામો પણ સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલોથી બહુ સારાં ભાગ્યે જ હશે, કારણ એ સ્કૂલો પણ છે તો ગુજરાતની જને ! આટલી દરિદ્રતા ખરેખર નબળું રાજ્ય હોય તો કૈંકે સમજાય, પણ આ રાજ્યમાંથી ગયેલા વડા પ્રધાન હજી સક્રિય છે ને એમને શરમમાં નાખતી હોય એવી દુર્દશા ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાઇમરી સ્કૂલોની છે.

સૂરતની વાત કરીએ તો શિક્ષણ સમિતિની શાળાઓને જૂન માસમાં મળતી સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ સપટેમ્બર અડધો પૂરો થઈ જવા છતાં મળી નથી. કેટલીક સ્કૂલોમાં તો આચાર્ય પોતાને ખર્ચે સ્કૂલ ચલાવી રહ્યા છે. આચાર્યને પણ એની મર્યાદા હોય, જો સમિતિ જ એટલી ગરીબ હોય તો આચાર્ય કેટલુંક ખેંચશે? શિક્ષણને મામલે આખું રાજ્ય એટલું કંગાળ અને ગરીબ છે કે છતે પૈસે ભિખારી જેવી સ્થિતિમાં શિક્ષણ ચાલે છે ને એની કોઈને જ જરા જેટલી શરમ નથી.

આ બધાં માટે માત્ર સરકારને દોષ દેવાનો પણ અર્થ નથી, ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ, શૈક્ષણિક યુનિયનો અને શિક્ષણશાસ્ત્રીઓની ઉદાસીનતા પણ આ શૈક્ષણિક દરિદ્રતા માટે એટલી જ જવાબદાર છે. સરકારનો વિરોધ જ કરવો જોઈએ એવું નથી, પણ સરકારે જ જાહેર કરેલી વિગતો સંદર્ભે કૈં ખોટું થતું હોય તો તે વાત સરકારને ધ્યાને લાવવી પ્રજાની ફરજ છે. એ ફરજ બજાવવામાં પ્રજા પણ સરકાર જેટલી જ ઊણી ઊતરી છે તે દુ:ખદ છે. આવનારી પેઢી તો આ સૌને માફ નહીં જ કરે, પણ છે તે પેઢીએ પણ આ નાદાની અને નાદુરસ્તીને ક્ષમ્ય નહીં જ લેખવી જોઈએ. અભિશાપ હવે કોઈને લાગતા નથી તે સારું છે, બાકી, કાળ તો એનો જ લાગે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 સપ્ટેમ્બર 2023

Loading

...102030...987988989990...1,0001,0101,020...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved