Opinion Magazine
Number of visits: 9666145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માખણ જેવા મૃદુ, વજ્ર જેવા મજબૂત : વિનોબા

અમૃત મોદી|Opinion - Opinion|12 December 2023

પ્રભુદાસ ગાંધી

સાબરમતી આશ્રમના આરંભનાં વર્ષોમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા, નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે જેવા પ્રતિભાશાળી શિક્ષક હતા. બાપુજીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને પૂર્ણ સ્વતંત્રતાનો નિયમ હતો. કોઈ પ્રકારની સજા કે માર નહીં મારવાનો આદર્શ હતો, જે એ જમાના માટે નવો પ્રયોગ હતો. પરિણામે અમે વિદ્યાર્થીઓ સાવ બેપરવા થઈ ગયા હતા. કિશોરલાલભાઈ રેખાગણિતનો વર્ગ લેવાનો શરૂ કરે, અને મારા જેવા અલ્લડ લંગોટ બાંધીને સાબરમતી નદીમાં તરવા પહોંચી જાય.

મને અભ્યાસમાં જોતરી દીધો

હું ઉદ્દંડ તો હતો જ; એક દિવસ આ શિક્ષકો વિશે કંઈ ને કંઈ ફરિયાદો લખીને એ કાગળ બાપુને આપ્યો. બાપુએ વાંચ્યો, બોલ્યા : ‘ઠીક છે.’ પછી એમણે એ પત્ર શિક્ષકોની સભામાં મૂક્યો. મેં મારી વાત રજૂ કરી. મારે વ્યાકરણ શીખવાની કંઈ જરૂર નથી. મારી માએ ભાષા શીખવતી વખતે વ્યાકરણ શીખવ્યું હતું. અને સંસ્કૃતનાં રૂપ-વિભક્તિ વગેરે યાદ કરવાની ઝંઝટ મારાથી થશે નહીં. સભામાં ચર્ચા ચાલી. વિનોબાએ કહ્યું, ‘પ્રભુદાસને મને સોંપી દો, હું પ્રયોગ કરી જોઉં. હું શીખવું એ પાઠના બધા શબ્દો શબ્દકોશમાં જોઈને તેના અર્થ એણે સમજી લેવાના.’

મેં હા ભણી. પરંતુ થયું શું ? એ તો ૧૫-૨૦ મિનિટ ભણાવતા, પરંતુ એની તૈયારીમાં મારે ત્રણ-ચાર કલાક શબ્દોના અર્થ શોધવામાં લાગી જતા. વળી એ ભણાવતા પણ હતા ખાતાં ખાતાં ! થોડું શીખવતા હતા, પણ ગહન શીખવતા હતા. ‘રઘુવંશ’નો બીજો અધ્યાય, વાલ્મીકિ રામાયણમાં પ્રવેશ, નીતિશતક, બ્રહ્મસૂત્રની પ્રસ્તાવના વગેરે. પછી તો ઘણી વાર કહેતો પણ ખરો કે વ્યાકરણ શીખવોને. તો જવાબ મળતો, ‘તારે તો વ્યાકરણ શીખવાનું નથી ને ? તને તો આવડે છે ને !’ આમ, હું એમનો વિદ્યાર્થી બની ગયો. તેમ છતાં બાપુ પાસે મારી ફરિયાદો પહોંચતી કે વિનોબા તો સૂતાં સૂતાં ભણાવે છે, સામાવાળાને તો કાંઈ ગણતા જ નથી, પોતાને જ ‘સબકુછ’ સમજે છે …. વગેરે વગેરે.

કઠોર, પણ કેવા મૃદુ – માખણ જેવા !

વિનોબાજી

એ વાતને બે વર્ષ થઈ ગયાં. હવે પૂરો સમય હું એમના સાંનિધ્યમાં રહેતો હતો. સવારે ચાર વાગે મને ઉઠાડે. બ્રહ્મમુહૂર્તમાં મને સાબરમતી નદીમાં સ્નાન કરવા લઈ જતા. સ્નાન-પ્રાર્થના પછી નિયમસર વ્યાયામનો કાર્યક્રમ રહેતો. પછી પોતાની કુટિર પાછળ નદીના કાંઠે પૂર્વ બાજુ બેસીને, આસન લગાવીને પોતાના ભજન-ચિંતનમાં તલ્લીન થઈ જતા – જાણે આ જગતને ભૂલી ગયા હોય ! તુકારામ – જ્ઞાનેશ્વરનાં ભજન ગાતાં ગાતાં એ આનંદ-સમાધિમાં ડૂબી જતા. એમની આંખોમાંથી એકધારી આંસુની ધારા વહેતી. આ બધું હું જોતો અને વિચારવા લાગતો કે જીવનમાં સાવ રૂખા-સૂખા, કોઈની સાથે માયા-મમતા ના રાખનારા, રાત-દિવસ કઠોર જીવન જીવનારા વિનોબા હૃદયથી કેટલા મૃદુ, માખણ જેવા છે !

એક વાર હું વિનોબા પાસે ભણવા જઈ રહ્યો હતો, રસ્તામાં બાપુ મળ્યા. પૂછવા લાગ્યા, ‘કોઈ રાવ-ફરિયાદ ?’

‘ના, ના, બિલકુલ નહીં. મારા તો એ ગુરુ છે.’

‘તો એમ કરો, આજે પ્રાર્થનામાં એમની માફી માંગો.’

…. અને સાંજની પ્રાર્થનામાં બધાં વચ્ચે આંખમાં આંસુ સાથે મેં માફી માગી અને કહ્યું, ‘ગુરુ હોય તો આવા જ હજો.’

અમે કાંઈ બોલી જ ન શક્યાં

એ વખતે એમનું બપોરનું ભોજન લઈ આવવાનું કામ મને સોંપ્યું હતું. મહિનાઓ સુધી આ કામ ચાલ્યું. વીસ મિનિટમાં એ ભોજન કરી લેતા. સાથે સાથે મને ભણાવતા પણ હતા. ચાવી-ચાવીને ખાતા હતા. વીસ મિનિટમાં બરાબર ચાવીને ખાઈ શકાય એટલો જ ખોરાક લેતા હતા. ત્રણ નાની રોટલી, થોડુંક શાક, થોડીક દાળ, બસ ! કસ્તૂરબા થાળી પીરસીને મને આપતાં. પછી કોણ જાણે કેમ એમણે આ આહાર પણ બંધ કરી દીધો. દૂધ અને ખારેક પર રહેવા લાગ્યા. અમારા ઘેર કોક દિવસ ભોજન કરે એવો મારી બાનો બહુ આગ્રહ હતો. એક વાર ઘેર આવ્યા. એમનું ભોજન હતું ૩૫૦ ગ્રામ દૂધ અને ગણેલી પાંચ ખારેકો ! બસ, દિવસમાં બે વાર આ જ ખોરાક લેતા હતા. આટલું ખાવામાં એમણે અર્ધો કલાક કર્યો. થોડુંક વધારે લે એવી બાને ઉત્કટ ઇચ્છા થતી હતી. પણ મા અને હું કાંઈ બોલી જ ન શક્યાં. એટલું ઉગ્ર એમનું તેજ હતું.

રસ્તા વચ્ચે ત્યાં વાઘ ઊભો હતો

એક વાર સહ્યાદ્રિ પર્વતના જંગલમાં વિનોબા અને બે સહપાઠી સાથે પ્રતાપગઢનો પગપાળા પ્રવાસ કરતા અમે જતા હતા. નિશ્ચિત રસ્તો છોડીને પહાડ પર સીધા ચડવા લાગ્યા. પછી ભૂલા પડ્યા. આગળ જઈ શકાય એમ જ નહોતું. અમને ત્રણને એક ખુલ્લી જગ્યામાં મૂકીને વિનોબા રસ્તો શોધવા ગયા; પણ મળ્યો નહીં. એટલે પાછા આવીને ગંભીર અવાજે બોલ્યા, ‘જે રસ્તેથી આવ્યા, ત્યાંથી જ પાછા ચાલો. આખરે કિલ્લાના ચોગાન પાસે પહોંચી ગયા, ત્યાં ખાધું.

પછી જોયું તો વિનોબાને તાવ આવી ગયો હતો. અમને કોઈને તાવ આવે તો એ કહેતા કે તાવ આવ્યો નથી, તમે એને લાવ્યા છો. હવે એમના શબ્દો એમને સંભળાવતાં મેં કહ્યું, “તમને તાવ આવ્યો નથી, તમે લાવ્યા છો.”

જવાબમાં એમણે કહ્યું, “હું તાવ લાવ્યો નથી, પણ તારા કારણે મને તાવ ચડ્યો છે. રસ્તો મળતો નહોતો, આવેલા રસ્તે પાછા ફરવાનું મેં કહ્યું ત્યારે ત્યાં એક વાઘ ઊભો હતો. વીજળીની પેઠે એની આંખો ચમકી રહી હતી. એ વખતે તમને કહ્યું હોત તો તમે લોકો ભાગવા લાગત અને મોટી મુસીબત થઈ જાત. મનમાં ભારે ચિંતા પેદા થઈ કે જો તમને કશુંક થયું હોત તો કાશીબહેન સામે કયું મોઢું લઈને ઊભો રહી શકીશ ?”

वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि − એવું એમનું હૃદય હતું !

(પ્રભુદાસ ગાંધીના હિંદી લેખનો અનુવાદ)
સ્ત્રી અધ્યાપન મંદિર સામે, ગાંધી આશ્રમ, અમદાવાદ – ૩૮૦ ૦૨૭
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 09 તેમ જ 17

Loading

વિચાર, અભિવ્યક્તિ અને વર્તન

રોહિત શુક્લ|Opinion - Opinion|12 December 2023

હિંદુ ધર્મમાં ધર્મ વિશે ઘણું કહેવાયું છે :

यतो धर्म: ततो जय:

धर्मस्य गहना गति

 

धर्मा रक्षति रक्षित:

धारयात इति धर्म:

 

स्वधर्म निधनं श्रेय:

परधर्मो भयाव:

सत्यम्‌ वद धर्म चर:

હિંદુધર્મમાં ધર્મની બાબતો વિશે શંકાશીલ થવું કે ‘તર્કબાજી’ કરવી તે બહુ આવકારદાયક પણ નથી. અગિયારસ, ચાતુર્માસ, નવરાત્રી, સમય-સમયનાં દર્શન, તથા શુદ્ધતા અને પવિત્રતા અંગેના પણ આગવા ખ્યાલો છે. ઘઉંના લોટની ભાખરી, જો લોટ પાણીથી બંધાયો હોય તો એંઠી અને દૂધથી (દૂધમાં ગમે તેટલું પાણી ઉમેરાયું હોય !) બંધાય તો ચોક્ખી ગણાય. આવા રીતરિવાજો ઉપરાંત કર્મકાંડ, જ્યોતિષ, કર્મના સિદ્ધાંત વગેરેનો એક મોટો ખજાનો છે. બધાને આ તમામની વિગતો સમજવાનો કે સારાસાર તત્ત્વો તારવવાનો સમય, વૃત્તિ કે અભિગમ હોતા નથી. આથી કથાકારો, ‘સાધુઓ’ પૂજારી, વગેરેના આદેશ કે સૂચનોને શિરોધાર્ય ગણવામાં આવે છે.

પરંતુ જો પરંપરા અને પુરાણોની કથાઓની ભીતરમાં બુદ્ધિ કે તર્ક સાથે અને ઇતિહાસનો ઉપયોગ કરીને પ્રવેશવા પ્રયાસ કરીએ તો મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. આ અંગે વિવિધ અને ક્યારેક ચોંકાવનારાં તથ્યો મળે છે. આ વિધાનો ઘણા લોકોની માન્યતાઓને આઘાત પહોંચાડી શકે તેવાં છે. આ પ્રકારની માહિતીનો ઉલ્લેખ અહીં નિરર્થક છે. છતાં નમૂના દાખલ એક ઉલ્લેખ જોઈએ :

બુદ્ધ એક જ ન હતા; ૨૭ બુદ્ધ થઈ ગયા. તે પૈકી એક લંકાપતિ રાવણના સમવયસ્ક હતા. અને બંને મળ્યા પણ હતા. જો એમ હોય તો બુદ્ધ અને રામની પણ મુલાકાત થઈ હોઈ શકે. તો પછી બૌદ્ધધર્મ કેટલો જૂનો હશે ? જો બૌદ્ધધર્મ આટલો જૂનો હોય તો સનાતન ધર્મ કેટલો જૂનો હશે ? આ પ્રકારના પ્રશ્નો ઉપરાંત ભાષાનો પણ મુદ્દો ઉઠે છે. પાલિ અને સંસ્કૃત પૈકી કઈ ભાષા વધુ જૂની ?

ઇતિહાસનું અવગાહન અનેક સવાલો ઊભા કરે છે. જેમને સત્ય અથવા તથ્ય શોધવા કે જાણવામાં રસ હોય તેમણે આ દિશમાં આગળ વધવું રહ્યું.

પરંતુ નવ્વાણું ટકા લોકોને ‘આવી’ બાબતોમાં રસ હોતો નથી. આ ક્ષેત્ર વિચારોનું ક્ષેત્ર છે. તર્ક અને બુદ્ધિના ક્ષેત્રના વિચાર, તેમાંથી નિષ્પન્ન અભિવ્યક્તિ અને વર્તનની જગ્યાએ ભક્તિ, શ્રદ્ધા, આદેશ અને આજ્ઞા આપીને બેસી જાય છે. કાળક્રમે મોટા ભાગના લોકો દેખાદેખી અને ગતાનુગતિક ઢબ અપનાવી પોતાના વર્તનમાં પરંપરા તેમ જ આધુનિકતા – એમ બંનેનો સમાવેશ કરતા થઈ જાય છે. હિંદુ ધર્મના ચાર આશ્રમોનું ઉદાહરણ લઈએ.

તે મુજબ એકાવનમા વરસે ગૃહસ્થે વનપ્રવેશ-વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. અને પંચોતેરમા વરસે સંન્યાસી બનવું જોઈએ. આવું ભાગ્યે જ બને છે. નથી પરંપરા ખપમાં આવતી અને નથી તર્કશીલતા કેળવાતી. આથી જ દેશના વિવિધ કાળખંડોમાં લોકો દ્વારા સમાજમાં કરાતી વર્તણૂક એક અભ્યાસનો અને ક્યારેક ચિંતાનો વિષય બને છે.

ભારતનું બંધારણ એના ‘આમુખ’માં શિક્ષણ, જીવન અને કામના મૂળભૂત નાગરિક અધિકારોનો સ્વીકાર કરે છે. આ ત્રણ બાબતો ધર્મ-વિરુદ્ધની પણ નથી; પણ તેના અમલનું વાસ્તવિક ચિત્ર, ધર્મનો અહેસાસ કરાવતું નથી. બધા જ ધર્મોનું મૂળતત્ત્વ માનવલક્ષિતા છે. બુદ્ધિ-તર્ક અને સમતાલક્ષિતા વગર માનવલક્ષિતા સંભવ નથી. આ વ્યાપક સંદર્ભમાં શિક્ષણ અપાય અને શિક્ષિતોને નોકરી-ધંધા મળી રહે તો એક વિકસિત અને નૈતિકતાસભર સંવેદનશીલ સમાજ રચાય.

ઉત્તર યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વધતા-ઓછા અંશે આ દિશામાં જઈ રહ્યા છે. આ દેશોમાં પણ ધર્મનો આશ્રય તો છે જ પણ ત્યાં કર્મકાંડની સત્તા નથી.

‘સ્ત્રીઓનું સન્માન કરવું’ તે કર્મકાંડ વડે શીખવવાનો મુદ્દો હોવા કરતાં શિક્ષણ દ્વારા ઊભી કરાતી સંસ્કારિતાનો મુદ્દો વધુ બને છે. શિક્ષણ દ્વારા કરાતું મૂલ્યવર્ધન અત્યાચારનું રૂપ ભાગ્યે જ લે છે !

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 20

Loading

આધુનિક લોકશાહીમાં સંવાદનું સ્થાન

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|12 December 2023

When citizens cannot engage in rational, thoughtful discussions, the health of democracy is in peril

— Alexis de Tocqueville

લોકશાહીમાં પ્રજા જ શાસક હોય છે. પરંતુ સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેમાં લોકોનો અભિપ્રાય ન હોય તો તેઓ કેવી રીતે શાસનના હિસ્સેદાર બની શકે ? તેથી લોકશાહીમાં વિચારોની મુક્ત અભિવ્યક્તિ, ચર્ચા, સંવાદ અને વાદ-વિવાદ અનિવાર્ય છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણીઓ નથી. દર પાંચ વર્ષે એક વાર મતદાન કરવા માત્રથી લોકશાહી ટકતી નથી. લોકોના ભલાને સુરક્ષિત કરવા માટે નિરંતર સંવાદ, ચર્ચા, વાદવિવાદ અને અસંમતિ દ્વારા લોકશાહીનું પાલન કરવું પડે છે.  

લોકશાહીમાં મતભેદ, રાજકીય હરીફાઈ અને વાટાઘાટો

સમાજ વૈવિધ્યપૂર્ણ હોવાથી વિવિધ મંતવ્યો અને અભિપ્રાયો પ્રવર્તમાન હોય છે. તેને કારણે મતભેદ ઊભા થતા હોય છે. આવા મતભેદોનું પ્રતિનિધિત્વ કરવા વિવિધ રાજકીય પક્ષો કે હિત જૂથો (interst groups) અસ્તિત્વમાં આવતાં હોય છે. જેમાંથી રાજકીય સ્પર્ધા જન્મે છે. આવી રાજકીય સ્પર્ધા લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. પરંતુ લોકશાહીમાં મતભેદોનો ઉકેલ બળથી નથી લવાતો. તેથી લોકશાહીમાં સંવાદ અને સમાધાન અનિવાર્ય થઈ પડે છે.

આધુનિક લોકશાહીમાં, રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરા, ભાષણો અને સંદેશાવ્યવહાર દ્વારા જનતાને શિક્ષિત અને સંગઠિત કરવમાાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચૂંટણીમાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષ સરકાર બનાવે છે; કાયદા, નીતિઓ અને શાસન માટે જવાબદાર બને છે. જે પક્ષો સત્તામાં ન હોય તે વિરોધપક્ષ બને છે. શાસકોને જવાબદાર બનાવવા, સત્તાનો દુરુપયોગ અટકાવવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે વિપક્ષ સરકારની ચોકીદારી કરે છે. વિપક્ષ નીતિગત વિકલ્પો રજૂ કરે છે, લઘુમતી હિતોનું રક્ષણ કરે છે અને રાજકીય ચર્ચાને નિરંતર ચાલુ રાખે છે. વિપક્ષ ભ્રષ્ટાચારને રોકવાનું અને સરકારને વધુ શક્તિશાળી અથવા સરમુખત્યારશાહી બનતાં અટકાવવાનું કામ કરે છે. વિપક્ષ વધુ સારી નીતિઓ અને ન્યાયીપણાનો આગ્રહ રાખે છે. જે તંદુરસ્ત લોકશાહી અને સમગ્ર સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી છે.

લોકશાહીમાં રાજકીય પક્ષો ઉપરાંત જુદાં-જુદાં ક્ષેત્રોમાં રસ ધરાવતા લોકો તેમને સ્પર્શતા વિશેષ મુદ્દાઓ, પ્રશ્નો કે સમસ્યાઓની ચર્ચા કરવા અને તેમના સમાધાન માટે સરકારમાં રજૂઆત કરવા અને જરૂર પડે તો સરકાર ઉપર દબાણ લાવવા સંગઠિત થતા હોય છે. તેમને હિત જૂથો (interst groups) કે દબાણ જૂથો (pressure groups) કે હિમાયત જૂથો (advocacy groups) તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણીય જૂથો, માનવ અધિકાર જૂથો, વ્યાવસાયિક સંગઠનો, કામદાર સંગઠનો અને મહિલા સંગઠનો આવાં જૂથોનાં ઉદાહરણ છે. આવાં જૂથો ક્યારેક કોઈ એક રાજકીય પક્ષની પાંખ તરીકે કામ કરતાં હોય છે. અથવા સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતાં હોય છે.

આવાં રાજકીય પક્ષો અને હિત જૂથોની હરીફાઈને કારણે કોઈ પણ સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક મુદ્દાઓ અંગે નિર્ણયો લેતી વખતે મોટા ભાગે વિવાદ થતો હોય છે. અને ક્યારેક સંઘર્ષ પણ થતો હોય છે. પરંતુ કોઈ સમાજ સતત સંઘર્ષમાં કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં લાંબો સમય ન રહી શકે. તેથી લોકશાહી સરકારને આવા વિરોધપક્ષો કે વિવિધ હિતજૂથો સાથે વાટાઘાટો, ચર્ચા-વિચારણા કરવી પડતી હોય છે અને બાંધ-છોડ કરીને સૌને કે બહુમતીને સ્વીકાર્ય હોય તેવા નિર્ણયો કરીને તેમની સાથે સમાધાન પણ કરવું પડતું હોય છે. તેથી ખ્યાતનામ અમેરિકન રાજ્યશાસ્ત્રી રોબર્ટ ડા’લ (Robert S. Dahl : ઈ.સ. ૧૯૧૫-૨૦૧૪) જેવા વિદ્વાનો લોકશાહી સંસ્કૃતિને બાંધ-છોડ કે સોદાબાજીની (bargaining) સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે.

જ્ઞાન, અભિપ્રાય અને ચર્ચા

લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું મહત્ત્વ સમજવા માટે જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. જે બાબતો વસ્તુલક્ષી હોય, નક્કર હકીકતો ઉપર આધારિત હોય, તે વિષે આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તેના વિષે ખાસ વિવાદ નથી થતો. જેમ કે, ગુરુત્વાકર્ષણના નિયમ અંગે વિવાદ થવાની સંભાવના નથી હોતી. કારણ કે વિજ્ઞાનીઓએ ચોક્કસ સંશોધન અને પુરાવાઓને આધારે સાબિત કરેલું છે કે જગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે. આ કોઈ અભિપ્રાયનો વિષય નથી. તેનું આપણને વસ્તુલક્ષી (objective) જ્ઞાન છે. પરંતુ, જે બાબતો આત્મલક્ષી (subjective) હોય, મૂલ્યો ઉપર આધારિત હોય, તેમના વિષે આપણે માત્ર અભિપ્રાય ધરાવીએ છીએ. આવા અભિપ્રાયોની સત્યાસત્યતા વિષે આપણને ચોક્કસ ખાતરી હોતી નથી. તેથી વિવાદ થાય છે. જેમ કે, લાલ રંગ સારો કે લીલો એવા પ્રશ્ન અંગે મતભેદ હોઈ શકે છે. કારણ કે, તે વ્યક્તિગત અભિપ્રાયનો વિષય છે.

અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. જ્યારે જ્ઞાન સુસંગત રહે છે. જ્ઞાન ચોક્કસ અને અકાટ્ય હોય છે, જ્યારે અભિપ્રાયો ખોટા હોઈ શકે છે. વાદ-વિવાદ મંતવ્યોની વિવિધતામાંથી ઉદ્ભવે છે, જ્યારે જ્ઞાન નિર્વિવાદ હોય છે. ક્યારેક કોઈ અભિપ્રાય સાચો હોઈ શકે છે, પરંતુ તેની સચ્ચાઈ ચકાસી શકાય તેવાં કારણોનો અભાવ હોય છે. તે માત્ર એક સાચું અનુમાન હોય છે. જ્ઞાન પુરાવા, તથ્યો અને તર્ક દ્વારા સમર્થિત માહિતી હોય છે. તે સચોટ અને ચકાસી શકાય તેવું હોય છે. તેથી જ્ઞાનનો સ્વીકાર અનિવાર્ય હોય છે, જ્યારે અભિપ્રાયો અંગે કાયમ મતભેદ હોઈ શકે છે.

લોકશાહીમાં ઘણી બધી સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક બાબતો અંગે જનતાના, રાજકીય પક્ષોના કે હિત જૂથોના અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. આવા અભિપ્રાયો ઘણી વાર દરેક પક્ષકારની નીતિઓ, પસંદગીઓ, અને મૂલ્યો ઉપર આધારિત હોય છે. તેથી કોઈ પણ લોકશાહી સમાજમાં મતભેદો અનિવાર્ય છે. જો કે, એવી દલીલ કરી શકાય કે જુદા-જુદા સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક પ્રશ્ન અંગે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર જેવાં સામાજિક વિજ્ઞાનો કે દર્શનશાસ્ત્રના નિષ્ણાતો અભ્યાસ કરીને સિદ્ધાંતો વિકસાવે છે. પરંતુ આ બધાં શાસ્ત્રો ભૌતિક વિજ્ઞાનો જેટલાં વિકસિત ન હોવાથી જે તે ક્ષેત્રના વિદ્વાનોમાં વિવિધ સિદ્ધાંતો અંગે ઘણો વિચારભેદ પ્રવર્તતો હોય છે. ઉદાહરણ તરીકે, અર્થવ્યવસ્થા મૂડીવાદી હોવી જોઈએ કે સમાજવાદી તે અંગે જુદી-જુદી દલીલો થઈ શકે છે. તે દલીલો તાર્કિક પણ હોઈ શકે છે. પરંતુ તે દલીલોને નિર્વિવાદ તથ્યાત્મક સમર્થન નથી હોતું. તે અમુક મૂલ્યો ઉપર આધારિત હોવાથી તે અંગે મતભેદ થઈ શકે છે. તે જ રીતે સરકારે અમુક ચોક્કસ બાબત અંગે નિર્ણય કરવાના હોય ત્યારે પણ અનેક પ્રશ્નો અને તેમના વિવિધ વૈકલ્પિક જવાબોનો સામનો કરવો પડતો હોય છે. ઉદાહરણ તરીકે, સરકાર દ્વારા કરવેરા નાખવા જોઈએ એ અંગે મતભેદ ન હોય તો પણ રોકાણને ઉત્તેજન આપવા ઓછા કરવેરાને પ્રાધાન્ય આપવું કે કલ્યાણકારી યોજનાઓને ભંડોળ પૂરું પાડવા અને આવકની અસમાનતા ઘટાડવા માટે વધુ કરવેરા નાખવા જોઈએ જેવી બાબતોમાં અર્થશાસ્ત્રીઓના મત અને સિદ્ધાંતો જુદા-જુદા હોય છે. આમ સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગેના નિર્ણયો અનેક જટિલ પરિબળો અને અલગ-અલગ મૂલ્યો ઉપર આધારિત હોવાથી આપણને જ્ઞાન આધારિત કોઈ એક ‘સાચા’ જવાબને બદલે જુદાં-જુદાં મંતવ્યોની શૃંખલા જોવા મળે છે. તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. સ્વાભાવિક રીતે જ આવી પસંદગી નિર્વિવાદ ન હોઈ શકે. તેથી તે અંગે ચર્ચા જરૂરી થઈ પડે છે.

લોકશાહીમાં સંવાદનું મહત્ત્વ

સહિયારા હેતુને સિદ્ધ કરવા વાસ્તે જ્યારે લોકો સમાજમાં રહેતા હોય છે ત્યારે સામાજિક એકતાની ભાવના જાળવી રાખવી પણ આવશ્યક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં બળજબરી કે હિંસાના વિકલ્પ તરીકે સમજાવટ વધુ ઉપયોગી માનવામાં આવે છે. તેથી જાહેર ચર્ચા લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંવાદમાં સામેલ થવાથી જુદી-જુદી વ્યક્તિઓ અને જૂથો વિવિધ વિચારો, પુરાવાઓ અને દલીલો રજૂ કરી શકે છે અને તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરી શકે છે. માહિતી અને દૃષ્ટિકોણના આવા વિનિમયથી વધુ જાણકાર અને સર્વસ્વીકૃત નિર્ણયો લેવામાં મદદ મળે છે. સંઘર્ષોને ટાળવામાં અને ધ્રુવીકરણને ઘટાડવામાં પણ સંવાદ ઉપયોગી છે. તેથી રાજકીય પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી અને સક્રિયતા વધે છે. પરંતુ ચર્ચા કર્યા પછી પણ કોઈ એક સર્વસંમત નિર્ણય ઉપર ન આવી શકાય તો શું કરવું ? આવી પરિસ્થિતિમાં એરિસ્ટોટલ (Aristotle : ઈ.પૂ. ૩૮૪-૨૨) જણાવે છે તેમ બહુમતીથી અથવા નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. કારણ કે, આવા નિર્ણયો વધુ સ્વીકૃત બને છે. જેથી સમાજમાં સંવાદિતા વધે છે. તથા નાગરિકોની લોકશાહી શાસનમાં શ્રદ્ધા વધે છે. ભાવિ નાગરિકો પણ આવી ચર્ચાઓના સાક્ષી બનીને એમ કરતાં શીખતા હોય છે.

સંવાદ–વાદ–વિવાદ અને વિતંડાવાદ

ક્યારેક જુદા-જુદા રાજકીય પક્ષો કે હિતજૂથો પોતાના મતના સમર્થનમાં વ્યાપક લોકમત ઊભો કરવા નાગરિકો સમક્ષ જતાં હોય છે. તેમના વિચારો કે અભિપ્રાયોના ટેકામાં શક્ય એટલો મજબૂત કેસ રજૂ કરવા વાસ્તે દાખલા-દલીલો પ્રસ્તુત કરે છે. તેની વિરુદ્ધમાં તેમના હરીફ પક્ષો કે હિતજૂથો પણ પોતાની વૈકલ્પિક માન્યતાઓના સમર્થનમાં પોતાનો કેસ યથાશક્તિ મજબૂત કરીને રજૂ કરવા પ્રયત્ન કરતા હોય છે. આ રીતે દરેક પ્રતિસ્પર્ધી પક્ષ પોતાના મતની હિમાયત કરવાનું ચાલુ રાખે છે અને વિરોધીઓના મત ઉપર હુમલાઓ કરીને તેને રદિયો આપવાનો પ્રયાસ કરે છે. જેથી અમુક બાબતો અંગેની આવી ચર્ચાથી ઉગ્ર વાદ-વિવાદ ઊભા થતા હોય છે.

સામાન્ય લોકોની એવી સમજ હોય છે કે વાદ-વિવાદથી સંઘર્ષ થતો હોય છે, સમાજની શાંતિમાં ખલેલ પડતી હોય છે. માટે આવા વાદ-વિવાદ ટાળવા જોઈએ. પરંતુ હકીકતમાં આવા વાદ-વિવાદ નુકસાનકારક નથી હોતા. મહદંશે તેમની ભૂમિકા રચનાત્મક હોય છે. બ્રિટિશ ફિલસૂફ જ્હોન સ્ટુઅર્ટ મિલ (John Stuart Mill : ઈ.સ. ૧૮૦૬-૧૮૭૩) મતભેદમાં સંડોવાયેલ તમામ પક્ષોને ધીરજપૂર્વક સાંભળવા ઉપર ભાર મૂકતાં જણાવે છે કે વિવિધ પરિપ્રેક્ષ્યોને લગતી ખુલ્લી ચર્ચાઓ દ્વારા પરસ્પરની દલીલોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરીને તથા તેમાં રહેલ સચ્ચાઈ અને નબળાઈઓને તપાસીને સમાજ સંભવિત ભૂલોને ટાળી શકે છે અને સત્યની વધુ સચોટ સમજણ મેળવી શકે છે, વધુ સારા નિર્ણયો લઈ શકે છે. વધુમાં, મિલે દલીલ કરી હતી કે દરેકને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવાથી બહુમતી અથવા શાસકની જોહુકમીને અટકાવી શકાય છે, કટ્ટરવાદ નબળો પડે છે અને સંતુલિત નિર્ણય લેવાની પ્રક્રિયાને ઉત્તેજન મળે છે.

જો કે, ક્યારેક વિવાદમાં સામા પક્ષની દલીલ બરાબર સાંભળ્યા વિના માત્ર પોતાનો જ કક્કો ખરો કરવાનો આગ્રહ રાખવો, સમાજનાં લાંબા ગાળાનાં હિતોની અવગણના કરીને પોતાનાં હિતનો જ હઠાગ્રહ કરવો, સામા પક્ષની દલીલોનો તાર્કિક અને તથ્યાત્મક જવાબ આપવાને બદલે તેમની મજાક ઉડાવવી અથવા સામા પક્ષે કરેલી ભૂલોને ઢાલ બનાવી પોતાની ભૂલોને સાચી ઠેરવવી, બહુમતી અભિપ્રાયની ઉપેક્ષા કરીને પોતાના લઘુમતી અભિપ્રાયને વળગી રહેવું અથવા લઘુમતીના વાજબી અભિપ્રાયની ઉપેક્ષા કરીને બહુમતી દ્વારા પોતાનો નિર્ણય ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવો જેવાં વલણો જોવા મળે છે. પરંતુ આવા કુતર્કોથી નિરર્થક વિતંડાવાદ ઊભો થતો હોય છે. જેથી પ્રશ્નોનો ઉકેલ મળતો નથી.

માટે વિતંડાવાદને સંવાદમાં બદલવો જોઈએ. તે માટે વિવાદમાં સંડોવાયેલ દરેક પક્ષે પોતાના અભિપ્રાયના સમર્થનમાં તર્કપૂર્ણ દલીલો કરવી જોઈએ અને સામા પક્ષની દલીલો સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ. સામા પક્ષની દલીલોનું નિષ્પક્ષ અને વસ્તુલક્ષી પરીક્ષણ કરીને ચર્ચાસ્પદ મુદ્દાને જુદા-જુદા પરિપ્રેક્ષ્યથી તપાસવો જોઈએ. સૌએ સાથે મળીને સહિયારા હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લેવો જોઈએ. અંતે જે પક્ષ લઘુમતીમાં હોય તેણે બહુમતીના નિર્ણયને સ્વીકારીને તેને અમલમાં મૂકવા સામેલ થવું જરૂરી થઈ પડે છે. જર્મન સમાજશાસ્ત્રી હેબરમાસ (Urgen Habermas :  ઈ.સ. ૧૯૨૯-) કહે છે કે ‘Democracy must constantly be remade through the ongoing, critical examination of the practices of political communication and debate.’ તેમના મત પ્રમાણે આધુનિક લોકશાહી અને કાનૂનવ્યવસ્થા વાર્તાલાપ કે સંવાદ (descourse) ઉપર આધારિત છે. હેબરમાસ માને છે કે લોકશાહીની વૈધતા (legitimacy) નાગરિકો વચ્ચેના વિચારોના તર્કસંગત અને સર્વ સમાવેશી આદાન-પ્રદાનમાંથી પ્રાપ્ત થાય છે. કાયદેસર અને ન્યાયી સમાજની સ્થાપના માટે તર્કસંગત વાતચીત જરૂરી છે. હેબરમાસ માને છે કે સંવાદની યથાર્થતા સત્ય, પ્રામાણિકતા અને નિખાલસતા ઉપર આધારિત છે.

ભારતમાં ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા

અમર્ત્ય સેન (Amartya Sen : ઈ.સ. ૧૯૩૩ -) અને ભીખુ પારેખ (Bhikhu Parekh :  ઈ.સ. ૧૯૩૫ -) જેવા વિચારકો જણાવે છે તેમ ભારતમાં ચર્ચાની પરંપરા સદીઓ પુરાણી છે. આધુનિક ભારતમાં પણ અનેક સ્તરે ચર્ચા અને સંવાદ ચાલતો રહેતો હોય છે. જેમ કે ચૂંટણી ઝુંબેશ દરમ્યાન વ્યાપક અને ખુલ્લી ચર્ચા થાય છે. મીડિયામાં દરરોજ ચર્ચા થાય છે. પરંતુ, લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું સૌથી મોટું અને સૌથી અગત્યનું પ્લેટફોર્મ છે : સંસદ (Parliament). કારણ કે, સમાજમાં થતી બધી જ ચર્ચાનું અંતિમ સમાપન સંસદમાં ઘડાતા કાનૂનોમાં થાય છે. આમ તો ભારતની સંસદ તેની ઉન્નત સંસદીય પ્રણાલીઓ અને ખાસ કરીને તેમાં થતી ઉચ્ચ કક્ષાની ચર્ચા માટે જાણીતી છે. જેમ કે, ઈ.સ. ૧૯૭૫-૭૭ના કટોકટી કાળમાં જ્યારે સંવાદ લગભગ તૂટી પડ્યો હતો ત્યારે પણ ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર જેવા સાંસદોએ સંસદમાં પ્રાણવાન ચર્ચા ચાલુ રાખી હતી.

પરંતુ, કમનસીબે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસદમાં થતી ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. સંસદમાં ચર્ચા કરતાં ઘોંઘાટ અને વિક્ષેપો વધુ થઈ રહ્યા છે. અને તેથી પણ વધુ ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે ચર્ચાનું પ્રમાણ જ ઘટી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારતની પી.આર.એસ. લેજિસ્લેટિવ રિસર્ચ નામની સંસ્થાની માહિતી અનુસાર, સોળમી લોકસભા(ઈ.સ. ૨૦૧૪-૨૦૧૯)ની બેઠકના દિવસોમાં તમામ પૂર્ણ મુદ્દતની લોકસભાની સરેરાશ કરતાં અસામાન્ય ઘટાડો થયો હતો અને ૪૦ ટકા ઓછું કામ થયું હતું. આ લોકસભાએ તેના નિર્ધારિત સમયના ૧૬ ટકા વિક્ષેપોમાં ગુમાવ્યા હતા. અને માત્ર ૨૫ ટકા ખરડાને જ ચકાસણી માટે સંસદની વિવિધ સમિતિઓને મોકલાયા હતા, જે ચૌદમી અને પંદરમી લોકસભામાં અનુક્રમે ૬૦ ટકા અને ૭૧ ટકા કરતાં ઘણા ઓછા હતા. સોળમી લોકસભામાં તારાંકિત પ્રશ્નોના ૧૮ ટકાને જ મૌખિક જવાબો મળ્યા હતા અને પ્રશ્નકાળનો સમય તેના નિર્ધારિત સમયના ૬૭ ટકા જ રહ્યો. હાલની સત્તરમી સંસદની સમયાવધિ (ઈ.સ. ૨૦૧૯-૨૦૨૪) હજુ પૂરી થઈ નથી. પરંતુ, તેની અત્યાર સુધીની કામગીરી બતાવે છે કે તેમાં સોળમી લોકસભાની સરખામણીમાં કોઈ નોંધપાત્ર તફાવત થયો નથી.

આમ, તાજેતરમાં ભારતની સંસદમાં ચર્ચાની ભૂમિકા ઘટી રહી છે. પરિણામે રાજકીય પ્રશ્નોનું ધ્રુવીકરણ અને સામાજિક તણાવ વધતાં જાય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૬માં સરકારે કોઈ પણ ચર્ચા વિના ડિમોનેટાઈઝેશન દ્વારા દેશમાં વપરાતી ૮૬ ટકા નોટોને નાબૂદ કરી હતી. જેથી સામાન્ય લોકોને અભૂતપૂર્વ હાલાકી ભોગવવી પડી હતી, અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે જ રીતે, ઈ.સ. ૨૦૨૦માં સરકારે ત્રણ કૃષિ કાનૂનો વ્યાપક ચર્ચા વિના અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના પસાર કર્યા હતા. પરિણામે ઈ.સ. ૨૦૨૦-૨૧ દરમ્યાન લગભગ દોઢ વર્ષ સુધી ભારતના કિસાનોએ એક જબરદસ્ત આંદોલન કર્યુ હતું. અંતે સરકારને તે ત્રણ કાનૂનોને રદ્દબાતલ કરવા પડ્યા હતા.

સમાપન

સંવાદમાં ઘટાડો એટલે લોકશાહીમાં ઘટાડો. સંવાદનો અંત એટલે લોકશાહીનો અંત. ચર્ચા, સંવાદ અને સોદાબાજીની નિષ્ફળતાનાં પરિણામો ગંભીર હોઈ શકે છે. જ્યારે લોકોને લાગે છે કે તે તેમના અવાજથી કોઈ ફરક પડતો નથી ત્યારે સામાજિક ધ્રુવીકરણ, આંદોલનો, અશાંતિ અને હિંસા વધે છે. સરમુખત્યારી દેશોના શાસકો જ વિરોધ કે અસંમતિને રાષ્ટ્રવિરોધી ગણીને સંવાદને દબાવી દેતા હોય છે. પરંતુ, કોઈ પણ સ્વસ્થ લોકશાહી દેશમાં સંવાદને અપેક્ષાકૃત મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે સંવાદ લોકશાહીનો પર્યાય છે.

(સાભાર – “નવનીત સમર્પણ”)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 04 – 06

Loading

...102030...867868869870...880890900...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved