Opinion Magazine
Number of visits: 9457739
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે …

કિરણ કાપૂરે|Opinion - Opinion|3 September 2023

સ્વામી આનંદ અને કાકા કાલેલકર ગુજરાતી ભાષાના બે ગદ્યસ્વામી છે. ગુજરાતીમાં આ બંને ગદ્યસ્વામીનાં વિપુલ લખાણો છે. અડધી સદી પૂર્વે લખાયેલાં આ લખાણો આજે ય રસપૂર્વક વંચાય છે અને તેથી નવાંનવાં સ્વરૂપે તેમનાં લખાણો મૂકાતાં રહ્યા છે. હાલમાં ‘નવજીવન’ Navajivan Trust દ્વારા આ બંનેનાં લખાણો સાંકળીને ‘એક યાત્રા બે વૃત્તાંત’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના સંપાદક અપૂર્વ આશર છે અને તેમણે આ બંને મહાનુભાવોના હિમાલયના લખાણોને એક સાથે મૂકી આપ્યા છે. આવું કરવાનું કારણ એટલું કે આ બંનેએ એક સાથે હિમાલયનો પ્રવાસ કર્યો અને પછી અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં હતાં. ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળશે. સંપાદક અપૂર્વ આશર હિમાલયના આ બે વૃત્તાંતને એકમેકના પૂરક ગણે છે અને એટલે જ તેમણે બંનેનો પ્રવાસ એકસાથે કેવી રીતે ચાલે છે અને ક્યાં તેમના પ્રવાસ અનુભવમાં ભેદ છે ‘ક્રોસ રેફરન્સ’થી મૂકી આપ્યા છે.

કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક જાણીતું છે અને તેમણે આ પ્રવાસને અદ્વિતિય રીતે શબ્દોમાં ઉતાર્યો છે. હિમાલયનું તેઓ એક ઠેકાણે વર્ણન કરતાં લખે છે કે, “હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.”

કાકાનાં ગદ્યનો આ પરથી અંદાજ લગાવી શકાય. કાકાસાહેબની જેમ સ્વામી હિમાલય માટે પુસ્તકની પ્રસ્તાવનામાં આમ લખે છે : “હિમાલય – નિસર્ગદેવતાનું ક્રીડાસ્થાન, મંત્રદૃષ્ટા ઋષિઓની એ અજરામર તપોભૂમિ, ભારતવર્ષના પ્રાચીન ગૌરવનો એ સાક્ષી– ઝળહળતા સ્ફટિકશુભ્ર બરફથી હજુ પણ એવો ને એવો છવાયેલો છે. માનવી પાદસ્પર્શના દૂષણથી નિરંતર મુક્ત રહેતાં એનાં હિમશિખરો બાલસૂર્યનાં કોમલ કિરણોમાં પ્રભાતે સોનાનાં હોય એવાં ચમકે છે અને વિશ્વના હિત ખાતર પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી, યાંત્રિક આયુષ્યક્રમ સ્વીકારી આખા દિવસ દરમિયાન અર્ધખગોળનો પ્રવાસ કરી શ્રાંતચિત્તે આથમી જતા ભગવાન સવિતાનાં આરક્ત કિરણોની પ્રભામાં એ શિખરો સાંજે પણ સોનેમઢ્યાં હોય એવાં જ લાગે છે.”

સહયાત્રીઓના આ અનુભવ વિશે ‘એક યાત્રા બે વૃત્તાંત’નાં સંપાદક પુસ્તકના ઉપક્રમ વિશે લખે છે કે, “હિમાલયનો કોઈ યાત્રી એક સવારે ઊઠીને જુએ કે કાલે રાત્રે ધુમ્મસ અને વાદળોથી ઢંકાયેલું એક શિખર ધુમ્મસ હઠવાથી હવે દૃશ્યમાન થયું છે. કાલે જ્યાં શિખર દેખાતું હતું ત્યાં હવે બે શિખરોનાં દર્શન થઈ રહ્યાં છે. તો ત્યારે એ ભાગ્યશાળી બે શિખરોની તુલના કરવા બેસે કે આંખ ભરીને એ સૌંદર્યને માણવાનું પસંદ કરે? બસ આટલી જ વાત ‘આ સંયુક્ત આવૃત્તિ શા માટે?’ના કારણરૂપે…” એ પછી સંપાદકીયમાં અપૂર્વભાઈ આ સંપાદનની યાત્રા કેવી રીતે આરંભાઈ તે વિશે લખે છે કે, “1912માં થયેલી આ યાત્રા(હા, બંને યાત્રીઓએ એમનાં બયાનોમાં યાત્રા જ શબ્દ પ્રયોજ્યો છે)નું વૃત્તાંત સ્વામી આનંદે તે જ વર્ષે લખવાનું શરૂ કરી ક્રમશ: 1916 સુધીમાં પૂરું કર્યું. પણ એ જ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયું 72 વર્ષ પછી 1984માં. એના સંપાદકીયમાં મૂળશંકરભાઈ લખે છે, ‘આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે.’ એ બંને પુસ્તકોમાંથી થોડાં ઉદાહરણો પણ ટાંકે છે. બસ, ત્યાંથી શરૂ થઈ આ સંપાદનની યાત્રા. જેમ જેમ એમની સાથે આ યાત્રામાં જોડાતો ગયો એમ એમ સમજાતું ગયું કે આ બે અનન્ય ગદ્યસ્વામીઓના ગદ્યની સરખામણી માત્ર નથી, આ બે વૃત્તાંતો ઘણે અંશે એકમેકના પૂરક છે.”

હવે તે પૂરકે કેમ છે તેનાં ઉદાહરણ અહીં સંપાદક મૂકતાં લખે છે કે, “કાકાસાહેબે એક ઠેકાણે વર્ણવ્યું છે કે, સાંજ પડતાં મુકામે પહોંચવામાં સ્વામી પહેલાં હોય અને પોતે છેલ્લા. એ જ રીતે આ યાત્રાનાં કોઈ વર્ણનોમાં પણ બંને ક્યાંક ક્યાંક આગળ પાછળ થયા છે. કોઈ વર્ણન એકે છોડી દીધાં છે તે બીજાએ બહેલાવીને લખ્યાં છે. સ્વામીએ કોઈ પ્રસંગો બે-ત્રણ વાક્યોમાં નિપટાવ્યા છે જેને કાકાસાહેબે આખા પ્રકરણમાં બહેલાવ્યાં છે. ઉદા. ‘ખાખીબાવા.’ જમનોત્રીનું આખું પ્રકરણ કાકાની ‘વિસ્મૃતિના ધૂમસ પાછળ ભૂંસાઈ’ ગયું છે જે સ્વામીના વૃત્તાંતમાં વિગતે વાંચવા મળે છે.”

સ્વામી અને કાકાસાહેબના હિમાલયના પ્રવાસને સાથે મૂકવાનો વિચાર જાણીતાં સાહિત્યકાર મૂળશંકર મો. ભટ્ટને આવ્યો હતો, તેને સાકાર અપૂર્વ આશરે કર્યો છે. સ્વામી આનંદનું ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારે તેના સંપાદકીયમાં મૂળશંકર મો. ભટ્ટ લખે છે કે, “હિમાલયનાં તીર્થસ્થાનો એ નામે મરાઠીમાં લખાયેલી લેખમાળા એ સ્વામીજી, કાકાસાહેબ અને તેમના મિત્ર બુવા મરઢેકરે સાથે કરેલ પ્રવાસનું વર્ણન કરતી લેખમાળા છે. આ જ પ્રવાસની કથા કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ એ નામે લખેલી છે અને તે તો આજે ગુજરાતના પ્રવાસરસિક અને સાહિત્યરસિક લોકોનું પ્રિય વાચન થઈ પડ્યું છે. તેમણે આ પ્રવાસવર્ણન 1919માં સત્યાગ્રહ આશ્રમનાં બાળકોના માસિકમાં લેખમાળારૂપે લખેલું. આમાં એક સુખદ ઘટના એ છે કે ગુજરાતીમાં પોતાની પ્રવાસકથા મરાઠીમાં લખે ને એક મહારાષ્ટ્રી એ જ પ્રવાસની કથા પોતાની ઢબે ગુજરાતમાં લખે છે. આ રીતે આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે. એ બંને કથાઓમાં બંને યાત્રાળુઓની પ્રતિભા, મિજાજ, રુચિ, ભાષાવૈભવ, અવલોકન, ચિંતનના સ્થાનોની લાક્ષણિકતાઓ ઊપસી આવે છે.”

તે પછી મૂળશંકર ભટ્ટ લખે છે કે, ‘હિમાલયનો પ્રવાસ’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’માં કેટલીક ઘટનાઓના ઉલ્લેખ સમાનપણે મળી આવે છે, પણ તેમના નિરૂપણમાં બંનેની સ્વતંત્ર પ્રતિભાના દર્શન થાય છે.’ કેટલાંક ઉદાહરણ મૂળશંકરભાઈ મૂકે છે, જેમાં એક ઘટના છે ‘બે પત્નીનો ધણી યાત્રિક જે રીતે પોતાની પહેલી પત્ની પર જુલમ કરે છે.’ તેનું વર્ણન છે. આ ઘટના વિશે સ્વામી લખે છે : “પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો પતિનો હક્ક છે, એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી, અને ગડદાપાટુ મારી એને જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી એમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ એમને મળે, તો હિંદુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે”

આ ઘટનાને કાકાસાહેબ જ્યારે શબ્દમાં ઉતારે છે ત્યારે : “આર્ય કુટુંબના ઝઘડામાં બહારના માણસથી પડાય નહીં, એટલે અમે આ બધું સહન કર્યું. આજે અમારી એ કાયરતા પર તિરસ્કાર છૂટે છે. પણ તે વખતે જ મનમાં વિચાર આવ્યો, શું આ જ આપણો આર્ય ધર્મ છે? મનુએ જ્યારે ‘यत्र नार्यस्तु पूज्यन्ते’ લખ્યું ત્યારે આ જ જાતની પૂજા એણે કલ્પી હશે? પતિ એ પત્નીનું દૈવત છે એ ખરું. પણ શું સ્ત્રી પતિની ગુલામ છે કે ઢોર છે? કોઈ સનાતની શાસ્ત્રીને પૂછીએ તો આને માટે પણ એ શાસ્ત્રાધાર જરૂર કાઢી આપે. માણસ એ દેવોનો પશુ છે એમ ઉપનિષદમાં લખ્યું છે. પતિ એ દેવ છે, એટલે પત્ની એનું ઢોર ખરી જ ને? ઉપનિષત્કાલીન ઋષિ આ તર્કશાસ્ત્ર સાંભળશે ત્યારે પોતાના નિર્દોષ કાવ્ય માટે અસંખ્ય વાર પસ્તાશે.”

સંપાદક અપૂર્વભાઈ સંપાદકીયમાં પુસ્તકને ‘DIPTYCH PHOTOGRAPHY’ સાથે સરખાવતાં લખે છે : ‘એમાં બે સ્વતંત્ર ફોટોગ્રાફ્સને બાજુબાજુમાં ગોઠવીને એક નવી જ કલાકૃતિ ઊભી કરવામાં આવે છે. બંને કૃતિઓ પોતપોતાની રીતે સર્વાંગસુંદર અને પૂર્ણ જ હોય છે પણ એ જોડાઈને બનતી દ્વયંગી કૃતિ અનન્ય હોય છે.’

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે…

Loading

દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2023

માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી

રમેશ ઓઝા

ગયા અઠવાડિયે એક શરમજનક ઘટના બની. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક આવેલા ખુબ્બાપુર નામના ગામમાં ત્રીપ્તા ત્યાગી નામની શિક્ષિકાએ હિંદુ વિદ્યાર્થીઓને કહ્યું કે મુસલમાનો હલકી કોમ છે અને તે ઝૂડવાને લાયક છે અને એ પછી વર્ગમાંના એક મુસલમાન વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે હિંદુ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે વારાફરતી એક એક કરીને આને ઝૂડો. આ બહેન સરકારી શાળાની માત્ર શિક્ષિકા નથી, તે ખાનગી શાળાની માલિક છે અને પ્રિન્સિપાલ પણ છે, એટલે એટલું અનુમાન તો સહેજે કરી શકાય કે તે અને તેમનો પરિવાર શિક્ષણનો ધંધો કરવા સત્તાધારીઓને રાજી રાખવાની કસરત કરતા હશે. ખુબ્બાપુરની ઘટના વિશેનો જે વીડિયો વાયરલ થયો છે એમાં એ બહેન એમ કહેતાં દેખાય છે અને સંભળાય છે કે “મૈને તો ડીકલેર કર દિયા, જીતને ભી મોહમેડિયન બચ્ચે હૈ ઇનકે વહાં પહુંચ જાઓ.”

આ ઘટના અંગે દેશભરમાં પ્રતિક્રિયા પેદા થઈ, ત્યારે ત્રીપ્તા ત્યાગીએ બે હાથ જોડીને માફી માગતાં કબૂલ કર્યું હતું કે “મારાથી ભૂલ થઈને છે અને મને માફ કરવામાં આવે.” પરંતુ એ તેમની સ્વાભાવિક અને પહેલી પ્રતિક્રિયા હતી, પરંતુ એ પછી તેમણે કાવતરાની અને તેમને ફસાવવામાં આવ્યાં હોવાની થિયરી રજૂ કરી હતી. આ પણ સમજાય એવી સ્વાભાવિક વાત છે. અધમ કક્ષાનો ગુનો હિંદુ કરે, ગુનો કબૂલ પણ કરે અને માફી માગે તો તો હિંદુ લજવાય અને હિંદુ કોઈ પણ સંજોગોમાં લજવાવો ન જોઈએ. આત્મનિરીક્ષણ, ભૂલની કબૂલાત, પ્રાયશ્ચિત, શરમ અનુભવવી, જીવ કોચવાવો, માફી માગવી વગેરે સારા માણસનાં લક્ષણો હોય તો ભલે હોય, કેટલાક લોકોને જે “હિંદુ” અભિપ્રેત છે એ હિંદુનાં ન હોઈ શકે. માટે ત્રીપ્તાબહેનને કહેવામાં આવ્યું હશે કે ખબરદાર બહેન, માણસાઈની એરણે મોળા પડવાનું નથી, રાજ આપણું છે, એટલે સત્તાની એરણે ગુનો કર્યા પછી પણ શરમાયા વિના ગર્વથી ઊભા રહેવાનું છે. એ તો યાદ જ હશે કે વારંવારની જાતીય સતામણી સામે રસ્તા પર ઉતરેલી પહેલવાન છોકરીઓ સામે બ્રજભૂષણ શરણસિંહ કેવા મોળા પડ્યા વિના ઊભા રહ્યા હતા! જરા ય લાજ-શરમ અનુભવી હતી! તેમના ચહેરા પર શરમનો શેરડો પણ ક્યાં ય જોયો હતો?

માટે માણસાઈની એરણ ભૂલી જાઓ, સત્તાની અને સરસાઈની એરણ કેન્દ્રમાં રાખો. જો સત્તા અને સરસાઈને કેન્દ્રમાં નહીં રાખો અને માણસ બનવામાં જિંદગી વેડફી નાખશો તો હિંદુ રાજ ક્યારે ય અસ્તિત્વમાં નહીં આવે. ઉત્તર પ્રદેશ સરકારે ત્રીપ્તા ત્યાગી સામે એવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે કે તેમની ધરપકડ કરવી ન પડે, તેમને એક દિવસ માટે પણ જેલમાં જવું ન પડે. ડીટ્ટો બ્રજભૂષણ શરણસિહ સાથે થયું હતું એમ. બીજી બાજુ જાણીતા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામે શાળામાં પ્રતાડિત કરવામાં આવેલા મુસ્લિમ વિદ્યાર્થીનું નામ જાહેર કરવા માટે ગુનો દાખલ કર્યો છે; અને કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવશે. કોરા સત્યને ઉજાગર કરનારા આ ઝુબેરની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી અને તેને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ઝુબેર જેવાઓ માણસાઈની એરણે હિંદુઓને માપે એ કેમ ચલાવી લેવાય! એ અક્ષમ્ય ગુનો છે.

મોહમ્મદ ઝુબેર અને કેટલાક સેક્યુલર હિંદુઓ તો ઠીક, સાવ સામાન્ય હિંદુઓને પણ આનો અનુભવ થયો! કદાચ પહેલીવાર. મુઝફ્ફરનગરની ઘટના વાયરલ થઈ એ જોઇને મોટી સંખ્યામાં હિંદુઓએ આઘાતનો અનુભવ કર્યો. આ ન ચાલે. આવું તો ન જ કરાય. નાના બાળકને આવી રીતે મરાતું હશે! ભગવાન આને માફ ન કરે. હિંદુને આ ન શોભે. હિંદુ ધર્મ આવું નથી કહેતો, વગેરે વગેરે. સોશ્યલ મીડિયા પર સામાન્ય હિંદુઓનો માણસાઈનો પોકાર જોઇને આ લખનારને શાતા વળી હતી. કેવી સુંદર ઘટના જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ માણસાઈના પડખે ઊભા રહ્યા. જે હિંદુ ધર્મને હું સમજ્યો છું, જે હિંદુ દર્શન(બ્રાહ્મણ અને શ્રમણ બન્ને)નો મેં અભ્યાસ કર્યો છે, જે હિંદુ વારસાનો મને પરિચય છે, જે હિંદુ પરિવેશમાં મારો ઉછેર થયો છે એ હિંદુ આવો જ હોય! આવો જ હોવો જોઈએ. હિંદુ હોવા માટે અભિમાન ધરાવનારાઓની છાતી ગજગજ ફૂલે એવી એ સુંદર ઘટના હતી. હું તો હિંદુ ધર્માભિમાની નથી, પણ મેં પણ ગર્વનો અને એનાથી વધુ ઉપર કહ્યું એમ શાતાનો અનુભવ કર્યો હતો.

પણ પછી બીજા-ત્રીજા દિવસે સૈનિકો બહાર આવ્યા. જેનો કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એનો બચાવ કરવા કસરત કરવા લાગ્યા. કોઈ મુસલમાનોના અત્યાચારો યાદ કરાવવા લાગ્યા તો કોઈ વળી કાઁગ્રેસના પક્ષપાતના. કોઈએ સેક્યુલર હિંદુઓના પક્ષપાતી સેકયુલરિઝમની યાદ અપાવી. કોઈક એવા પણ હતા જે ઘટના પાછળની ઘટના કે ઘટનાઓ રચી રચીને રજૂ કરવા લાગ્યા. કોઈક વળી વિદ્વતાનો અંચળો ઓઢીને સેમેટિક ધર્મો(મુખ્યત્વે ઇસ્લામ અને કાંઈક અંશે ખ્રિસ્તી)ના સ્વભાવ વિષે મલ્લીનાથી કરવા લાગ્યા. ઉદ્દેશ એક જ હતો જે આગળ કહેવામાં આવ્યું છે. માણસાઈની એરણે હિંદુ લજવાય અને મોળો પડે તો હિંદુ રાજ કેવી રીતે અસ્તિત્વમાં આવે અને આવે તો ટકી રહે. સત્તા અને સરસાઈની એરણે ટકી રહેવું જરૂરી છે.

તો હવે કહો કે આનો અર્થ તમે શું કરશો? દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે? એક એ હિંદુ છે જે હિંદુ હોવા ઉપરાંત માણસ બની રહેવા માગે છે અને એક એ હિંદુ છે જે માણસાઈના ભોગે હિંદુ હોવાપણું શોધે છે. આ સવાલ મુસ્લિમ વિશ્વમાં પણ પૂછાવો જોઈએ અને કેટલાક ભલા મુસલમાનો પૂછે પણ છે, પરંતુ તેમનો આવાજ જોઈએ એટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચતો નથી. દ્વન્દ્વ મુસલમાનોની વચ્ચે છે કે મુસ્લિમ અને કુફ્ર(ઇસ્લામને નહીં માનનારાઓ)ની વચ્ચે છે? જો એ અવાજ બુલંદ હોત અને આમ મુસલમાન સુધી પહોંચ્યો હોત તો આજે મુસ્લિમ દેશોની સ્થિતિ જેવી છે એવી ન હોત. ધર્માંધ લોકો “આપણે” અને “બીજાઓ” વચ્ચેનાં દ્વન્દ્વનો આશરો લે છે કે જેથી અંદર ડોકિયું કરવું ન પડે. તેમને અંદર ડોકિયું કરતાં ડર લાગે છે અને જો લોકો અંદર ડોકિયું કરતા થાય અને તેનો માયલો જાગે તો તો હજુ વધુ ડર લાગે છે. માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

ભારત-ચીન સરહદ વિવાદઃ ચીનથી ચેતવું માત્ર ભારત માટે નહીં વિશ્વ શાંતિ માટે અનિવાર્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 September 2023

વિશ્વમાં સત્તાની દોડમાં જોડાયેલા રાષ્ટ્રોને અત્યારે 3જું વિશ્વ યુદ્ધ પોસાય તેમ નથી, વળી ચીન-ભારત અને પાકિસ્તાનના સંજોગોનું કોકડું એકબીજા સાથે કોઈને કોઈ રીતે ગુંચાવેયલું છે ત્યારે ભારત માટે બે ધારી તલવાર પર ચાલવા જેવી સ્થિતિ છે.

ચિરંતના ભટ્ટ

ડિસેમ્બર ૨૦૨૨થી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ ચાલી રહી છે. નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control જે 2,100 માઇલ લાંબી સરહદ છે ત્યાં ખેંચાતાણી ચાલી રહી છે. 2020માં ગલવાન વૅલીમાં જે સંઘર્ષ થયો એમાં 20 ભારતીય સૈનિકો અને લગભગ ચાર જેટલા ચીની સૈનિકોના જીવ ગયા. આવી અથડામણો થાય પછી બધું થાળે પાડવા સરકારો વચ્ચે સંવાદ થાય અને થોડો સમય બધું ઠેકાણે રહે પણ પછી બધું જ્યાંનું ત્યાં. થોડા વખતમાં G20 સમિટ શરૂ થવાની છે જેમાં ચીનના રાષ્ટ્રપતિ પણ સામેલ થવાના છે. આ પહેલાં જ ચીને પોતાના ‘સ્ટાન્ડર્ડ મૅપ’ એટલે કે માનક માનચિત્ર કે માનક નકશો જેને કહેવાય તે રજૂ કર્યો જેમાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો છે અને ફરી એકવાર સીમા વિવાદ છંછેડાયો. જો કે ચીને તો તાઈવાન પર પણ પોતાનો દાવો માંડ્યો છે. વળી આ બધી જંજાળ ત્યારે ખડી થઈ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં સાઉથ આફ્રિકામાં મળશે કેમની અટકળોએ જોર પકડ્યું હતું. વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગયા અઠવાડિયે મુલાકાત થઈ અને લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ પરથી સૈનિકોએ પાછા ફરવું જોઈએની ચર્ચા બન્ને સત્તાધીશો વચ્ચે થઈ હોવાના અહેવાલ પણ આવ્યા. મોદીએ ચીની પ્રમુખને LACનું સન્માન કરવા કહ્યું તો ચીનના વિદેશ મંત્રાલયમાંથી પણ એવા અહેવાલ બહાર પડ્યા કે શી જિનપિંગ પણ દૃઢતાપૂર્વક એમ માને છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરે તે જરૂરી છે. આ ચર્ચા તો થઈ અને તે પછી પણ કંઈ બધું પાર પડી ગયું છે એમ માની લેવાનું કોઈ કારણ નથી. ચીન સાથેના આ સહરહદી સંઘર્ષનો ઇતિહાસ કેટલો પુરાણો છે તે સમજવાનો પ્રયાસ કરીએ. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો સંકેત હતો કે સૈન્ય પાછળ ખસવા તૈયાર છે પણ તેમને રાજકીય નેતૃત્વની આ મામલેની સ્વીકૃતિની રાહ છે.

ભારત અને ચીનનો સરહદ પરનો સંઘર્ષ નવો નથી. સૌથી પહેલી ચકમક 1959માં ઝરી હતી જ્યારે ચીનની ટુકડીએ પેટ્રોલિંગ કરતા નેફ ફ્રંટિયર પર લોંગજુમાં હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ત્યાંથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારત આવ્યા, આ સફર તેમણે પગપાળા કરી હતી. 2017માં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની યાત્રા કરી ત્યારે ચીને તેમનો આકરો વિરોધ કર્યો અને આમ કરવાથી ભારતને કોઈ લાભ નથી થવાનો એવો દેકારો પણ કર્યો. ચીન અને ભારત વચ્ચેનો સંઘર્ષ આમ તો હવે 46 વર્ષથી ચાલે છે પણ 3 વર્ષ પહેલાં 2020માં ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, ત્યારે 43 વર્ષથી ચાલતા ગોળીબારી વગરના સંઘર્ષને 43 વર્ષ થયા હતા. ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં અતિક્રમણ – ધુસણખોરી કરવી, એ વિસ્તારને પોતાનો ગણાવવો ચીન માટે કંઇ નવું નથી. આ પહેલાં ચીને ડોક્લામને પણ પોતાનો વિસ્તાર ગણાવ્યો છે અને એ વિવાદ પણ ખાસ્સો ચાલ્યો હતો. વળી એ વખતે ભારતને નેવે મૂકીને ચીને ભૂટાન સાથે ચર્ચા શરૂ કરી દીધી હતી, જ્યારે અહીં તો ભારત, ચીન અને ભૂટાનની સરહદો ભેગી થાય છે.

આમ તો ચીન સાથે ભારત 3,488 કિલોમિટરની લાંબી સરહદ ધરાવે છે, જે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. તિબેટને તો ચીન પોતાનો જ હિસ્સો ગણાવે છે, તો અરુણાચલ પ્રદેશમાં મૅકમોહન રેખાને અને અક્સાઈ ચીન પર ભારતના દાવાને ચીન જરા ય ગણકારતું નથી. ચીન અને ભારત વચ્ચેના આ સંઘર્ષને કારણે બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો પર પણ અસર પડી છે. ચીની કંપનીઓના એક્સપર્ટ્સ કે અધિકારીઓને ભારતનો વિઝા મળવામાં પણ મુશ્કેલી પડે છે તો ચીનથી આયાત થતી ચીજો પર ડ્યૂટી પણ વધારી દેવાઈ છે. આ મામલો જટિલ છે અને તે માત્ર જમીનનો પ્રશ્ન નથી પણ ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટનો (સૈનિકો પોતાના કેમ્પથી આગળ આવીને તૈનાત રહે) છે એવું આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું.

ચીન અને ભારત વચ્ચે વણસેલા સંબંધો ચિંતાજનક છે કારણ કે તેને કારણે સરહદના લશ્કરીકરણ, ભારતની કડક વિદેશી નીતિ અને પ્રાદેશિક વ્યૂહાત્મક સ્થિરતા પર આવતા જોખમ જેવા પડકારો ખડા થાય છે. વળી પાકિસ્તાન નજીક હોવાને કારણે તેને આ સમીકરણોમાંથી બાકાત ન રખાય. ત્યાં રાજકીય અને આર્થિક અરાજકતા છે. વળી એશિયાઈ રાષ્ટ્રોમાં કોણ સૌથી વધુ શક્તિશાળી છે તેની સ્પર્ધા પણ ચાલી રહી છે ત્યારે વ્યૂહાત્મક સ્થિરતાનું સંચાલન કરવું મુશ્કેલ થઇ જાય. ચીન, ભારત અને પાકિસ્તાનમાં જે સંજોગો છે તેને કારણે આખા પ્રદેશમાં સુરક્ષાના પ્રશ્નો પણ વધારે તેજ બને કારણ કે ત્રણેય રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો છે. વળી દરેક પોતાને માથે જોખમ હોવાનું કારણ આગળ ધરીને પોતાના પરમાણુ શસ્ત્રોની શક્તિમાં વધારો કરે અને તેને યોગ્ય પણ ઠેરવે. સરહદ પરનો તણાવ અને વિવાદો ક્યાંક પરમાણુ શસ્ત્રો પરના દરવાજા પાર કરી દે એવું જોખમ તો છે જ. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થવાની શક્યતા તો નથી દેખાતી, પણ પણ સીમા પરના વિવાદો લશ્કરી રોકાણો વધારી શકે છે. ટૂંકમાં જો ચીન કે ભારત પોતાની પરમાણુ કે અન્ય લશ્કરી શક્તિ વધારે તો એવો ઘાટ થાય કે દુ:શ્મને શિંગડા તો નથી ભેરવ્યા પણ ધાર જરૂર કાઢી છે એટલે સરહદ પરની સ્થિતિ વધુને વધુ તંગ બનતી જાય.

આમ તો LAC પરની તંગ સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય બાબત બની ગઈ છે અને ચીન કે ભારત કોઈ કશું પણ હળવાશથી નથી લઇ રહ્યા અને આવામાં યુ.એસ.એ. તરફથી ભારતને એ રીતે ટેકો મળે જેનાથી તણખામાંથી ભડકો ન થાય પણ એક સલામતીનો ભાવ પ્રસરે એમ થઇ શકે. યુ.એસ.એ. ધારે તો ભારતને ચીનને લગતી ઇન્ટેલિજન્સ અને અન્ય માહિતી આપી શકે જે અરુણાચલ પ્રદેશ સહરદે 2022માં જ્યારે સંજોગો વણસ્યા હતા ત્યારે આપી હતી. યુ.એસ.એ.ના આવા ટેકાથી ભારત ચીનનો સામનો કરવા સજ્જ રહી શકે. કમનસીબે અત્યારે ભારત-ચીનના સંબંધો અંગે કોઇ સ્પષ્ટતાની શક્યતાઓ નથી દેખાતી અને સરહદેથી બન્ને રાષ્ટ્રો પીછે હઠ કરે અથવા ત્યાંનો તંગ માહોલ હળવો બને એવું અત્યારે તો નથી લાગતું.

ચીન અને પાકિસ્તાન બન્ને જો ભારતની સામે પડે તો આવી બને. ભારતે આવા સંજોગો ટાળવા પગલાં તો લીધાં છે. આ પહેલાં પણ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને કાબૂમાં રાખવા માટે ભારતે યુ.એસ.એ.ની મદદ લીધી હતી. 1971માં બાંગ્લાદેશના ભાગલા થવાના હતા ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ભારતે એની ખાતરી કરી કે ચીનનો આખી બાબતમાં ઓછામાં ઓછો ફાળો હોય. આ વખતે ભારતે યુ.એસ.એસ.આર. સાથે શાંતિ કરાર કરેલા અને ચીનનો ચંચૂપાત ભારતે લૉન્ચ કરેલા ઑપરેશન્સને કારણે નહિંવત્ હતો.

જેવો ડર ભારતને હોય તેવો ચીનને પણ હોય. યુ.એસ.-ઇન્ડો સંબંધ સારા થઈ રહ્યા છે એમાં ચીનનો જીવ તાળવે તો બંધાય જ છે. ભારત જો ચીનને એમ સમજાવી શકે કે બે મોરચા ખોલી દેવામાં બન્નેને નુકસાન છે, LAC પર સ્થિરતા રાખવી બન્ને રાષ્ટ્રોની એક સરખી જવાબદારી છે અને ચીન LAC પર મનસ્વી વહેવાર કરે તો ભારત પણ પોતાની શક્તિ દેખાડી શકે છે તે અત્યાર સુધીના સંઘર્ષોમાં સાબિત થયું છે તો ચીન પણ સંયમની દિશામાં વિચારી શકે છે.

બાય ધી વેઃ

ભારત અને ચીને લદાખ પરના બોર્ડર વિવાદને લઇને આઠ વાર નિવેદનો આપ્યા છે, જેને હકારાત્મકતાથી જોવામાં આવે છે. શી જિનપિંગ G20માં આવશે કે નહીં તે અંગે પણ અત્યારે અટકળો ચાલી રહી છે. દસ મહિનાથી બેઇજિંગમાં ભારતીય એમ્બસેડરની નિમણૂક નથી થઈ. ચીને પહેલાં પણ ડિસએન્ગેજમેન્ટને – સંઘર્ષમાંથી છૂટા થવું અથવા દૂર થવુંના અર્થમાં – ઠરાવ – રિઝોલ્યૂશન – તરીકે ખપાવ્યું છે અને તેનાથી ભારતને નુકસાન જ થયું છે. ચીની સૈનિકો સરહદમાં જેટલા આગળ આવી ધસ્યા હતા તેનાથી સહેજ દૂર જઈને તેમણે તો લશ્કરનું મોટું માળખું ખડું કરી દીધું હતું, જ્યારે ભારતીય સૈન્યએ પોતાના શબ્દોને અનુસરીને પોતે જ્યાં પહેલાં તૈનાત હતા ત્યાં પાછા ફર્યા હતા. મોદી અને જિનપિંગ વચ્ચે થયેલી ચર્ચાઓથી સરહદ વિવાદ શાંત પડે તો તેનાથી બહેતર કંઇ ન હોઈ શકે. વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક અરાજકતાઓ પૂરતી છે અને તણખામાંથી ભડકો થાય જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જાય તો એ કોઈ પણ રાષ્ટ્રને પોસાય એમ નથી. લદાખમાં ડોકલામ વાળી થાય એવું કોઈ નથી ઇચ્છતું અને માટે જ ચીનના ડિસએન્ગેજમેન્ટને રિઝોલ્યૂશન માની લેવાની ભૂલ આપણે ફરી ન કરવી જોઈ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

...102030...870871872873...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved