Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોનો વિજય થયો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 June 2025

રમેશ ઓઝા

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કોનો વિજય થયો? વિજયની વાત જવા દઈએ તો કોનો હાથ ઉપર રહ્યો? કોણ કોના પર ભારી પડ્યું ? ખરું પૂછો તો યુદ્ધમાં અમેરિકાએ પણ ભાગ લીધો હતો, એટલે ઉક્ત પ્રશ્ન ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન એમ ત્રણેયને લાગુ પડે છે. આનો પહેલો ઉત્તર તમે કઈ ચેનલ કે અખબાર જૂઓ છે / વાંચો છો એના પર નિર્ભર છે. મીડિયા દુનિયામાં શું બની રહ્યું છે એનાં ન્યુઝ નથી આપતાં, શું ખોટું થઈ રહ્યું છે અને કોણ ખોટું કરી રહ્યું છે એના વિષે વાત નથી કરતાં, ઊંડે ઉતરીને સત્ય જાણવાનો પ્રયાસ નથી કરતાં કે વિશદ ચર્ચા નથી કરતાં પણ ગ્રાહકોનું મનોરજન કરે છે. વાચક કે દર્શક નાગરિક નથી, ગ્રાહક છે. અને ગ્રાહક વહેંચી લેવામાં આવ્યા છે. કેટલાક નરેન્દ્ર મોદીનું સુંદર પેકેજીંગ કરીને વેચે છે અને કેટલાક તેમની ઠેકડી ઉડાડીને વેચે છે. બન્ને પાસે ગ્રાહક છે અને બીજા પ્રકારના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. અમિત માલવિયા માટે આ ચિંતાનો વિષય છે. 

પણ સત્ય બન્નેમાંથી કોઈ જગ્યાએ મળતું નથી. એવું નથી કે પ્રામાણિક પત્રકારત્વ કરવાવાળા કોઈ બચ્યા જ નથી. એ છે અને મોટી સંખ્યામાં છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે ગ્રાહકમાંથી માણસ બનવું પડે, નાગરિક બનવું પડે. આ દુનિયામાં હું પણ એક નાનકડો ભાગીદાર છું એવી એક સમજ હોવી જોઈએ. આવી સમજ અને માણસ તરીકેની જવાબદારી તમને સાચી જગ્યાએ લઈ જઈ શકે. 

બાકી ટી.વી. ચેનલ નામનાં જલસાઘરોમાં શું નથી બતાવવામાં આવતું! ઓપરેશન સિંદુર વખતે કેટલાક લોકોએ ભક્તોને પેટ ભરીને જલસા કરાવ્યા હતા. પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે જલસાઘરોએ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વખતે પણ જલસા કરાવ્યા. કેમ જાણે યુદ્ધ સાથે ભારતને કોઈ સીધો સંબંધ હોય! ભક્તોની ઘરાકી ધરાવનારા જલસાઘરોને લાગ્યું કે તેમના ગ્રાહક ઇઝરાયેલ ઈરાનનો કચ્ચરઘાણ કાઢે એવું ઈચ્છે છે એટલે તેમણે ઓપરેશન સિંદુર વખતે જોવા મળ્યું હતું એમ ઈરાનની તબાહીના દૃશ્યો બતાવ્યાં અને બીજા છેડાના જલસાઘરોએ ઇઝરાયેલની તબાહીનાં દૃશ્યો બતાવ્યાં. કેટલાક ગ્રાહકોને એમ લાગે છે કે યુદ્ધમાં વિજયની વાત જવા દઈએ તો ઇઝરાયેલનો હાથ ઉપર રહ્યો અને બીજા વર્ગના ગ્રાહકોને એમ લાગે છે કે ઈરાનનો હાથ ઉપર રહ્યો છે. 

હકીકતે શું બન્યું એની વાત કરતાં પહેલાં એક પ્રશ્ન અહીં પૂછવો રહ્યો. તમને માણસમાંથી ગમાર ગ્રાહક બનવામાં શરમ નથી આવતી? એ પણ નથી સમજાતું કે જૂઠાણાં પીરસીને તમને ગદગદિયાં કરવામાં આવે છે? અને એનાથી વાસ્તવિકતા બદલાઈ જવાની છે? ક્યાં સુધી ગમારની જિંદગી જીવશો? પણ ખેર, એ વાત અહીં પૂરી કરીએ. 

સવાલ એ છે કે ઇઝરાયેલ ઈરાન (અને અમરિકા પણ) વચ્ચેના યુદ્ધમાં કોણે સરસાઈ મેળવી અને કઈ રીતે? 

વિજય ઈરાનનો થયો છે, કારણ કે ઇઝરાયેલનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એવી ઇઝરાયેલ અમેરિકાની જે સમજ હતી અને દુનિયામાં એવી માન્યતા હતી એ બન્નેનો ભાંગીને ભૂકો થઈ ગયો. કહેવાતા આયર્ન ડૉમને ચીરીને ઈરાને ઇઝરાયેલ પર હુમલા કર્યા. ઇઝરાયેલ અને અમેરિકાએ આની કલ્પના નહોતી કરી. બીજું ગાઝાને કારણે ઇઝરાયેલે આ પહેલાં જ જગતની સહાનુભૂતિ ગુમાવી દીધી હતી અને હવે કારણ વગર ઈરાન પર હુમલો કરીને એકલું  પડી ગયું. ઈરાનના અણુકાર્યક્રમ વિષે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા શરૂ થવામાં હતી ત્યારે ઇઝરાયેલે શા માટે હુમલા કર્યા? એમ કહેવાય છે કે ઇઝરાયેલનો અમેરિકાને યુદ્ધમાં ઉતારવાનો ઈરાદો હતો. એકવાર અમેરિકા યુદ્ધમાં ઉતરે તો ઈરાનની અણુતાકાતની વાર્તા કાયમ માટે પૂરી થઈ જાય અને એ રીતે ઇઝરાયેલ પરના એક માત્ર ભયનો અંત આવે. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલની આણ સ્થાપિત થઈ જાય, ગાઝા અને વેસ્ટ બેંકનો વિસ્તાર કાયમ માટે કબજે કરી શકાય, ત્યાંના મુસલમાનોને ખદેડી શકાય, અને ઈરાનમાં ખૌમેનીને હટાવીને કે મારી નાખીને અનુકૂળ નેતૃત્વ સ્થાપિત કરી શકાય. બસ પછી ભયોભયો. નેતાન્યાહુ દુ:શ્મનમુક્ત ઇઝરાયેલના આર્કિટેક્ટ તરીકે અમર થઈ જાય. 

પણ આવી કોઈ યોજના અમેરિકાને વિશ્વાસમાં લીધા વિના ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુએ અમલમાં મૂકી હોય એ શક્ય છે? શક્યતા નથી એમ જો તમે માનતા હો તો શું અમેરિકા ફરી ગયું? મારી દૃષ્ટિએ શક્યતા બન્ને છે. નેતાન્યાહુ ક્રૂર હિંસક માણસ છે જે કાંઈ પણ કરી શકે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘડીકનો માણસ છે જે ફરી જઈ પણ શકે. ટ્રમ્પે પહેલાં ઈરાનને ધમકી આપી. શરણે થવાની અને તેહરાન ખાલી કરવાની વાત કરી. ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન કરવાની અને ખૌમેનીને મારી નાખવાની પણ વાત કરી. બે દિવસ પછી પીછેહઠ કરી અને ઈરાનને બે અઠવાડિયાની મોહલત આપી. એ દરમ્યાન ઇઝરાયેલમાં પોસ્ટર લાગ્યાં કે અમેરિકા ઈરાન પર હુમલો કરે અને ઈરાનના ચેપ્ટરનો અંત લાવે. એ પછી અમેરિકાએ ઈરાનના અણુમથકો પર હુમલા કર્યા. ઈરાને વળતા હુમલા કર્યા અને અમેરિકાએ બન્ને દેશો વચ્ચે યુદ્ધતહકુબી જાહેર કરી. ઇઝરાયેલે એ પછી પણ ઈરાન પર હુમલા કર્યા તો ટ્રમ્પે નેતાન્યાહુની ખરાબ શબ્દોમાં નિંદા કરી. ઈરાને ઇઝરાયેલને ઢીબી નાખ્યું એવું પણ કહ્યું. આ તો ભાઈ ગાંડો છે અને દુનિયામાં પણ ગાંડાઓની વણઝાર જોવા મળી રહી છે. ફારસ તો ત્યારે થયું જ્યારે ઈરાનના અણુમથકોનો વિનાશ કરવામાં આવ્યો છે એવી ટ્રમ્પની ડંફાશને અમેરિકાના જ લશ્કરી વડાએ નકારી. અમેરિકન મીડિયાએ ઈરાનના અણુમથકોની હુમલા પહેલાંની અને પછીની સેટેલાઈટ તસ્વીરો આપી અને પ્રશ્ન કર્યો કે વિનાશ બતાવો. અમેરિકન મીડિયા હજુ ગોદાસીન નથી. ટ્રમ્પની મીડિયાને અપાતી ગાળોની વીડિયો ક્લિપ્સ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. ટૂંકમાં ઇઝરાયેલ ઈરાન યુદ્ધમાં ઇઝરાયેલ અને અમેરિકાનું નાક કપાયું છે અને ઈરાન અણધાર્યું વિજેતા નીવડ્યું છે. ઈરાને હવે તેની અણુનીતિમાં પરિવર્તનનો પણ ઈશારો કર્યો છે અને કહ્યું છે કે જો બહુ દાદાગીરી કરવામાં આવશે તો ઈરાન એન.પી.ટી. (નોન પ્રોલિફરેશન ટ્રીટી) અર્થાત અણુપ્રસારણ નહીં કરવાની સંધી તોડી નાખશે. આનો અર્થે થયો કે અણુશસ્ત્રો પણ બનાવશે. 

એમ કહેવાય છે કે ઈરાને ૪૦૦ કિલો એનરીચ્ડ કરેલું યુરેનિયમ અણુમથકોમાંથી કોઈક અન્ય સ્થળે સગેવગે કરી નાખ્યું છે. એમ પણ કહેવાય છે કે ઈરાનનું યુરેનિયમ બંકરોમાં એટલે અંદર સુધી દટાયેલું છે કે તે ખતમ કરવા માટે જોખમ ખેડીને લાંબા સમયનું યુદ્ધ કરવું પડે. અમારી પાસે એવી ટેકનોલોજી છે કે કોઈ અમારા ઘરની નજીક પણ ન આવી શકે અને અમારી પાસે એવી ટેકનોલોજી છે જે તમારી ધરતી પર ફરતા ઉંદરની ગતિવિધિ પર પણ નજર રાખી શકે છે એ ઈરાને, ઉત્તર કોરિયાએ, અફઘાનિસ્તાને, પાકિસ્તાને, ઈરાકે અને ત્રાસવાદીઓએ ખોટી પાડી છે. દસ વરસ સુધી ઓસામા બિન લાદેન ક્યાં છૂપાયો છે એ અમેરિકા જાણી શક્યું નહોતું. આ બધા પેદા કરવામાં આવેલા ભ્રમ ભાંગી ગયા છે. શું ગુનો કરનારા બેવકૂફ છે કે ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર બેસી રહે? મુંબઈના ગુંડાઓ પણ ગુનો કર્યા પછી પોતાના અડ્ડા પર પાછા જતા નથી. ત્રાસવાદીઓની છાવણીઓ પ્રત્યેક ત્રાસવાદી હુમલા પછી નવી જગ્યાએ શિફ્ટ થતી હોય છે. એમાં કોઈ અબજો રૂપિયાનું રોકાણ નથી હોતું કે જગ્યા બદલી ન શકાય. 

તો પછી આવા બધા ઉધામા શા માટે કરવામાં આવે છે? રાષ્ટ્રવાદની પ્રાસંગિકતાને કારણ આપવા માટે. માનવીય એકતા આધારિત માનવીય વિકાસને કેન્દ્રમાં રાખનારો જવાહરલાલ નેહરુનો નરવો રાષ્ટ્રવાદ તામસિક પ્રકૃતિ ધરાવનારાઓને માફક આવતો નથી. ફાયદો હોવા છતાં ય. તેમને તે ફિક્કો લાગે છે. તેમને તામસિક રાષ્ટ્રવાદ માફક આવે છે પછી ભલે પોતાનું નુકસાન થાય. આજકાલ તામસિક રાષ્ટ્રવાદની બોલબાળા છે. 

આ સિવાય ઇઝરાયેલ અને અમેરિકામાં એક બીજી ચીજ જોવા મળી રહી છે. આ બન્ને દેશોમાં પ્રજાકીય વિભાજન મોટા પ્રમાણમાં થયું છે અને તામસિક રાષ્ટ્રવાદનો વિરોધ કરનારાઓ અને માનવકેન્દ્રી સાત્ત્વિક રાષ્ટ્રવાદનો પુરસ્કાર કરનારાઓ સામસામે આવી ગયા છે. માત્ર ગોદીમીડિયાનું સેવન કરનારા ભક્તજનોને જાણ નહીં હોય, પણ બીજા પ્રકારના લોકો ઇઝરાયેલ અને અમેરિકામાં રસ્તા પર ઉતરી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ વિચારક ડેવિડ એટનબરો કહે છે કે ઈઝરાયેલની સ્થાપના પછી પહેલીવાર ઇઝરાયેલમાં ઇઝરાયેલના હોવાપણા વિષે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. આવા ઇઝરાયેલ માટે ઇઝરાયેલની સ્થાપના કરવામાં આવી હતી? ૧૯૪૮ પછી ઇઝરાયેલમાં આવી વસેલા લોકો ઇઝરાયેલ છોડીને જઈ રહ્યા છે. આવા યહૂદી રાષ્ટ્રની કલ્પના તેનાં સ્થાપકોએ નહોતી કરી. વિરોધ ઉત્તરોત્તર પ્રબળ થઈ રહ્યો છે એટલે નેતાન્યાહુ પણ પોતાના સમર્થકોને પકડી રાખવા વધારે આક્રમક થયા છે. નેતાન્યાહુ માટે વાઘસવારી જેવી સ્થિતિ પેદા થઈ છે. અમેરિકામાં પંદર દિવસ પહેલાં ‘નો કિંગ’ આંદોલન થયું હતું. અમેરિકાનાં ૧,૧૦૦ નાનાં મોટાં શહેરોમાં નરવા રાષ્ટ્રવાદના પુરસ્કર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સંખ્યા પચાસ હજારથી પાંચ લાખ સુધીની હતી. ટ્રમ્પની એ વીડિયો પણ જોવા મળશે જેમાં તે નો કિંગમાં ભાગ લેનારાઓને ગાળો આપે છે. 

અને ભારત? ભારતના વર્તમાન શાસકોની સહાનુભૂતિ ઇઝરાયેલ માટે છે. આજથી નહીં, ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી. હિન્દુત્વવાદીઓ માટે પ્રેરણાસ્થાન છે. પણ ભારત માટે ઈરાન એટલું જ ઉપયોગી છે જેટલું ઇઝરાયેલ છે અને ખરું પૂછો તો વધારે ઉપયોગી છે. ભારતના શાસકો નિર્ણય જ ન લઈ શક્યા કે શું કહેવું? હંમેશની ચૂપકીદી. તેમને એમ હતું કે ઈરાન પરાજિત થશે અને સત્તાપરિવર્તન થશે. આજે ઈરાનના શાસકો સાથે નરેન્દ્ર મોદી આંખ પણ મેળવી શકે એમ નથી. વૈશ્વિક રાજકારણમાં ગમાઅણગમા કેન્દ્રમાં નથી હોતા સ્વાર્થ કેન્દ્રમાં હોય છે. પણ અગેન એક ઈમેજ બનાવી અને એ ઈમેજને પસંદ કરનાર સમર્થકોની એક જમાત પેદા કરી પછી એ જમાતને રાજી રાખવી પડતી હોય છે. આ પગની બેડી છે અને અત્યારના રાષ્ટ્રવાદી શાસકો તેમાં જકડાયેલા છે. સોનિયા ગાંધીએ ‘ધ હિંદુ’માં લેખ લખીને સવાલ પૂછ્યો હતો કે ભારતની વિદેશનીતિ ક્યાં ખોવાઈ ગઈ છે? 

જવાબ શોધવો અઘરો નથી; એ નકલી રાષ્ટ્રવાદનો શિકાર બની ગઈ છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 જૂન 2025

Loading

કટોકટી સમયના આર્થિક પ્રવાહો 

નેહા શાહ|Opinion - Opinion|29 June 2025

નેહા શાહ

સ્વતંત્ર ભારતના સૌથી કાળા પ્રકરણ એવી કટોકટીની ઘોષણાને પચાસ વર્ષ થયાં. કહેવાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. એટલે કટોકટી દરમ્યાન શું થયું અને એની માઠી અસર કેટલી ઊંડી અને લાંબા ગાળાની હતી એ યાદ રાખવું જરૂરી છે જેથી એનું પુનરાવર્તન ટાળવાના પ્રયત્ન કરતા રહીએ. કટોકટીએ સાબિત કરી આપ્યું કે દેશનું બંધારણ કેટલું પણ મજબૂત બનાવો તો પણ જ્યારે દેશનું શાસન સરમુખત્યાર માનસિકતાના હાથમાં હોય ત્યારે લોકશાહી સંસ્થાઓ નબળી પડી શકે છે અને વ્યક્તિ સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર હુમલો થઇ શકે છે. ૨૫ જૂન ૧૯૭૫થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધીના ૨૧ મહિના લાંબા આ સમય ગાળા દરમ્યાન ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી, નાગરિક સ્વતંત્રતા પર અંકુશ મુકવામાં આવ્યા, ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા અને  અખબારોની સ્વતંત્રતા પર નિયંત્રણ મુકવામાં આવ્યા. આ તો બધી ખૂબ જાણીતી વાત છે. એ સિવાય ઐતિહાસિક રીતે કટોકટી માટેનો પાયો બાંધનારા અને કટોકટીની પરિણામરૂપ જે આર્થિક પ્રવાહો ઊભા થયા એ ખૂબ રસપ્રદ છે. આ સમય દરમ્યાન જ દેશની આર્થિક નીતિનો ઝોક સમાજવાદ તરફથી મુક્ત બજાર ફંટાયો.  

૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં અને ૧૯૭૦ના પૂર્વાર્ધમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એવી ઘણી ઘટના બની જેની  ભારતના અર્થતંત્ર પર ઘેરી અસર હતી. ૧૯૬૭માં ચૂંટણી જીત્યા પછી ઇન્દિરા ગાંધી સરકારે સમાજવાદી વિચારધારાને અનુરૂપ પગલાં લીધાં. બેંકો, જીવન વીમા નિગમ, તેમ જ કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ થયું. ઈજારાશાહી પર નિયંત્રણ કરતો કાયદો આવ્યો. ત્યાર બાદ ૧૯૭૧માં સરકારે ‘ગરીબી હટાઓ’ કાર્યક્રમ શરૂ કર્યો જેની સરકારી ખર્ચ પર અસર હતી. એ જ વર્ષે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું જેમાં બાંગલાદેશ છૂટું પડ્યું. યુદ્ધ સમયે સરકારી બજેટમાં ખાધનું પ્રમાણ ઊંચું ગયું તેમ જ યુદ્ધમાં ભારતે ભજવેલી ભૂમિકાને કારણે અમેરિકાથી આવતી સહાય બંધ થઇ, જેણે આર્થિક સંસાધનો પર દબાણ ઊભું કર્યું. ત્યારબાદ ૧૯૭૩માં વૈશ્વિક ‘ઓઈલ શોક’ તરીકે ઓળખાતી કટોકટી આવી જેને કારણે પેટ્રોલ આયાત કરવાનો ખર્ચ છ મહિનામાં લગભગ ૩૦૦ ટકા વધી ગયો. પરિણામે ભારતમાં પણ ફુગાવામાં ગગનચુંબી વધારો થયો. રોજ બ રોજની વસ્તુઓની કિંમતો વધતા સરકાર સામેનો વિરોધ જલદ થયો. ૧૯૭૩ના વર્ષથી જ સરકારી ખર્ચમાં કાપની શરૂઆત થઇ ગઈ. નાણાંનીતિ પણ કડક બનાવાઈ જેથી ફુગાવો કાબૂમાં આવે. ‘ગરીબી હટાઓ’ પરથી ધ્યાન ‘ઉત્પાદન વધારવા’ પર ગયું. લોક આંદોલન સામે કડક હાથે કામ લેવામાં આવ્યું. ઇન્દિરા ગાંધી સામે ચૂંટણીમાં ગેરરીતિ કરવાના આરોપ તો હતા જ પણ સાથે આર્થિક ભીંસ વધતા લોકપ્રિયતા પણ તળિયે પહોંચી હતી. એમાં જ કટોકટીનાં મંડાણ થઇ ગયાં હતાં, અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાએ એની ચાપ દાબી આપી. 

કટોકટીના સમય દરમ્યાન વીસ મુદ્દાના કાર્યક્રમ જાહેર થયો જેમાં ખાનગી ક્ષેત્રને ઔદ્યોગિક ઉત્પાદનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. દેશના મોટા વ્યાપારીઓ દ્વારા આ નીતિનું સ્વાગત પણ થયું. – કટોકટીનો સમય હતો એટલે શક્ય છે કે ભયે પણ ભૂમિકા ભજવી હોય, પણ નીતિઓનો બદલાયેલો ઝોક હવે મુક્ત બજાર તરફી હતો જે ૧૯૮૦માં જ્યારે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં જ્યારે ફરીથી સરકાર બની ત્યારે સ્પષ્ટ રીતે દેખાયો. એમાં કદાચ આર્થિક ગણતરી ઉપરાંત દેશના બોલકા ઉદ્યોગપતિઓને નારાજ નહિ કરવાની રાજકીય ગણતરી પણ હતી. ૧૯૭૯-૮૦નો સમય પણ વૈશ્વિક અર્થતંત્ર માટે નાજુક જ હતો. ૧૯૭૯માં બીજા ઓઈલ શોકને કારણે પેટ્રોલના ભાવ આસમાને હતા, જેને પરિણામે ભારતના અર્થતંત્રને ફુગાવા અને બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે ઝૂઝવાનું હતું. ઇન્દિરા ગાંધીએ આઈ.એમ.એફ. પાસે મદદ લીધી અને ત્યારથી વિશ્વના બજારો માટે ભારતના દરવાજા ખુલવાની શરૂઆત થઇ ગઈ. આ નીતિ વ્યાપારી વર્ગે વધાવી લીધી. ધીમે ધીમે સરકારી નીતિનાં કેન્દ્રમાં ગરીબ સુધી પહોંચવાને બદલે ઉત્પાદન વધારવાના પગલાં આવી ગયાં. આજ નીતિઓને રાજીવ ગાંધી અને ત્યારબાદ નરસિંહ રાવે આગળ વધારી.  

કટોકટીની આર્થિક અસર જોઈએ તો ૧૯૭૫-૭૬ના એક વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આશ્ચર્યજનક રીતે ઊંચો હતો. ખેતીમાં ૧૫ ટકા, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં ૨૧ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૬ ટકા તેમ જ નિકાસમાં ૨૧.૪ ટકા જેટલો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો ! ઉત્પાદન વધવાથી ફુગાવાનો દર પણ નાટકીય રીતે ઘટીને ૧.૧ ટકા સુધી ઘટી ગયો! અર્થતંત્રમાં ટૂંકા ગાળામાં દેખાયેલા આ સુધારાને કારણે સરમુખત્યારશાહીમાં દેશના આર્થિક વિકાસનો ઉપાય શોધનારા પણ હતા ! દેશના વિકાસને નક્કી કરવા માટે માત્ર જી.ડી.પી.નાં સૂચકાંક પર આધાર રાખવું કેટલું ભ્રામક  હોઈ શકે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ. માત્ર દોઢ વર્ષના ગાળા પછી ભાવ ફટાફટ વધવા લાગ્યા, વાસ્તવિક વેતન દર ઘટ્યો, અને સામાન્ય માણસની જિંદગી તો દોહ્યલી જ રહી. આ દૃષ્ટિએ જોઈએ તો કટોકટીનો સમય ગાળો માત્ર રાજકીય રીતે જ નહીં, પણ આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ જટિલ હતો.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—295

દીપક મહેતા|Opinion - Opinion|28 June 2025

રંગીલા, મોજીલા પ્રેમ આહુજાનું મોત : અકસ્માત કે ખૂન?      

ધોબી તળાવ પાસે આવેલું મેટ્રો એટલે એક જમાનાનું મુંબઈનું સૌથી વધુ ‘પોશ’ થિયેટર. જ્યાં જુઓ ત્યાં લાલ અને ગુલાબી રંગની ભરમાર. દાખલ થાવ કે તરત લાલ યુનિફોર્મ પહેરેલા ખિદમતગાર સ્વાગત કરે. લાલ ગાલીચા પાથરેલાં આરસનાં પગથિયાં ચડીને ઉપર જાવ તો સામે દેખાય જે.જે. સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થીઓએ કરેલાં ભીંતચિત્રો. ૧૯૩૮ના જૂન મહિનાની પાંચમી તારીખે ઉદ્ઘાટન થયું ત્યારથી અંગ્રેજી ફિલ્મોના ચાહકો માટે તો જાણે દેવળ બની ગયું. એ વખતે આ થિયેટર MGM કંપનીની માલિકીનું હતું અને વર્ષો સુધી અહીં માત્ર એ કંપનીની ફિલ્મો જ બતાવવામાં આવતી. 

મેટ્રો સિનેમાનાં ઉદ્ઘાટનની જાહેર ખબર

૧૯૫૯ના એપ્રિલની ૨૭મી તારીખે બપોરનો શો શરૂ થાય એ પહેલાં સિલ્વિયા નાણાવટી પોતાનાં ત્રણ બાળકોને લઈને મોટરમાંથી ઊતરી. ઘણા દિવસથી બાળકો કહેતાં હતાં કે અમારે Tom Thumb ફિલ્મ જોવા જવું છે. સિલ્વિયા જાણતી હતી કે બાળકોને મજા પડે તેવી આ મ્યુઝીકલ ફેન્ટસી છે. મૂળ કથા પ્રખ્યાત પરીકથા લેખકો ગ્રિમ બ્રધર્સની, નામે થમ્બલિંગ. એક નાનકડો અંગૂઠા જેવડો છોકરડો. આપણે એને ‘અન્ગૂઠિયો’ કહી શકીએ. એનો પનારો પડે છે બે ખતરનાક ચોરો સાથે. શરીરની નહિ, પણ બુદ્ધિની તાકાત વડે આ ચોરોને એ છોકરો કઈ રીતે હંફાવે છે એની વાત બાળકોને રસ પડે એ રીતે ફિલ્મમાં કહેવાઈ છે. 

ટોમ થમ્બ ફિલ્મનું પોસ્ટર

બાળકો તો ફિલ્મ જોવામાં મશગૂલ. પણ સિલ્વિયા? એનું મન તો ક્યાં ક્યાં ભટકી રહ્યું છે. પોતાનો પનારો પણ બે પુરુષો સાથે પડ્યો છે. એક પતિ, એક પ્રેમી. ના, બેમાંથી એકે ખતરનાક નથી. પણ પોતાના જીવનમાં આ બંનેનું સાથે હોવું, એ તો ખતરનાક બની શકે. ત્યાં તો બીજું મન કહે છે : નાહકની ચિંતા ન કર. બધાં સારાં વાનાં થઈ રહેશે. પતિ કાવસને ઇન્ડિયન નેવીની નોકરી અંગેનું અગત્યનું કામ આવી પડ્યું એટલે એ ફિલ્મ જોવા આવી ન શક્યો. પણ કહ્યું હતું કે શો પૂરો થવાના ટાઈમે મોટર લઈને આવી જઈશ. પછી બધા સાથે જમવા જશું. 

જમવા! ગઈ કાલે સવારે પોતે પતિની સાથે જમવા બેઠી હતી. બાળકોએ પહેલાં જમી લીધું હતું. એટલે જમતી વખતે બંને એકલાં હતાં. અને જમતાં જમતાં કાવસે હળવેકથી પૂછ્યું હતું : ‘તારી તબિયત તો સારી રહે છે ને ડાર્લિંગ?’ ‘કેમ એવું પૂછે છે?’ ‘આજકાલ તું મારાથી અળગી ને અળગી રહેવા લાગી છે. પહેલાંના કોયલ જેવા પ્રેમના ટહૂકા સાંભળવા મળતા નથી.’ પોતે જવાબ ન આપ્યો. કેવી રીતે આપે? ખોટું બોલવું નહોતું. સાચું બોલાય તેમ નહોતું. અને ગઈ કાલે રાતે ફરી એ જ સવાલ પૂછાયો, પણ વધુ સ્પષ્ટ રીતે. ‘દિવસે તો ઠીક, રાતે બેડ રૂમમાં પણ તું તરત પડખું ફરીને સૂઈ જાય છે. નહિ પહેલાની જેમ ચુંબન, નહિ આલિંગન!’ ‘અત્યારે મને બહુ ઊંઘ આવે છે. સવારે વાત કરશું.’

અને સવારે ચા પીતાં ફરી એ જ સવાલ. હવે આ રોજની ઊલટ તપાસ સહન નહિ થાય. સાચેસાચું કહેવું જ પડશે. જે થવાનું હોય તે છો થાય. ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું એને ઓળખું છું?’ ‘હા. આપણો બંનેનો દોસ્ત પ્રેમ આહુજા.’ ‘ફક્ત મન ઢળ્યું છે? કે તન પણ?’

સિલ્વિયાએ જવાબ ન આપ્યો, પણ આંખો ઢાળી દીધી. કાવસ જવાબ સમજી ગયો. વધુ કશી વાત કરવાને બદલે છાપું હાથમાં લઈ લીધું. પોતાનું મોઢું ઢંકાય એ રીતે બંને પાનાં ખોલીને વાંચવા લાગ્યો, કે વાંચવાનો દેખાવ કરવા લાગ્યો. સિલ્વિયા પણ મૂંગી મૂંગી ચા પીવા લાગી. થોડા દિવસ પહેલાં બહેનપણી સાથે એક જલસામાં ગઈ હતી. ત્યાં એક ગાયકે શું ગાયું હતું? ગીત, ગઝલ, કવ્વાલી? જે હોય તે. પણ શબ્દો બરાબર યાદ રહી ગયા હતા :

कोई कटारी कर मरे, कोई मरे बिख खाय,

प्रीती ऐसी कीजीये, हाय करे जीव जाय!

થોડી વાર પછી એકાએક કાવસે કહેલું : ‘હું તો નહિ આવી શકું, પણ તું આજે બાળકોને Tom Thumb ફિલ્મ જોવા લઈ જા. હું તમને મેટ્રો ઉતારીને મારા કામે જઈશ અને પછી શો પૂરો થાય ત્યારે તમને લેવા આવીશ.’ ત્રણે બાળકો ફિલ્મ જોઈને રાજીનાં રેડ થતાં હતાં. સિલ્વિયા પડદા તરફ તાકી રહી હતી છતાં કશું જોતી નહોતી.

પિક્ચર પૂરું થયું અને સિલ્વિયા બાળકોને લઈને થિયેટરમાંથી બહાર નીકળી. જુએ છે તો આ શું? સામે ઊભાં હતાં કાવસનાં માઈજી અને બાવાજી. ‘અરે! આ તો બચ્ચાંઓ માટેનું પિક્ચર છે. તમે જોવા આવ્યાં?’ ‘ના. અમે તો તને અને બચ્ચાંઓને લેવા આવ્યાં છીએ. જલદી મોટરમાં બેસી જાવ.’ બાળકો તો દાદા-દાદીને જોઈ ખુશ ખુશાલ. પણ સિલ્વિયાએ કહ્યું : પણ કાવસ લેવા આવવાનો છે. અમુને અહીં નહિ જુએ તો તેને ચિંતા થશે.’ ‘નહિ થાય. અમે એને કહી દીધું છે.’ 

બધાં મોટરમાં બેસી ગયાં. થોડે દૂર ગયાં ત્યાં સિલ્વિયાને ખ્યાલ આવ્યો કે મોટર કોલાબાના ઘર તરફ નહિ, કાવસનાં મમ્મા-ડેડીના ઘર તરફ જઈ રહી છે. તેણે પૂછ્યું : ‘કેમ આ તરફ ગાડી લો છો? આજે જતી વખતે કાવસ ઘરની ચાવી ભૂલી ગયા છે. એ આવશે તો ઘર કઈ રીતે ઉઘાડશે?’ મમ્મા એટલું જ બોલ્યાં : ‘એ બધી વાતો ઘરે જઈને.’ હવે સિલ્વિયાને લાગ્યું કે કહો ન કહો, પણ કાવસ ઘણી વાર બોલે છે તેમ ‘દાળમાં કૈંક કાળું છે.’ 

ઘર આવ્યું. કાવસના બાવાજીએ બાળકોને કહ્યું : ‘તમારે થોડી વાર કંપાઉંડમાં રમવું છે ને?’ બાળકો તો ખુશ ખુશ. કાવસનાં મમ્મા-ડેડી સાથે સિલ્વિયા તેમના ઘરે આવી. કાવસનાં મમ્મા સિલ્વિયા માટે અને પોતાના માટીડા માટે પાણી લઈ આવ્યાં. પાણી પીધા પછી કાવસના ડેડીએ બોલવાનું શરૂ કર્યું : ‘જો બેટા! મારે તને એક અકસ્માતના સમાચાર આપવાના છે.’ ‘અકસ્માત? કોને થયો? કાવસને?’ ‘ના. તમારા મિત્ર પ્રેમ આહુજાને?’ ‘એટલે કાવસ મેટ્રો પર નહિ આવ્યો?’ ‘એ નહિ આવી શક્યો?’ ‘પણ કેમ?’ ‘કારણ અત્યારે એ નેવલ કસ્ટડીમાં છે.’ ‘કોણ કાવસ? નેવલ કસ્ટડીમાં? કેમ?’ ‘જો દીકરા! મને જે માલમ છે, અને જેટલું માલમ છે, એ તુને કેહુચ. સાચું ખોટું તો ખોદાયજી જાને. તમુને મેટ્રો મૂકીને કાવસ સીધો તેના શીપ INS Mysore પર ગયો.’ કાવસના ડેડીને એકાએક ઉધરસ ચડી. 

આઈ.એન.એસ. માઈસોર

તેમની ઉધરસ હેઠી બેસે ત્યાં સુધી પ્રિય વાચક, આપણે કાવાસ જે શિપ પર હતો તે  આઈ.એન.એસ. માઈસોર વિષે થોડી વાત કરી લઈએ. એનું અસલ નામ એચ.એમ.એસ. નાઈજીરિયા. ગ્રેટ બ્રિટનની વિકર્સ આર્મસ્ટ્રોંગ નામની કંપનીએ બાંધેલી ૧૯૩૯ના જુલાઈની ૧૮મી તારીખે ગ્રેટ બ્રિટનના રોયલ નેવીમાં જોડાયેલી. આપણો દેશ આઝાદ થયો તે પછી સરકારે આ લડાયક સ્ટીમર રોયલ નેવી પાસેથી ખરીદી લીધી. ૧૯૫૭ના ઓગસ્ટની ૨૯મી તારીખે તે વિધિવત ઇન્ડિયન નેવીમાં જોડાઈ. ૧૯૮૫ના ઓગસ્ટની ૨૦મી તારીખે તેને નેવીમાંથી બરખાસ્ત કરવામાં આવી અને ભંગારવાડે મોકલવામાં આવી. ૧૬૯.૩ મીટરની તેની લંબાઈ. વધુમાં વધુ પહોળાઈ ૧૮.૯ મીટર. ઝડપ ૩૩ નોટ (દરિયાઈ માઈલ) જુદા જુદા પ્રકારની કુલ ૫૫ તોપ. ૧૯૭૧ના બાંગલાદેશ યુદ્ધ વખતે ઇન્ડિયન નેવીએ ‘ઓપરેશન ત્રિશુલ’ દ્વારા ચોથી ડિસેમ્બરની રાતે કરાચી બંદર પર તોપમારો કરી તેને ભારે નુકસાન પહોચાડ્યું ત્યારે એ હુમલાની આગેવાની આઈ.એન.એસ. માઈસોરે લીધી હતી. આ હુમલા પછી કરાચી શહેર સાત દિવસ સુધી બળતું રહ્યું હતું. ઓપરેશન ત્રિશુલની આગેવાની એડમિરલ એસ.એમ. નંદાએ લીધી હતી. ઇન્ડિયન નેવીના આ અનન્ય વિજયની યાદમાં દર વરસે ચોથી ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવવામાં આવે છે. પણ પછી ૧૯૭૫થી આઈ.એન.એસ. માઈસોરનો ઉપયોગ નવા કેડેટોને તાલીમ આપવા માટે થયો. આ સ્ટીમરનો મોટો (મુદ્રાવાક્ય) તૈતરેય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો હતો : ना बिभेति कदाचन – ડરવું નહિ, કદિ કોઈથી. સિલ્વિયા વિચારતી હતી : કાવસ પણ કોઈથી ડરે એવો નહોતો. 

કાવસના બાવાજીની ઉધરસ બેઠી એટલે સિલ્વિયાએ પૂછ્યું : ‘પણ કાવસ શીપ પર શું કામ ગીયો?’ ‘પોતાની રિવોલ્વર લેવા.’ ‘પણ લશ્કરનો તો નિયમ છે કે જ્યારે ડ્યૂટી પર હો ત્યારે જ લશ્કરી હથિયાર સાથે રાખી શકાય. ડ્યૂટી પૂરી થાય એટલે દરેક સૈનિકે પોતાની પાસેનું હથિયાર આર્મરીમાં જમા કરાવી દેવું પડે.’

‘હા, દીકરા. પણ કાવસે જઈને કહ્યું કે આજે રાતે હું મોટર લઈને ઔરંગાબાદ જવાનો છું. રસ્તામાં ગાઢ જંગલ આવે છે જેમાં જંગલી પશુઓ હોય છે. એટલે મારે મારી રિવોલ્વર સેલ્ફ ડિફેન્સ માટે સાથે રાખવી છે. અને કાવસ પર વિશ્વાસ મૂકી આર્મરીના ઓફિસરે તેને સર્વિસ રિવોલ્વર આપી. એક જાડા કાગળનું, પીળા રંગનું, મોટું કવર લીધું. તેના પર કાળી શાહીવાળી પેનથી નામ લખ્યું : કમાન્ડર કે. નાણાવટી. પછી તેની પિસ્તોલ એ કવરમાં મૂકીને કવર બંધ કર્યું અને ઇન્ડિયન નેવીનું સીલ લગાડ્યું. પછી શું થયું હશે એ સિલ્વિયા સમજી ગઈ હતી. છતાં પૂછ્યું : ‘પછી શું થયું?’ ‘પછી કાવસ ગીયો પ્રેમ આહુજાને ઘેરે. બંને વચ્ચે કંઈ બાબતે ઝગરો થિયો. કાવસના હાથમાંનું કવર પ્રેમ ઝૂંટવી લેવા ગયો. બંને વચ્ચે ઝપાઝપી થઈ. અને અકસ્માત જ કાવસની પિસ્તોલમાંથી છૂટેલી બે ગોળી આહુજાને વાગી અને તે બાથરૂમમાં જ ફસડાઈ પડ્યો.’

 ખરેખર શું થયું હશે તે સિલ્વિયા સમજી ગઈ. ના, આ અકસ્માત નહોતો. પણ તો શું હતું? જે હતું એનો વિચાર કરતાં સિલ્વિયા ડઘાઈ ગઈ. કાવસ સાથે સવારે થયેલી વાતના શબ્દો તેના કાનમાં ઘંટની જેમ વાગવા લાગ્યા : ‘જો કાવસ! હવે તુને સાચ્ચેસાચ્ચું કહેવું જ પડશે. મારું મન એક બીજા મરદ તરફ ઢળ્યું છે.’ ‘કોણ છે એ ના_ય_ક? હું એને ઓળખું છું?’ ‘હા. આપરો બંનેનો દોસ્ત પ્રેમ આહુજા.’ સિલ્વિયા વિચારી રહી : મેં આ વાત કાવસને નહિ કહી હોતે તો? તો આવું બનિયું નહિ હોતે, કદાચ. પણ આવી વાતને હૈયામાં ધરબી રાખીને જીવાત કઈ રીતે? અને જીવાત તો કેવું?

એ જ વખતે સિલ્વિયાના ખભા પર હાથ મૂકીને મમ્મા બોલ્યાં : આ આખી વાતનું સેવટ નઈ આવે તાં વેર તારે અને બચ્ચાંઓએ અહીં, અમારી સાથે જ રહેવાનું છે. સિલ્વિયા કશો જવાબ આપે તે પહેલાં કંપાઉંડમાં રમતાં બાળકો ઘરે આવ્યાં અને કહેવા લાગ્યાં : ‘મમ્મા, મમ્મા, અહીં કંપાઉંડમાં રમવાની બહુ મજા આવે છે. અમારે ઘરે નથી જવું, અહીં જ રહેવું છે.’ સિલ્વિયા માંડ માંડ એક જ શબ્દ બોલી શકી : ‘ઓકે’.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 જૂન 2025

Loading

...102030...96979899...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved