Opinion Magazine
Number of visits: 9667001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અનોખી મૂંઝવણ : કોઈ પાસે કશું જ આપવા માટે નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion|8 October 2023

રમેશ ઓઝા

યુરોપનાં નવજાગરણને પરિણામે માનવી પ્રશ્ન કરતાં શીખ્યો, ચકાસણી કરતો થયો અને વિચારતો થયો અને એને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. આયુર્વિજ્ઞાનનો વિકાસ થયો. ટૂંકમાં માનવીની સુખાકારીમાં એટલો બધો વધારો થયો જેટલો ઇતિહાસમાં ક્યારે ય નહોતો થયો. પણ એક સમસ્યા હતી. સુખાકારી મળી તો તેની સાથે સમૂહ અને સમૂહના ઠેકેદારોથી સ્વતંત્રતા પણ મળી અને સ્વતંત્રતાનો ડર લાગતો હતો. પોતાનો નિર્ણય પોતે લેવાનો અને નિર્ણયનાં ફળ પણ પોતે ભોગવવાનાં. સ્વતંત્ર વ્યક્તિ તરીકેની જવાબદારી અકળાવતી હતી. ત્રીજી બાજુ જેણે અધિકાર ગુમાવ્યો એ દુઃખી હતા.

એવો શું પ્રપંચ કરવામાં આવે કે સ્વતંત્ર થયેલ વ્યક્તિ પાછી ઘેટામાં ફેરવાઈ જાય અને સામે ચાલીને વાડામાં પૂરાઈ જાય. નવજાગરણનો આરંભ થયો ત્યારથી નવજાગરણના પુરસ્કર્તાઓ અને સમાજના ઠેકેદારો વચ્ચે અથડામણ ચાલતી આવી છે. પણ ઠેકેદારો ફાવતા નહોતા, કારણ કે સુખાકારીનો લાભ ઘણો મોટો હતો, નવજાગરણનું આંદોલન યુરોપની બહાર ફેલાવા લાગ્યું હતું અને માનવીય પુરુષાર્થ અને સ્વતંત્રતાના આગ્રહીઓ વધારે મૌલિક, બુદ્ધિશાળી અને પ્રતિબદ્ધ હતા. ભારતમાં પણ આજે આ જોવા મળી રહ્યું છે. તેમની સામે ઠેકેદારો પરાસ્ત થતા હતા, પરંતુ તેઓ નિરસ્ત નહોતા થયા. તેઓ સતત પોતાની પીપૂડી વગાડતા હતા, પરંતુ પીપૂડીનો અવાજ જેટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચવો જોઈએ એટલા પ્રમાણમાં પહોંચતો નહોતો. એક વાત નોંધી લો, જેણે સત્તા અને સર્વોપરિતા ભોગવી હોય અને એ પણ જો જન્મ આધારિત આપોઆપ વારસામાં મળતી પારંપારિક હોય તો એને જ્યારે ગુમાવવાનો વારો આવે ત્યારે તેનો ચરચરાટ ગુમાવનારાઓ માટે અસહ્ય હોય છે. અસૂયા માણસ પાસે પ્રપંચ કરાવતી જ રહે છે. ટૂંકમાં હારેલાઓ હાર્યા પછી પણ અનેક પ્રકારનાં પ્રપંચો કરતા હતા.

જ્યાં સુધી સુખાકારીનો અને વિકાસનો ગ્રાફ ઉપર જતો હતો ત્યાં સુધી સ્વતંત્રતાથી ભયભીત હોવા છતાં પણ લોકો સર્વોપરિતા ગુમાવનારા લોકોની વાતમાં નહોતા આવતા. ભારતની વાત કરીએ તો ભારતમાં હિન્દુત્વવાદીઓને એકલે હાથે સત્તા સુધી પહોંચતા ૯૦ વરસ લાગ્યાં. લાભ સામે માણસ શરણે થઈ જાય છે, પણ પેલી સ્વતંત્રતાનો ડર તો હતો જ. તરફડાટ તો હતો જ કોઈકના ખોળામાં બેસી જઈએ અને જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ, પણ લાભ સામેના પક્ષે હતો.

હવે ઇતિહાસને ટૂંકાવીને સીધા વર્તમાનમાં આવીએ. અચાનક ૨૧મી સદીમાં વિકાસનો ગ્રાફ જગત આખામાં થંભી ગયો. જે ઉપલબ્ધ હતું એ સુખ ઉપલબ્ધ તો આજે પણ છે, પણ મોંઘુ થતું જાય છે, કારણ કે સુખમાં હવે વધારો નથી થઈ રહ્યો. દેખીતી વાત છે કે જે ચીજનું ઉત્પાદન ઘટે અને માગ એટલીને એટલી જ રહે તો બજારમાં અછત પેદા થાય અને ચીજ મોંઘી થતી જાય. પાછી સુવિધાપરસ્ત સુંવાળી જિંદગીની આદત પડી ગઈ છે.

અહીં એક નાનકડી સફર સંસ્થાનવાદી યુગમાં કરી આવીએ. વર્તમાનને સમજવા માટે. ૧૯૫૦ પહેલાં યુરોપના દેશોની મુઠ્ઠીમાં કહોને કે આખું જગત હતું. આખું જગત તેના કબજામાં હતું એનો અર્થ એ થયો કે આખા જગતના કુદરતી સંસાધનો તેનાં કબજામાં હતાં. શ્રમ કરાવવા માટે સંસ્થાનોની પ્રજા તેના કબજામાં હતી અને ઉપભોક્તા પણ તેના કબજામાં હતા. તેમની તો પાંચે ય આંગળીઓ ઘીમાં હતી. સંસ્થાનોનું શોષણ કરીને એટલું ધન એકઠું કર્યું કે ખર્ચવું ક્યાં એ પ્રશ્ન હતો. તેઓ સંસ્થાનોનાં શોષણ દ્વારા કમાયેલા ધનથી પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવતા ગયા, તે એટલે સુધી કે બિનજરૂરી સુંવાળપને પણ પ્રજાકીય સુખાકારી તરીકે ખપાવવા લાગ્યા. ૧૯૫૦ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો, ભારત જેવા દેશો આઝાદ થવા લાગ્યા અને દુર્ભાગ્યે ભારત સહિત એ બધા દેશોએ સુખાકારીનાં પાશ્ચાત્ય માપદંડો અનુસરવા માંડ્યા. પશ્ચિમમાં છે એ બધું જ આપણે ત્યાં હોવું જોઈએ. હવે બન્યું એવું કે સ્વતંત્ર થયેલા દેશોમાં વસ્તી વધી રહી હતી, સુખની દીવાદાંડી તો પશ્ચિમમાં હતી, એ જ બધું જોઈતું હતું જે એ લોકો ભોગવતા હતા, અડધા કરતાં વધુ કુદરતી સંસાધનો તો સંસ્થાનવાદી યુગમાં યુરોપના માલિક દેશો લૂંટી ગયા હતા અને તેની કમાણીમાંથી તેમણે પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવ્યું હતું અને એ જ જીવનધોરણ પોતાને ત્યાં લઈ આવવા બાકીનાં કુદરતી સંસાધનો જે તે દેશોએ ખર્ચી નાખ્યા. પણ ક્યાં સુધી?

કુદરત પાસે હતું ત્યાં સુધી કુદરતે ઉદારતાથી આપ્યું. એ પછી પણ સુખ ઓછું પડતું હતું તો કુદરતે પોતાનું શોષણ પણ થવા દીધું. શોષણ જ્યારે હદ વટાવી રહ્યું છે ત્યારે હવે કુદરત રૂઠી છે. વરસોવરસ આનો અનુભવ થઈ રહ્યો છે. આ બાજુ બિનજરૂરી ચીજો જરૂરી બનતી જાય છે અને તેનું માર્કેટ વિસ્તરતું જાય છે. પણ તેને માટે સંસાધનો લાવવાં ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને! એકદમ અચાનક વિકાસનો રથ થંભી ગયો. હવે શું કરવું? ચાલાક લોકોએ એનો એક ઉપાય શોધી કાઢ્યો. સરકાર પોતાની ફરજ સમજીને પ્રજાને મફતમાં કે મફતના ભાવમાં જે સેવાઓ આપતી હતી એ સેવાઓને વેપારમાં ફેરવી નાખી. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, તાર-ટપાલ વગેરે. આવા કહેવાતા ખાનગીકરણ દ્વારા વિકાસનાં થંભી ગયેલા રથને ચાલી શકે ત્યાં સુધી ચલાવ્યો. જેમ એક સમયનો સુખી માણસ ભીડમાં આવી જાય અને દાગીના વેચે એમ.

હવે સ્થિતિ એવી બની છે કે કુદરતી અને સરકારી બન્ને પ્રકારનાં સંસાધનો ખર્ચાઈ ગયાં છે. શાસકો પાસે પ્રજાને આપવા માટે કાંઈ જ નથી અને જીવનધોરણ નીચે લાવવું નથી અને લાવવું મુશ્કેલ થઈ ગયું છે. આગળ કહ્યું એમ બિનજરૂરિયાત જરૂરિયાત બની ગઈ છે. જગતનાં લગભગ બધા જ દેશો કર્જના ગંજાવર બોજ હેઠળ છે અને હજુ વધુ કર્જ લે છે. ભલે દેવાનાં ડુંગરા હેઠળ દબાઈ જવું પડે પણ ઘી પીધા વિના ચાલતું નથી. વિકાસના માપદંડમાં કોઈને નાપાસ થવું નથી. શાનનો સવાલ છે.

આ સ્થિતિમાં કોણ કહે કે ચાલો આપણે પાછા ફરીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ. જે આમ કહેશે અને કરી બતાવશે એ ૨૧મી સદીનો મહાપુરુષ સાબિત થશે અને એ સિવાય બીજો વિકલ્પ પણ નથી. એવો મહાપુરુષ તો જ્યારે થશે ત્યારે થશે પણ ત્યાં સુધી? થશે ચોક્કસ કારણ કે વૈશ્વિક સ્તરે પ્રજાની જરૂરિયાત છે અને જેની જરૂરિયાત હોય એ થઈને રહે છે. પણ હમણાં કહ્યું એમ ત્યાં સુધી? ત્યાં સુધી એ જ થશે જે અત્યારે થઈ રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 08 ઑક્ટોબર 2023

Loading

ચાલો, હરારી પાસે – 29 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી – ૨

સુમન શાહ|Opinion - Opinion|8 October 2023

સુમન શાહ

૧૯૫૦-માં બ્રિટિશ વિદ્વાન ઍલન ટ્યુરિન્ગ એક પેપર પ્રકાશિત કરે છે, ‘Computing Machinery and Intelligence’. એમનું એ પેપર ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન કહેવાય છે. એમાં એમણે ‘વિચારી શકે’ એવાં મશીનોની શક્યતાનો ખયાલ પ્રસ્તુત કર્યો, જો કે એમણે કહ્યું કે મશીનો ‘વિચારી શકે’-ની વ્યાખ્યા આપવાનું પોતા માટે મુશ્કેલ છે. પરન્તુ એમણે પ્રશ્ન કર્યો કે સમસ્યાઓના ઉકેલ માટે જો માણસો માહિતી અને તર્કના વિનિયોગથી નિર્ણયો લઈ શકે છે, તો મશીનો પણ એ કામ કેમ ન કરી શકે -? અને તો, જરૂર કહી શકાય કે મશીનો ‘વિચારી શકે’ છે.

બીજી રીતે જોઈએ તો એમનો એ ખયાલ બુદ્ધિશાળી – ઇન્ટેલિજન્ટ – મશીનની શક્યતા વિશે હતો, એટલે કે ‘મશીની બુદ્ધિ’ માટે હતો. એ પરત્વે એમણે એક કસોટી રજૂ કરી, જે આજે પણ ‘Turing Test’ તરીકે ઓળખાય છે. એમાં એમણે ચર્ચ્યું છે કે બુદ્ધિશાળી મશીનો શી રીતે બની શકે તેમ જ તેમની બુદ્ધિની પરીક્ષા શી રીતે થઈ શકે.

પણ ટ્યુરિન્ગ-વિચારધારાથી પ્રગતિ ન થઈ શકી. એક કારણ એ કે કમ્પ્યુટરોમાં પરિવર્તનો લાવવાની ખાસ જરૂરત હતી. ૧૯૪૯ પહેલાં કમ્પ્યુટરો કમાન્ડ્સ અનુસાર પ્રયોજન પાર પાડતાં ખરાં પણ પોતાના તે અનુભવોને તેઓ સ્ટોર ન્હૉતાં કરી શકતાં. એટલે કે, એમને કામો કરવાનું કહી શકાય પણ પોતે શું કર્યું તેને તેઓ યાદ રાખી શકે નહીં. બીજું કારણ એ હતું કે કમ્પ્યુટિન્ગ પોતે અતિ ખર્ચાળ હતું.

રૉકવૅલ ઍન્યોહા કહે છે કે ઓગણીસસો-પચાસીની શરૂઆતનાં વર્ષોમાં, કમ્પ્યુટર ભાડે રાખો તેનો પણ મહિને ખર્ચ ૨૦ લાખ ડૉલર લગી પ્હૉંચી જતો’તો ! દેખીતું છે કે માત્ર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને મોટી ટૅક્નોલૉજિ-કમ્પનીઓ જ એમાં ધન અને સમયનો ખર્ચ કરી શકે !

૧૯૫૬-માં ‘એ.આઈ.’-ક્ષેત્રમાં સંશોધનો માટે, જેને ઍકેડેમિક ડિસિપ્લિન કહેવાય, એવો એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો, અમેરિકાના ન્યૂ હૅમ્પશાયરની ‘ડાર્ટમથ કૉલેજ ઇન હૅનોવેર’-માં. છ અઠવાડિયાના એ વર્કશૉપમાં કમ્પ્યુટર-વિજ્ઞાન, ગણિતવિદ્યા, મનોવિજ્ઞાન, ઍન્જિનીયરિન્ગ, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, ફિલોસૉફી એમ વિવિધ ક્ષેત્રના અગ્રણી વિજ્ઞાનીઓ અને સંશોધકો એકઠા થયેલા.

વર્કશોપનો હેતુ એ હતો કે બુદ્ધિશાળી મશીનો સરજી શકાય એ વિષયમાં વિમર્શ-પરામર્શ કરવો, અને તે માટે એક નૂતન સંશોધનક્ષેત્રનો પાયો નાખવો. એ કારણે આ વર્કશોપ પણ ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં ’એ.આઈ.’-ના વિકાસ અંગે પ્રભાવક સીમાચિહ્ન કહેવાય છે. વર્કશોપનું આયોજન કરેલું જોહ્ન મૅકાર્થી અને મર્વિન મિન્સ્કીએ. વર્કશોપમાં મૅકાર્થીએ પહેલી વાર ‘આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સંજ્ઞા યોજેલી, જે આજ પર્યન્ત પ્રયોજાય છે.

વર્કશોપની ઘટના પછીના દાયકાઓમાં એનાં દૂરગામી પરિણામો જોવા મળ્યાં છે – લગભગ બધા સહભાગીઓએ ‘એ.આઈ.’-ને કેન્દ્રમાં રાખીને લેખો કર્યા છે. કેટલાકોએ ‘એ.આઈ.’ માટે સંશોધનક્ષેત્રો સ્થાપ્યાં છે, અને તેઓ સૌ આ ક્ષેત્રના સમ્પન્ન વિદ્વાન પુરવાર થયા છે. એમના વડે એક સહિયારી આગાહી રજૂ થયેલી કે થોડાં જ વરસોમાં માનવબુદ્ધિ-સમ બુદ્ધિશાળી મશીનનો આવિષ્કાર થવાનો છે. એમની આ આગાહી સાચી પડે એ માટે મિલિયન્સ ઑફ ડૉલર્સ પણ મળી આવેલા.

ત્યારપછીના સમયમાં, ૧૯૭૪ સુધીમાં, ઘણી પ્રગતિ થઈ. કમ્પ્યુટરોનું સામર્થ્ય વધ્યું; એમની ઝડપમાં વધારો થયો; ઘણી માહિતી સ્ટોર કરી શકે એવાં થયાં; સસ્તાં થયાં; વપરાશકારોના પ્રવેશને પણ વધારે આવકારતાં થયાં; અને લોકોને માટે સુગમ પણ થયાં. ખાસ તો મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સમાં સુધારા થયા, જેથી વપરાશકારને સમજાવા લાગ્યું કે કયું ઑલ્ગોરીધમ પ્રયોજીશ તો ધાર્યું પરિણામ મળશે. કમ્પ્યુટરો બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ આપતાં થયાં, ભૂમિતિના પ્રમેયો સિદ્ધ કરતાં થયાં, અને રસપ્રદ વાત એ કે કમ્પ્યુટરોને અંગ્રેજી ભાષા બોલતાં આવડી ગયું, મશીનની આટલી બધી શક્તિ જોઈને સૌને આશ્ચર્યાનન્દ થતો હતો.

ક્રમે ક્રમે સંશોધનોમાં વિવિધ અભિગમો દાખલ થયા. ‘એ.આઈ.’-વિકાસમાં અનિવાર્ય એવા એક સમર્થ અભિગમની નૉંધ લેવી જોઈએ :

૧૯૫૬-માં ઍલન નેવેલ, હર્બટ સાયમન અને જોહ્ન શૉ ‘The Logic Theory Machine : A Complex Information Processing System’ નામક પેપર પ્રકાશિત કરે છે. પેપરમાં ‘એ.આઈ.’-ના સૌ પ્રથમ પ્રોગ્રામ Logic Theorist-ના વિકાસનું વર્ણન છે. એથી એ ખયાલ સાચો પડ્યો કે જ્ઞાનપરક સંકુલ પ્રક્રિયાઓ માટે કમ્પ્યુટરોનો વિનિયોગ થઈ શકે છે. ઉપરાન્ત, બુદ્ધિશાળી સિસ્ટમ્સ કેવી રીતે ડિઝાઇન કરવી તે વિષયની સમજ પર પણ એનો ઊંડો પ્રભાવ પડ્યો છે, અને તેથી વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાઓના ઉકેલ માટેની નવી ટૅક્નિક્સનો પણ વિકાસ થયો છે.

એમાં હ્યુરિસ્ટિક સર્ચ અને સિમ્બોલિક રીઝનિન્ગ જેવી ટૅક્નિક્સથી લૉજિકમાં પ્રમેયોને પુરવાર કરી શકાય છે. હ્યુરિસ્ટિક સર્ચ કોયડાઓના ઉકેલ શોધી આપનારું એક ઑલ્ગોરીધમ છે. સિમ્બોલિક રીઝનિન્ગ એક સ્વરૂપનો તર્ક છે, જેમાં મુખ્યત્વે વિભાવનાઓ અને સમ્બન્ધભૂમિકાઓ પ્રયોજાય છે. એથી તર્કવિષયક પઝલ્સ, ગાણિતિક પ્રૉબ્લેમ્સ કે નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ પ્રૉબ્લેમ્સ જેવા વિવિધ કોયડાઓના ઉકેલ સાંપડે છે. આ બન્ને ટૅકનિક્સનો ‘એ.આઈ.’-સિસ્ટમ્સમાં વિનિયોગ થાય છે. પહેલાથી કોયડાનો ઉકેલ મળે છે અને બીજાથી એ ઉકેલની ગુણવત્તાનું મૂલ્યાંકન થાય છે.

અંગ્રેજી વગેરે માનવ ભાષાઓને પ્રોસેસ કરવા માટેના NLP-ની વાત અગાઉનાં પ્રકરણોમાં હું કરી ગયો છું. એનો પ્રારમ્ભ એવા સંશોધનપરક વિચારથી થયેલો કે કમ્પ્યુટરો અંગ્રેજી જેવી માનવ ભાષાઓમાં સંક્રમણ સાધી શકવાં જોઈએ. ડૅનિયલ બોબ્રોએ STUDENT પ્રોગ્રામ બનાવેલો, એ શરૂ શરૂની સફળતા હતી, તદનુસાર, હાઇસ્કૂલના બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ મળવા લાગેલા.

જોસેફ વીજેનબામ ૧૯૬૪-થી ૧૯૬૭ દરમ્યાન મથી રહેલા કે પોતે શી ટૅક્નોલૉજિ શોધે જેથી મશીન અને માણસ વચ્ચે સંક્રમણ થાય. અને એમણે ELIZA સરજ્યું. એ પ્રોગ્રામ દ્વારા થયેલી વાતચીતો એટલી તો વાસ્તવિક લાગતી હતી કે વપરાશકારો ક્યારેક તો બની જતા – તેઓને થતું કે તેઓ માણસો સાથે વાતો કરી રહ્યા છે ! જો કે એલિઝા તો વારંવાર પૂછવામાં આવતા કે માહિતી માગતા પ્રશ્નોના પહેલેથી લખાયેલા તૈયાર પ્રતિભાવો – canned responses – જ આપતું હતું. વ્યાકરણના કેટલાક નિયમોને વશ વર્તવા પોતાના ઉત્તરોને જરાતરા જુદી રીતે ગોઠવી લેતું’તું.

ELIZA પહેલું ચૅટરબોટ ગણાય છે. જો કે કેટલાક જાણકારો એને ખરા અર્થમાં ઇન્ટેલિજન્ટ નથી ગણતા કેમ કે કેટલીયે વાર એને નથી સમજાતું કે વપરાશકાર દ્વારા શું કહેવામાં આવેલું.

આઠમા દાયકામાં પ્રચલનમાં આવેલી Expert Systems ‘એ આઈ ’-ના ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન છે. એના સ્થાપક છે, સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના કમ્પ્યુટર-વિજ્ઞાની ઍડવર્ડ ફિજેનબામ. તેઓ Stanford’s Knowledge Systems Laboratory-ના સ્થાપક પણ છે. તેઓ ‘એ.આઈ.’-ના વિવિધ સ્થાપકોમાંના એક તરીકે સુખ્યાત છે. ‘એ.આઈ.’-ના ઉપકારોના વકીલ રૂપે હમેશાં બોલતા હોય છે. એમણે પણ આગ્રહ રાખ્યો છે કે ‘એ.આઈ.’ સદ્ અર્થે જ પ્રયોજાવું જોઈએ.

તેઓ એવું કમ્પ્યુટર વિકસાવવા માગતા હતા, જે માનવ-નિષ્ણાતોની વર્તણૂક અને નિર્ણયોને વધારે તેજ બનાવે, પ્રગતિકર બનાવે. એમનું મન્તવ્ય હતું કે રોગોનાં નિદાન, નાણાંકીય આગાહીઓ કે ઍન્જિનીયરિન્ગ ડિઝાઇન જેવાં ક્ષેત્રોના સંકુલ અને કઠિન પ્રશ્નોના નિરાકરણ માટે એનો વિનિયોગ કરી શકાય.

ફિજેનબામ અને એમના સહકાર્યકરોએ એવી ઉપકારક અનેક સિસ્ટમ્સ વિકસાવી, જેમાં પ્રમુખ ગણાતી આ છે : બૅક્ટેરિયલ ઇન્ફૅક્શન્સના નિદાન માટેની, MYCIN. ઑર્ગેનિક મોલેક્યુલ્સના નિદાન માટેની, DENDRAL. સિમ્બૉલિક મૅથેમૅટિક્સના પરફૉરમન્સ માટેની, MACSYMA. કમ્પ્યુટર સિસ્ટમ્સની રચના માટે, એટલે કે તેના વિવિધ ભાગોની ગોઠવણી માટેની, XCON.

આ સિસ્ટમ્સથી ‘એ.આઈ.’-પ્રોગ્રામ્સ રોજબરોજના માનવજીવનમાં પહેલી વાર વપરાતા થયા. પોતાનાં ક્ષેત્રોમાં દાક્તરો ગણિતજ્ઞો કમ્પ્યુટર-વિજ્ઞાનીઓ માટે જે પ્રશ્નોના ઉકેલ અતિ મુશ્કેલ કે સમય ખાનારા હતા, તેનું આ સિસ્ટમ્સથી નિરાકરણ થઈ ગયું છે, એ પ્રકારે ઘણો ઉપકાર થયો છે. સાથોસાથ, વૈજ્ઞાનિક સંશોધન અને એન્જિનીયરિન્ગના વિકાસ ક્ષેત્ર રૂપે ‘એ.આઈ.’-ની પ્રતિષ્ઠા પણ થઈ છે.

ઍક્સપર્ટ સિસ્ટમ્સ શેને કારણે સમર્થ બની? નિષ્ણાત કે નિપુણ લેખાય તેવા સંચિત જ્ઞાનપુંજથી. તેથી, નવમા દાયકામાં knowledge based systems ‘એ.આઈ.’-સંશોધનોમાં આવશ્યક મનાઇ. એ જ્ઞાન-આધારિત સિસ્ટમ્સ કમ્પ્યુટર-પ્રોગ્રામ્સ છે, જે ડેટાના કેન્દ્રસ્થ ભંડારનો, નૉલેજ બેઝનો, ઉપયોગ કરીને કોયડાઓના ઉકેલ માટેની પદ્ધતિઓ નીપજાવી આપે છે. સાથોસાથ, ‘એ.આઈ.’-સંશોધનોમાં knowledge engineering પણ એટલું જ મહત્ત્વનું છે. આ યાન્ત્રિકતા જ્ઞાનની સમ્પ્રાપ્તિ, જ્ઞાનની પ્રસ્તુતિ, જ્ઞાન સાથેની તાર્કિકતા વગેરે મુદ્દા સાથે સંકળાયેલી છે. પ્રશ્નોના ઉકેલ સંદર્ભે એની જરૂરત હોય છે.

જ્યારે જ્યારે ઉચ્ચ કક્ષાના જ્ઞાન સાથે પાનું પાડવાનું આવે ત્યારે ત્યારે આ યાન્ત્રિકતાની મદદ લેવાય છે. મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સ, નેચરલ લૅન્ગવેજ પ્રોસેસિન્ગ જેવી ‘એ.આઈ.’ માટે અતિ આવશ્યક બાબતો માટે પણ એની જરૂર પડે છે. જ્ઞાન વિના માણસનું નથી ચાલતું, તો આ તો મશીન છે !

૧૯૭૪-માં એવું બન્યું કે યુ.ઍસ. અને બ્રિટિશ સરકારોએ ‘એ.આઈ.’-સંશોધનોને ફણ્ડ આપવાનું બંધ કરી દીધું. મુખ્ય કારણ એ હતું કે ગણિતજ્ઞ અને ઍરોડાયનેમિક્સ ક્ષેત્રના સુખ્યાત બ્રિટિશ વિદ્વાન જેમ્સ લાઇટહિલે ૧૯૭૩-માં ‘Artificial Intelligence: A Paper Symposium’ નામનો એક અહેવાલ પ્રકાશિત કરેલો. એમાં, ‘એ.આઈ.’-સંશોધકોની ટીકા કરેલી કે તેઓએ અતિ-મહત્ત્વાકાંક્ષી વચનો આપેલાં પણ તેનાં પાલનમાં નિષ્ફળ નીવડ્યા છે. વળી, જેમ્સે કહેલું કે ‘એ.આઈ.’-ના પાયાના પ્રશ્નો વિશે પણ કશી પ્રગતિ જોવા નથી મળતી. એમના એ અહેવાલથી પ્રેરાઇને અન્ય અગ્રણી વિજ્ઞાનીઓએ પણ સૂર પુરાવેલો. મર્વિન મિન્સ્કીએ કહેલું કે ‘’એ.આઈ.’ ઇઝ ઇન બિગ ટ્રબલ’’.

પરિણામે, સંશોધનો ઠપ પડી ગયેલાં, અને ‘એ.આઈ.’-ના મંદવાડનો પ્રારમ્ભ થઈ ગયેલો, જેને પાછલાં વર્ષોમાં ‘AI winter’ જેવું સૂચક પણ રૂપાળું નામ આપવામાં આવ્યું છે.

પરન્તુ, ૧૯૮૨-માં જપાનની સરકાર ભારે, આશરે 500 મિલિયન ડૉલર, ફણ્ડ્સ ફાળવીને The 5th Generation Computer Systems project શરૂ કરે છે, અને ૧૯૮૨-થી ૧૯૯૨ સુધી ચલાવે છે. 

‘એ.આઈ.’-માં રીસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ માટેનો મોટા પાયાનો આ પ્રોજેક્ટ વિશ્વમાં સૌથી પહેલો રાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો. પરિણામે ‘એ.આઈ.’-નું વૈશ્વિક ક્ષેત્ર પ્રભાવિત થયેલું. ‘એ.આઈ.’ તેમ જ એના ઉપયોગો વિશેની જાગૃતિમાં વિકાસ થયેલો. એ અર્થમાં જપાની ભેજાં સમયથી આગળ હતાં.

પરિણામ એ હતું કે નવીન કમ્પ્યુટર હાર્ડવેઅર અને સૉફ્ટવેઅર વિકસ્યાં. એથી કમ્પ્યુટરો માણસની જેમ વધુ ને વધુ વિચારતાં થયાં, તર્કનો ઉપયોગ કરવા લાગ્યાં.

પ્રોજેક્ટે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપેલું અને તદનુસારના વિકાસ થયા હતા – 

: ૧ : Knowledge processing : જ્ઞાન પરત્વે થનારી રજૂઆતો માટે નવી રીતપદ્ધતિઓ વિકસી 

: ૨ : Inference : જ્ઞાનમાંથી અનુમાન કરવા માટેનાં નવાં ઑલ્ગોરીધમ્સ વિકસ્યાં 

: ૩ : Natural language processing : કમ્પ્યુટરો માનવ-ભાષાઓ સમજે અને ઉત્પન્ન કરે એ માટેની નવી રીત-પદ્ધતિ વિકસી.

પ્રોજેક્ટની એક સિદ્ધિ હતી, Prolog programming language-ની એણે હાંસલ કરેલી લોકપ્રિયતા. એ છે, PROgramming in LOGic. એ ’એ.આઈ.’ અને કમ્પ્યુટરના ભાષાવિજ્ઞાન સાથે જોડાયેલી પ્રોગ્રામિન્ગ ભાષા છે. પ્રથમ-તર્ક, ઔપચારિક તર્ક, પ્રયોજીને એ હકીકતો અને નિયમોની રીતે લખાય છે. હકીકતો જાણીતી હોય, નિયમો એને વ્યાખ્યાયિત કરે, જેથી આગળનાં અનુમાનો કરવામાં મદદ મળે. એનો પણ ‘એ.આઈ.’-સંશોધનોમાં વિનિયોગ થાય છે.

આજે પણ જપાન સરકાર છૂટે હાથે ફણ્ડ્સ ફાળવે છે. ૨૦૧૭-માં એણે New AI Strategy રજૂ કરી છે – એટલા માટે કે ૨૦૩૦-માં ‘એ.આઈ.’-ક્ષેત્રે જપાનને વૈશ્વિક નેતા બનવું છે !

(ક્રમશ:) 
(10/07/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાઇબર ફ્રોડમાં 200 ટકા વધારોઃ માણસની લાલચ અને ડર પર ખેલનારા સાઇબર ગુનેગારો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 October 2023

એક તરફ આપણે ડિજીટલ ટ્રાન્ઝેક્શન્સમાં સતત આગળ વધી રહ્યા છીએ, એ હદે કે ભારતમાં ગયા વર્ષના મધ્ય સુધીમાં 48 બિલિયનના રિયલ ટાઇમ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા અને તે વિશ્વના બીજા કોઈપણ દેશ કરતાં વધારે છે. આ પ્રગતિશીલ તો છે જ પણ તેની સાથે ઓનલાઇ ધૂતારાઓ માટે કળા કરી જવાનું મોકળું મેદાન પણ મળ્યું છે

ચિરંતના ભટ્ટ

.       તમને અચાનક જ વૉટ્સએપ પર મેસેજ આવે છે કે તમારું વીજળીનું બિલ તાત્કાલિક ભરી દો નહિંતર આજે રાત્રે 9.30થી તમારું લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે. તમે ગભરાઈ જાવ છો અને કશું વધારે વિચાર્યા વગર વીજળીનું બિલ ભરવા અંગે જે નંબર પરથી મેસેજ આવ્યો છે તેની પર ગભરાઈને મેસેજ પર વાત કરો છો, પૈસા ભરો છો અને 24 કલાકમાં તમારા ખાતામાંથી પૈસા ગાયબ થાય છે. આવો કિસ્સો વડોદરામાં કામ કરનારા એક ડૉક્ટર સાથે થયો હતો અને તેમણે અંદાજે ત્રણેક લાખ જેટલી રકમથી હાથ ધોવા પડ્યા હતા.

·       કોઈ બહુ જ ફેન્સી નામ વાળા બહેન કે ભાઈ તમને વૉટ્સએપ પર મેસેજ કરે છે કે શું તમે હૉટેલ્સ કે સ્ટોર્સના રિવ્યુ ગૂગલ પર લખીને રોજના ચાર હજાર રૂપિયા કે તેથી વધુ રકમ કમાવા માગો છો? આ નામ સાથે કોઈ બહુ મોટી કંપનીનું નામ હોય જે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી હોય એટલે તમે આ આખી બાબતને ગંભીરતાથી લો. તમને એમ થાય કે મહિનાના લાખો મળી શકશે અને બદલામાં સાચા-ખોટા રિવ્યુઝ જ તો લખવાના છે, ચાલો, આ કરીએ. તમે આ મેસેજ કરનારા સાથે વાત આગળ વધારો અને થોડા દિવસ પછી તમારા ખાતમાંથી પૈસા જાય છે અને તમે કંઇ કરી શકતા નથી. આવા કિસ્સામાં મુંબઈની એક મહિલાએ સોળ લાખ રૂપિયા ગુમાવ્યા.

·       તમારા સોશ્યલ મીડિયા પ્રોફાઇલને કોઈ ઇમ્પર્સોનેટ કરે છે એટલે કે તમારું ડિસપ્લે પિક્ચર વાપરીને, તમારી કેટલીક પોસ્ટ ડાઉનલૉડ કરીને કોઈ એવું જ એકાઉન્ટ બનાવે છે. તમારા લિસ્ટમાં જે લોકો છે તેમને મેસેજ કરે છે. સામી વ્યક્તિને લાગે છે કે તમે જ મેસેજ કર્યો છે જેમાં એમ લખ્યું હોય કે આ લિંક પર ક્લિક કરો, તમારો ઇમેઇલ આપો કારણ કે તમારે મને (તમારી ખોટી ઓળખ વાપરનારને) વોટ આપવાનો છે જેથી હું ક્યાંક બ્રાન્ડ એમ્બેસેડર બની શકું. તમને આ વ્યક્તિએ બ્લૉક કર્યા છે એટલે તમને આ આખી ઘટનાની ત્યાં સુધી ખબર ન પડે જ્યાં સુધી કોઈ સતર્ક મિત્ર તમને પૂછે નહીં કે શું આ તમારો પ્રોફાઇલ છે કે શું આ મેસેજ તમે જ કર્યો છે? કોઈ મિત્ર આ લિંક પર ક્લિક કરે અને ગણતરીના કલાકોમાં એનું એકાઉન્ટ હેક થઇ જાય, તેની વિગતો અને ડેટા કોઈ અજાણી વ્યક્તિ પાસે જતાં રહે અને પછી તે તમારા બૅંક એકાઉન્ટ વગેરેનો પણ ઉપયોગ કરી શકે અથવા તમને કોઈ રીતે ધમકી આપીને તમારી પાસેથી પૈસા પડાવી શકે. આવી ઘટનાઓ પણ ઘણાં બધાં લોકો સાથે બની છે.

સાઇબર ફ્રોડ – આપણે ધારીએ તેના કરતાં કંઈ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. મારી સાથે તો ક્યારે ય કંઇ થાય જ નહીંનાં ફાંકા રાખનારા ભલભલા લોકો આ જાળમાં સપડાઇ ચૂક્યા છે. તમે ઓ.ટી.ટી. પર સિરીઝ જોવા ટેવાયલા હશો તો તમે જમતારા નામની  સિરિયલ જોઈ જ હશે. એમાં એક નાનકડા ગામડામાં જુવાનિયાઓને રીતસરની તાલીમ મળે છે કે લોકોને કેવી રીતે ઠગવા અને એ લોકો મળીને મોટા મોટા જજ, રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓને છેતરે છે. સ્ક્રીન પર જે પણ આવે એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ જ હોય છે એ બિલકુલ સમજી શકાય તેવી બાબત છે. તાજેતરમાં જ આઇ.આઇ.ટી. કાનપુરમા શરૂ થયેલા એક સ્ટાર્ટઅપ ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશને એક સંશોધન અહેવાલ બહાર પાડ્યો હતો ને તે અનુસાર ભારતમાં ફાઇનાન્શિયલ સાઇબરક્રાઇમ્સનું પ્રમાણ કૂદકે અને ભૂસ્કે વધ્યું છે. એક તરફ આપણે ડિજીટલ ટ્રાન્ઝેક્શન્સમાં સતત આગળ વધી રહ્યા છીએ, એ હદે કે ભારતમાં ગયા વર્ષના મધ્ય સુધીમાં 48 બિલિયનના રિયલ ટાઇમ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા અને તે વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતાં વધારે છે. આ પ્રગતિશીલ તો છે જ પણ તેની સાથે ઓનલાઇ ધૂતારાઓ માટે કળા કરી જવાનું મોકળું મેદાન પણ મળ્યું છે. આ અહેવાલમાં જાન્યુઆરી 2020થી લઇને જૂન 2023ની વચ્ચે કેવા પ્રકારના સાઈબર ક્રાઇમ થયા છે તેની પર કામ કરાયું છે. સાઇબર ક્રાઇમ્સમાં 77.41 ટકા ગુના આર્થિક છેતરપીંડી એટલે કે ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના જ થયા છે. બેંકિંગ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સંબંધિત, ડિમેટ અને ડિપોઝિટરી ફ્રોડ, મોટી કંપનીને નામે થતું ચિટિંગ અને યુ.પી.આઇ. છેતરપીંડીઓ આ લિસ્ટમાં મોખરે છે. તમે જો એમ માનતા હો કે જમતારાની વાર્તામાં થોડી ઘણી કલ્પના તો હશે જ તો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે રાજસ્થાનનો ભરતપુર જિલ્લો આવા આર્થિક છેતરપીંડી કરતા સાઈબર ક્રાઈમ્સનું હબ છે. નેવુંના દાયકામાં એક ગીત બહુ જાણીતું થયું હતું, ‘ભરતપુર લૂંટ ગયા હાય મેરે દૈયા …’ અહીં તો હવે એમ ઘાટ છે કે ભરતપુર હી હમેં લૂંટ રહા હૈ દૈયા … રાજસ્થાનના ભરતપુર પછી આ યાદીમાં ઉત્તર પ્રદેશનું મથુરા અને હરિયાણાના નુહનો સમાવેશ થાય છે. અરે હા જમતારા સિરીઝ જેની પરથી બની છે તે ઝારખંડનો જિલ્લો આ યાદીમાં પાંચમા સ્થાને છે.

ભારતમાં સાઇબર ક્રાઇમ અને તેમાં ય ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝ આટલા વધવાનાં કારણોમાં મુખ્ય કારણો છે કે ટેક્નિકલી આપણે ત્યાં અવરોધો ઓછા હોય છે જેથી ધૂતારાઓ માટે ધૂસણખોરી કરવાનું આસાન થઈ જાય છે. વેરિફેકશન પ્રોસેસને મામલે ભારતીય ઓનલાઈન પ્લેટફોર્મ્સમાં અમુક નબળી કડીઓ છે જેને લીધે ખોટી ઓળખ બનાવીને ચાલાકી થઈ શકે છે. ખોટા એકાઉન્ટ બનાવવું સહેલું છે તો સિમ કાર્ડ મેળવવું પણ બ્લેક માર્કેટમાં બહુ આસાનીથી થઈ શકે છે. હવે તો એ.આઇ. – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના અલગ અલગ ટૂલનો રાફડો ફાટ્યો છે અને આવામાં કોઇ તમારા અવાજની નકલ કરીને કોઈ બીજાને ભોળવીને છેતરી લે એવી અને એના જેવી કેટલી બધી શક્યતાઓ વધી જશે.

મે મહિનામાં દિલ્હીમાં ચાર કરોડ રૂપિયાની છેતરપીંડીનો ભોગ બનનારા ડૉક્ટર સાથે થયેલો કિસ્સો સૌથી મોટું સાઇબર કૌંભાંડ ગણી શકાય. કુરિયર કંપનીને નામે થતી છેતરપીંડીમાં પણ ફસાનારા લોકોનો આંકડો પણ મોટો છે. તમારા પાર્સલ મુંબઈ પોલીસે ઝડપ્યાં છે અને જો એકાઉન્ટ ખાલી નહીં કરો તો ધરપકડ થઇ જશે વાળા કેસિઝ પણ ઘણાં થયા છે.  માત્ર આ વર્ષની વાત કરીએ તો ભારતમાં 212 ટકા જેટલા સાઈબર ક્રાઇમ્સ વધ્યા છે.

યુ.પી.આઇ. ફ્રોડથી માંડીને બેન્ક અને ઇમેઇલ સ્કેમ્સ થાય ત્યારે માંડ 2થી 8 ટકા કેસિઝમાં પૈસા પાછા મળ્યા હોવાનું બન્યું છે. ઘરે બેઠાં કામ કરાવની લાલચ, વિદેશમાં નોકરીની લાલચ, પૈસા કમાવાની લાલચ, કંઇ ખુલ્લું પડી જવાનો ડર આ બધું જ તમારી વિરુદ્ધ કામ કરી શકે છે. ભારતમાં ધુતારાઓ પોતાનો સકંજો મજબૂત કરી રહ્યા છે ત્યારે ચેતતો નર સદા સુધી વાળું લૉજિક જ કામ કરશે, એ ચોક્કસ. સૌથી અગત્યની બાબત છે કે લાલચમાં ન ફસાવું કારણ કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત દરેક છેતરાતો માણસ સાબિત કરે છે.

બાય ધી વેઃ

સૌથી વધારે સાઇબર ફ્રોડ્ઝ ચીનમાં થાય છે અને પછી વારો આવે છે રશિયાનો. સિક્યોરિટીને મામલે અંગ્રેજી ફિલ્મોમાં અવ્વલ નંબર દર્શાવાતા અમેરિકામાં સિક્યોરિટીમાં સૌથી વધારે છીંડા પડે છે. ભારતનો નંબર આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે અને બાકીના દેશોમાં બ્રાઝિલ, ઇરાન, નાઇજિરિયા, જર્મની, વિએટનામ, પોલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. ભારતમાં 2021માં જ સાઇબરક્રાઇમના 52,000થી વધુ કેસિઝ નોંધાયા છે. પૈસા અને આબરુ આ બન્ને બાબતે સૌથી વધે છેતરપીંડી થાય છે એ સમજીને સાઇબર વિશ્વમાં તમારે કેવી અને કેટલી ફૂટપ્રિન્ટ છોડવી છે તે નક્કી કરવું અનિવાર્ય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ઑક્ટોબર 2023

Loading

...102030...954955956957...960970980...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved