Opinion Magazine
Number of visits: 9666155
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું વિચારવું

નંદિતા મુનિ|Opinion - Opinion, Poetry|17 January 2024

પ્રિય કવિ રૉબર્ટ બ્લાયના એક ગમતા કાવ્યનો ગુજરાતી અનુવાદ. મૂળ અંગ્રેજી કાવ્યનું શીર્ષક છે: ‘Things to Think’.

પહેલાં ક્યારેય ન વિચાર્યું હોય, એ રીતે વિચારવું.

ફોન રણકે, તો વિચારો,

કે 

તમે પહેલાં ક્યારેય ન સાંભળ્યો હોય એવો વિશાળ કોઇ સંદેશ આવ્યો છે –

યેટ્‌સની સો પંક્તિઓ કરતાં પણ વિશાળ.

વિચારો, કે 

તમારા દ્વાર પર કોઇ લાવે છે

એક રીંછ, જે કદાચ

ઘાયલ અને પાગલ છે; 

કે પછી,

કોઇ સરોવરમાંથી બહાર આવે છે 

એક મોટું મૃગ –

એનાં શૃંગ પર એ લાવે છે એક બાળક:

તમારું પોતાનું બાળક, જેને તમે ક્યારેય દીઠું નથી.

કોઇ દરવાજો ખખડાવે,

તો વિચારો,

કે 

તમને કોઇ અદ્ભુત વસ્તુ આપવામાં આવશે:

તમને કહેવામાં આવશે,

 કે

 તમને ક્ષમા આપવામાં આવી છે,

– કે

 બધો સમય મહેનત કરવી જરૂરી નથી, 

– કે 

એવું નક્કી થયું છે કે તમે આરામથી લંબાવશો

તો કોઇ મરી નહીં જાય.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાર કાવ્ય-રચના

સાહિલ|Opinion - Opinion, Poetry|17 January 2024

1.

માણવા જેવાં જીવનમાં આમ અવસર છે ઘણાં 

શું કરું કારણ વિનાના મન મહીં ડર છે ઘણાં

ખાલ ખેંચો – લાત મારો – માર મારો તોય શું

પ્રકૃતિએ માણસો જોઉં છું નીંભર છે ધણાં

તણખલા જેવા કરે છે ઝંઝાનો શું સામનો 

તો ઘણાયે ભડવીરો પણ ટાણે પામર છે ઘણાં

આ નગરના માણસો ક્યારે ગણાયા માણસો

માણસો કરતાં વધુ માણસના ઈશ્વર છે ઘણાં

આવકારો-આશરો જેવા શબદ જાણ્યા નથી

આ નગરમાં આમ તો હું જોઉં છું છે ઘર ઘણાં

તોય સાહિલ કોઈ ખુદને કેમ જાણી ના શક્યા

આમ તો આ શહેરમાં પણ આઈનાઘર છે ઘણાં

2.

કવનનો અંત કવનની સફરનો અંત નથી

જગનનો અંત જગનની સફરનો અંત નથી

અતીતના ભીના સ્પર્શો હજીય છે ભીના

જતનનો અંત જતનની સફરનો અંત નથી

સમયના યજ્ઞમાં અવતાર ભસ્મ થાય ભલે

લગનનો અંત લગનની સફરનો અંત નથી

જો શબ્દ બોલશે તો એ પછી નહીં અટકે

મનનનો અંત મનનની સફરનો અંત નથી

જો મૌન સાંભળી શકશો તો વાત સમજાશે

જીવનનો અંત જીવનની સફરનો અંત નથી

વિરહની વેદના ભેટી શકે નહીં મનને

મિલનનો અંત મિલનની સફરનો અંત નથી

ખુલે જો આંખ તો ખસિયાણા ના પડો સાહિલ

સપનનો અંત સપનની સફરનો અંત નથી 

3.

માણસો ઘરમાં જન્મે જીવે ને મરે

માંડ ફળિયા સુધી સ્વપ્નમાં પણ ફરે

બસ નિહાળ્યા કરું છું તમાશા સતત

એક છાયા બીજી છાયાને છેતરે

એ દ્વિધામાં જ અવતાર પૂરો થયો

કોના નામે હું ફેકૂં તો પથ્થર તરે

કાકરી સાવ હળવેથી ફેકી અમે

ને વમળ છેક તળિયા સુધી વિસ્તરે

 શક્ય છે નીકળે પ્રેત ઝાકળના પણ

જીવ શાને  સુગંધો પછી ખોતરે

ભૂતને ભૂલવાની મઝા માણીયે

કોણ રુઝી રહેલા જખમ ખોતરે

કેટલાં કામ સાહિલ અધૂરાં રહ્યાં

વાતમાં વેલ્ય પહોંચી ગઈ પાદરે

4.

સપનું થઈને એમની પાંપણમાં જઈ ચડ્યો

હાથે કરી હું કેવી પળોજણમાં જઈ ચડ્યો

ચોક્કસપણના નોતરાને અવગણ્યા પછી

હું જઈ ચડ્યો પછીમાં યા તો પણમાં જઈ ચડ્યો

એક સીધી સાદી વાતમાં પ્રશ્નો ઊભા કરી

પૂછો નહીં હું કેવી વિમાસણમાં જઈ ચડ્યો

તેઓના દ્વાર ટેકવું માથું તો લાગતું

આતમ અમારો ઈશના આંગણમાં જઈ ચડ્યો

ના ઓળખું મને તો એમાં મારો દોષ શું

ચહેરો ગુમાવ્યા બાદ હું દર્પણમાં જઈ ચડ્યો

ભાગ્યે જ જાઉં છું છતાં હું જ્યાં ગયો છું ત્યાં 

કારણ વિનાના સેંકડો કારણમાં જઈ ચડ્યો

ચોર્યાસી લાખ ફેરા ફર્યા તોય ના છૂટ્યો

અવતાર મારો કાયમી વળગણમાં જઈ ચડ્યો

સાહિલ જીવ્યો છું ચેનથી લીલોતરી મહીં   

લોકોને મન ધધખતા જતાં રણમાં જઈ ચડ્યો

નીસા –  3/15 – દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com

Loading

ચિપકો આંદોલનની અડધી સદી : સફળતા અને વિફળતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 January 2024

ચંદુ મહેરિયા

આઝાદ ભારતના ઇતિહાસમાં ચિપકો આંદોલનનું અનોખું સ્થાન છે. તેમાં મહિલાઓની અહિંસક લડાયક ભૂમિકા અતુલનીય હતી. આ આંદોલન ન માત્ર પર્યાવરણ રક્ષાનું હતું, પરંતુ કુદરતી સંસાધનો પર કોનો અધિકાર સવિશેષ હોવો જોઈએ તે માટેનું પણ હતું. સ્વંત્રતતાની પહેલી પચીસી પછી ગાંધી – સર્વોદય અને સામ્યવાદી કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા અહિંસા અને સત્યાગ્રહના માર્ગે થયેલું એક એવું આંદોલન હતું જે પ્રાદેશિક ના રહેતાં દેશ-વિદેશમાં પ્રસર્યું હતું. તેણે પર્યાવરણને રાષ્ટ્રીય મહત્ત્વનો વિષય બનાવ્યો હતો અને પર્યાવરણ રક્ષામાં મહિલાઓની ભૂમિકા સંદર્ભે ઈકો-ફેમિનિઝમનો નવો સિદ્ધાંત પણ સ્થાપિત કર્યો હતો.

અડધી સદી પહેલાં ૨૭મી માર્ચ ૧૯૭૪ના રોજ ચિપકો આંદોલનનો આરંભ થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ અને હાલના ઉત્તરાખંડના, ભારત તિબેટ સરહદ પરના, તાલુકા મથક જોશીમઠથી અગિયાર કિલોમીટર દૂરનું રૈણી ગામ (જિલ્લા ચમોલી) તેનું આરંભબિંદુ હતું અને ગૌરાદેવી તેના જનની હતાં. હિમાલયના વનવિસ્તારના આ ગામમાં સરકારની મંજૂરીથી ઘણાં વૃક્ષો કપાવાનાં છે તેની ચર્ચા અને વિરોધ ચાલુ હતા. એ દરમિયાન જ્યારે ગામમાં કોઈ પુરુષ હાજર ન હોય તેવું ગોઠવીને ઠેકેદારના માણસો ઝાડ કાપવા આવ્યા. આ વાતની  જાણ ગામની મહિલાઓને થતાં ગૌરાદેવીના નેતૃત્વમાં ગામની ૨૭ મહિલાઓ વિરોધ કરવા દોડી ગઈ. તેમને બીજું કંઈ ના સૂઝતાં તેમણે વૃક્ષોને બાથ ભરી લીધી અને પડકાર કર્યો કે તેને કાપતાં પહેલાં કુહાડી અમારા પર ચલાવો. શાંત અને અહિંસક સત્યાગ્રહથી કોન્ટ્રાકટરના માણસો પાછા પડ્યા અને તેઓને ચાલ્યા જવાની ફરજ પડી.

રૈણી ગામનાં મહિલાઓનો વિરોધ સ્વયંભૂ હતો એ ખરું પણ તેની પાછળ આર્થિક અને પર્યાવરણીય એવી પૃષ્ઠભૂમિ અને સંઘર્ષ પણ હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી  ઉત્તરાખંડના આ હિમાલયી ક્ષેત્રમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. સડકો અને સુરંગોનું નિર્માણ અને તે માટે વૃક્ષોનું છેદન તેમાં મુખ્ય હતા. તેને કારણે ભૂસ્ખલન, માટીનું ધોવાણ અને પૂરની ઘટનાઓ બની હતી. ૧૯૭૦નું અલકનંદા નદીનું વિનાશક પૂર લોકોની આંખ ઉઘાડનારું બન્યું. આ પૂરથી લોકોની જમીન અને જીવન નષ્ટ થતાં તેઓ સંગઠિત થયા અને સરકારની વિકાસ નીતિ સામે સવાલો ઊભા કર્યા. સરકાર અને કોન્ટ્રાકટરના વિરોધમાં ઠેરઠેર વિરોધ કાર્યક્રમો થયા. ગાંધીવાદી સામાજિક આગેવાનો સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ, સામ્યવાદી આગેવાન ગોવિંદસિંહ રાવત અને સ્થાનિક મહિલા આગેવાનો તેમાં મોખરે હતાં.

વનોનો વિનાશ કરી સરકાર વૃક્ષોને ઔદ્યોગિક હેતુ માટે બહારના ખાનગી હાથોને આપી રહી હતી. મહિલાઓ માટે જંગલ એટલે પિયર. સંકટ સમયનો આશરો. બળતણ માટેનું લાકડું, ઢોર-ઢાંખરા માટે ઘાસચારો અને રોજગારી જંગલોને કારણે મળતી હતી. પહાડી પ્રજાનું સમગ્ર જીવન તેના પર આધારિત હતું. જો એ ના રહે તો તેમનું જીવન દોહ્યલું બની જાય. વૃક્ષોને કારણે જ વરસાદ અને પાણી મળે છે. માનવ અસ્તિત્વના આધારરૂપ જમીન, વાયુ અને પાણી તેને કારણે છે. એટલે આંદોલનની મુખ્ય માંગણી પહાડી વિસ્તારોમાં લીલાં વૃક્ષોના છેદન પર પ્રતિબંધની હતી. જંગલોનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ રોકવાની હતી. રોજગારીના અભાવે જ્યારે પુરુષોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે કુંટુંબનું જીવન  ટકાવવાનો મહિલાઓનો આધારા જંગલો હતાં. સ્થાનિક લોકો જ જંગલોને બચાવે છે તે બાબત પણ નીતિ નિર્માતોના ભેજામાં ઉતારવાની હતી.

સુંદરલાલ બહુગુણા

લગભગ દોઢસો કરતાં વધુ ગામોમાં ચિપકો આંદોલના ફેલાયું હતું. સુંદરલાલ બહુગુણાના આમરણ ઉપવાસ, પદયાત્રા, મોટા વિરોધ પ્રદર્શનો, સત્યાગ્રહો, ધરણા અને સભાઓને કારણે સરકારને ચિપકો આંદોલનકારીઓની વાત સાંભળવી પડી. હિમાલયી વનો દેશ માટે પાણી પેદા કરે છે, માટી બનાવે છે, સુધારે છે અને ટકાવે છે. એટલે લીલાં વૃક્ષોનું છેદન ૧૦થી ૨૫ વરસ સ્થગિત રાખવા અને હિમાલયી ક્ષેત્ર ઓછામાં ઓછા ૬૦ ટકા વૃક્ષાચ્છાદિત ના બને ત્યાં સુધી વ્રુક્ષોની કાપણી ના કરવી,  યુદ્ધ સ્તરે  મોટા પાયે વૃક્ષારોપણ કરવું જેવી માંગણીઓ માટે ૧૯૭૪માં યુ.પી. સરકારે આંદોલનકારી નેતાઓ સહિત નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. બે વરસ પછી ૧૯૭૬માં સમિતિએ તેનો અહેવાલ આપ્યો. જેમાં માંગણીઓ વાજબી અને સાચી લાગતાં તેણે ૧,૨૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં વ્યાવસાયિક વન છેદન પર ૧૦ વરસનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. રાજ્ય સરકારે આ ભલામણ સ્વીકારતાં આંદોલનને મોટી સફળતા મળી. ૧૯૮૦માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ હિમાલય ક્ષેત્રમાં વ્યાવસાયિક વૃક્ષછેદન પર ૧૫ વરસનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.

ચિપકો આંદોલને પર્યાવરણ જાગ્રતિ અને સ્થાનિક લોકોનો કુદરતી સંસાધનોના ઉપયોગ પર હક અને જાળવણીની ફરજ સ્થાપિત કરી. પ્રાદેશિક આંદોલને રાષ્ટ્રીય વનનીતિ ઘડવાની દિશામાં ચર્ચા જગવી. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રાલયની રચના, ૧૯૮૦નો વન સંરક્ષન અધિનિયમ, ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિ ચિપકો આંદોલનને કારણે શક્ય બન્યાં હતાં.  ચિપકો આંદોલન બીજ બચાવો આંદોલન, નદી બચાવો આંદોલન, વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ ચેતના અને જાગ્રતિ અભિયાન, ખનન વિરોધી આંદોલન, વનપંચાયત સંઘર્ષ આંદોલન, ટિહરી બંધ પરિયોજના વિરોધી આંદોલન જેવા આંદોલનોમાંથી વિસ્તરીને અંતે સમગ્ર હિમાલય બચાવોમાં પરિવર્તિત થયું તે તેની મોટી સિદ્ધિ છે. પહાડી વિસ્તારની મહિલાઓ ઘરનો ઉંબરો છોડી આંદોલનમાં મોખરે રહી તે મહિલા જાગ્રતિકરણની દિશામાં મહત્ત્વની સફળતા છે.

અપ્પિકો આંદોલન એ ચિપકો આંદોલનની કર્ણાટક આવૃત્તિ છે. કર્ણાટક, કેરળ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આ આંદોલન પહોંચ્યું હતું. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, મેક્સિકો, ડેન્માર્ક અને મલેશિયામાં પણ વૃક્ષ છેદનના વિરોધમાં વૃક્ષોને ગળે લગાડવાનું અને તે રીતે માનવી અને વૃક્ષ વચ્ચેનો પ્રેમ અને તેના પરનો આધાર વ્યક્ત કરવાની ચિપકો આંદોલનની રણનીતિ વૈશ્વિક બની હતી. અહિંસક સત્યાગ્રહનું આ ગાંધી મોડેલ આજે પણ પ્રસ્તુત છે તે તેણે દુનિયાને દેખાડ્યું હતું.

ચિપકો આંદોલનને તેની પચાસીએ મૂલવતાં કેટલીક વિફળતાઓ પણ જણાય છે. જે વિકાસના મોડેલનો તેણે વિરોધ કર્યૉ હતો તે આજે વધુ મજબૂત બન્યું છે. ચિપકો આંદોલને ઘણી રાજકીય સંભાવનાઓ જન્માવી હતી, પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો નહીં. વૃક્ષ્છેદન પરનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી તેને લંબાવવા માટે આંદોલન કંઈ કરી શક્યું નહીં. સ્થાનિક પહાડી પ્રજાને ઘાસચારા માટે ઉપયોગી પહોળાં પાનનાં ઝાડને બદલે હવે વ્યાવસાયિક ઉપયોગ માટેના શંકુ આકારના ઝાડ વધ્યાં છે. ઉત્તરાખંડમાં આકાર લઈ રહેલી ચારધામ રાજમાર્ગ જેવી અવૈજ્ઞાનિક માર્ગ નિર્માણ નીતિનો વિરોધ કરવાનું ચિપકો આંદોલનની વારસદાર નવી પેઢી કે તે કાળના હયાત નેતાઓ માટે કેમ બન્યું નથી તે પણ સવાલ છે. હિમાલયને પર્યટનનું કેન્દ્ર બનાવવા એરપોર્ટ, રેલવે, હોટલોનું નિર્માણ થવા લાગ્યું છે. મોટા બંધો, ખનિજોનું ખોદકામ, રોપ-વે, જળવિધ્યુત યોજનાઓ જેવી બાબતોએ પણ ચિપકોની સફળતાને ધોઈ નાંખી છે.

ગાંધીના માર્ગે લોકશક્તિનો વિનિયોગ કરીને મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબ ગ્રામીણોનું જન આંદોલન સરકારને નમાવી શકે છે તે ચિપકોની બેમિસાલ સિદ્ધિ છે. પર્યાવરણ કર્મશીલ વંદના શિવાના શબ્દોમાં ચિપકો આંદોલન ઐતિહાસિક, દાર્શનિક અને સંગઠનાત્મક રૂપે પારંપારિક ગાંધીવાદી સત્યાગ્રહોનું વિસ્તૃત સ્વરૂપ તો હતું જ માનવ અસ્તિત્વ સામેના ખતરાને રોકવાનો સભ્ય સમાજનો સભ્ય ઉત્તર હતો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...826827828829...840850860...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved