Opinion Magazine
Number of visits: 9457900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મણિપુર વંશીય હિંસાઃ  ડ્રગ્ઝનો વ્યાપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકીઓની ત્રિરાશીનો ખોટી રકમનો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 July 2023

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે; તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું

ચિરંતના ભટ્ટ

મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની ખેતી અને વ્યાપારને પણ આ જાતિવાદના ખટરાગ સાથે સીધો સંબંધ છે. નાગા, કુકી અને મૈતેઈ જાતિના લોકો વચ્ચેનો હિંસક સંઘર્ષ આજકાલની વાત નથી. ભારતના કેટલાક પુરાણા અલગાવવાદી આંદોલનો મણિપુરમાં થતી હિંસાના મૂળમાં છે, અને છેલ્લા બે દાયકાથી ઉત્તરપૂર્વમાં આ સંઘર્ષ ઘટ્યો પણ છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે રીતે સંજોગો વણસ્યા છે તેણે મણિપુરને ભરડામાં લીધું છે. આ વર્ષના પ્રારંભથી જ સતત હિંસક અથડામણો મણિપુરમાં શરૂ થઇ અને મે મહિનામાં મામલો એવો બીચક્યો કે સરકારે ત્યાં પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવી પડી. 

ભૌગોલિક રીતે જોઈએ તો મણિપુરના બે હિસ્સા થાય, ઇમ્ફાલ વેલી અને ડુંગરાળ પ્રદેશો અને ત્યાં જે 60 વિધાનસભા મતવિસ્તારો છે તેમાંથી 40 ઇમ્ફાલ વેલીમાં છે અને બાકીના 20 મતવિસ્તારો 10 અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલા છે. ઇમ્ફાલ વેલીમાં મૈતેઈ જાતિનો ઇજારો છે જે મોટેભાગે હિંદુઓ છે અને ડુંગરાળ જિલ્લાઓમાં નાગા અને કુકી (ચિન, મિઝો અને ઝોમી પ્રજાતિઓ પણ ડુંગરાળ પ્રજાતિઓ છે જે મૈતેઈ સામેના સંઘર્ષનો હિસ્સો છે) આદિવાસી જાતિઓ છે જેમાં મોટભાગના ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. કુકી, નાગા અને મૈતેઈ જાતિઓ વચ્ચેના સંઘર્ષનાં મૂળિયાંમાં કંઇક આવી વાત છે – ડુંગરાળ પ્રદેશના આદિવાસીઓનો દાવો છે કે ઇમ્ફાલ વેલીમાં રહેતા લોકોએ પોતાની રાજકીય ઇજારાશાહી હોવાથી વિકાસ લક્ષી કાર્યો રૂંધ્યા છે તો મૈતેઈ લોકોનો દાવો છે કે તેઓ તેમની પોતાની જ વારસાગત જમીન પર – પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છીએ અને તેમની સંખ્યા ઘટી રહી છે. તેમને એ વાંધો છે કે તેઓ મણિપુરના ડુંગરાળ વિસ્તારોમાં જમીન નથી ખરીદી શકતા કારણ કે ત્યાં આદિવાસી જાતિઓને વિશેષાધિકાર મળેલો છે અને આ કારણે તેમણે જબરદસ્તીથી માત્રને માત્ર ઇમ્ફાલ વેલીમાં જ રહેવું પડે છે, તેઓ ત્યાં બંધાઈ ચૂક્યા છે.

મૈતેઈ જાતિને આદિવાસી જાતિ – ખાસ કરીને અનુસૂચિક જનજાતિ હોવાનું સ્ટેટસ મળે એ માટે કેટલીક સંસ્થાઓ સતત માગ કરી રહી છે અને તાજેતરમાં ત્યાં હાઈકોર્ટમાં પણ એવી દલીલ કરાઈ કે રજવાડાઓ રાષ્ટ્રમાં ભળ્યા તે પહેલાં મૈતેઈ લોકો આદિવાસી જાતિમાં ગણાતા પણ હવે એ દરજ્જો તેમની પાસે ન હોવાથી તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જમીનો, ભાષાને સાચવવામાં તકલીફ પડે છે અને માટે તેમને ફરી આદિવાસી પ્રજાતિ હોવાનો દરજ્જો પાછો જોઈએ છે. કુકી અને નાગા આદિવાસી જાતિઓને લાગે છે કે આ માંગથી મૈતેઈ પ્રજાતિને વિધાનસભામાં અને તેના થકી આખા રાજ્ય પર કાબૂ કરવો છે વળી તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો તો ધરાવે જ છે. મૈતેઈ જાતિ એક સમયે રાજાઓ ગણાતા, તેમના પ્રદેશો પર નાગા જાતિના લોકો લૂંટફાટ કરતા રહેતા અને અંગ્રેજોએ મૈતેઈઓના રાજાઓ સાથે કરાર કરેલા પણ અંગ્રેજો સાથે આ કરવાથી ફાયદા કરતા નુકસાન વધારે થયું. અંગ્રેજોએ મ્યાનમારના કુકીઓને પણ અહીં વસાવ્યા અને તે વખતથી આ ત્રણ જાતિઓ વચ્ચે ચાલતી આવતી ઈજારાશાહી લડાઈ આજે પણ ચાલી રહી છે. મૈતેઈની વસ્તી વધુ હોવા છતાં તે હાંસિયામાં છે તો કુકી વહિવટી તંત્રમાં છવાયેલા છે. જમીન પરનો કબ્જો તેમને આ સંઘર્ષનું બળતણ છે. વળી સ્થળાંતર કરીને આવતા વસાહતીઓને કારણે જંગલની અનામત જમીનો પર ઘુસી રહ્યા છે. આમાં પાછા જે મૂળ મણિપુરનાં છે તેમને જ હાંસિયામાં ધકેલાવું પડે છે, વળી આને લીધે અફીણની ખેતીના પ્રદેશો બદલાય છે અને વિસ્તરે પણ છે.

મણિપુરની આ હિંસામાં જમીન પરના અધિકારોનો પ્રશ્ન તો છે જ પણ ભારત-મ્યાનમાર સરહદે થતો હેરોઈનનો ગેરકાયદે વ્યાપાર આ સંઘર્ષને તીવ્ર બનાવે છે. મણિપુરના ડુંગરાળ પ્રદેશમાં પૉપીની મોટા પાયે ખેતી થાય છે, ખસખસના આ છોડમાંથી અફીણ બને છે અને મણિપુરની સરહદેથી તેનો બેફામ ગેરકાયદે વેપાર ચાલે છે. મણિપુરની હિંસામાં નાર્કોટિક્સ એક ન ટાળી શકાય એવો ભાગ ભજવે છે. જમીનના હકનો ટંટો મોટો થાય છે કારણ કે આદિવાસી પ્રજાતિઓ અફીણની ખેતમાં સંડોવાયેલી છે, તેમનું આર્થિક ગાડું આ નશાના જોર પર ચાલે છે. આ પરિસ્થિતિ વધારે જટિલ બને કારણ કે મ્યાનમાર સશસ્ત્ર શરણાર્થીઓને આ તરફ ધકેલે છે. આતંકી જૂથોને નાર્કોટિક્સના વ્યાપારથી ફાયદો થાય છે અને મૈતેઈ જાતિના લોકો કુકી જાતિના લોકોને આ તમામ માટે જવાબદાર ઠેરવે છે. સ્વાભાવિક છે કે કુકી જાતિના જે લોકો આમાં હિસ્સેદાર નથી તેમને આ ‘લેબલ’ સામે વાંધો હોય જ. ત્યાં શાસક વર્ગ અને વિરોધ પક્ષ વચ્ચેનું રાજકારણ પણ હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં પણ એ મુદ્દો ઊઠ્યો કે મણિપુરના મુખ્ય મંત્રીએ ‘ડ્રગ્ઝ સામેનું યુદ્ધ’ જાહેર કર્યું એમાં સંજોગો ધાર્યા કરતાં વધારે વણસ્યા. વળી અફીણના વ્યાપારના ઇતિહાસ વિશે વિગતવાર લખનારા પ્રસિદ્ધ લેખ અમિતવ ઘોષે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એમ વાત કરી હતી કે હિંસાનું વિશ્લેષણ થાય ત્યારે અફીણના વ્યાપારને ગણતરીમાં લેવો જ પડે.

મણિપુરમાં નાર્કો-પૉલિટિક્સ જટિલ પ્રશ્ન છે. કુકી આતંકીઓ પાસે મોંઘાદાટ શસ્ત્રો છે (કઈ રીતે લાખોની કિંમતનાં એ.કે. -56 કે એ.કે. – 46 જેવા શસ્ત્રો આ પ્રજાતિઓ પાસે આવે છે જે આર્થિક રીતે સદ્ધર નથી) અને તે મ્યાનમાર, મિઝોરમ અને બાંગ્લાદેશના ગેરકાયદે વસાહતીઓ અને ડ્રગ્ઝના વ્યાપારના પૈસાને કારણે આવ્યા હોવાનું મૈતેઈ રિસર્જન્સ ફોરમનો આક્ષેપ છે. રાજ્ય સરકાર તેના કહેવાતા અભિયાનમાં ડ્રગ્ઝના વ્યાપારમાં સંડોવાયેલાઓની ધરપકડ કરે છે પણ છતાં ય એમ થાય છે કે મોટી માછલીઓ છટકી જાય છે અને સામાન્ય લોકોને આ પણ કઠે છે.

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે, તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું. બિરેન સિંઘના આવાં વલણને કારણે તેમનું અફીણની ખેતી અંગેનું કોઇપણ વિધાન કોમવાદ ભડકાવે છે. મ્યાનમારના વસાહતીઓ જંગલોના નાશ માટે, અફીણની ખેતી અને નાર્કોટિક્સના વ્યાપાર માટે જવાબદાર છે એવું પણ બિરેન સિંઘે કહ્યું છે.

મણિપુર સરકારના સૂત્રો અનુસાર 2017-18 દરમિયાન 18,664 એકરમાં ફેલાયેલા અફીણના ખેતરોનો નાશ કરાયો હતો, જે મોટેભાગે ડુંગરાળ પ્રદેશોમાં હતા. રાજ્ય સરકારની આ કામગીરીને કારણે કુકી, ઝો, ચિન પ્રજાતિઓ ફુંગરાઈ કારણ કે તેઓ પૉપી સિડ્ઝની ખેતી કરીને જ કમાણી કરતા હતા. મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ – ગોલ્ડન ટ્રાયંગલ દેશો – માંથી આવનાર નાર્કોટિક્સ આજકાલ બને છે મણિપુરમાં. મ્યાનમાર અને ચીનની વચ્ચે થતા ડ્રગ ટ્રાફિકિંગમાં તેની આસપાસના વિસ્તારો સંડોવાય અને ત્યાં જ મણિપુર અને બાકીના ઉત્તર-પૂર્વિય ભારતની વાત આવે છે. આ સાબિતી છે કે વાત માત્ર મણિપુર પૂરતી નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલમાં મણિપુરની સંડોવણીની છે.

મણિપુરમાં વંશવાદી હિંસા, નાર્કોટિક્સનું અર્થતંત્ર, રાષ્ટ્રીય સલામતી અને આંતરરાષ્ટ્રીય આતંકી વ્યૂહરચના આ ચારેય મુદ્દાનું કોકડું એક સાથે ગુંચવાયેલું છે. તેનો ઉકેલ એક દિશામાં વિચાર કરવાથી લાવવો મુશ્કેલ છે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે કે મણિપુરના સરહદી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે. સરકારે ભારત-મ્યાનમાર પ્રદેશની વ્યૂહાત્મક ગણતરીઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે તેની સાથે એ પણ યાદ રાખવું પડે કે સરહદી ખેલમાં આદિવાસી સપાટામાં ન લેવાય કારણ કે તેમની આર્થિક સ્થિતિ તો બદતર છે જ અને એવામાં બેની લડાઈમાં તેમનો ભોગ લેવાશે તો તેઓ સ્વ-બચાવમાં બમણા જોરથી સામા થશે.  સત્તાધીશો જો મણિપુર, નાગાલેન્ડ અથવા મિઝોરમ જેવા રાજ્યોમાં ચાલતા આંતરિક વિક્ષેપો કે સંઘર્ષનો બહાના તરીકે ઉપયોગ કરીને વંશીય વિભાજન લંબાવશે તો તેની અસરો સારી નહીં હોય. જો પરિસ્થિતિને સમજદારીથી સંભાળવામાં નહીં આવે તો ભારત આ સંવેદનશીલ ક્ષેત્રમાં મોટી ભૂલ કરી બેસશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

વાત દેશના બે આજી અને માજી રાષ્ટૃપતિની …

રમેશ ઓઝા|Opinion - Opinion|30 July 2023

રમેશ ઓઝા

આજે દેશનાં બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને ઉપરથી સ્ત્રી છે. પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસીની દીકરી ગયા વરસે ૨૪મી જુલાઈએ દેશની રાષ્ટ્રપતિ બની તે ઘટનાને આજના યુગના રિવાજ મુજબ ઉજવવામાં આવી હતી. ઉજવણું એ વાતનું હતું કે આદિવાસી કન્યાને સર્વોચ્ચ સ્થાને બેસાડીને આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કરવામાં નહોતો આવ્યો એવો ન્યાય કરવામાં આવ્યો હતો. આદર અને ન્યાય બન્ને એક સાથે હોદ્દો આપીને સાકાર કરવામાં આવ્યા હતા.

બરાબર એક વરસ પછી મણિપુરમાં નરાધમોએ પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસી કન્યા સાથે કેમેરા સામે જ દુર્વ્યવહાર કર્યો. ક્યાં ગયો આદિવાસીઓનો આદર અને ક્યાં ગયો ન્યાય? એ તો ઠીક, જેને સર્વોચ્ચ હોદ્દે બેસાડીને આદિવાસીઓને આદર અને ન્યાય અપાયાની ઘોષણા કરવામાં આવી હતી એ રાષ્ટ્રપતિનો અવાજ ક્યાં ગયો? ભારતનાં નામદાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હજુ સુધી મોઢું ખોલ્યું નથી.

આ થઈ આજી રાષ્ટ્રપતિની વાત. એક માજી રાષ્ટ્રપતિ હતા જે ભારતનાં પહેલા દલિત રાષ્ટ્રપતિ હતા. એમનું નામ કે.આર. નારાયણન્‌. તેમને જ્યારે રાષ્ટ્રપતિ બનાવાયા ત્યારે દલિતોનું સન્માન  અને ન્યાયના ઢોલનગારા નહોતાં વગાડવામાં આવ્યાં. પણ કેવા રાષ્ટ્રપતિ! એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રપતિ હોય તો આવા!

અત્યાર સુધીમાં ભારતને મળેલા ૧૫ રાષ્ટ્રપતિઓમાં શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો જો કોઈ મને પ્રશ્ન પૂછે તો મારો એક જ જવાબ હોય; કે.આર. નારાયણન્‌. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન્‌, ડૉ ઝાકીર હુસેન અને તાજેતરનાં વર્ષોમાં થયેલા અને સાદગી અને સરળતા માટે લોકપ્રિય બનેલા ડૉ. અબ્દુલ કલામ પણ તેમની તોલે ન આવે. પણ આપણે કે.આર. નારાયણન્‌ની રાષ્ટ્રપતિ તરીકેની મહાનતા વિષે ખાસ જાણતા નથી, કારણ કે આપણે ભારતીય સંઘમાં રાષ્ટ્રપતિની ભૂમિકા વિષે ખાસ જાણતા નથી. જાહેરજીવનનાં અન્ય કોઈ ક્ષેત્રમાં મહાન હોવું અને બંધારણચિંધી ભૂમિકા નિભાવવામાં દક્ષ હોવું એ બે અલગ ચીજ છે.

તમને કદાચ જાણ હશે કે કે.આર. નારાયણન્‌ જન્મે દલિત હતા. કેરળના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને હરિજન સેવક સંઘની આશ્રમશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ભણવામાં હોંશિયાર હતા, સ્કોલરશીપ મળતી હતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રવેશ મળ્યો હતો. તેમને જે.આર.ડી. તાતાએ સ્કોલરશીપ આપી હતી અને એ ઉપરાંત કનૈયાલાલ મુનશીએ તેમના અંગ્રેજી સામયિક ‘સોશ્યલ વેલ્ફેર’ના લંડનના પ્રતિનિધિ બનાવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના વડા હતા અને વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ કાર્લ પોપર તેમ જ એટલા જ ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી ફ્રેડરિક હાયેક ત્યાં ભણાવતા હતા. નારાયણન્‌ આ ત્રણેયના વિદ્યાર્થી હતા અને લાસ્કીના તો લાડલા હતા.

કે.આર. નારાયણન્‌ લંડનથી ભારત પાછા ફરવાના હતા ત્યારે હેરોલ્ડ લાસ્કીએ તેમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ પત્ર લઈને તું જવાહરલાલ નેહરુને મળજે. લાસ્કીએ નેહરુને ભલામણ કરી હતી કે આ યુવક તાજા સ્વતંત્ર થયેલા ભારતના ઘડતરમાં ઉપયોગી થઈ શકે એમ છે. સરકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. નેહરુએ તેમને ભારતીય વિદેશ સેવામાં જોડાવાની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેમની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેટલોક સમય રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા, ૧૯૯૨માં તેમને ઉપ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને ૧૯૯૭માં તેઓ દેશના ૧૦માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ તરીકે તેમને આવકારવામાં આવ્યા હતા, પણ એ તેમની બહુ ટૂંકી ઓળખ હતી. તેમની સાચી ઓળખ તો એ હતી કે રાષ્ટ્રપતિ કેવો હોવો જોઈએ તેનું તે આદર્શ ઉદાહરણ હતા. તેઓ પોતાને સક્રિય રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવતા હતા. સરકારી (એક્ઝિક્યુટિવ) કામકાજમાં ચંચુપાત કરનારા પણ નહીં અને મૂંગા રહીને મતું મારનારા રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ પણ નહીં. બંધારણની મર્યાદામાં રહેવાનું, પણ બંધારણીય ફરજ પણ નહીં ચૂકવાની.

તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે ચૂંટણીમાં મત આપવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજકીય પક્ષપાત નથી ધરાવતા એ બતાવવા સારુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત નહીં આપીને તટસ્થતા બતાવતા હતા. નારાયણન્‌ની દલીલ હતી કે ભારતનો નાગરિક ગમે તે હોદ્દો ધરાવતો હોય, પણ તે નાગરિક મટતો નથી અને નાગરિકે ચૂંટણીમાં મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઈએ. બીજું એવો કોઈ માણસ હોતો નથી જે મત ન ધરાવતો હોય. મત ધરાવનારા નાગરિકે ગુપ્ત રીતે પોતાનો મત આપીને લોકતંત્રમાં હિસ્સેદાર બનવું જોઈએ. તેમની ત્રીજી દલીલ એવી હતી કે તટસ્થતા જાળવવી એ વિવેક, અંતરાત્મા અને ફરજનિષ્ઠાનો ભાગ છે. અંતરાત્મા, વિવેક અને બંધારણ માટેની નિષ્ઠા હોય એ પૂરતું છે. તટસ્થતા એની મેળે આવી જશે.

૨૦૦૨ની સાલના ગુજરાતનાં કોમી હુલ્લડો પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્ય પ્રધાનને રાજધર્મની યાદ અપાવી હતી એ યાદ હશે. હકીકતમાં રાજધર્મની યાદ એ સમયના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને વાજપેયીને અપાવી હતી. તેમણે વડા પ્રધાન વાજપેયીને ગુજરાતની સ્થિતિ અને રાજધર્મ વિષે લખેલા પત્રો ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સુવર્ણપાન બની રહેશે. વાજપેયીની નાછૂટકે નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવવી પડી હતી.

નારાયણન્‌ ૧૯૯૨થી ૧૯૯૭ની સાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું સંચાલન કરે છે. સંચાલન કેવું હોય અને તેમાં તટસ્થતા કેવી હોય એ ત્યારે જોવા મળ્યું હતું. ૧૯૯૭ની સાલમાં ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકારે તેમને રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા હતા, પણ ગુજરાલ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહની બી.જે.પી.ની સરકારને બરતરફ કરવાના આદેશ પર રાષ્ટ્રપતિને સહી કરવાની સલાહ આપી ત્યારે તેમણે એ દરખાસ્ત પાછી મોકલી હતી. ગુજરાલ પછી અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા અને તેમની સરકારે જ્યારે બિહારની રાબડી દેવીની સરકારને બરતરફ કરવાની દરખાસ્ત મોકલી તો તેને પણ તેમણે પાછી કરી હતી.

૧૯૭૯ની સાલમાં જનતા પાર્ટીની સરકાર તૂટી ત્યારે એ સમયના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ નવી સરકાર રચવા માટે જે તે પક્ષોનાં સંખ્યાબળનું ધોરણ અપનાવ્યું હતું. જે પક્ષ પાસે સૌથી વધુ બેઠક હોય એને પહેલો ચાન્સ. એ સરકાર રચી ન શકે તો બીજો એ પછી ત્રીજો એમ. ૧૯૮૯માં અને એ પછીનાં વર્ષોમાં આર. વેંકટરામને અને ડૉ શંકર દયાળ શર્માએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. એ ધોરણે તો ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસ માટેની સરકાર રચાઈ હતી. ત્યારે રાષ્ટ્રપતિની ટીકા કરતા કાયદાવિદો કહેવા લાગ્યા હતા કે રાષ્ટ્રપતિએ સંખ્યાના ધોરણે એક પછી એક મુરતિયાઓને બોલાવવાના હોય તો રાષ્ટ્રપતિની જરૂર જ શું છે? એ કામ તો કોઈ પણ કરી શકે?

કે.આર. નારાયણને એ શિરસ્તો પણ બદલ્યો હતો અને કહ્યું હતું કે બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ એ ચકાસવાનું છે કે કોણ સ્થિર સરકાર આપી શકે એમ છે. તેમણે અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે સમર્થન કરનારા પક્ષોનો સમર્થનનો પત્ર રજૂ કરો. પત્રો મળ્યા પછી જે તે પક્ષના નેતાઓને બોલાવીને ખાતરી કરી હતી અને સરકાર રચવા વાજપેયીને કહ્યું હતું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—207

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2023

જમશેદજી તાતા : એક લડાઇએ ડુબાડ્યા તો બીજીએ તાર્યા 

‘સ્વદેશી’ના આગ્રહીની સ્વદેશી મિલ      

સ્થળ : જમશેદજી તાતાના પૂતળા પાસે 

સમય : સવારના ૪ 

રઘલો : અરે સેઠ! આય તું રોજ રોજ જાગા કાંઈ ફેરવ્યા કરે છ? ઘરીકમાં તારા કૂવા પાસે, ઘરીકમાં પેલા ફવ્વારા પાસે, અને આજે અહીં!

ભીખા સેઠ : જો, સમજ. આપરાથી મોટ્ટા માણસ હોય ને, તેમને મલવા આપરે જવું જોઈએ. આય જમશેદજી તાતા કોણ છે, તુને માલમ છે? 

રઘલો : મુને માલમ હોતે તો તો હું સેઠ ને તું મારો નોકર બનિયો હુતે ને!

ભીખા શેઠ : જો, રઘલા! એક સોજ્જી મજાની ખુરસી લાવીને મૂક.

રઘલો : કેમ વારુ?

ભીખા શેઠ : દિનશા એદલજી વાચ્છા બી આવવાના છે.

રઘલો : પન કાંઈ? એવન તો પોતાની વાત અગાઉ કરી ચૂક્યા છે.

જમશેદજી નસરવાનજી તાતા 

ભીખા શેઠ : કારણ એવને સર જમશેદજી તાતાની બાયોગ્રાફી લખેલી, અને તે બી છેક ૧૯૧૪માં. અને લોકને એવી તો ગમી ગયલી એ કિતાબ, કે બીજે જ વરસે એની સેકંડ એડિશન કરવી પડેલી. અને જમશેદજી સેઠ છે ‘બાતે કમ, કામ જ્યાદા’માં માનવા વાલા. એટલે એવન પોતા માટે જાસ્તી બોલસે નહિ. 

(બીજી બાજુ નજર જતાં) અરે, પધારો, પધારો એદલજી સેઠ. તમે આવિયા તે ઘન્નું સોજ્જું કીધું. સરસાહેબ સબબ તમે જ વાત સુરુ કરો.

જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર

દિનશાજી : એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ. 

બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકળી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ. 

પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! લંડનની બ્રાંચ વેચીને પાછા મુંબઈ. પેલા અવિનાશ વ્યાસના એકુ ગીતમાં કીધેલું છે ને કે, ‘ઘરીમાં ઉપર, ઘરીમાં નીચે’, એવું જ થિયું. પણ આય હિંદુ લોક બોલે છ ને કે ‘જેને રામ રાખે તેને કોણ ચાખે?’ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઇએ પાછા માલામાલ કીધા. 

રઘલો : મુને તો આ લરાઈ-ફરાઈનું મોંનું જ ની ગમે. 

ભીખા શેઠ : લોકને ભલે નિ ગમતી, પન રાજાઓ અને સરકારોને તો ગમે જ છે ને! પન દીનશાજી સેઠ! એ બીજી લરાઈ તે કઈ?

દીનશાહજી : ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલશે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.

જમશેદજી તાતા : અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો મુને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે હું ગિયો માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત હું સમજિયો.

ભીખા શેઠ : કઈ?

જમશેદજી : કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને મેં નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી. 

એમ્પ્રેસ મિલ, નાગપુર 

દિનશાજી : જમશેદજી સેઠમાં હુતી ગજબની હિંમત. અને કોઈ વાત મનમાં લે પછી મંડી પડે તેની પાછલ. સાહસ નિ કરો તો પેલાં લક્ષ્મીજી તમારી સામે હસવાનાં નિ. દસ-બાર વરસ તનતોડ મહેનત કીધી. એક વાત પહેલેથી એવન સમજીયા હુતા. મિલ નથી ચલાવતા મેનેજરો કે નથી ચલાવતા માલિકો. એ ચલાવે છે મજદૂરો. એટલે તેમની ભલાઈ માટે પુષ્કળ પૈસા ખરચિયા. મજૂરો બી સમજિયા કે મિલ કમાસે તો આપરે બી કમાસુ. એટલે કામ પાછળ મંડી પરિયા. 

સ્વદેશી મિલ, મુંબઈ 

જમશેદજી : અને પછી મેં કીધી મારી લાઈફની એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે મુને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયો કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે. 

દિનશાજી : જમશેદજી સેથમાં હિંમત ગજબની. અમારા જમાનાના કવિ નરબદાશંકરે લખિયું હુતું ને કે :

ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.

વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું.

દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’

રઘલો : આય તમે બોલિયા એ કવિતા તો સુરતના કવિ નર્મદે લખેલી છે. તમુને એ ક્યાંથી માલમ?

દિનશાજી : જો દીકરા! આય કવિ નર્મદ જનમિયા હુરટમાં એ વાત સાચી. પન એવનને જાનિયા, માનિયા, અને મોટ્ટા બનાવિયા તે તો મુંબઈએ. અને હા. સમાજ સુધારાનું કામ, છોડીઓના ભણતરનું કામ, બાળલગનની સામ્ભે થવાનું કામ, વિધવાનાં લગનને ટેકો આપવાનું કામ – આવી બધી બાબતોમાં અમારા જમાનામાં હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ, બધા એક થઈને કામ કરતા. તુને માલમ છે? આય કવિ નર્મદના એક ખાસ દોસ્ત હુતા પારસી નાનાભાઈ રૂસ્તમજી રાણીના. ધોબી તલાવ પર એવનનું પોતીકું પ્રેસ હુતું, યુનિયન પ્રેસ. નર્મદની ઘન્ની કિતાબ આય નાનાભાઈએ છાપી આપેલી, નફા-નુકસાન વગર. અને અમારા જમાનાના જાણીતા વકીલ, વિદ્વાન, રાજકારણી, મરાઠી બોલનારા ગણેશ શ્રીકૃષ્ણ ખાપર્ડે નર્મદાશંકરને પોતાના ગુરુ માનતા. અને તુને માલમ છે? આય મુંબઈમાં પ્રાર્થના સમાજનું મકાન બાંધવાનું હુતું તે વારે પારસીઓ અને મુસલમાનોએ બી તેના ફંડમાં પૈસા ભરિયા હુતા. હિંદુ વિધવા બાઇઓનાં બીજી વાર લગન થઈ સકે એ માટે સરકારે ખાસ કાયદો ઘડવો જોઈએ એવી માગની સૌ પહેલી પારસી બહેરામજી મલબારીએ કીધી હુતી, અને તેને વાસ્તે પોતાને પૈસે બ્રિટન પણ જઈ આવેલા. પન આપરે જરા આડી વાતે ચડી ગિયા. એક વાત આ જમશેદજી શેઠ પોતાની જબાને કભી બી નિ બોલે તે કેહું ચ. આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું! 

જમશેદજી : અરે દિનશાજી! છોરોને એ બધી લપ! જે વારે મનમાં જે આયું તે કીધું. પહેલી મિલનું નામ રાખ્યું ‘એમ્પ્રેસ’ તો બીજીનું રાખ્યું ‘સ્વદેશી’. બસ. રાત દહાડો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. પછી તો મુંબઈમાં એક પછી એક કોટન મિલ શરુ થતી ગઈ. બોમ્બે બની ગયું હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર.

દિનશાજી : એક જમાનામાં મુંબઈમાં ૮૦ જેટલી ટેક્સટાઇલ મિલ્સ હુતી. પણ પછી આયો ૧૯૮૨ના જાનેવારીનો ૧૮મો દિવસ. એકુએક મિલમાં હડતાલ પડી. અઢી લાખ મિલ મજદૂરો સ્ત્રાઇકમાં જોડાયા. હરતાલ પૂરી થવાનું નામ નહિ લેતી. એટલે પછી ઘણીખરી મિલોએ પોતાનાં બારણાં હંમેશ માટે બંધ કરી દીધાં. ધીમે ધીમે મિલોની જગા વેચાતી ગઈ. મિલોની જગ્યાએ મોટા મોટા કોમ્પ્લેક્સ ઊભા થિયા, ઓફિસો ઊભી થઈ, હોટેલો ઊભી થઈ. આજે બી આય મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં.

ભીખાજી શેઠ : માફ કરજો સાહેબો. પન આપરો ટાઈમ પૂરો થવા આવિયો છે. લોકોની આવન-જાવન સુરુ થઈ જાય તેની આગમ ચ આપરે પોતપોતાની જગાએ પૂગી જઈએ. જમશેદજી શેઠનાં આ બે મોટ્ટાં કામની વાત કરીશું આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ “ ગુજરાતી મિડ-ડે”; 29 જુલાઈ 2023 

Loading

...102030...913914915916...920930940...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved