Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિનંદન અને આવકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Literature, Opinion - Opinion|12 January 2024

જતી વેળાએ

પ્રકાશ ન. શાહ

નવનિર્વાચિત પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું તેમ જ નવ્ય કાર્યચમૂ સહિત સૌ સાથીઓનું હૃદયપૂર્વક અભિવાદન – અને એમને આવકાર પણ, અક્ષરશઃ બથ ભરીને.

વિદાય લેતા પરિષદપ્રમુખ તરીકે સૌ સાથીઓ પરત્વે આભારલાગણી પ્રગટ કરવા સાથે ઉમેરું કે એકંદર કાર્યકાળમાં એક તબક્કો ખસૂસ વિષમ હતો … કોરોનાવશ અગતિકતા, અને થોડોક સમય તો જાણે કે રેતીમાં વહાણ ચલાવવાની નિયતિ! પણ જેમ મેઘાણી પ્રાંગણ અને એકંદર પરિસર તેમ પ્રવૃત્તિએ પણ આપણે મહોરું મહોરું છીએ એટલું આ ક્ષણે નિઃશંક કહી શકું.

અલબત્ત એ એક સુભગ જોગાનુજોગ છે કે સમીર ભટ્ટ ત્યારે પણ મહામંત્રી હતા અને અત્યારે પણ મહામંત્રી છે. આ જોગસંજોગમાં જેમ સાતત્યની સુવિધા છે તેમ પ્રથમ કાર્યકાળમાં એમને અને અમને સૌ સાથીઓને જે મર્યાદાઓ સમજાઈ હશે એની દુરસ્તીની દૃષ્ટિએ એ સહજ સજ્જ પણ છે. આ વાત ખરું જોતાં વ્યક્તિગત જ નહીં વ્યાપક સંદર્ભમાંયે સાચી છે. અને એ ઠીક જ છે; કેમ કે ઇતિહાસમાં સાતત્યનો મહિમા અંતે તો શોધનગુંજાશ થકી સ્તો છે.

ગુજરાતીભાષી સૌની આ પ્રજાકીય સંસ્થા, આપણી પરિષદ, એનાં બાલઉત્તરીયને રણજિતરામ સરખા વત્સલવિદગ્ધ ધોવૈયા ને વળી સાજસજૈયા મળ્યા. ૧૯૦૫ના સ્થાપના અધિવેશનને પ્રમુખ તરીકે મળતાં મળે એવા ગોવર્ધનરામ મળ્યા. બડો સર્જનાત્મક કાળ હતો એ … સ્વદેશઆંગણે બંગભંગવશ નવસંચાર હતો, પણે દક્ષિણ આફ્રિકે સત્યાગ્રહ નામે નવ્ય શસ્ત્રાંકુર હજુ ફૂટું ફૂટું હશે, અને આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરીના આરંભિક ભણકારા વાગતા હતા. સરસ સમજાવી હતી ગોમાત્રિએ આ ઇતિહાસપ્રક્રિયાને, એક કવિમનીષી પેઠે, Rhythmic Law લેખે, તાલબંધ રૂપે. એમના આ દર્શનમાં તાલભંગનીયે સકારાત્મક શક્યતાઓનો સમાસ હતો.

તમે જુઓ, પોતાને પેટવડિયે કામ કરતા શિક્ષક અને ખેડૂત ને વણકર તરીકે ઓળખાવતા ગાંધીજીના વિ-વર્ણ અને વિ-વર્ગ અભિગમનું કાવ્ય હજુ પાધરું પમાયું નહોતું ત્યારે એ ચૂંટણી લડ્યા ને હાર્યા હતા. બરાબર એકસો ચાર વરસ પરના, ૧૯૨૦ના, એ છઠ્ઠા અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગતું હોય છે કે ગાંધીજીને હરાવીને હરગોવિંદદાસ કાંટાવાળા ચૂંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ સંભારી આપે કે કાંટાવાળાએ પ્રમુખીય અભિભાષણમાં ગાંધીજીને કેવા તો પ્રાંજલભાવે અને આદરભેર સંભાર્યા હતા? એમણે કહ્યું હતું : “જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગૂર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.” દેખીતા તાલભંગ થકી અને છતાં સધાયેલ આ તાલબંધ લક્ષમાં આવે છે?

૧૯૫૫માં નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી એક વિશેષ અધિવેશનરૂપે મુનશીના નેતૃત્વમાં રંગેચંગે ઊજવાઈ ત્યારે ઉમાશંકર જોશી ને જયન્તિ દલાલ આદિએ લીધેલ ઉપાડો દેખીતો તાલભંગ હશે, પણ પરિષદના નવા લોકશાહીરૂપ સાથે એ તાલબંધ રૂપે જ અંતે તો આપણી સામે આવ્યો ને. ૧૯૭૫માં દેશે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય ખોયું તે બેશક તાલભંગ હતો, પણ પરિષદે સરકારી ધોંસ ને ભીંસની ચિંતા છાંડી એની પુનઃપ્રતિષ્ઠા વાસ્તે જે ઠરાવ કર્યો તે તાલભંગથી તાલબંધ ભણી જવાની ઇતિહાસપ્રક્રિયા નહોતી તો શું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો આપણો જે સતત આગ્રહ રહ્યો છે તે પણ સહજ સ્વસ્થ તાલબંધ માટેની આરતમાંથી આવેલો છે તે ભાગ્યે જ ઉમેરવાપણું હોય.

એક પ્રજાકીય સંસ્થા તરીકે અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ ઊભી આ ઇતિહાસરમણામાં યોગદાન સારુ સહજ સહયોગની ભૂમિકાએ નવ્ય કાર્યચમૂને આવકાર!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જાન્યુઆરી 2024

Loading

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણને નકારીને વિપક્ષોએ કુહાડા પર પગ માર્યો છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2024

રવીન્દ્ર પારેખ

એક તબક્કે રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ વિપક્ષોને ન આપવાની જાહેરાત કરી હતી, પણ પછી કૈં હૃદયપરિવર્તન થતાં જુદા જુદા વિપક્ષોને આમંત્રણ આપવાની શરૂઆત થઈ, તો વિપક્ષો ઑર ઊંચે ચડ્યા છે અને આમંત્રણને નકારીને પોતાનું અસ્તિત્વ જાહેર કરવા મથી રહ્યા છે. જેમ આમંત્રણ ન આપવામાં અનુદારતા હતી, એમ જ આમંત્રણ નકારવામાં પણ અવિવેક છે. એ જુદી વાત છે કે કોઇ આમંત્રણ સ્વીકારવું કે નકારવું વ્યક્તિગત બાબત છે, પણ કોઈ પક્ષ તે નકારે તો તે જે તે પક્ષના અવાજનો સામૂહિક પડઘો પાડે છે, એટલે નકાર, પછી વ્યક્તિગત ન રહેતા જે તે પક્ષનો સામૂહિક ઉદ્દગાર બને છે. ‘ઇન્ડિયા’ ગઠબંધનના મોટાભાગના સાથી પક્ષો જેવા કે તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., જે.ડી.યુ., સી.પી.એમ. વગેરેએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે ને તે ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવાનો નિર્ણય કાઁગ્રેસે પણ લીધો છે. કાઁગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું છે કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય નેતાઓ સમારંભમાં હાજર નહીં રહે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આમંત્રણ મળે તો પોતે જશે એવું કહ્યું હતું, પણ આમંત્રણ મળ્યું, તો આમંત્રણ આપનારને પોતે ઓળખતા નથી – એમ કહીને હાજર નહીં રહે એવી શેખી મારી છે. કાઁગ્રેસી નેતાઓ ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ પણ અગાઉ સમારંભમાં હાજર રહેવાનો સંકેત આપેલો ને હવે આમંત્રણ મળ્યું છે તો નિમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો છે.

22 જાન્યુઆરીનાં આમંત્રણનો અસ્વીકાર કરતાં કાઁગ્રેસે એવો ખુલાસો કર્યો છે કે ભા.જ.પે. અને આર.એસ.એસ.એ અયોધ્યાના રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે ને મંદિર અધૂરું છે, છતાં તેનું ઉદ્ઘાટન ચૂંટણીલક્ષી લાભ ખાટવા કરાઈ રહ્યું છે. શંકરચાર્યનો હવાલો આપતા એમ પણ કહેવાયું છે કે મંદિર અધૂરું હોય તો પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે. ભા.જ.પ.ને રાજકીય લાભ લેવામાં જ રસ હોય તો મંદિર આખું હોય કે અધૂરું, બહુ ફેર ન પડે. એક શંકરાચાર્યે તો એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરશે તે શું સંતોએ જોઈ રહેવાની છે? મતલબ કે સંતોની કોઈ ભૂમિકા ખરી કે કેમ? કાઁગ્રેસ દ્વારા ખુલાસો એવો પણ થયો છે કે કાઁગ્રેસ 2019ના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અને લોકોની આસ્થાને માન આપે છે, પણ ભા.જ.પ.ના રાજકીય પ્રોજેક્ટમાં ભાગીદાર થવા કાઁગ્રેસ તૈયાર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનાં નથી. ટૂંકમાં, વિપક્ષો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે એ નક્કી છે.

વિપક્ષો તેમની રીતે સાચા હશે, પણ તેમના નકારની અસરો અંગે તેમણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અન્ય વિપક્ષોનું તો ગજું જ નથી, પણ સૌથી મોટા વિપક્ષ તરીકે કાઁગ્રેસે 2024ની ચૂંટણી સંદર્ભે લીધેલો આમંત્રણના અસ્વીકારનો નિર્ણય પોતાનું જ અહિત કરે એમ બને. એ રીતે તો તમામ વિપક્ષો નુકસાનમાં જ છે. એ સાચું કે ભા.જ.પ. અને આર.એસ.એસ.એ 2024ની ચૂંટણીનો રાજકીય લાભ ખાટવા જ અધૂરા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઉપક્રમ યોજ્યો છે ને આ ઉપક્રમ ચૂંટણીમાં હુકમનું પાનું સાબિત ન થાય તો જ આઘાત લાગે, બાકી, તો એ લાભમાં રહેશે એમાં શંકા નથી. માની લઇએ કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આખો ઉપક્રમ યોજાયો છે, તો સવાલ એ થાય કે તે કેમ ન યોજવો? રામને નામે મત ઉઘરાવવાનો ઉપક્રમ હોય તો આ કામ તો કાઁગ્રેસ પણ કરી શકી હોત, પણ તે દાયકાઓ સુધી ન થયું ને પછી કાઁગ્રેસ કહે કે તેને રામમાં પૂરી શ્રદ્ધા છે તો તે ગળે કેવી રીતે ઊતરે?

અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વંસ, સુપ્રીમનો નિર્ણય ને હવે પ્રાણપ્રતિષ્ઠા જેવા ઉપક્રમમાં વિપક્ષોએ ક્યારે ય સક્રિયતા દાખવી છે? જે સંઘર્ષો થયા એમાં કાઁગ્રેસે કે અન્ય પક્ષોએ સાથ-સહકાર આપ્યો છે? ત્યારે તો ભા.જ.પ. પાસે સત્તા પણ ન હતી, એ સ્થિતિમાં કરોડો હિન્દુઓની અવગણના એ જ એક માત્ર લક્ષ્ય હતું. એવા સંઘર્ષ કાળમાંથી ભા.જ.પ. સત્તા પર અને ત્યાંથી રામમંદિર નિર્માણ સુધી આવ્યો છે, તો એ રાજકીય લાભ શું કામ ન ખાટે? ભા.જ.પ. વૉટની રાજનીતિ કરે છે, તો કાઁગ્રેસ નથી કરતી, એમ? ત્યારે કાઁગ્રેસે મુસ્લિમ વૉટની રાજનીતિ ખેલી, તો હવે ભા.જ.પ. હિન્દુ મતોની રાજનીતિ ખેલે તેમાં નવાઈ શું છે? આખા ય ઉપક્રમમાં પૂરેપૂરું રાજકારણ હોય તો પણ તે કાઁગ્રેસનાં અગાઉ ખેલાયેલ રાજકારણનો જ પડઘો છે, એવું નહીં? ખરેખર તો ભા.જ.પ. રાજકારણ ખેલે છે એમ કહીને વિપક્ષોએ સહાનુભૂતિ ઉઘરાવવાનું બંધ કરીને આવનારી ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા શું કરવું જોઈએ એની યોજના વિચારવી જોઈએ. એક બાબત નક્કી છે કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં આમંત્રણનો નકાર કોઈ પણ પક્ષને નહીં ફળે. કાઁગ્રેસે આમંત્રણ નકારીને ગુજરાતના કાઁગ્રેસી નેતાઓમાં પણ વિરોધનો સૂર ઉપસાવ્યો છે.

વરિષ્ઠ પ્રાદેશિક નેતા અર્જુન મોઢવડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કાઁગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ. રામ આરાધ્ય છે ને એ આસ્થા અને વિશ્વાસની બાબત છે. જયરામ રમેશનાં નિવેદન સંદર્ભે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન કાઁગ્રેસના અસંખ્ય નેતાઓને નિરાશ કરનારું છે, તો ગુજરાત  કાઁગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવા મતોને સત્યથી વેગળા ગણાવી એટલો ઉમેરો કરે છે કે કાઁગ્રેસ રામની આસ્થા સાથે તો છે જ, પણ તેનો વાંધો ભા.જ.પ. રાજકીય લાભ ખાટવા આ ઉપક્રમ યોજે છે તેની સામે છે ને કાઁગ્રેસ એનો હિસ્સો ન થઈ શકે. આ સાચું હોય તો પણ તમામ વિપક્ષો પોતાના વાંધાઓ ઊભા રાખીને પ્રાણપ્રતિષ્ઠામાં જોડાય એવું દરેક હિન્દુ ઈચ્છે, પણ ખાસ કરીને કાઁગ્રેસ એ જ જૂની રીતરસમ જાળવવા મથે છે. તે મુસ્લિમ મતો જાળવી રાખવા પણ આમાં ન જોડાય તે સમજી શકાય એમ છે. એમ કરીને તે કરોડો હિંદુઓનાં મત ગુમાવવા તૈયાર છે, પણ આ વલણ કાઁગ્રેસની તરફેણમાં નહીં જાય તે પણ એટલું જ સાચું છે. કાઁગ્રેસે એ પણ જોવું જોઈએ કે કેટલાંક મુસ્લિમ અગ્રણીઓ ભા.જ.પ.ની સાથે છે. છેલ્લે છેલ્લે તો જાણીતા ફિલ્મી લેખક, ગીતકાર જાવેદ અખ્તરે તો ત્યાં સુધી કહ્યું છે કે રામ મંદિરનાં નિર્માણ સામે કોઈને પણ વાંધો ન હોવો જોઈએ ને આ વિશ્વનો સૌથી મોટો તહેવાર છે. એ ઉપરાંત ભા.જ.પ.માં પણ કેટલાંક મુસ્લિમ નેતાઓ-સાંસદો છે કે કેટલાંક તો મંત્રીઓ પણ રહી ચૂક્યા છે. આ સ્થિતિ હોય ત્યાં આમંત્રણનો અસ્વીકાર ગેરસમજમાં જ વધારો કરશે કે બીજું કૈં? મોટા ભાગની પ્રજા તો એમ જ માનશે કે કાઁગ્રેસે આમંત્રણ નકાર્યું છે તે ભા.જ.પ.ના વિરોધમાં નહીં, પણ રામના વિરોધમાં છે, એટલે જે કાઁગ્રેસને માને છે ને હિન્દુ છે ને રામના ભક્ત છે, તે અસ્વીકારના આ વલણથી રાજી નહીં થાય.

વિપક્ષોના આ નકારથી 2024ની ચૂંટણીનો લાભ તેમને તો નહીં થાય, પણ એનો ફાયદો ભા.જ.પ.ને જરૂર  થશે ! એ કમનસીબી છે કે 28 વિપક્ષો ભા.જ.પ.ની સામે ભેગા થયા છે, પણ એક થયા નથી. દરેક વિપક્ષ પોતાનું વિચારે છે, પણ અન્યનું કોઈ વિચારતું નથી. વિપક્ષો પાસે કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ નથી, બધા વિપક્ષો વતી દેશ સામે ધરી શકાય એવો એક સ્પષ્ટ ચહેરો નથી. અત્યારે તો આવનારી ચૂંટણી સંદર્ભે વિપક્ષો વચ્ચે સીટોની ખેંચાખેંચી ચાલે છે. મમતા બેનર્જી બે જ સીટ આપવા તૈયાર છે, એવું જ અન્ય પક્ષોનું પણ છે. આવામાં રામને નામે વિપક્ષો અયોધ્યામાં એક થયા હોત ને થોડો સમય સાથે રહ્યા હોત તો કોઈનું કૈં બગડવાનું ન હતું, પણ આમંત્રણ નકારીને વિપક્ષોએ પોતાનું ઘણું બગાડ્યું છે. ગમ્મત તો એ છે કે વિપક્ષોના આવા નકારનો અવાજ પણ એક નથી, એ દરેકનો આગવો નકાર છે, એ પરથી પણ તેમની વચ્ચેની એકતાનો અંદાજ લગાવી શકાય એમ છે. આમ તો ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઁગ્રેસની યાત્રા છે, પણ એ ઘણું ખરું તો રાહુલ ગાંધીની જ હોય એવું વધારે લાગે છે. એ મણિપુરથી 14મીએ શરૂ થવાની હતી, પણ તેને મંજૂરી મળી નથી. અહીં સવાલ એ થાય કે વિપક્ષો જો ખરેખર સાથે થયા હોય તો એ રાહુલ કે કાઁગ્રેસની જ યાત્રા હોય એવું કેમ લાગે છે? કેમ અન્ય વિપક્ષોને ભારતને જોડવાની કે ન્યાયની જરૂર નથી લાગતી? દૂરંદેશીપણાનો અભાવ અને અમર્યાદ સત્તાલાલસા, આત્મરતિ જેવાં લક્ષણો નહીં ઘટે તો વિપક્ષોથી ભા.જ.પ.ને ડરવાનું કોઈ કારણ નથી. વડા પ્રધાન તો બધું મળીને કોઈ એક જ થાય, પણ વિપક્ષો પર નજર નાખીએ તો લગભગ બધા વિપક્ષોને પોતપોતાના વડા પ્રધાન તો છે જ !

આવામાં જે પક્ષ પાસે દેખાડવા લાયક સતત એક જ ચહેરો છે, તે ખોટમાં નહીં જાય એવું ખરું કે કેમ?

વિપક્ષોએ વધારે નહીં તો મજબૂત વિપક્ષ તરીકે સંસદમાં બેસવા જેટલી ક્ષમતા દાખવવા કૈંક તો કરવું જ જોઈએ. એમ નહીં થાય તો 2024ની ચૂંટણી તો થશે, પણ તે પછી ચૂંટણી આવવા વિષે ભારોભાર શંકા જ રહેશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જાન્યુઆરી 2024

Loading

પણ પેલા કલિંગબોધનું શું : એ તો ગોત્યો જડતો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 January 2024

હાશ, છાતી પરથી ડુંગર સમાણો પાણો ઉપડી ગયો !

મહારાષ્ટ્રનો અધિકાર ગુજરાતે વાપર્યો એ ગેરકાયદે ગણાય તે મુદ્દો તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે. મુદ્દાની વાત, ગુનેગારો સાથે સરકારી મેળાપીપણાની અને સંડોવણીની છે.

પ્રકાશ ન. શાહ

બિલ્કિસનો પત્ર વાંચ્યો તમે ? એ લખે છેઃ ‘આજે મારા માટે ખરેખર નવું વરસ છે.’ રાહતના આંસુએ  રડતી બિલ્કિસે છેલ્લા દોઢ વરસમાં પહેલીવાર બાળુડાંને ગળે લગાડ્યાં છે. એને લાગે છે કે છાતી  પરથી જાણે ડુંગરકદ પાણો ઉપાડી લેવામાં આવ્યો છે, ‘અને ફરીથી હું નિરાંતે શ્વાસ લઈ શકું છું.’  બિલ્કિસ પ્રકરણ ગેંગરેપ અને હત્યાની એવી દાસ્તાં છે જેમાં સીધા સંડોવાયેલાઓએ જ માત્ર નહીં પણ, કમનસીબે, ગુજરાતના વ્યાપક જનસમુદાયે સુ્દ્ધાં અરેરાટીનો આછો અણસાર અનુભવ્યાનું તમારી ને મારી જાણમાં નથી. આ લખું છું ત્યારે મને નિવૃત્ત પોલીસ વડા ગિલ સાથેની વાતચીતનું સ્મરણ થાય છે.

ગુજરાતમાં શાંતિ સ્થાપન માટે વિશેષ અધિકાર સહિત એમને 2002માં મોકલવામાં આવ્યા હતા. આવ્યા ત્યારે એમની કને જૂની અનુભવમૂડી હતી કે આવી અશાંતિના એક દોર પછી આઠદસ  દિવસમાં લોકઉદ્રેક શમી જાય છે. આગલા અનુભવોએ આશ્વસ્ત અને સજ્જ ગિલે અહીં કામ તો ઠીક પાર પાડ્યું પણ એમને કશોક ખટકો રહી ગયો હતો એનો ખયાલ એમની વિદાયક્ષણોમાં આવ્યો.

અમારી વચ્ચે એકબે બેઠકનું અંતર હશે એટલે મેં ચિઠ્ઠીમાં પૂછ્યુંઃ ‘તમને આટલા ગાળા પછી  લોકમાનસ કેવું લાગે છે?’ એમણે હાથમાં લીધી, વાંચી મને સીધો ઉત્તર આપવાની કદાચ સુવિધા  નહોતી. પણ એનો ખંગ એ વિદાયવચનો વાસ્તે ઊભા થયા ત્યારે એમણે વાળ્યોઃ ‘સામાન્યપણે  હિંસક ઘટનાક્રમ પછી જે ઉશ્કેરાટ ને હિંસક ધિક્કારલાગણી ઓસરી જતાં હોય છે – થોડા દિવસોમાં – તે અઠવાડિયાના અઠવાડિયા પછી પણ જેમના તેમ છે. શાંતિસ્થાપનની મારી કામગીરી પતી છે છતાં નથી પતી. કારણ, અહીં હું એ કલિંગબોધ નથી જોતો જે મેં અન્યત્ર જોયેલ છે.’

કલિંગબોધનો અમાનવીય અભાવ કઈ હદે સંસ્થીકૃત થઈ ગયો છે એનો નાદર નમૂનો અગિયાર ગુનેગારોને પંદરમી ઓગસ્ટના શુભ દિને (અલબત્ત, સારું ચોઘડિયું જોઈને સ્તો)  સજામાફી જાહેર કરી છોડી મેલ્યા એ બીનામાં છે. વસ્તુતઃ, કેમ કે ગુજરાતના વ્યવસ્થાકીય રંગઢંગ જોઈ કેસ સરખો નહીં ચાલે એ ગણતરીએ તે મહારાષ્ટ્ર મોકલાયો હતો. ત્યાં સજા જાહેર થઈ હતી. સજામાફી મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત આવતો મુદ્દો હતો. છતાં ગુજરાત સરકારે બિલકુલ જાણતે છતે સર્વોચ્ચ અદાલતની આ અગાઉની બેન્ચને પણ ખરી માહિતીથી વંચિત રાખી.

સર્વોચ્ચ અદાલતની હાલની બેન્ચના શબ્દોમાં ગુનેગારો સાથે તંત્રનું મેળાપીપણું હતું. કાયદાની  જોગવાઈ પ્રમાણે મહારાષ્ટ્રમાં જ ચાલવી જોઈતી અદાલતી કામગીરી ગુજરાતમાં ચલાવાય નહીં એવી દેખીતી ટેકનિકલ ભૂમિકાએ હમણાં તો સજામાફી રદ્દ થઈ છે. પણ બધી કાનૂની વિગતો અને સુપ્રીમકોર્ટની ટિપ્પણીઓ જોઈએ તો સમજાય છે કે નકરી ટેકનિકલ રીતે દેખાય છે એ તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે.

અપીલ માટે એક સાથે જે ત્રણ મહિલાઓ આગળ આવી એમના આપણે વતનની આબરૂ ખાતર ઓશિંગણ રહીશું. ‘સાઝી દુનિયા’ના રૂપરેખા વર્મા એંસીએ પણ કડેધડે છે. પૂર્વસાંસદ સુહાસિની અલી જોડાયાં – આઝાદ હિંદ ફોજ ખ્યાત કેપ્ટન લક્ષ્મીના દીકરી હોવાપણું કોઈ જેવી તેવી વાત તો નથી સ્તો. અને હાલ, વન્સ અપોન અ ટાઇમ એન.ડી.ટી.વી.ના રેવતી લાલ પણ હતાં – કેમ કે  2002માં એમની કામગીરી સર એ ચશ્મદીદ પૈકી હતાં. ઉપરાંત પોતાને છેડેથી મહુઆ મોઇત્રા અને નિવૃત્ત પોલીસ અધિકારી મીરા ચઢ્ઢા પણ જોડાયાં. સલામ એમને.

કેટલી સાદી વાત છે, રુલ ઓફ લૉ કહેતાં કાયદાનું શાસન ! અને આઇડિયોલોજીના અફીણિયાં ને સૈંયા ભયે કોતવાલિયા શું શું કરી શકે તે આપણે જોઈ રહ્યાં છીએ. ક્યાં સુધી જોતાં રહીશું, કોને ખબર. ખરું જોતાં કાયદાના શાસનને પાયાના ખયાલ તરીકે સ્વીકારીએ તો તરત સમજાઈ રહેશે કે જે  પણ અકરણીય છે એને કથિત ધરમમજહબ કે કથિત વિચારધારાકીય ધોરણે વાજબી ઠરાવી શકાય નહીં. સવાલ નાગરિક સમાજના શીલ અને  સમજનો છે, અને તો જ આપણે નિરાંતે શ્વાસ લઈ શકીએ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

...102030...910911912913...920930940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved