Opinion Magazine
Number of visits: 9741848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખરે સાડા છ વર્ષે સર્વોચ્ચ અદાલતે ઇલેકટરોલ બોન્ડ્સ કેસ હાથ ધર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|10 March 2024

રમેશ ઓઝા

એક વાત તો નક્કી કે અબજો રૂપિયા ખર્ચીને અસત્યનો ગમે એટલો ઘટાટોપ ઊભો કરવામાં આવે, નેતાજીનું ગમે એટલું આભામંડળ પેદા કરવામાં આવે, કઢીચટ્ટાઓ ગમે એટલી ભાટાઈ કરે અને સત્ય છૂપાવે, વિરોધીઓને ડરાવવામાં આવે દબાવવામાં આવે કે ખરીદવામાં આવે, ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી પ્રોપેગેન્ડા ફિલ્મો બનાવવા માટે અબજો રૂપિયા ભાડૂતી ફિલ્મનિર્માતાઓને આપવામાં આવે, સરકારી યંત્રણાને કબજે કરવામાં આવે; પણ સત્યમાં એટલી તાકાત હોય છે કે એ જ્યારે ઊઘડું ઊઘડું થવા લાગે ત્યારે પસીનો છૂટી જાય. કેમ બચવું અને ક્યાં મોઢું છૂપાવવું એ વાત સતાવવા લાગે છે. એમ કહેવાય છે કે સત્ય હજુ તો લોકો સુધી પહોંચવા માટે જોડાની દોરી બાંધતું હોય ત્યાં સુધીમાં અસત્ય અનેક ગાઉમાં ફરી વળ્યું હોય. અસત્યનો આ સ્વભાવ છે. એમાં જો કાનાફૂસીનો માર્ગ અપનાવવામાં આવે તો તો પછી પૂછવું જ શું! પણ એ પછી પણ સસલા-કાચબાની વાર્તામાં બન્યું હતું એમ છેવટે કાચબાનો વિજય થતો જ હોય છે. પ્રશ્ન માત્ર સમયનો હોય છે.

૨૦૧૭માં બજેટના ભાગરૂપે ચૂંટણીફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ્સની યોજના રજૂ કરવામાં આવી હતી. ગણતરી એવી હતી કે નાણાંકીય ખરડા(મની બીલ)ની સાથે સાથે વગર ચર્ચાએ આ યોજના સ્વીકૃત થઈ જશે, અને બન્યું પણ એવું જ. પણ અમદાવાદની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એ.ડી.આર.) નામની સંસ્થાએ ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં આ લોકતંત્ર પરનો કુઠારાઘાત છે, એમ કહીને તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ના એપ્રિલ-મેં મહિનામાં યોજાવાની હતી એટલે સર્વોચ્ચ અદાલત પાસે નિર્ણય લેવા માટે દોઢ વરસનો સમય હતો અને તે ઓછો તો ન જ કહેવાય. અમેરિકામાં અને બીજા પ્રગતિશીલ લોકશાહી દેશોમાં આટલા સમયમાં તો અપીલ સહિત અંતિમ ચુકાદાઓ આવી જતા હોય છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ અનુક્રમે મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને તેઓ આ કેસ હાથ જ નહોતા ધરતા. રાજન ગોગોઈ ઇલેક્ટોરલ બોન્ડ્સ,  બાબરી મસ્જીદ અને બીજા ખટલાઓમાં સરકારને મદદ કરવાના શિરપાવરૂપે અત્યારે રાજ્યસભામાં બિરાજમાન છે. મદદ બે રીતની. કાં તો કેસ હાથ નહીં ધરવાનો અથવા સરકારને અનુકૂળ ચુકાદા આપવાના. દરમ્યાન ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ અને બી.જે.પી.ને ૨૦૧૪માં મળી હતી તેનાં કરતાં પણ વધુ બેઠકો મળી.

લોકતંત્રનું ગળું ઘૂંટનારી આ જોગવાઈને સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક હાથ ધરવી જોઈતી હતી, પણ હાથ ન ધરી. હમણાં કહ્યું એમ ૨૦૧૭થી અત્યાર સુધીમાં લોકસભાની, વિધાનસભાઓની અને બીજી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સેંકડો ચૂંટણીઓ યોજાઈ ગઈ, પણ સર્વોચ્ચ અદાલતને ક્યારે ય એવું ન લાગ્યું કે ભારતનાં લોકતંત્રને પક્ષઘાતી બનાવનારી આ જોગવાઈની યોગ્યતા ચકાસવી જોઈએ અને તે બંધારણીય છે કે નહીં એ વિષે ચુકાદો આપવો જોઈએ. જો એ પક્ષઘાતી ન હોય તો એવો ચુકાદો આપવામાં આવે, પણ કેસ જ હાથ ધરવામાં ન આવે એ ક્યાંનો ન્યાય! બીજું આ જોગવાઈ લોકતંત્ર માટે પક્ષઘાતી છે એવો અભિપ્રાય નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને ફલી નરિમાન જેવા આદરણીય કાયદાવિદોએ પણ આપ્યો હતો.

ખેર, ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેના ખટલાને નહીં હાધ ધરીને સર્વોચ્ચ અદાલતે બને ત્યાં સુધી સરકારને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે વધારે મદદ કરવી શક્ય નહોતી, કારણ કે લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક છે અને તેના પર આખા જગતની નજર હોય છે. ૨૦૧૯માં તો ઠીક હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેની અરજીને દાખલ થયે હજુ દોઢ વરસ જ થયું હતું પણ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સુધીના સાડા છ વરસ સુધી સર્વોચ્ચ અદાલત કેસ હાથ ન ધરે તો જગતમાં ભારતની સર્વોચ્ચ અદાલતની મૃત્યુનોંધ લખાઈ જાય. ભારતની લોકતાંત્રિક સંસ્થાઓનો નાભીશ્વાસ ચાલતો રહેવો જોઈએ કે જેથી તેને મૃત જાહેર કરવામાં ન આવે. સાડા છ વરસ પછી સર્વોચ્ચ અદાલત પાસે કેસ હાથ ધરવા સિવાય કોઈ છૂટકો નહોતો અને જો કેસ હાધ ધરે તો ઇલેક્ટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરવા સિવાય પણ કોઈ છૂટકો નહોતો.

સત્યનો તાપ હવે સતાવે છે. જૂઠનું પ્રચંડ મોટું સામ્રાજ્ય હોવા છતાં. એક. કોણે કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા અને કોને એટલે કે કયા પક્ષને આપ્યા? બે. વિવિધ રાજકીય પક્ષોને બોન્ડ્સ દ્વારા કેટલા રૂપિયા મળ્યા? ત્રણ. બોન્ડ્સ જે તે રાજકીય પક્ષે ક્યારે રૂપિયામાં ફેરવ્યા (એનકેશ કર્યા)? ચાર. જો દાતા તેમની પસંદગીના રાજકીય પક્ષને બોન્ડ્સ આપી દે અને એ રાજકીય પક્ષ જો પંદર દિવસમાં રોકડા ન કરે તો બોન્ડ્સની રકમ વડા પ્રધાનના રાહત કોશમાં જમા કરવામાં આવે એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. (સજ્જનતા બતાવવા માટે આવું થોડું કરવું પડે!) શું એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી? જો હા તો ક્યારે અને કયા પક્ષની બાબતમાં? પાચ. એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની કેટલી રકમ વડા પ્રધાનના રાહતકોશમાં જમા કરવામાં આવી છે? ઇલેક્ટોરલ બોન્ડ્સને વેચતી દેશની એક માત્ર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આનાં જવાબ આપવા પડે એમ હતા. સર્વોચ્ચ અદાલતે બોન્ડ્સ રદ્દ કરનારા ચુકાદા સાથે બેંકને આવો આદેશ પણ આપ્યો હતો.

આવો આદેશ પણ સર્વોચ્ચ અદાલતે આપવો પડે એમ હતો. તેની પાસે બીજો કોઈ છૂટકો નહોતો. બે કારણ હતાં. એક તો એ કે આ તર્કસંગત અને ન્યાયસંગત હતો. ચોરી સિદ્ધ થાય તો ચોરી  કોણે કરી, કેટલા રૂપિયાની કે ચીજવસ્તુઓની કરી, ક્યાં છૂપાવી, ચીજવસ્તુ ક્યાં અને કોને વેચી, એ રૂપિયા કોણે, ક્યાં અને કેવી રીતે ખર્ચ્યા, કેવી રીતે ભાગ પાડ્યા એવા સવાલ જેમ સ્વાભાવિક ગણાય એમ. એનાથી બચી ન શકાય. બીજું કારણ એ હતું કે ‘ધ રિપોર્ટર્સ કલેક્ટીવ’ નામના પત્રકારોના જૂથે આની ઘણી વિગતો ગયા વરસે બહાર પાડી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે કેસ હાથ ધરવો પડ્યો એનું આ પણ એક કારણ હતું. જેમ કે ગયા વરસે કર્ણાટક વિધાનસભાની ખરાખરીની ચૂંટણી વખતે એક્સપાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી. કોના કહેવાથી અને કોના માટે એવો પ્રશ્ન તો બેવકૂફ હોય એ જ પૂછે. ક્યાં ગોદી મીડિયાનો ઘોંઘાટ અને ક્યાં ઓફિસ પણ નહીં ધરાવતા પત્રકારોના એક જૂથનું જૂઠની હવા કાઢી નાખનારું કારનામું. આ છે સત્યની તાકાત! શાસકો, સર્વોચ્ચ અદાલત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચ ભાગવા માગે તો પણ ભાગી નથી શકતા.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે વિગતો આપતા અમને ચાર મહિના લાગશે. શા માટે? જો ચૂંટણીપંચ ૮૦ કરોડ મતદાતાઓનું મતદાન બે-ત્રણ અઠવાડિયામાં કરાવી શકે અને તેની ગણતરીના કલાકોમાં ગણતરી કરી શકે તો બે-ચાર હજાર બોન્ડ્સની ગણતરી કરતા ૧૩૬ દિવસ લાગે? હા, જો સામાન્ય ચૂંટણી નજીક હોય અને શાસકોની ગુલામી કરવી હોય તો આટલો સમય લાગે. અગેન, સત્યની જ્યોત લઈને જીવતા રિપોર્ટર્સ કલેક્ટીવના  પત્રકારો તેમને બિચારાઓને સતાવે છે. તેમની પાસે એ પણ વિગતો છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને એ સિવાય બીજા અનેક પ્રસંગે ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ શાસકોને બોન્ડ્સની વિગતો આપી હતી. ગણતરીના કલાકોમાં એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત લંબાવી આપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ શાસકોની ખિદમત કરી શકે છે, પણ દેશની જનતાને માહિતી આપતાં વખત લાગે છે. તેઓ ડરે છે.

જો ચૂંટણી પહેલાં બોન્ડ્સની વિગતો બહાર આવે તો બીજું ઘણું બધું બહાર આવે. રિપોર્ટર્સ કલેક્ટીવના માર્ગે બહાર આવે અને સર્વોચ્ચ અદાલતના માર્ગે બહાર આવે એમાં જમીન આસમાનનો ફરક છે. જો બી.જે.પી.ને બોન્ડ્સ આપનારા અને નહીં આપનારાઓનાં નામ બહાર આવે તો કોના પર (ઉદ્યોગપતિઓ) ઇ.ડી. અને બીજી સરકારી એજન્સીઓની રેડ પડી અને કોને લાભ કરી આપવામાં આવ્યા એના છેડા જોડવામાં આવે. છેડા તો જોડાયેલા જ છે, જે સત્તાવારપણે સિદ્ધ થાય. દેશપ્રેમીઓએ છૂપાવેલાં પુષ્કળ હાડપિંજર બહાર આવી શકે એમ છે.

જોઈએ, સર્વોચ્ચ અદાલત શું કરે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 માર્ચ 2024

Loading

ઘડપણ

હરિકૃષ્ણ પટેલ|Opinion - Opinion|9 March 2024

એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે તમારી શત્રુની પસંદગી તમારા હાથમાં નથી, તમારી આસપાસની કોઇપણ વ્યક્તિ તમારો દુ:શ્મન હોઇ શકે. પણ મારે આજે એવી કોઇ વ્યક્તિ નહિ પણ જિંદંગીની એક અવસ્થાની વાત કહેવી છે અને તે છે — ઘડપણ.

નાનપણમાં મારા મગજમાં એક જ વિચાર – બસ, મારે મોટા થઇ જવું છે. યુવાવસ્થામાં આવ્યા પછી ભણતર અને સંસાર માંડવાની તમન્નાઓ – એ બધી પૂરી થઇ પછી પ્રૌઢાવસ્થામાં સંતાનોના ઉછેર પાછળ વર્ષો વિત્યાં. મારી આ ત્રણેય અવસ્થા દરમ્યાન મેં મારા દાદા દાદી, નાના નાની અને આડોસ પાડોસના બુર્ઝગોને જોયાં.

અને ત્યારે મને ઘડપણનો અહેસાસ થયો. તેઓનાં જીવનની અગવડતા અને મુશ્કેલીઓ જોઇ, ત્યારથી જ ઘડપણ પ્રત્યે એક જાતની નફરત પેદા થયેલી. સ્વભાવિક છે આવી નફરત દુ:શ્મનીમાં બદલાઇ જાય છે. ઘડપણ મારું શત્રુ બની ગયું. આ શત્રુ તમારી ઉંમરની રાહ જોતું હોય છે અને વખત આવે તે હથિયારો જેવાં કે રોગો અને શારીરિક નબળાઈઓ તમારી સામે ફેંકે છે આવા હથિયારો તેની પાસે રાફડાબંધ છે.

આ બધુ ઓછું હોય એમ એ તમારા પર માનસિક હુમલાઓ કરી તમારી યાદશક્તિ અને અમુક અંશે થોડું ગાંડપણ પણ ઊભુ કરે છે. આ શત્રુ પાસે હથિયારો ઘણાં છે જેવા કે આંખોથી જોવાની શક્તિ, કાનની બહેરાશ, બધા દાંત પડી જાય. આ ઉપરાંત મીઠીપેશાબ, સાંધાઓ અને કમરના દુખાવા. અને તેના કાતિલ હથિયારોમાં, કેન્સર કે હાર્ટ એટેકના સામના કરવાની આપણે પૂરી તૈયારીઓ રાખવી એવું મારું માનવું છે.

મારે તમને બધાને એટલું જ પૂછવું છે કે શું આવા જણને તમે શત્રુ ગણો કે નહિ ?

હવે હું આપ સર્વને એક સલાહ આપું છું, જો આ શત્રુને તમારે છેટે રાખવો હોય તો મારી જેમ ખાવાપીવાનુ ખાસ ધ્યાન રાખવું અને ઘરે બેઠાં શ્કય હોય એટલી નાની મોટી કસરતો કરવી, જેનાથી તમારા સાંધાઓ દુ:ખશે નહિ અને તમારા મગજને સતેજ રાખવા ક્રોસવર્ડ, સુડોકુ કે શેતરંજ જેવી રમતો રમવી.

આ મારા ટૂંકા નિવેદનથી મારે આપ લોકોને ભડકાવાનો હેતુ લગીર નથી.

e.mail : harikrishna38@gmail.com

Loading

દેશનો સ્વાદ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|9 March 2024

પન્નાબહેન મહિનાઓથી દીકરીને જોઈતો સામાન લાવવામાં અને એને ભાવતી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. આમ તો ભૂમિને પરણાવીને અમેરિકા મોકલી એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં અને એ દરમ્યાન એ બે વાર દીકરી પાસે જઈ આવેલાં. તો ય થોડો વખત થાય ન થાય ત્યાં એનું રટણ ચાલુ થઈ જાય,

“મમ્મી, તને જોવાનું બહુ મન થયું છે. તારા હાથની વેડમી, ભરેલા ભીંડાનું શાક અને ઊંધિયું તો મને સપનામાં આવે છે. ક્યારે આવે છે તું? તું કહે ત્યારની ટિકિટ મોકલું.”

“બેટા, તારી બધી વાત સાચી, ને મને પણ તું યાદ નહીં આવતી હોય? પણ હવે આટલી લાંબી મુસાફરીનો થાક લાગે છે. એના કરતાં તો તું …”

“મને ખબર છે કે, તું આગળ શું કહેવાની છે, પણ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે ત્યાં નથી આવવું. ત્યાં આવીને વળી પાછું …” બોલતાં બોલતાં એનો અવાજ ભરાઈ આવતો.

“હા ભઈ હા. દિવસ નક્કી કરીને તને જણાવું. બસ, હવે રાજી?”

આવતી કાલે રાતની ફ્લાઈટ હતી. પન્નાબહેન સામાન પર છેલ્લી નજર નાખી રહ્યાં હતાં કે, કંઈ રહી તો નથી જતું ને? બધું જોતાં જોતાં એ પલંગ પર બેસી પડ્યાં અને વિચારવા લાગ્યાં કે, દીકરીની આજની પરિસ્થિતિ માટે પોતાનો દુરાગ્રહ જ જવાબદાર છે. સોફ્ટવેર એંજિનિયર થયેલો વિશાલ ખાસ લગ્ન માટે ભારત આવ્યો છે એ ખબર મળ્યા ત્યારથી એ ભૂમિની પાછળ પડી ગયેલાં, “આટલો સ્માર્ટ, ભણેલો-ગણેલો અને કમાતો ધમાતો છોકરો બીજે ક્યાં મળવાનો? અમેરિકામાં બંગલો, ગાડી અને તગડા પગારની નોકરી. આ બધું જવા દઈશું તો તું ને હું હાથ ઘસતાં રહી જશું. તારા પપ્પાની ગેરહાજરીમાં હું એકલી ક્યાં ક્યાં મુરતિયો શોધતી ફરીશ?”

“પણ મમ્મી, મને થોડો સમય તો આપ! બે મુલાકાતમાં હું એને કેવી રીતે ઓળખી શકું? આમ ‘ચટ મંગની ને પટ શાદી’ કરીને પસ્તાવું પડશે ત્યારે?”

અંતે એમના દબાણને વશ થઈને ભૂમિએ હા પાડવી પડી અને માએ જે દરવાજો ચીંધ્યો એમાં એણે મૂંગે મોઢે પ્રવેશ કર્યો હતો.

ન્યુજર્સી પહોંચતાંની સાથે જ એને સમજાઈ ગયું કે, વિશાલે જે ચાંદ-તારા બતાવ્યા હતા એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. નહોતો બંગલો કે નહોતી ગાડી. એ બધું તો ઠીક, પણ ભૂમિને પોતાના કરતાં વધુ પગારની નોકરી મળી ગઈ એ એનાથી જરા ય સહન નહોતું થયું. લગ્નને માંડ બે મહિના થયા હશે ત્યાં વિશાલનો કકળાટ ચાલુ થયેલો,

“કંઈ જરૂર નથી નોકરી કરવાની. પહેલાં અમેરિકાની રીત-ભાત શીખ, ઘર કેવી રીતે સાચવવું એ શીખ, પછી બીજી વાત.”

ગમે તે થાય પણ નોકરી નહીં છોડવાની વાત પર ભૂમિ મક્કમ રહી ત્યારે એના કોઈ સહકર્મચારી સાથે નામ જોડીને વિશાલે એના ચારિત્ર્ય પર છાંટા ઉડાડવાનો  પ્રયત્ન કર્યો. લગ્ન ટકાવી રાખવાની મથામણ કરતાં કરતાં ભૂમિ માનસિક રીતે તૂટી ચૂકી હતી. કંપનીએ એને ટોરોંટોમાં ટ્રાંસફર આપી ત્યારે તરત એ સ્વીકારી લઈને ત્યાં પહોંચ્યા પછી એણે કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધેલા. આ અપરાધભાવ પન્નાબહેનને કોરી ખાતો પણ ભૂમિએ કદી પણ એમની પર દોષારોપણ નહોતું કર્યું. જ્યારે પણ ફોન પર વાત થાય ત્યારે એ કહેતી, “મારી જરા ય ચિંતા નહીં કરતી મમ્મી, હું ખુશ છું. એક બંધનમાંથી મુક્ત થઈ એવું અનુભવું છું. એ ય મમ્મી, ચાલ, આંખો લૂછી કાઢ તો! અને સાંભળ, આવે ત્યારે ચીકી અને શીંગ-ચણા લાવવાનું ભૂલતી નહીં.”

“દીકરી મારી, હજી તું એ બધા સ્વાદ ભૂલી નથી, કેમ?”

“જે દિવસે એ સ્વાદ ભૂલીશને મમ્મી, તે દિવસે તને અને મારા દેશને પણ ભૂલી જઈશ. એ સ્વાદની યાદ તો મારી જિંદગી છે.”

સમીરે તો કહ્યું હતું, “મમ્મી, સામાનનું વજન વધારે થશે તો આપણે પૈસા ભરી દઈશું,” પણ તોયે એરપોર્ટ જતાં પન્નાબહેન આખો રસ્તો પ્રાર્થના કરતાં રહ્યાં, “હે ભગવાન, વધારે ચેકીંગ ન થાય એવું કરજો. પણ ચેકીંગ તો થયું જ.”

બાજરાનો લોટ, નાળિયેરનું ખમણ, શીંગ-ચણા, રેવડી, ગજક – બધી ચીજો બહાર કાઢી કાઢીને ચેકીંગ ઑફિસરે પૂછ્યું, “આ બધું શું લઈ જાવ છો? આવા લોટ-બોટ નહીં લઈ જઈ શકાય.”

ખલાસ! જે બીક હતી એ જ થયું. હવે? ભૂમિની મનગમતી ચીજો કેવી રીતે લઈ જઈશ? એમની આંખો ભીની થઈ ગઈ. અચાનક એમને શું સૂઝ્યું તે સામાન સમેટવાનો બાજુએ રાખી, શીંગ-ચણાનું પેકેટ હાથમાં લઈને ઑફિસર પાસે પહોંચ્યાં અને ગળગળા સાદે કહેવા લાગ્યાં, “આ બધું તમે જુઓ છો ને સાહેબ, એ માત્ર ખાવાની ચીજો નથી. આ પેકેટોમાં તો આ દેશની ખુશ્બૂ છે, દેશનો પ્રેમ છે, અહીંનો સ્વાદ છે. આ એવો સ્વાદ છે જે મારી દીકરી પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા પછી પણ નથી ભૂલી.” પછી સાડીના પાલવથી આંખો લૂછતાં બોલ્યાં,

“સાહેબ, તમારે દીકરી છે? દીકરી હોય તો તમે ચોક્કસ સમજી શકશો કે, દીકરીએ ખાસ યાદ કરીને મંગાવી હોય એ એને ભાવતી ચીજ આપણે ન લઈ જઈ શકીએ તો આપણા હૈયા પર શું વીતે? પરદેશમાં બેઠેલી મારી દીકરી માની રાહ તો જોતી જ હશે પણ સાથે દેશના સ્વાદની પણ રાહ જોતી હશે.”

ઑફિસરે ઈશારાથી એમને બધું લઈ જવાની છૂટ આપી. બધો સામાન ફરીથી બેગમાં મૂકતાં એકાએક એમને વિચાર આવ્યો ને એક રેવડીનું પેકેટ લઈને ઑફિસર પાસે ગયાં.

“સાહેબ, તમે મને પરવાનગી આપી એ પરથી હું સમજી ગઈ કે, તમારે ઘરે પણ દીકરી છે. આ રેવડી એક મા તરફથી એક દીકરીને પ્રેમ સાથે ભેટ તરીકે આપું છું. પ્લીઝ, ના ન કહેશો.”

અધિકારીએ પેકેટ આંખે અડાડીને ચૂમી લીધું. પન્નાબહેન એ જોઈને હસુ હસુ થઈ રહ્યાં.

(સુધા ગોયલની હિંદી વાર્તાને આધારે)                  
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2024; પૃ. 24

Loading

...102030...800801802803...810820830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved