Opinion Magazine
Number of visits: 9457762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોખાની ચતુરાઈ અને ઘઉંનું ગમારપણું?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 August 2023

રાજ ગોસ્વામી

વિશ્વમાં, ચોખાના વેપાર અને તેના ઉપભોગમાં સંકટ ઊભું થવાના અણસાર છે. કેમ? દેશમાં અનાજના ભાવોમાં ફૂગાવાને નિયંત્રણમાં લેવા માટે ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચોખાના આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની નિકાસ 40 ટકા છે. ગયા વર્ષે, ભારતે 140 દેશોમાં 2.2 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. એમાં 60 લાખ ટન સફેદ સસ્તા ઇન્ડિકા જાતિના ચોખા હતા. ભારતે આ ઇન્ડિકાની નિકાસ બંધ કરી છે. પરિણામે, આયાતકર્તા દેશોમાં ચોખાની તંગી સર્જાવાનો ભય છે.

વૈશ્વિક સ્તરે, આહારની ચીજ-વસ્તુઓમાં ચોખા, ઘઉં અને મકાઈનો દબદબો છે. એમ કહો કે વધુ પડતી નિર્ભરતા છે, અને તે ચિંતાનું કારણ પણ છે. વિશ્વમાં, મનુષ્યજાતિનો પોણા ભાગનો આહાર માત્ર 12 વનસ્પતિ અને પાંચ પ્રાણીઓમાંથી આવે છે. તેમાં 51 ટકા કેલેરી ચોખા, ઘઉં અને મકાઇમાંથી આવે છે.

એમાં વધુ એક વિભાજન છે. પશ્ચિમમાં, વિશેષ કરીને યુરોપિન દેશોમાં, ઘઉં વધુ ખવાય છે, જયારે પૂર્વમાં ચોખાનો વપરાશ વધુ છે. વિશ્વમાં સૌથી વધુ ચોખા ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં પાકે છે. એશિયા બહાર, બ્રાઝિલ સૌથી વધુ ચોખા પકવે છે. ચોખાનો સૌથી વધુ વપરાશ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના અમુક ભાગોમાં થાય છે. ચોખાની પહેલી ખેતી ભારત અથવા દક્ષિણપૂર્વ એશિયામાં થઇ હતી.

ભારત-ચીન ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સૌથી વધુ ઘઉં પકવે છે. ઘઉંની પહેલી ખેતી મધ્યપૂર્વમાં ઈરાક નજીક શરૂ થઇ હતી. હકીકતમાં, કૃષિ ક્રાંતિની શરૂઆત જ ઘઉંની ખેતીથી થઇ હતી.

કૃષિ અને સામાજિક વિજ્ઞાનીઓમાં તો એવો પણ મત છે કે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં જે તફાવત છે, તેના મૂળમાં ચોખા અને ઘઉંની ખેતીની ભૂમિકા છે. જેમ કે ડાંગરની ખેતીમાં વધુ મહેનત કરવી પડતી હોય છે એટલે એ સમુદાયોમાં સહકારનું પ્રમાણ વધુ છે, જે અંતત: તેમની સહિયારી સામાજિક જીવનશૈલીમાં પ્રતિબિંબિત થાય છે, જ્યારે ઘઉં પકવતા લોકો સ્વતંત્ર જીવનશૈલીવાળા હોય છે કારણ કે તેમાં ડાંગર કરતાં અડધી મહેનતની જરૂર પડે છે.

આ થિયરીનું શ્રેષ્ઠ ઉદાહરણ ચીન છે. ચીનના ઘઉં પકવતા ઉત્તરીય પ્રદેશની સરખામણીમાં દક્ષિણ ચીનના ચોખા ખાતા લોકો સર્વગ્રાહી, શાંતિપ્રિય અને મિત્રાચારવાળા છે. યુનિવર્સિ‌ટી ઓફ વર્જિનિયા, અમેરિકાનો સાયકોલોજીનો પીએચ.ડી. વિદ્યાર્થી થોમસ થેલ્હેમ 2007માં ચીનમાં અંગ્રેજી ભણાવવા ગયો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ચીનને જાન્સ્તી નામની નદી વિભાજિત કરે છે. એમાં જાન્સ્તીના ઉપરવાસમાં ઘઉંની ખેતી થાય છે અને નીચાણમાં ડાંગરની.

થેલ્હેમ ‘સાયન્સ’ નામના એક પ્રતિષ્ઠિત સામયિકમાં લખ્યું હતું કે ડાંગરની ખેતી કઠિન છે અને ખેડૂતોએ સિંચાઇ માટે જમીનો તૈયાર કરવાથી લઇને ડેમ બનાવવા અને એકબીજાના સહકારમાં પાણી વહેંચવા જેવા સંગઠિત પગલાં ભરવાં પડે. એની સામે ઘઉં પકવવા માટે માત્ર વરસાદનો સમય જ સાચવવાનો હોય છે. થેલ્હેમ કહે છે કે ડાંગરની ખેતી કરતી જનતા સંગઠિત અને સહકારી હોય છે, કારણ કે તેમનો આપસી સંઘર્ષ ખેતીમાં નુકસાનકારક નીવડે છે.

તમે ઉત્તરવાળા ચીનીઓને પૂછો તો એ કહેશે કે દક્ષિણના ચીનાઓ રાજકારણમાં ઓછા અને પૈસા કમાવવામાં વધુ વ્યસ્ત હોય છે. દક્ષિણવાળાને પૂછો તો એ કહેશે કે ઉત્તરની પ્રજા ખાઉધરી અને ‘અસંસ્કૃત’ છે. દક્ષિણવાળા ભાગ્યે જ રસ્તા પર થૂંકે, જ્યારે ઉત્તરવાળા તો ગાળો ય થૂંકની જેમ કાઢે. આધુનિક ચીનના રચયિતા ડેંગ ઝિયાપોંગના 80ના દાયકાના સુધારીકરણમાં, ઉત્તરની સરખામણીમાં દક્ષિણનો વિકાસ બહુ ઝડપથી થયો હતો અને એમાંથી એક ડર પ્રચલિત થયેલો કે ચીનની સંસ્કૃતિમાં ‘સરકારી ઉત્તર’ અને ‘ધંધાદારી દક્ષિણ’ વચ્ચેની ખાઈ મુસીબત સર્જશે.

લૂ સૂન નામના પ્રખ્યાત લેખકે લખ્યું હતું, “મારી દૃષ્ટિએ ઉત્તરવાળા નિષ્ઠાવાન અને ઇમાનદાર છે. દક્ષિણમાં લોકો કુશળ અને તેજ દિમાગ છે.” ૧૭મી સદીનો શેંગ સ્તુ નામનો ચાઇનીઝ રાજા કહી ગયો હતો કે, “ઉત્તરવાળા મજબૂત છે. એમણે દક્ષિણવાળાના તરંગી ખોરાકની નકલ ન કરવી જોઇએ કારણ કે એ લોકો નબળા છે, જુદી આબોહવામાં રહે છે અને તેમનાં પેટ તથા આંતરડાં જુદાં છે.”

દક્ષિણ ચીન-ઉત્તર ચીનના વિભાજનના તર્કને જરા વધુ ખેંચીએ તો વિશ્વ પણ પ‌શ્ચિ‌મ અને પૂર્વમાં વહેંચાયેલું છે. સાયકોલોજિસ્ટ કહે છે કે પ‌શ્ચિ‌મની ઘઉં પ્રેમી જનતા વ્યક્તિ કેન્દ્રિ‌ત, વિશ્લેષણાત્મક મગજવાળી છે. તેની સરખામણીમાં ચોખા ખાતા પૂર્વીય લોકો સમૂહપસંદ અને કોઠાસૂઝવાળા છે.

ભારતમાં ઉત્તર ભારતીયોને ‘ભૈયા’ અને દક્ષિણ ભારતના લોકોને ‘મદ્રાસી’ કહીને ઉતારી પાડવાની વૃતિમાં પણ ઘઉં-ચોખાની ભૂમિકા છે? દક્ષિણમાં ચોખા મુખ્ય ખોરાક છે. ત્યાંના ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં ડાંગરની ખેતી વધુ થાય છે, જ્યારે સમશીતોષ્ણ ઉત્તરની ભૂમિ ઘઉં માટે વધુ ફળદ્રુપ છે. દક્ષિણમાં પણ રોટી ખવાય છે પણ તે ચોખાની બને છે. ઉત્તરમાં જે ચોખા ખવાય છે તે લાંબા, ઓછા ચીકાસવાળા અને ખુશ્બોદાર હોય છે.

1876-78માં, ભારતમાં દુષ્કાળ પડયો, ત્યારે મદ્રાસના તત્કાલીન સેનેટરી કમિશનર ડબલ્યુ. આર. ર્કોનીશે બ્રિટિશ સરકારના સલાહકાર સર રિચાર્ડ ટેમ્પલને બ્રિટિશરોએ ભારતમાં શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ તેનું વિવરણ કરતાં લખ્યું હતું કે ચોખા સુખી-સંપન્ન, વિલાસ અને ઉપલા વર્ગના, બ્રાહ્મણ લોકોનો ખોરાક છે. ભારતમાં આજે પણ ઘણા લોકો માને છે કે ચોખા ખાવાથી ઉજળા થવાય અને ઘઉં ખાવાથી કાળા.

1912માં, કલકત્તા મેડિકલ કોલેજના શરીરશાસ્ત્ર ડો. મેકેયે નોધ્યું હતું કે બંગાળ અને યુનાઇટેડ પ્રોવિન્સની જેલોના કેદીઓની સરખામણીમાં, ઉત્તરની જેલોના ખોરાકમાં ઘઉંની ઉપસ્થિતિના કારણે રોજનું 12થી 14 ગ્રામ વધુ નાઇટ્રોજન મળે છે. ચોખામાં એનું પ્રમાણ 8 થી 9 ગ્રામ છે.

1915 સુધીમાં ભારત સંબંધી બ્રિટિશ સૈનિક વિચારધારા અને વ્યૂહરચનામાં એ માન્યતા સ્વીકારાઇ ગઈ હતી કે ઉત્તર અને ઉત્તરપ‌શ્ચિ‌મના ઘઉં પ્રેમી પંજાબીઓ, પઠાણો અને બીજી જાતિઓ ઉમદા યૌદ્ધા પુરવાર થાય છે. જ્યારે ચોખા ખાતા બંગાળીઓ અને મદ્રાસીઓ દુર્બળ, ટૂંકા અને સ્ત્રૈણ છે.

બ્રિટિશરોના ચોખા-વિરોધી આ અભિગમની અસર બંગાળીના ભદ્રલોક પર પણ પડી હતી. 1929માં, આહાર સંબંધી ચર્ચામાં કલકત્તા મેડિકલ કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસર ચુનીલાલ બોઝે કહ્યું હતું કે ચોખામાં પોષક તત્ત્વો ઓછાં હોય છે અને ભારતમાં ઊંચા મૃત્યુદર તથા નીચા જન્મદર પાછળ ચોખા જવાબદાર છે.

ટૂંકમાં, આર્યો ઘઉં ખાતી જનતા હતી અને દ્રાવિડિયનો ચોખા પ્રેમી પ્રજા હતી એવું સમીકરણ બેસે છે. સિંધુ સંસ્કૃતિમાં ડાંગરની ખેતી થતી હોવાના પુરાવા છે. ભારતના એક પત્રકારે સાયકોલોજિસ્ટ થોમસ થેલ્હેમને આ ‘રાઇસ થીયરી’ અંગે ઇ-મેલથી પૂછ્યું હતું, તો એણે કહ્યું હતું, “ભારતમાં ચોખા ખાતા લોકો વિશાળ દિલના છે,” ગુજરાતીઓ પણ માફીપસંદ છે. ગુજરાતીઓ ફાંકા-ફોજદારી કરતા નથી. ‘વાણિયાની મૂંછ નીચી’ એવી કહેવત કદાચ ગુજરાતીઓની ‘દાળ-ભાતિયા’ માનસિકતામાંથી જ આવી હશે?

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 13 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કષ્ટથી મરે તે કસ્ટમર !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 August 2023

રવીન્દ્ર પારેખ

ગાંધીજીએ કહેલું કે કસ્ટમર ઈઝ ઓલ્વેઝ રાઇટ ! કસ્ટમર તમારો ભગવાન છે, એવું પણ કહેવાયું. તે પછી તો ઘણાં કસ્ટમરો ભગવાનને પ્યારા થઈ ગયા, પણ આજ સુધી કોઈ કસ્ટમર ભગવાન ગણાયો નથી. મારું ચાલે તો હું કસ્ટમર ઈઝ ઓલ્વેઝ ફૂલ કહું, કારણ, આજ સુધી સૌથી વધુ ગરજાઉ ગ્રાહક જ રહ્યો છે. તે એવી ખીંટી છે, જેના પર દુનિયાભરની મોંઘવારી અને ટેક્સ ટાંગી શકાય છે. ઘણીવાર તો સવાલ થાય કે તે ગ્રાહક છે કે ગધેડો? આટઆટલો બોજ પડે છે, તો ય કૈં બોલતો જ નથી ! એ બોજ જાણે બીજા પર પડતો હોય તેમ કસ્ટમર સમસમીને બેસી રહે છે, એટલે જ હું કષ્ટથી મરે તેને કસ્ટમર કહું છું. સરકારને માટે, સંસ્થાઓ માટે, કંપનીઓ માટે ગ્રાહક એવું રમકડું છે કે બધાં જ તેની સાથે રમે છે, તેને છેતરે છે, લૂંટે છે. પછી લૂંટાવામાં ય એવો રીઢો થઈ જાય છે કે એ પણ સરકારને, સંસ્થાઓને, કંપનીઓને લાગ જોઈને ઠગી લે છે. તે પછી પણ તેનો પનો તો ટૂંકો જ પડે છે. છેતરાવું ગ્રાહકની નિયતિ છે.

તમારું પાછું એવું છે કે રોજ છેતરાતાં હો તો પણ તમને મારી ખાતરી જોઈતી હોય છે. તે વગર તમે માનતા નથી. તો ઉદાહરણો આપું, બીજું શું? પતંજલિનો થોડા મહિના પર મિલ્ક પ્રોટીન શેમ્પૂ લાવ્યો. 105 રૂપિયાની 200 એમ.એલ.ની બોટલ આવી. એ જ શેમ્પૂ ગયે અઠવાડિયે ફરી લાવ્યો તો ભાવ થયો 120 રૂપિયા અને શેમ્પૂ આવ્યો 180 એમ.એલ. ભાવ 15 રૂપિયા વધ્યો ને શેમ્પૂ 20 એમ.એલ. ઘટ્યું. એક સમય હતો જ્યારે બજેટમાં જ ભાવ વધતા. હવે બજેટમાં તો વધે જ છે, પણ બજેટ ઉપરાંત પણ, કોઈ પણ કંપની ભાવ વધારે છે. કેટલીક કંપનીઓ એટલી ઉસ્તાદ છે કે ભાવ વધારે છે ને સમાંતરે વસ્તુનું વજન ઘટાડે છે, તો કેટલીક કંપનીઓ ભાવ એ જ રાખીને માલ ઘટાડે છે. બ્રિટાનિયાની બિસ્કિટ 10 રૂપિયામાં થોડા મહિના પર 50 ગ્રામ મળતી હતી, તે હવે 35 ગ્રામ મળે છે. પાર્લે જેવી કંપની તો 10 રૂપિયાનાં મોનેકોનાં 50 ગ્રામ બિસ્કિટ પર 10 ટકા બિસ્કિટ ફ્રી આપે છે. એટલે કે 50 ગ્રામ પર 5.1 ગ્રામ ફ્રી. હવે વજન એકઝેટ 55.1 ગ્રામ જ છે એવું કોઈ ગ્રાહક તોલતો નથી, પણ 5.1 ગ્રામ વધારે મળે છે એટલે પ્રેમથી ભચડી જાય છે. આટલી બધી મોંઘવારી છે, તો ય કેટલુંક તો ફ્રી જ મળે છે ને આ ફ્રીવાળું કલ્ચર પણ ગજબ છે. એક પર એક ફ્રી પર ગ્રાહકો એટલા ખુશ હોય છે કે માનો પત્ની કે પતિ એક પર એક ફ્રી મળતાં હોય ! ટૂંકમાં, ગ્રાહકો મૂળે જ લાલચુ હોય છે ને કૈં પણ ફ્રી મળે કે તે લેવા દોટ મૂકે છે. એ તો સારું છે કે ભૂસાં પર ચટણી ફ્રી મળે છે, તો 500 ગ્રામ ચટણી પર ગ્રાહક 5 ગ્રામ ભૂસું ખરીદતો નથી, બાકી, એમ પણ કરે.

હવે શું છે કે બધું તૈયાર મળતું થયું છે એટલે ગૃહિણીઓને રાંધવામાંથી ઠીક ઠીક મુક્તિ મળી છે, પરિણામે તે હવે બીજું ઘણું ‘રાંધી’ શકે છે. મોટે ભાગે શહેરો હવે શનિ-રવિમાં હોટેલોમાં હાજરી પુરાવીને હોજરી ભરી લે છે. ઘણાં ઘરનું ખાવાથી કંટાળે છે તો ઘર જેવું ખાવાનું હોટેલોમાં શોધે છે. હોટેલમાં ચા પીતાં માખી નીકળે તો ગ્રાહક તે ડાહ્યો થઈને પી જાય એમ બને, કારણ જો વેઇટરને કહે કે ભાઈ, ચામાં માખી છે, તો પેલો સામેથી ચોંટશે કે 20 રૂપિયામાં તો માખી જ આવે, હાથી થોડો જ આવવાનો હતો ! ધારો કે કોઈ ઘરમાં જ ચા પીવા ઈચ્છે છે તો તેણે પીવામાં કેળવ્યું છે તે સ્વાવલંબન બનાવવામાં પણ કેળવવું પડે ને એવું ઘણું બધું શક્ય છે કે બનાવનાર મીઠી બનાવવા જતાં ચા મીઠાવાળી બનાવી મૂકે.

હવે તો એવી સગવડો થઈ છે કે ઘણી બધી કંપનીઓ જોઈતી ચીજવસ્તુઓ બારણે હાજર કરી દે છે. એમેઝોન, ઝોમેટો જેવી ઘણી કંપનીઓ આવી સેવાઓ, વત્તોઓછો ચાર્જ વસૂલીને આપે છે. જતે દિવસે એવી સેવાઓ આવે તો નવાઈ નહીં કે જોઈતી ઘડિયાળ હાથમાં પહેરાવી જાય કે બર્થડે કેક પહોંચાડે એટલું જ નહીં, મોઢે ચોપડીયે જાય. પિત્ઝા તો આવી જાય, પણ રિસાયેલા પતિને ઝોમેટોવાળો આવીને મોઢામાં ઓરી જાય, તે ય ટોમેટો સોસ સાથે એવા દિવસો હવે દૂર નથી. ઝોમેટોનો ટોમેટો (કેચ અપ) ઝિંદાબાદ ! એવું બને તો નવાઈ નહીં કે પિત્ઝા ચાવવાની તકલીફ હોય તેને સર્વિસ પ્રોવાઈડેર ચાવી પણ આપે. ખાનારે પછી તેને હોજરીમાં ઉતારવાનો જ રહે. શરત એટલી કે આ બધાં માટે તમારી પાસે રામનાં કે હરામનાં ભરપેટ પૈસા હોવા જોઈએ. એવું પણ બને કે સોના કરતાં ઘડામણ ભારે પડે. પણ, લૂંટાવા તૈયાર હો તો ધારો તે સર્વિસ મેળવી શકાય એમાં ના નહીં !

અમદાવાદની એક મહિલાએ ઝોમેટોની મોબાઈલ એપ્લિકેશન પરથી 60નાં એક એવાં ત્રણ પેક થેપલાંનો  ઓર્ડર મૂક્યો. બધા ટેક્સ સાથે 249નું બિલ ડિલિવરી બોય લઈને આવ્યો. ચૂકવી દીધાં પછી મહિલાએ બિલ ચેક કર્યું તો 60 રૂપિયાનાં થેપલાંનો કન્ટેનર ચાર્જ 60 રૂપિયા હતો. તેણે ઝોમેટોનો કોન્ટેક્ટ કર્યો તો ચાર્જ થેપલાંવાળાએ લગાવ્યો છે તેવો જવાબ આવ્યો. મહિલાએ રેસ્ટોરન્ટનો કોન્ટેક્ટ કર્યો ને કહ્યું કે આ 60નાં થેપલાં પર 60નો કન્ટેનર ચાર્જ ખોટો છે. વધુ ખાતરી કરવા રેસ્ટોરન્ટને એટલાં જ થેપલાંનો ઓર્ડર મહિલાએ ફરી કર્યો, તો કન્ટેનર ચાર્જ 40 રૂપિયા લાગ્યો. આ અંગેનો ખુલાસો રેસ્ટોરન્ટ માલિકે ન કર્યો, કારણ તે ત્યાં હાજર ન હતો. આવે વખતે મોટે ભાગે માલિકો હાજર હોતા નથી ને ગ્રાહક પણ ફરી છેતરાવાની તૈયારી સાથે ધંધે વળગે છે.

સાદો સવાલ એટલો છે કે ફૂડનો ઓર્ડર કરનારને પેકિંગ ચાર્જ કેવી રીતે લાગે? એ મુદ્દે રાજકોટના એક વિદ્યાર્થીએ પણ 35 રૂપિયા પેકિંગ ચાર્જ વસૂલતી ત્રણેક કંપનીઓ પર કેસ કર્યો તો કોર્ટે પેકિંગ ચાર્જ ગેરકાયદેસર વસૂલાય છે, એવો ચુકાદો આપી 35 રૂપિયા પરત અપાવ્યા. તે ઉપરાંત પેનલ્ટી અને કોર્ટ ખર્ચ પેટે હજાર હજાર રૂપિયા ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો. કમનસીબી એ છે કે એ પછી પણ કંપનીઓ પેકિંગ ચાર્જ વસૂલતાં અચકાઈ નથી. પેલા વિદ્યાર્થીએ કંપનીઓને ફરી નોટિસ આપી છે કે આ ચાર્જ બંધ નહીં થાય તો ફરી કેસ કરીશ. કોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી કે આ પ્રકારે ચાર્જ વસૂલતી કંપનીઓ સામે ફરિયાદ થાય તો કંપનીને મોટો દંડ થઈ શકે. હવે પેલા વિદ્યાર્થીએ ફરિયાદ કરી ને કોર્ટે ચુકાદામાં દંડ પણ ફટકાર્યો તો ય કંપનીઓ ચાર્જ વસૂલવામાં શરમ ન અનુભવતી હોય તો એનો અર્થ એ થયો કે કોર્ટના ચુકાદાનો મલાજો પણ કંપનીઓ જાળવતી નથી. કોર્ટ કહે છે કે ફરિયાદ થાય તો કંપનીઓને દંડ થઈ શકે તો પ્રશ્ન એ થાય કે એક વખતની ફરિયાદ ને તેનો ચુકાદો સાર્વત્રિક અસર કરનારો ખરો કે કેમ? કે દરેક વખતે ગ્રાહકે કામધંધા છોડીને કેસ કરવાનો ને કોર્ટને બારણે જ ચુકાદો આવે ત્યાં સુધી પડી રહેવાનું?

સાચું તો એ છે કે આવી કંપનીઓ ને તેની સાથે જોડાયેલી રેસ્ટોરન્ટ્સ હરામનું શોધે છે. રેસ્ટોરન્ટમાં સર્વ થતી આઇટેમના ભાવ ને તેની ક્વોન્ટિટી ઓનલાઈન ઓર્ડર પર એટલી જ હોય છે કે વધારે-ઓછી તે જે તે કંપનીઓએ પોતાને પૂછી લેવા જેવું છે. જે કન્ટેનર મોકલાય છે તેનાં પર જે તે રેસ્ટોરન્ટની જાહેરાત હોય છે. મતલબ કે તે પોતાની જાહેરાતનો ખર્ચ પણ ગ્રાહકો પાસેથી વસૂલે છે. થોડાં વર્ષો પર શોપિંગ મોલ્સ વાળાઓએ પ્લાસ્ટિક બેગનો ચાર્જ વસૂલવાનું શરૂ કરેલું. એ બેગ પર પણ જે તે મોલની જાહેરાતો છપાતી હતી. એનો ઊહાપોહ થયો તો કેટલાંકે તે લેવાનું બંધ કરેલું, પણ ક્યાંક હજી બેગના પૈસા વસૂલાય છે ને ગ્રાહકો તે હોંશે હોંશે ચૂકવે પણ છે.

આવું મફતનું તો કંપનીઓ શોધતી જ હોય છે. એ તો સારું છે કે કોઈ મદ્રાસી હોટેલમાં ઢોસો હાથમાં નથી અપાતો ને પાણી, પ્લેટ ઘરેથી લાવવાનું નથી કહેવાતું. જતે દિવસે એવું થાય તો નવાઈ નહીં. બિલમાં ખુરશી ચાર્જ, પાણી ચાર્જ, બેઠાં એટલા સમયનો ને એન્ટ્રી માટે રાહ જોઈ એનો ચાર્જ વસૂલાતો નથી એટલો હોટેલોનો ઉપકાર. જો એનો ચાર્જ વસૂલાતો ન હોય તો કન્ટેનરનો ચાર્જ વસૂલાય કેવી રીતે? હોટેલોમાં થતો વાસણોનો ઉપયોગ ઓનલાઈન ઓર્ડર પર ન થતો હોય તો જે તે આઇટેમનો ચાર્જ એટલો ઘટવો જોઈએ, પણ તેને બદલે પેકિંગ ચાર્જ વધારાનો લેવાય છે. એ ખોટું છે ને તે વહેલી તકે બંધ થવું જોઈએ. બિસ્કિટ કે ચોકલેટ વેચતી, આટાદાલ વેચતી કંપનીઓ બિસ્કિટ કે ચોકલેટ કે લોટ છૂટો વેચે છે કે તે પોતાનાં પેકિંગમાં વેચે છે? એનો ચાર્જ જુદો ન વસૂલાતો હોય તો પેકિંગ ચાર્જ અલગથી લેવાનુ યોગ્ય છે? પણ, એમાં વાંક ગ્રાહકોનો છે. એની પાસે પૈસા હરામના આવ્યા હોય તેમ એ કોઈ પણ એવા જ હરામના ચાર્જ ચૂકવવા તલપાપડ થઈ જાય છે. એને વાંધો જ નથી પડતો લૂંટાવાનો. એણે એમ કહીને લૂંટાવા માટે જાતને ખુલ્લી મૂકી દીધી છે કે અમારી જિંદગી કાપી કાપીને તમારો ઓક્સિજન ભલે વધારો. પણ કુદરત તો એનો ન્યાય કરે જ છે. ગમે તેવી મહાન વ્યક્તિને ગમે એટલાં ઓક્સિજન સિલિન્ડર ચડાવો તો પણ, વધારાનો એક શ્વાસ મળતો નથી. તમે કોઈને લૂંટો છો તો કોઈ તમને ય લૂંટે છે ને સિલકમાં તો ખોટ જ બચે છે. કેવું છે આ કે આખો પૃથ્વીનો ગોળો નામે થઈ જાય તો ય એ તો અહીં જ ફરતો રહે છે ને આપણે એવા ચકરાવે ચડીએ છીએ કે ક્યાં ય શોધેલાં જડતાં નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2023

Loading

અમેરિકન લોકતંત્ર બરાબર વમળમાં ફસાયું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2023

અમેરિકામાં રાજકીય સ્થિતિ અકલ્પનીય બની રહી છે અને અમેરિકનો શરમ પણ અનુભવી રહ્યા છે. એક બાજુ કાયદો અને કાયદાનું રાજ છે અને બીજી બાજુ લોકશાહી છે જેમાં મતદારને પોતાની પસંદગીની વ્યક્તિને ચૂંટવાનો અધિકાર છે. કાયદા અને કાયદાના પાલનની યંત્રણા તેમ જ ન્યાયતંત્ર એટલાં શક્તિશાળી અને સ્વતંત્ર છે કે ચમરબંધીને પણ જેલભેગા કરી શકે અને નાગરિકને એટલું અબાધિત લોકતાંત્રિક સ્વાતંત્ર્ય છે કે તે ગામના ઉતાર જેવા માણસને પણ ચૂંટી શકે.

અહીં એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસ ગામના ઉતાર જેવો હોય, નીચ હોય, સજાપાત્ર ગુના કર્યા હોય, સત્તાના દુરુપયોગ કરવાના ગુના માટે અભિયોગ (ઇમ્પીચમેન્ટ) ચાલ્યો હોય, જેલમાં ગયો હોય અથવા આરોપ જોતાં જેલ નિશ્ચિત હોય તો એવો માણસ ચૂંટણી કઈ રીતે લડી શકે? સત્તા તો બહુ દૂરની વાત છે.

આ જ તો મોકાણ છે. અમેરિકન બંધારણ મુજબ આવા માણસ પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે કે તે નૈતિક ધોરણે ચૂંટણી લડે જ નહીં અને જો તે ચૂંટણી લડે તો નાગરિકો એવા માણસને ચૂંટે નહીં. એવો કોઈ નીચ માણસ ઓછો હોય જે ગુનેગાર સાબિત થયા પછી પણ શરમાયા વિના ચૂંટણી લડે અને જો કોઈ બેશરમ એવું કરે તો પણ લોકો થોડા એવા બેવકૂફ હોય કે નીચને મત આપીને ચૂંટે! ઉમેદવાર અને નાગરિક એમ બન્ને પાસેથી વિવેકની અપેક્ષા રાખવામાં આવી છે.

અમેરિકન રાજકારણમાં અત્યાર સુધી અપેક્ષાએ પરિણામ આપ્યું છે. ૧૯૭૪માં ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિકસને અને ૧૯૭૩માં ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્પીરો એગન્યુએ ભ્રષ્ટાચારના આરોપ થતાં રાજીનામાં આપી દીધાં હતાં. ૧૯૮૪માં ગેરી હાર્ટ નામના પ્રમુખપદના ઉમેદવાર સામે લગ્નબાહ્ય જાતીય સંબંધોનો આરોપ થતાં તેઓ પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી ગયા હતા. બીજા એક કાઁગ્રેસમેન એન્થની વેઈનરે સેક્સ સ્કેન્ડલ બહાર પડતાં ૨૦૦૫માં કાઁગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ લોકોએ એ પછી ક્યારે ય ચૂંટણી લડી નહોતી એટલે અમેરિકન નાગરિકને વિવેક કરવાનો વખત નહોતો આવ્યો.

પણ આ વખતે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપ છે, બે ઇમ્પીચમેન્ટ થયા છે અને ત્રણ આરોપમાં પ્રથમદર્શની કેસ છે એમ સ્વીકારીને અદાલતે આરોપનામાં દાખલ કર્યાં છે. હજુ એક કેસ ઊભો છે અને તેમાં પણ તેની સામેના આરોપ અદાલત સ્વીકારે એવી શક્યતા છે. એમાં સૌથી મોટો ગુનો તો ૨૦૨૧ની ઘટના છે. પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાયડન સામે ટ્રમ્પ હારી ગયા ત્યારે તેમણે પરિણામ સ્વીકારવાની જ ના પાડી દીધી હતી અને સમર્થકોને ઉશ્કેર્યા હતા કે ચૂંટણીમાં ઘાલમેલ કરવામાં આવી છે અને તેઓનો ઈરાદો શ્વેત ખ્રિસ્તી અમેરિકનો પાસેથી સત્તા છીનવી લેવાનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શ્વેત ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે સત્તાબહાર કરવામાં આવ્યા છે. ટ્રમ્પની ઉશ્કેરણીથી કેટલાક લોકો જ્યાં અમેરિકન સચિવાલય આવેલું છે એ કેપિટલ હિલના મકાન પર ચડી ગયા હતા અને ભાંગફોડ કરી હતી. છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૧નો એ દિવસ અમેરિકન ઇતિહાસમાં એ કાળો દિવસ હતો.

ટ્રમ્પની જેલ લગભગ નિશ્ચિત છે, પણ આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી ફરીવાર લડવાના છે અને અમેરિકામાં ચૂંટણી પૂર્વે યોજાતી પ્રાઈમરીમાં ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો કરતાં ઘણાં આગળ છે. અમેરિકામાં રિવાજ એવો છે કે પ્રમુખપદની ચૂંટણી પૂર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગી માટે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાય છે જેને પ્રાઈમરીઝ કહેવામાં આવે છે. પ્રાઈમરીઝમાં જે સૌથી વધુ મત મેળવે તેને પક્ષ સત્તાવાર રીતે પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરે છે. અત્યારે રિપબ્લિકન પાર્ટીના કુલ ૧૪ ઉમેદવાર મેદાનમાં છે અને તેમાં ટ્રમ્પ આગળ છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ ટ્રમ્પને પ્રથમ નજરે દોષી ઠરાવવામાં આવે છે ટ્રમ્પની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પ તેમના પ્રતિસ્પર્ધી કરતાં બે ડગલાં આગળ જાય છે.

ટ્રમ્પ સામેનું ત્રીજું આરોપનામું સ્વીકારાયું ત્યારે લંડનથી પ્રકાશિત થતા ‘ધ ગાર્ડિયન’ નામનાં અખબારે મથાળું બાંધ્યું હતું કે પ્રમુખપદની આવતી ચૂંટણીમાં દરેક નાગરિક જજ હશે. એ નાગરિક પણ હશે અને ન્યાયાધીશ પણ હશે. જે માણસ નીચ છે, નફ્ફટ છે, બેશરમ છે, માથાભારે છે, કાયદા મુજબ ગુનેગાર હોય તો ભલે ગુનેગાર રહ્યો; પણ એ અમારો નેતા છે અને એવો માણસ જ અમને સત્તામાં જોઈએ છે. અમને મર્યાદામાં માનનારો સભ્ય અને સંસ્કારી માણસ પ્રમુખ તરીકે નથી જોઈતો, પણ માથાભારે માણસ જોઈએ છે જે શ્વેત ખ્રિસ્તીઓનું રાજ્ય સ્થાપી આપે અને મુસલમાનો, કાળાઓ, એન.આર.આઈ.ઝ જેવા વિદેશથી આવીને અમેરિકામાં સ્થાયી થયેલા વસાહતીઓ, કાયદાના રાજમાં માનનારા ઉદારમતવાદીઓને દબાવીને રાખે. સીધાદોર કરે અને મોકો મળે ત્યારે અમેરિકામાંથી તેમને ખદેડી કાઢે. અમેરિકાના લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે નાગરિકોના એક ખાસ્સા મોટા વર્ગે નીચતાને સ્વીકૃતિની મહોર મારી છે.

ગર્વ સે કહો હમ નીચ હૈ અથવા અમે તો નીચતાના પૂજારી છીએ એવું નાગરિકો એક દિવસ કહેશે, એટલું જ નહીં એવા માણસને પ્રમુખ બનાવવા સુધી રાજકીય સક્રિયતા દેખાડશે એની કલ્પના ક્યારે ય કોઈએ નહોતી કરી. અનુમાન તો એવું હતું કે જાહેરજીવનમાં કોઈની શિથીલતા પકડાઈ જાય તો એ માણસના જાહેરજીવનનો એની મેળે જ અંત આવી જાય. એવો માણસ ચૂંટણી લડે નહીં અને લડે તો લોકો મત આપે નહીં.

પ્રાઈમરીઝમાં ટ્રમ્પની સફળતા જોતાં તેઓ રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના સત્તાવાર ઉમેદવાર બને તો આશ્ચર્ય નહીં. પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવે અને ફરીવાર પ્રમુખ બને તો પણ આશ્ચર્ય નહીં. અને શક્યતા તો પૂરી છે કે તેમને જેલની સજા પણ થાય. જો આમ બને તો અમેરિકાની સ્થિતિ કેવી થાય? રિપબ્લિકન પાર્ટીમાં આ વાતે કેટલાક લોકો ચિંતિત છે. રિપબ્લિકન પાર્ટી સામાજિક અને ધાર્મિક બાબતે રૂઢિચુસ્ત જરૂર છે, પણ નીચતાની સમર્થક નથી. ટ્રમ્પની સાથે પાર્ટીના સમર્થકો પણ નીચતાની દિશામાં એક ડગલું આગળ ગયા છે અને એ તેમને માટે ચિંતાનો વિષય છે. પક્ષ પાછળ રહી ગયો છે અને ટ્રમ્પ અને તેમના સમર્થકો પાર્ટીને લઈને આગળ નીકળી ગયા છે.

કૅરી લેક નામની એક અમેરિકન ટી.વી. એન્કરની ઝેર ઓકવાની ક્ષમતા જોઇને ટ્રમ્પે તેને શાબાશી આપી અને એવો સંકેત આપ્યો કે તે તેમની ઉપપ્રમુખપદની ઉમેદવાર હોઈ શકે છે. પછી શું જોઈએ. કેરીબહેન એટલા ગેલમાં આવી ગયાં કે તેમણે જાહેરમાં અભિપ્રાય આપ્યો કે સ્ત્રીનું સ્થાન સમાજમાં પુરુષ કરતાં ઉતરતું છે અને હોવું પણ જોઈએ. સ્ત્રી-પુરુષ સમાનતા હંબક છે.

આવા યુગની કલ્પના કરી હતી?

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 13 ઑગસ્ટ 2023

Loading

...102030...891892893894...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved