Opinion Magazine
Number of visits: 9552647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલતાની કમાણી

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|17 September 2025

પંજાબના ખૂણામાં આવેલું, આજે પણ પછાત રહી ગયેલું એવું ચાંદપુર ગામ. જુવાનિયાઓ ચરસ-ગાંજો પીવામાં દિવસો વિતાવે એવા ગામનો બલવીર બેરિસ્ટર બની ગયો એ સૌ કોઈ માટે નવાઈની વાત હતી. મા-બાપુ તો ખેતી અને ઢોર-ઢાંખરમાંથી ઊંચાં જ ન આવતાં. છોકરો નિશાળે જાય છે કે નહીં એવી ચિંતા કરવાનો એમની પાસે વખત જ ક્યાં હતો!

નાનો સુખબીર ખેતરમાં મદદ કરતો એટલે એ એમને સ્વાભાવિક રીતે જ ડાહ્યો દીકરો લાગતો. બલવીર ઊંધું ઘાલીને ચોપડીઓ વાંચ્યા કરતો એ બેઉને જરા ય પસંદ નહોતું. પણ એ જ બલવીર બેરિસ્ટર બનીને, કોટ પહેરીને શહેરની કોર્ટમાં જતો અને ચપરાસીથી માંડીને વકીલો એને સલામ ભરતા એ સાંભળીને ગર્વથી એમની છાતી ફૂલતી.

મા મહોલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને કહેતી, “મારે બલવીરાને બોત બડી હવેલી બનાઈ હૈ, પતો હૈ? ચાર પહિયોં વાલી ગડ્ડીમેં ઘુમતા હૈ.”

આગળ ભણવા માટે બલવીરને રૂપિયાની ખૂબ જરૂર હતી ત્યારે અભ્યાસનું મહત્ત્વ ન જાણતા હોવા છતાં બંને મામાઓએ એને મદદ કરેલી. આજે સુખ-સાહ્યબી વચ્ચે પણ બલવીર એ ભૂલ્યો નહોતો. આમ પણ એનો સ્વભાવ બધાને મદદરૂપ થવાનો. સાજે-માંદે કોઈપણ ગામડેથી આવ્યું હોય તો બલવીરની હવેલીના દરવાજા હંમેશાં ખુલ્લા જ રહેતા. એની પત્ની જસપ્રીત પણ અત્યંત મિલનસાર સ્વભાવની.

મામાનો ફોન આવ્યો કે, પંદરેક દિવસથી કુલદીપનો તાવ ઊતરતો નથી. આ સાંભળીને બલવીરે તરત જ મામા, મામી અને કુલદીપને અહીં લાવવાની તથા ડૉક્ટરને બતાવવાની અને રહેવાની – બધી જ વ્યવસ્થા તાબડતોબ કરી દીધી. બધું કરવા છતાં એ અંદરથી અનુભવતો હતો કે, એ લોકો છૂટથી એની સાથે વાત-ચીત નહોતાં કરતાં. જેમનો ખોળો ખૂંદીને એ મોટો થયો હતો એ મામા હવે એની સાથે ‘જી, હાંજી’ કરીને વાત કરતા.

સવારે કોર્ટમાં જતાં પહેલાં એ કુલદીપના ઓરડામાં જતો ત્યારે ન ઇચ્છવા છતાં એનાથી કંઈ ને કંઈ સલાહ અપાઈ જતી.

“મામી, કુલદીપની આટલાં નજીક બેસશો તો તમે પણ માંદાં પડી જશો. સામે ખુરશી છે એની પર જ બેસવાનું.” “મામા, અડધા કલાક પહેલાં કાપેલું સફરજન તમે કુલદીપને ખવડાવો છો એ બરાબર નથી. એની પર માખી બેઠી હોય. હંમેશાં સમારીને તરત જ ખવડાવવાનું.”

મામીને કહેવાનું મન થાય કે, માંદો દીકરો બાજુમાં બેસવાનું કહે તો કઈ મા પોતે માંદી પડશે એવી ચિંતા કરે? મામાના મનમાં આવે કે, ભાણેજને કહે કે, દીકરા, અમે તો ગામડામાં આમ જ ખાવા-પીવા ટેવાયેલાં છીએ, પણ એ નીચી મૂંડી કરીને સાંભળી લેતા. બધા સાથે પ્રેમ અને લાગણીથી વર્તવા છતાં સૌને એની હાજરીનો, એના બેરિસ્ટર હોવાનો ભાર લાગતો અને કોઈ એની નજીક ન આવી શકતું એ બલવીર સમજતો અને પોતાની જાતને વધુ ને વધુ એકલવાયી અનુભવતો.

તે દિવસે એણે કોર્ટમાંથી આવીને ઘરમાં પગ મૂક્યો ત્યારે ખુલ્લા દરવાજામાંથી એ ક્યારે પ્રવેશ્યો એ કોઈને ખબર નહોતી. વરંડામાં બેસીને જસપ્રીત અચાનક ગામથી આવેલાં પોતાનાં નણંદ અને દિયરને કહી રહી હતી, “આજે તો મેં આપણને બધાંને ભાવતું બેંગનનું ભરતું બનાવ્યું છે. તમારા ભાઈને તો બેંગનની વાસથી જ સૂગ ચઢે એટલે ખાવાનું મન થાય તો ય મારાથી બનાવાય જ નહીં. આપણે બધાં રસોડામાં જમીશું ને એમની થાળી પીરસીને હું રૂમમાં મોકલી દઈશ.”

“પણ ભાભી, જમતી વખતે હસી-મજાક કરતાં જમીએ તો કેવી મજા આવે? મોટાભાઈને આમ એકલા જમવાનું થોડું ગમે?”

“અરે, દીદી, હસવાની ક્યાં વાત કરો છો? હવે અમારાં બે વચ્ચે તો ખપ પૂરતી જ વાત થાય.”

બલવીર ચૂપચાપ રૂમમાં કોટ ઉતારવા ચાલ્યો ગયો. એને જોઈને સૌના હસતા ચહેરા પર અચાનક ગંભીરતા ઊતરી આવી. બેને ઊભાં થઈને એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ પછી દૂરથી જ કહ્યું, “વીરજી, તમને મારા હાથની ફિરની બહુ ભાવે છે ને, તે ખાસ લાવી છું.”

સુખબીરે જાણે વિવેક ખાતર પૂછ્યું, “મોટાભાઈ, તબિયત સારી છે ને? કેમ સુકાઈ ગયા છો?”

“ના,ના, સારું છે. ગામમાં બધાં કેમ છે?”

“બધાં મજામાં.”

બસ, ત્યાં વાતનો અંત આવી ગયો. આગળ શું બોલવું એ સમજ ન પડતાં નણંદ-ભોજાઈ જમવાની તૈયારી કરવા લાગ્યાં. સુખબીર વિચારવા લાગ્યો, હવે મોટાભાઈની દુનિયા બદલાઈ ગઈ છે. એમની દેશ-વિદેશની અને રાજકરણની વાતમાં મારી જેવાને કંઈ ગતાગમ પડે નહીં. એમની સાથે બોલું તો શું બોલું? એ જ વખતે બલવીરના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો હતો, ‘મને કોણે બધાંથી જુદો પાડ્યો? મારા ભણતરે, મારા સ્વભાવે કે મારી શ્રીમંતાઈએ?’

બલવીર અને જસપ્રીત બંને ઘણા સમયથી માને બોલાવતાં હતાં.

આખરે આજે મા આવી હતી. જસપ્રીતે કહ્યું, “મા, તમારો દીકરો તમને કેટલું યાદ કરતો હતો! આજે તો તમે બંને એક રૂમમાં સૂજો ને પેટ ભરીને વાતો કરજો.” બલવીરના ચહેરા પર માને જોઈને ખુશી છવાઈ ગઈ.

“મા, મજામાં છે ને?”

દોડીને દીકરાને ગળે વળગાડવા જતી મા અચકાઈને ઊભી રહી ગઈ. ‘મારા મેલા-ઘેલા હાથથી એનાં કપડાં પર ડાઘ પડી જશે તો?’ એણે દુપટ્ટાથી હાથ લૂછ્યા ને પછી બલવીરને ગળે લગાડવા ગઈ પણ એને દીકરાની ઊંચાઈ વધી ગયેલી લાગી, એણે ભેટવાનો પ્રયત્ન તો કર્યો પણ એના હાથોમાં પહેલાં જેવી ઉષ્મા નહોતી એવું એને પોતાને જ લાગ્યું.

રાત્રે બલવીરે કહ્યું, “મા, માથું બહુ દુ:ખે છે, દાબી આપ ને!”

ખાટલામાં એની બાજુમાં બેઠેલી માને એનું માથું પોતાના ખોળામાં લેવાની તીવ્ર ઇચ્છા થઈ પણ પછી થયું કે, ‘એને નહીં ગમે તો?’

ધીમેથી માથું દબાવતી માને બલવીરે કહ્યું, “મા, પહેલાં કેવું જોરમાં દબાવતી હતી? આજે કેમ તારા હાથમાં જોર નથી?”

એ ન જુએ એમ દુપટ્ટાથી આંખો લૂછતાં માએ કહ્યું, “બધું કંઈ પહેલાં જેવું હંમેશાં થોડું રહે? એ તો બદલાયા કરે.”

બલવીર સમજી ગયો કે, બેરિસ્ટરીએ એને એકલતાની ભેટ આપી છે. એને કારણે બીજા બધાથી તો ઠીક, એ માથી પણ દૂર ચાલ્યો ગયો છે.

(કુલવંત સીંઘ વીર્કની પંજાબી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 મે 2025; પૃ. 24  

Loading

ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

રમેશ સવાણી|Diaspora - Features|17 September 2025

રમેશ સવાણી

ન્યુજર્સી, પારસીપેની વિસ્તારની પ્રાથમિક શાળાઓ ઉનાળુ વેકેશન પછી 2 સપ્ટેમ્બર 2025ના રોજ ખૂલી ગઈ. અહીંની કોઈપણ પ્રાથમિક શાળાઓમાં પ્લેગ્રાઉન્ડ મોટું હોય છે. તેમાં બાળકો રમી શકે તેવી વ્યવસ્થા હોય છે. પ્લેગ્રાઉન્ડની વિશેષતા એ છે કે તે 24 કલાક ખૂલ્લું હોય છે. દિવસે કે રાત્રે પણ જઈ શકાય. પ્લેગ્રાઉન્ડ ફરતે ફેન્સિંગ હોય પણ દરવાજો ન હોય. સાંજના સમયે ગ્રાઉન્ડમાં હરણો ઘાસ ચરતા જોવા મળે. કુદરતી વાતાવરણ એવું હોય કે બાળકોને શાળા ગમે. 

‘EastLake Elementary School’માં બેનર હતું : ‘Welcome Back – ફરી પધારો !’ 2 સપ્ટેમ્બર વેલકમ બેક. 10 સપ્ટેમ્બર Back to school night. 15 સપ્ટેમ્બર Virtual Parent Teacher Association (PTA) meeting. 15-16 સપ્ટેમ્બર Picture Day. 

ગુજરાતની અનેક પ્રાથમિક શાળાઓમાં બાળકો રડતાં રડતાં શાળાએ આવે છે. કેમ કે આપણી સરકારી શાળાઓમાં બાળકોને ખેંચી લાવે તેવું વાતાવરણ હોતું નથી. વેકેશન પછી સ્વાગતના બેનર મેં ક્યારે ય જોયા ન હતા. જો કે કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓ શિક્ષકોની સૂઝબૂઝના કારણે સારી બની છે. ખાનગી પ્રાથમિક શાળાઓ પાસે પણ પ્લેગ્રાઉન્ડની વ્યવસ્થા હોતી નથી. 

બેક-ટુ-સ્કૂલ નાઇટ શું છે? માતાપિતા અને વિદ્યાર્થીઓ માટે આગામી શાળા વર્ષ વિશે જાણવા, શિક્ષકોને મળવા અને વર્ગખંડો તપાસવા માટે આ એક કાર્યક્રમ છે. તે સામાન્ય રીતે શાળા શરૂ થાય તેના એક મહિનાની અંદર સાંજે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ સામાન્ય રીતે ઓડિટોરિયમમાં સામાન્ય સભાથી શરૂ થાય છે, ત્યારબાદ માતાપિતા તેમના બાળકના વર્ગખંડની મુલાકાત લે છે. વાલીઓ શાળાના શિક્ષકો, આચાર્ય, નર્સ અને અન્ય સ્ટાફને મળે છે. અભ્યાસક્રમ વિશે જાણે છે. શાળાના સંસાધનો વિશે જાણે છે. અન્ય વાલીઓને / સાથી વિદ્યાર્થીઓને મળી શકાય છે. બાળકની સલામતી બાબતે પણ જાણી શકાય છે. બેક-ટુ-સ્કૂલ નાઈટ એ બાળકના શિક્ષકને અપેક્ષાઓ, વર્ગખંડના નિયમો અને શિક્ષણ શૈલી વિશે પ્રશ્ન કરવાની સંપૂર્ણ તક આપે છે. પ્રશ્નો પૂછવાથી ફક્ત મદદ જ મળતી નથી – તે દર્શાવે છે કે તમે તમારા બાળકના શિક્ષણની કાળજી લો છો અને તેમાં રસ ધરાવો છો. તમે એ શીખી શકશો કે ઘરે તમારા બાળકને કેવી રીતે મદદ કરવી? જ્યારે તમે શિક્ષક સાથે મળો છો, ત્યારે તમને શાળા વર્ષ દરમિયાન તેમનો સંપર્ક કેવી રીતે અને ક્યારે કરવો તે પૂછવાની તક મળશે. તમે તમારી પોતાની સંપર્ક માહિતી પણ પ્રદાન કરી શકો છો.

Elementary school nurses acute / chronic બીમારીઓ માટે direct care પૂરી પાડે છે, આરોગ્ય તપાસ કરે છે, સંભાળ યોજનાઓ વિકસાવે છે અને વિદ્યાર્થીઓ, પરિવારો અને સ્ટાફને આરોગ્ય સંબંધિત વિષયો પર શિક્ષિત કરે છે. તેઓ નાના બાળકો માટે ભાવનાત્મક ટેકો અને આરોગ્ય હિમાયતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં આ સગવડ ઊંચી ફી વસૂલ કરતી શાળાઓમાં પણ હોતી નથી. 

Elementary school nurses provide direct care for acute and chronic illnesses, conduct health screenings, develop care plans, and educate students, families, and staff on health-related topics. They also play a key role in emotional support and health advocacy for young children.Feb 21, 2025

PTA – વર્ચ્યુઅલ પેરેન્ટ ટીચર એસોસિએશન એ એક માતાપિતા, શિક્ષકો અને શાળા સમુદાયોને જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેની મીટિંગ્સ, સંદેશાવ્યવહાર અને પ્રવૃત્તિઓ ઓનલાઇન કરે છે, ખાસ કરીને જ્યારે વ્યક્તિગત મેળાવડા મુશ્કેલ હોય છે. આ અભિગમ ઝૂમ, ગૂગલ મીટ અને ઓનલાઈન સાઇન-અપ ફોર્મ્સ જેવા વીડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. વર્ચ્યુઅલ મીટિંગ્સ વ્યસ્ત માતાપિતા માટે હાજરી આપવાનું સરળ બનાવે છે, ભાગીદારી અને જોડાણ વધારે છે. તે સંસ્થાની પહોંચને વિસ્તૃત કરે છે. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સુગમતા પ્રદાન કરે છે.

પિક્ચર ડે એ બાળકો માટે કેમેરા સામે પોશાક પહેરવાની અને સ્મિત કરવાની તક કરતાં વધુ છે. તે સમયનો સ્નેપશોટ સાચવવા વિશે છે; એક એવી સ્મૃતિ જે વર્ષો પછી ફરીફરી જોઈ શકાય! 

અહીં બાળકો માટે શાળાઓ છે, આપણે ત્યાં શાળાઓ માટે બાળકો છે. આ તફાવત છે. ઉત્તમ શાળાઓ / શિક્ષણ જ દેશને મહાન બનાવી શકે. શાળા / શિક્ષણ જેટલાં પછાત એટલી જેલો મોટી બનાવવી પડે ! શાળા / શિક્ષણ જેટલાં ઉત્તમ એટલી જેલ ઓછી બનાવવી પડે !

16 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 September 2025

દાદાભાઈ અને ફુલે બેઉ આમ તો સમકાલીન. દાદાભાઈ લાંબુ જીવ્યા અને ફુલે મહારાષ્ટ્ર બહાર એટલા જાણીતા નહીં એથી એમની સમકાલીનતા ઝટ પકડાતી નથી

જ્યોતિબા ફુલે

હવે તરતના દિવસોમાં આપણે ત્યાં સમાજવાદનાં નેવું વરસ નિમિત્તે દેશભરના સમાજવાદીઓ પુણેમાં મળી રહ્યા છે એ જાણ્યું- અને એ જ અરસામાં, આ દિવસોમાં દાદાભાઈ નવરોજીની દ્વિશતાબ્દીનો માહોલ છે, એની વચ્ચે દેશના પહેલા સમાજવાદી તરીકે કોઈકે દાદાભાઈનું નામ લીધું એથી સાનંદાશ્ચર્ય થયું.

પ્રકાશ ન. શાહ

સામાન્યપણે લિબરલ તરીકે સુપ્રતિષ્ઠ, બ્રિટિશ પાર્લમેન્ટમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા દાદાભાઈ અને એ સમાજવાદી? હા, કેમ કે દેશની દારુણ ગરીબી માટે કારગત બ્રિટિશ સાંસ્થાનિક નીતિને એમના પૂર્વે કોઈએ આટલા અભ્યાસપૂર્વક સળંગસૂત્ર તળેઉપર તપાસી નહોતી.

સાનંદાશ્ચર્યની જિકરની વાંસોવાંસ બલકે જોડાજોડ લગરીક ચોંટડૂક કૌતુકે ભરી જિકર પણ કરી જ લઉં. સૂચિત સમાજવાદી મિલન નિમિત્તે જે ખટડુકમીઠડુક (ટીઝર) મહારાષ્ટ્ર છેડેથી આગોતરી જાણ સારુ રમતું મુકાઈ રહ્યું છે એમાંથી એક, દેશના પહેલા સમાજવાદી તરીકે ફુલેને ઓળખાવતી જાહેરાત પણ છે.

દાદાભાઈ અને ફુલે બેઉ આમ તો સમકાલીન. માત્ર, દાદાભાઈ લાંબુ જીવ્યા અને ફુલે મહારાષ્ટ્ર બહાર એટલા જાણીતા નહીં એથી એમની સમકાલીનતા ઝટ પકડાતી નથી. દાદાભાઈના ચિંતનમાં માર્ક્સની જેમ વિશદપણે નહીં પણ વર્ગીય ઈંગિત તો વાંચી જ શકાય છે. ફુલે તો બેલાશક એમના વર્ણચિંતન અને સમતાલક્ષી સુધાર સારુ સુપ્રતિષ્ઠ છે. પશ્ચિમની પરંપરામાં આપણા સમાજવાદી ચિંતનમાં વર્ગસભાનતા આવી જરૂર, પણ આપણા હાડમાં પેંધેલી ગેરબરાબરીનું વર્ણકારણ સમાજવાદી ચિંતનમાં સ્વાભાવિક જ પકડાતાં વાર થઈ કેમ કે નવો ભણેલો વર્ગ પશ્ચિમ-સંપર્કે મૂડીવાદ સભાન હશે એટલો આપણે ત્યાંના વર્ણવાસ્તવ પરત્વે નહીં હોય.

આ બેઉ દૃષ્ટાંત જાડાં સાધારણીકરણમાં ખપે એવું બને. બંને પ્રવાહોમાં પ્રસંગોપાત અપવાદ મળી રહે એવું પણ બને. પણ સમાજવાદી જવાહરલાલને ગાંધીજી અસ્પૃશ્યતામુદ્દે અગ્રતાવિવેકને ધોરણે મચી પડે, ભર સ્વાતંત્ર્યસંગ્રામે, તે સમજાતું નહોતું. જવાહરલાલ અલબત્ત અસ્પૃશ્યતા નિવારણને વરેલા હતા, પણ આર્થિક-સામાજિક વિષમતા નિર્મૂલન અપૂરતું હોઈ શકે એ વાનું એમને ત્યારે એવું ને એટલું નહીં પમાયું હોય એવું તમે બાંધે ભારે પણ કહી તો શકો જ.

આંબેડકરની જદ્દોજહદમાં તમે જુઓ, સ્વાભાવિક જ વર્ણવાસ્તવે પ્રેરિત પ્રતિકારની એમની ભૂમિકા તરત ઊપસી રહે છે. જો કે, એમની આ પ્રતિભા ને પ્રતિમા એટલી હદે આપણી સામે આવી છે કે એમના જાહેર જીવનમાં એમણે જે એક આખો ગાળો સમાજવાદી અભિગમ પર સવિશેષ ભારપૂર્વક વ્યતીત કર્યો તે આપણે ચૂકી જઈએ છીએ અને સમગ્ર ચિત્રથી અનભિજ્ઞ રહી જઈએ છીએ.

આશ્ચર્યકારક લાગે પણ સ્વરાજ નિર્માણની પડકાર પ્રક્રિયાના પ્રારંભે રાજ્યબાંધણી માટે સહજક્રમે ઊપસી ચૂકેલ નેહરુ-પટેલ ઉપરાંત જે નામો ગાંધીને સન સુડતાલીસમાં નેતૃત્વ માટે સૂઝી રહ્યાં એમાં કાઁગ્રેસ પ્રમુખ તરીકે જયપ્રકાશ અને નરેન્દ્ર દેવ તો બંધારણ ઘડતર માટે આંબેડકરનાં હતાં. આ ત્રયી બુર્ઝવા ને જૂનવાણી લેખાતા ગાંધીની એ સમજ દર્શાવે છે કે નવભારતમાં ન્યાયી સમાજ નિર્માણ સારુ વર્ગ ને વર્ણ બેઉ બાબતે સભાનતા જોઈશે.

મહારાષ્ટ્રના સમર્પિત સમાજવાદી નેતા એસ.એમ. જોષીની એક વાત, વિગત તરીકે, મને સતત સ્પર્શતી રહી છે. એ કહેતા કે અમારી યુવાનીમાં અમારી સામે દૈવતરૂપ પરાક્રમી પ્રતિભાઓ તિલક અને સાવરકર જેવી હતી. પણ ગાંધીજી આવ્યા અને અમે સમજ્યા કે સમતા વગરની સ્વતંત્રતા અધૂરી છે.

સ્વરાજ આડે બે’ક વરસ માંડ હશે ત્યારનો ગાંધી-નેહરુ પત્રવ્યવહાર જાણીતો છે, જેમાં નેહરુ ‘હિંદ સ્વરાજ’ને લગભગ બાજુએ મૂકીને ચાલે છે. પણ આ જ ગાંધી, બહુ મોડેથી ખબર પડી તેમ, 1936માં કાઁગ્રેસ પ્રમુખ જવાહરલાલની કારોબારી પર લાંબા ઇતિહાસમાં પહેલી વાર જયપ્રકાશ, નરેન્દ્ર દેવ અને અચ્યુત પટવર્ધન એ ત્રણ સમાજવાદી શખ્સિયતને સમાવવામાં કારગત નીવડ્યા હતા.

જરી ઉતાવળે આ જે બધા વિગત લસરકા અહીં મારી રહ્યો છું એનો માયનો કહો તો માયનો ને મરમ કહો તો મરમ એ છે કે આંબેડકર જેને કાઁગ્રેસનું (સ્વરાજ લડતના વડા પ્લેટફોર્મનું) એક ધરમશાળા કે કોથળા જેવું સ્વરૂપ કહેતાં તેમાં એક સર્વસમાવેશી શક્યતા હતી અને કથિત રૂઢિચુસ્ત મત વચ્ચે પ્રગતિશીલ સમાસ પ્રવેશની ગુંજાશ હતી. સ્વરાજ પછી કાઁગ્રેસમાંથી સમાજવાદીઓ જુદા પડ્યા અને એક વૈકલ્પિક પક્ષ બાંધણીની એમની કોશિશ રહી.

નરેન્દ્ર દેવના નેતૃત્વ હેઠળના સમાજવાદી પક્ષ અને કૃપાલાણીના નેતૃત્વ હેઠળના કૃષક મજદૂર પ્રજા પક્ષ એક થયા એમાંથી પ્રજા-સમાજવાદી પક્ષ આવ્યો. વળી, લોહિયાના નેતૃત્વમાં સમાજવાદી પક્ષ આવ્યો અને નવા એકીકરણ સાથે સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી આવી. પણ 1967ના આંશિક ને 1977ના વધુ પ્રભાવક એકત્રીકરણ સાથે આ બળો જનતા પક્ષ રૂપે જે મેનિફેસ્ટો સાથે કટોકટી કાઁગ્રેસ સામે ઊભર્યાં એમાં કાઁગ્રેસ સામે અંદરબહારના નાનામોટા પ્રગતિશીલ ફિરકાઓ થકી લોકશાહી અને સમાજવાદી ખુશબો હતી … રોટી અને આઝાદી બંને!

સમાજવાદીઓમાં એક લોહિયા હતા જેમને વર્ણવાસ્તવની પાકી ખબર હતી – અને એમણે સત્તાસ્થાનોમાં ને અન્યત્ર પિછડોં કી બહુમતી પર ભાર મૂક્યો. મુલાયમ ને લાલુનું રાજકારણ (અલબત્ત લોહિયાના સપ્તક્રાંતિ દર્શન અને જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ દર્શન અંગે ખોડંગાતું) પણ એનું એક નિદર્શન છે.

કટોકટીવશ શિકસ્ત પામી, ધીરે ધીરે બહાર આવેલી કાઁગ્રેસ, સમાજવાદ અને લિબરલ સંમિશ્રણ ચેષ્ટા સાથે બંધારણ પરના ભારપૂર્વક જાતિ જનગણનાને પ્રમુખતા આપતું આગળ વધી રહ્યું છે. નવા સમાજવાદી આંદોલનનો મિજાજ લોહિયા કહેતા તેમ ‘સડકો સૂની પડે તો સંસદ ભટકી પડે’ની તરજ પર પ્રગટ થવા કરે છે. ઉત્તર પ્રદેશ અને બિહારની કાઁગ્રેસ-સમજૂતી, આ રીતે જોવા-સમજવા જેવી જરૂર છે… 

જોઈએ પુણે મિલનમાંથી શા સંકેતો સાંપડે છે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17  સપ્ટેમ્બર 2025

Loading

...102030...89909192...100110120...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved