Opinion Magazine
Number of visits: 9736616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —318

દીપક મહેતા|Opinion - Opinion|6 December 2025

મુંબઈની મુલાકાત લેનારા બ્રિટિશ રાજવી કુટુંબના પહેલવહેલા નબીરાએ મુંબઈમાં શું શું જોયું?         

મારી, તમારી, આપણા સૌની માનીતી મુંબઈ નગરીનો સૌથી જાણીતો ફુવારો કયો, એવો કોઈ સવાલ પૂછે તો એનો જવાબ એક જ હોઈ શકે : ફ્લોરા ફાઉન્ટન. પણ કોટ વિસ્તારમાં, આ ફ્લોરા ફાઉન્ટનથી બહુ દૂર નહિ એવો બીજો એક ફુવારો પણ આવેલો છે. જે બહુ ઓછો જાણીતો છે. એનું નામ છે વેલિંગ્ટન ફાઉન્ટન. એટલું જ નહિ, એ ફુવારાની આસપાસનો વિસ્તાર પણ વેલિંગ્ટન સર્કલ તરીકે ઓળખાતો. આઝાદી પછી એ સર્કલનું નામ બદલીને રખાયું છે શ્યામા પ્રસાદ મુખર્જી ચોક. પણ શું જૂનું નામ, કે શું નવું નામ, બેમાંથી એક્કે ક્યારે ય મુંબઈગરાની જીભે વસ્યું નથી. આ ફુવારો ૧૮૬૫માં બંધાયો હતો આર્થર વેલેસ્લી, ફર્સ્ટ ડ્યૂક ઓફ વેલિંગ્ટનના માનમાં. એમનો જન્મ ૧૭૬૯ના મે મહિનાની પહેલી તારીખે. અવસાન ૧૮૫૨ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે. ૧૭૯૭થી ૧૮૦૫ સુધી તેઓ હિન્દુસ્તાનમાં હતા. અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચેના યુદ્ધમાં ૧૭૯૯માં ટીપુ સુલતાનને હરાવવામાં તેમનો મોટો ફાળો. બીજા મરાઠા યુદ્ધમાં પણ તેમની મહત્ત્વની કામગીરી. તેવી જ રીતે વોટરલૂની લડાઈમાં નેપોલિયનને હરાવનાર બ્રિટિશ સૈન્યમાં પણ તેમનું આગળ પડતું સ્થાન. લશ્કરી વિજયો મેળવ્યા પછી તેઓ બ્રિટનના રાજકારણમાં પડ્યા અને ૧૮૨૮થી ૧૮૩૦ સુધી ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બન્યા. ૧૮૩૪માં ફરી થોડા મહિના માટે તેઓ ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બનેલા. બ્રિટિશ શાસન દરમ્યાન બંધાયેલી બીજી ઘણી ઈમારતોની જેમ વચમાં ઘણાં વરસ આ વેલિંગ્ટન ફાઉન્ટનની પણ માઠી દશા બેઠેલી. પણ પછી ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન આ ફુવારાનો પુનર્જન્મ થયો. બ્રિટિશ શાસન દરમિયાનની મુંબઈની ઘણી ઈમારતોનો જીર્ણોધ્ધાર કરનાર કોન્ઝરવેશન આર્ચિટેક વિકાસ દિલાવરી અને તેમની ટીમે આ કામ પાર પાડેલું. 

વેલિંગ્ટન ફાઉન્ટન

પણ આપણે વાત કરવી છે તે તો આ ફુવારાથી થોડે દૂર આવેલી એક ઈમારતની. એ બંધાયેલી ૧૮૭૨થી ૧૮૭૬ દરમ્યાન. પણ આ ઈમારત વિષે વધુ વાત કરતાં પહેલાં એક સવાલ : વિક્ટોરિયા ટર્મિનસનું ભવ્ય મકાન, તેની સામેનું મુંબઈ મહાનગર પાલિકાનું મકાન, ચર્ચગેટ સ્ટેશન સામે આવેલું બી.બી.સી.આઈ. (વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન, ફ્લોરા ફાઉન્ટન કહેતાં હુતાત્મા ચોક નજીક આવેલું ઓરિયેન્ટલ લાઈફ ઇન્સ્યુરન્સનું મકાન, અને આજે જે મકાનની વાત માંડવી છે તે મકાન – આ બધાં હીરા જેવાં મકાનો એક સમાન સૂત્ર વડે એકબીજા સાથે બંધાયેલાં છે. કયું હશે એ સૂત્ર?

એ સૂત્ર તે આ બધાં મકાનોના સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ. ૧૮૪૭ના નવેમ્બરની ૧૧મી તારીખે ઇન્ગ્લંડમાં જન્મ. ૧૮૬૭માં ઇન્ડિયા પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર તરીકે નિમાઈને હિન્દુસ્તાન આવ્યા. પહેલું એક વરસ પૂણેમાં ગાળ્યા પછી તેમની બદલી મુંબઈ થઈ અને હિન્દુસ્તાનની સરકારના આર્ચિટેક તરીકે નિમણૂક થઈ. જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેએ જૂના, લાકડાના બોરીબંદર સ્ટેશનને બદલે નવું ભવ્ય વિક્ટોરિયા ટર્મિનસ બાંધવાનું નક્કી કર્યું ત્યારે સરકારે તેમની સેવા એ રેલવેને ઊછીની (લોન) આપી. કહેવાય છે કે આગ્રાના તાજમહાલ પછી હિન્દુસ્તાનની બીજી કોઈ ઈમારતના સૌથી વધુ ફોટા લેવાયા હોય તો તે આ વિક્ટોરિયા ટર્મિનસ કહેતાં બોરી બંદર, કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના. પાઘડી પને બંધાયેલા આ સ્ટેશન સામે આવેલું બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઊંચું મકાન એ પણ આ સ્ટીવન્સસાહેબનું જ સર્જન. એપોલો બંદર વિસ્તારમાં તેમણે બાંધેલું એક મકાન હતું પોસ્ટ ઓફીસ મ્યૂઝ. પણ આજે એનું ક્યાં ય નામોનિશાન જોવા મળતું નથી. 

પણ એપોલો બંદરથી થોડે દૂર, વેલિંગ્ટન સર્કલ પર બંધાયેલું એક મકાન આજે પણ અડીખમ ઊભું છે. એનું અસલ નામ રોયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ. ૧૯મી સદીમાં બ્રિટિશ નેવીની બોલબાલા આખી દુનિયામાં. મુંબઈનું અને આખા પશ્ચિમ કાંઠાનું રક્ષણ કરવા માટે બ્રિટિશ નેવીનાં જહાજો અને તેના ખલાસીઓ ખડે પગે રહે. આ ખલાસીઓ અને તેમના અધિકારીઓ માંદા પડે ત્યારે? તેમની સારવાર કરવા માટે મુંબઈમાં હોસ્પિટલ તો હતી જ. છેક ૧૭૫૬માં કોલાબા ખાતે બ્રિટિશ નેવીના માંદા ખલાસીઓ અને અફસરોની સારવાર માટે ‘ધ કિંગ્ઝ સીમેન હોસ્પિટલ’ શરૂ થયેલી. આઝાદી પછી ૧૯૫૧માં તે બની INHS અશ્વિની. 

પણ હોસ્પિટલમાંથી બહાર નીકળેલા ખલાસી કે અફસરો સીધા ફરજ પર હાજર થઈ શકે એટલા નરવા તો થયા ન હોય. તેમને આરામની, પૌષ્ટિક આહારની, વગેરે સગવડો આપવી જોઈએ. એ આપી શકાય એ માટે એક ‘સેલર્સ હોમ’ બાંધવાનું નક્કી થયું. એપોલો બંદર જવાને રસ્તે. કોલાબા કોઝવે અને ફ્રેરે રોડના જંકશન આગળ. એટલે કે વેલિંગ્ટન સર્કલ પર, આજના શ્યામા પ્રસાદ મુખર્જી ચોક પર. અને એની ડિઝાઈન બનાવવાનું કામ પણ સોંપાયું સ્થપતિ ફ્રેડરીક વિલિયમ સ્ટીવન્સને. 

પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યૂક ઓફ એડિનબરા

સેલર્સ હોમ તો જાણે સમજ્યા. પણ તેની સાથે ‘રોયલ આલફ્રેડ’ નામ કેમ જોડાયું? કોણ હતા આ રોયલ આલફ્રેડ? બ્રિટિશ સામ્રાજ્યનાં મહારાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટને કુલ નવ સંતાન. પાંચ દીકરી અને ચાર દીકરા. તેમાંના એક તે પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યૂક ઓફ એડિનબરા. ૧૮૪૪ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે જન્મ, ૫૫ વરસની ઉંમરે કેન્સરના રોગથી ઈ.સ. ૧૯૦૦ના જુલાઈની ૩૦મી તારીખે અવસાન. રાજવી કુટુંબના સભ્ય હોવા ઉપરાંત તેમણે રોયલ નેવીમાં પોતાની અલાયદી કારકિર્દી બનાવી હતી. ૧૮૬૭માં તેઓ વિશ્વપ્રવાસે નીકળ્યા. બીજા કેટલાક દેશોની મુલાકાત લીધા પછી ૧૮૬૭ના ઓક્ટોબરની ૩૧મી તારીખે તેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. ૧૮૬૮ના માર્ચની ૧૨મી તારીખે એક સમારંભમાં એક માણસે તેમના પર પાછળથી ગોળીબાર કર્યો. ગોળીબાર એટલો નજીકથી થયેલો કે તે જીવલેણ જ નીવડે. પણ પ્રિન્સના સદ્ભાગ્યે તેમના પોશાકમાંના એક પિત્તળના બકલ સાથે ઘસાવાથી ગોળીનો વેગ ઘટી ગયો. જેને ખુદ ફ્લોરેન્સ નાઈટિંગેલે તાલીમ આપેલી એવી છ નર્સે બે અઠવાડિયાં સુધી તેમની સારવાર કરી. બીજી બાજુ પ્રિન્સ પર ગોળીબાર કરનાર પર અત્યંત ઝડપથી કેસ ચલાવીને ૧૮૬૮ના એપ્રિલની ૨૧મીએ તેને ફાંસીની સજા કરવામાં આવી. 

થોડો વખત સ્વદેશ જઈને આરામ કર્યા પછી પ્રિન્સે પોતાનો વિશ્વ-પ્રવાસ આગળ વધાર્યો અને ૧૮૬૯ના ડિસેમ્બરમાં તેઓ હિન્દુસ્તાન આવી પહોંચ્યા. તેમની આ મુલાકાતની ખાસ વાત એ હતી કે ગ્રેટ બ્રિટનના શાહી કુટુંબના સભ્યોમાંથી હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનારા તેઓ પહેલા હતા. 

પરળ ખાતે આવેલો ગવર્નરનો બંગલો

મુંબઈમાં તેમનો ઉતારો પરળ ખાતે આવેલા ગવર્નરના બંગલામાં હતો. તેઓ મુંબઈ આવ્યા તે સાંજે ગવર્નરે આપેલી પાર્ટીમાં એક હજાર આમંત્રિત મહેમાનો હાજર હતા. બીજે દિવસે સાંજે પ્રિન્સની સવારી મુંબઈના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થવાની હતી. એટલે એ વિસ્તારો તો ખરા જ, પણ આખા મુંબઈ શહેરને રોશની, તોરણો, અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું હતું. એ દિવસે બપોરથી લોકોનાં ટોળાં રસ્તાની બંને બાજુ ઊભાં રહીને સવારીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ૧૩ મે, ૧૮૭૦ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ગવર્નર્સ હાઉસને તો અભૂતપૂર્વ રીતે શણગારવામાં આવ્યું હતું અને આખા પરળ રોડની બંને બાજુ રોશની ઉપરાંત ઠેર ઠેર યુનિયન જેક ફરકાવવામાં આવ્યા હતા. ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલની ઈમારત પર પ્રિન્સની વિશાળકાય છબી ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે આભાર વ્યક્ત કરતાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. તો બીજી બાજુ એલ્ફિન્સ્ટન કોલેજનું મકાન (જે એ વખતે પરળ વિસ્તારમાં આવેલું હતું) પણ રોશનીથી ઝગમગી ઊઠયું હતું. સવારી જ્યારે ભાયખળાના રેલવે બ્રીજ પર આવી પહોંચી ત્યારે સામે જે દૃશ્ય દેખાતું હતું તેને તો માત્ર એક જ શબ્દથી વર્ણવી શકાય : અદ્ભુત! એ જમાનામાં ‘ટ્રાન્સપેરન્સી’ ખૂબ લોકપ્રિય હતી. તેમાં મોટા પારદર્શક કાચ પર બહુરંગી ચિત્ર બનાવીને પાછળ રોશની કરવામાં આવતી. એટલે ચિત્ર આખું ઝળાંહળાં થઈ જાય. બ્રિજ પરથી નીચે ઊતરતી વખતે બંને બાજુ આવી સેંકડો ટ્રાન્સપેરન્સીમાં મૂકેલાં પ્રિન્સ અને ક્વીન વિક્ટોરિયા ઉપરાંત રાજવી કુટુંબના બીજા સભ્યોનાં ચિત્ર આખા વિસ્તારને ઝગમગતો કરી રહ્યાં હતાં. તેની સાથોસાથ હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં પ્રિન્સને આવકાર આપતાં સૂત્રો કપડાં પર લખીને રસ્તા વચ્ચે લટકાવ્યાં હતાં. 

ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભો કરેલો કામચલાઉ વેલકમ ગેટ

દિવાળીના દિવસોમાં પણ સાધારણ રીતે ભીંડી બજારમાં રોશની જોવા ન મળે. પણ પ્રિન્સને આવકારવા માટે તો ત્યાં પણ રોશની કરવામાં આવી હતી. મમ્માદેવી અને કાલબાદેવીનાં મંદિરો પર પણ રોશની કરવામાં આવેલી. એટલું જ નહિ તેના આગલા ભાગને ધજા-પતાકા અને ફૂલનાં તોરણોથી સજાવ્યા હતા. ત્યાંનાં વાસણ, કાપડ, વગેરે જણસોના વેપારીઓએ પોતપોતાની દુકાનની બહાર રસ્તા પર કમાનો બનાવીને તેને પોતે વેચતા માલ-સામાનથી સજાવી હતી. આગળ જતા એસ્પ્લનેડ રોડ બંને બાજુએ રોશનીથી ઝાલાહાલા થતો હતો. આગળ જતાં ફ્લોરા ફાઉન્ટનને પણ રંગબેરંગી રોશનીથી શણગાર્યો હતો. તેનાથી થોડે દૂર રસ્તા પર એક કામચલઉ દરવાજો બનાવ્યો હતો. તેના મથાળે મોટા અક્ષરોમાં WELCOME લખ્યું હતું અને તેની નીચે હિન્દુસ્તાનની વસતીના જુદા જુદા પ્રદેશ અને ધર્મના લોકોના પ્રતિનિધિ જેવાં ચિત્રો દોર્યાં હતાં. તેનાથી થોડે દૂર ઓરિએન્ટલ બેન્કના મકાનની ટોચ પર બહુ મોટી મેગ્નેશિયમ લાઈટ ઝગારા મારતી હતી. બી.બી.સી.આઈ. રેલવેના વડા મથક પર ત્રિરંગી રોશની કરવામાં આવી હતી. આ ત્રણ રંગો હતા રેલવે સિગ્નલમાં વપરાતા ત્રણ રંગો : લાલ, લીલો, અને પીળો. એલ્ફિન્સ્ટન સર્કલ પર ટાઉન હોલ, મિન્ટ, વોટસન હોટેલ અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નું મકાન (જે પછીથી બોરી બંદર પાસે ખસેડાયું) એવી રીતે શણગાર્યાં હતાં કે આખો વિસ્તાર તેના વડે ઝળહળી રહ્યો હતો. અને એ અજવાળું જાણે ઓછું હોય તેમ આખા સર્કલ પર રસ્તાની વચ્ચોવચ મોટાં મોટાં ઝુમ્મરો લટકાવ્યાં હતાં. પરિણામે આખો વિસ્તાર પરીઓના પ્રદેશ જેવો લાગતો હતો. સર્કલની વચ્ચોવચ એક મોટા દરવાજા પર રાણીના રાજને પ્રતાપે હિન્દુસ્તાનને થયેલા ફાયદા અને મળેલા લાભ દર્શાવતાં ચિત્રો મૂક્યાં હતાં. 

અને એલ્ફિન્સ્ટન સર્કલથી નીકળીને, લાયન ગેટ તરફ સવારી આગળ વધી. પ્રિન્સ આલ્ફ્રેડની સાથે આપણી સવારી પણ હવે આવી પહોંચી છે વેલિંગ્ટન સર્કલ. પ્રિન્સ આલ્ફ્રેડને અહીં આવવા માટે ખાસ કારણ હતું. કયું હતું એ કારણ?

એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 ડિસેમ્બર 2025

Loading

બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 

સોનલ પરીખ|Opinion - Opinion|6 December 2025

બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એવી સાદી વાત આપણે પચાવવાની હજી બાકી છે. બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ થાય, સરખામણી–હરીફાઈથી મુક્ત અને મોજ પડે એવી શિક્ષણ–પ્રક્રિયા બનાવવાની હજી બાકી છે. બાલદિન આવી રહ્યો છે ત્યારે ગિજુભાઈ બધેકાએ જોયેલું ‘દિવાસ્વપ્ન’ આપણે સૌ જોઈએ અને સાકાર કરીએ …

ઓગણીસમી સદીનો અંત નજીક હતો. દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. આપણા દેશ પર પણ બ્રિટિશ શાસનની પૂરી પકડ હતી. શિક્ષિત ભારતીયો રાજકીય નિર્ણયોમાં સહભાગી થઈ શકે એ હેતુથી દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા અને એલન ઑક્ટોવિયન હ્યુમે 28 ડિસેમ્બર 1885માં ‘ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ’ની સ્થાપના કરી. તેનું પહેલું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે મુંબઈ(ત્યારના બૉમ્બે)માં ભરાયું હતું. 

ગિજુભાઈ બધેકા

આ ઘટનાના એકાદ મહિના પહેલા, સૌરાષ્ટ્રના ચિતલ ગામમાં ગિરિજાશંકર નામના એક બાળકનો જન્મ થયો. એ વખતે ચિતલથી 100 કિલોમીટરના અંતરે આવેલા રાજકોટમાં સોળ વર્ષના મોહનદાસ ગાંધી જીવનનો માર્ગ શોધી રહ્યા હતા. આ બાળક ગિજુભાઈ નામથી બાલશિક્ષણની દુનિયામાં વિખ્યાત થવાનો હતો. ગિજુભાઈનો જન્મદિન 15 નવેમ્બરે – બાલદિનના બીજા દિવસે છે. આ બન્ને નિમિત્તે આજે વાત કરીએ ગિજુભાઈની અને એમના વિખ્યાત પુસ્તક ‘દિવાસ્વપ્ન’ની.  

ગિજુભાઈનો ઉછેર અને અભ્યાસ ભાવનગરમાં. ધંધાર્થે આફ્રિકા ગયા. પછી મુંબઈમાં વકીલાતનું ભણ્યા અને વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી. દરમ્યાન પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. ગિજુભાઈ તેને ચીલાચાલુ નિશાળોની બદીથી મુક્ત રાખવા માગતા હતા. મોતીભાઈ અમીને તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં અને ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો. 

ભાવનગરમાં હરજીવન પંડ્યા તથા નાનાભાઈ ભટ્ટે સ્થાપેલા છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ત્રીસ વર્ષના ગિજુભાઈ વકીલાત છોડીને ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. બે વર્ષ પછી છાત્રાલય સાથે કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. 1920ના ઑગસ્ટમાં રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા. એમના પ્રતાપે ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં.

ગિજુભાઈએ 200 જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ચરિત્રો, બાળસાહિત્ય-કિશોરસાહિત્યનાં પુસ્તકો, ગ્રંથમાળાઓ, બાળશિક્ષણને લગતાં પુસ્તકો, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે. એ વખતે સંયુક્ત કુટુંબોમાં અને શાળાઓમાં બાળકો હડધૂત થતાં, માર ખાતાં ને ગમેતેમ ઊછરી જતાં. ગિજુભાઈએ સમગ્ર સમાજને બાળકોનું અને બાળકેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. સહકાર્યકરો કેળવ્યા; શિક્ષકો, માબાપો અને વાલીઓની સભાઓ કરી. પત્રિકાઓ કાઢી. બાળકોના હાથમાં ‘અમને મારશો નહિ’, ‘અમને બિવરાવશો નહીં’ જેવાં સૂત્રો લખેલાં પૂંઠાં મૂકી સરઘસો કાઢ્યાં. મૉન્ટેસૉરી સંઘ સ્થાપ્યો, મૉન્ટેસૉરી પદ્ધતિનાં સાધનો બનાવવાના પ્રયોગ કર્યા. બાળકોને સ્વતંત્રતા મળે, તેઓ સ્વયંસ્ફુરણાથી પ્રવૃત્તિઓ કરે, સ્વાવલંબી બને, જીવનવિકાસને પોષક વાતાવરણ મળે, સહકારથી જીવતાં શીખે વગેરેની તેમણે હિમાયત કરી. આ સંદર્ભમાં તેમણે ‘મૉન્ટેસૉરી પદ્ધતિ’, ‘પાઠ આપનારાંઓને’, ‘આ તે શી માથાફોડ ?’, ‘મા-બાપ થવું અઘરું છે’, ‘વાર્તા કહેનારને’ વગેરે પુસ્તકો પણ આપ્યાં છે. આ બધા થકી ગુજરાતમાં બાલકેળવણી અંગે એક વિશાળ મોજું ઉત્પન્ન થયું. 

બાલશિક્ષણ અંગે સોળ વર્ષના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ ગિજુભાઈનું રૂપિયા 11,000ની થેલી વડે સન્માન કર્યું. એ વખતે મોટી ગણાતી એ રકમ ગિજુભાઈએ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી. ‘દક્ષિણામૂર્તિ’માંથી છૂટા થયા પછી તેમણે રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. 1939માં ત્રેપન વર્ષની વયે અવસાન થતાં એમની બાલવિદ્યાપીઠ(ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી)ની સ્થાપના, બાલજ્ઞાનકોશની રચના અને આત્મદર્શન આ ત્રણ ઇચ્છાઓ અધૂરી રહી.

‘દિવાસ્વપ્ન’ પુસ્તકમાં ગિજુભાઈએ વાર્તાના માધ્યમથી બાલશિક્ષણનું શાસ્ત્ર અત્યંત રસમય અને અસરકારક રીતે સમજાવ્યું છે. રૂઢિચુસ્ત શિક્ષણપ્રથાના વિરોધી યુવાન શિક્ષક લક્ષ્મીરામ વિદ્યા-અધિકારી પાસે શિક્ષણના પ્રયોગો કરવાની મંજૂરી માગે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અધિકારી એમને ચોથા ધોરણનો વર્ગ સોંપે છે. ‘પ્રયોગો ભલે કરો, પણ પરીક્ષા માટે છોકરાઓને તૈયાર કરવા પડશે.’ ‘જરૂર સાહેબ. મારી વિનંતી છે કે આપ જાતે જ એમની પરીક્ષા લો.’

અને પ્રયોગો શરૂ થાય છે. બે મહિના તો બાળકોને સ્વચ્છતા અને સ્વયંશિસ્ત શીખવામાં જ જાય છે. આ બાજુ લક્ષ્મીરામ માબાપોના અવિશ્વાસ અને શિક્ષકોની ઈર્ષા, મજાક અને ઉપેક્ષાનો ભોગ બને છે. પણ હાર્યા વિના તેઓ બાળકોને વાર્તાઓ, ગીતો અને રમતો દ્વારા ભાષા, વ્યાકરણ, વિજ્ઞાન, ઇતિહાસભૂગોળ, ગણિત અને કલાઓ શીખવે છે. બાળકોને શિક્ષાની બીક વિના, કોઈ ભાર વિના હસતાંરમતાં શીખતા જાય છે અને તેમનામાં સમાનતા, સંપ, ખેલદિલી, ન્યાય, સહકાર જેવાં મૂલ્યો પણ વિકસતાં જાય છે. 

લક્ષ્મીરામે રેન્કિંગ સિસ્ટમના બદલે જેને જે આવડતું તે બહાર કાઢવા પ્રોત્સાહન આપ્યું. તેમના વર્ગે કોઈ પૂર્વતૈયારી વિના મેળાવડામાં નાટકો કર્યાં. આ નાટકો જે વાર્તાઓ તેમને ગમતી તેનાં નાટ્યરૂપો હતાં અને તેઓ વર્ગમાં દર અઠવાડિયે વાર્તાઓ ‘ભજવતા’ તેનું પરિણામ હતાં. તેનાથી વિદ્યાર્થીઓની સ્મૃતિ, આત્મવિશ્વાસ, જાહેરમાં પોતાને વ્યકત કરવાની કળા, અભિનય અને ચાતુર્યનો વિકાસ થયો. 

એક દિવસ તેમણે તેમના સર્વેક્ષક મિત્રને આમંત્રણ આપ્યું. સર્વેક્ષકે વિદ્યાર્થીઓને વર્ગનું માપ કેવી રીતે લેવાય અને કાગળ પર મકાનની યોજના કેવી રીતે બને તે બતાવ્યું. પછી મોજણીદારની ઓફિસમાં લઈ શેરીઓ, ગામો, જંગલ વિસ્તારો વગેરેનાં નકશા કેવી રીતે બને તે બતાવ્યું. એક દિવસ હાઈ સ્કૂલમાંથી દૂરબીન લાવ્યા. છોકરાઓએ દૂરબીનથી બધું જોવામાં આખો દિવસ ગાળ્યો. ગ્રહો અને તારાઓ અવલોકન માટે એક રાત્રે એક ટેલિસ્કોપ પણ લાવ્યા. 

વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતાં થયાં હતાં. એક નોટબુકમાં કોણે કયું પુસ્તક વાંચ્યું, કયાં પુસ્તકો વિદ્યાર્થીઓને વધુ ગમ્યાં અને કયાં નહીં તેની નોંધ રાખી હતી. વિદ્યાર્થીઓ એક હસ્તલિખિત સામયિક કાઢતા અને તેમાંની સામગ્રી પણ જાતે જ તૈયાર કરતા. તેઓ જે લખતા તેને ‘સુધારવા’ના પ્રયત્નો ન થતા. 

પ્રયોગોની આખી ઘટમાળ બહુ રસપ્રદ છે. વાંચતા જઈએ તેમ પ્રતીતિ થતી આવે કે ત્યારની શાળાઓ ને શિક્ષણપદ્ધતિ અત્યારની શાળાઓ અને શિક્ષણપદ્ધતિ કરતાં ભલે જુદાં હોય, પણ બાળકનો આનંદ, બાળકની સર્જનાત્મકતાનો વિકાસ, શિક્ષણને સરખામણી-હરીફાઈથી મુક્ત મોજ પડે એવી પ્રક્રિયા બનાવવી, એ માટેની મોકળાશ સર્જવી અને શિક્ષકોની એ પ્રકારની માનસિકતા કેળવવી આ બધાની ખૂબ ઉપેક્ષા ત્યારે પણ થતી હતી, અત્યારે પણ થાય છે. કારણ કદાચ એ છે કે આવા પ્રયોગો માટે સિસ્ટમ અને શિક્ષક બન્નેમાં બાળકો પત્યે નિરવધિ પ્રેમ, સર્જનાત્મક પ્રતિભા અને મહેનત કરવાની તૈયારી હોવાં જોઈએ – ક્યાંથી કાઢવાં ?

વર્ષના અંતે વિદ્યાધિકારી ખુશ થઈને શાળામાં પુસ્તકાલય કરવા માટે રકમ આપે છે અને કહે છે, ‘લક્ષ્મીરામના વિદ્યાર્થીઓ ઘણું શીખ્યા છે. વ્યવસ્થિત, તંદુરસ્ત, ચપળ અને આનંદી છે. માબાપોને સંતોષ થયો છે. તેમનો પ્રયોગ સફળ રહ્યો છે. મારા વિચારોમાં પલટો આવ્યો છે. જૂની ઘરેડનો અંત હવે આવવો જોઈએ …’ આ શબ્દો સાથે 112 પાનાનું પુસ્તક પૂરું થાય છે અને વાચક અનોખી પ્રસન્નતા સાથે પોતાનાં ઘરમાં ઉછરતાં બાળકો પ્રત્યે એક નવી દૃષ્ટિ પામે છે.  

‘દિવાસ્વપ્ન’ 1932માં લખાયું. તે જ વર્ષે તેનું હિંદી થયું. પછી અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ આવૃત્તિઓ થઈ. બાળકોને સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને આપણે તેમના તરફ માનભરી દૃષ્ટિએ જોવું જોઈએ એ એમનું બાલશિક્ષક તરીકેનું મુખ્ય વિચારકેન્દ્ર છે. જ્ઞાનકોષોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસની પરિચિત સામગ્રીમાંથી સરળ વાર્તાઓ દ્વારા ગિજુભાઈ બાળકોને તેમના પરિસરમાં આવતી વસ્તુ, સ્થળ, ભાષા વગેરે સાથે સાહજિકતાથી સાંકળતા અને એમને આનંદ આપતાં આપતાં માનસઘડતરનું સુંદર કાર્ય કરતા. એ માટે તેમણે પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત કાકાસાહેબ જેવા પાસેથી ‘બાલસાહિત્યના બ્રહ્મા’ જેવી ઉપાધિ પણ મેળવી. આ પુસ્તક ઈ-બુક તરીકે અવેલેબલ છે.

બાલશિક્ષકો અને બાલહિતચિંતકોની પેઢીઓ તૈયાર કરવામાં ગિજુભાઈનું ચિરંજીવ પ્રદાન છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી તારાબહેન મોડક, મોંઘીબહેન બધેકા, નર્મદાબહેન રાવળ, ચંદુભાઈ ભટ્ટ, રામનારાયણ નાગરદાસ પાઠક, નરેન્દ્ર બધેકા, વિમુબહેન બધેકા, શેષ નામલે, સોમાભાઈ ભાવસાર, વજુભાઈ દવે, મૂળજીભાઈ ભગત, ભોગીભાઈ પારેખ, સરલાદેવી સારાભાઈ, યશસ્વતીબહેન ભટ્ટ, વીરસૂત મહેતા, કાશીનાથ ત્રિવેદી જેવાં અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા. 

બાળક પ્રત્યે સાચા પ્રેમનો એક દીવો આપણા અંતરમાં પણ પ્રગટાવીએ …             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 નવેમ્બર  2025

Loading

વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

નેહા શાહ|Opinion - Opinion|6 December 2025

નેહા શાહ

૨૦૨૪માં દુનિયામાં આશરે ૮૩,૦૦૦ મહિલા કે છોકરીની ઈરાદાપૂર્વક હત્યા થઇ! તેમાંથી લગભગ ૫૦,૦૦૦થી વધુ એટલે કે ૬૦ ટકા હત્યા કરનાર પતિ / પાર્ટનર કે કુટુંબના કોઈ સભ્ય હતા, એટલે કે લગભગ દર દસ મિનિટે એક ! ૨૫ નવેમ્બરે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી’ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગે બહાર પાડેલા રિપોર્ટમાં આપેલા આ આંકડા ચોંકાવનારા છે. નારી-હત્યા એ સ્ત્રી વિરુદ્ધ હિંસાનું સૌથી ભયાનક સ્વરૂપ છે. ઉત્તરોત્તર સ્ત્રીઓની પ્રગતિ વધી રહી હોવા છતાં મહિલા વિરુદ્ધની હિંસા ઓછી થવાનું નામ લેતી નથી !

‘નારી-હત્યા’ માટે વપરાતો શબ્દ ‘ફેમીસાઈડ’નો આધુનિક ભાષામાં પ્રયોગ ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક નારીવાદી ચળવળની સાથે શરૂ થયો. એને લિંગ-સંબંધિત પ્રેરણા સાથે ઇરાદાપૂર્વકની હત્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મહિલાઓની હત્યા પાછળ પુરુષપ્રધાન માનસિકતામાંથી ઊભા થતા સત્તાનાં સમીકરણ કામ કરતાં હોય છે. ભારતમાં પ્રશ્ન પેચીદો છે. માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા તો મા-બાપ કે ભાઈ નારાજ થઇ જાય, પતિના અહંકારને પડકારે એવી કોઈ વાતથી પતિ કે પાર્ટનર ગુસ્સે થઇ જાય, દહેજ સંબંધી હત્યા બંધ નથી થઇ, દીકરાને જન્મ આપવાની જવાબદારી પત્નીને જ ખભે હોય તો દીકરીને જન્મ આપતી પત્ની બોજો બની જાય, બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી ગુનાની સાક્ષી બની જુબાની આપે તો ખતરો બની જાય, સેક્સ વર્કરની ગણતરી તો ઘણી વાર ‘માણસ’ તરીકે જ નથી થતી એટલે તેમને અવારનવાર હિંસક વૃત્તિનો સામનો કરવો પડે. આમ, સ્ત્રી વિરુદ્ધની હિંસા માટે એમનું સ્ત્રી હોવું પૂરતું હોય છે. એની પાછળ સ્પષ્ટ સામજિક-રાજકીય ચિત્ર ઊભું થાય છે એ ફેમીસાઈડને અન્ય હત્યા કરતાં અલગ તારવે છે. ભારતમાં દરેક હત્યાને ‘માનવ-વધ’ ગણવામાં આવે છે, પોલીસના રેકોર્ડમાં નારી-હત્યાનું અલગ નોંધ નથી એટલે કુલ હત્યામાંથી ફેમીસાઈડને અલગ તારવી એનું પ્રમાણ સમજવું અઘરું બને છે. વળી, ભારતમાં મહિલાઓ ઘરેલું હિંસા અંગે ખૂલીને વાત પણ નથી કરતી – એ અંગે ફરિયાદ કરવી તો દૂરની વાત છે.

ડીજીટલ ટેકનોલોજીના યુગમાં સ્ત્રી સામેની હિંસા નવા રૂપ લઇ રહી છે. સંમતિ વિના ફોટા શેર કરવા, ડોક્સિંગ અને ડીપફેક વીડિયો જેવી હિંસાનાં નવાં સ્વરૂપોને પણ જન્મ આપ્યો છે. અજાણી વ્યક્તિ સાથેની સોશ્યલ મીડિયા પરની આછી પાતળી વાતચીત બાદ ટ્રોલીન્ગ થાય કે ફોન પર સતામણી થાય એ તો ઘણું સામાન્ય બની ગયું છે, ઘણીવાર સતામણી ડીજીટલ માધ્યમ પૂરતી મર્યાદિત ના રહેતા મહિલાનો પીછો પણ શરૂ થઇ શકે છે! કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરી તમે શું પહેર્યું છે, કે તમે કોને મળ્યા છો જેવી વિગતો આપી તમને જણાવતી હોય કે એ સતત તમારા પર નજર રાખે છે તો ડરવું જરૂરી બની જાય છે. ઘણીવાર પીછો કરતી વ્યક્તિ જ પછી મોતની ધમકી આપવા લાગે છે! નામ-ઠામ વગરની વ્યક્તિ સામે કોઈ પગલાં લેવામાં પોલીસ પણ ઝાઝી મદદ કરી શકતી નથી, કારણ કે ડીજીટલ હિંસા સામે હજુ સ્પષ્ટ કાનૂની પાયા અને નિયમો નથી. આ પરિસ્થિતિ દુનિયાના બધા દેશોમાં છે.

ફેમીસાઈડના સંદર્ભે શ્રદ્ધા વાલકર-વાળો કિસ્સો યાદ કરવો અગત્યનો છે. “લવ – જીહાદ’નું એ સીમા ચિહ્ન બની રહેલો આ કિસ્સો કોઈ ભૂલ્યું નહિ હોય. આંતર ધર્મ લગ્નને રોકવા આ કિસ્સાને ટાંકીને વિરોધ કરવામાં આવે છે. બદનસીબી એ છે કે શ્રદ્ધાના અપમૃત્યુની ચર્ચા માત્ર એના કોમી રંગને લીધે થઇ. એનું પોતાના પાર્ટનર પર નિયંત્રણ રાખતા વર્તનને એટલું પ્રાધાન્ય ના મળ્યું. શ્રદ્ધાની જગ્યાએ કોઈ સમ્-ધર્મી પાર્ટનર હોત, તો પણ આફતાબનું વર્તન આ જ રહ્યું હોત, કારણ કે હત્યાનું કારણ ધર્મ નહિ, પણ બંને વચ્ચે વધી રહેલા મતભેદ હતું. એ જ અરસામાં બીજા કેટલા બધા કિસ્સા બન્યા. અંકિતા ત્યાગીની હત્યા એના પુરુષ મિત્રએ કરી કારણ કે એણે લગ્ન કરવાની ના પાડી! કોન્ગરા નાગમણી કે ઐશ્વર્યાની હત્યા એમના માતા-પિતાએ કરાવી કારણ કે તેમણે દલિત પુરુષ સાથે લગ્ન કર્યા! મનોજ સાને નામના આધેડ પુરુષે એની પાર્ટનરની હત્યા કરી કારણ કે એણે એની સાથે શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કર્યો ! રાધિકા યાદવની હત્યા એના પિતાએ કરી કારણ કે એની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માંગતા હતા! 

આવા કિસ્સાઓની યાદી હજુ ઘણી લાંબી છે. આ દરેક કિસ્સામાં હત્યા ઘરમાં જ થઇ છે અને નજીકની વ્યક્તિ દ્વારા થઇ છે. ઘરની ચાર દીવાલ જ સ્ત્રીઓ માટે જોખમી સાબિત થઇ છે, જ્યારે હિંસા તેમને ડરાવવા, અપમાનિત કરવા અને ખાસ કરીને ચૂપ કરાવવા માટે થઇ છે. જો પ્રશ્નનું નિદાન યોગ્ય હશે તો એનો ઉકેલ યોગ્ય દિશામાં શોધીશું. નારી-હત્યાને પુરુષ-પ્રધાન સામાજિક ઢાંચાના ભાગ તરીકે સમજવો પડશે, એનું યોગ્ય રીપોર્ટીંગ કરવું પડશે, આંકડાઓનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી એ આધારે જરૂરી કાયદા ઘડી યોગ્ય પાલન કરવું પડશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...83848586...90100110...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved