Opinion Magazine
Number of visits: 9666146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અયોધ્યાના મુસલમાનો

કિશોરલાલ મશરૂવાળા|Opinion - Opinion|30 December 2023

ઑગસ્ટ ૧૯૫૦માં અયોધ્યા વિશેનો આ લેખ આ વિવાદની શરૂઆતની સ્થિતિ રજૂ કરે છે. અયોધ્યા સંબંધે જે કંઈ થયું તેમાં છેલ્લા ત્રણ દાયકાની વાત મંડાય છે, પણ અયોધ્યાને લઈને સૌથી પહેલવહેલો કોમી વિખવાદ ૧૮૫૩માં નોંધાયેલો છે, અને તેને અટકાવવા તે સમયે બ્રિટિશ અમલદારોએ બાબરી મસ્જિદની વિવાદિત ભૂમિ પર હિંદુ અને મુસ્લિમો અલગ–અલગ પૂજાઇબાદત કરી શકે તે રીતે વાડ બાંધી હતી. ૯૦ વર્ષ સુધી આ રીતે અયોધ્યાની સ્થિતિ જસની તસ રહી. આઝાદી મળતાંવેત અયોધ્યાને લઈને ફરી બંને કોમ આમનેસામને આવી અને ૧૯૪૯માં બંને પક્ષોએ એકબીજા સામે દીવાની દાવા માંડ્યા. તત્કાલીન સરકારે દરવાજે તાળાં મારી, તેને વિવાદિત સ્થળ જાહેર કર્યું. આ પછી સમયાંતરે અયોધ્યાને લઈને ચર્ચા થતી રહી, પરંતુ ’૯૦નો દાયકો આવતાં આવતાં અયોધ્યાથી નીકળેલી કોમી દાવાનળની આગ પૂરા દેશમાં પ્રસરી. અને તેને આધારે રાજકીય સમીકરણો બદલાયાં. દેશની રાજકીય–કોમી મુદ્દા પર કાયમી અસર છોડનારા આ મુદ્દામાં નવેમ્બર ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો છે અને તે જમીન રામનિર્માણ કરનારા ટ્રસ્ટને મળી છે. 

મુસ્લિમ પક્ષકાર વતી ઉત્તર પ્રદેશ ‘સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ’ને અયોધ્યાથી ત્રીસ કિલોમીટર અંતરે રૌનાહી નામના ગામે મસ્જિદનિર્માણ માટે જમીન ફાળવવામાં આવી છે. રામમંદિરનું કાર્ય પૂર્ણ થઈને હવે તે ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે; સાત દાયકા પહેલાંનો આ ઘટનાક્રમ વાંચવા જેવો છે, જેમાં બંને કોમ માટે ચેતવણી અને બોધપાઠ કિશોરલાલ મશરૂવાળાએ આપ્યો છે.

°

કિશોરલાલ ઘ. મશરૂવાળા

શ્રી અક્ષયબ્રહ્મચારી અયોધ્યાના એક વૈષ્ણવ સાધુ છે. તેઓ ફૈજાબાદ જિલ્લા કૉંગ્રેસ કમિટીના મંત્રી અને ઉત્તર પ્રદેશ પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના એક સભ્ય છે. ઉત્તર પ્રદેશના બધા નેતાઓ તેમને સારી રીતે ઓળખે છે. ફૈજાબાદ અને અયોધ્યા એકબીજાની બિલકુલ પાસે છે અથવા એમ કહી શકાય કે લગભગ એક જ છે. બંને એક જ મ્યુનિસિપાલિટીની હદમાં છે. નવેમ્બર ૧૯૪૯ યા તેની કંઈક પહેલાં ત્યાં હિંદુ-મુસલમાનનો પ્રશ્ન ખેદજનક રૂપમાં શરૂ થયો છે. અને તેમાં હિંદુઓ તરફથી મુસલમાનો પ્રત્યે ઘણો અન્યાય થયો છે. આથી શ્રી અક્ષયબ્રહ્મચારી તથા ફૈજાબાદ નગર કૉંગ્રેસ કમિટીના પ્રમુખ શ્રી સિદ્ધેશ્વરીપ્રસાદજી વગેરે કાર્યકર્તા અકળાય છે. આ બાબતમાં ઠીકઠીક પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે પરિસ્થિતિ સુધરી નહીં ત્યારે છેવટે તા. ૩૦–૧–’૫૦ના રોજ શ્રી અક્ષયબ્રહ્મચારીજીએ એક વાર ઉપવાસ શરૂ કર્યા હતા. પણ ઉત્તર પ્રદેશના ગૃહ મંત્રીના સમજાવવાથી અને આશ્વાસન આપવાથી તેમણે તા. ૪–૨–’૫૦ના રોજ ઉપવાસ છોડી દીધા હતા.

પણ શ્રી અક્ષયજીની ફરિયાદ છે કે તે પછી પણ જે તપાસ કરીને અન્યાય દૂર થવો જોઈતો હતો તે ન થયો અને મામલો જેમનો તેમ ગૂંચવાયેલો રહ્યો છે. એટલું જ નહીં પણ ભવિષ્યને માટે મુસલમાનોની સ્થિતિ વધુ મુશ્કેલ થઈ ગઈ છે. આથી શ્રી અક્ષયજી ફરી અધીરા થયા છે અને તેમણે તા. ૨૨ ઑગસ્ટથી ફરી ઉપવાસ શરૂ કરવાની ખબર આપી છે.

શ્રી અક્ષયબ્રહ્મચારીજીના કહેવા પ્રમાણે ઝઘડાની મુખ્ય વાતો આ પ્રમાણે છે :

અયોધ્યામાં લગભગ સવાચારસો વર્ષ જૂની બાબરી મસ્જિદ નામે એક મસીદ છે. કેટલાક લોકોનું એમ માનવું હતું કે એ મસીદ એક રામમંદિરને તોડીને બનાવી હતી. તેમાં કેટલું તથ્ય હશે તે કહેવું મુશ્કેલ છે. આ મસીદ પાસે એક કબ્રસ્તાન છે. તા. ૧૩ નવેમ્બર, ૧૯૪૯ના રોજ શ્રી અક્ષયજીને ખબર મળી કે કબ્રસ્તાનની કબરોને લોકો ભેગા મળી ખોદી રહ્યા છે. તેથી તેમણે પોતે જઈ તપાસ કરી અને કામ ચાલતું જોયું પણ ખરું. કબ્રસ્તાનની વચમાં એક જૂનો પાયો હતો તેને મુસલમાન લોકો કનાતી મસ્જિદ કહે છે. તે જગ્યાએ એક ચબૂતરો ચણાઈ રહ્યો હતો. મુસલમાનોમાં ભય ફેલાયેલો હતો. તેમણે સિટી મૅજિસ્ટ્રેટ પાસે જઈ આ જુલમને રોકવા ૧૪૫મી કલમ પ્રમાણે અરજી કરી. પણ તેના પર કોઈ પગલું ન લેવાયું. શ્રી અક્ષયજીએ જિલ્લાધીશ(કલેક્ટર)ને એકાન્તમાં મળી વાતો કરી. પરિણામ એ આવ્યું કે તા. ૧૫મીની રાત્રે ત્રણ વ્યક્તિઓએ શ્રી અક્ષયજીના ઘર પર આવી હુમલો કર્યો. તેમની વાતોથી શ્રી અક્ષયજીએ જાણ્યું કે જિલ્લાધીશ સાથે પોતાની જે વાતો થઈ હતી તે બધી વાતની આ લોકોને જાણ થયેલી હતી. છેવટે ૧૪૪મી કલમ લગાવી લોકોને ત્યાં જવાની મનાઈ કરી. પણ તેનો અમલ ફક્ત મુસલમાનોને રોકવા માટે જ થયો. હિંદુઓ પર કોઈ પણ પ્રકારનું રોકાણ ન થયું.

 

બાબરી મસ્જિદની સામે જ્યાં કબરો ખોદી હતી ત્યાં નવ દિવસ સુધી રામાયણનું પારાયણ થયું, અને ત્યાર પછી કેટલાયે દિવસો સુધી ભોજન-પ્રસાદ થતાં રહ્યાં. મોટી મોટી સભાઓ ભરવામાં આવી. ઘોડાગાડી અને મોટરોમાં ગર્જકો (લાઉડ સ્પીકરો) રાખી શહેરો અને ગામડાંઓમાં પ્રચાર કરવામાં આવ્યો કે શ્રી રામજન્મભૂમિનો ઉદ્ધાર થઈ રહ્યો છે માટે તેનાં દર્શન કરવા લોકો જાય. સેંકડોની સંખ્યામાં લોકો જવા લાગ્યા. તેમને વ્યાખ્યાનોમાં કહેવામાં આવ્યું કે બાબરી મસ્જિદને રામમંદિર બનાવવું છે. રામાયણના પારાયણ વખતે સરકારી અધિકારીઓ પણ હાજર રહેતા હતા. કેટલીક જૂની કબરો અને પવિત્ર સ્થાનોનો પણ નાશ કર્યો અને ત્યાં હિંદુ દેવોની મૂર્તિઓ સ્થાપી. સામાન્ય લોકોએ માન્યું કે આ સરકારી હુકમથી થયું છે એટલે યોગ્ય જ હશે.

ત્યાર પછી તા. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના દિવસે સવારે નવ વાગ્યે જિલ્લાધીશે શ્રી અક્ષયજીને કહ્યું કે એક માણસ મારફતે એમને સવારે છ વાગ્યે ખબર મળ્યા હતા કે રાતના બાબરી મસ્જિદમાં રામમૂર્તિ પધરાવવામાં આવી હતી, અને પોતે તે જોઈ પણ આવ્યા હતા. આમાં નવાઈની વાત તો એ છે કે ૧૪૪મી કલમ ચાલુ હતી, મસીદ પર પોલીસનો પહેરો હતો છતાં આ ચોકીદારોને ત્યાં મૂર્તિ લાવ્યાની વાતની ખબર પડી નહીં, પણ તે માણસને સવારના છ વાગ્યામાં ખબર પડી ગઈ હતી. આમ કેમ બન્યું તેની તપાસ કરવાની જરૂર જિલ્લાધીશને ન લાગી, ન મૂર્તિને તરત ખસેડવા કંઈ કર્યું. તે દિવસે બાર વાગ્યા સુધી તો ત્યાં થોડાક જ માણસો હતા, તેથી આ કામ સરળતાથી થઈ શકત, પણ કંઈ ન કર્યું. પછી બીજે દિવસે પાછો ગર્જકો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો કે બાબરી મસ્જિદમાં ભગવાન પ્રગટ્યા છે, માટે હિંદુ લોકો દર્શન કરવા જાય. ફરી તે જ પ્રમાણે ભીડ, ઉશ્કેરણીવાળાં ભાષણ વગેરેનું કામ ચાલ્યું. તેમાં ગાંધીજી, કૉંગ્રેસ સરકાર, પંડિત જવાહરલાલજી વગેરેની નિંદાઓ પણ થઈ. પાકિસ્તાનમાં એક પણ મંદિર નથી રહ્યું માટે અયોધ્યામાં મસીદ કે કબ્રસ્તાન નહીં રહી શકે વગેરે વાતો કહેવામાં આવી.

આ પ્રમાણે ઉશ્કેરણી વધારવાના કામમાં કૉંગ્રેસના કેટલાક જૂના પીઢ સભ્યોએ પણ ભાગ લીધો. તેમણે એવી દલીલ કરી કે હવે તો ભારતમાં પ્રજાતંત્ર છે. પ્રજાતંત્રનો અર્થ એ કે બહુમત જે પસંદ કરે તે થાય. અયોધ્યાના ૮૫ ટકા લોકો અહીં મસીદ રહે એ પસંદ નથી કરતા એટલે હવે કોઈ મૂર્તિને ખસેડી નહીં શકે. આવી વાતો ધારાસભાના કૉંગ્રેસી સભ્યોએ પણ કહી. ત્યાર પછી ત્યાં ૧૪૫મી કલમ લાગુ કરી દેવામાં આવી. મૂર્તિની પૂજા ત્યાં ચાલુ રહી, અને જ્યાં સુધી કોર્ટનો ફેંસલો ન આવે ત્યાં સુધી મુસલમાનોને મસ્જિદમાં નમાજ પઢવા જવા માટે રોકી લીધા. હવે મુસલમાનો માટે એ ફરજ આવી પડી કે તે પોતાના હક સાબિત કરે.

ત્યાંની એક બીજી ઘટના આ પ્રમાણે છે :

કોઈ મુસલમાનની ‘સ્ટાર હોટલ’ નામની એક દુકાન હતી. જે ભાઈની ઉપર વાત કહી છે તે જ ભાઈએ એક દિવસ જિલ્લાધીશને ખબર આપી કે તે હોટલમાં શસ્ત્રસામગ્રી રાખવામાં આવે છે. તેથી ત્યાં ઝડતી લેવાઈ. ઝડતીમાં એવી કોઈ વસ્તુ ન મળી. ત્યાં ચાર માણસો બેઠેલા હતા. તેમાં એક સુલતાનપુરનો હતો. તે બિસ્કૂટ ખરીદવા માટે તે હોટલમાં આવ્યો હતો. તેને ૧૦૯મી કલમ અનુસાર ગિરફતાર કર્યો પણ તે પછીથી છૂટી ગયો. જિલ્લાધીશે હોટલના માલિકને દુકાન ખાલી કરવાનો હુકમ કર્યો. અને તે જ સમયે પોતાની સામે ખાલી કરાવી દીધી. ત્યાર પછી તે દુકાન બીજા એક ભાઈને આપી. તે ભાઈએ ત્યાં ‘ગોમતી હોટલ’ નામે દુકાન ખોલી અને તેનું ઉદ્ઘાટન જિલ્લા જજને હાથે કરાવ્યું. બીજા પણ સરકારી અધિકારી તે વખતે હાજર રહ્યા હતા. કહે છે કે એ ‘સ્ટાર હોટલ’નો માલિક એક જૂનો રાષ્ટ્રીય મુસલમાન હતો, એ કારણે પાછળના દિવસોમાં લીગીઓએ તેનો બહિષ્કાર પણ કર્યો હતો. એટલે એમ પણ નથી કે આ માણસે હિંદુઓની વિરુદ્ધ પાછલા દિવસોમાં કોઈ ભાગ લીધો છે, જેથી તેનો ગુસ્સો આજ સુધી હોય. તેણે કોર્ટમાં દાવો દાખલ કર્યો અને જીતી પણ ગયો. છતાં તે હજુ સુધી પોતાની દુકાનનો કબજો મેળવવામાં સફળ નથી થઈ શક્યો.

ત્રીજો બનાવ એથી પણ વધારે કઠોરતાનો છે. 

એક મુસલમાન સ્ત્રીનું મરણ થયું હતું. અયોધ્યામાં કેટલાં ય કબ્રસ્તાનો છે. પાસેના કબ્રસ્તાનમાં તેને દફનાવવા માટે તેનાં સગાં વ્યવસ્થા કરવા ગયાં. ત્યાં હિંદુઓએ આવી તેમને અટકાવ્યાં અને ખાડો ખોદવા ન દીધો. સગાંઓ સિટી મૅજિસ્ટ્રેટ પાસે ગયાં. મૅજિસ્ટ્રેટે મદદ કરવાને બદલે કહ્યું કે, તે કબ્રસ્તાનમાં હિંદુઓનો વિરોધ હોવાથી ઠીક એ જ થશે કે તેમણે બીજા કબ્રસ્તાનમાં જવું. તેથી સગાંઓ બીજા કબ્રસ્તાનમાં ગયાં ત્યાં બીજા હિંદુ ટોળાએ આવી ઝઘડો ઉઠાવ્યો. ત્યારે મૅજિસ્ટ્રેટે તેમને ત્રીજી જગ્યાએ જવા કહ્યું. એ લોકો ત્રીજી જગ્યાએ ગયાં. આમ એક પછી એક કબ્રસ્તાનોમાં તેમને ખાડો ખોદવા જવું પડ્યું. છેવટે બાવીસ કલાક લાશ પડી રહ્યા પછી તેની અંતિમ ક્રિયા અયોધ્યાની બહાર કરવામાં આવી. બીજી ચાર લાશોને માટે પણ આવા પ્રસંગો બની ગયા છે. અને એક આતંકવાદી જેવું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે કે અયોધ્યાની અંદર મુસલમાનોની લાશને દફનાવવા દેવી નહીં.

આ પ્રસંગ ઉપરાંત પાછળના એક વર્ષમાં મુસલમાનો પ્રત્યે બીજા કેટલા ય નાના-મોટા અપમાનજનક પ્રસંગો બન્યા છે. એકલદોકલ મુસલમાન હોય તો તેની મારપીટ, સતામણી કે કતલ પણ થઈ છે. પાછલી બકરી ઈદને દિવસે તેમને સતાવવામાં આવેલા. હમણાં છેલ્લી ઈદ વખતે પણ એક મુસલમાનની હત્યા થઈ હતી અને એ ત્રાસને લઈને અયોધ્યાના મુસલમાનોએ ઈદ પણ નથી ઊજવી. તેમના પર હિંદુ ટોળાએ હુમલો કરી સ્ત્રીબાળકોને સતાવ્યાં છે અને મોટી સંખ્યામાં તેમનાં ઘર પણ સળગાવી દીધાં છે. ડરનાર મુસલમાનોને ધમકીઓ આપી છે. કેટલાક મુસલમાનોએ પોતાનાં બાળબચ્ચાંને બીજા ગામમાં પોતાનાં સગાંસંબંધીઓને ત્યાં મોકલી દીધાં છે. શ્રી અક્ષયબ્રહ્મચારી વગેરે શાંતિ સ્થાપનાર કાર્યકર્તાઓ પર પણ કેટલીયે વાર હુમલા થયા છે, અને તેમનાં મકાનો લૂંટ્યાં છે.

હિંદુઓનું કહેવું છે કે અયોધ્યામાં મુસલમાનોનાં કબ્રસ્તાન ના રહી શકે. આ જગ્યાએ ‘હિંદુઓનું કહેવું છે’નો અર્થ એમ ન સમજવો જોઈએ કે એ સામાન્ય લોકોનું કહેવું છે અને તેમને ઉપરનાં પગલાં અને ઝઘડા પસંદ છે. સામાન્ય જનતા તો એટલી ભોળી હોય છે કે આજે તેને મુસલમાનોની કતલ કરવા બહેકાવી શકાય અને કાલે તેમને ભેટી પડે એવી ભાવિક પણ બનાવી શકાય. જે કંઈ થઈ રહ્યું છે તે હિંદુઓના નામથી થોડા આગેવાનોનું એકતા કે દુશ્મનાવટ વધારવાનું કામ હોય છે.

મને જણાવવામાં આવ્યું છે કે ફૈજાબાદ–અયોધ્યામાં હિંદુમુસલમાન વચ્ચેની આ કડવાશ પાછલા એકાદ વર્ષથી જ ફેલાયેલી બૂરાઈ છે. ૧૯૪૭–૪૮માં જ્યારે બધી જગ્યાએ કોમી દંગા-ફિસાદ ચાલતા હતા ત્યારે પણ ફૈજાબાદમાં કોઈ પણ પ્રકારનાં તોફાન ન હતાં. પરંતુ હાલમાં તો ફૈજાબાદ દ્વેષ ફેલાવવાનું એક કેન્દ્ર બની ગયું છે, અને અહીં જે સફળતા મળી તેને લઈ આગ્રા, મથુરા, બરેલી વગેરે જિલ્લાઓ સુધી મુસલમાનવિરોધી હવા ફેલાતી ચાલી છે. કેટલાક મહિના પહેલાં જે ઉત્તર પ્રદેશના મુસલમાનો મોટી સંખ્યામાં પાકિસ્તાન જવા લાગ્યા હતા તેની પાછળ આ બધી વાતો રહેલી હતી.

એમ લાગે છે કે આ અન્યાયમાં ઉત્તર પ્રદેશના મોટા સરકારી અધિકારીઓ અને કૉંગ્રેસી નેતાઓનો પણ ઠીકઠીક હાથ રહ્યો છે. સરકાર પોતાના નોકરોને રોકવામાં અને અન્યાય બંધ કરવા માટે તરત ફરમાન કાઢવામાં અસમર્થ રહી. જે વાતો સાચી છે, જાહેર છે, એવા મામલામાં ૧૪૫મી કલમ લગાવી લોકાને કોર્ટબાજીના ચક્કરમાં શું કામ નાખવા જોઈએ? અને કલમ લગાવ્યા પછી હુમલાખોરો પર પ્રતિબંધ ન હોય, અને હુમલાનો શિકાર થનાર પર પ્રતિબંધ થાય એ કેવો અમલ ગણાય?

આ પરિસ્થિતિમાં શ્રી અક્ષયબ્રહ્મચારીજીનું અધીર બનવું મને અસ્વાભાવિક નથી લાગતું. જો તેમની તરફથી જણાવેલી ઉપરની વાતોમાં કોઈ એવી અસત્ય વાત હોય જેને લઈ આ બધું જ ચિત્ર બદલાઈ જતું હોય અથવા એ પગલું ભરવામાં તેમની ઉતાવળ થતી હોય અને મુસલમાનોને ન્યાય અપાવવા માટે કોઈ બીજા ઉપાયની અપેક્ષા હોય તો તે તેમને સમજાવવું જોઈએ. નહીં તો, ઉત્તર પ્રદેશમાં મુસલમાનોને પૂરો ન્યાય અને સમાન હક મળી શકે છે એવો સરકારે વિશ્વાસ પેદા કરી આપવો જોઈએ. હું જાણું છું કે ઉત્તર પ્રદેશ એક ઘણો મોટો અને મુશ્કેલીભર્યા શાસનવાળો પ્રાન્ત છે. ઉત્તર પ્રદેશના નેતાઓ અને શિક્ષિત વર્ગના વિચારો પણ આ વિષયમાં એવા સ્પષ્ટ નથી કે એક બાજુ ન્યાય અને બીજી બાજુ લઘુમતી કોમની મનામણી (appeasement) તથા બહુમતીના કહેવાતા અધિકારોની વચ્ચે ભેદ કેવી રીતે કરવો. અન્ય પ્રાંતો કરતાં ત્યાં હિંદુમુસલમાનોનું મિશ્રણ વધારે છે, અને હિંદુ તેમ જ મુસલમાન બંનેની સંસ્કૃતિઓનાં પ્રખ્યાત કેન્દ્રો તેમાં આવેલાં છે. જો આપસમાં સદ્ભાવ હોય તો બંનેના મેળાપથી ત્યાં સુંદર સંસ્કૃતિની રચના માટે ભરપૂર સામગ્રી ભરી પડી છે. પણ જો દ્વેષભાવ હોય તો તે સમગ્ર ભારત માટે એક ભયંકર યાદવી પણ નિર્માણ કરી શકે છે.

શ્રી અક્ષયબ્રહ્મચારી પોતાના થોડા મિત્રો સાથે આ અન્યાય સામે જે બાથ ભરી રહ્યા છે તે તેમને શોભારૂપ છે. હું આશા રાખું છું કે અયોધ્યાના મુસલમાનોને ન્યાય અપાવવામાં તેઓ સફળતા પ્રાપ્ત કરશે અને સરકાર તેમાં પોતાની પૂરી શક્તિ ખરચવાનું કર્તવ્ય સમજશે.

ઉપરનું લખાણ વાંચી ભારત કે પાકિસ્તાનના મુસલમાનોએ અકળાવું કે ગુસ્સે થવું યોગ્ય નહીં થાય. આનો દુરુપયોગ કરી મુસલમાન જનતાને બહેકાવનાર પોતાની કોમની અસેવા જ કરશે. અહીં આવેલી હકીકતો કોઈ સાવ તાજી નથી એ યાદ રાખવું, અને નેહરુ-લિયાકત કરાર પહેલાં જે તીવ્ર સ્થિતિ બધે જ હતી, તે પૈકી જ આ છે. જે બન્યું છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. આ વર્ણન એટલું જ બતાવે છે કે હિંદુ તથા મુસલમાન બંનેએ ખોટાં કર્મો કર્યાં છે, અને કોઈને બીજાનો વધારે દોષ કાઢવાનો અધિકાર નથી. એ સ્થિતિ હજુ તદ્દન સુધરી નથી. અને તેને સુધારવા એક હિંદુ સાધુ જ પરિશ્રમ કરી રહ્યા છે એ પણ ખ્યાલ રાખવો. ઉશ્કેરાઈ જનાર કે ઉશ્કેરનાર મુસલમાનો એમનું કામ વધારે કઠણ કરી મૂકશે.

[૯ ઑગસ્ટ ૧૯૫૦, “હરિજનબંધુ”]
છવિ સૌજન્ય : અદનાન આબિદી, ‘રોઇટર’ સમાચાર સંસ્થાના ફોટોગ્રાફર-પત્રકાર
[સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહના નવેમ્બર-2023ના અંકમાંથી]
ο

Loading

જો વિકાસ થયો હોય તો લોકો અમેરિકા / કેનેડા જીવના જોખમે શા માટે જાય છે?

રમેશ સવાણી|Opinion - Opinion|30 December 2023

ગુજરાતના લોકો, તકોના અભાવથી કેટલા નિરાશ થયા છે; પોતાના જીવનને જોખમમાં મૂકી અમેરિકા / કેનેડા by hook or by crook જવા શા માટે કેટલાં આતુર છે; તે અંગે 30 ડિસેમ્બર 2023ના રોજ અંગ્રેજી અખબાર ‘હિન્દુ’માં પત્રકાર મહેશ લાંગાનો વિસ્તૃત અહેવાલ ચોંકાવનારો છે.

રમેશ સવાણી

UAEથી નિકારાગુઆ જતા ચાર્ટર્ડ પ્લેનને માનવ તસ્કરીની તપાસ માટે 27 ડિસેમ્બર 2023ના રોજ, ફ્રાન્સમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. ચાર દિવસ અટકાયતમાં રાખી 303 ભારતીયોને લઈને જતી ફ્લાઈટને આખરે મુંબઈ પરત ફરવાની ફરજ પડી હતી. તેમાં 95 લોકો ઉત્તર ગુજરાતના હતા !

જાન્યુઆરી 2022માં, ગાંધીનગર જિલ્લાના જગદીશ પટેલ (39), તેમના પત્ની વૈશાલીબહેન પટેલ (37) અને તેમની પુત્રીઓ વિહાંગી (11) અને ધાર્મિક (3) કેનેડાના વિઝિટર વિઝા ઉપર રવાના થયાં. એક અઠવાડિયા પછી, આ પરિવાર US-કેનેડા સરહદ પર પહોંચ્યો. તેઓ US સુધી પગપાળા પ્રવાસ કરતાં હતાં, તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય તેવો સખત શિયાળો હતો ! બીજા દિવસે, ચારેયના મૃતદેહ બરફમાં મળી આવ્યા હતાં. ડિસેમ્બર 2022માં, મહેસાણા જિલ્લાના બ્રિજકુમાર યાદવ, તેમના પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે, મેક્સિકો-US સરહદ દિવાલ ઓળંગવા જતાં મૃત્યુ પામ્યાં હતાં. એપ્રિલ 2023માં, મહેસાણાના માણેકપુરા ગામના પ્રવીણભાઇ ચૌધરી (49) તેમના પત્ની દક્ષાબહેન (45) તેમની પુત્રી વિધિ (23) અને પુત્ર મીત (20) અમેરિકા જવા માટે બોટમાં પ્રવાસ કરી રહ્યાં હતાં, ત્યારે બોટ પલટી જતાં તેઓ મોતને ભેટ્યાં હતાં. એપ્રિલ 2023માં ગાંધીનગરના કલોલના જીજ્ઞેશ બારોટ અને તેના પત્ની વંદના એજન્ટ મારફતે અમેરિકા જવા શ્રીલંકાના કોલંબો ગયાં, ત્યાંથી  ઇન્ડોનેશિયાના જકાર્તા ગયાં. તેમના કેનેડા માટેના વિઝા ક્લિયર ન થાય ત્યાં સુધી બંનેએ રાહ જોતા જકાર્તામાં ઘણાં અઠવાડિયા ગાળ્યાં, તેમની પાસે પૈસા ખતમ થઈ ગયાં. અંતે, જુલાઈમાં, તેઓ તેઓ કલોલ પાછા ફર્યાં હતાં. સપ્ટેમ્બર 2023માં મહેસાણા પોલીસે ‘IELTS- ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ’ રેકેટ ચલાવવા બદલ 45 લોકો સામે કેસ કર્યો હતો. મહેસાણાના ચાર યુવકોએ IELTS પરીક્ષામાં હાજરી આપ્યા વિના ઉચ્ચ રેન્ક મેળવ્યો હતો અને કેનેડાની કૉલેજોમાં એડમિશન મેળવ્યું હતું. એપ્રિલ 2022માં ચાર ગુજરાતીઓને US બોર્ડર ઓથોરિટી દ્વારા પકડવામાં આવ્યા, જ્યારે તેમને ન્યુયોર્કની અદાલત સમક્ષ હાજર કર્યા ત્યારે તેઓ અંગ્રેજીનો એક શબ્દ પણ બોલી શકતા ન હતા કે સમજી શકતા ન હતા !

US કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર નવેમ્બર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીમાં 96,917 ભારતીયોની ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 30,010 કેનેડાની સરહદ પર અને 41,770 મેક્સિકોની સરહદે પકડાયા હતા. 2019/20માં 19,883; 2020/21માં 30,662; 2021/22માં 63,927 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી !

સાબરકાંઠાના નેહાબહેન પટેલે કહ્યું હતું : “વિદેશમાં તકો છે. લોકોને અહીં કોઈ તકો મળતી નથી. ગામડાં, નાના નગરો અને શહેરોમાં પણ સારી વેતનવાળી નોકરીઓ નથી જો તેઓ અમદાવાદ જેવાં મોટાં શહેરમાં જાય તો તે ખર્ચાળ છે. તેઓ ગેરકાયદેસર માર્ગો દ્વારા અમેરિકા જવા માટે નાણાં ખર્ચશે અને જોખમ ખેડશે.” ઉતર ગુજરાતના લોકોનો અભિપ્રાય હતો : “છેલ્લાં 15 વર્ષમાં મોટાભાગની સરકારી ભરતી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ છે. ભારતમાં રહીને હંમેશ માટે સંઘર્ષ કરવા કરતાં કેનેડા કે અમેરિકામાં નાની-નાની નોકરી કરી સારી કમાણી થાય છે. અહીં લોકો માટે કોઈ ભવિષ્ય નથી. ઓછી તકો છે, આવક સ્થિર છે અને જીવનધોરણમાં કોઈ સુધારો નથી. લોકો તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મોટા પ્રમાણમાં જોખમ લે છે. અહીં નેતાઓની ખાલી બકબક સિવાય કંઈ મળતું નથી !”

સવાલ એ છે કે જો ગુજરાત વાઈબ્રન્ટ બન્યું હોય; ગુજરાતનો વિકાસ થયો હોય; ગુજરાત મોડેલ સફળ બન્યું હોય; કોર્પોરેટ સંપ્રદાયો, કથાકારો અને તેમના ભક્તોને વિકાસ દેખાતો હોય તો ગુજરાતના લોકો અમેરિકા / કેનેડા જીવના જોખમે by hook or by crook શા માટે જાય છે?

[સૌજન્ય : મહેશ લાંગા, “ધ હિન્દુ”]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઇલેક્ટ્રિક ટ્રેન : ગીતા નાયક

બકુલા ઘાસવાલા|Opinion - Literature|30 December 2023

પુસ્તક પરિચય : 

પ્રસ્તાવનાથી જ વાંચવાનું વળગણ વધે એવું ગીતા નાયકનું લખાણ દાઢે વળગે. ‘સાહચર્ય’ની સાથે ‘ગદ્યપર્વ’ અને મિત્રોની વાતો સાથે એમનાં પીઠથાબડભાણાં વાંચવાનું ગમે. સહજ – સરળ અને અતિવાસ્તવવાદી અભિવ્યક્તિ પોતીકી જ લાગે. આમ તો એમની નિબંધકાર કે સ્મૃતિ કથનકાર ગીતા નાયક તરીકે જે ઓળખ કરાવવી જોઈએ, પરંતુ એમને એ રીતે ઓળખતાં પહેલાં ગીતાભાભી તરીકે જ ઓળખાણ થયેલી, એટલે પુસ્તકની બીજી આવૃત્તિ વાંચતી વખતે પણ મનમાં એ જ ઓળખાણ અને ભાવ રહ્યો. ત્યારે દૃશ્ય ખડું થયું કે ઇલેક્ટ્રિક ટ્રેનની પહેલી આવૃત્તિને અબ્રામાનાં ઘરમાં બા-બાપુજીની તસવીર સામે એમણે અર્પણ કરેલી ત્યારે જશવિકા-અતુલભાઈએ અમને પણ બોલાવેલાં એ સમયે લોકાર્પણની આ રીત મને ખૂબ ગમેલી અને નિકટતાનો ભાવ અનુભવેલો. ત્યારે પુસ્તક પણ વાંચ્યું જ હતું અને હવે ફરીથી પસાર થાઉં છું ત્યારે ૧૩-૧૪ વર્ષનાં વહાણાં વહી ગયાં છે, છતાં હાથમાં લીધાં પછી ચિત્ત ફરી ફરીને એમણે પ્રસ્તુત કરેલાં પાત્રોમાં ચાલી જાય. એમણે ઘાટકોપર, કુર્લા, દાદર ૧-૨-૩, પરેલ, ચિંચપોકલી, શિવરી, ભાયખલા, મહાલક્ષ્મી, ગ્રાન્ટરોડ, જોગેશ્વરી, મહાલક્ષ્મી, કાંદિવલી સ્ટેશનોનાં નામો સાથે વિવિધ અનુભવકથાઓ માંડી છે. 

એમનાં વર્ણનમાં બમ્બૈયા ગૃહિણી અને વર્કિંગ વુમનની ફરજો વચ્ચે ઝોલાં ખાતી વ્યસ્ત સ્ત્રીની સંવેદના, પાડોશીધર્મની ફરજમાં ઘરની કે ટ્રેનની પાડોશણને સોડમાં લેવાની નિસ્બત અને સામાન્ય ગૃહિણીની રોજિંદી કથાવટ, સામાજિક-ધાર્મિક-આર્થિક એવા કોઈપણ ભેદભાવ વગર ટ્રેનમાં મળતી સ્ત્રીઓ સાથે થતા વાર્તાલાપ, ક્યારેક આકાર લેતી વિશિષ્ટ ઘટનાઓ, એમની સાથે થતા સંવાદ-વિસંવાદ, એમનાં ભાવસંચરણો વિશે કલ્પના કે સાચેસાચ એમનું મન વાંચીને કરેલું વર્ણન હ્યદયસ્પર્શી બને છે. સ્ત્રી જીવનની મહત્ત્વની સમસ્યા ઘરેલુ હિંસા અને ઉકેલની મથામણ વિશે તેઓ પોતાની ભૂમિકાનો નિર્દેશ કરે છે અને નજર સમક્ષ સ્ત્રીઓ પર હિંસા, વસમી વાસ્તવિકતા ખડી થઈ જાય છે ! સ્ત્રીઓ સ્ત્રીઓની દુ:શ્મન છે એવી ભ્રમણાનો પર્દાફાસ કરતી, સ્ત્રીઓનાં મતભેદ-મનભેદથી ઉપરવટ જતી સખ્ય, મૈત્રીની વાતો દિલને સ્પર્શે છે.

ગીતા નાયક

ગીતાબહેનની લેખનશૈલીમાં એમને અરૂચિકર લાગે તેવી ઘટનાનાં વર્ણન પછી તરત રસવંતુ અને ખુશ્બૂદાર વર્ણન પ્રવેશી જાય. ક્યાંક મોગરાની સુગંધ પ્રવેશે અને વાંચન જાનદાર બની જાય છે. તો ક્યાંક એમાં આશા-નિરાશા, ઉત્સાહ, કડવાશ સાથે ઘુંટાતી પ્રસન્નતાની પણ છે. ટ્રેનમાં બાળક જન્મની ઘટના બને, પૂજાપાઠ થાય, ગીતો ગવાય, લડાઈઝગડા પછી શાંતિ  સ્થપાય, ચોરીચપાટીની ઘટના બને, કોઈનો જીવ બચાવવાની દિલધડક ક્ષણો આવે, વિચિત્ર પ્રકારનું વલણ ધરાવનાર સ્ત્રી ટિકિટચેકર સાથે સંઘર્ષ પણ થાય. તેમનું પુસ્તક વાંચન અને સ્ત્રીઓનું ચહેરાવાંચન સમાંતર ચાલતું રહે છે. એમને સવાલો પણ થયા છે એવો એક મુદ્દો મને અહીં ખાસ ઉલ્લેખનીય લાગે છે. દાદર પ્રકરણ-૩માં તેઓ સાત પગલાં આકાશમાં નવલકથા જેનાં હાથમાં છે, તેવી વસુધા જેવી કોઈ સ્ત્રી પાત્રની સાચુકલી વાત લખી નારીવાદીઓનાં વલણો સામે સવાલો ઉઠાવે છે. અલબત્ત લેખિકાનું વિશ્વ સાહિત્ય સંદર્ભનું વાંચન-મનન નોંધનીય છે છતાં એમને નારીવાદ અને નારીવાદીઓ માટે જે પૂર્વગ્રહયુક્ત મંતવ્ય અને છાપ છે તે વિશે મને લાગે છે કે જો તેઓ હયાત હોત તો જરૂર વાત કરી શકાતે, પરંતુ હવે એમના સવાલો અનુત્તર રહી ગયા છે .

મુંબઈ વિશે તો યહ હૈ મુંબઈ મેરી જાનથી (ફિલ્મ હતી ? યાદ નથી આવતું.) લઈ દીપક મહેતા, અમૃત ગંગર, કલ્પના દેસાઈની વિવિધ દૃષ્ટિથી લખાયેલાં પુસ્તકો – લેખો વાંચ્યાં છે અને જાતઅનુભવ પણ છે. 

જરા આડવાત છે પરંતુ રોચક છે કે મારા જીવનસાથી અશોક મુંબઈ રહેતા, ત્યારે દરરોજ દસને દસની ઈલેકટ્રિક ટ્રેનમાં પ્રવાસ કરતા તે સમયે પાંગરેલી એમની બહેનપણી સાથેની દોસ્તીની દાસ્તાન સાંભળીને મેં એક વાર્તા પણ લખી છે તે યાદ આવી ગયું. જો કે ગીતાબહેને ઈલેકટ્રિક ટ્રેનમાં જિવાતી જિંદગીઓને એવી વાચા આપી છે કે જે મન પર અમીટ છાપ છોડે ! એવું લાગે કે હાડમારીથી ભરેલી એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ બમ્બૈયા જીવનશૈલીની તમામ ગતિવિધિને એમની કલમે સુપેરે ઝીલી છે. એમની લેખિનીએ એ તમામ ગતિવિધિ વચ્ચે તમામ રસને ઘૂંટ્યા છે. અહીં ધમાલ, ઘમસાણ વચ્ચે ભિન્ન પરિવેશ ધરાવતી તમામ વયની સ્ત્રીઓની ભાતીગળ શૈલીને ભારતીયતા સાથે એકરૂપ કરીને ફક્ત માનવીય સંવેદનાસભર માનવ સમાજનું નિરૂપણ કર્યું છે. જીવનને સ્પર્શતો અગત્યનો કોઈ મુદ્દો તેઓ ભાગ્યે જ ચૂક્યાં છે. રોજેરોજની કથાવટનો વર્ણનમાં ક્યાંક પુનરાવર્તન લાગે, પરંતુ એમાં કંઈક નવીનતા ઉમેરીને એમણે એને રોચક બનાવવામાં પાછીપાની કરી નથી. ખાસ કરીને વિવિધ પ્રદેશની સ્ત્રીઓની વેશભૂષા, કેશભૂષા અને શણગારનું એમનું ઝીણવટભર્યું નિરીક્ષણ, તહેવારો માણવાની દરેક વયની સ્ત્રીઓની તાલાવેલી અને વાનગીઓની જ્યાફત દ્વારા પોતાની ખુશીઓને પંપાળી લેવાની લાલસાનું વર્ણન કરવામાં તેઓ જરા પણ શબ્દચોરી કે દિલચોરી કરતાં નથી. સહજ રીતે જ એમને બીજાં અને પહેલાં વર્ગની સ્ત્રીઓ સાથે મુસાફરીના અનુભવ મળ્યા છે જેને એમણે પોતાની રીતે નાણીને શબ્દસ્થ કર્યા છે. 

સમગ્રતાની દૃષ્ટિએ સરેરાશ છબિ છલોછલ મેઘધનુષી રંગોથી જીવંત અને ધ્યાનાકર્ષક બની છે  ગીતા નાયક હતાં ત્યારે ઓળખેલાં તેનાં કરતાં હવે વધારે ઓળખાયાં છતાં ગાલમાં ખંજન સાથે સ્મિત કરતાં અને જ્યારે વાત કરે ત્યારે ‘બેટા’ કહીને સંબોધતા તે તૃણમૂળ લાગણી તો કેમ વિસરાય ? 

(“વિશ્વા”ના તંત્રી-સંપાદકો દ્વારા સંપાદિત અને પ્રકાશિત)
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...845846847848...860870880...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved