Opinion Magazine
Number of visits: 9666154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે મહારાષ્ટૃના દલિતો ભીમા કોરેગાંવ દિવસ ઉજવે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2024

રમેશ ઓઝા

પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં દલિતોને (હકીકતમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના મહારોએ) ભીમા કોરેગાંવ વિજય દિવસ ઉજવ્યો હતો. ૧૯૨૭ની સાલથી પહેલી જાન્યુઆરીના રોજ પૂના નજીક ભીમા કોરેગાંવ નામનાં સ્થળે મોટી સંખ્યામાં મહાર દલિતો જમા થાય છે અને વિજય દિવસ ઉજવે છે. આ વખતે લગભગ બે લાખ જેટલા દલિતો ભીમા કોરેગાંવમાં ઉપસ્થિત રહ્યા હતા એમ મરાઠી અખબારોનાં અહેવાલો કહે છે.

શા માટે મહારાષ્ટ્રના દલિતો ભીમા કોરેગાંવ દિવસ ઉજવે છે? ક્યાં છે આ ભીમા કોરેગાંવ? કોનો વિજય થયો હતો અને કોની સામે વિજય થયો હતો? ગુજરાતનાં વાચકોને કદાચ આની જાણ નહીં હોય એટલે પહેલાં એ ઘટનાની પૃષ્ઠભૂમિ સમજી લઈએ.

૧૭૫૭નાં પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો એ પછીથી કંપનીએ ધીરે ધીરે ભારત પર કબજો જમાવવા માંડ્યો હતો. આમાં કંપની સામે મોટો અવરોધ મહારાષ્ટ્રના મરાઠાઓ અને પેશાવાઓ હતા. એક અભિપ્રાય એવો છે કે જો મરાઠાઓને અને પેશાવાઓને રાજ કરતાં આવડ્યું હોત તો કદાચ અંગ્રેજોને ભારત પર કબજો જમાવવામાં સફળતા ન મળી હોત. બન્યું એવું કે મરાઠાઓ ભારતમાં જે તે પ્રદેશ જીતતા હતા અને જે તે સરદારને એક ચોથાઈ મહેસૂલ આપવાની શરતે એ જીતેલો પ્રદેશ રાજ કરવા આપી દેતા હતા. હોલકર, પવાર, શિંદે (સિંધિયા), ગાયવાડ, ભોંસલે વગેરે આવા મરાઠા સરદારો પેશ્વાઓ વતી પણ લગભગ સંપૂર્ણ સ્વાયત્તા સાથે રાજ કરનારા સરંજામો હતા. એ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે.

લાંબા ઇતિહાસને ટુંકાવી દઈએ. છત્રપતિ શિવાજી મહારાજના વંશજો તેમનાં વતી શાસન કરનારા પેશ્વાઓ દ્વારા મળતાં સાલિયાણાં પર નભતા થયા અને પુરુષાર્થનો અંત આવ્યો. તેઓ નામના રાજા હતા. કોંકણસ્થ બ્રાહ્મણ પેશ્વાઓ (પેશ્વા એટલે પ્રધાનમંત્રી, અમાત્ય, દિવાન) અક્ષરસ: શાસક બની ગયા અને પેશ્વાઈ વંશપરંપરાગત બની ગઈ. સત્તા માટે પરિવારમાં કાવતરાં, દગાખોરી અને હત્યાઓ થવા લાગી. મહેસૂલનો એક ચોથાઇ હિસ્સો મળતો હતો એટલે પેશ્વાઓ અને તેમના બ્રાહ્મણ પ્રધાનો એશો આરામ કરવા લાગ્યા અને ધીરે ધીરે લંપટ જિંદગી જીવવા લાગ્યા. પછાત જાતિઓ અને તેમની સ્ત્રીઓ બ્રાહ્મણ શાસકોનાં અત્યાચારનો શિકાર બનવા લાગ્યા હતા. આ બાજુ જે તે પ્રદેશના સૂબાઓ આપસમાં લડતા હતા અને ઉત્તર પેશ્વાઈ યુગમાં (પાણીપતના યુદ્ધમાં મરાઠાઓના થયેલા પરાજય પછી) તેઓ પૂનાના પેશ્વાઓથી સ્વતંત્ર થવા લાગ્યા હતા અથવા તેમને ગણકારતા નહોતા. ટૂંકમાં પેશ્વાઇ અંદરથી ક્ષીણ થવા લાગી હતી. જો મરાઠાઓએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજને અનુસરીને અથવા મુઘલોને અનુસરીને એક કેન્દ્ર પરથી શાસન કરતું કેન્દ્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યું હોત તો કદાચ ભારતનો ઇતિહાસ જુદો હોત અને અંગ્રેજોને વિજય ન મળ્યો હોત અથવા વિજય આસાનીથી ન મળ્યો હોત.

પૂનાના બ્રાહ્મણોને એટલું પણ ધ્યાનમાં નહોતું આવ્યું કે પાંચ હજાર માઈલ્સ દૂરથી ભારતમાં ધંધો કરવા આવેલી કંપની તેના મુઠ્ઠીભર અંગ્રેજ અમલદારો દ્વારા ભારત પર કબજો જમાવી રહી છે અને સૂબાઓ નિયુક્ત કર્યા વિના હાથ કરેલા પ્રદેશો પર સીધું શાસન કરે છે. હકીકતમાં કંપની અમલદારો દ્વારા લંડનથી ભારત પર શાસન કરતી હતી. આ બધું પેશ્વાઓની સામે થઈ રહ્યું હતું, પરંતુ તેમના ધ્યાનમાં આ નહોતું આવ્યું. ભરતની સર્વશ્રેષ્ઠ પ્રજાને (બ્રાહ્મણોને) ભારત પર રાજ કરવાની તક મળી ત્યારે રાજ કરતાં આવડ્યું નહીં અને મૂઠીભર અંગ્રેજોએ પરાજીત કરી જીતેલા પ્રદેશો હાથમાંથી છીનવી લીધા એનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો આજે પણ અનુભવે છે અને હિન્દુત્વના રાજકારણને આ નિષ્ફળતા, પરાજય અને તેના ચચરાટ સાથે સીધો સંબંધ છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર કેવી રીતે કબજો કર્યો હતો? ભારતીય સૈનિકો દ્વારા અને એ પણ એવા સૈનિકો જેને આપણા મહાન ભારતમાં તલવાર તો ઠીક, હાથમાં દંડુકો લઈને ગામમાં પ્રવેશવાની પણ મનાઈ હતી. નીચું જોઇને, કોઈની સાથે આંખ મેળવ્યા વિના અને કોઈના પર પડછાયો પણ ન પડે એ રીતે તેઓ ગામમાં પ્રવેશી શકતા હતા. ટૂંકમાં જે પ્રજાનો કોઈ ખપ નહોતો અને જેને હડધૂત કરવામાં આવતી હતી એ પ્રજાની એટલે કે દલિતોની કંપની સરકારે સૈન્યમાં ભરતી કરી હતી. કંપનીએ લશ્કર બાંધવાનું શરૂ કર્યું અને તેમાં મહારાષ્ટ્રના દલિતોની (મહારોની) મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી. ડૉ આંબેડકરનો જન્મ ઇન્દોર નજીક મઉ ખાતે આવેલી લશ્કરી છાવણીમાં થયો હતો. તેમના પિતા અંગ્રેજોના લશ્કરમાં હતા. અંગ્રેજ લશ્કરમાં મહાર રેજીમેન્ટ હતી.

અંગ્રેજોએ જ્યારે જોયું કે પેશ્વાઓ વધુ વખત સુધી રાજ કરી શકે એમ નથી ત્યારે તેમણે ૧૮૧૮ના જાન્યુઆરીમાં પેશ્વાઓ પર આક્રમણ કર્યું હતું. પેશ્વાઓનું સૈન્ય વીસેક હજારનું હતું અને કંપનીનું ૮૩૪નું. કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત મરાઠાઓ, મુસલમાનો અને યહૂદીઓ પણ હતા. યુદ્ધમાં ૨૦ હજાર સૈનિકો ધરાવતા પેશ્વાઓનો કંપનીના ૮૩૪ સૈનિકો સામે ઘરઆંગણે પરાજય થયો હતો. વિજય પછી કંપનીએ યુદ્ધભૂમિની જગ્યાએ ૧૮૨૨ની સાલમાં ૬૨ ફૂટ ઊંચો વિજયસ્થંભ ઊભો કર્યો હતો અને તેના ઉપર કંપનીના માર્યા ગયેલા સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે અને તેમની બહાદુરીની કીર્તિગાથા વર્ણવાઈ છે.

તો વિજય કોનો થયો હતો? દેખીતી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો? પરાજય કોનો થયો હતો? દેખીતી રીતે પેશ્વાઓનો. એ યુદ્ધ પછી ભારતમાં જલદી પરાજીત ન કરી શકાય એવા સ્થિર અંગ્રેજ રાજની સ્થાપના થઈ હતી. પણ અંગ્રેજો તો અંગ્રેજો હતા. તેમણે વિજય સ્થંભમાં પણ બાજી મારી હતી અને બ્રાહ્મણ પેશ્વાઓને સદૈવ પરાજીત કર્યા હતા. એ કઈ રીતે એની વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2024

Loading

આધુનિક મૂડીવાદની પેદાશો : અમાનવીયતા, અસમાનતા અને એકહથ્થુ શાસન

રોહિત શુકલ|Opinion - Opinion|6 January 2024

રોહિત શુક્લ

નવા મૂડીવાદનો દેખાવ અતિ રમ્ય અને આકર્ષક છે. ૧૯૧૭થી શરૂ થયેલા સામ્યવાદી શાસન હેઠળ સ્તાલિન દ્વારા કરાયેલા અત્યાચારોની કથા ગુલંગ આર્કિપિલગો – The Gulang Archipelagoમાં સોલ્ઝેનિત્શિને બહાર પાડી ત્યારે આ ત્રાસદીથી આંખે અંધારાં છવાયાં અને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. માઓ તો તેથી ય વસમા નીકળ્યા. કાર્લ માર્કસે બતાવેલા સ્વપ્ન : From each according to his capacity and to each according to his necessityનું સામ્યવાદી સ્વર્ગ એક દોજખ બનીને ઊભર્યું.

બીજી તરફ મૂડીવાદ મેઘધનુષ્યના ઊડતા ઘોડા જેવો જણાતો થયો. જગત આખું વિસરી ગયું કે પશ્ચિમના આ મૂડીવાદના પાયામાં ગુલામી પ્રથા, સામંતશાહી અને ઉપનિવેશવાદ સમાયેલો હતો. શિકાગો યુનિવર્સિટીના નોબલ ઇનામ મેળવનારા મિલ્ટન ફ્રીડમેન જેવાએ એવો ઉપાડો લીધો કે હજુ આજે પણ મૂડીવાદની વિરુદ્ધ બોલવું તે એક હાસ્યાસ્પદ કે બાલિશ – અણસમજની પ્રવૃત્તિ ગણાય છે.

આ મૂડીવાદના પ્રવાહમાં ચીન એવું તણાયું કે સામ્યવાદી શાસન વ્યવસ્થા રાખીને પણ આર્થિક મોરચે મૂડીવાદ ચલાવી રહ્યું છે. રશિયા હજુ આ નવી દિશા પકડી શક્યું નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક રીતે આર્થિક અસમાનતા તો નજરે પડે જ છે. મૂડીવાદ પોતાના સ્તુતિગાનમાં અસમાનતા ઘટતી જશે એવી ગુલબાંગ હાંકે રાખે છે. આ મૂડીવાદ એમ પણ કહેવા કે ઠસાવવા માંગે છે કે :

*          બધા જ લોકો સુખી થવા માંગે છે અને સ્વાર્થથી પ્રેરાય છે તેથી બધા માફકસરનું શિક્ષણ મેળવશે.

*          ખાન-પાન રહેઠાણની સમસ્યા નહીં રહે અને ગરીબી પણ દૂર થશે.

આવા અન્ય અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ ગણાવી વધારામાં લોકશાહી શાસક-વ્યવસ્થા લટકામાં ભેટ સ્વરૂપે આપી લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટરનિટી અને ધર્મનિરપેક્ષતા સઘળું આવી મળશે ! ૧૯૪૪થી આજ સુધીના જાગતિક આર્થિક, રાજકીય, સામાજિક પ્રવાહો જોતાં મૂડીવાદનાં આ તમામ જૂઠાણાં સ્પષ્ટ થઈ જાય છે.

ઑક્ટોબરના પ્રારંભથી છેડાયેલા ઇઝરાએલ – હમાસ યુદ્ધના વિવિધ આયામો મૂડીવાદનાં આ જૂઠાણાંને સ્પષ્ટ કરે છે.

ઇઝરાએલ નામના દેશને આરબ મુલકોની વચ્ચે સ્થાપવાની કોઈ જરૂર ન હતી. યહૂદીઓ આજે પણ અનેક દેશોમાં ફેલાયેલા છે જ, છતાં જો તેમને સાગમટે ક્યાંક વસાવવા જ હોત તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં (અલાસ્કા), વસાવી શકાયા હોત. પણ અમેરિકાને યુદ્ધના આર્થિક લાભ દેખાઈ ચૂક્યા હતા. સાથોસાથ ઇઝરાએલની શસ્ત્ર-અસ્ત્ર અને જાસૂસી વિદ્યાના ક્ષેત્રે અપાર ‘પ્રગતિ’ થઈ છે. નમૂના ખાતર ‘પેગાસસ’ને યાદ કરી શકાય. શસ્ત્ર-અસ્ત્ર વેચવા માગનારા દેશો પોતાનાં જ શસ્ત્રો વધુ ઘાતક છે તે દર્શાવવા વારંવાર યુદ્ધો કરતા – કરાવતા રહે છે.

સદ્દામ હુસેન આમાનવીય શાસક હતો તે કબૂલ પણ તે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે તેવું જૂઠું આળ મૂકી બુશે ઇરાકને ધમરોળી નાંખ્યું.

યુદ્ધાસ્ત્રોના વૈશ્વિક વેપારમાં અમેરિકા પ્રથમ ક્રમે આવે છે. દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. શસ્ત્રોના વેપારની વિગતો તપાસીએ તો એક નોંધપાત્ર બાબત આંખે ચડે છે, તે ઇઝરાએલ સાથે શસ્ત્રોની સોદાગીરીમાં મુસ્લિમ દેશ તૈમૂર લંગનો દેશ, તુર્કસ્તાન મોખરે છે. તુર્કસ્તાન જાણે જ છે કે ઇઝરાએલ પાસેનાં શસ્ત્રો અન્ય મુસલમાનો ઉપર જ વપરાવાનાં છે; ઇઝરાએલને આરબો સિવાય કોઈની પણ સાથે યુદ્ધ થયું નથી. આમ છતાં એક મુસલમાન દેશ અન્ય સંખ્યાબંધ મુસલમાન દેશો સામે લડવા તેમની સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા શસ્ત્રો આપે છે.

Every thing is fair in love and war ! આ પ્રકારની વિગતો આધુનિક મૂડીવાદની નફાખોરીની લત વિશે છાપરે ચઢીને પોકારે છે !

આ મૂડીવાદની લોકશાહી સાથેની સગાઈ કે લગ્ન પણ અતૂટ નથી. નવો મૂડીવાદ આવ્યા પછી કેટલા જ્યોર્જ ફરનાન્ડિઝોએ હડતાળો પડાવી ? ગરીબ, બેકાર, શોષિત વર્ગની જાણે કે જબાન જ હવે ઓસરી ગઈ છે !

વર્ષો પહેલાં ફેઝ અહમદ ફેઝે કહેલું :

બોલ કે લબ આઝાદ હૈં તેરે, 

બોલ કે જૂબાં અબતક તેરી હૈ 

જેવા વિચારો હવે અદૃશ્ય થઈ ગયા છે. અલબત્ત કોઈ કહી શકે કે આમાં મૂડીવાદ શું કરે ? ખરેખર તો અવાજની ગૂંગળામણ અને નવા મૂડીવાદ વચ્ચેના કાર્યકારણ સંબંધોને વિગતે તપાસવા જેવાં છે. અહીં માત્ર પ્રસંગોપાત્ત એટલો ઉલ્લેખ કરીએ કે મૂડીવાદની આવશ્યકતા માટે રાજ્યનું મેળાપીપણું અનિવાર્ય છે. અને મજૂર મંડળોની સામે જો રાજ્ય મેદાનમાં ઊતરે તો મજૂર હોય કે ખેડૂત, વિદ્યાર્થી હોય કે શિક્ષક કોઈની ખેર નથી !

ભારતના મીડિયાને ‘ગોદી’ મીડિયા કહેવાનું ચલણ ચાલ્યું છે, પરંતુ અમેરિકા, યુરોપ કે અન્યત્ર પણ મીડિયા માત્ર મૂડીવાદની તરફદારીનું જ સાધન બની ચૂક્યું છે. સમાચારોની પસંદગી, ફેક ન્યૂઝ, પ્રચારાત્મકતા, વગેરેનો એક ઘટાટોપ મંડાયો છે. આ મુદ્દે અનેક દાખલા આપી શકાય પરંતુ એક ક્રિકેટ મેચનો જ દાખલો લઈએ.

કરોડો લીટર પાણી, કરોડો કિલોવોટ વીજળી, કરોડો રૂ.ના ખર્ચે મુસાફરી અને અન્ય ખર્ચા પછી શું ? માત્ર થોડોક ખોટો આત્મસંતોષ કે ઉત્તેજના ! આ રકમ અને સાધનો ખેડૂતો, વિદ્યાર્થીઓ, મજૂરો કે અન્ય ગરીબોને અપાય તો ? અર્થશાસ્ત્રની પોકળતા સિદ્ધ કરવા માટે આ દાખલામાંથી જ ઉપાયો જડી આવે છે.

*          ક્રિકેટની મેચમાં થતા ખર્ચને તે પરકોલેશન – ઝમણ ગણાવશે. ધનવાનો ખર્ચ કરે તેથી ઝમતો – ઝમતો પૈસો ગરીબોના હાથમાં આવશે. કેટલાક લોકોને નાનીમોટી આવકો થશે. અને તેથી મૂડીવાદ હેઠળના આવા બેરોકટોક બે-લગામ ખર્ચા અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

*          આ વ્યવસ્થા ઊભી કરવામાં, કરવેરા ચૂકવનારાઓના કરોડો રૂપિયા રાજ્યે વાપર્યા હોય તેને વાજબી ગણાવનારા આ શાસ્ત્રીઓ ગરીબોને અપાતી રાહતોને – મફત વહેંચાતી રેવડીઓ સામે નફરતભરી નજરથી જુએ છે. ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થઈને અપાતા પાંચ-દસ હજાર વડે ઝમણ નહીં થાય ?

મૂડીવાદના આ નાટકના સ્વાંગમાં હમાસ અને હિઝબોલ્લા સામે, ક્યારેક સમગ્ર મુસલમાન સમાજની સામે પ્રગટ કે અપ્રગટ તિરસ્કાર કે વિરોધનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. ગાંધી વિચારમાં દૃઢ આસ્થા જરૂરી બને છે. આ વિચારને જુદી જુબાનમાં પ્રસ્તુત કરતા સાહિર લુધિયાનવી કહે છે :

જંગ તો ખુદ હી એક મસલા હૈ

જંગ ક્યા મસલોં કા હલ દેગી

ખૂન અપના હો યા પરાયા હો

નસ્લ એ આદમ કા ખૂન હૈ આખિર

જંગ મશરિક મેં હો યા મગરિબ મેં

અમ્ન એ આલમ કા ખૂન હૈ આખિર

સાહિર સાહેબ કહે છે – લોહી તો શાંતિચાહક માણસનું જ વહે છે ને ?

આ જંગમાં પ્રચ્છન્ન રહી જતી એક બાબત એ છે કે પશ્ચિમનું સ્વતંત્ર ગણાતું પણ ખરેખર તો ગોદી મીડિયા – આ યુદ્ધમાં મુસલમાનોને ધર્માંધ અને આતંકી ગણાવે છે. ખરેખર તો યૂહદીઓનો દેશ ઇઝરાએલ પોતે ધર્મના આધારે જ તો રચાયો છે. અને તે પણ મુસલમાનોની જમીન ઉપર ! ઇઝરાએલ સેક્યુલર – ધર્મનિરપેક્ષ નથી જ અને તો પછી તેને શસ્ત્રો આપીને પીઠ થાબડનારા કયા દેશને ધર્મનિરપેક્ષ ગણી શકાશે ?

૧૯૪૫માં જાપાન ઉપર અણુબોંબ ઝીંકનાર અમેરિકનોના હાથ ઉપરનું લોહી ક્યારે ય સૂકાયું નથી. કોલંબસે આ ખંડ શોધ્યા પછી અગિયાર કરોડ સ્થાનિકોએ જીવ ગુમાવ્યા છે. આફ્રિકાના દેશોમાંથી અશ્વેતોને ગુલામ બનાવી લાવી તેનો વેપાર કર્યો. પૃથ્વી ઉપર યુદ્ધોને સતત ધમધમતાં રાખવા કેટલા ય નિર્દોર્ષોએ વિના કારણ જાન ગુમાવ્યા અને છતાં તેને મહાસત્તા ગણીને તેને પાયલાગણ થતું રહે છે !

ચર્ચાનો મુખ્ય મુદ્દો નવા મૂડીવાદની માનસિકતા અને તેમાંથી નીપજતા વિવિધ ક્રિયાકલાપોને ઓળખીને ગાંધીવિચારની જરૂરિયાતને પ્રમાણવાનો છે. આ દૃષ્ટિએ ઇઝરાએલ-હમાસ વચ્ચેનો સંઘર્ષ વધુ અને વધુ વ્યાપક અને પડકારરૂપ બનતો જાય છે. ગઝાને પટ્ટી કહેવામાં આવે છે તે ઉત્તર-દક્ષિણ પિસ્તાલીસ કિલોમીટર તથા પૂર્વ-પશ્ચિમ છ થી બાર કિલોમીટર છે.  ૩૬૫ વર્ગ કિલોમીટરના આ ભૂમિવિસ્તારમાં તેવીસ લાખ લોકો વસે છે. યહૂદીઓ ઉપર હિટલરે જેવો અમાનુષી ત્રાસ વર્તાવ્યો હતો તેવો કે તેથી અનેક ગણો ભયંકર ત્રાસ હાલ ઇઝરાએલ આ વસ્તી ઉપર વરસાવી રહ્યો છે (તે વિગતે સૌ જાણે છે). પણ હજારો બાળકો, સ્ત્રીઓ અને દવાખાનાંઓના દરદીઓને બેમોત મારીને ઇઝરાએલ તેમ જ પોતાના પશ્ચિમી સાથીઓ આ યુદ્ધમાં ભાગીદાર બનવાના પેંતરા રચી રહ્યા છે.

ઇરાન હવે લગભગ અણુસત્તા બનવામાં છે. પાકિસ્તાન તો અણુશસ્ત્રો ધરાવે જ છે. હવે જો અમેરિકા યુદ્ધમાં ખેંચાય તો ઈરાન, હિજબુલ્લાહનું લેબેનોન, સીરિયા અને એકંદરે ઓ.આઈ.સી. – Oraganisation of Islamic Cooperationએ પોતપોતાનાં પડખાં અને ભેરૂબંધોને તપાસી લેવાં પડે. કેટલીક સંભવિત વૈશ્વિક અસરો નોંધીએ :

*          ખનિજ તેલના ભાવ વધે અને તેથી ભારત જેવા તેલ આયાતી દેશોનાં અર્થતંત્રો ખોરવાય. ચીન તો રશિયાના તેલ ઉપર નભી જશે પણ ભારતે અમેરિકા સાથે સારપ વધારવા જતાં (અબકી બાર ટ્રમ્પ સરકાર, નમસ્તે ટ્રમ્પ) રશિયા તરફથી મળતો તેલનો આધાર ગુમાવ્યો.

*          યુક્રેન-રશિયા યુદ્ધને કારણે યુરોપના દેશો ઈંધણની તાણ વેઠી જ રહ્યા છે.

*          હમાસને ‘આતંકી’ કહેવામાં આવે છે. હિંસા વર્જ્ય જ હોવી ઘટે. પણ ધારો કે આપણી આઝાદી વખતે જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાન પાસે અને ગોવા પોર્ટુગલ પાસે રહ્યાં હોત તો ભારત શું કરત ?

*          અમેરિકાના પ્રમુખ ‘વોશિંગ્ટન પોસ્ટ’માં લેખ લખીને એક તરફ શાંતિની વાત કરે છે અને બીજી તરફ ઇઝરાએલને તમામ જરૂરી અને આધુનિક શસ્ત્રો વિના વિલંબે પૂરાં પાડે છે. અમેરિકામાં હવેના આઠ-દસ મહિનામાં પ્રમુખપદની ચૂંટણી છે અને જો-બાયડન શાંતિચાહકો તેમજ યુદ્ધવાંચ્છુઓ, એમ બંનેના મત મેળવવા માંગે છે.

*          તાજેતરના અમેરિકન અર્થતંત્રના રોજગારી અંગેના આંકડા લક્ષમાં લેવા જેવા છે. ત્યાં કુલ માનવ જરૂરિયાતના પચાસ ટકા જ માણસો ઉપલબ્ધ છે. અચાનક નોકરીઓની તકો વધી કેમ ગઈ ? ત્યાં ચીન સાથેના અણબનાવ અને મોંઘવારી જેવા પ્રશ્નો હોવા છતાં રોજગારીની તકો ઝડપથી અને અચાનક ઊછળી છે.

જો વિશ્વના વિવિધ દેશો જેવા કે યુક્રેન, ઇઝરાએલ, તાઈવાન (સંભવિત), ભારત, ચીન વગેરેને લક્ષમાં લઈએ તો જણાય છે કે તે બધા વધુ ને વધુ ધનવાન તેમ જ તાકાતવાન બનવાની હોડમાં છે. તે માટે ટેકનોલોજીનો સહારો લઈને ક્ષમતાઓ વધારી રહ્યા છે. કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સત્તા અને ધનલાલસા આકસ્મિક કે છૂટાછૂટા ટુકડા જેવા નથી. તેની પાછળ ખૂબ લાંબી વિચારણા હોય છે. મુસલમાનો સામે નફરત ફેલાવવી તે પણ આ જ આર્કિટેક્ચરનો એક હિસ્સો છે.

આ યુદ્ધખોરી, ધનલાલસા, સામાજિક મૂલ્યોનો કચ્ચરઘાણ, પર્યાવરણીય વિનાશ વગરે હવે વધતાં જવાનાં છે. નિરાશાના સૂર વહેવડાવવાનો કોઈ જ ઈરાદો નથી પણ આશાના દીવા પ્રગટાવવામાં ગાંધી કે વિનોબા કંઈ ખપમાં આવે ખરા ? વિચારી જુઓ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 04-05

Loading

શું ઉદારવાદી લોકશાહી ટકી શકશે? આધુનિક લોકશાહીની વિચારધારાના અંતર્વિરોધથી ઉદ્ભવતા પડકારો

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|6 January 2024

માનવસમાજના ઇતિહાસમાં, પ્રાચીન કાળના કેટલાક અપવાદો બાદ કરતાં, લગભગ અઢારમી સદી સુધી મનુષ્યને જાનવર સમજતી અને ઊંચ-નીચની ભાવના ઉપર આધારિત સામંતશાહી, રાજાશાહી, કે આપખુદશાહી જ મુખ્ય પ્રકારની શાસન-વ્યવસ્થાઓ રહી. આવી શાસન-વ્યવસ્થાઓનાં સરમુખત્યારશાહી વલણોને લીધે વ્યક્તિગત ગરિમા અને સ્વતંત્રતાઓને કુંઠિત કરવામાં આવતી હતી. લોકોના વ્યક્તિગત જીવન ઉપર સામાજિક પરંપરાઓ અને રૂઢિઓનું વર્ચસ્વ હતું. સમાજની તુલનામાં વ્યક્તિનું મહત્ત્વ ગૌણ હતું. પરંતુ, સત્તરમી અને અઢારમી સદીના યુરોપમાં પ્રબુદ્ધતા(the Enlightenment)ના યુગના વિચારકોએ આવા રૂઢિવાદી વિચારોનો વિરોધ કરતાં પ્રતિપાદિત કર્યું કે વધુ સારા અને સુખી સમાજ માટે વ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. તેમના આ ક્રાંતિકારી વિચારમાંથી વ્યક્તિકેંદ્રી ઉદારવાદી વિચારધારાનો ઉદય થયો. તેની સાથે જ લોકોની શાસનમાં ભાગીદારી, રાજ્યની મર્યાદિત સત્તાઓ, કાયદાનું શાસન, ન્યાય, સામૂહિક હિત, અને સમાનતા ઉપર ભાર મૂકતી લોકશાહી વિચારધારાનો ઉદય પણ થયો. ઉદારવાદ અને લોકશાહી આ બે વિચારધારાઓના સંયોજન રૂપે ઉદારવાદી લોકશાહી અસ્તિત્વમાં આવી. પરંતુ, ઉદારવાદી અને લોકશાહી વિચારધારાઓના આ સંયોજનથી જ વૈચારિક અંતર્વિરોધ ઊભો થાય છે.

કોણ મહત્ત્વનું : વ્યક્તિ કે સમાજ?

ઉદારવાદી અને લોકશાહી મૂલ્યો પરસ્પર પૂરક હોવા છતાં તેમની વચ્ચે નિરંતર ટકરાવ પણ રહે છે. ઉદારવાદી લોક્શાહીની વિચારધારાના અંતર્વિરોધ અને તેમાંથી ઊપજતા તણાવનું મૂળ એક વણઊકલી સમસ્યા છે : કોનું મૂલ્ય વધુ મહત્ત્વનું છે, વ્યક્તિનું કે સમુદાયનું? અર્થાત્, વ્યક્તિગત સ્વતંત્રતા વધુ મહત્ત્વની છે કે સામૂહિક હિત?

ઉદારવાદી લોકશાહી રાજ્યોમાં નાગરિક સ્વતંત્રતાઓની રક્ષાની જોગવાઈ હોય છે. આ સ્વતંત્રતાઓને માનવીય ગૌરવ, વ્યક્તિગત સ્વાયત્તતા, અને સુખની શોધ માટે આવશ્યક માનવામાં આવે છે. તદુપરાંત, રાજ્યમાં વસતા સૌ લોકો વચ્ચે સુમેળ જળવાઈ રહે, સૌ સંપ અને સહકારથી રહે, તેની જવાબદારી પણ રાજ્યની માનવામાં આવે છે. આમ, નાગરિકોના વ્યક્તિગત અધિકારો અને તેમના સામૂહિક હિત વચ્ચે સંતુલન જાળવવાની ફરજ રાજ્યની છે. પરંતુ, ક્યારેક આવું સંતુલન જાળવવાનું મુશ્કેલ થઈ પડે છે. જેને કારણે તણાવ ઊભો થતો હોય છે. આવો તણાવ નીચે જણાવેલ જુદી જુદી રીતે પ્રગટ થાય છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક સંવાદિતા વચ્ચેનો તણાવ

લોકશાહીમાં નાગરિકોની શાસનમાં ભાગીદારી હોવાથી તેઓ વિવિધ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરી શકે તે માટે, તેઓ વિચારોનું જાહેરમાં આદાનપ્રદાન કરી શકે, ચર્ચા કરી શકે, સંગઠન બનાવી શકે તે જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવી પાયાની સ્વતંત્રતા છે જે તમામ નાગરિક સ્વતંત્રતાઓના ઉપભોગ અને રક્ષણ માટે અનિવાર્ય છે.

પરંતુ, આ અધિકારના ઉપયોગથી ક્યારેક અમુક ચોક્કસ વ્યક્તિઓ અથવા જૂથોને નુકસાન થાય ત્યારે તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૧માં ફ્રેન્ચ કાર્ટૂન મેગેઝિન ચાર્લી હેબ્દો(Charlie Hebdo)એ એક ધાર્મિક જૂથના સ્થાપકની નગ્ન તસ્વીરોવાળાં કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. ત્યારે એ મેગેઝિનની મુખ્ય ઓફિસ ઉપર હિંસક હુમલા થયા હતા. અને ઈ.સ. ૨૦૧૫માં તેની ઉપર ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. પરિણામે અભિવ્યક્તિની આઝાદી અંગે વિશ્વવ્યાપી ઊહાપોહ થયો હતો. તે જ રીતે, એપ્રિલ ૨૦૨૨માં આયોજિત એક રેલીમાં વિધર્મીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ઉચ્ચારણોને પગલે ભારતના હરિયાણા રાજ્યના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આમ જેને હેટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે તેવી દ્વેષપૂર્ણ અભિવ્યક્તિથી સામાજિક સંવાદિતા અને સૌહાર્દમાં ભંગ પડતો હોય છે, તણાવ ઊભો થતો હોય છે.

વળી, ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ખોટી માહિતીના ફેલાવા માટે પણ થતો હોય છે. પરિણામે, જાહેર સલામતી અને વ્યવસ્થા સામે ખતરો ઊભો થાય છે. તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા નબળા સમુદાયોની સુખાકારી અને સલામતીને જોખમ પણ પહોંચે છે. ખાસ કરીને ફેસબુક અને ટ્વિટર જેવા ઓનલાઈન પ્લેટફોર્મના ઉદયથી સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. જેમ કે, ઈ.સ. ૨૦૧૫માં જર્મનીમાં એક અફવા ફેલાઈ હતી કે એક જર્મન મહિલા ઉપર કોઈ પરદેશી પ્રવાસી (migrant) દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયા પર લાખો વખત પ્રસારિત કરવામાં આવી હતી. પરિણામે, જર્મનીમાં આવા પરદેશી પ્રવાસીઓ પર હુમલા થયા હતા.

તદુપરાંત, ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રોલિંગ, સાયબર ધમકીઓ, અને ઉત્પીડનના અનેક કિસ્સાઓ પણ વધવા માંડ્યા છે. જેથી સમાજમાં તણાવ પેદા થતો હોય છે. જેમ કે, તાજેતરમાં જ એક અમેરિકન મહિલા પત્રકારને ભારતની લોકશાહી અંગે પ્રશ્ન પૂછવા માટે ભારતના કેટલાક લોકો દ્વારા ટ્રોલ કરીને પરેશાન કરવામાં આવી હતી તેનો જાહેર વિરોધ ખુદ યુ.એસ.એ.ની સરકારે કર્યો હતો.

તકોની સમાનતા અને સામાજિક ન્યાય વચ્ચે તણાવ

સૌને જાતિ, લિંગ, અથવા સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, સફળ અને સુખી થવાની સમાન તક હોવી જોઈએ તે ઉદારવાદી લોકશાહીમાં એક મહત્ત્વનો આદર્શ માનવામાં આવે છે. તકની સમાનતાનો આ સિદ્ધાંત વ્યક્તિગત લાયકાત ઉપર ભાર મૂકે છે, મેરીટોક્રેસીને સમર્થન આપે છે. તદુપરાંત, આવી લોકશાહીમાં સૌની શાસન-વ્યવસ્થામાં સમાન ભાગીદારી છે તેમ માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં દરેક વ્યક્તિની બુદ્ધિમત્તા કે શારીરિક ક્ષમતા જેવી જન્મજાત લાક્ષણિકતાઓ સમાન નથી હોતી. વળી, કેટલાક લોકો અનેક કારણસર અભાવયુક્ત જિંદગી જીવતા હોય છે. આમ સમાનતાના સિદ્ધાંતને વરેલા ઉદારવાદી લોકશાહી સમાજમાં અસમાનતા પેદા થતી હોય છે. માટે આવા લોકોને સરકાર તરફથી જરૂરી અને યોગ્ય મદદ મળી રહે તે ન્યાયી સમાજ પાસેથી અપેક્ષિત છે. તેથી સૌ નાગરિકોની સુખાકારી વધારવા, અસમાનતા ઘટાડવા, અને જરૂરિયાતવાળા લોકોને  સલામતી પૂરી પાડવા માટે અનેક પ્રકારની સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

પરંતુ, આવા કાર્યક્રમોના આયોજન માટે ધનિક લોકો ઉપર વધુ કરવેરા નાખવામાં આવે છે. તેથી આર્થિક અસમાનતાને ઘટાડવા માટે લેવાયેલાં આવાં પગલાંને કેટલાક લોકો દ્વારા વ્યક્તિગત મિલકત ધરાવવાના અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં આર્થિક રીતે નબળા નાગરિકોને આરોગ્યસંભાળની સેવાઓ  મળી રહે તે માટે ઓબામાકેર તરીકે ઓળખવામાં આવતો એફોર્ડેબલ કેર એક્ટ (૨૦૧૦) બન્યો. પરંતુ તેને કારણે સંપત્તિ ધરાવવાના અધિકાર પર ભાર મૂકતા ત્યાંના કેટલાક લોકોએ તેનો જબદસ્ત વિરોધ કર્યો હતો.

વધુમાં, આવા કાર્યક્રમોમાં અનેક સામાજિક-ઐતિહાસિક કારણો-સર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે અનામત જેવાં હકારાત્મક પગલાંનો પણ સમાવેશ થાય છે. પરંતુ, સામાજિક ન્યાય અને સમાનતામાં વૃદ્ધિ કરવા માટે લેવાયેલ આવાં પગલાંથી મેરીટોક્રેસીના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેથી વ્યક્તિગત લાયકાતનો અને કાર્યક્ષમતાનો આગ્રહ રાખનારા તેનો વિરોધ કરે છે. ભારતમાં થયેલ અનામત વિરોધી આંદોલનો આ હકીકતનું સમર્થન કરે છે.

નાગરિક સ્વતંત્રતાઓ અને નાગરિક સુરક્ષા વચ્ચેનો તણાવ

ઉદારવાદી લોકશાહીમાં નાગરિકોની સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની જરૂરિયાત અને નાગરિક સ્વતંત્રતાના અધિકાર વચ્ચે ઘણી વાર તણાવ થતો હોય છે. એક તરફ, સ્થિર અને શાંતિપૂર્ણ સમાજ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે. બીજી બાજુ, નાગરિક સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે. તેથી ઘણી વખત તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા સભા-સરઘસ કે વિરોધ પ્રદર્શનની સ્વતંત્રતા પર પ્રતિબંધો મુકાતા હોય છે ત્યારે આવો તણાવ ઊભો થતો હોય છે.

તદુપરાંત, સાંપ્રત સમયમાં આતંકવાદ અને સાયબર હુમલાઓથી રાષ્ટ્રની સુરક્ષા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તેનો સામનો કરવા માટે સર્વેલન્સ ટેક્નોલોજીનો વિકાસ થયો છે. તેથી પણ આ તણાવ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વની અનેક સરકારો સુરક્ષા અંગેનાં જોખમોને શોધવા અને અટકાવવા માટે દેખરેખ(surveillance)માં વધારો કરી રહી છે. અને તે માટે વાયરટેપીંગ, પેગાસસ, બાયોમેટ્રિક ઓળખ, અને AI-સંચાલિત સર્વેલન્સ જેવી ટેક્નોલોજીઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. અનેક વ્યક્તિઓની, તેમની સંમતિ વિના, અંગત માહિતી એકઠી કરવામાં આવે છે. આથી નાગરિકોનો ગોપનીયતાનો અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા એ બે મૂલ્યો વચ્ચે પણ ક્યારેક તણાવ ઊભો થતો હોય છે.

વધુમાં, આતંકવાદી હુમલાઓને ટાળવા ક્યારેક સરકારો તકેદારીનાં પગલાં તરીકે, શંકાને આધારે, કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના, અટકાયત કરતી હોય છે. ભારતમાં આવી રીતે અનેક લોકોની ધરપકડ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે તેનો વિરોધ થતો હોય છે. આમ, કોઈ પણ લોકશાહી સરકાર સામે વ્યક્તિગત સ્વતંત્રતાઓને અયોગ્ય રીતે કુંઠિત કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એક મોટો પડકાર બને છે.

વ્યક્તિગત સ્વાયત્તતા અને સાંસ્કૃતિક વિવિધતા વચ્ચેના તણાવ

ઉદારવાદી લોકશાહીમાં એક તરફ, વ્યક્તિગત સ્વાયત્તતા, કાનૂન વ્યવસ્થા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવાં મૂલ્યોને સાર્વત્રિક આદર્શો તરીકે જોવામાં આવે છે. તેથી આ મૂલ્યો તમામ લોકોને, તેમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, લાગુ પડે એવો આગ્રહ રાખવામાં આવે છે. અને બીજી તરફ, વ્યક્તિગત સ્વાયત્તતાના સિદ્ધાંતને અનુસરીને લોકોને તેમની પોતાની વ્યક્તિગત માન્યતાઓ અને મૂલ્યો સાથે સુસંગત એવી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યોનું પાલન કરવાની તક મળે છે. જે સાંસ્કૃતિક વિવિધતામાં પરિણમે છે. અને લોકશાહી સમાજમાં સંપ અને સંવાદિતા જળવાઈ રહે તે માટે સમાજના દરેક જૂથના દૃષ્ટિકોણ અને અભિપ્રાયોને સમાયોજિત કરાતો હોય છે. સર્વ સમાવેશિતા પર ભાર મુકાતો હોય છે. પરિણામે ક્યારેક સ્વાયત્તતા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા ઉદારવાદી  સિદ્ધાંતો અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે સંઘર્ષ પેદા થતો હોય છે.

બહુસંસ્કૃતિ (pluralist) સમાજના સમર્થકો સંસ્કૃતિઓની વિવિધતાનું સન્માન કરે છે. અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાના લોકોના અધિકાર પર ભાર મૂકે છે. ઓળખ(identity)ની રક્ષા માટે આગ્રહ રખાતો હોય છે. તેથી વ્યક્તિગત અધિકારો અને સમાનતા અથવા બિન-ભેદભાવના સિદ્ધાંતો સાથે અથડામણ ઊભી થાય છે. બહુસંસ્કૃતિવાદના સમર્થકો માને છે કે નૈતિકતા અથવા ન્યાયનું કોઈ સાર્વત્રિક ધોરણ નથી. કોઈપણ સંસ્કૃતિનાં મૂલ્યો, પછી ભલે તે ઉદારવાદી વિચારધારાનાં મૂલ્યો હોય, સર્વોપરી ના હોઈ શકે. દરેક સંસ્કૃતિની પોતપોતાની માન્યતાઓ અને પરંપરાઓ હોય છે, જે પોતપોતાની રીતે વાજબી અને કાયદેસર હોવાથી તેમનું સન્માન થવું જોઈએ. આમ તેઓ સાર્વત્રિક સાંસ્કૃતિક આદર્શો કરતાં સાંસ્કૃતિક સાપેક્ષતાને વધુ મહત્ત્વ આપે છે. જ્યારે ઉદારવાદી મૂલ્યોની સાર્વત્રિકતાના સમર્થકો માને છે કે આવાં મૂલ્યોનું સૌએ સમાન રીતે પાલન કરવું જોઈએ. તેઓ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક વિવિધતાને બદલે સામાજિક સમરસતા (assimilation) ઉપર ભાર મૂકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં સ્ત્રીના પ્રજનન અંગછેદનની પ્રથા હોય તો તેનું સન્માન કરવું જોઈએ તેમ બહુસંસ્કૃતિવાદીઓ માને છે. જ્યારે વ્યક્તિગત સ્વાયત્તતા ઉપર ભાર મૂકનારા ઉદારવાદીઓ માને છે કે આવી પ્રથાથી સ્ત્રીઓના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે.

તદુપરાંત, ઉદારવાદી લોકશાહી તર્કસંગત વિચાર-વિમર્શ દ્વારા સર્વસંમતિ-નિર્માણ અને સમાધાનના મહત્ત્વ પર ભાર મૂકે છે. તો બીજી બાજુ, દરેક સમાજની સાંસ્કૃતિક પ્રથાઓની કાયદેસરતા ઉપર ભાર મૂકતા બહુસંસ્કૃતિવાદીઓ માને છે કે કોઈ પણ પ્રકારના વિવાદનું નિરાકરણ તેમની વિશિષ્ટ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મગ્રંથો, કે ધર્મગુરુઓ દ્વારા થવું જોઈએ, સાર્વત્રિક કાયદાઓ દ્વારા નહીં. જે હકીકતમાં બિન-તર્કસંગત ઉપાયો હોય છે. પરિણામે, જ્યારે વિવિધ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યો વચ્ચે વિવાદો ઊભા થાય છે ત્યારે સમસ્યાનું સર્વ સ્વીકૃત સમાધાન શોધવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમ કે, ભારતના કેરળ રાજયના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહોતો. પરંતુ, ઈ.સ. ૨૦૧૮માં ભારતની સર્વોચ્ચ અદાલતે આવી ભેદભાવ-ભરી નીતિને નાબૂદ કરતો આદેશ આપ્યો ત્યારે તે રાજ્યમાં આ પ્રથાના સમર્થકો દ્વારા ભારે ઊહાપોહ થયો હતો.

શું ઉદારવાદી લોક્શાહી ટકી રહેશે?

આવા  અંતર્વિરોધ અને તેમાંથી નિપજતા તણાવને કારણે જર્મન વિચારક કાર્લ શ્મિટ (Carl Schmitt : ઈ.સ. ૧૮૮૮-૧૯૮૫) માનતા હતા કે ઉદારવાદ અને લોકશાહી એ બે મૂળભૂત રીતે અસંગત રાજકીય વિચારધારાઓ હોવાથી આખરે તે નિષ્ફળ જશે. તેથી પ્રશ્ન થાય કે શું ઉદારવાદી લોકશાહી ટકી શકશે? પરંતુ, ઉદારવાદી લોકશાહીના આજ સુધીના ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં આવા નિરાશાજનક તારણ સાથે સંમત થવું મુશ્કેલ લાગે છે.

અલબત્ત, આ વિચારધારાના ક્રમિક વિકાસના દરેક તબક્કે કોઈ ને કોઈ પ્રકારનો સામાજિક તણાવ ઉત્પન્ન થતો હોવા છતાં તે માત્ર ટકી જ નથી રહી પણ એક સારી શાસનવ્યવસ્થા તરીકે સાંપ્રત વિશ્વમાં વધુ ને વધુ સ્વીકૃત બનતી ગઈ છે. કારણ કે, માનવી બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે, અઢારમી સદીમાં વિકસેલી ઉદારવાદી લોક્શાહીના આરંભિક તબક્કામાં જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા, સ્વ-હિત, સુખની શોધ, સરકારી હસ્તક્ષેપ, મુક્ત (laisse fair) બજાર આધારિત અર્થવ્યવસ્થા, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મૂકતા વ્યક્તિવાદી ઉદારવાદને કારણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કેન્દ્રસ્થાને આવી ગઈ. જેને કારણે આવક અને સંપત્તિની અસમાનતા ઘણી વધી ગઈ. અને લોકશાહીના સમાનતા, ન્યાય, અને શાસનમાં લોકોની ભાગીદારી જેવા મૂળભૂત સિદ્ધાંતોની અસરકારકતા ઘટી હતી. સામાજિક ભેદભાવ વધ્યા હતા અને સમાજના જુદા જુદા સમુદાયો જેવા કે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને શાસન વ્યવસ્થામાં ભાગીદારીથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમને નાગરિક ગણવામાં આવતા નહોતા. પરંતુ, બદલાતી સામાજિક, આર્થિક, અને રાજકીય પરિસ્થિતિઓ સાથે નવી સમસ્યાઓ ઊભી થઈ.

તે સમસ્યાઓના ઉકેલ માટે નવાં ઉદારવાદી સમાધાનો શોધાયાં. જેમ કે, ઓગણીસમી સદીના  ઉદારવાદી લોકશાહીના વિકાસના બીજા તબક્કામાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, અને સામ્રાજ્યવાદના વિકાસને લીધે લોકશાહી આદર્શો અને સંસ્થાઓનો પ્રસાર વધ્યો. તેની સાથે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને નાગરિકતા મળી, મતાધિકારનું વિસ્તરણ થયું. અર્થાત્, શાસનમાં લોકોની ભાગીદારી વધી, રાજકીય સમાનતાનો વિસ્તાર થયો. રાજકીય સમાનતાના વિસ્તારની સાથે સામાજિક-આર્થિક સમાનતાની માંગ ઊભી થઈ. આ વિચારને બળ મળ્યું ઔદ્યોગિક ક્રાંતિના વિકાસથી ઊભા થયેલ નવા સામાજિક અને આર્થિક પડકારોથી. ખાસ કરીને ઔદ્યોગિક કામદારોના અમર્યાદ શોષણ અને તેમની દારૂણ ગરીબીથી અસમાનતાનો પ્રશ્ન વિકટ બન્યો. સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા અને ન્યાય જેવાં સામુદાયિક મૂલ્યોની અવગણના થવા લાગી. સામાજિક તણાવજન્ય સંઘર્ષ વધ્યો. કામદાર યુનિયનો અને ઔદ્યોગિક હડતાલોનો જન્મ થયો. સામ્યવાદી વિચારોનો પ્રભાવ વધવા માંડ્યો. તેના પ્રતિકાર રૂપે સામાજિક ન્યાય ઉપર ભાર મૂકતી કલ્યાણ રાજ્ય(welfare state)ની કલ્પનાનો ઉદય થયો. જેને કારણે લોકશાહી સરકાર દ્વારા સમાનતા-લક્ષી સામાજિક કલ્યાણના કાર્યક્રમો ચલાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો. આમ ઉદારવાદી લોકશાહીના આ બીજા તબક્કામાં વ્યક્તિવાદ કરતાં સામુદાયિક હિતોને વધુ મહત્ત્વ મળ્યું.

પરંતુ, વીસમી સદીમાં કલ્યાણ રાજ્યના આવા વિચારોના અતિરેકથી અનેક લોકશાહી દેશોની સરકારોનું આર્થિક ભારણ વધતું ગયું. ફુગાવો વધવા માંડ્યો. અને વધતા જતા સરાકારી કરવેરાને કારણે મૂડીવાદીઓને મળતા નફા અને આર્થિક લાભો ઉપર કાપ મુકાતો ગયો. આથી મૂડીવાદી અર્થવ્યવસ્થાની ટકી રહેવાની ક્ષમતા અંગે ભય ઊભો થયો. તેથી, ટકાઉ (sustainable) આર્થિક વિકાસ માટે મુક્ત બજારો, મર્યાદિત સરકારી હસ્તક્ષેપ, અને વ્યક્તિગત સ્વતંત્રતાઓ પર ભાર મૂકતી નવ ઉદારવાદી (neo liberalism) વિચારધારાનો ઉદય થયો. ઉદારવાદી  લોકશાહીના આ ત્રીજા તબક્કામાં વધુ આર્થિક સ્વતંત્રતાથી આર્થિક અને સામાજિક પ્રગતિ વધુ થાય છે એ માન્યતા પ્રબળ બની. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગ્રાહકની પસંદગી વધુ મહત્ત્વનાં છે એમ મનાવા લાગ્યું. આર્થિક સ્પર્ધાને પ્રોત્સાહન મળે તે માટે લિબરાલાઇઝેશન, પ્રાઈવેટાઈઝેશન, અને ગ્લોબાલાઇઝેશન (LPG) ઉપર ભાર મુકાયો. પરિણામે, સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા જેવાં સામુદાયિક મૂલ્યોને સ્થાને સ્વ-હિત, સુખની શોધ, ભોગવાદ, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મુકાયો. અને વ્યક્તિવાદી મૂડીવાદી અર્થવ્યવસ્થા ફરીથી કેન્દ્રસ્થાને આવી ગઈ. તેથી સાંપ્રત વિશ્વના અનેક લોકશાહી દેશોમાં નવ ઉદારવાદ અને સામાજિક કલ્યાણની નીતિઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે આંદોલનો થઈ રહ્યાં છે.

સમાપન 

આમ, ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસના દરેક તબક્કે પેદા થતા તણાવને દૂર કરવા માટે સમાધાન શોધવામાં આવ્યાં છે. જો કે, આવાં સમાધાન ક્યાં તો વ્યક્તિપ્રધાન હોય છે અથવા સમાજપ્રધાન હોય છે. પરંતુ, તે બતાવે છે કે ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસનો ઇતિહાસ એ એક પ્રકારના ગતિશીલ સંતુલન(dynamic equilibrium)નો ઇતિહાસ છે.

[સાભાર – ‘નવનીત સમર્પણ’]
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
ઈમેલ:pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 06-08

Loading

...102030...835836837838...850860870...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved