Opinion Magazine
Number of visits: 9665932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષા જો મા પણ ન બોલતી હોય તો શું કરશો ?

નેહા શાહ|Opinion - Opinion|25 February 2024

“ચલ, જલ્દી જલ્દી વોટર ડ્રિંક કરી લે …”. “રન રન કરતો પહોંચી જા …”, “ઈટ કરી લે …”

નેહા શાહ

નાનાં બાળકો સાથે બોલાતી આવી ભાષા લગભગ બધાએ સાંભળી હશે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવા ઇચ્છતાં મા-બાપ આવી ભેળસેળ ભાષા વાપરતાં હોય છે. મા-બાપને સરખું અંગ્રેજી આવડતું ના હોય, ઘરમાં સહેજ પણ અંગ્રેજીનો ઉપાયોગ થતો ના હોય તો પણ બાળક ભણવું તો અંગ્રેજીમાં જ જોઈએ. આ વર્ગ એટલો બધો મોટો છે કે શહેરોમાં ગુજરાતી માધ્યમની સારી કહી શકાય એવી શાળાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે! એ વાત સાચી કે બજારની માંગ અંગ્રેજીની છે. અંગ્રેજી લખતા-બોલતા લોકો માટે નોકરીની તકો વધી જાય છે, એ વાત પણ સાચી. એટલે જ લોકો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે. પણ, અભિવ્યક્તિની સાહજિકતા જે માતૃભાષામાં મળે છે એ પરદેશી ભાષામાં મળતી નથી. “વોટર ડ્રિંક કરી લે …” જેવી ભાષાના પ્રયોગ સાંભળીને મોટા થયેલા બાળકને ના તો સારું ગુજરાતી આવડે છે, ના અંગ્રેજી.

આદિકાળથી વિકાસ કરતાં કરતાં માણસે કેટલી બધી ભાષા અને બોલીઓ વિકસાવી! ગુજરાતી ભાષામાં પણ કેટલું બધું વૈવિધ્ય છે. કહેવાય છે ને કે “બાર ગામે બોલી બદલાય”. દરેક ભાષામાં સદીઓ જૂનું કેટલું બધુ જ્ઞાન અને ડહાપણ સંઘરાયેલું છે. આજ તો આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. જે ભાષાની સાથે લુપ્ત થતો જાય છે. જેમ કે, સંસ્કૃતિમાં ખૂંપેલી અને રોજિંદા જીવનમાં છૂટથી વપરાતી કહેવતો – ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’, કે ‘કૂવામાં હોય તે હવાડામાં આવે’ – એના અર્થ પણ ગુજરાતી જુવાનિયા ગૂગલ પર શોધે તો નવાઈ નહીં! જે તળપદું જ્ઞાન ગૂગલ સુધી પહોંચ્યું તે જ સચવાશે એવી પરિસ્થિતિ અત્યારે છે. સૌથી મોટી વિડંબણા એ છે કે માતૃભાષા ના આવડતી હોય અને અંગ્રેજી આવડતું હોય એ બાબત લોકોને ગર્વ લેવા જેવી લાગે છે. બાબા બ્લેકશીપ …. ગાતાં બાળકને જોઈ હરખાતાં મા-બાપે એ સમજવાની જરૂર છે કે બાળકે ના તો કાળું ઘેંટું જોયું છે, ના ઘેંટાએ આપેલા ઊનનું મહત્ત્વ એને સમજાય છે, કારણ કે એ તો ગરમ પ્રદેશમાં રહે છે. તો પછી એ ગીતે બાળકને કયા અનુભવ સાથે જોડ્યું? ઘણી અંગ્રેજી માધ્યમની શાળાઓ બાળકને કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેવાની હોડમાં ગુજરાતી બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, અને બોલ્યા તો સજા! આવી રીતો બાળકને ગુજરાતીથી તો વિમુખ કરે જ છે પણ અન્ય વિષયમાં રુચિ લેતા પણ અવરોધે છે. આ શિક્ષણની સેવા નહીં પણ કુસેવા થઈ.

વર્તમાન વિકાસની તરાહ વિવિધતાનું એકરૂપીકરણ કરનારી સાબિત થઈ રહી છે. આ સંઘર્ષ માત્ર અંગ્રેજીના આધિપત્યનો જ નથી, પણ દરેક ભાષામાં રહેલા વૈવિધ્યને બચાવવાનો પણ છે. ગુજરાતી બચાવો અભિયાનમાં જોડાયેલા ઘણાં મહાનુભાવો ભાષા-શુદ્ધિના નામે તળપદી અભિવ્યક્તિની હાંસી ઉડાવતા હોય છે, ત્યારે એક રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. આ અભિયાન સંસ્કૃત ભાષાને સ્થાપિત કરવા માટે છે કે ભાષામાં રહેલા વૈવિધ્યના સન્માન માટે એ સ્પષ્ટતા હોવી જરૂરી છે.

સયુંક્ત રાષ્ટ્રના માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે આ વાતનો અહેસાસ હતો જ. સંયુક્ત રાષ્ટ્ર નોધે છે કે વિશ્વમાં લગભગ 7,000 ભાષા બોલાય છે. એમાંથી દર પંદર દિવસે એક ભાષા લુપ્ત થાય છે! આશરે 45 ટકા જેટલી ભાષા વિલુપ્ત થવાની કગાર પર ઊભી છે. આજે વિશ્વભરમાં શિક્ષણ માટે વપરાતી ભાષાની સંખ્યા ચાર આંકડામાં નથી પહોંચતી અને ડિજિટલ વિશ્વમાં વપરાતી ભાષાની સંખ્યા સોએ પણ નથી પહોંચતી. પરિણામે વિશ્વના 40 ટકા લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી મળતું, કેટલાક વિસ્તારોમાં તો આ પ્રમાણ 90 ટકા સુધી પહોંચે છે.

નિરંજનભાઈ ભગતે એકવાર લખેલું કે ભાષા ગુજરાતી અને માધ્યમ અંગ્રેજી. લીનાબહેન મંગળદાસ, જેમણે અમદાવાદમા શ્રેયસ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી અને મોંટેસરી પદ્ધતિને અપનાવી, તેઓ કહેતાં જે ભાષા ઘરે બોલાતી હોય એ જ ભાષામાં બાળકનું શિક્ષણ થાય તો એણે ભાષા સાથે સંઘર્ષ નહીં કરવો પડે અને માત્ર વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. યુનેસ્કોએ આ વર્ષે આ જ વાત કહી છે. આ વર્ષે માતૃભાષા દિવસની ઉજવણીનો વિષય રખાયો છે – “બહુભાષીય શિક્ષણ – ભણતર અને આંતર–પેઢીય ભણતરનો પાયો”, જે થકી સર્વસમાવિષ્ટ શિક્ષણ અને સ્થાનિક ભાષાઓના સંરક્ષણ પર ભાર મુકાયો છે. બાળકને જો શરૂઆતના વર્ષોનું શિક્ષણ માતૃભાષામાં અપાય તો ઘર અને શાળા વચ્ચે તાદાત્મ્યતા સધાશે, બાળકની સર્જન શક્તિ અને વિવેચન ગુણ પણ ખીલશે, કુતૂહલતા જળવાશે તેમ જ આત્મ વિશ્વાસ ઊભો થશે. ઘણા અભ્યાસ આ વાતનું સમર્થન કરે છે. બાળક મોટું થતાં ધીમે ધીમે બીજી ભાષા શીખી જશે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવાય તો ભાષા બચાવવાના પ્રયત્નો માત્ર 21મી ફેબ્રુઆરી પૂરતા મર્યાદિત નહીં રહે.

પ્રગટ : ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

દયાનંદ સરસ્વતી હિંદુ રાષ્ટ્રવાદના પ્રથમ ઉદ્દગાતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|25 February 2024

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીનું આ વર્ષ છે એટલે તેમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં યાદ કરવા જોઈએ.

૧૨મી ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી નજીક ટંકારામાં તેમનો મૂળશંકરના નામે શૈવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે બ્રહ્મો સમાજની સ્થાપના માટેની ભૂમિકા બની ચુકી હતી અને ૧૮૨૮માં તેની સ્થાપના થઈ હતી. બ્રહ્મો સમાજ એમ માનતો હતો કે કોઈ ધર્મ ગ્રન્થ અને તેનાં વચન અંતિમ પ્રમાણ નથી. માનવીનો અંતરાત્મા અને વિવેક સર્વોપરી છે. બ્રહ્મો સમાજ અવતારમાં પણ નથી માનતો. બ્રહ્મો સમાજ અનેક ઈશ્વર અને મૂર્તિ પૂજાને પણ નકારતો હતો. બ્રહ્મો સમાજીઓ જ્ઞાતિ વ્યવસ્થાનો વિરોધ કરતા હતા. મૂળશંકર સમજણા થયા ત્યાં સુધીમાં બ્રહ્મો સમાજની દેશભરમાં ખ્યાતિ બની ચૂકી હતી અને એ રાહે થોડાઘણા ફેરફાર સાથે પ્રાર્થના સમાજ અને એવી બીજી સંસ્થાઓની સ્થાપના થવા લાગી હતી.

દયાનંદ સરસ્વતીનો જન્મ થયો એનાં ત્રીસેક વરસ પહેલાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના મૂળ વતની ઘનશ્યામ પાંડે ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. દયાનંદ સરસ્વતી પચીસ વરસના થયા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં જગ્યા બનાવવા લાગ્યો હતો.

દયાનંદ સરસ્વતી અસ્વસ્થ હતા. એક તરફ ઈશ્વરીય ગ્રન્થ એકેય નથી અને અંતરાત્મા તેમ જ વિવેક સર્વોપરી છે એમ માનનારા બ્રહ્મો સમાજીઓ અને બીજી તરફ એક માનવીને ઈશ્વરના અવતાર તરીકે જોવાની-સ્વીકારવાની અને એક નવો સંપ્રદાય આકાર લે એવી તજવીજ તેમને અકળાવતી હતી. આ રીતે હિંદુ પરધર્મીઓનો મુકાબલો કેવી રીતે કરે? હિંદુઓએ સંગઠિત થવા માટે કોઈક મોટું અવલંબન જોઈએ અને મન ફાવે તેને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીને અને નવા નવા સંપ્રદાય રચીને તેને વિભાજીત કરનારા નાનાંનાનાં અવલંબનોને દૂર કરવા જોઈએ. હિંદુઓ પાસે બધાને બાંધી રાખે એવું કોઈ મોટું ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ અને મન ફાવે ત્યારે નોખો ચોકો કરીને હિંદુઓને કમજોર કરનારી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.

દયાનંદ સરસ્વતી એમ પણ માનતા થયા હતા કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની તાકાત તેનાં સ્વરૂપમાં છે અને હિંદુ ધર્મની નબળાઈનું કારણ પણ તેનું સ્વરૂપ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો આખા જગતમાં ફેલાયેલા છે અને તેમનો ધાર્મિક ચહેરો એક સરખો છે. તેઓ ધાર્મિક ભાતૃભાવ ધરાવે છે, જ્યારે હિંદુ બીજા હિંદુ સાથે સંપ્રદાય અને પેટા સંપ્રદાયના નામે બાપે માર્યા વેર ધરાવે છે. ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વ્યવસ્થિત રીતે સંગઠિત ધર્મ છે અને તે સંગઠિત એટલા માટે છે કે તે માળખાબદ્ધ (સ્ટ્રકચર્ડ) છે. જો હિંદુઓએ સંગઠિત થવું હોય તો હિંદુ ધર્મને પણ માળખાકીય સ્વરૂપ આપવું જોઈએ. એ પછી જ હિંદુઓમાં અખંડ હિંદુ હોવાની ઓળખ પેદા થશે, તેની અંદર અસ્મિતાભાવ અને તેની સાથે અને તેને કારણે સંખ્યાભાવ પેદા થશે.

દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને ગુજરાતી અને સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા જાણતા નહોતા, એટલે તેમણે શરૂઆતમાં ગુજરાતમાં નવા વિચાર ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. તેઓ નિરાશ થઈને અને “ગુજરાતમાં પાખંડી પૂજાય” એવો ફિટકાર વરસાવીને ગુજરાત છોડીને જતા રહ્યા હતા. જે કારણે દયાનંદ સરસ્વતીને ગુજરાતી હોવા છતાં ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ ન મળ્યો, અદ્દલ એ જ કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ મળ્યો હતો. વાંચવું વિચારવું પ્રશ્ન કરવો કે શંકા કરવી એ સરેરાશ ગુજરાતીઓના પીંડમાં નથી. આ હું નથી કહેતો, દયાનંદ સરસ્વતીનું આવું ગુજરાતીઓ વિશેનું નિદાન છે.

ખેર, ૧૮૭૫માં દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. આગળ કહ્યું એમ આર્ય સમાજનો ઉદ્દેશ સાંપ્રદાયિક ભેદભાવ વિનાના અખંડ હિંદુને પેદા કરવાનો હતો. એ માટે તેઓ માળખા વિનાના હિંદુ ધર્મને ચોક્કસ પ્રકારે માળખાબદ્ધ કરવા માગતા હતા. તેમની અંદર  અસ્મિતાભાન અને સંખ્યાભાન પેદા કરવા માગતા હતા. માટે તેમને હિંદુ રાષ્ટ્રવાદના પ્રથમ ઉદ્દગાતા તરીકે ઓળખાવવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવું હોય તો Pioneer of Hindu Nationalism. આધુનિક રાષ્ટ્રવાદ બહુમતી કોમ, તેની સંખ્યા અને અસ્મિતા પર આધારિત છે. ભારતે એક સર્વસમાવેશક અને સહિયારા એવા નરવા રાષ્ટ્રની રચના કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે એમ લાગે છે કે નરવાઇ કેટલાક હિંદુઓને પસંદ નથી. તેમને ગયા સપ્તાહના લેખમાં ગાંધીજીને ટાંકીને કહ્યું હતું એમ ઇન્ડિયન સ્લેટ (પાટી) નથી ખપતી, વેસ્ટર્ન સ્લેટ ખપે છે. બહુમતી રાષ્ટ્રવાદ આયાતી છે.

અહીં એક પ્રશ્ન થવો જોઈએ. જેને પાયોનિયર ઓફ હિંદુ નેશનાલીઝમ તરીકે ઓળખાવવામાં આવે છે એવી વ્યક્તિની દ્વિશતાબ્દી જેવી મોટી ઘટનાને રાષ્ટ્રીય સ્તરે કેમ ઉજવવામાં ન આવી? હિંદુ રાષ્ટ્રવાદીઓની કેન્દ્રમાં તેમ જ મહત્ત્વનાં રાજ્યોમાં સરકાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવું દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, પુષ્કળ સાધનો છે. તેઓ ધારત તો જેમ રામમંદિરની ઘટનાને જે રીતે ઉજવી એ રીતે સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી ઉજવી શક્યા હોત. દયાનંદ સરસ્વતીના અખંડ હિંદુની વાત ઘરેઘરે પહોંચાડી શક્યા હોત. એની જગ્યાએ વડા પ્રધાન ટંકારા જઈ આવ્યા અને એ પછી કાંઈ જ નહીં. હિંદુ રાષ્ટ્રવાદનું પાયારોપણ કરનાર વ્યક્તિનું બસ આટલું જ માનસન્માન? શા માટે?

કારણ છે હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવાનો સ્વામી દયાનંદ સરસ્વતીનો આગ્રહ અને એવા આગ્રહ માટેની ભાષા. સરેરાશ હિન્દુને એ માફક આવે એમ નથી. હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવા માટે દયાનંદ સરસ્વતીએ શું ઉપાય સૂચવ્યો હતો અને તેના પ્રચાર-પ્રસાર માટે શું કર્યું હતું એની વાત આવતા સપ્તાહે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

પાસપોર્ટ પાવરઃ રાજકીય, આર્થિક અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિબિંબ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 February 2024

પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે તેમ જ વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે

ચિરંતના ભટ્ટ

છેલ્લા દસેક દિવસથી પાસપોર્ટ રેંકિગની બહુ ચર્ચા થાય છે. કોઇપણ રાષ્ટ્ર વૈશ્વિક સ્તરે  કેટલો ‘સોફ્ટ પાવર’માં ધરાવે છે એ જોવા માટે તેના પાસપોર્ટનું રેંકિંગ એક અગત્યનો માપ દંડ છે. પાસપોર્ટની તાકત દર્શાવતા અનેક ઇન્ડેક્સ હોય છે અને તેમાંથી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અને પાસપોર્ટ ઇન્ડેક્સ આ બન્ને આગળ પડતા ગણાય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું  સ્થાન 85મું છે, જે ગયા વર્ષે 84મા ક્રમાંકે હતું. ભારતીય પાસપોર્ટનું જોર સહેજ ઓછું થયું ગણાય, પણ છતાં ય 62 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે. આ જ રીતે પાસપોર્ટ ઇન્ડેક્સની વાત કરીએ તો ભારત અત્યારે 67મા ક્રમાંકે છે, તેનો મોબિલીટી સ્કોર 73 છે અને 27 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે.  સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે બન્ને ઇન્ડેક્સ જુદાં જુદાં પાસાંઓને આધારે કોઇપણ દેશના પાસપોર્ટનું રેંકિંગ નક્કી કરે છે. કોઇ પણ દેશના પાસપોર્ટની તાકાત એના આધારે નક્કી થાય કે એ દેશનો પાસપોર્ટ ધરાવતા લોકો બીજા કેટલા દેશોમાં વીઝા વિના પ્રવાસ કરી શકે છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર પાકિસ્તાનનો પાસપોર્ટ 106માં ક્રમાંકે છે તો બાંગ્લાદેશ 101 પરથી 102 નંબર પર આવી ચૂક્યો છે. નવાઇની વાત છે કે મૉલદિવ્ઝનો પાસપોર્ટ ધરાવનારા 96 દેશોમાં વીઝા વગર જઇ શકે છે અને આ કારણે જ તેનુ સ્થાન 58મું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આ ક્રમાંક માટે છેલ્લાં 19 વર્ષના એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સ્પેશ્યલાઇઝ્ડ ડેટા પર આધાર રાખે છે, જેમાં વિશ્વભરનાં વિવિધ દેશનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસનાં સ્થળોને ગણતરીમાં લેવાય છે. આ ઇન્ડેક્સને દર મહિને અપડેટ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેઇન, જાપાન અને સિંગાપોરના પાસપોર્ટને સૌથી વધુ મજબૂત – પાવરફૂલ પાસપોર્ટ ગણવામાં આવે છે કારણ કે આ દેશોનું નાગરિકત્વ ધરાવનાર વ્યક્તિ ઇન્ડેક્સમાં ગણતરીમાં લેવાતા 227 સ્થળોમાંથી 194 સ્થળોએ વગર વીઝાએ પ્રવાસ કરી શકે છે. સાઉથ કોરિયા, ફિનલેન્ડ અને સ્વીડનના નાગરિકો 193 સ્થળોએ વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.

ભારતના પાસપોર્ટના રેન્કિંગમાં જે ફેરફાર આવ્યો, તે ઘટ્યું તેની પાછળનું કોઇ ચોક્કસ કારણ દર્શાવવું મુશ્કેલ છે. છતાં પણ આપણે સંભવિત પાસાંઓ કયાં હોઇ શકે તે નાણવાનો પ્રયાસ કરી જોઇએ.

કોઇપણ દેશના દ્વિપક્ષીય કરારો કેવા છે તે એક મહત્ત્વનું પરિબળ બને છે. જેમ કે અન્ય દેશો, જેનું રેન્કિંગ વધારે છે તેમની સરખામણીએ ભારત પાસે અન્ય દેશો સાથે વીઝા-ફ્રી પ્રવાસ કરવાના કરારો ઓછા છે. શ્રીલંકા, થાઇલેન્ડ, કેન્યા જેવા કેટલાક દેશોએ ભારતને ગણતરીમાં લીધો છે ખરો, પણ હજી આ પ્રગતિ ધીમી છે. અમુક કેસમાં એમ પણ બને કે ભારત જે-તે દેશના નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી આપે છે પણ સામે એ જ દેશ જો ભારતીય નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી ન આપતો હોય તો પણ ભારતના રેન્કિંગ પર તેની સીધી અસર પડે છે. વૈશ્વિક રાજનીતિમાં ભારતનું શું સ્થાન છે, તેને કેટલું મહત્ત્વ મળે છે અથવા તે જે-તે રાષ્ટ્ર સાથે વ્યૂહાત્મક સંબંધોમાં કયા મુકામે છે તેને આધારે પણ વીઝા-ફ્રી એન્ટ્રીનું મળવું કે ન મળવું સંકળાયેલું હોય છે. જો કોઇ દેશ સાથે ભારતને સરહદી વિવાદો અથવા સુરક્ષા લક્ષી પ્રશ્નો હોય તો સ્વાભાવિક છે તેની વીઝા ઍક્સેસ પર તેની સીધી અસર થાય. આમ તો ભારતનું અર્થતંત્ર ધમધમી રહ્યું હોવાની ચર્ચા તો છે જ, પરંતુ રાષ્ટ્રિય આર્થિક શક્તિ અને તેની સ્થિરતા પણ કોઇપણ દેશના રેન્કિંગ પર સીધી અસર કરે છે. ભારતનું અર્થતંત્ર મજબૂત તો થઇ રહ્યું છે પણ હજી તે એટલું મજબૂત નથી કે તેને વીઝા ઍક્સેસને લગતા કરારોમાં ગણતરીમાં લેવામાં આવે.

ભારતનું સ્થાન જરાક આમ-તેમ થયું એમાં આમ તો ચિંતા કરવાની જરૂર છે જ નહીં, કારણ કે આ રેન્કિંગમાં આઘા-પાછા થવું સ્વાભાવિક છે અને તે કોઇ ચોક્કસ અભિગમ દર્શાવે છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. ભારતનું રેન્કિંગ 2020માં તો 120માં ક્રમાંકે હતું તો તેની સરખામણીમાં હાલમાં મળેલું રેન્કિંગ ઘણું પ્રશંસનીય છે.

ભવિષ્યમાં ભારતના રાજદ્વારી સંબંધો સુધરશે, વિદેશી રોકાણ વધારવાની દિશામાં પ્રયાસો થશે તો ભારતીય પાસપોર્ટના રેન્કિંગ પર હકારાત્મક પ્રભાવ પડી શેક છે. જે અગત્યના દેશો છે, ખાસ કરીને વૈશ્વિક રાજનીતિમાં, એ દેશો સાથેના દ્વિપક્ષીય કરારો અને પરસ્પર વીઝાની વ્યવસ્થા લાભાદાયી રીતે ગોઠવાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરાશે તો પણ આ રેન્કિંગ બહેતર બની શકે છે. આપણા દેશ પ્રત્યે વૈશ્વિક અભિગમ શું છે, તે દિવસે દિવસે બહેતર બનાવી શકાય એ પ્રકારની આર્થિક પ્રગતિની દિશામાં કામ થશે અને સલામતીને મામલે નક્કર વલણ દર્શાવી શકાશે તો પણ ભારતીય પાસપોર્ટને બહેતર ક્રમાંક મેળવવામાં મદદ મળશે.

આમ તો ભારતનો ‘અતિથિ દેવો ભવ’નો વિચાર પ્રવાસીઓએ અનુભવ્યો જ હોય છે પણ છતાં ય આપણે ત્યાં વિદેશી પ્રવાસીઓની છેડતી વગેરેના બનાવો એકથી વધુ વાર વાઇરલ ગયા છે. યુ.એસ.એ. જેવા દેશ પણ છે જેનું રેન્કિંગ સારું જ છે કારણ કે તે મહાસત્તા છે પણ ત્યાં થતા ગનક્રાઇમ્સ અને જાતિભેદને કારણે હુમલાઓ તો કોઇને માટે પણ  સુરક્ષાનાં પ્રશ્ન ખડા કરે જ છે.

પાંચ વર્ષ સુધી જાપાન સૌથી પાવરફુલ પાસપોર્ટ ધરાવતો દેશ હતો અને હવે તે ત્રીજા ક્રમાંકે છે.  કોવિડ-19 દરમિયાન ઘણા દેશોએ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો અને જાપાન સહિતના ઘણા દેશોના પાસપોર્ટ રેન્કિંગમાં ઘટાડો થયો હતો. ચીન અને રશિયા સાથે જાપાનને તંગ સંબંધો છે અને તેની સીધી અસર તેના પાસપોર્ટ રેન્કિંગ પર થઇ છે. જાપાનની વીઝા નીતિ અન્ય દેશોની સરખામણીએ આકરી છે જેનો પ્રભાવ પણ ગણવો રહ્યો. ચીનની વાત કરીએ તો મોટાભાગના શક્તિશાળી રાષ્ટ્રો સાથે ચીનને વાંધા-વચકા છે જ અને માટે જે તેના પાસપોર્ટ રેન્કિંગ પર અસર થાય તે સ્વાભાવિક છે. 

પાસપોર્ટ રેન્કિંગ સારું હોય એ આમ તો સલામતી અને શક્તિનો માપદંડ નથી બની જતું છતાં પણ પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે અને વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે.

બાય ધી વેઃ

એ સમજવું જરૂરી છે કે પાસપોર્ટનું રેન્કિંગ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા માટેની જરૂરિયાતોમાંનું એક પાસું છે, છતાં પણ જે તે દેશમાં જતા પહેલાં ત્યાંનો વીઝા મેળવવાની અનિવાર્યતા અંતે તો તે દેશની પરિસ્થિતિ પર જ આધાર રાખે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે અન્ય દેશના નાગરિકોને કેટલી સલામતી પૂરી પાડી શકીએ છીએ તેની ખાતરી અને દ્વિપક્ષીય સંબંધોને લેખાં-જોખાંને આધારે વૈશ્વિક સ્તરે આપણી છાપ બહેતર બની શકે છે. દેશમાં અંદરો અંદર જો હુલ્લડો થતાં હોય, લિન્ચિંગના બનાવો બનતા હોય, બળાત્કાર થતા હોય, લૂંટ-ફાટ થતી હોય, વિદેશી પ્રવાસી બ્લોગર્સની છેડતી થતી હોય તો આપણું પાસપોર્ટનું રેન્કિંગ ક્યાં જાય એ તો પછીનો પ્રશ્ન રહે, પણ અન્ય રાષ્ટ્રોના નાગિરકોનો સામાન્ય અભિગમ સાવચેતી અને સવાલો ભર્યો રહે એમાં કોઇ નવાઇ નથી.  માનવાધિકારના પ્રશ્નો પણ પાસપોર્ટ રેન્કિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ તો ‘એક્ઝોટિક ઇન્ડિયા’નો મોહ વિદેશીઓમાં ઓછો થવાની શક્યતા પાંખી છે, પણ છતાં ય આપણે ભારતીયો તથા  વિદેશીઓની સલામતી જાળવવામાં પાછા ન પડીએ એ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024

Loading

...102030...785786787788...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved