Opinion Magazine
Number of visits: 9458056
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નામપલટાના વિવાદ વચ્ચે આનંદ એક અમદાવાદી હોવાનો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 June 2023

કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે

પ્રકાશ ન. શાહ

હમણે હમણે અમદાવાદનાં સત્તાવાર સત્તાવર્તુળો એમ કહેતાં સંભળાયાં છે કે અહમદાબાદનું નામ કર્ણાવતી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી એ છે કે શહેરને ભારતભરમાં સર્વપ્રથમ એવો જે દરજ્જો ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ તરીકે અપાયો છે એ કર્ણાવતીને નહીં, પણ અહમદશાહે બંધાવેલ બાર દરવાજા વચ્ચેના અહમદાબાદને અપાયો છે. જો હવે નામફેર થાય તો આ દરજ્જો સ્વાભાવિક જ ઘાંચમાં પડે.

આ દલીલમાં બેલાશક વજૂદ તો હોઈ શકે છે. પણ સદરહુ દરજ્જો તો હજુ હમણાંનાં વરસોની વાત છે. આવતે મહિને એને છ વરસ થશે. પણ કર્ણાવતી નામકરણની ભાવનાત્મક માગણી તો દાયકાઓથી હશે – અને 1990માં ભા.જ.પ. હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિધિવત્ ઠરાવ કરીને તે માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારના ગૃહ ખાતાને મોકલી આપી હતી. લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના આ ખાતાએ તે દરખાસ્ત માન્ય રાખી ન હતી. વચમાં વિજય રૂપાણીના મુખ્ય મંત્રી કાળમાં એક વાત એવી આગળ કરાઈ હતી કે આ માટે તો ગૃહમાં બેતૃતીયાંશ બહુમતીનો નિર્ણય જરૂરી છે. (જો કે, મારી સમજ પ્રમાણે આવી કોઈ સુનિશ્ચિત પ્રક્રિયા નથી.) મતલબ, નામાંતરમાં ખુદ ભા.જ.પ. સરકારની અસંમતિનું કારણ 2017ના હેરિટેજ દરજ્જા પૂર્વેથી છે, અને એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પી. મુખ્ય મંત્રી કાળમાં થતી રહેલી માગણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી જનતાજોગ વિધિવત્ કોઈ માહિતી અપાય.

તે સિવાય, શું નડે છે તે આપણને કેવી રીતે સમજાય. ભા.જ.પ. તો માનો કે મોડો ચિત્રમાં આવ્યો. પણ પક્ષપરિવારની માતૃસંસ્થા રૂપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માગણી તો દાયકાઓથી આ રહી છે. પોતાના વ્યવહાર પૂરતી તો ‘કર્ણાવતી’ની એણે છૂટ લીધેલી જ છે. અગાઉ, કરણ ઘેલા પરથી કર્ણાવતી થયાની પોતાની ગેરમાહિતી પણ એણે કર્ણદેવ સોલંકીના નામ સાથે સુધારી લીધેલી છે. ગુજરાત રાજ્ય રચાવાનું હતું એ અરસામાં સાવરકરે હવે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરો જ એવું લખ્યું પણ હતું. બને કે આ શહેર સાથે તેઓ વિશેષ ભાવાત્મક સંધાન અનુભવતા હોય, કેમ કે અહીં જ 1937માં એમની અધ્યક્ષતામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું હતું. હિંદમાં એક કરતાં વધુ રાષ્ટ્રો છે; કમ સે કમ હિંદુ અને મુસ્લિમ એ બે રાષ્ટ્રો તો છે જ, એવું એમણે ત્યારે અધ્યક્ષસ્થાનેથી ખાસ કહ્યું હતું. મુસ્લિમ લીગના 1940ના ઠરાવ કરતાં ત્રણ વરસ પહેલાંની આ વાત છે.

જો કે, ખરેખર તો, કર્ણાવતી નામકરણની માંગની પૂંઠે રહેલ તર્કવિવેક તપાસલાયક છે. ઇતિહાસ પ્રમાણે અહમદાબાદ બંધાયું તે કોઈ કર્ણાવતી નગરને તોડીને બંધાયું નથી. આ પંથકમાં મૂળે તો આશા ભીલનું આશાપલ્લી અગર આશાવલ હતું. કર્ણદેવ સોલંકીએ એને હરાવી આશાપલ્લીની પશ્ચિમે કર્ણાવતી નગરી વસાવી હતી. ખરું જોતાં, ત્યારે એ પૂરા કદનું નગર પણ નહોતું. એની હાજરી ને કામગીરી બહુધા લશ્કરી છાવણીની ફરતે ગોઠવાયા જેવી હતી. મૂળે ટાંક રજપૂત અને પોતાને ગુજરાતી તરીકે ઓળખાવી દિલ્હીની હકૂમતને નહીં ગાંઠનાર અહમદશાહનો ચિત્રમાં પ્રવેશ થયો અને ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા.’ કર્ણાવતી જો આશાપલ્લીની પશ્ચિમે હતું તો અહમદાબાદ એની ઉત્તરે, સાબરમતીના પૂર્વ કાંઠે હતું. કાળક્રમે આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ ત્રણેને પોતાના ઉદરમાં સમાવતું ને આગે બઢતું મહાનગર વળી અમદાવાદ છે. ભારતીય રેલવેને ધન્યવાદ ઘટે છે કે એણે નાગરી લિપિમાં તેમ જ રોમન લિપિમાં (અંગ્રેજીમાં) અહમદાબાદ લખવા સાથે ગુજરાતીમાં અમદાવાદ પણ લખ્યું છે. ગમે તેમ પણ, અહમદાબાદના કર્ણાવતી નામાંતરની માંગ કેમ્બેના ખંભાત, બ્રોચના ભરુચ કે બરોડાના વડોદરા જેવી સહજસરળ નથી.

માનો કે તમે ઇતિહાસમાં પાછા જઈ મૂળિયાં ફંફોસવા ઈચ્છો છો અને એ ધોરણે નામાંતરની જિકર કરો છો. એ સંજોગોમાં અહમદાબાદે કર્ણાવતી કને અટકવું શા માટે જોઈએ? કર્ણાવતી પૂર્વે આશાપલ્લી હતું. એ નામ સારુ કશો ઉત્સાહ કે આગ્રહ તો ઠીક એક વૈકલ્પિક સૂચન તરીકે નકો નકો ઉલ્લેખ પણ ભાગ્યે જ જોવા મળે છે, એવું કેમ. પ્રજા અને સમાજ તરીકે આપણી ઓળખને સોલંકી રાજવટ માટે છે એટલો પક્ષપાત ભીલ શાસન માટે નથી એમ માનવું?

જેમ સમાજમાનસનો આ સવાલ છે તેમ રાજકીય અભિગમ બલકે પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહનોયે હોઈ શકે છે. ઐતિહાસિક સાંસ્થાનિક કારણોસર ગયા સૈકામાં આપણે હિંદુ અને મુસ્લિમ એવા બે અલગ રાજકીય વિભાવ (પોલિટિકલ કન્સ્ટ્રક્ટ) પર ભાર મૂકતા થયા છીએ અને 1947ના ભાગલા પછી પણ નવા વિભાજનની ધાર સુધી ધસી જઈએ એવીયે આશંકા રહે છે. અત્યારની ચર્ચામાં આ મુદ્દો દૂરાકૃષ્ટ લાગી શકે અને એમાં ન જઈએ. પણ અલગ રાજકીય વિભાવનું જે વલણ બન્યું છે તેથી આપણને કદાચ સાવરકર-ઝીણા સંલક્ષણ(સિન્ડ્રોમ)ની કળ વળતી નથી.

સમજ અને સંવેદનાનું નાળચું કથિત રાષ્ટ્રમાં ગંઠાયા વિના સભ્યતાના સુવિશાળ રંગપટ ભણી વળે તો કંઈક વાત બને. દેખીતો સુક્કો ટાટ પણ એનો એક રસ્તો નાગરિકતાની બંધારણીય વ્યાખ્યાને વશ વર્તી સિવિક અગર કોન્સ્ટિટ્યુશનલ નેશનલિઝમનો અભિગમ અપનાવવાનો છે. તે સાથે, જેમ જેમ ‘હેરિટેજ સિટી’ અગર એવાં બીજાં આલંબનો સાથે સ્થાનિક ને પ્રાદેશિક ઇતિહાસ ઝંકૃત થતો ચાલે તેમ તેમ ‘મેગા નેરેટિવ’નો મોહ ઘટતો ચાલે અને ઓજ અલબત્ત વધે.

દરમ્યાન, હમણાં તો, એક ગુર્જર ભારતવાસીને નાતે આનંદ અમદાવાદી હોવાનો!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જૂન 2023

Loading

કરોડપતિ ભારતીયો પગ વડે મત આપે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 June 2023

રાજ ગોસ્વામી

ઇઝરાયેલી ઇતિહાકાર યુવલ નોઆ હરારીના વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’નો, આ લખનારે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે નિમિત્તે થોડો અધિક અભ્યાસ કરતી વખતે, હરારીના ઇન્ટરવ્યૂમાં એક દિલચસ્પ વચન વાંચવામાં આવ્યું હતું: “મનુષ્યો તેમના પગ વડે મત જાહેર કરે છે. દુનિયાભરમાં મારા પ્રવાસ દરમિયાન અસંખ્ય દેશોમાં હું એવા અનેક લોકોને મળ્યો છું જેમને અમેરિકા જવું હોય, જર્મની જવું હોય, કેનેડા જવું હોય અથવા ઓસ્ટ્રેલિયા જવું હોય. થોડા એવા લોકોને પણ મળ્યો હતો જેમને ચીન કે જાપાન જવું હોય, પણ હું હજુ એકપણ એવા માણસને મળ્યો નથી જેને રશિયામાં સ્થળાંતર કરવાનું સ્વપ્ન હોય.”

સોવિયત રશિયામાં જન્મીને અમેરિકા સ્થળાંતર કરનાર કાનૂનવિદ્ય ઈલ્યા સોમિને કહ્યું હતું કે એક હુકૂમતમાંથી બીજા હુકૂમતમાં સ્થળાંતર કરવું (પગ વડે મત આપવો) એ રાજકીય સ્વતંત્રતાનું પ્રતિક છે. રશિયન સામ્યવાદી નેતા વ્લાદિમીર લેનિને, રશિયન ઝારની સેના છોડીને ભાગી રહેલા સૈનિકો અંગે કહ્યું હતું કે, “તેમણે તેમના પગ વડે મત વ્યક્ત કર્યો હતો.” અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ આ વિચારનું સમર્થન કરતાં કહ્યું હતું કે પ્રતિકૂળ સ્થાનિક પરિસ્થિતિઓના ઉપાય તરીકે લોકોએ એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું જોઈએ.

કંઇક આવી જ રીતે, ભારતીય લોકો પગ વડે મત વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરમાં સમૃદ્ધિ અને ઇન્વેસ્ટમેન્ટના પ્રવાહો પર નજર રાખવાનું કામ કરતી સંસ્થા હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેનશનનું તાજું અનુમાન કહે છે વર્ષ 2023માં 6,500 કરોડપતિ ભારતીયો વિદેશમાં કાયમી સ્થળાંતર કરી જશે. ગયા વર્ષ કરતાં આ આંકડો થોડો ઓછો છે. 2022માં, કુલ 7,500 અમીર ભારતીયો વિદેશોમાં જઈને વસી ગયા હતા. દસ લાખ ડોલર જેટલી ઇન્વેસ્ટમેન્ટ ક્ષમતાવાળા લોકો ‘કરોડપતિ’ અથવા હાઈ-નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ (એચ.એન.આઈ.) ગણાય છે.

આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર કરી જનારા દેશોમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. આ વર્ષે ચીન 13,500 અમીર લોકોને ગુમાવશે. ત્રીજા નંબરે યુ.કે. (3,200) અને ચોથા-પાંચમા સ્થાને (3,000ની સામે યુક્રેન યુદ્ધ પછી 8,500 સ્થળાંતર સાથે) રશિયા છે.

હેનલી એન્ડ પાર્ટનર્સમાં પ્રાઇવેટ ગ્રાહકોના ગ્રુપ હેડ ડોમિનિક વોલેકે કહ્યું છે કે, “તાજેતરની નિયમિત ઉથલપાથલોથી વિસ્થાપન આવ્યું છે – સલામતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણમાં પરિવર્તન અને ક્રિપ્ટો કરન્સીની ઉપલબ્ધિ સુધ્ધાં જેવાં કારણોથી વધુને વધુ ઈન્વેસ્ટરો તેમના પરિવારોનું સ્થાનાંતર કરવાનું વિચારે છે.”

ભારતમાં ટેક્સ કાનૂન અને તેની જટિલતાઓના કારણે પણ કરોડપતિ ભારતીયો દેશમાંથી પલાયન થઇ રહ્યા છે. આ રિપોર્ટ આવ્યો તે પછી તરત જ ઇન્ફોસિસ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ટી.વી. મોહનદાસ પાઈએ ટ્વીટ કરીને અમીરોના પલાયન માટે સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. તેમણે લખ્યું હતું કે નાણાં મંત્રાલયે હાઈ-નેટવર્થ વાળા લોકોનું જીવવાનું દુષ્કર કરી નાખ્યું છે.

એ ઉપરાંત, આઉટબાઉન્ડ રેમિટેન્સનો પણ એક મુદ્દો છે જેનાથી ભારતીયો તેમના ઇન્વેસ્ટમેન્ટને બીજા દેશોમાં લઇ જવા મજબૂર બન્યા છે. ભારતીય અમીર પરિવારોનાં પસંદગીનાં સ્થળ દુબઈ અને સિંગાપોર છે. તેના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, અનુકૂળ ટેક્સ તંત્ર, મજબૂત વ્યાપારી માહોલ, સુરક્ષા અને શાંતિ જેવાં પરિબળો તેમાં આકર્ષણનાં કારણો બન્યાં છે.

એસ.કે.વી. લો ઓફિસના સિનિયર એસોસિયેટ સુહેલ બુતાને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ સમાચાર પત્રને કહ્યું હતું કે, “ભારતના સ્ટાર્ટઅપ સાહસિકો દુબઈ કે સિંગાપોર ઉડી રહ્યા છે તેનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં, ખાસ કરીને દુબઈમાં, ભારતની સરખામણીમાં સ્ટાર્ટઅપનો ટેક્સ ઘણો ઓછો આવે છે. દુબઈને ઘર બનાવાનું બીજું કારણ એ છે કે ત્યાં ઘરેલું/વાણીજ્ય પ્રોપર્ટીના લીઝ પર 5-10 ટકાનો જ ટેક્સ આવે છે.”

વિદેશ જવાનું આ વલણ નવું નથી. નવું એટલું જ છે કે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ થઇ રહી છે. તેની પાછળ આર્થિક કારણો તો છે જ, સાથે સામાજિક કારણો પણ છે. અમીરોના પરદેશ સ્થળાંતરને ભારતીયોમાં પશ્ચિમ માટેની ઘેલછાના સંદર્ભમાં જોવું જોઈએ. 2021માં, ભારતીય મૂળના અમેરિકન પરાગ અગ્રવાલની ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સી.ઈ.ઓ.) તરીકે નિમણૂક થઈ, ત્યારે ટ્વિટર પર જ એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, “ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ.”

ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે, અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી. જે દિવસે અગ્રવાલની નિમણૂક થઇ, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર 2021માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે. 2022માં, આ સંખ્યા 2,25,620 થઇ હતી.

આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?

ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.

આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટાભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.

જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.

“સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટાભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.

યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘હોમો સેપિયન્સ’માં જ લખ્યું હતું, “પૈસો પૈસાને ખેંચે છે. ગરીબી ગરીબીને ખેંચે છે. શિક્ષણ શિક્ષણને ખેંચે છે અને અજ્ઞાન અજ્ઞાનને ખેંચે છે. જે લોકોને ભૂતકાળે પીડ્યા હતા તે ફરીથી પીડાનો ભોગ બનવાના છે, અને જેમને ઇતિહાસે સૌભાગ્ય બક્ષ્યું હતું તેમને ફરીથી સૌભાગ્ય પ્રાપ્ત થશે.”

આ એક વિષચક્ર છે જે સદીઓ સુધી ચાલતું રહે છે. ઇતિહાસની ફૂટપટ્ટી પર આવા ચક્રની ગતિ એટલી બહુ ધીરી હોય છે કે આપણને સ્થિરતાનો ભ્રમ થઇ જાય. સમાજો અને રાષ્ટ્રોને પાયમાલ થતાં કે સમૃદ્ધ થતાં સદીઓ નીકળી જાય છે, અને તેની શરૂઆત આપણા વર્તમાનમાં, આપણી આંખ સામે થતી હોય છે. એટલાં માટે જ, જેની પાસે દૂરંદેશી હોય તે જીતે છે, જે ‘સબ ચંગા હૈ’માં રાચે છે તે હારે છે.

લાસ્ટ લાઈન :

“બ્રેઈન ડ્રેઈન(નાળા)માં પડ્યું હોય તેના કરતાં બ્રેઈન ડ્રેઈન થઇ ગયું તે સારું.”

— રાજીવ ગાંધી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 18 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૧) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|19 June 2023

સુમન શાહ

કુન્તકના અધ્યયન દરમ્યાન મને ગમી ગયેલી એમણે પ્રયોજેલી વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ સંજ્ઞાઓ વિશે આ અગાઉના લેખોમાં ચર્ચા કરી છે. 

આજે, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓ સમજીએ.

વક્રકવિવ્યાપારથી કવિતાનું સ્વરૂપ – નેચર – સૂચવાય છે અને વૈદગ્ધભંગીભણિતિથી કવિતાની રૂપરચના – ફૉર્મ – સૂચવાય છે તેમ શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓથી કવિતાનું કાર્ય -ફન્કશન- સૂચવાય છે.

શોભાતિશય એટલે ઉક્તિની વક્રતાથી જનમેલું વાણીનું સૌન્દર્ય, એટલે કે, ભાષિક સાહિત્યિકતા, લિટરરીનેસ, વર્ડ-બ્યુટિ. અતિશય કેમ? સામાન્ય ભાષાની સાદીસીધી ઉક્તિશોભામાં વધારો થઈ ગયો હોય છે તેથી શોભાતિશય. ‘તમે ક્યાંના રાજા છો?’ એ પ્રશ્નોક્તિને સ્થાને ‘આપના આગમનથી આપ કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો?’ એમ પુછાય એટલે શોભાતિશયનો અનુભવ થાય.

વક્રોક્તિનું એક કાર્ય શોભાતિશય. શોભાતિશયનું કાર્ય સહૃદયાહ્લાદકારીત્વ; એટલે કે, એથી સહૃદયો આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયેલું છે તેને સહૃદય કહેવાય છે. સાર એ કે સાહિત્યકલાના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં ભાવનની ગુંજાઇશ હોવી જોઇશે.

શોભાતિશયનું બીજું કાર્ય તદ્વિદાહ્લાદકારીત્વ; એટલે કે, એથી એનો જાણકાર, તદ્વિદ, અધિકારી, આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. તદ્વિદ એટલે જેને કૃતિના સ્વરૂપની, રીતિની, અને સઘળા વ્યાપારની તથા સાહિત્ય સમગ્રની જાણકારી છે, એવો જેનો અધિકાર છે તેવી વ્યક્તિ. સાર એ કે કૃતિના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં સાહિત્યજ્ઞાનની ગુંજાઇશ હોવી જોઇશે.

આમ, કવિતાનું કાર્ય શોભાતિશય છે એ ખરું, પણ એનો આનન્દ તો અધિકારીને જ થશે. આ અધિકારીતા કલાનુભવની શરત બને છે અને તેથી વ્યાપક પ્રજાસમૂહોની બાદબાકી થઈ જાય છે, જો કે એ જુદી વાત છે.

સહૃદય અને તદ્વિદને ‘આઇડીયલ રીડર’ કે ‘ટારગેટ રીડર’ કહી શકીએ કે કેમ? લૂઇસ રોસેનબ્લાટ આદિ સમીક્ષકોએ શરૂ કરેલા ‘રીડર રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’-ને કુન્તકના આ વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમજ તદ્વિદાહ્લાદકારી વિભાવો સાથે સરખાવીને તુલનાવાચી અધ્યયન કરી શકાય, જો કે એ પણ જુદી વાત છે.

= = =

(06/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...967968969970...9809901,000...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved