Opinion Magazine
Number of visits: 9560750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-2

સ્વાતિ જોષી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|23 October 2023

‘સામાજિક એકીકરણના બળ તરીકે કામદાર સંગઠનવાદનો ઉદય અને પડતી’ લેખમાં યાન બ્રેમાન મજૂર મહાજન સંઘની દલિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. મિલોમાં દલિતોની આર્થિક જીવનરીતિ સુધરી પરંતુ સંઘના નેતાઓ સવર્ણ હોવાથી જે નિર્ણયો કરે એમાં દલિતો અને બીજા સભ્યોનો કોઈ સક્રિય હિસ્સો ન હતો. દલિતો સામે ભેદભાવ મિલોમાં પણ ચાલુ હતો. કેન્ટીનમાં સવર્ણ અંદર જમવા બેસતા જ્યારે દલિતો બહાર જમવા બેસતા. સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ ફેલાયેલી હતી. જાતિ ભેદભાવને લીધે મજૂરોની એક વર્ગ તરીકે એકતા ન સ્થપાઈ. ૧૯૮૦ના દશકમાં જ્યારે અમદાવાદમાં મોટા ભાગની મિલો બંધ થઈ ત્યારે મજૂર મહાજન સંઘે કોઈ વિરોધ કર્યો નહીં અને કામદારોના હક માટે કોઈ લડ્યું નહીં.

મિલો બંધ પડવાથી એક લાખથી વધુ કામદારો, દલિત તેમ જ મુસ્લિમ, બેકાર બન્યા અને અસંગઠિત ક્ષેત્રમાં ધકેલાયા. એમની રોજ બ-રોજની જિંદગીમાં અનિશ્ચિતતા અને ચિંતા ઊભી થઈ. કેવળ પૈસા માટે એ કોઈ પણ કામ કરવા તૈયાર થયા. સંઘ પરિવારે આ પરિસ્થિતિનો લાભ લીધો. મિલોમાંથી બેકાર બનેલા દલિતો વચ્ચે રાહત કામ કર્યું અને તેમની સહાનુભૂતિ મેળવી. ૧૯૮૦ના દશકમાં અનામત વિરોધી આંદોલનમાં શરૂઆતમાં સવર્ણ આંદોલનકારીઓએ દલિતોને નિશાન બનાવ્યા ત્યારે દલિત-મુસ્લિમ એકતાનું પ્રદર્શન થયું. પરંતુ પછીથી બીજા આંદોલનમાં સિફતથી જમણેરી તત્ત્વોએ અનામત વિરોધી આંદોલનને મુસ્લિમ વિરોધી આંદોલનમાં બદલ્યું અને આંતરજાતીય ઘર્ષણ એ આંતરસમુદાયનું ઘર્ષણ બન્યું. જમણેરી રાજકીય બળો જે દલિતો અને મુસ્લિમોને કોમવાદી ઓળખમાં વિભાજિત કરવા ઉત્સુક હતાં એમણે આ બદલાયેલી આર્થિક પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને એ સફળ થયાં. દલિતોને જ્યારે અનામતની નીતિથી આશા જાગી ત્યારે હિંદુ પરિબળોએ તેમને કોમવાદી વિભાગોમાં વહેંચીને નિર્બળ બનાવ્યા, ૧૯૮૦ના દશકમાં આમ ગુજરાતમાં સમાજનું કોમવાદીકરણ સંપૂર્ણ થયું.

દલિતોને હિંદુઓએ નિયંત્રણમાં લીધા અને મુસ્લિમો અને દલિતો એકબીજાના દુ:શ્મન બન્યા, ત્યાં સુધી કે એકબીજાને મારવા તૈયાર થયા. યાન બ્રેમાન કહે છે તેમ શહેરની અર્થવ્યવસ્થામાં શ્રમનો અને શ્રમિકોનો સંગઠિત ક્ષેત્રમાંથી નિકાલ અને ૨૦મી સદીના અંતે થયેલી કોમવાદી હિંસા વચ્ચે સીધો કારણ-શોધક સંબંધ છે. ૧૯૮૦ના દશકમાં બદલાયેલાં આર્થિક અને સામાજિક સમીકરણોને કારણે હિંદુત્વ વિચારધારા એક રાજકીય શક્તિ તરીકે ગુજરાતમાં ઊભી થઈ. આદિવાસીઓ અને દલિતોને રામ જન્મભૂમિ યાત્રા માટે અને પછી બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે સક્રિય કરવામાં આવ્યા. ૨૦૦૨ના જનસંહારમાં દલિતોએ લૂંટ અને મુસ્લિમોને મારી નાખવામાં ભાગ ભજવ્યો. વ્યવસ્થિત યોજના મુજબ ટોળાંઓએ, જેના દલિતો પણ ભાગ હતા, પોલીસના પ્રોત્સાહન અને રક્ષણ નીચે, જનસંહારને શક્ય બનાવ્યો. ઘનશ્યામ શાહના કહેવા મુજબ એ જરૂરી નથી કે દલિતોનું હિંદુત્વની વિચારધારાને કે ભા.જ.પ.ને સમર્થન હતું કે કોમવાદથી પ્રેરાઈને એ હિંસામાં જોડાયા હતા. આ દર્શાવે છે કે દલિતોનો સવર્ણ સાથેના સંબંધનો પ્રશ્ન વિરોધાભાસોથી ભરેલો છે.

ચૂંટણીના રાજકારણમાં પણ જમણેરી બળોએ કેવી રીતે ગુજરાતમાં ઈંટ પર ઈંટ મૂકીને પોતાની સત્તાનું નિર્માણ કર્યું એનું વિસ્તૃત વર્ણન પુસ્તકમાં છે. આર.એસ.એસ. અને હિંદુ મહાસભા ગુજરાતમાં ૧૯૩૦થી કાર્યરત છે. આર.આર.એસ.એ ૧૯૫૦ના દશકમાં શહેરી યુવાનોને સ્વયંસેવક બનાવવાનું શરૂ કર્યું. ૧૯૫૬માં ‘સાધના’ સામયિક દ્વારા પોતાની વિચારધારા ફેલાવવાનું શરૂ કર્યું અને ૧૯૬૦ના દશકથી એણે નાગરિક સમાજમાં, ખાસ તો હિંદુ મધ્યમ વર્ગમાં, પોતાનો પગ જમાવવા જમીની સ્તરે ઘણું કામ કર્યું. સવર્ણના આધિપત્યવાળા સમાજની અંદર દાખલ થવા સેવા અને સંસ્કારનું વલણ ધરાવતી ‘ભારત વિકાસ પરિષદ’ સ્થાપી. મુસ્લિમ વિરોધી પોતાની વિચારધારા ફેલાવવાનું અને ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે ચર્ચા વહેતી કરવાનું શરૂ કર્યું. ૧૯૬૯નાં કોમી રમખાણોમાં એણે પોતાની શક્તિ અને સત્તાનો સમાજમાં પરચો બતાવ્યો. ૧૯૬૭માં ભારતીય જનસંઘે ગુજરાતમાં ચૂંટણી લડવાનું શરૂ કર્યું અને ૧૯૬૯માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા ત્યાર પછી કાઁગ્રેસ (ઓ) સાથે ગઠબંધન કર્યું. ૧૯૭૦ના દશકમાં નવનિર્માણ આંદોલનનો ઉપયોગ એ.બી.વી.પી.એ વંચિતોની આકાંક્ષાઓ સામે મધ્યમ વર્ગના ઘમંડને ઉકસાવવામાં કર્યો.

ઘનશ્યામ શાહ

૧૯૭૫માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ જનતા મોરચાની સ્થાપના થઈ જેમાં જનસંઘ એક ઘટક હતું. એ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘના ૪૦ ઉમેદવારો હતા અને મંત્રીમંડળમાં ૩ મંત્રીઓ હતા. ૧૯૮૦માં જનસંઘનો નવો અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ઓળખાયો, જેનું આર.એસ.એસ. સાથે જોડાણ ચાલુ રહ્યું અને એણે પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ આર.એસ.એસ.ની વિચારધારાવાળા એજન્ડાને અનુસરવા માટે કર્યો. ગુજરાત અને બિહારની ચળવળો, પછીથી નર્મદા બંધની ચળવળ વખતે, અને ઇંદિરા ગાંધીની વંચિત વર્ગો તરફી નીતિઓ સામે આર.આર.એસ.ને સવર્ણ મધ્યમ વર્ગમાં પોતાનો પાયો મજબૂત કરવાની તક મળી. આ ઉપરાંત ઇંગ્લેંડ અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે સંઘ પરિવારે સંપર્ક સ્થાપ્યો અને મોટા પ્રમાણમાં આર્થિક સહાયતા મેળવી. ૧૯૮૦ના દશકમાં જ્યારે કૉંગ્રેસે ઓ.બી.સી.નું રાજકારણ ચલાવ્યું તે દરમ્યાન ભા.જ.પે. સામાજિક સમીકરણો બદલવાનું કામ કર્યું અને છેવટે સમાજને ધર્મને આધારે વિભાજિત કર્યો. મજૂરોમાં વધતા જતા અસંતોષને શાંત પાડવા અને એમને હિંદુત્વના રાજકારણ તરફ વાળવા પક્ષ સક્રિય બન્યો. એક બાજુ ભા.જ.પે. સવર્ણોમાં પોતાની વગ મજબૂત કરવા અનામત આંદોલનને અંદરથી ટેકો આપ્યો. સાથેસાથે દલિતોને રાજી કરવા ‘સામાજિક સમરસતા મંચ’ શરૂ કર્યો. ૧૯૮૪માં ગુજરાતમાં સંઘ પરિવારે વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા બજરંગદળ શરૂ કરી અને તે પછી સ્ત્રીઓની બ્રિગેડ ‘દુર્ગા વાહિની’ શરૂ કરી. આ બંને એકમો સંઘ પરિવારના જમીની સ્તરે પોતાના કાર્યક્રમો આગળ ચલાવવા માટેની સેનાઓ બન્યાં, જે હિંસાનો ઉપયોગ કરતાં હતાં અને જેનાં સભ્યો મુખ્યત્વે શ્રમિક વર્ગનાં ઓ.બી.સી. અને દલિત સમૂહોનાં હતાં.

૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભા.જ.પ.ને લોકસભામાં માત્ર બે બેઠકો મળી અને ત્યારથી અડવાણીના નેતૃત્વ નીચે ઉગ્રવાદી હિંદુત્વનો રસ્તો ભા.જ.પે. અપનાવ્યો. ગુજરાતમાં ૧૯૮૭માં આદિવાસી પ્રદેશમાં રામ જાનકી યાત્રા, ૧૯૮૯માં રામ શીલા પૂજન યાત્રા, અને છેવટે ૧૯૯૦માં અડવાણીની અયોધ્યા યાત્રા જેનું ધ્યેય કોમવાદી ધ્રુવીકરણ હતું. એ બધી યાત્રાઓ સમાજમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવાની અને હિંદુ સ્વાભિમાનને જગાડવાની ઝુંબેશો હતી. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભા.જ.પ.ને ગુજરાતમાં ૨૬માંથી ૨૦ બેઠકો મળી.

ગુજરાત વિધાનસભામાં ૧૯૯૫માં ભા.જ.પ.નો પ્રથમ વાર વિજય થયો. પક્ષમાં સત્તાની સાઠમારી ચાલી અને ભંગાણ પડ્યું. ફરીથી ૧૯૯૮માં ચૂંટણી થઈ તેમાં ભા.જ.પ.ને ૧૧૭ બેઠકો મળી. કેશુભાઈ પટેલ નબળા મુખ્ય મંત્રી સાબિત થતાં નરેન્દ્ર મોદી જે એ સમયે રાષ્ટ્રીય કક્ષાએ જનરલ સેક્રેટરી હતા એ ૫૧ વર્ષની વયે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ૧૯૭૦ના દશકની વિદ્યાર્થી ચળવળ સાથે એ જોડાયેલા અને પછી કટોકટી દરમ્યાન નાગરિક સમાજની વધુ નજીક આવ્યા હતા. મુખ્ય મંત્રી તરીકે હિંદુ રાષ્ટ્રના ધ્યેયને પરિપૂર્ણ કરવા એમણે પક્ષને શિસ્તબદ્ધ કર્યો અને એમના નેતૃત્વ નીચે ગુજરાતનો ભા.જ.પ. સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. ૨૦૦૨ના જન સંહારમાં ભા.જ.પે. આત્યંતિક પગલાં લીધાં હતાં તેમ છતાં ચૂંટણીમાં એને ભારે બહુમતી મળી. જો આ જાતનાં પગલાં બીજા પ્રદેશોમાં લેવાય તો બીજે પણ રાજકીય સત્તા મળે. ગુજરાતની પ્રયોગશાળાનો આ સંદેશ હતો.

૨૦૦૨ પછી ગુજરાતને દેશમાં વિકાસના મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ વિકાસ કોને માટે એ મોટો પ્રશ્ન છે. ગુજરાત હંમેશાં આર્થિક વિકાસના ક્ષેત્રે મોખરે રહ્યું છે. પરંતુ મોટાભાગની પ્રજા માટે યોગ્ય રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણના પ્રશ્નો સુધર્યા નથી. આર્થિક વૃદ્ધિમાંથી વંચિત વર્ગો બહાર રહ્યા છે. કાયદાઓ હોવા છતાં સામાજિક ભેદભાવો યથાવત્ છે. ગુજરાતનું સુશાસનનું મોડેલ આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત છે, વ્યાપક, સમાવેશી વિકાસ પર નહીં. પુસ્તકના છેલ્લા બે વિભાગના લેખો હિંદુત્વના આધિપત્યના પ્રાદેશિકથી રાષ્ટ્રીય સ્તરે બદલાતા ફલક વિશે છે. ગુજરાતમાં સમાજને ધર્મને આધારે વિભાજિત કરવાના હિંદુત્વના સફળ પ્રયોગો ગુજરાતમાં રાજકીય બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ અજમાવવાના અને ગુજરાતના વિકાસના મોડેલને પણ બહુમતીવાદને મજબૂત બનાવવા આગળ ધરીને દેશમાં નફરતભર્યા કોમવાદને ફેલાવવાના ભા.જ.પ.ના પ્રયત્નો સફળ થયા છે.

પુસ્તકના લેખોમાં ગુજરાતમાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિબળોનાં બદલાતાં સમીકરણો દ્વારા હિંદુત્વના ઉછેર અને વર્ચસ્વની રજૂઆત છે જે ૨૦૦૨ના જનસંહારની પૂર્વ ભૂમિકા રજૂ કરે છે. ૨૦૦૨માં ફાટી નીકળેલી કોમી હિંસા અને જનસંહાર એ ગુજરાતમાં હિંદુત્વના સફળ પ્રયોગોની ચરમસીમા છે. એનાં વ્યાપ, સ્વરૂપ અને ધ્યેયમાં તેમ જ રાજકીય હેતુ અને પરિણામોમાં પહેલાંનાં રમખાણો કરતાં એ તદ્દન જુદી કક્ષાના છે. એનું પહેલું અને સૌથી ભયાનક પાસું એ હતું કે નાગરિક સમાજના જુદાજુદા સમૂહો આ સંહારમાં મુસ્લિમો સામે એક થયા. હિંદુત્વનો વિજય એમાં રહેલો છે કે એ એકબીજાનો વિરોધ કરતા સામાજિક સમૂહો-વર્ગો અને જાતિઓને પોતાના વાડામાં સમાવી શક્યું છે, જેમ કે ઉદ્યોગપતિઓ અને કામદારો, સવર્ણ અને દલિતો તેમ જ આદિવાસીઓ, ધનિકો અને ગરીબો, સ્ત્રીઓ અને પુરુષો. ૨૦૦૨માં ગુજરાતમાં કોમવાદી ધ્રુવીકરણ અને વિભાજન સંપૂર્ણ હતું. જમણેરી બળો વંચિત વર્ગોને ‘હિંદુ’ ઓળખ આપવામાં સફળ થયાં છે જે ખરેખર તો તેમના ખરા શોષણ અને અત્યાચારને ઢાંકે છે અને તેમના તરફથી પ્રતિકારની શક્યતાઓને ટાળી શકે છે.

યાન બ્રેમાન

દલિતો, કામદારો કે સ્ત્રીઓની જમીની સ્થિતિ ખરેખર તો બિલકુલ બદલાઈ નથી. બીજું, આ હિંસાના બનાવો ગુજરાતમાં ઘણી જગ્યાઓએ, પહેલાંની જેમ કેવળ શહેરોમાં જ સીમિત ન રહેતાં ગુજરાતનાં અનેક ગામોમાં, એકસાથે થયા હતા. ત્રીજું, આ બનાવો નિશ્ચિતરૂપે પૂર્વ યોજિત હતા. દરેક જગ્યાએ એકસરખો પ્રચાર અને પૂર્વ તૈયારી, મોટાં ટોળાંઓ દ્વારા એકસરખા હુમલાઓ અને લૂંટફાટ, મુસ્લિમ પુરુષોને અને સમુદાયને અપમાનિત અને પરાજિત કરી શકાય એ ચોક્કસ હેતુથી મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર, “મારો, કાપો, બાળો” જેવી ઉશ્કેરણીજનક કિકિયારીઓ, બધું યોજનાપૂર્વક બધી જગ્યાઓએ એકસાથે અનુસરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્ર-પોલીસ-ની ભૂમિકા સ્પષ્ટ હતી. આ જનસંહારના એ મૂક સાક્ષી હતા. બ્રેમાન કહે છે તેમ આ હિંસાના બનાવોમાં ૧૯૩૦ના દશકના જર્મનીના બનાવોની ઝાંખી થાય છે. ઉપરાંત, આ સંહારમાં મૂડીવાદીઓનું રાજ્યને સમર્થન હતું, જે એક મહત્ત્વની નવી ઘટના હતી.

બ્રેમાન સ્વીકારે છે કે ૨૦૦૨ની કોમવાદી હિંસાને રાજકીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જોવી જોઈએ. પરંતુ તેઓ એને સામાજિક ડાર્વિનવાદની અસર તરીકે જુએ છે, જેમાં નીચલા સ્તરના લોકોનું અસ્તિત્વ સતત જોખમમાં મુકાય છે અને શક્તિશાળી સમૂહોનું એમના પ્રત્યે અમાનવીય વર્તન હોય છે. નીચલા સ્તરની નવી આર્થિક વ્યવસ્થામાં છિન્નભિન્નતા, એક વર્ગ તરીકેની એકતાનો અભાવ, એ વાસ્તવિકતા છે પરંતુ જમણેરી તત્ત્વોની સત્તા અને આધિપત્ય દરમ્યાન નવા અસ્તિત્વમાં આવેલા મૂડીવાદ સાથેના એના સંબંધો ચકાસવા પણ જરૂરી છે.

પુસ્તકમાં હિંદુત્વની ગુજરાતમાં વૃદ્ધિ માટે જૂની અર્થવ્યવસ્થાના અંતને કારણે ઊભી થયેલી મોટા પાયા પરની બેકારીનો અને મજૂર મહાજન સંઘની નિષ્ફળતાનો યોગ્ય ઉલ્લેખ છે. પરંતુ ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં, ખાસ તો અમદાવાદમાં, થયેલા મૂડીવાદી અર્થવ્યવસ્થાના આમૂલ પરિવર્તનની વિસ્તૃત ચર્ચા પણ જરૂરી છે. ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીવાદી વ્યવસ્થાનો અંત આવ્યો એ સાથે જ જમણેરી તત્ત્વોનો ઉદય થયો. ત્યારથી એક નવા મૂડીવાદી વર્ગ અને હિંદુત્વનાં બળોએ ભેગાં મળીને કામ કર્યું છે. ઉદારીકરણની નીતિઓ અને કોમવાદ એકબીજાની સાથે હાથ મિલાવીને વધ્યાં છે.

અમદાવાદમાં ઔદ્યોગિક મૂડીવાદના સમયમાં કાપડની મિલોના ઉદ્યોગપતિઓ સમૃદ્ધ ઉચ્ચ જૈન અને વૈષ્ણવ જાતિના હતા. સદીઓથી ચાલી આવતી મહાજન પરંપરા જે ઘર્ષણો અને ઝગડાઓનો નિકાલ સમજૂતી અને સમાધાનથી લાવવા માટે જાણીતી હતી એ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંઘર્ષો ટાળતી હતી. આ વ્યાવહારિક વિચારધારા – જે મજૂર મહાજન સંઘે પણ અપનાવી હતી તેને કારણે અમદાવાદમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોવા છતાં ક્યારે ય મોટો વર્ગ વિગ્રહ થયો નહીં. રાજ્યની દખલગીરી આ વ્યવસ્થામાં નહિવત્ હતી. આ મૂડીવાદી વર્ગ પ્રમાણમાં રાજ્યથી સ્વતંત્ર હતો અને એથી રાજ્યમાં જ્યારે ઘર્ષણો પેદા થયાં ત્યારે એનાથી અલિપ્ત રહ્યો. એ નોંધપાત્ર છે કે ૧૯૬૯નાં કોમી રમખાણોમાં કરફ્યુ હોવા છતાં મિલો ચાલુ રહી, અને ઘણા મુસ્લિમ મજૂરો માર્યા ગયા હોવા છતાં મિલોની અંદર કોમવાદી ઝેર ફેલાયું નહીં.

૧૯૮૦ પછી જે નવાં મૂડીરોકાણો ઊભાં થયાં તે મધ્યમ જાતિઓમાંથી આવ્યાં હતાં. એમણે પાવર લૂમ અને મશીન ઉત્પાદનના ધંધા શરૂ કર્યા. બિન રહેવાસી, ગુજરાતીઓએ પણ ભારે ઉત્પાદન યંત્રોના ઉદ્યોગોમાં રોકાણ કર્યું. આ મધ્યમ જાતિના મૂડીવાદીઓ માટે હિંદુ ઓળખ સન્માન અને શક્તિની સૂચક હતી. બિન રહેવાસી ગુજરાતીઓ માટે પરદેશમાં ધાર્મિક રિવાજો અને ઉત્સવોની ઉજવણી હિંદુ ઓળખ માટે જરૂરી બની. આ સમૂહો ગુજરાતમાં હિંદુત્વ બળોને મજબૂત બનાવવામાં અને આર્થિક સહાય કરવામાં સક્રિય ભાગ ભજવે છે. ઉપરાંત ઉદારીકરણની નીતિઓને લીધે વિશ્વનાં બજારો સાથે સંપર્ક વધ્યો છે તેનો અને સરકારની ખાનગીકરણની નીતિઓનો લાભ આ નવા ઉદ્યોગપતિઓને મળ્યો છે. વર્તમાન સમયમાં રાજ્ય અને મૂડીવાદીઓ એકબીજાને મદદ કરીને સમૃદ્ધ બન્યાં છે જેને અંગ્રેજીમાં ‘ક્રોની કેપિટલીઝમ’ (દિલોજાન દોસ્તોનો મૂડીવાદ) કહે છે. આજે રાજ્ય, મૂડી અને જમણેરી તત્ત્વોનું મજબૂત જોડાણ અસ્તિત્વમાં આવ્યું છે. મૂડીવાદ અને રાજ્યની આ પ્રકારની નજદીકી આજે દેશની રાજકીય સ્થિતિનું પણ મુખ્ય બળ બન્યું છે. ઉચ્ચ વર્ગ અને જાતિનાં હિતો સાચવતી આ પરિસ્થિતિમાં સમાજના વંચિત વર્ગો અને લઘુમતી સમૂહો સતત હિંસા અને અત્યાચારના ભય નીચે જીવે છે.

આજે દેશમાં અને સમાજમાં હિંદુત્વનું વર્ચસ્વ છે. આ પુસ્તકમાં ગુજરાતને આ હાનિકારક કોમવાદના ઉછેરના સ્થાન અને સંદેશવાહક તરીકે વિગતે બતાવ્યું છે. દેશની આજની પરિસ્થિતિ સમજવા માટે, એનાં કારણો જાણવા માટે, દેશના મોટા ભાગના વંચિતો અને લઘુમતી સમુદાયો પર એની કેવી ભયાનક અસર થઈ છે એ વિશે ચિંતિત સૌ કોઈ માટે આ એક ખૂબ મહત્ત્વનું પુસ્તક છે.

(સંપૂર્ણ)  

પહેલો ભાગ : 

ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-1

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 17-18 તેમ જ 21

Loading

સત્યવ્રત – 

ઉમાશંકર જોશી|Opinion - Opinion|23 October 2023

એક વખત એક જૈન સાધુ વહોરવા (ભિક્ષાન્ન લેવા) નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતિ કરી કે, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’

સાધુ કહે, ‘ના, હું નહીં આવું.’

‘કેમ, મહારાજ ?’

‘કેમ કે તેં કોઈ વ્રત લીધું નથી.’

‘તો હું વ્રત લઉં. મને કોઈ વ્રત આપો. પછી તો આપ પધારશો ને ?’

‘બોલ, શાનું વ્રત લઈશ ? દારૂ ન પીવાનું વ્રત લઈશ ?’

‘ના મહારાજ, એ તે કેમ બને ? બીજું કોઈ વ્રત આપો.’

‘તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે.’

‘મહારાજ, જુગાર રમ્યા વગર કેમ ચાલે ?’

‘તો પછી વ્યભિચાર ન કરવાનું વ્રત રાખ.’

‘એ શું બોલ્યા મહારાજ ? એવું વ્રત કેમ લેવાય ?’

‘તો ચોરી નહીં કરું. એવું વ્રત લે.’

‘ખરા છો તમેય, મહારાજ, પછી હું ખાઉં શું ?’

‘તો સાચું બોલવું એટલું વ્રત લે.’

પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે તેમ નથી. તરત જ એ બોલ્યો, ‘મહારાજ, ભલે એ વ્રત આજથી હું લઉં છું.’

વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઇચ્છા થઈ. પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો ? તો તો સાચું બોલવાનું વ્રત લીધું છે એ તૂટે. જુગારની ઇચ્છા થઈ. વ્યભિચારનો વિચાર આવ્યો. પણ મનને થયું કે આ બધામાં સાચું બોલીને આગળ ચાલવું મુશ્કેલ છે. પણ ચોરી કરવા ગયા વગર તો છૂટકો જ ન હતો. ચોરી વગર ખાવું શું ? એણે ખૂબ વિચાર કરી જોયો. અંતે નક્કી કર્યું કે ચોરી કરવી, પણ એવી કરવી કે પછી એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે. એક વાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠા બેઠા ખાવું. બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને ? ચોરી પણ એવાને ઘેર કરવી કે જેની પાસે સૌથી વધુ ધન હોય. એવો તો કોણ હોય ? લાવ, રાજાને ત્યાં જ ખાતર પાડું ! એમ કરી એ નીકળ્યો.

રસ્તામાં સિપાઈ મળ્યા. પૂછ્યું, ‘અલ્યા, ઊભો રહે, કોણ છે ?’

પેલો કહે, ‘ચોર છું !’ એને સાચું બોલવાનું વ્રત હતું ને ?

સિપાઈએ પૂછ્યું, ‘ક્યાં જાય છે ?’

પેલો કહે, ‘રાજમહેલમાં ચોરી કરવા.’

સિપાઈએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે. એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્લી જોઈ ઉપર ચડ્યો. બધી ચીજો જોવા લાગ્યો : આ તો મારે શા કામની છે ? આને હું શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુએ તો બીજી દાબડી. એમાં જુએ તો સાત રત્નો. ચોરને થયું કે આટલાં બધાં મારે શું કરવાં છે ? ચાર બસ છે. અંદરથી ચાર રત્ન લઈને એણે છેડે ખોસ્યાં. ત્રણ દાબડીમાં રહેવાં દીધાં ને દાબડી હતી તેમ બંધ કરી ને પાછી એને ઠેકાણે મૂકી. બારીએ થઈને ઊતરીને ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા જ વેશપલટો કરીને નગરચર્યા જોવા નીકળેલો. એણે ચોરને ઊભો રાખ્યો ને પૂછ્યું, ‘અલ્યા કોણ છે ?’

‘ચોર છું.’

‘ક્યાંથી આવે છે ?’

‘ચોરી કરીને આવું છું.’

‘કોને ત્યાંથી ?’

‘રાજાના મહેલમાંથી.’

‘શું ચોરી લાવ્યો ?’

જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્ન હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું, ક્યાં રહે છે ? પેલાએ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. મહેલમાં જઈને રાજા સૂઈ ગયો. સવારે સૌ જુએ તો મહેલની બારી ઉઘાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. તેમણે તપાસ કરી. જુએ છે તો બધું અકબંધ. કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી નજરે ચડી. ખોલી. અંદર ત્રણ રત્ન પડ્યાં હતાં. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે. ત્રણ રત્ન મૂકી ગયો છે. એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે, ‘મહારાજ, બીજું બધું તો સલામત છે. માત્ર દાબડીમાંનાં પેલાં સાત રત્ન ચોર લઈ ગયો છે.’ રાજા કાંઈ બોલ્યા નહીં. એટલું જ કહ્યું કે જલદી ચોરને પકડી લાવો.

ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી. પણ કેમે કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો ચારમાંથી એક રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો કે, ‘શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.’ સીધું આવે એટલે પકાવી, ખાઈ કરી, ખાટલામાં ઘરખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું. ચોર ન જ પકડાયો ત્યારે પછી એક દિવસ રાજાએ દરબાર ભર્યો. પ્રધાનને અને સૌ અધિકારીઓને પૂછ્યું કે, ‘ચોર તમારાથી પકડી શકાય એમ છે ?’ તેઓએ લાચાર બનીને ના પાડી. ત્યારે રાજાએ એક ચિઠ્ઠી લખીને એક માણસને આપી, ‘જા, આ માણસને બોલાવી આવ.’

માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું.

‘તું શું ધંધો કરે છે ?’

‘ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા !’

‘કરતો હતો ? હવે નથી કરતો ?’

‘ના મહારાજ, પહેલાં કરતો હતો, હવે નથી કરતો.’

‘ક્યારથી નથી કરતો ?’

‘રાજમહેલમાં ચોરી કરી ત્યારથી નથી કરતો.’

‘રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો ?’

‘રત્નો’.

‘કેટલાં ?’

‘ચાર.’

‘એ રત્નો ક્યાં છે ?’

‘ત્રણ મારી પાસે છે.’

‘અને ચોથું ?’

‘ચોથું પે…લા પાઘડીવાળા શેઠ બેઠા છે ને ? એમને ત્યાં છે.’

શેઠ તો ગભરાઈ ગયા. કહે, ‘રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે.’

રાજા કહે, ‘ઠીક, એનું તો.’ પછી ચોરની તરફ વળીને કહ્યું, ‘અલ્યા, દાબડીમાં રત્નો તો સાત હતાં. તેં સાતમાંથી ચાર જ ચોરેલાં ?’

‘જી મહારાજ, ચાર જ લીધેલાં.’

‘કેમ ચાર જ ?’

‘એટલાં મારે આયખાભર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.’

‘તો બાકીનાં ત્રણ ક્યાં ગયાં ?’

ચોર કહે, ‘અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે. ક્યાં ગયાં એ બતાવું ?’

રાજા કહે, ‘બતાવ.’

‘આ તમારા પ્રધાનજી છે ને ? એમણે લીધાં હશે.’ પ્રધાન તો વાઢ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા.

રાજા કહે, ‘પ્રધાન, સાચું બોલો, બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે?’

કરગરીને પ્રધાને કબૂલ કર્યું, ‘હા, મારી પાસે છે.’ આ બધું જોઈ રાજાના ને સભાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. રાજાએ ચોરને પૂછ્યું, ‘આ બધુ શું છે ? પોતે ચોરી કરી ગયો એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ !’

પછી ચોરે પોતે સાધુ પાસે સાચું બોલવાનું વ્રત લીધેલું તે બધી વાત કહી. આખી સભા ચકિત થઈ. રાજા પ્રસન્ન થયો. એટલે કહ્યું, ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાં ય ચૂક્યો નથી. અને તમે તો ખાવાપીવાની કશી ખોટ ન હતી તોયે વધુ સંઘરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગાએ, કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગ્યાએ, પ્રધાનપદે હવેથી આ સત્યવ્રત બેસશે.’

(મિલાપની ‘વાચનયાત્રા’માંથી સાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 22 તેમ જ 21

Loading

‘ગાંધી સ્મૃતિ ભવન’ : નિર્વાણથી નિર્માણ તરફ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 October 2023

રવીન્દ્ર પારેખ

‘ગાંધી સ્મૃતિ ભવન’, નિર્વાણથી નિર્માણ તરફ ગતિશીલ થયું તેનો આનંદ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, નાટ્ય અને સાહિત્ય જગતનાં કલાકારો તથા મીડિયાએ નવાં ભવન માટે સક્રિયતા દાખવી ને છેવટે 55,07,46,620નું નાગપુરનું ટેન્ડર મંજૂર થયું. એમ લાગે છે કે બે વર્ષમાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ નવાં રંગેરૂપે પ્રગટ થશે. સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા, ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથેનાં પરામર્શન પછી, ‘ગાંધી સ્મૃતિ ભવન’નાં નસીબ ઊઘડ્યાં ને છઠ્ઠી વખત આવેલું ટેન્ડર મંજૂર થયું. અગાઉ 46 કરોડનો અંદાજ મુકાયેલો, પણ તેથી વધુ લગભગ 10 કરોડનો ખર્ચ, આ વખતનાં 38.21 ટકા ઊંચા ટેન્ડરમાં, 20 ઓક્ટોબરની સ્થાયી સમિતિમાં મંજૂર થયો. એ વખતે ગ્રીન થિયેટરનાં થીમ પર બિલ્ડિંગની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી, પણ એને અનુરૂપ એજન્સીની ઓફર નહીં મળતાં કોર્પોરેશને પાંચ વખત ટેન્ડર દફતરે કરી દીધાં હતાં. એક તબક્કે તો લાગતું હતું કે ગાંધી સ્મૃતિ હવે સ્મૃતિમાં જ રહેશે. સુરત મહાનગરપાલિકા જ નથી ઇચ્છતી કે ગાંધી સ્મૃતિ થાય – એવું હવામાન પણ એક સમયે હતું. અગાઉના મેયરે તો એક કાર્યક્રમમાં ગાંધી સ્મૃતિ થવાની જાહેરાત કરીને તાળીઓ પણ ઉઘરાવી લીધેલી, પણ પછી વાત ટલ્લે ચડેલી.

એ તો સરદાર સ્મૃતિ ભવનમાં છેલ્લી નાટ્ય સ્પર્ધા થાય નહીં ને ગાંધી સ્મૃતિમાં જીવ આવે નહીં ! શહેરનાં નાટ્યકર્મીઓએ, કલાકારોએ તારસ્વરે ગાંધી સ્મૃતિની વાત વહેતી મૂકી. 816 સભ્યોનું નાટ્ય રસિકોનું એક વોટ્સએપ ગ્રૂપ પણ અસ્તિત્વમાં આવ્યું ને અનેક વાદ-વિવાદ વચ્ચે ગાંધી સ્મૃતિની માંગ તીવ્ર બનતી આવી. થોડા મિત્રો ગાંધી સ્મૃતિનાં અવશેષો પર મળ્યા ને મીડિયાએ પણ મોકળે મને લોકલાગણીને માન-સ્થાન આપ્યું. ગઈ વખત કરતાં, આ વખતે ટેન્ડરમાં ગ્રીન બિલ્ડિંગની શરતોમાં પણ થોડી ઢીલ મૂકવામાં આવી અને ટેન્ડર પણ 4.29 ટકા નીચું આવ્યું, એટલે સુપર કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાશે એમ લાગે છે. જો કે, ગાંધી સ્મૃતિની માંગનો સ્વર બુલંદ થતો જતો હતો, એવામાં ટેન્ડર મંજૂર થઈ જતાં સૌને રાહત થઈ છે.

શહેરનાં ‘રંગ ઉપવન’માં 1955થી નાટકો અને સંગીત, નૃત્યનાં અવેતન, સવેતન સંસ્થાઓનાં ઘણાં કાર્યક્રમો થયા છે. આ ઉપરાંત સુરત ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમા માળે પણ ઘણી નાટ્ય ઉપરાંત ઘણી કળાકીય પ્રવૃત્તિઓ થઈ, પણ નાનપુરા, ટીમલિયાવાડમાં 1980થી ‘ગાંધી સ્મૃતિ ભવન’ કાર્યરત થયું કે ટેક્સટાઇલ ઓડિટોરિયમ બંધ પડ્યું. ગાંધી સ્મૃતિ પછી વરાછામાં ‘સરદાર સ્મૃતિ ભવન’ અને તે પછી પાલમાં ‘સંજીવકુમાર ઓડિટોરિયમ’ પણ શરૂ થયું, પણ ગાંધી સ્મૃતિનો જે દબદબો હતો તેવો પ્રભાવ, આ નવાં થિયેટરોનો પડ્યો જ નહીં. ગાંધી સ્મૃતિ બંધ પડ્યું તે પછી પણ, અન્ય થિયેટરો વેગ પકડી શક્યાં નથી તે જ ગાંધી સ્મૃતિનું મહત્ત્વ સિદ્ધ કરવાં પૂરતું છે.

હવે જ્યારે નવું ‘ગાંધી સ્મૃતિ ભવન’ બનવાની વાત છે, તો તેમાં શું શું હશે તેની વિગતો પણ બહાર આવી છે. નવાં ભવનમાં, બેઝમેન્ટમાં અને પાંચમાં, છઠ્ઠા માળે પાર્કિંગની વ્યવસ્થા હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ પ્લાઝા, ટોઇલેટ બ્લોક, રેસ્ટોરન્ટ અને કાફેટેરિયા હશે. પહેલે માળે ગ્રીન રૂમ, કોન્ફરન્સ હૉલ, વેઇટિંગ, એડમિન-મેનેજર ઓફિસ, વી.આઇ.પી. લાઉન્જ તથા સ્ટેજ સેકશન હશે. બીજા માળે ઓડિટોરિયમની સીટિંગ એરેન્જમેન્ટ તથા ગ્રીન રૂમ્સ હશે. ત્રીજા માળે બાલ્કની સીટિંગ, રીહર્સલ રૂમ હશે તો, ચોથા માળે ઓડિટોરિયમ ડબલ હાઇટ અને રીહર્સલ રૂમ હશે. બને કે આ ઓડિટોરિયમ વધુ ભવ્ય અને સરસ હશે ને જે પ્લાનિંગ છે તેમાં કોઈ ગણતરી ને કારણો પણ હશે. પણ કેટલીક બાબતો તરફ ધ્યાન ખેંચાય એટલે અહીં કેટલુંક કહેવાનું પ્રાપ્ત થાય છે.

એક વાત બહુ સ્પષ્ટપણે એ કહેવાની કે આખું ભવન ઓછામાં ઓછું, નાટ્યભવનની ગરજ તો સારે જ એવું હોવું જોઈએ. એ હેતુ પાર પડે પછી જ બીજી ગણતરીઓ માંડવાની રહે. એને કોઈ પણ સંજોગોમાં સિનેમા ગૃહ તો બનાવવાનું નથી જ ! શહેરમાં સિનેમા ગૃહોની કમી નથી. કમી હોય તો ટીમલિયાવાડ, નાનપરામાં નાટ્યગૃહની છે. નાટ્યગૃહ સિવાયનો બીજો કોઈ પણ હેતુ ‘ગાંધી સ્મૃતિ ભવન’નો મૂળ હેતુ નહીં જ સારે તે કોર્પોરેશને સમજી લેવાનું રહે. નાટ્યગૃહની શરતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધાયા પછી, બીજા કોઈ હેતુ માટે તે અપાય તેમાં પણ પ્રાયોરિટી તો નાટકની જ રહે એ કહેવાની જરૂર નથી.

આટલું કહેવાનું એટલે થયું છે, કારણ બાંધકામની વિગતોમાં બાલ્કનીનો ઉલ્લેખ છે. જો એ બાલ્કની નાટક માટે હોય તો પણ તે અનિવાર્ય નથી, કારણ તેની સાઉન્ડ અને સીટિંગની આખી એરેન્જમેન્ટ વિશેષ માવજત માંગે ને એ પળોજણમાં પડવાની જરૂર નથી. જો બાલ્કની ફિલ્મ માટે હોય તો તેને વહેલી તકે નકશામાંથી જ કાઢવાની રહે. નાટક લાઈવ આર્ટ છે એ ધ્યાનમાં રાખીને જ આખું નાટ્યગૃહ ઊભું કરવાનું રહે. રહી વાત રીહર્સલ રૂમ્સની, તો નાટ્યસંસ્થાઓને રીહર્સલ્સ માટે રૂમ ભાડે આપીને આવક ઊભી કરવાનો કોર્પોરેશનનો હેતુ હોય તો જુદી વાત છે, બાકી, સ્થાનિક સંસ્થાઓ તો કોઈ સ્કૂલ/કોલેજનાં રૂમમાં કે તેનાં સભાગૃહમાં રીહર્સલ્સ કરતી હોય છે ને તે પણ મફતના ભાવે. એ સૌને કોર્પોરેશનનું ભાડું માફક આવે તેવું હોય તો ઠીક છે, બાકી સવેતન રંગભૂમિની, સુરત બહારની સંસ્થાઓ રીહર્સલ રૂમનો ઉપયોગ કરે એવું ઓછું જ બનવાનું, કારણ એ સૌ તો તૈયાર થઈને શોને દિવસે જ સુરત આવતા હોય છે. એ વળી રીહર્સલ રૂમનો કેટલોક ઉપયોગ કરે એ પ્રશ્ન જ છે.

બીજી સૌથી મહત્ત્વની વાત તે સુરતની સંસ્થાઓ પાસેથી ભાડું વસૂલવાની. એક વાત સ્પષ્ટ છે કે સૂરતની રંગભૂમિ અવેતન કલાકારોની રંગભૂમિ છે. અહીં ટિકિટ શો થતા નથી. થાય છે તો મોટે ભાગે ફ્લોપ શો થાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ પાણી, રસ્તાનું, પણ તે કલાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરવાને તેને પચાસ વર્ષ થવાનાં. જગતની કોઈ કોર્પોરેશન આવી સ્પર્ધા કરતી નથી. એમાં કેવળ સુરત જ મોખરે છે. આ સ્પર્ધાને કારણે અહીં કેટલા ય લેખકો, કલાકારો, દિગ્દર્શકો તૈયાર થયા. આમાંના મોટે ભાગે તો સ્પર્ધા વખતે ને સ્પર્ધા પૂરતાં જ જાગે છે. સ્પર્ધા પૂરી થાય કે વળી સન્નાટો છવાઈ જાય છે. એ પણ છે કે કોઈ કલાકારને નિયમિત કવર મળતું નથી. કવર મળતું હોય તો તે કોઈ ઇનામનું, એ સિવાય કોઈ પણ, નાટકમાંથી નિયમિત કમાણી કરતું નથી. કહી શકાય કે સૂરતની હાલની રંગભૂમિ તો કોર્પોરેશનની સ્પર્ધાને કારણે જ અસ્તિત્વમાં છે. હવે એ નાટક કરવા કોર્પોરેશનને ઊંચું ભાડું ચૂકવી શકે એ જરા પણ સરળ કે વ્યવહારુ નથી, એટલે જ અવેતન રંગભૂમિનુ ભાડું ઓછું હોય તે અપેક્ષિત છે ને અનિવાર્ય પણ ! સુરતના અવેતન કલાકારો પાસેથી કમાણી કરવાનો ખ્યાલ જ કોર્પોરેશને છોડવો પડે. એવું જો નહીં થાય તો પચાસેક વર્ષની મહેનતથી ઊભી કરેલી સુરતની અવેતન રંગભૂમિ ખતમ થઈ જાય એમ બને. નાટ્યસ્પર્ધામાં ઓછી થઈ રહેલી એન્ટ્રિઝ પરથી પણ એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંના કલાકારો રસને કારણે જ ટકી રહ્યાં છે. એમના પર આર્થિક બોજ વધશે તો અવેતન રંગભૂમિ, ભંગભૂમિ થઈને રહે તો નવાઈ નહીં !

એવો સવાલ કોઈને થઈ શકે કે આવી અવેતન રંગભૂમિ જરૂરી ખરી? એનો જવાબ હજાર ટકા ‘હા’ છે. તે એટલે કે મુંબઈની રંગભૂમિ કલ્પના પણ ન કરી શકે એવી અદ્ભુત સ્ક્રિપ્ટ્સ અનેક નાટયસંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક કોર્પોરેશનની નાટયસ્પર્ધાઓમાં ભજવાઈ છે. ગુજરાતી અને સ્થાનિક લેખકો ઉપરાંત શેક્સપિયર, બાદલ સરકાર, રત્નાકર મતકરી, મહેશ એલકુંચવાર, ગિરીશ કર્નાડ, જ્યા પૉલ સાર્ત્ર, વિજય તેંડુલકર જેવા અનેક નાટ્યકારોની કૃતિઓએ અહીં તખ્તો ગજવ્યો છે. મૌલિક નાટકો ઉપરાંત વાર્તાઓ, નવલકથાઓ પરથી પણ અહીં નાટકો થયાં છે. આવું બીજે થયું નથી. આવું થતું રહે એટલે પણ સુરતની રંગભૂમિને કોર્પોરેશને શક્ય તે તમામ સહાય કરવાની રહે. જોઈએ તો બીજે કોઈ રસ્તે એ ખોટ કોર્પોરેશન સરભર કરી લે, પણ તેણે સુરતમાં નાટકને જીવતું રાખવાનું છે એ ભૂલવા જેવું નથી.

છેલ્લે એક વાત –

ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું. એમાં 2011ની આસપાસ રીપેરિંગ નીકળ્યું. એ ઉપરાંત નાનાંમોટાં સમારકામ તો નીકળ્યાં જ છે. 2017માં વળી ચાર કરોડને ખર્ચે તે રીપેર થયું ને 10 મહિના બંધ રહ્યાં પછી ફરી શરૂ થયું. એ પછી 2019માં 12 જુલાઈને રોજ કોઈ શો ન હતો ત્યારે પ્રેક્ષક ગેલરીનો પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો ને ત્યારથી ગાંધી સ્મૃતિ રીપેરિંગ માટે બંધ કરાયું. એ રીપેર થયું કે કેમ તે તો નથી ખબર, પણ થિયેટર ઉતારી લેવાનું તો થયું જ ! ટૂંકમાં, 1980માં શરૂ થયેલું ‘ગાંધી સ્મૃતિ ભવન’ રીપેરિંગમાં કરોડો ખર્ચ્યા પછીયે, 40 વર્ષ પણ ના ટક્યું, તો, સવાલ થાય કે 55.07 કરોડ ખર્ચ્યા પછી કોર્પોરેશનને નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આવરદાની કોઈ ગેરંટી મળી છે કે થોડાં વર્ષો પછી નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આજની ઝુંબેશ ફરી શરૂ કરવાની થશે?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑક્ટોબર 2023

Loading

...102030...886887888889...900910920...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved