Opinion Magazine
Number of visits: 9736159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેસ ટ્રબલ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 March 2026

રવીન્દ્ર પારેખ

અમેરિકા અને ઇઝરાયલ, ઈરાનની સામે પડ્યાંને તેરેક દિવસ થવાના પણ બંને પક્ષો નિર્દોષોનાં મોત વધારવામાં હજી પણ સક્રિય છે. એ કરુણતા છે કે એવા બની બેઠેલા સત્તાધીશને આખા જગતમાં પડકારનાર કોઈ નથી ને બધા જ દેશો તેમના વાહિયાત તુક્કાઓને કુરનીશ બજાવતા અનુસરી રહ્યા છે. ઈરાનના વળતા હુમલાઓમાં પણ નુકસાન ઇઝરાયલ અને અમેરિકા ભોગવી રહ્યાં છે ને કોઈ મચક આપવા તૈયાર નથી. ઈરાનનું ઝનૂન અણુ હુમલાઓ સુધી જવામાં પણ નાનમ અનુભવે એમ નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીનાં મૃત્યુ પછી પણ, ઈરાનનો હુમલાઓનો શોખ પૂરો થયો નથી. જો કે, ઈરાન પાસે તેલની શક્તિ છે, એટલે તેણે પેટ્રોલ, ડિઝલ, ગેસની ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં અછત ઊભી કરી છે. અમેરિકાની હાલત અત્યારે કારણ વગરના યુદ્ધની શરૂઆત પછી, મા, મને કોઠીમાંથી કાઢ જેવી છે. નથી ઈરાનને ગળી શકાતું કે નથી તો બહાર કાઢી શકાતું. સાપે છછુંદર ગળ્યા જેવી હાલત છે. આમાં ભારતને નથી ઈરાન સામે શત્રુતા કે નથી ઇઝરાયલ, અમેરિકા સાથે, પણ બે આખલા લડે ને ઝાડનો ખો નીકળે એ રીતે ભારત આજકાલ ‘ગેસ’ ટ્રબલ અનુભવી રહ્યું છે.

આમ પણ આપણે ત્યાં દુઃખને મોટું કરીને જોવાની ટેવ છે. તકલીફ હોય તેના કરતાં ભારતીય પ્રજાને વધુ જ દેખાય છે ને તે મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખતી રહે છે. તેલ ગેસની કટોકટી છે, તેની ના નહીં, પણ ભારતીય વેપારીઓ અછતમાં જ સંગ્રહખોરીમાં પડે છે, જેથી અછતવાળી વસ્તુઓને બ્લેકમાં વેચીને વધુને વધુ હોજરી ભરી શકાય. સરકારે પેનિક ન થવાની ને સંગ્રહ ન કરવાની સલાહો આપ્યા પછી પણ LPG સિલિન્ડરોની અછત ઊભી થઈ છે, તો ક્રૂડનો ભાવ બેરલ દીઠ 100 ડોલર થઈ જતાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવાની બૂમરાણ પણ મચી છે. હોટેલોમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે, ધંધા પર ભારે અસરો જોવાઈ રહી છે. ગેસ સિલિન્ડર મળશે કે નહીં એની ફિકરમાં ગુજરાતી જનતા સિલિન્ડરો સાથે લાઈનો લગાવીને ‘ગેસ ટ્રબલ’ વધારી રહી છે.

ઘણી હોટેલોમાં ગેસના સ્ટવ પર બનતી વાનગીઓ મળતી બંધ થઈ છે. કેટલીક હોટેલોએ માત્ર જમવાનું આપવાની તૈયારી રાખીને બીજી આઈટેમો પીરસવાનું બંધ કર્યું છે, તો કેટલાકે ઢોસા, પૂરીનો વિકલ્પ સેન્ડવિચમાં જોયો છે. લગભગ દરેક હોટેલોમાં મેનુ પર કાપ મુકાયો છે. લોકોને એ ચાલવાનું તો નથી, પણ છૂટકો નથી. કેટલાકે સિલિન્ડરને બદલે ઇન્ડકશન સ્ટવ કે બીજી ઇલેક્ટ્રિક ડિવાઈસિસથી કારભાર ચાલુ કર્યો છે. આ બધા વિકલ્પો પછી પણ ગેસની અછત છે તે છે જ ! ઘણાં ધંધા બંધ પડ્યા છે. ઘણાંની નોકરીઓ ગઈ છે ને બીજી આફ્તો તો ઊભી જ છે. રાજ્યમાં ડેરી પ્લાન્ટમાં ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ આવતા, ઘણાં પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ આવી છે, એને કારણે મિલ્ક પાવડરનું ઉત્પાદન ઘટી જવાની ભીતિ વધી છે. ગેસની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં શટડાઉન લાગુ પડ્યું છે ને 16 હજાર જેટલા ડ્રાઈવરો અને કલીનરોએ નોકરીથી હાથ ધોઈ નાખવા પડ્યા છે.

સરકાર વાયદાઓ તો કરે છે કે એલ.એન.જી.ના બે કાર્ગો નીકળી ચૂક્યા છે, એટલે ગેસ કટોકટી નિવારી શકાશે. વધારામાં રશિયાએ પણ ઓઈલની મદદ કરવાનું કહ્યું છે. વાત તો એવી પણ છે કે હોર્મુઝ્ની સામુદ્રધૂની નજીકથી પસાર થતાં કાર્ગો જહાજને નિશાન બનાવાતાં ભારત સરકારે કહેવું પડ્યું કે કાર્ગો જહાજને નિશાન બનાવવાં દુર્ભાગ્યપૂર્ણ છે, તે એટલે પણ કે ભારતનો મોટા ભાગનો તેલ પુરવઠો અહીંથી પસાર થાય છે. જો કે, બંને દેશોના વિદેશ મંત્રીઓની વાતચીત પછી, ભારતનાં તેલ ટેન્કરોને હોર્મુઝ્ની સામુદ્રધૂની નજીકથી પસાર થવાની મંજૂરી મળી ગઈ છે.

બીજી તરફ સરકાર કોઈ પણ કટોકટીમાં દેશભક્તિ જગાવીને સલાહ સૂચના તો જનતાને જ આપે છે, એ સિવાય તે રાજગાદી ભોગવતી રહે છે. ગેસ કટોકટી સરકારના ઘરો માટે નથી, એટલે તેને તો કોઈ વાંધો આવવાનો નથી, મરો લારીવાળાઓનો થવાનો છે. જનતા સલાહ માટે ને કરકસર માટે જ નથી ને જે ઉપદેશકો પ્રજાને સલાહ ને કરકસરની વાત કરે છે, એમણે શરૂઆત જ ઘરથી કરવી જોઈએ. એ જરૂરી છે, મગર વો દિન કહાં કિ …

એ અત્યંત દુ:ખદ છે કે ભારતીય વેપારીઓ કોઈ પણ અછત વખતે વધુ નફો કેમ રળાય તેની વેતરણમાં  રહે છે. રાંધણગેસની અછત છે ત્યારે તેનો બાટલો 900ના 1800 લઈને વેચાય છે, તો કોમર્શિયલ ગેસ 1,918નો સિલિન્ડર 4,000 લઈને વેચાય છે. અપવાદો ઘણાં હશે જ, પણ બ્લેકમાર્કેટિંગ, કરપ્શન ભારતનાં લોહીમાં છે. ગેસ સિલિન્ડર બ્લેકમાં વેચાય છે, તે તો જોયું, સાથે જ કરપ્શનનો દાખલો પણ સામે આવ્યો છે તે પણ જોઈએ.

ગુજરાત શિક્ષણ વિભાગે 16,680 સ્કૂલોમાં પીવાનાં પાણી માટે R૦-UV મશીનનાં મેઈન્ટેનન્સનું 41.73 કરોડનું ટેન્ડર 4 એજન્સીઓને સોંપ્યું છે. આઈમા નામની ખાનગી એજન્સીને આધારે બિનઅનુભવી શ્રીજી સેલ્સે 9 કરોડથી વધુનું કામ મેળવ્યું છે. આઈમાને પણ મેઈન્ટેનન્સનું કામ સોંપાયું છે. ટૂંકમાં, આ એજન્સીઓએ એટલું ભલું શિક્ષણ વિભાગનું કર્યું છે કે 16,680 RO-UV મશીન્સ નવાં ખરીદી શકાય, એથી વધુ રકમનું કામ મેઈન્ટેનન્સનું મેળવ્યું છે. ગમ્મત તો એ છે કે જે સ્કૂલોમાં મશીન જ નથી, એ સ્કૂલોનાં નામ પણ મેઈન્ટેનન્સની યાદીમાં શામેલ છે.

50 લીટરની ક્ષમતા ધરાવતા મશીનની બજાર કિંમત અંદાજે 10,5૦૦ હોય તો મેઈન્ટેનન્સ માટે મશીન દીઠ 9,135ની લહાણી કરવામાં આવી છે. એ જ રીતે 100 લિટરનાં મશીનનાં 16 હજાર, 150 લિટરનાં 25 હજાર, 250 લિટરનાં મશીનની 30,00૦ બજાર કિંમત છે, પણ ટેન્ડરમાં મેઈન્ટેનન્સ અનુક્રમે 15, 18, 23,000 નક્કી થયા છે. યુવી મશીનમાં પણ 40થી 50 ટકા ઊંચી કિંમત મેઈન્ટેનન્સ માટે નક્કી કરવામાં આવી છે. એજન્સીઓ હરામના પૈસા લૂંટવામાં માહિર હોય છે ને એની ખબર ટેન્ડર મંજૂર કરનારને પણ હોય છે, એટલું જ નહીં ક્યાંક તેમની હોજરી પણ ભરાતી હોય છે. સાંઠગાંઠ વગર આ શક્ય જ નથી. બજારમાંથી શિક્ષણ વિભાગ 16,680 મશીન નવાં ખરીદે તો પણ 28.97 કરોડમાં ખરીદી શકાય, પણ સ્ટેટ પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમો નેવે મૂકીને 41.73 કરોડનું ટેન્ડર મેઈન્ટેનન્સનું કર્યું છે. એજન્સીઓ  ભયંકર ભ્રષ્ટાચાર કરે, તેની નવાઈ નથી, પણ 28.97 કરોડનાં નવાં મશીનનું મેઈન્ટેનન્સનું ટેન્ડર 41.73 કરોડનું મુકાય ને કોઈના ય પેટનું પાણી ન હાલે, તો સમજી લેવાનું રહે કે આ કારભાર એકલો એજન્સીનો નથી. આ વંશવેલા મૂળથી સડેલા છે. એમાં સૌથી વાહિયાત વાત કોઈ હોય તો ખાતર પર દિવેલની જેમ, સમિતિઓ રચવાનું, તપાસ કરાવવાનું ને પગલાં ભરવાનું. આ પણ મેઈન્ટેનન્સ ટેન્ડર જેટલું જ ગંદું છે.

આટલા રૂપિયા લૂટાવવા છતાં સ્કૂલોમાં પાયાની જરૂરિયાતોને નામે ધાંધિયાં જ હોય છે. કાગડા બધે જ કાળા, તેમ ભ્રષ્ટાચાર, બ્લેકમાર્કેટિંગ ભારતીય નસેનસમાં ફેલાયેલાં છે. સુરતની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં સ્વચ્છતાને નામે ઘોર અઘોર નિર્લજ્જતા ને બેદરકારી જ સામે આવી છે. સમિતિની સત્તર સ્કૂલોમાં સ્વચ્છતાને નામે ભવાડા જ સામે આવ્યા છે. એક તરફ RO મશીનનાં મેઈન્ટેનન્સમાં લૂંટ ચાલે છે, તો સ્કૂલમાં આચાર્યો કાગળ પર જ કસરત કરે છે. પાણીની પરબમાં શેવાળ બાઝી ન જાય ત્યાં સુધી પાણી પીવાતું રહે છે, શૌચાલયોનું બીજું નામ જ દુર્ગંધ હોય તેમ ત્યાં કશું મેન્ટેઈન થતું નથી. સાયન્સ-કોમ્પ્યુટર લેબમાં ધૂળના ઢગલા હોય એવી 17 સ્કૂલોને નોટિસ બજાવવામાં આવી છે. બાકીની સ્કૂલો તપાસાય તો ઘણી સ્કૂલો સ્વચ્છતાને નામે દુર્ગંધ ફેલાવતી જ નજરે ચડશે.

ગેસ ટ્રબલ, પેટથી હોટેલ ઉદ્યોગ ને અન્ય ક્ષેત્રે જોવા મળી છે ને એ ઈરાન-ઇઝરાયલ, અમેરિકાની બેવકૂફીનું પરિણામ છે. એક માણસ દુનિયાને બાનમાં કેવી રીતે લઈ શકે છે તેનો આ યુદ્ધ પુરાવો છે. આવી બેવકૂફીને કારણે જેમણે કોઈનું કંઇ બગડ્યું નથી એવા નિર્દોષો મોતને ઘાટ ઉતરતા રહે છે.  કોઈની પણ સત્તાલાલસા, નિર્દોષોનાં મૃત્યુથી વધારે મહત્ત્વની કેવી રીતે હોય તે નથી સમજાતું ને બીજી તરફ પ્રજા પણ ભ્રષ્ટ હોય ને કોઈ પણ રીતે પૈસા બનાવવાનું ન ચૂકે એ શરમજનક છે. આવું એવા લોકો જ કરતા હોય છે, જેમની પાસે હોવી જોઈએ તેથી વધુ ધનસંપત્તિ છે. એક માણસને સારી રીતે જીવવા કેટલું જોઈએ ને માણસ એટલાથી પણ ન ધરાય ત્યારે આઘાત, માણસ બધું અહીં મૂકી જવાં આટલાં હવાતિયાં મારે છે, એનો લાગે છે. પોતાની સાથે નાનામાં નાનો સિક્કો પણ લઇ જવાતો ન હોય ને બધા દાખલાઓનો જવાબ થોડી રાખમાં આવતો હોય તો માણસે પોતાની લાલસાઓ વિષે વિચારવું જોઈએ એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 માર્ચ 2026

Loading

આંધળો ન્યાય, સંવેદનહીન ન્યાય!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 March 2026

ચંદુ મહેરિયા

ન્યાય આંધળો કહેવાય છે. ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોય છે. મતલબ કે ન્યાય કોઈ તરફ ઝૂકશે નહીં. તે સૌને સમાન દૃષ્ટિએ જોઈને ન્યાય આપશે. પરંતુ ન્યાય તોળનારા પણ આ જ સમાજમાંથી આવે છે એટલે સમાજમાં રહેલા વિભાજનો અને વિચારોથી તેઓ સાવ પર હોઈ શકે નહીં. તેથી ઘણીવાર ન્યાયાધીશોની ન્યાયમંદિરોની ટિપ્પણીઓ કે ચુકાદા અસંવેદનશીલ હોય તેવું બને છે. જો કે ભારતમાં ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થા છે એટલે ટ્રાયલ કોર્ટની કોઈ ક્ષતિ હાઈકોર્ટ અને હાઈકોર્ટની ક્ષતિ સુપ્રીમ કોર્ટ સુધારી લે છે. તેને કારણે ન્યાયનું પલ્લું બરાબર રહે છે અને અસંવેદનશીલ ચુકાદા ફેરવાય પણ છે. 

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો રદ્દ કર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટની અસંવેદનશીલ ટિપ્પણીઓ સંદર્ભે વધુ પુનરાવર્તન અટકાવવા અદાલતોને દિશાનિર્દેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ – ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટે એક સગીરા પરના કથિત બળાત્કારના પ્રયાસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદામાં પોક્સો અધિનિયમ અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું અસંવેદનશીલ અર્થઘટન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે સગીરાની છાતી પકડવી કે તેના પાયજામાનું નાડું ખેંચવું તે બળાત્કારનો પ્રયાસ ન ગણાય. આ ચુકાદા અને ટિપ્પણી વિરુદ્ધ  દેશભરમાં ભારે વિરોધ થયો હતો. ન્યાયવાંચ્છું લોકોની અંતિમ આશા એવી અદાલતો પરની તેમની શ્રદ્ધા ખતમ થઈ ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો છે અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું વધુ ગંભીરતા અને સંવેદનશીલતાથી અર્થઘટન થવું જોઈતું હતું તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આવા વલણથી મહિલા ગરિમા અને હકના રક્ષણ માટેનો ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ દૃઢ થયો છે. 

ન્યાયાલયોએ મહિલાઓ પરના જાતીય અત્યાચારના ગુનાઓમાં વધુ ગંભીરતાથી અને સંવેદનાથી વિચારવાની જરૂર છે. બળાત્કાર જેવા ગુનામાં અદાલતોએ બેહદ સંવેદનશીલ વર્તાવ કરવાની જરૂર છે. આ પ્રકારના જઘન્ય અપરાધોમાં પીડિતાના મન-મસ્તિષ્ક પર થતી અસરોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અદાલતો તેથી વિપરીત વર્તન કરતી ક્યારેક જોવા મળે છે. એક મહિલા અને તેમની ૧૪ વરસની સગીર દીકરીને આરોપીઓએ જબરદસ્તીથી રોકવાનો, તેમની સાથે અશ્લીલ હરકતો કરવાનો અને પુલિયા નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મહિલા પરના બળાત્કારના પ્રયાસના આ કેસમાં એવી અમાનવીય અને વિચિત્ર ટિપ્પણી કરી હતી કે રાતનો સમય આરોપીઓ માટે આમંત્રણ સમાન હતો. કોઈ રાજકીય નેતા બચ્ચે હૈ ભૂલ હો જાતી હૈ એમ કહે કે હાઈકોર્ટના ન્યાયાધીશ રાત્રિના સમયને બળાત્કાર માટે અનુકૂળ ગણાવે તે કેટલું અમાનવીય છે.

બોમ્બે હાઈકોર્ટના મહિલા જજે પોક્સો કાયદા હેઠળના એક ગુનામાં આરોપીઓને બેકસૂર ઠેરવતા ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તો જ ગુનો બને તેમ કહ્યું હતું. પીડિતા તેના પરિચિતના ઘરે ગઈ તે બળાત્કારનું આમંત્રણ હતું તેમ કહેતાં એક અદાલતના અસન્માનીય ન્યાયાધીશ અટક્યા નહોતા. સમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધો સહજ છે. સાથે ખાવું-પીવું, હરવું-ફરવું કે ઘરે જવું એટલે મહિલા સાથે પુરુષને બળાત્કાર કરવાનો પરવાનો કઈ રીતે હોઈ શકે?  પુરુષમિત્રના બોલાવવા પર તેણે ઘરે જવું તે વિનયભંગનું આમંત્રણ હોઈ ના શકે. સંબંધોમાં નિભાવાતી આ એક ઔપચારિકતા છે. આ સંજોગોમાં પુરુષની બળજબરીને ફરિયાદીએ પોતે જ ઉપાધિ વહોરી છે કે મુસીબતને નિમંત્રણ આપ્યું છે કહીને પુરુષોને નિર્દોષ ઠેરવવાનું અદાલતી વલણ ભારોભાર ટીકાઓને પાત્ર છે. કોઈ મહિલાની છાતી પકડવી કે તેના સલવારનું નાડું ખેંચવું તે બળાત્કારની નિયત સાબિત કરવાનો પર્યાપ્ત પુરાવો નથી કે ચામડીથી ચામડીનો સ્પર્શ થયો નથી એવું અર્થઘટન સંવેદનહીન છે. કોલકાતા હાઈકોર્ટે તો વળી છોકરીઓને તેમની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી. આ પ્રકારના ઘણા ચુકાદા સર્વોચ્ચ અદાલતે પલટ્યા છે અને નીચેની અદાલતોને ફટકાર લગાવી છે.

અદાલતોએ ન્યાય કરતી વખતે તેની સમાજ પર પડનારી અસરો અને ભવિષ્યમાં તેમના ચુકાદાને દાખલારૂપ ગણવાની પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવાની છે. ન્યાયાધીશોએ અદાલતોમાં અને અદાલતોની બહાર પ્રત્યેક શબ્દ જોખી-તોળીને બોલવાનો છે. યૌન ઉત્પીડન સંબંધી મામલાઓમાં તો ખાસ સંવેદનશીલતા અને પીડિતા પર પડનારી ભાવનાત્મક અસરોનો ખ્યાલ રાખવાનો છે. સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતો માટે મહિલા સંબંધી કેસોમાં વધુ સંવેદનશીલતાની જરૂર માટેની ગાઈડ લાઈન તૈયાર કરવા ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને આદેશ કર્યો છે. તેને કારણે થોડી રોક લાગશે જરૂર પણ અદાલતોમાં ન્યાયાધીશોએ અને સમાજમાં આપણે સૌએ પણ વધુ માનવીય અને સંવેદનશીલ વલણ અખત્યાર કરવાની જરૂર છે. 

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ – ૨૦૨૫માં કેટલાક ખાસ માપદંડોને આધારે રાજ્યોની ન્યાય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ કર્યું છે. ન્યાયમ વ્યવસ્થાના ચાર સ્તંભ પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદાકીય સહાયને આધારે જોતાં દક્ષિણ ભારતના રાજ્યો રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે જ્યારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તળિયે છે. દેશના કોઈ રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થિત અને સુચારુ ન્યાય વ્યવસ્થા નથી તેવા નિષ્કર્ષ સાથે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ન્યાયાલયો મોટાભાગના કેસોમાં નાગરિકોને સાચો ન્યાય આપી શકતી નથી એમ જણાવ્યું છે.આ મુદ્દો કદાચ ચર્ચાસ્પદ છે પરંતુ અદાલતોનું સંવેદનહીન વલણ તો છાપરે ચઢીને ગાજ્યું છે તે હકીકત છે. 

ભંવરી દેવી બળાત્કાર કેસમાં રાજસ્થાનની ટ્રાયલ કોર્ટે કથિત ઉપલી જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિની મહિલા પર બળાત્કાર ના જ કરે અને બાપ અને બેટો કે કાકો અને ભત્રીજો એક જ મહિલા પર એક જ સમયે સામૂહિક બળાત્કાર કરે તે સંસ્કાર વિરુદ્ધનું અને એટલે ન માની શ્જકાય તેવું છે એમ જણાવ્યુ જ હતું ને? ચાળીસેક વરસ પૂર્વે ગુજરાતની એક મોટર વાહન ટ્રિબ્યૂનલે દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈના વાહન અકસ્માતના કેસમાં વળતર આપવા મુદ્દે એવી ટીકા કરી હતી કે આ કિશોરના માબાપ ગરીબ ખેતમજૂર છે તેમને બીજા બાળકો પણ છે તેમના માટે મૃતક કિશોર બોજારૂપ હતો. એટલે તેના અકસ્માત મૃત્યુનું તે વળી વળતર હોઈ શકે? આ ટિપ્પણી ન માત્ર સંવેદનહીન છે, અમાનવીય પણ છે. 

કરુણા અને સંવેદના તો માનવ હ્રદયની આંતરિક બાબત છે તેને બાહ્ય પ્રયાસોથી ભરી ન શકાય. તેમ છતાં કાયદાનું સાચું અને માનવીય અર્થઘટન ગુણવતાયુક્ત તાલીમથી રોપી શકાય. સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલ ન્યાયતંત્ર માટેની ગાઈડ લાઈનની પ્રતીક્ષા કરીએ અને તાલીમથી અદાલતોમાં સંવેદના અને કરુણા રોપવાના પ્રયાસો જારી રાખીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચાલો, બધા એક સાથે ઊભા રહો, વંદે માતરમ્‌ આખું ગાઓ જોઈએ!

આશા બૂચ|Opinion - Opinion|12 March 2026

અરે, સાંભળ્યું નહીં? આપણા આચાર્યે હુકમ કર્યો છે. માનવો પડશે, નહીં તો વર્ગની બહાર અથવા શાળાની બહાર ઊભા રાખશે અને આખેઆખું રાષ્ટ્રીય ગીત નહીં આવડી જાય ત્યાં સુધી ઉપલા ધોરણમાં જવા નહીં દે.

કંઈક અંશે આવા જ શબ્દોમાં તાજેતરમાં ભારતના ગૃહ મંત્રાલય તરફથી એક હુકમનામું બહાર પડ્યું છે. દરેક જાહેર કાર્યક્રમમાં ‘વંદે માતરમ્‌’ રાષ્ટ્રીય ગીત પૂરેપૂરું ગાવું જોઈશે અને હાજર રહેલા તમામ લોકોએ એક સાથે ઊભા રહેવું જોઈશે. નહીં તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે કે દેશ નિકાલ કરવામાં આવશે કે નહીં એ સ્પષ્ટતા નથી કરી.

આ પ્રકારના વટહુકમો બહાર પાડનારાઓ અજ્ઞાનથી સભર હોવાને કારણે આવી ભૂલો કરી બેસે તે સમજાય. આપણે ખરી માહિતી મેળવી લઈએ.

બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં આ ગીતની શબ્દ રચના અને સ્વર રચના કરેલી, જે 1882માં તેમણે લખેલી નવલકથા ‘આનંદ મઠ’માં ઉમેરી હતી. અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે ધાર્મિક ભાવના અને દેશભક્તિનો જુસ્સો ધરાવનારા કેટલાક સાધુઓ માટે એ ગેય કાવ્યની રચના કરવામાં આવી હતી. એ ગીતમાં માતૃભૂમિને દેવી માતાના રૂપમાં જોવામાં આવી છે; જેમાં માતાને ભભકાદાર અને મહિમા મંડિત રૂપમાં જોવામાં આવી. સાથે સાથે વિદેશી શાસન દરમિયાન ગરીબી અને દારિદ્ર્યમાં પોતાની કાંતિ ખોઈ બેઠેલી દર્શાવાઈ છે, પરંતુ એ પોતાની મૂળ સમૃદ્ધિમાં પુનઃ સ્થાપિત થશે એવો ભાવ પણ નિરૂપિત હતો. માતૃભૂમિમાં સજીવારોપણ કરવા પાછળનો હેતુ હતો સશસ્ત્ર બળવો કરનારને દમનકારી બ્રિટિશ સામ્રાજ્ય અને બંગાળના નવાબ સામે લડાઈ કરવાની પ્રેરણા મળે. આઝાદી બાદ એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના સંયોગો બદલાતાં તેની પહેલી બે કડી જ ઉપયુક્ત જણાઈ હતી.

1896માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ સંમેલનમાં રવીન્દ્રનાથ ટાગોરે પહેલીવાર જાહેરમાં તેનું ગાન કરેલું. 1905માં નેશનલ કાઁગ્રેસે આ કાવ્ય ભારત માતાનું પ્રશસ્તિ ગાન કરે છે તેથી ભારત દેશનું અભિવાદન કરવા એ ગીતને અપનાવેલું અને 1950માં ભારત જ્યારે પ્રજાસત્તાક રાજ્ય બન્યું ત્યારે ‘જન ગણ મન અધિનાયક’ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ની પ્રથમ બે કડીને રાષ્ટ્રીય ગીત તરીકે બંધારણમાં સ્વીકારવામાં આવ્યું. એ બંને ગીતને પૂરેપૂરા સ્વીકારવાને બદલે જેટલી કડીઓ સમગ્ર દેશને લાગુ પડે તેટલી જ કડીઓ સર્વસંમતિથી લેવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ દેશનું રાષ્ટ્રગીત એક-બે મિનિટથી વધુ લાંબુ હોતું નથી, જેથી એ સહેલાઈથી શીખી શકાય અને બધા લોકો એટલો સમય પૂરેપૂરા સન્માન સાથે તેનું ગાન કરી શકે.

‘વંદે માતરમ્‌’ ગીતની પહેલી બે કડી કોઈ ધર્મ વિશેષને અભિપ્રેત કાર્ય વિના માતૃભૂમિનો અમૂર્ત સંદર્ભમાં ઉલ્લેખ કરે છે; જ્યારે બાકીની ચાર કડીઓમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી જેવી દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના સૂચનથી પ્રથમ બે કડીઓને જ રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવી.

વાયર દ્વારા નિર્ભીક રહીને વિવિધ હસ્તીઓની મુલાકાતો લઈને ભારતની જનતાને હાલની પરિસ્થિતિની સાચી બાજુ દર્શાવનાર કરણ થાપરે વકીલ સંજય હેગડેની ‘વંદે માતરમ્‌’ના મુદ્દા વિષે મુલાકાત લીધી, જેમાં શ્રી હેગડેએ ગૃહમંત્રાલયના વંદે માતરમ્‌ની છ કડીઓ ગાવાની ફરજ પાડવાના હુકમને ‘બંધારણીય ભાંગફોડ’ કરવાના કૃત્ય તરીકે ગણાવી. વધુમાં તેમણે કહ્યું કે કોઈ લોકશાહી દેશનો કાયદો તેના નાગરિકને રાષ્ટ્રીય ગાન કે ખુદ રાષ્ટ્રગીતને પણ ફરજજિયાત ગાવાનો હુકમ ન કરી શકે.

તો વર્તમાન સરકાર એવો હુકમ બહાર પાડે તેનું કારણ શું હોઈ શકે? બે ચાર શક્યતાઓ છે. એક તો કેટલાક શહેરના અને રસ્તાઓનાં નામ બદલવાની સાંકળનો આ એક મણકો હોઈ શકે. ‘હિન્દુત્વ’ની સ્થાપના કરવાની ધગશમાં આ પગલું ઉપયોગી થશે એવી માન્યતા હોઈ શકે. દેશના વહીવટ અને સંચાલનને સુદૃઢ બનાવવા એક પણ કાર્ય હાથ ન લાગતું હોવાને કારણે એક પછી એક તુક્કા (તઘલખી તુક્કા તરીકે ઓળખાય) વહેતા મૂકીને બંધારણને ક્ષત વિક્ષત કરવાનું અભિયાન આદર્યું હોય. ગમે તે કારણ હોય, આ હુકમ તદ્દન ગેર કાનૂની, બંધારણના નિયમોની બહારનો અને તદ્દન બિનજરૂરી છે એ નક્કી.

જો ભારતની પ્રજામાં હીર હોય તો દેવ-દેવીઓમાં શ્રદ્ધા ન ધરાવતા દરેક ધર્મમાં માનનારા સહુએ આ નિયમનો અસહકાર કરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

...891011...203040...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved