Opinion Magazine
Number of visits: 9957407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2024

દિનકરભાઈ મહેતા

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વેનો ૩૦મી ઓગસ્ટ ૧૯૮૯નો દિવસ. એ દિવસે રાત્રિના નવેકના સુમારે અમદાવાદના રાયખડ વિસ્તારના ગોરજીના બંગલાની નાનકડી ખોલીમાં સાદગી વચ્ચે જીવતા દિનકર મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનકરભાઈની એક જાડી ઓળખ તો અમદાવાદના પૂર્વ મેયરની છે. તે અમદાવાદના પહેલા અને આજ સુધીના એકમાત્ર સામ્યવાદી મેયર છે. પણ એ ઓળખ સાચી હોવા છતાં પૂર્ણ નથી. દિનકર મહેતા એટલે સ્વાતંત્ર્ય સેનાની, મહા ગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો પાયો નાંખનાર પૈકીના પણ એ હતા. બ્યાંસી વરસની જિંદગીમાં છ દાયકા કરતાં વધુનું તેમનું જાહેરજીવન હતું. આ સઘળાં વરસોમાં તે સતત ગરીબ-શ્રમિક જનતાના શોષણ વિરુદ્ધના લોકસંઘર્ષોમાં મોખરે રહેતા હતા. ખરેખર તો એ ગરીબોના ઉત્થાન અર્થે મથતા ક્રાંતિવીર હતા.

હાલના વલસાડ જિલ્લાના ચીખલી ગામે ૧૭મી ઓકટોબર ૧૯૦૭ના રોજ જન્મેલા દિનકર મહેતાના પિતા સુરતની મિલમાં કારકૂન હતા. સુરત અને મુંબઈમાં એ ભણ્યા. સંસ્કૃતના તે સ્કોલર હતા. પણ ૧૯૨૬માં કોલેજ શિક્ષણ છોડી તે ગાંધીજી સ્થાપિત  ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. કાકાસાહેબ કાલેલકરના આ વિદ્યાર્થી ૧૯૨૯માં ગાંધીની વિદ્યાપીઠના સ્નાતક બન્યા અને અધ્યાપક પણ. બારડોલી કિસાન સત્યાગ્રહ અને ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને એમણે જેલવાસ વેઠ્યો હતો.

૧૯૩૨માં એમને ટી.બી. થયો હતો. તેની સારવાર દરમિયાન કાર્લ માર્ક્સનું ‘દાસકેપિટલ’ અને માર્ક્સ – એન્ગલ્સનું ‘સામ્યવાદી જાહેરનામું’ વાંચ્યું. આ બંને પુસ્તકોનું વાચન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યું. તેમના વિચારોમાં ગજબનું પરિવર્તન આવ્યું. તેઓ ગાંધીવાદીમાંથી સામ્યવાદી બની ગયા. આ વૈચારિક પરિવર્તનને દિનકરભાઈ તેમની આત્મકથાના પ્રથમ ખંડ ‘પરિવર્તન’માં એક સરસ દાખલા દ્વારા સમજાવતા લખે છે : માણસના વિચાર તેના હિત પ્રમાણે બદલાય છે. તેનો એક દાખલો મને સૂઝ્યો અને મેં તે રજૂ કર્યો. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનની રાહ જોઈને લોકો ઊભા હોય છે ત્યારે તેમના મનમાં એક જ તાલાવેલી હોય છે. ટ્રેનમાં એકદમ ચઢી જઈ, જગ્યા લઈ લેવાની. પણ એ જ માણસો ટ્રેનમાં જગ્યા મળી જતાં પછીના સ્ટેશને બીજા પેસેન્જરોને જગ્યા નથી કહી અંદર આવતા રોકે છે ! આ સાંભળી કાકાસાહેબ બોલી ઊઠ્યા, ‘દિનકરરાય, હવે તમે પાક્ક્કા સામ્યવાદી બની ગયા છો.’ ઉમાશંકર જોશી આ સાંભળી હસી પડ્યા. મારે માટે તો આ નવા પ્રસ્થાનની શરૂઆત જ હતી ….

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્તરે સક્રિય થતા, ગુજરાત કાઁગ્રેસની જવાબદારી દિનકર મહેતાના શિરે આવવાની હતી. ત્યારે જ વિચારભેદને કારણે તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૩૪માં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે ગુજરાતમાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જયપ્રકાશ નારાયણની જોડાજોડ તેઓ તે પક્ષના રાષ્ટ્રીય મંત્રી બન્યા. ૧૯૩૬માં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષના રાજ્ય મંત્રી બન્યા હતા. છેક આઝાદી આવી ત્યાં સુધી તેઓ કામદાર, કિસાન, વિદ્યાર્થી ચળવળને દોરતા રહ્યા. આઝાદીના આંદોલનમાં દિનકરભાઈએ સાત વખત કારાવાસ અને ભૂગર્ભવાસ ભોગવ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે તેમણે ગુજરાતના અલગ રાજ્ય માટેના મહા ગુજરાત આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું હતુ. સંગ્રામ સમિતિ અને જનતા પરિષદ દ્વારા અનેક આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેઓ સક્રિય હતા.

નલિનીબહેન અને દિનકરભાઈ મહેતા

અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૬૫ની ચૂંટણીમાં જનતા પરિષદના ૪૮ ઉમેદવારો વિજ્યી બન્યા હતા. દિનકરભાઈ અને તેમનાં પત્ની નલિનીબહેન જેલમાં રહ્યે રહ્યે જંગી બહુમતીથી ચૂંટાયાં. ચોથી મે ૧૯૬૬ના રોજ દિનકર મહેતા અમદાવાદના મેયર બન્યા. દેશના દ્વિતીય અને અમદાવાદના એ પ્રથમ સામ્યવાદી મેયર હતા. પૂર્વેના કાઁગ્રેસી અને ગાંધીવાદી  મેયરોએ ન કર્યા હોય તેવાં અનેક કામો તેમણે કર્યાં. મેયરની ઓફિસમાં તેમણે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની તસ્વીરો મૂકાવી. ઓફિસમાંથી એરકન્ડિશનર કઢાવી નાંખ્યું. મેયર માટેની લાખ રૂપિયાની મોંઘી ઈમ્પાલા કારને બદલે વીસ હજારની એમ્બેસેડર દાખલ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સો ટકા મોંઘવારી ભથ્થું આપ્યું હતું. વસ્તુના વજનને બદલે કિંમત પર ઓકટ્રોય લેવાનું નક્કી કર્યું. શહેરના ઉપેક્ષિત એવા પૂર્વ અમદાવાદના કામદાર વિસ્તારોને પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રાધાન્ય આપ્યું હતું. શ્રમિક વિસ્તારોને વીજળી, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી.

દિનકર મહેતાની મેયરની મુદ્દત પૂરી થવામાં હતી એ ગાળામાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કાનૂનગોને એક જાહેર કાર્યક્રમમાં દિનકરભાઈને મળવાનું થયું હતું. રાજ્યપાલે તેમને કહેલું કે તેઓ મેયર તરીકે ચાલુ રહે તેમ ઘણાં ઈચ્છે છે. આવું કોણ ઈચ્છે છે ?-ની પૃચ્છાનો જવાબ જ્યારે અમદાવાદના મિલમાલિકો એવો મળ્યો તો દિનકરભાઈને એટલે નવાઈ લાગી કે તેમણે તો મિલમાલિકો પર ભારે કરવેરા નાંખ્યા છે તો તેઓ શા માટે આવું ઈચ્છે ? ગવર્નરે તેનો પણ જવાબ આપતા કહેલું કે ભલે વેરા વધાર્યા પણ વહીવટ સુધર્યો છે અને લાંચ રૂશવત આપવી પડતી  નથી. એટલે મિલમાલિકો તમે મેયર તરીકે ચાલુ રહો તેવું ઈચ્છે છે. તો આવો હતો અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયરનો શહેરનો વહીવટ.

શોષિત જનતાની અનેક પ્રજાકીય ચળવળોમાં દિનકર મહેતા કાયમ મોખરે રહેતા હતા. આઝાદી પહેલા અને પછીના લોકઆંદોલનોમાં અગ્રેસર રહેતા આ સંઘર્ષશીલ વ્યક્તિએ કુલ બાવીસ જેલવાસમાંથી પંદર તો આઝાદી પછી વેઠ્યા છે ! મેયરકાળમાં પણ આંદોલનકારી તરીકે તે એક મહિનો જેલમાં હતા ! ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના તેઓ વિરોધી હતા પણ સરકારે તેમને જેલમાં નાંખ્યા નહોતા. એટલે ૧૯૭૬માં એ ગુજરાતના સો જેટલા ગામો ખૂંદી વળ્યા અને પલટાતા ગામડાં પુસ્તક લખ્યું હતું. દિનકરભાઈ રાજકારણી નહીં પણ સંઘર્ષશીલ રાજનેતા, લેખક અને વિચારક હતા. પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં તે બે ભાગમાં આત્મકથા, પ્રવાસ કથા પલટાતા ગામડાં ઉપરાંત તેમણે કાર્લ માર્ક્સનું જીવનચરિત્ર અને સામ્યવાદનાં મૂળ તત્ત્વો  જેવાં  પુસ્તકો લખ્યાં છે.

સમાજના  છેવાડાના માણસોનું શોષણ અટકે અને તેઓ બરાબરીનું જીવન જીવે તે દિનકરભાઈનું કાયમનું સપનું હતું. ‘જે સિસ્ટમ પોતાના ગુલામોને પણ ના ખવડાવી શકતી હોય એ લાંબો સમય ટકી ન શકે.’ તેમ માનતા દિનકરભાઈની આત્મકથાનો બીજો ખંડ “ક્રાંતિ આવી રહી છે..”ના આશાવાદી સૂર સાથે પૂરો થાય છે. વર્ણ અને વર્ગમાં આડા અને ઊભા વહેરાયેલા-વહેંચાયેલા ભારતીય સમાજમાં બીજા પણ ભાતભાતના ભેદ છે. બંધારણ નિર્માતાઓ તમામ પ્રકારની સમાનતા માટે વચનબધ્ધ હતા. છતાં જાણે કે તે જોજનો દૂર છે.  જ્યારે પણ દેશમાં ખરા અર્થમાં સમાનતા સ્થપાશે અને શોષણવિહીન સમાજ બનશે ત્યારે તેના પાયાના પથ્થર તરીકે ડાબેરી વિચારધારાને સમર્પિત ક્રાંતિવીર દિનકર મહેતા યાદ આવશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચૂંટણી વરસે એક પ્રગટ મંથન : ધર્મ વિ. રિલિજિયન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 January 2024

આપણે ત્યાં ધર્મને નામે ખેલાતી રાજનીતિ વાસ્તવમાં રિલિજિયનનું રાજકારણ છે – કેવળ ધર્માંધ જ નહીં, અંધ પણ … અખો કહેશે : ‘આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ.’ સરવાળે, ‘અંધે અંધ અંધારે મળ્યાં, તલ મહીં જ્યમ કોદરા ભળ્યાં.’

રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહનનું માનવું હતું કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી

સંકેલાતા વરસમાં યાદગાર શું વાંચ્યું, એવી એક મોજણીમાં હમણાં નિવૃત્ત રાજનયિક (ડિપ્લોમેટ) વિવેક કાત્જુના પ્રતિભાવમાં મને રસ પડ્યો. એમણે કહ્યું કે નવું તો ઠીક પણ એક પુસ્તકનું પુનર્વાચન કર્યું એ મારે તમને ખાસ કહેવું જોઈએ. જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની વચ્ચે નોળિયાને જેમ નોળવેલ તેમ મેં ક્ષિતિમોહન સેન કૃત ‘હિંદુઈઝમ’ ફરીને વાંચવા લીધી. દાયકાઓ પૂર્વે મારા પિતામહ (સ્વતંત્ર ભારતના ત્રીજા ગૃહ પ્રધાન ડો. કૈલાસનાથ કાત્જુએ) મને કોઈક પ્રસંગે તે ભેટ આપી હતી.

પ્રકાશ ન. શાહ

વિવેક કાત્જુનો આ ઉલ્લેખ વાંચ્યો ત્યારે હું છ દાયકા પાછળ ચાલી ગયો, જ્યારે આ પુસ્તકનો મને ય કંઈક સાક્ષાત્કારક પરિચય થયો હતો. ઉમાશંકર જોશીએ જેમને ક્યારેક ‘વડલા જેવા સારસ્વત’ તરીકે ઓળખાવેલા એ ર.છો. પરીખની અધ્યક્ષતામાં વિલે પાર્લે(મુંબઈ)માં મળેલી સાહિત્ય પરિષદમાં એક અદના પ્રતિનિધિ તરીકે સામેલ થયો, ત્યારે અધિવેશન પછીના રોકાણ દરમ્યાન તારાપોરવાલા બુક કંપનીની મુલાકાતે જવાનું થયું હતું … અધધ, આટલાં બધાં પુસ્તકો ને આટલી મોટ્ટી દુકાન, એ પહેલો સાક્ષાત્કાર. (પછી તો મુંબઈમાં જ ‘સ્ટ્રેન્ડ’થી માંડી પણે ન્યૂ યોર્કમાં ‘બાર્ન્સ એન્ડ નોબલ’ સરખી પાંચમજલી મુલાકાત લેવાનુંયે બન્યું છે.) ત્યાં મેં રૂપકડું પેંગ્વિન / પેલિકન પ્રકાશન, ક્ષિતિમોહન સેનનું ‘હિંદુઈઝમ’ જોયું અને ખરીદ્યું. કંઈક હિંદુત્વ વર્તુળોનો નિકટ પરિચય, કંઈક ગાંધી-નેહરુ-પટેલ સરજી એકંદરમતીનું સહજ ખેંચાણ, કંઈક રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદનાં સાહિત્યનો – એમના વ્યાપક અભિગમનો સંપર્ક, એ દિવસોમાં સમજમથામણમાં રાધાકૃષ્ણન્‌નું ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ ઉપયોગી જણાયું હતું, અને હવે હાથમાં આવ્યું ક્ષિતિબાબુનું પુસ્તક.

મને લાગે છે, વાચકને મારે ક્ષિતિબાબુ વિશે બે શબ્દો કહેવા જોઈએ. શાંતિનિકેતનમાં એ રવીન્દ્રનાથના નિકટ સહયોગી હતા. પોતે સંસ્કૃતના પ્રખર પંડિત, પણ તે ઉપરાંત હિંદી, રાજસ્થાની, અરબી, ફારસી, ગુજરાતી – હા, ગુજરાતીમાંયે સહજ ગતિ. રાધાકૃષ્ણને મુખ્યત્વે સંસ્કૃત પરંપરામાં અકુતો ભય વિહાર કર્યો હશે, પણ ક્ષિતિબાબુને કબીર સહિતની ધારાનો, લોકપરંપરાનો એવો ઊંડો પરિચય કે એક અર્થમાં રાધાકૃષ્ણન્‌ની સ્કોલરશિપને ય લાંઘી જઈ શકે. હિંદુ-મુસલમાન યુક્ત સાધનામાં એમનો પ્રવેશ, સૂફી સંસ્પર્શ, ધર્મને સંવારતાં સંગીત ને સાંસ્કૃતિક બળોની કદરબૂજ, એક અર્થમાં નિરીશ્વરવાદી એવાં જૈન ને બૌદ્ધ દર્શનોમાં હિંદુ પરંપરામાં વિકલ્પ વૈવિધ્યનું સાતત્ય જોતી દૃષ્ટિ અને લોકાયત સરખા ભૌતિકવાદી દર્શનનોયે પરિચય. ઋગ્વેદના નાસદીય સૂક્તમાંથી એ એક અદ્દભુત ઉદ્દગાર લઈ આવ્યા – બધા દેવતાઓ ય પાછળથી આવ્યા, બ્રહ્માંડના સર્જન સાથે … આખાં 138 પાનાં માત્ર, અને આખી અપરૂપ સૃષ્ટિ જાણે હસ્તામલકવત્.

ગમે તેમ પણ, રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહન સેનના સેવને સમજાયું તે એ કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. કોઈ એક ઉદ્દગાતા, એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી. એમાં ખાસું ખુલ્લાપણું છે. ગીતાંજલિકાર કહી શકે કે હું મારા માલિકને ચાહું છું, કેમ કે એણે મને નકારવાનો અધિકાર આપ્યો છે. ખુલ્લાપણાના સ્પર્શે મને જે સમજાઈ રહ્યું તે એ કે આ ધર્મને ધોરણે કોઈ બદ્ધ રાજકીય વિચારધારા હોઈ શકે નહીં. (એક સન્માન્ય વડીલ લક્ષ્મણરાવ ઈનામદારને (વકીલ સાહેબને), મુખે ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ વિશે સાંભળ‌વા મળેલી ફરિયાદ એ હતી કે એમાં બધું જ છે, સિવાય કે હિંદુ રાષ્ટ્ર!)

વિવેક કાત્જુએ મને અંતે આગળ લઈ જઈ શકતી પાછળ નજરના દિવસો સંભારી આપ્યા તે સાથે અંબોળું કે ભારતીય પરંપરાની ધર્મ એ સંજ્ઞા એના જાડા અંગ્રેજી અનુવાદમાં ‘રિલિજિયન’ તરીકે સમજાય છે એ દુરસ્ત નથી ધર્મ કોઈ એકલટ્ઠ કિતાબનો મોહતાજ નથી. આપણા સમયમાં ગાંધી-વિવેકાનંદ સરખાનાં જીવનકાર્યમાં, એમના ક્ષર અને અક્ષર દેહમાં, ધર્મનો ગૂઢ એટલો જ ગાઢ ને વળી વ્યાપક અર્થ ચરિતાર્થ થતો માલૂમ પડે છે. ચતુર્વેદી બદરીનાથ, આમ તો, એમના મહાભારત પરના કામ વાસ્તે સુપ્રતિષ્ઠ છે. બે’ક દાયકા પર એમને એ માટે સાહિત્ય અકાદેમી એવોર્ડ પણ મળ્યો હતો. પણ મને સવિશેષ રસ આ સંદર્ભમાં એમની ધર્મ-પર્યેષણામાં પડ્યો છે. ‘ધર્મ, ઈન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓર્ડર’ (1993) અને મરણોત્તર પ્રકાશન ‘ધર્મ: હિંદુઈઝમ એન્ડ રિલિજિયન્સ ઈન ઇન્ડિયા’ (2019) વાંચીએ ત્યારે સમજાય છે કે રાષ્ટ્રની ‘ચિતિ’ રૂપે જે ધર્મનો મહિમા છે તે હિંદુ ધર્મ નથી, ‘ધર્મ’ છે.

હવે તરતમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ખુલ્લું મૂકવામાં છે તે અવસરે લાલકૃષ્ણ અડવાણીને મોળા આમંત્રણનું આયોજકોનું વલણ ચર્ચામાં છે. આંદોલનના સ્થપતિ બાબતે આવું વલણ ખૂંચે પણ ખરું. પરંતુ, આંદોલન દરમ્યાન અડવાણીએ ‘ધર્મ’ના સાંકડા અર્થની જે રાજનીતિ કરી તેના લાભાર્થીઓ આજે સત્તારૂઢ છે ત્યારે એમણે અને લાભાર્થીઓએ ‘જે જીત્યું તે સિકંદર’ના ઠાઠમાંથી લગીર જાતમાં ઝાંખીને વિચારવા જેવું ચોક્કસ છે કે આપણે રિલિજિયનને વળગીને સત્તાએ પહોંચ્યા, પણ જે છૂટી ગયો તે તો ધર્મ છે. જસ્ટિસ વર્માએ હિંદુત્વને ‘અ વે ઓફ લાઈફ’ તરીકે પોતાના ચુકાદામાં ઘટાવ્યું એમાં જે વિચારગોથું હતું તે માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે એમને કંઈક પકડાયું હશે તે 2002 અંગેના એમના અભિગમથી સમજાય છે.

ચતુર્વેદી બદરીનાથે છેડેલો એક વિચારોત્તેજક મુદ્દો જેમ ધાર્મિક (રિલિજિયસ) કટ્ટરવાદ તેમ સેક્યુલર કટ્ટરવાદનો પણ છે. (અલબત્ત, સેક્યુલર અભિગમ દેશની જે બિનકોમી વ્યાખ્યા પર ભાર મૂકે છે. તેની સાથે તેઓ સંમત છે.) કાશ, સૌ રિલિજિયસ પેચપવિત્રા છાંડી ‘ધર્મ’ને ધોરણે વાત કરી શકે!

દરમ્યાન, આભાર, વિવેક કાત્જુ, પ્રગટ મંથનની આ તક માટે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 જાન્યુઆરી 2024

Loading

આધુનિક પ્રગતિનું ખર્ચ શું? કોના માટે અને કોના ભોગે?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|2 January 2024

નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૫

અર્થશાસ્ત્રમાંથી નૈતિકતા અદૃશ્ય થઈ ગઈ તેનું ત્રીજું પાસું એ છે કે આર્થિક પ્રગતિનું કેટલુંક ગંભીર ખર્ચ હોય છે એવો વિચાર જ અદૃશ્ય થઈ ગયો. મનુષ્યોએ હંમેશાં સારું નિર્માણ કરવા, ક્રાંતિઓ કરવા અને યુદ્ધો કરવા માટે વિનાશ વેર્યો છે એ તેનાં મુખ્ય ઉદાહરણો છે. આર્થિક પરિવર્તન પદ્ધતિની દૃષ્ટિએ હળવું રહ્યું છે પણ અસરની દૃષ્ટિએ ઓછું વિક્ષેપજનક નથી રહ્યું. સ્થિર અર્થતંત્ર તરફથી ગતિશીલ અર્થતંત્ર તરફ ૧૯મી સદીમાં જવાયું ત્યારે તેની સાથે તેનું નૈતિક ખર્ચ શું હશે તે વિચારનો જ જોરદાર ત્યાગ કરી દેવાયો.

કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્જલ્સ દ્વારા ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’માં આ બાબત બહુ સરસ રીતે કહેવાઈ છે : “ઉત્પાદનમાં સતત ક્રાંતિ આવતી જ રહે, કોઈ પણ વિક્ષેપ વિના તમામ સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર થતો જ રહે, સતત અનિશ્ચિતતા અને ઊથલપાથલ થતાં રહે …… તમામ નિશ્ચિત અને ઝડપથી થીજી ગયેલા સંબંધો ધોવાઈ જાય …. જે ઘન છે તે બધું જ ઓગળી જાય.”

ડંકન ફોલીએ લખ્યું છે કે, “એડમ સ્મિથના કથનનો નૈતિક તર્કદોષ એ છે કે તે આપણને જે પ્રત્યક્ષ અને ઠોસ દૂષણ છે તેને સ્વીકારવાનું કહે છે કે જેથી તેમાંથી જે પરોક્ષ અને અમૂર્ત ભલું છે તે નીપજે.” તેઓ જે સવાલ ઉઠાવે છે તે ટાળી શકાય તેમ નથી: શું સાધ્ય સાધનને વાજબી ઠરાવે છે?

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એ સ્વીકારવામાં આવે છે કે પ્રગતિની કિંમત હોય છે. પરંતુ લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ એમ કહેશે કે એ કિંમત ચૂકવવા યોગ્ય છે કારણ કે ભૂતકાળ કરતાં ભવિષ્ય સારું હશે. જો તેમનો ટીકાકાર એમ કહે કે સતત નવીનતમ સ્થિતિ સાથે ગોઠવણ કરવાનું ખર્ચ બાદ કરવામાં આવે તો તમે જુઓ કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જીવતા હતા તેના કરતાં આજે કેટલા બધા લોકો વધુ સારી સ્થિતિમાં જીવે છે.

જેમ્સ મિલ દ્વારા ૧૯મી સદીમાં જે rajooaawt કરવામાં આવી તે અત્યારે પણ પ્રસ્તુત લાગે : “મુક્ત સાહસના અર્થતંત્રમાં તેની પોતાની મુસીબતો છે, પણ આપણે પ્રગતિ અને સાર્વજનિક લાભ માટે એ કિંમત ચૂકવીએ છીએ.” તેમના દીકરા જ્હોન સ્ટુઅર્ટ મિલ અન્ય લોકોના દર્દને નજરઅંદાજ કરવા માટે તૈયાર નહોતા. એટલે તેમણે તેમાં એક નવી વાત મૂકી. તેઓ કહે છે કે આ દર્દ કામચલાઉ જ છે અને જેમ જેમ સંપત્તિ વધતી જશે તેમ તેમ દર્દ હળવું થતું જશે. એનાથી વિરુદ્ધ હર્બર્ટ સ્પેન્સર દ્વારા તદ્દન ડાર્વિનવાદી વલણ અપનાવવામાં આવ્યું. તેમણે તો એમ કહ્યું કે ગરીબોના દર્દને લીધે જ સમાજનો વિકાસ થયો છે. ધનવાનોને વધુ સંપત્તિ આપીને અને ગરીબોને સજા કરીને જ સમાજનો વિકાસ થવાનું સતત ચાલુ રહે છે.

જ્હોન મેનાર્ડ કેઇન્સ પણ બંને પિતા-પુત્ર મિલ સાથે સંમત થાય છે. મૂડીવાદનું મુખ્ય મનોવૈજ્ઞાનિક તત્ત્વ છે પૈસા પ્રત્યેનો પ્રેમ. એ નૈતિક રીતે ખરાબ છે. પણ તે સાર્વજનિક ભલા માટેનું સાધન છે. તે વિપુલતાનું સર્જન કરીને આપણને વધુ ડહાપણભરી રીતે, સર્વસ્વીકૃત રીતે અને સારી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે. મૂડીવાદ તો વચગાળાનો તબક્કો છે એ બાબતે કેઇન્સ માર્ક્સ સાથે સંમત હતા.

મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ મૂડીવાદ પછીના યુગને ભાળી શક્યા નહિ. તેનું કારણ એ કે તેઓ અછતને કાયમી પરિસ્થિતિ સમજતા રહ્યા. લાયોનેલ રોબિન્સની વ્યાખ્યામાં મનુષ્યોની જરૂરિયાતોની કોઈ મર્યાદા જ નથી. અછતમાં ગાણિતિક ઉકેલો છે પણ નૈતિક ઉકેલો નથી. વળી, મૂડીવાદે એમ બતાવી દીધું કે વિકાસના એન્જિન તરીકે પોતે સામ્યવાદ કરતાં શ્રેષ્ઠ છે. તેનું કારણ એ કે કેન્દ્રીય આયોજન જરૂરી સામાજિક ગણિત કરી શકતું નથી. આવી દલીલ નોબેલ ઈનામ વિજેતા ફ્રેડરિક વોન હાયેક દ્વારા કરવામાં આવી છે.

પછી આવે છે જોસેફ શુમ્પિટર. તેમનાં મંતવ્યોનું એક મુખ્ય તારણ એ કે : “કોઈ પણ મંદીને કદી પણ નકામી જવા ન દો.” તેઓ તો સંપત્તિનું સર્જન “સર્જનાત્મક વિનાશ” દ્વારા કરવા માટેના જાણે કે દેવદૂત હતા. પ્રગતિ કંઈ આસાન ઉત્ક્રાંતિનો માર્ગ નથી; પણ એ તો અંધાધૂંધીથી જ આવે છે. તેમાં તો સતત મરણોન્મુખ મહાકાય આર્થિક સાહસોને સ્થાને ચાલાક નવાં સાહસો આવે છે અને સફળ રીતે વારસો સંભાળી લે છે.

આધુનિક જમાનાની સિલિકોન વેલીમાં આ ખ્યાલ આત્મસાત થયેલો છે. તેમાં “વિક્ષેપાત્મક નવપ્રવર્તન” જેવો જરા હળવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. શુમ્પિટર કહે છે કે સર્જનાત્મક વિનાશ દ્વારા મૂડીવાદી વ્યવસ્થા કામ કરતી રહે છે. તેમણે એમ પણ કહ્યું હોત કે તે જે મૂલ્યનો નાશ કરે છે તેના કરતાં વધુ મૂલ્યનું સર્જન કરે છે. ટેક્નોલોજીના માંધાતાઓ દ્વારા આવો જ જવાબ આપવામાં આવે છે. વધુ સચોટ રીતે કહીએ તો એમ કહેવાય કે તેઓ એમ કહે છે કે ઓટોમેશનથી હાલની ઘણી રોજગારી અને જીવન જીવવાની પદ્ધતિ નાશ પામશે, પરંતુ લાંબે ગાળે સૌ સારાં વાનાં થઈ રહેશે.

પ્રગતિના ખર્ચ વિશેના ખ્યાલમાં હાલની પેઢીને જે ખર્ચ સહન કરવાનું આવે છે તેની વાત છે. એમ ધારણા કરી લેવાઈ કે ભાવિ પેઢીઓને લાભ થશે. આર્થિક વિકાસ માટેની આપણી બેફામ દોટને લીધે ભાવિ પેઢીઓ પણ કિંમત ચૂકવશે એવો વિચાર તો કરવામાં આવ્યો જ નહિ. હજુ હમણાં જ એમ સ્વીકારવામાં આવ્યું કે આપણે આપણાં બાળકો અને તેમનાં પણ સંતાનોની ભાવિ પેઢીઓને ભોગે લાભ મેળવી રહ્યા છીએ.

પ્રગતિના નૈતિક ખર્ચ વિશે કોઈ ગંભીર ચર્ચા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં તમને મળતી નથી. વિશ્લેષણાત્મક ભાષા એવી તરતપાસને ઠંડી પાડી દે છે. એ તેને ટૂંકો ગાળો અથવા વચગાળાનો સમય કહીને ખૂણામાં હડસેલી દે છે. કાર્યક્ષમ બજાર અથવા ટેક્નોલોજીની પ્રગતિથી પ્રગતિનું ખર્ચ હંગામી રહેશે એમ કહેવામાં આવે છે.

વધુ ઉદાર સામાજિક કલ્પનાઓ કરતા અર્થશાસ્ત્રીઓએ એવી દલીલ કરી છે કે પ્રગતિનું ખર્ચ ઘટાડવા માટે જ વળતરનો સિદ્ધાંત શોધી કાઢવામાં આવ્યો છે. એટલે કે જેને પ્રગતિનું ખર્ચ સહન કરવું પડે તેને વળતર મળે. જેમને પ્રગતિથી લાભ થાય છે તેઓ જો જેમને નુકસાન થાય છે તેમને વળતર ચૂકવે તો વિલ્ફ્રેડ પેરેટો કહે છે તેમ બજાર કાર્યક્ષમ બની જાય. આમાં ખોટી રીતે એવી ધારણા કરવામાં આવી છે કે લાભ અને હાનિ એક જ નાણાકીય માપદંડથી માપી શકાય છે. આ વળતરને વ્યવહારમાં મૂકવા માટે જરૂરી રાજકારણની સમસ્યા પણ તે અમૂર્ત બનાવી દે છે.

ભાગ્યે જ મળતા કેટલાક અપવાદો સિવાય, જે લોકો એમ સ્વીકારે છે કે પ્રગતિની કિંમત હોય છે જ તેઓ એવો સવાલ પછી પૂછે છે કે પ્રગતિ શાને કાજે છે? એ શું આપણને અથવા આપણા આવનારા અનુગામીઓને વધુ સમૃદ્ધ, સુખી કે વધુ સારા બનાવવા માટે છે? અને આ બધા વચ્ચે શો સંબંધ છે?

(ક્રમશ:)
સ્રોત: 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics? 
પ્રકરણ : Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...921922923924...930940950...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved