Opinion Magazine
Number of visits: 9666231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છઠ્ઠી ડિસેમ્બરે ચંદ મિનિટ સીતા સંગાથે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 December 2023

એક પા, ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ તો બીજી પા ‘જય સિયારામ’ને રુખસદ અને ‘જય શ્રીરામ’નો જયજયનાદ: ક્રાન્તિની નિયતિ સીતા જેવી છે, શું પહેલાં કે શું પછી, એને લલાટે વનવાસ નક્કી

પ્રકાશ ન. શાહ

કેમ કે છઠ્ઠી ડિસેમ્બર સારુ તેજછાયામાં રમી રહ્યો છું, રામ જન્મભૂમિ પ્રકરણનું સ્મરણ થઈ આવે છે, લગરીક જુદે છેડેથી, સીતાને છેડેથી.

સીતા ક્યાં ખોવાઈ ગયાં, કેમ ખોવાઈ ગયાં, એવી એક અભિજાત અંતરખોજને ધક્કે આ લખી રહ્યો છું. અવધ પંથકનું જે સર્વસાધારણ લોક, એનો પરસ્પર અભિવાદનનો સહજોદ્દગાર ‘જય સિયારામ’ રહ્યો છે. હમણેનાં વરસોમાં એ અખિલ હિંદ ફલક પર ખાસ કાકુ સાથે સહસા ‘જય શ્રીરામ’માં તબદલી થઈ ગયો છે (અ લા દારાસિંહ?) શું કહેવું એને વિશે, વિમાસું છું. અને હા, લખતે લખતે એ પણ સાંભરે છે કે 1992ની છઠ્ઠી ડિસેમ્બરે જે બધું ધ્વસ્ત થઈ ગયું એમાં ‘સીતા કી રસોઈ’નું સ્થાનક પણ હતું.

કેમ કે સીતાની વાત ચાલી છે, ચિત્ત થોડા દાયકા પાછળ જવા કરે છે. 1970માં  ‘સાહેબ’ (જયન્તિ દલાલ) ગયા તે પછી વરસોવરસ રંજનબહેનનાં નિમંત્ર્યાં સૌ જ.દ. સ્મૃતિ દિવસે એમના નિવાસસ્થાને, શરૂનાં વરસોમાં સાંકડી શેરી, જીવણ પોળમાં અને પછી નદીપાર ‘જીવભાઈ’માં મળતાં અને ભજનસંધ્યામાં ભળતાં. એમાં જ્યારે રતિકુમાર વ્યાસ આવી ચઢે ત્યારે રંજનબહેનની આરતે ભીંજી આગ્રહી ફરમાયશ હોય – અને રતિકુમારને કંઠે ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ અચૂક સરી આવે.

એકોતરી ઊતરે એ પહેલાં, 1966-1980નાં વરસોમાં ચિત્તનો કબજો એ મતલબની બે મરાઠી કાવ્યપંક્તિઓએ લીધો હતો કે ક્રાન્તિની નિયતિ સીતા જેવી હોય છે, વનવાસમાં રામની સાથે અને રામના રાજ્યારોહણ પછી જ્યારે જ્યારે એક જેપી બટુક તરીકે પાછા પડ્યાની લાગણી જાગતી ત્યારે એ પંક્તિઓ આળસ મરડી બેઠી થઈ જતી, શલ્યાની અહલ્યા જાણે.

સીતા આસપાસ જે પણ વાંચવા વાગોળવાનું બન્યું હશે એમાં મને સવિશેષ અપીલ કરી ગયેલી કિતાબ ગાંધીજીના પૌત્ર અને રાજાજીના દોહિત્ર રામચંદ્ર ગાંધીની ‘સીતા’ઝ કિચન’ છે. એની પહેલી આવૃત્તિ 1992 પહેલાંની છે.

વારુ રસોઈ કે રસોડું કહેતાં ઊઠતો ને ઠરી રહેતો ભાવ એક તરેહની અંતરંગ આત્મીયતા ને પવિત્રતાનો છે. માત્ર બેઠકખાનાનો નાતો નહીં પણ દિલી નાતો. વળી, રામુ ગાંધી ઉમેરશે, રસોડું આવ્યું અને વનપક ફળ ને ઝરણાંનાં જળ ઉપરાંત (અગર એને સ્થાને) પક્વ અન્નનો ખયાલ પણ લેતું આવ્યું. અહીં વિવિધ રસ છતાં એકરસ-સમરસ, એવો ઘાટ છે. આ રસોડું તે કુદરત સાથેના મનુષ્યના મુકાબલાની બલકે અર્થપૂર્ણ આપલેની મહદ્દ ઘટના છે. કુદરતમાં જીવતો મનુષ્ય નગર બાંધતો, સમાજ ઘડતો ને વિકસાવતો બન્યો. એક મેલ્ટિંગ પોટ જ કહો ને. ભારતીય પરંપરામાં, જેમ કે, ઈસ્લામ થકી સૂફી મત પ્રવેશ્યો તે આવા એક સંવાદી મિલન મુકાબલાની અને તેથી કરીને સીતાને રસોડે નવ્ય વ્યંજનની ઇતિહાસ શક્યતા હતી અને છે.

સીતા તો ધરતીની પુત્રી. સમાઈ પણ ધરતીમાં. ધાત્રીધરિત્રી બધું એકાકાર. અણુરેણુમાં વ્યાપ્ત જે ચૈતન્ય એનો જ એક આવિષ્કાર નિસર્ગકૃપાએ મહોરેલ વનસંપદા એમાં વિકસેલી ને વસેલી પ્રાણીસૃષ્ટિ બલકે પર્યાવરણ સમસ્ત આ ચૈતન્યનો સ્તો સાક્ષાત્કાર છે. આ અભિગમપૂર્વક રામુ ગાંધી રામાયણની સૃષ્ટિમાં પ્રવેશ્યા હતા. (એટલે, પછીથી, એમને મન સીતા કી રસોઈ સમેત પરિસર સમગ્રનો ધ્વંસ ભારતીય પરંપરાનો ધ્વસ જ બની રહે ને?)

કૌંચ યુગલની પ્રણયસમાધિન, હિંસ્ર ભંગે કરીને વ્યથાવ્યાકુલ વાલ્મીકિએ રચના કરી. એમાં જો ધર્મ અવિરુદ્ધ કામનો સહજ સમાદર છે તો મનુષ્યજાતિ તેમ પશુપંખી સર્વે યોનિઓ ને વનસંપદા સૌનોયે છે. પર્યાવરણના, પ્રાણીમાત્રના પાવિત્ર્યની આ રામાયણ પરંપરા છે. (કોઈ ઉચ્ચવર્ણી વર્ગ વિશેષ, સંપ્રદાય વિશેષ, કોમ વિશેષની પ્રતિષ્ઠાની નહીં પણ) લોકપરંપરા ભણીની એની ગતિ છે. નિષાદ, શબર, વાનર સૌને એમાં સ્થાન છે. રામુ ગાંધીએ જો કે ખાસ સંભારેલો પ્રસંગ તો ગુહે રામ-સીતા-લક્ષ્મણને નદી પાર કરાવી તે છે. આદિમ કહો, આદિ જાતિ કહો, એની કને એવું કોઈ ગુહ્ય જ્ઞાન હતું કે તે અયોધ્યાની નગર સંસ્કૃતિના ઉત્તમોત્તમ પ્રતિનિધિની નૈયા પાર કરાવી શકે.

નહીં કે સીતા પરત્વે કોઈ સાત્ત્વિક ફરિયાદને અવકાશ નથી. સીતાએ મૃગને માટે હઠ લીધી હતી. કંચન-કામિની સંલક્ષણ(સિન્ડ્રોમ)થી હટીને રામુ ગાંધીએ કરેલો ફરિયાદ મુદ્દો એ છે કે મૃગના પ્રાણ હરવાની પેરવી વાસ્તવમાં પ્રાકૃતિક સમતુલા સામે કારનામાનો કિસ્સો છે. ક્ષમયા ધરિત્રી એ ખયાલને ધરતી-માતા-પુત્રીની ઓળખ લેખે જોતાં હોઈએ તો આ મૃગઘટના વાસ્તવમાં ધરતીએ ધરતીપણું ખોયાની ને ધરતીબાળ એવા મનુષ્યે મનુષ્યપણું ખોયાની નિશાની છે. એટલે સીતા લંકાવાસ વેઠે, પ્રાકૃતિક સમતુલાને જોખમાવવા સબબ કંઈક યંત્રણામાંથી પસાર થાય એમાં લેખક કવિન્યાય જુએ છે, અને એમાંથી તત્ત્વબોધ પામે ને પમાડે છે.

ગમે તેમ પણ, જેમણે તહસનહસ કીધું એમને ઓસાણ સરખાં પણ ક્યાંથી હોય કે આપણે આ એક સાર્થક સંવાદતક ખોઈ રહ્યા છીએ. રામુ ગાંધીનું આ વેદનાદર્શન વાંચીએ છીએ ત્યારે સિતાંશુ સાંભરે છે : વેદના, તું નેત્ર દે.

શરૂમાં મેં ‘જય સિયારામ’થી ‘જય શ્રીરામ’ એ સંક્રાન્તિની જિકર કરી અને સીતા ક્યાં ગયાંનું કૌતુક કીધું, પણ એની સામે શાસ્ત્રસમ્મત સમજૂત અલબત્ત આપી શકાય કે શ્રી કહેતાં લક્ષ્મી, એનો અવતાર તે સીતા, માટે સ્તો શ્રીરામ. વાત સાચી પણ રણઘોષ વચ્ચે આવી કોઈ સભાનતાને ભાગ્યે જ અવકાશ હોય.

આટલો વિચાર વિહાર – નકરો વિહાર નહીં – તે સાંકડી સમજથી ઊંચે ઊઠી સભ્યતાના વ્યાપક ફલક પર સહિયારી ખોજમથામણ વાસ્તે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 ડિસેમ્બર 2023

Loading

માણસ પાસે જેમ સમૃદ્ધિ વધે, તેમ તેનામાં કરુણા ઘટે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 December 2023

રાજ ગોસ્વામી

11,000 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ટેક્સટાઇલ કંપની રેમન્ડના પરિવારમાં નવો ઝઘડો બહાર આવ્યો છે. કંપનીના 58 વર્ષીય વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાણિયા, અને તેમની 53 વર્ષીય પત્ની નવાજ મોદી વચ્ચે અણબનાવ અને હવે સંપત્તિને લઈને તકરાર ઊભી થઇ છે (નવાજે સંપત્તિમાં 75 પ્રતિશત ભાગ માંગ્યો છે). પત્નીએ સિંઘાણિયા પર મારપીટનો અને ઘરમાંથી કાઢી મુક્યાનો આરોપ મુક્યો છે.

સંપત્તિ અને કંપનીની માલિકીના મામલે અગાઉ ગૌતમ સિંઘાણિયાની જોરજબરદસ્તીનો ભોગ બની ચુકેલા પિતા અને રેમન્ડ જૂથના સ્થાપક વિજયપત સિંઘાણિયા પણ પુત્રવધૂના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં, તેમની વિરાસત પુત્રને આપવાના નિર્ણય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કંપનીનું સુકાન ગૌતમને સોંપ્યું એ તેમની સૌથી મોટી ભૂલ હતી. સિનિયર સિંઘાણિયાનો આરોપ છે કે તે પછી દીકરાએ તેમને કંપની અને ઘર બંનેમાંથી કાઢી મુક્યા છે અને હવે પત્ની સાથે પણ એવું જ કર્યું છે.

અમીર પરિવારોના ઝઘડા પણ ‘અમીર’ હોય છે અને એમાં કોણ સાચું અને કોણ ખોટું તેના તારણ પર આવવું અઘરું હોય છે, પણ એક આમ ધારણા બહુ પ્રચલિત છે કે સામાન્ય લોકો પારિવારિક વિવાદો જેટલી સરળતાથ ઉકેલી શકે છે, અમીર લોકોની મડાગાંઠો વધુ જટિલ હોય છે. એનું કારણ પૈસો હશે? આપણે ત્યાં લોકો કહેતાં હોય છે કે માણસ અમીરીમાં છકી જાય છે. આ સાચું છે? તર્કથી સમજીએ.

તમને એવું પૂછવામાં આવે કે સૌથી વધુ જૂઠું કોણ બોલે, છેતરપિંડી કોણ કરે, ચોરી કોણ કરે – ગરીબ વ્યક્તિ કે સમૃદ્ધ વ્યક્તિ? તો તમારો સહજ જવાબ એવો હશે કે સમૃદ્ધ વ્યક્તિ ન્યાયી વર્તન કરે તેવી સંભવાના વધુ છે, કારણ કે જેની પાસે બધું જ હોય તે બીજાનો વિચાર કરે, પોતાનો નહીં. ઊંધું છે : વ્યક્તિ જેમ જેમ સમૃદ્ધિની સીડી ચઢતો જાય, તેમ તેમ તેની અંદર બીજા માટેની કરુણા ઘટતી જાય.

અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝના સમીક્ષા જર્નલમાં પ્રગટ એક અભ્યાસમાં એવું તારણ આપવામાં આવ્યું હતું કે જેની પાસે સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને શિક્ષણ જેવા સામાજિક પ્રભાવ હોય, તેઓ બીજા લોકોની ભાવનાઓની દરકાર ઓછી કરે છે. મનોવૈજ્ઞાનિકો આવી બાબતોનો અભ્યાસ કરવા માટે રોજીંદા જીવનની ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોય છે.

તમને ટ્રાફિકમાં બે નોંધપાત્ર બાબતો જોવા મળશે. લક્ઝરી કારના માલિકને આગળ નીકળી જવાની સૌથી વધુ ઉતાવળ હશે અને એમાં તે સાધારણ વાહનચાલકોની સંપૂર્ણ અવગણના કરશે. એવી જ રીતે, સિગ્નલ કે ટોલ પ્લાઝા પર ભિક્ષુક લોકો સાથેના વ્યવહારને નોંધશો. ભિક્ષુક જો કોઈ સાધારણ વાહન માલિક પાસે જઈને હાથ લાંબો કરશે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે તેને પાંચ-દસ રૂપિયા મળી જાય. એ જ ભિક્ષુક કોઈ લક્ઝરી કાર પાસે જઈને ટકોરા મારે, તો એવી શક્યતા સૌથી વધુ છે કે વાહન માલિક, પૈસા આપવાની તો દૂરની વાત છે, તેને હડધૂત કરીને ભગાડી મૂકે.

આવું તમને અન્ય પ્રસંગોએ પણ જોવા મળશે. એકટર શાહરુખ ખાને એકવાર કહ્યું હતું કે, “જે  માણસ વેઈટર સાથે સભ્યતાથી ન વર્તે તે માણસ સભ્ય નથી.” હોટેલ કે રેસ્ટોરન્ટમાં એક વેઈટર સાથે અમીર માણસનો વ્યવહાર એક સાધારણ માણસની સરખામણીએ રુક્ષ હોય છે. એવું જ ચોકીદાર સાથે થાય છે. વ્યક્તિ તેની સામાજિક હેસિયતથી સમાન હોય, ઉપર હોય કે નીચે હોય તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે નોંધજો. તમને ખ્યાલ આવશે કે જે લોકો પ્રતિષ્ઠા કે પૈસામાં ઉપર હશે તેમનામાં ઉદારતા ઓછી હશે.

માત્ર સામાજિક સમાનતા કે અસમાનતાની વાત નથી. વાત સમૃદ્ધિ વ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની છે. પૈસો માણસને બદલી નાખતો નથી. પૈસો માણસના અસલી ચારિત્ર્યને બહાર લાવે છે. જે માણસમાં સહાનુભૂતિ હશે, તે માણસ અમીર બનીને વધુ સહાનુભૂતિ વાળો બની જશે અને જે માણસ સ્વાર્થી હશે, તે વધુ સ્વાર્થી બની જશે.

આપણે ત્યાં કહેવાય છે કે ‘પૈસો હાથનો મેલ છે.’ આ કહેવત ખોટી છે. દુષ્ટતા પૈસામાં નથી, પૈસો જેના હાથમાં છે તેની છે. વાસ્તવમાં, પૈસો નીતિહીન (અમોરલ) છે – એ ન તો અનૈતિક છે કે ન તો નૈતિક. તે નીતિહીન છે એટલે તેનો અર્થ એ થયો કે તે વ્યક્તિમાં જે પણ ગુણ હોય, તેને ધારણ કરે છે. અર્થાત, એક સદાચારીના હાથમાં પૈસો ઇષ્ટ બનશે અને એક ભ્રષ્ટાચારીના હાથમાં પૈસો અનિષ્ટ બનશે. એવી જ રીતે, નૈતિક માણસ નૈતિક રીતે પૈસો બનાવશે અને અનૈતિક લોકો અનૈતિક રીતે.

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનાડી’માં આ જ વાત નૈતિકતા અને નૈતિકતા બંનેના ઉદાહરણથી સમજાવવામાં આવી હતી. ફિલ્મનો હીરો રાજ કુમાર (રાજ કપૂર) એક પ્રમાણિક યુવાન છે. તે શહેરમાં રોજી-રોટી માટે સંઘર્ષ કરી રહ્યો છે. એક દિવસ તેને રસ્તામાંથી પૈસા ભરેલું એક પાકીટ મળે છે. એ પાકીટ શહેરના અમીર શેઠ રામનાથનું છે.

રાજ એ પાકીટ શેઠને પહોંચાડે છે. રામનાથ તેની પ્રમાણિકતાથી ખુશ થઇ જાય છે, અને રાત્રે તેને પાર્ટીમાં સાથે લઇ જાય છે. પાર્ટીમાં ભેગા થયેલા શહેરના ધનવાન લોકોને પહેલી વાર જોઇને અચંબિત થઇ ગયેલો રાજ શેઠ રામનાથને પૂછે છે, “યે લોગ કૌન હૈ?” ત્યારે રામનાથ માર્મિક રીતે જવાબ આપે છે, “યે વો લોગ હૈ, જીન્હોને બટવે વાપીસ નહીં કીયે થે.”

સવાલ એ છે કે પૈસા આવી જવાથી માણસનો આચાર-વિચાર કેમ બદલાઈ જાય છે? આમ જોવા જઈએ તો જેની પાસે સંશાધનો ઓછાં હોય, તે સ્વાર્થી હોવા જોઈએ અને જેની પાસે બહુ સંશાધનો છે તે ઉદાર હોવા જોઈએ. ફિલ્મનું જ ઉદાહરણ લઇ તો, હીરો રાજકુમાર એટલો ગરીબ છે કે તે પૈસા ભરેલું પાકીટ પોતાની પાસે રાખી લે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ. પરંતુ, શેઠ રામનાથ ગવાહી આપે છે તે પ્રમાણે, જેને પૈસાની જરૂર નથી તેમણે બીજાઓના પૈસા મારી લીધા છે.

કદાચ તેમાં પૈસા હોવા કે ન હોવાનો મામલો નથી. મનોવિજ્ઞાનિકો કહે છે કે સમૃદ્ધિ માણસને સાચા-ખોટા, નીતિ-અનીતિ કે યોગ્ય-અયોગ્યની દુવિધામાંથી આઝાદ કરે છે. સમૃદ્ધિ માણસને બીજી વ્યક્તિ પરની નિર્ભરતામાંથી પણ મુક્ત કરે છે. સમૃદ્ધિ વ્યક્તિને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે – હું કંઈ પણ કરી શકું છું અને મને કોઈની જરૂર નથી. એટલા માટે “પૈસો હાથનો મેલ છે” તે ગરીબોની કહેવત છે, પણ “પૈસો જ પરમેશ્વર છે” તે અમીરોની કહેવત છે.

બીજી રીતે સમજીએ. એક ગુંડો જ્યાં સુધી પહેલું ખૂન ન કરે, ત્યાં સુધી તેનામાં ખચકાટ હોય છે, પણ બીજા ખૂનથી એ ખચકાટ દૂર થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને પાંચ-પંદર ખૂન સુધીમાં તો તે તે સંપૂર્ણપણે નિર્મમ થઇ ચુક્યો હોય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ “અગ્નિપથ”માં રોહિણી હતંગડીનો એક સંવાદ છે; “ ઇન્સાન ભી પહેલે જાનવર થા, સદિયાં લગી ઉસે જાનવર સે ઇન્સાન બનને મેં … લેકિન તુજે ઇન્સાન સે જાનવર બનને મેં જરા ભી વક્ત ન લગા.”

સમૃદ્ધિની સ્વતંત્રતાનું પણ એવું છે. એકવાર માણસ એની સારા-ખોટાની દુવિધામાંથી અને મને બીજા લોકોની જરૂર પડશે તે ભાવનામાંથી મુક્ત થઇ જાય, પછી તેને નિર્મમ બનતાં વાર લાગતી નથી.

સહાનુભૂતિ અથવા સંવેદના એટલે દુનિયાને બીજા લોકોની દૃષ્ટિએ જોવાની ક્ષમતા. તે ક્ષમતા બીજાનાં દુઃખ-દર્દ માટે કરુણા પેદા કરે છે. તેનાં કારણે આપણે આજુબાજુના લોકો સાથે લગાવ અનુભવીએ છીએ. આ આપણા મગજની એક ન્યુરલ પ્રક્રિયા છે. અમુક અભ્યાસ કહે છે કે વ્યક્તિમાં એકવાર આર્થિક કે સામાજિક શક્તિ આવી જાય, ત્યારે તેની આ ન્યુરલ પ્રક્રિયામાં પરિવર્તન થાય છે અને તેનામાં સંવેદના ઘટે છે. બીજા પર આપણી નિર્ભરતા હોય, ત્યાં સુધી આપણામાં તેના માટે કરુણા હોય. એ નિર્ભરતા ખતમ થાય, તો કરુણા પણ ખતમ થાય.

એ રીતે, વિજયપત સિંઘાણિયા સાચા છે. દીકરાને બધું આપી ના દીધું હોત, તો થોડી કરુણા બચી હોત.

(પ્રગટ : “ગુજરાત મિત્ર”/ “મુંબઈ સમાચાર”; 03 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતને ભયભીત કરવાના સાર્વત્રિક પ્રયત્નો થઈ રહ્યા છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 December 2023

રવીન્દ્ર પારેખ

બેંગ્લુરુમાં 1 ડિસેમ્બરે 68 સ્કૂલોમાં મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી એક ઈ-મેઈલ, એવો પહોંચ્યો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને ઉડાવી દેવા બોમ્બ પ્લાન્ટ થયા છે. એ ઈ-મેઈલમાં એવી પણ ધમકી આપવામાં આવી કે ઇસ્લામ અપનાવો અથવા મરવા તૈયાર રહો. દેખીતું છે કે સ્કૂલોનો જીવ તાળવે ચોંટે. સ્કૂલોએ તો વિદ્યાર્થીઓને સલામત રીતે છોડી મૂક્યા, પણ ગભરાટ તો ફેલાયો જ ! વાલીઓને ખબર પડતાં એ રઘવાયા થઈને સ્કૂલે દોડી આવ્યા. સંતાનોને હેમખેમ ન જુએ ત્યાં સુધી વાલીઓનો જીવ હેઠો કેમ બેસે? સ્કૂલોએ પોલીસને જાણ કરી. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એન્ટિ-સેબોટેજ ટીમ સાથે બધી સ્કૂલોમાં પહોંચી ને સ્કૂલો ખાલી કરાવી. સઘન તપાસને અંતે પોલીસ એવા નિષ્કર્ષ પર પહોંચી કે આ અફવા છે ને એમાં વજૂદ નથી. આવા ઈ-મેઈલ નવા નથી. અગાઉ પણ સ્કૂલોને આવા ઈ-મેઈલ મોકલાયા છે ને અંતે અફવા સાબિત થયા છે. અગાઉ તો આવી ધમકી મોકલનારાઓને પોલીસે ઓળખી કાઢ્યા હતા ને આ વખતે પણ ઓળખી કાઢશે એવી ખાતરી આપી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કર્ણાટકના મુખ્યમં ત્રી સિધ્ધારમૈયાએ સ્કૂલો અને મંદિરોને પૂરતું રક્ષણ આપવાની પોલીસને તાકીદ પણ કરી છે. એ પછી તો રાબેતા મુજબ જે થતું આવ્યું છે તે થશે, પણ સ્કૂલો પર, વાલીઓ- વિદ્યાર્થીઓ પર થોડા સમયમાં જે વીત્યું એની કલ્પના જ કરવાની રહે છે. ઈ-મેઈલ મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી આવ્યો છે એ પરથી એ કોઈ આતંકવાદી સંગઠનનું કામ હોઈ શકે. એવું હોય તો પોલીસ એ રીતે તપાસ કરશે. ઈ-મેઇલમાં ઇસ્લામ અપનાવવાની ને તેમ નહીં થાય તો મરવાની તયારી રાખવાની ધમકી અપાઈ છે, એટલે ઇરાદો મજાકનો હોવા વિષે શંકા રહે છે. પોલીસ એ વાતને ધ્યાને લઈને તપાસ કરે એ અપેક્ષિત છે. એ ખરું કે પોલીસને શંકાસ્પદ કશું જણાયું નથી, તો પણ આ બાબતને હળવાશથી લેવા જેવી નથી. ઈ-મેઈલ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હતા. એમની પરીક્ષા હતી. એ આપવાની તૈયારી સાથે આવ્યા હશે. એમાં ઓચિંતો વળાંક આવ્યો. એ સુખદ ન હતો. એને લીધે જે તાણ અનુભવવાનું બન્યું એ ચિંતા ઉપજાવનારું છે. એ જ સ્થિતિ સ્કૂલના સ્ટાફની, વાલીઓની થઈ. કરનાર માટે એ મજાક હતી, પણ એ પાકું ન થયું ત્યાં સુધી બધાના જ શ્વાસ અધ્ધર રહ્યા. આવી મજાક કરનારને તો એ અંદાજ નહીં આવે કે એણે કેટલા જીવોની ચિંતા વધારી છે, પણ એનો તો હેતુ જ એ હતો કે ટેન્શન વધે. આમ ન થવું જોઈએ, પણ થાય છે. અગાઉ પણ થયું છે ને હવે ન જ થાય એની કશી ખાતરી નથી. પોલીસ દોડે, વાલીઓ ઊંચા જીવે રહે આ બધાંમાં આનંદ લેનારો એક વિકૃત વર્ગ છે ને કરુણતા એ છે કે એ હવે બધે જ વધતો આવે છે.

એમ લાગે છે કે આખા જગતને કુદરતી મૃત્યુ પર ભરોસો જ રહ્યો નથી, એટલે માણસનાં મૃત્યુ માટે માણસો જ પ્રયત્ન કરવા લાગ્યા છે. હિંસા એ જાણે વિશ્વનો સ્વભાવ થઈ ગયો છે. રશિયા-યુક્રેન, હમાસ-ઇઝરાયલ યુદ્ધની સાથે અન્યત્ર પણ યુદ્ધની તજવીજ ચાલી રહી છે. અરાજકતા ફેલાવવાનો ને લોહી રેડીને તેનો આનંદ લેવાનો વૈશ્વિક પ્રયત્ન ચાલી રહ્યો છે. વિશ્વને કદાચ શાંતિ ખપતી જ નથી. નિજજરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટ પર મૂકીને કેનેડાએ ભારત સાથેના સંબંધો દાવ પર લગાવ્યા છે. તેનો વિવાદ શાંત પડતો નથી, ત્યાં ખાલિસ્તાની આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું તેની વધામણી ભારત સામે ખાધી છે. અમેરિકાને એવું છે કે આ કાવતરું ભારતમાં ઘડવામાં આવ્યું છે. ફરિયાદીઓએ જેની હત્યા થવાની હતી તેનું નામ આપ્યું નથી, પણ અમેરિકન મીડિયાએ એ પન્નૂ છે એવા અહેવાલો પ્રદર્શિત કર્યા છે. પન્નૂએ ભારતના રાજદ્વારીઓને અને ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટોને રોકડું પરખાવ્યું છે કે એ ભલે હત્યાનો પ્રયાસ કરી લે, પણ તેમણે કાયદાનો સામનો તો કરવો જ પડશે. ભારતે પન્નૂને આતંકવાદી ઘોષિત કર્યો છે તો પન્નૂએ ભારતને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી છે. પન્નૂ પોતે તો એ આરોપો નકારે છે. પન્નૂ વકીલ છે ને તેના વડવાઓ પંજાબના છે. પન્નૂ સામે માનવ વધના, હત્યાના અને ટાડાના અનેક કેસો થયેલા છે. 1991-‘92માં તેણે અમેરિકા સ્થળાંતર કર્યું અને 2007માં ‘શીખ્સ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન સ્થાપ્યું, જેણે ભારતીય પંજાબની મુક્તિ તથા ખાલિસ્તાનને નામે ઝુંબેશ શરૂ કરી. એનાં પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ને તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું.

આ પન્નૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર મૂકવામાં આવ્યો છે. અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રતિવાદીએ ભારતથી ભારતીય-અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, એ નાગરિક પન્નૂ જ હતો એવું નામ ફોડીને કહેવાયું નથી. નિખિલે એવી વ્યક્તિને રોકી જે ગુનેગારો સાથે સંબંધ ધરાવતો હતો, પણ તે કિલરને બદલે અમેરિકન એજન્સીનો ગુપ્તચર નીકળ્યો. આ ગુપ્તચરે નિખિલ ગુપ્તાને ‘હિટમેન’ બતાવી એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. આ હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર હતો. આમ નિખિલ ગુપ્તાની સંડોવણી જણાતા તેની ધરપકડ પણ થઈ છે. અમેરિકી કોર્ટમાં રજૂ થયેલ ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના અધિકારીએ નિખિલ ગુપ્તાને ગુજરાતમાં તેની સામે ચાલી રહેલ કેસમાં રાહતની ઓફર આપવાનું કહ્યું હતું, જેના બદલામાં તેણે પન્નૂની હત્યાની જવાબદારી ઉપાડવાની હતી. હવે અમેરિકા એ રાહ જોઈ રહ્યું છે કે આ મામલે ભારત શું કરવા જઈ રહ્યું છે. ભારત સરકારે તપાસની ખાતરી તો અલબત્ત આપી છે.

પણ, આ આખા વેપલામાં અમેરિકા ઉઘાડું પડી ગયું છે. તેણે પન્નૂ જેવા આતંકવાદીની હત્યાના કાવતરાં બદલ ભારતના અધિકારીની ધરપકડ કરી છે. એક તરફ કેનેડાને તો નિજજરની હત્યાને મામલે ભારત જોડે વાંકું પડ્યું જ છે, તેમાં પન્નૂની હત્યાનાં કાવતરાં બદલ અમેરિકાને પણ વાંકું પડ્યું છે. આમ તો અમેરિકા સંબંધ યથાવત રહેવાની વાત કરે છે, પણ સંબંધોમાં ખટાશ તો આવી જ ગઈ છે. કેનેડાને મામલે પણ અમેરિકા સમર્થન ભારતનું નહીં, પણ કેનેડાનું કરે છે, બાકી હતું તે પન્નૂની હત્યાનાં કાવતરામાં ભારતની સંડોવણી ફોડીને અમેરિકાએ પણ ભારતને છંછેડ્યું છે. એક તરફ આતંકવાદની સામે અમેરિકા, ભારતની મદદ માંગે છે ને બીજીતરફ એક આતંકવાદીની હત્યાનાં કાવતરાં બદલ ભારત સામે આંગળી ચીંધે છે. હદ તો એ છે કે પન્નૂ જેવા આતંકીને, ભારતને સોંપવાને બદલે તેને આશરો આપે છે. આ સ્થિતિ હોય તો અમેરિકા આતંકીઓની વિરુદ્ધ છે એવું કઇ રીતે માનવું? ટૂંકમાં, અમેરિકાના બતાવવાના અને ચાવવાના જુદા છે. યુ.એસ. દ્વારા ભારતીય અધિકારીનું નામ ફોડાયું નથી, એટલું જ નહીં, કોની હત્યાનું કાવતરું હતું એ મામલે પણ મગનું નામ મરી પડાયું નથી, પણ અમેરિકા દ્વારા ભારત સામે આંગળી ચીંધાઈ છે તે હકીકત છે. અમેરિકાએ એ સમજવાનું રહે કે પન્નૂ ખાલિસ્તાનીને તે ટેકો આપી રહ્યું છે, પન્નૂએ અલગ ખાલિસ્તાનને મુદ્દે સંગઠન પણ સ્થાપ્યું છે, એવી વ્યક્તિને તે આશરો આપતું હોય તો તે ભારતની સાથે રહીને આતંકવાદને ખતમ કરવા માંગે છે એ વાત મજાક નથી તો શું છે?

અમેરિકા, કેનેડાના ભારત સાથેના સંબંધો વણસવામાં કૈં બાકી રહ્યું નથી. ચીન, પાકિસ્તાન સાથે તો ભારતનું ખટકેલું જ છે. આમ મરવા પડ્યું છે, પણ પાકિસ્તાનના આતંકી હુમલાઓમાં ય ખોટ આવી નથી, જ્યારે ચીન સરહદી જમીનો પર કબજો કરીને, વસાહતો ઊભી કરીને સતત કનડગત કરી રહ્યું છે. નેપાળ સાથે પણ કૈં બહુ વહી જતું નથી. આ ઉપરાંત નક્સલવાદી પ્રવૃત્તિઓ, કોમી તણાવ જેવી બાબતો પણ દબાણ ઊભું કરતી રહે છે. એમ લાગે છે કે ભારત સરહદી દેશો સાથે તથા અમેરિકા, કેનેડા સાથે ડરીને ચાલે એવું વાતાવરણ છે, પણ વિશ્વે એ સમજી લેવાનું રહે કે તે કોઈ પણ કનડગતને વશ નહીં થાય. એ 1962નું કે 1971નું બિચારું, બાપડું ભારત નથી. તેણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પાકિસ્તાન જેવાંને તો એક દિવસમાં તે કબજે કરી શકે એમ છે, પણ સામેથી હુમલો કરવામાં તે માનતું નથી. હા, સ્વમાન દાવ પર લાગશે, એ દિવસે તે શાંત નહીં રહે એટલું નક્કી છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ડિસેમ્બર 2023

Loading

...102030...875876877878...890900910...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved