Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનાં બંધારણમાં જે કહેવામાં આવ્યું છે એ જ તેનાં હજારો વરસ પહેલાં વેદોએ કહ્યું છે 

રમેશ ઓઝા|Opinion - Cartoon, Opinion - Opinion|7 April 2024

અથર્વવેદના ૧૨માં મંડલમાં આવેલા ભૂમિસુક્તમાં એક મંત્ર છે : 

जनं बिभ्रती बहुधा विचावसं नानाधर्माणम् पृथिवी यथौकसम् ।

सहस्र धारा द्र्वीणस्यमेदूहाम्, ध्रिवेव धेनुंरनप्रस्फ़ुरन्ती (અથર્વવેદ ૧૪: ૧: ૪૫)

મંત્ર કહે છે કે આ પૃથ્વી વિવિધ ભાષા ભાષીઓને, વિવિધ પ્રકારે જીવન જીવનારાઓને દરેક પ્રકારના મનુષ્યોને એક ઘરના સભ્યો સમાન ધારણ કરે છે. એને લાત નહીં મારનારી સોજી ગાયની જેમ દોહી શકાય છે.

રમેશ ઓઝા

આગળ વધતા પહેલાં આ મંત્ર ફરી વાંચો. અહીં પ્રતિષ્ઠિત વિદ્વાનોને અનુસરીને ભાષા ભાષી એવો શબ્દપ્રયોગ મેં કર્યો છે, પણ મંત્રમાં ભાષા શબ્દ નથી વાચા શબ્દ છે. ભાષા એટલે અભિવ્યક્તિનું માધ્યમ એવી ભાષા જેમ કે ગુજરાતી, મરાઠી સંસ્કૃત વગેરે. વાચાનો મુખ્ય અર્થ  અભિવ્યક્તિ થાય છે. પીડાને વાચા આપવી હોય તો પીડાનું સ્વરૂપ, પીડાનું કારણ અને પીડા કોણ આપે છે એ બધું એમાં આવે. ભાષા એક જ હોવા છતાં ય આસ્તિકની વાચા અલગ હોય અને નાસ્તિકની વાચા અલગ હોય. ભક્તની વાચા અલગ હોય, શંકા કરનારાઓની વાચા અલગ હોય. ટૂંકમાં વેદ કહે છે કે આ ધરતીમાતા અનેક પ્રકારના અભિપ્રાય ધરાવનારાઓને પોતાનાં કુટુંબીજન ગણે છે. કોઈ ભેદભાવ કરતી નથી. અને જો આ ધરતી અનેક ભાષાભાષીઓને પોતાનાં ગણે છે એવો અર્થ લેવામાં આવે તો હિંદુ અસ્મિતાવાદીઓએ સ્વીકારવું પડશે કે વૈદિક યુગમાં સંસ્કૃત સિવાયની બીજી ભાષાઓ કે બોલીઓ બોલાતી હતી. કાં તો અભિપ્રાયનું બાહુલ્ય સ્વીકારો કાં બોલાતી ભાષાઓનું. બન્ને રીતે બાહુલ્ય તો સ્વીકારવું જ પડશે. વૈદિક યુગમાં ભાષાનું બાહુલ્ય સ્વીકારો તો સંસ્કૃત ભાષા આધારિત ભારતનાં સાંસ્કૃતિક ઇતિહાસનું પુનરાવલોકન કરવું પડે. સંસ્કૃત દેવભાષા છે અને માનવીની પહેલી વાણી સંસ્કૃતમાં સ્ફોટ પામી હતી એવો હિંદુઓને મનભાવન ઇતિહાસ પર ફેરનજર કરવી પડે.

અને દેવભાષા? મરાઠી સંત કવિ એકનાથે કહ્યું છે કે संस्कृतवाणी देव केली, प्राकृत तरी चोरापासोनी जाली અને આગળ લખે છે : देवाची नाहीं वाचाभिमान, संस्कृत प्राकृत त्या समान. જો સંસ્કૃત ભાષા દેવોએ રચેલી છે તો શું પ્રાકૃત કે એવી બીજી કોઈ પણ ભાષા ચોરોએ રચી છે? પણ વાત એમ છે કે આ બધો અસ્મિતાઓનો ઘટાટોપ માનવરચિત છે, બાકી દેવોને માટે તો બધી ભાષા સમાન છે. અહીં સંત તુકારામનું પણ એક કથન ટાંકવું જોઈએ. તુકારામે કહ્યું છે : सत्य असत्याशी मन केले ग्वाही, मानियेले नाही बहुमता. સત્ય અસત્યનો વિવેક પોતે વિચારીને કરવાનો હોય, બહુમતીથી દોરવાઈને નહીં. બહુમતી અભિપ્રાયની વિરુદ્ધ જઇને સત્ય અને અસત્યની વચ્ચે વિવેક કરવાની તુકારામ શીખ આપે છે. પણ અસ્મિતાઓનો ઘટાટોપ રચનારાઓ શાસ્ત્રોનો, દેવોનો અને સંખ્યાનો લાભ લે છે. માત્ર લાભ નથી લેતા, તેનાં નામે ડરાવે છે. અસ્મિતાઓનો આ ઘટાટોપ તેઓ એટલા માટે નથી રચતા કે તેઓ તેમાં રાચે છે, તેનાં દ્વારા તેઓ પોતાનું પેટ ભરે છે અથવા સમાજ પર વિવિધ પ્રકારે સરસાઈ કે સત્તા ભોગવે છે. રાચે છે તો એ લોકો જેઓ બેવકૂફ છે. બાબા રામદેવ સામે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલો કેસ આનું પ્રમાણ છે અને આજકાલ આવાં પ્રમાણો ચારેબાજુ મળે એમ છે. બીજી બાજુ કહેવાતી બહુમતીની (popular narrative કહી શકો) વિરુદ્ધ બોલનારાઓને દેશ અને ધર્મના નામે સતાવવામાં આવે છે. मानियेले नाही बहुमता કહેવા માટે સંત તુકારામની હત્યા કરવામાં આવી હતી. પણ અથર્વવેદના કહેવા મુજબ આ પરમ ઉદાર ધરતીમાતા તુકારામોની હત્યા કરનારાઓને પણ એટલાં જ પોતાનાં ગણે છે જેટલા તુકારામને.

બીજો શબ્દ છે ધર્મ. नानाधर्माणम् અનેક પ્રકારનાં ધર્મો. સંસ્કૃતમાં ધર્મનો અર્થ અંગ્રેજી religion નથી થતો. ખૂબ વ્યાપક અર્થછાયાઓ ધર્મ શબ્દ ધરાવે છે. જીવનરીતિ, જીવનશૈલી, જીવનદૃષ્ટિ, ફરજ, સ્વભાવ વગેરે અનેક અર્થ થાય છે. વેદ આનાં બાહુલ્યને સ્વીકારે છે અને અપનાવે છે. જેને જે યોગ્ય લાગે એ રીતે એ જીવી શકે. જેમ કે કોઈને હવનમાં કોઈ લાભ દેખાય તો એ હવન કરે અને કોઈને એમાં પ્રદૂષણ દેખાય તો ન કરે. બન્નેનાં આચરણ પાછળ કોઈને કોઈ દૃષ્ટિકોણ છે. કોઈને સન્યાસમાં મુક્તિ નજરે પડે અને કોઈને એમાં ભાગેડુપણું નજરે પડે. કોઈ તપનો કે સંયમનો મહિમા કરે અને કોઈને એમાં દેહ સાથે કરવામાં આવતો અત્યાચાર નજરે પડે. આવા તો અનેક દાખલા આપી શકાય. આપણા રોજીંદા જીવનમાં આ બધું આપણે જોઈએ. પણ સમસ્યા એ છે કે કેટલાક લોકો માસ્તર બની બેઠા છે અને બને કે આવા માસ્તરો વેદોના સમયમાં પણ હોવા જોઈએ. માટે તુકારામે કહેવું પડ્યું હતું કે मानियेले नाही बहुमता.

લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે વાત તરફ ધ્યાન દોરવી છે. નોબેલ પારિતોષિક વિજેતા અને આપણા યુગના મોટા વિચારક અમર્ત્ય સેને તેમનાં The Argumentative Indian – Writings on Indian Culture, History and Identity નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ચર્ચાવિચારણાની પરંપરા ભારતમાં વૈદિક યુગથી જોવા મળે છે. હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સુધી શંકા અને સવાલ ઉપસ્થિત કરવામાં ન આવે ત્યાં સુધી ચર્ચા શક્ય નથી. તેમણે ઋગ્વેદમાં આવતા નાસદીય સૂક્તને આનાં પ્રમાણ તરીકે રજૂ કર્યું છે. નાસદીય સૂક્તમાં કોણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું, શેમાંથી કર્યું અને સર્જન થયું એના પહેલાં શું હતું એવા અસ્તિત્વને લગતા પ્રશ્નો ઉપસ્થિતિ કરવામ આવ્યા છે. જો નાસદીય સૂક્તને શંકા ઉપસ્થિત કરનારો પાયાનો પથ્થર માનીએ તો અથર્વવેદનો આ મંત્ર તેનો કળશ ગણાય. ધરતી માતા વિચાર અને આચરણને જોઇને કોઈની વચ્ચે ભેદ નથી કરતી. દરેકને પોતાનાં સંતન સમજે છે અને પાટુ નહીં મારતી સોજી ગાયની જેમ દૂધ આપે છે. આ હા! શું અદ્બુત વિકાસયાત્રા. 

અને બીજી વાત. આધુનિક લોકતાંત્રિક દેશોમાં અંતરાત્માને અનુસરવાનો તેમ જ એ રીતે જીવન જીવવાનો અને પોતાનાં અભિપ્રાયને વ્યક્ત કરવાનો નાગરિકોને અધિકાર આપવામાં આવ્યો છે. એ અધિકારને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતે પણ પોતાનાં બંધારણમાં આવી જોગવાઈ કરી છે. પણ બંધારણમાં જે કહેવામાં આવ્યું છે એ જ તેનાં હજારો વરસ પહેલાં વેદોએ કહ્યું છે. 

હવે તમે જો સાચા હિંદુ હો અને હિંદુ હોવા માટે ગર્વ અનુભવતા હો તો તમારે વિચારવું જોઈએ કે તમારે વેદોને અનુસરવા જોઈએ કે પછી કોઈના ખાસ એજન્ડાને? કોણ શ્રેષ્ઠ? પણ હા, વેદોને અનુસરતી વખતે એ નહીં ભૂલતા કે ખુદ વેદોએ શંકા અને સવાલ કરવાની સલાહ આપી છે અને એ પછી પણ દરેકને સ્વીકારવાનું કહ્યું છે. શંકાનું સ્વાગત અને ઉદારતા અનિવાર્ય. હાડના હિન્દુએ વિચારવું રહ્યું.  

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 ઍપ્રિલ 2024

Loading

ભુલાઈ ગયેલા ભુલાભાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 April 2024

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, રાજ્યસભા ટી.વી.ના હોસ્ટ, સૈયદ મહોમ્મદ ઈરફાનના લોકપ્રિય કાર્યક્રમ ‘ગુફ્તેગૂ વિથ ઈરફાન’માં, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને કમ્યુનિસ્ટ નેતા સુભાષિની અલીની મુલાકાત સાંભળવાનો અવસર મળ્યો હતો. સુભાષિની અલીની બીજી ઓળખાણ એ છે કે તેઓ સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના સૈનિકો, કેપ્ટન પ્રેમ સહેગલ અને કેપ્ટન લક્ષ્મી સહેગલનાં પુત્રી છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત ઔપચારિક રીતે આઝાદ થયું, તેના ચાર મહિના પછી, 29 ડિસેમ્બરના રોજ સુભાષિનીનો જન્મ થયો હતો. તેમની પાસે આઝાદીની અને બોઝની આર્મીની અનેક યાદો છે.

કાર્યક્રમમાં, ઇન્ડિયન નેશનલ આર્મીના ત્રણ સૈનિકો સામે બ્રિટિશરોએ ચલાવેલા રાજદ્રોહના ખટલાની વાત નીકળી હતી. આ બહુ જાણીતો ખટલો છે. તેમાં મુંબઈના પ્રસિદ્ધ ગુજરાતી બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈએ, તેમના નબળા સ્વાસ્થ્ય છતાં, ત્રણ મહિના સુધી ત્રણે ભારતીય સૈનિકોનો જબરદસ્ત બચાવ કર્યો હતો. જજે જો કે ત્રણેને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. ભુલાભાઈ બીજા જ વર્ષે, 6 મે 1946ના રોજ, અવસાન પામ્યા.

ઈરફાને સુભાષિની અલીને કહ્યું કે ભારતની આઝાદીની લડાઈમાં, ભુલાભાઈ દેસાઈનું યોગદાન વિસારે પડી ગયું છે, ત્યારે તેમણે ગાંધીજી સાથે ભુલાભાઈના અણબનાવનો ઈશારો કરીને કહ્યું હતું કે ભુલાભાઈ રોજ સાંજે શરાબ પીવાના શોખીન હતા. ગાંધીજીને આ વાત ગમતી નહોતી, પણ એ એટલા મોટા નેતા હતા કે કાઁગ્રેસની બધી મિટિંગો તેમના ઘરે થતી હતી, તેમના ખર્ચે થતી હતી. તેમને મિટિંગમાં સામેલ થવા દેવામાં આવતા નહોતા, તેમ છતાં તેમણે કાઁગ્રેસ કે આઝાદીના અંદોલન પ્રત્યેની તેમની નિષ્ઠાને ઓછી થવા દીધી નહોતી.

વાસ્તવમાં, મતભેદનું કારણ એથી ય મોટું હતું. 1942થી 1945 સુધી ભારત છોડો આંદોલન દરમિયાન ગાંધીજી સહિત કાઁગ્રેસ કાર્યકારી સમિતિની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે દેસાઈ એવા કેટલાક કાઁગ્રેસી નેતાઓમાંના એક હતા જેઓ આઝાદ હતા. એવો આરોપ છે કે રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ પર દબાણ કરતી વખતે, દેસાઈએ 1945માં મુસ્લિમ લીગના બીજા સૌથી મહત્ત્વપૂર્ણ નેતા લિયાકત અલી ખાન સાથે ગુપ્ત વાટાઘાટો શરૂ કરી હતી.

વાટાઘાટો પાછળ તેમનો ઈરાદો સ્વતંત્ર ભારતમાં હિંદુઓ અને મુસ્લિમોની સંયુક્ત સરકાર રચવાનો હતો. બદલામાં લિયાકત અલગ પાકિસ્તાનની માંગ જતી કરવા તૈયાર હતા. મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે લીગને બહુમતી હિંદુઓ સાથે સમાન સ્થાન આપીને, દેસાઈએ એક આદર્શ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે તેમના મતે, આઝાદીના માર્ગને ઝડપી બનાવશે અને ભારત છોડો અંદોલનનો અંત લાવશે.

એવું કહેવાય છે કે ભુલાભાઈ ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અથવા અન્ય કોઈ કાઁગ્રેસી નેતાની જાણ વિના આ સોદો કરી રહ્યા હતા અને લિયાકત અલીએ તેમના વડા મોહમ્મદ અલી જિન્નાથી આ વાત છુપાવી હતી.

જ્યારે એક અખબારમાં આ સોદાની વાતો લીક થઇ, ત્યારે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેમાં ધમાલ થઇ ગઈ. પછી તો ભુલાભાઈએ ગાંધીજી સમક્ષ બધી વાતો જાહેર કરી હતી, પણ જિન્નાહ અને લીગે આવી સમજૂતીની વાતને નકારી કાઢી હતી અને લિયાકત અલી ખાન પણ નામક્કર ગયા. આવો સોદો થયો છે એવા ભુલાભાઈના દાવાને એક તરફ મુસ્લિમ લીગે હસી કાઢ્યો, તો બીજી તરફ કાઁગ્રેસમાં રોષ વ્યાપી ગયો. પરિણામ એ આવ્યુ કે ભુલાભાઈ પરથી નેતાઓનો વિશ્વાસ ઊઠી ગયો અને તે હાંસિયામાં ધકેલાઈ ગયા.

તેમના ખરાબ સ્વાસ્થ્યને આગળ ધરીને ભારતની બંધારણ સભાની ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. કાઁગ્રેસમાં એવી લાગણી ઘર કરી ગઈ હતી કે કાઁગ્રેસની નેતાગીરી જેલમાં હતી ત્યારે, ભુલાભાઈ તેમની સત્તા અને લોકોપ્રિયતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

ભારતના પ્રથમ સોલિસિટર જનરલ અને ભુલાભાઈના મિત્ર સર ચિમનલાલ સેતલવાડનો દાવો છે કે ગાંધીજીને આ વાટાઘાટોની સંપૂર્ણ જાણકારી હતી અને હકીકતમાં તેમનો મૌન ટેકો પણ હતો. ભુલાભાઈ જ્યારે મૃત્યુશૈયા પર હતા, ત્યારે ગાંધીજી તેમને મળવા ગયા હતા અને તે દિવસે તેમણે ‘મૌનવ્રત’ સેવ્યું હતું એટલે એક પણ શબ્દ બોલ્યા વગર પાછા આવ્યા હતા.

વલસાડના એક મામુલી સરકારી વકીલ જીવણજી દેસાઇને ત્યાં, 13 ઓક્ટોબર, 1877ના રોજ, તેમની અશિક્ષિત પત્ની રમાબાઈને એક પુત્રનું ભાગ્ય ફળ્યું ત્યારે, તેમની કલ્પનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમનો આ પુત્ર મોટો થઈને ભારતની આઝાદી માટે લડાઈ લડશે.

ભુલાભાઈ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા એટલે બહુ લાડમાં ઉછર્યા હતા. તેમના મામાએ આ ભાણિયાને ભણાવવાનું કામ ઉપાડી લીધું હતું. ભુલાભાઈએ વલસાડની અવાબાઈ સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. તે પછી હાઈસ્કૂલમાં ભણવા માટે તેમને મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ભરડા હાઈસ્કૂલમાંથી 1895માં તેમણે પ્રથમ સ્થાને મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.

ભુલાભાઈનું અસલી ઘડતર એલ્ફિન્સ્ટનમાં થયું હતું. વલસાડ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવેલો એક છોકરો અહીં અંગ્રેજી સાહિત્ય અને કવિતાનો પ્રેમી બની ગયો હતો. અંગ્રેજી પ્રત્યેના પ્રેમના કારણે જ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી અને અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રોફેસરની નોકરી પણ મેળવી હતી, જ્યાં તેમણે અંગ્રેજી અને ઇતિહાસ ભણાવ્યો હતો.

આમ તો એ એક ગુમનામ શિક્ષક બનીને રહી ગયા હોત, પરંતુ સાથે સાથે કાયદાનો પણ અભ્યાસ કરવાના કારણે ભુલાભાઈ તત્કાલીન ભારતની સામાજિક-રાજકીય સમસ્યાઓના પરિચયમાં આવ્યા અને એમાંથી જ તેમને અંગ્રેજોના કુશાસનનો ખ્યાલ આવ્યો હતો.

ભુલાભાઈ નસીબદાર હતા. 1905માં તેમની શિક્ષણની નોકરી છોડીને તેમણે વકીલાત શરૂ કરી, અને બે દાયકામાં તો કલકત્તાથી શરૂ કરીને લાહોર સુધી તે એક લોકપ્રિય વકીલ તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. એક સમયે તે રોજના 20થી 40 કેસમાં દલીલો કરતા હતા.

ભુલાભાઈ પર લખેલા એક પુસ્તકમાં સર સેતલવાડ લખે છે કે, “તેમની સ્મૃતિ જબરદસ્ત હતી. તેઓ કાગળ વગર કોર્ટમાં જટિલ બાબતોની ચર્ચા કરતા હતા. આ એક એવો ગુણ હતો જેના કારણે બારમાં તેમનું સ્થાન બહુ ઊંચું થયું હતું.”

બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાતા ગુજરાતના ખેડૂતોના અંદોલનમાં ભુલાભાઈ બીજા એક ગુજરાતી, સરદાર પટેલના સંપર્કમાં આવ્યા હતા. મહાત્મા ઈચ્છતા હતા કે ખેડૂતોનો કેસ કાબેલ વકીલ જ લડે અને એમાં તેમની પસંદગી ભુલાભાઈ હતા. ભુલાભાઈ ખેડૂતોના પક્ષની સજ્જડ રજૂઆત કરી અને સરકારે મહેસૂલમાં સુધારો કર્યો, જપ્ત કરેલી જમીન પરત કરી અને ખેડૂતોને જેલમાંથી મુક્ત કર્યા. એ દિવસથી તેઓ સમર્પિત ભારતીયોમાં એક દંતકથા બની ગયા.

પછી તો કાઁગ્રેસમાં અને આઝાદીની લડતમાં તેમનું સ્થાન સતત ઊંચું થતું ગયું. કમનસીબે, 1945 સુધીમાં તેમનાં વળતાં પાણી પણ થયાં. આજે, ભુલાભાઈ દેસાઈની યાદગીરી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ કે મહાલક્ષ્મી મંદિર તરફ જતા એક રોડના નામ સુધી સીમિત રહી ગઈ છે. ઘણા લોકો તો તેને હજુ ય વોર્ડન રોડ તરીકે જ બોલાવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લદ્દાખ ક્યાં? : છીનવાઇ ગયેલી સ્વાયતત્તા અને સરકારમાં પાંખા પ્રતિનિધિત્વની ખીણમાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 April 2024

ચિરંતના ભટ્ટ

જ્યારે ખીણ પ્રદેશ, પથરાયેલા પહાડો વચ્ચેનાં સ્થળોએ આપણે બૂમ પાડીએ તો પડઘો પડે. કમનસીબે લદ્દાખ, જે ભારતનો અત્યંત રમણીય પ્રદેશ છે અને ત્યાંની સફર કરનારાઓને સ્વર્ગ સમો અનુભવ થાય છે, પણ ત્યાંના વિસ્તારોમાં વસતા લોકોની બૂમોના કોઇ પડઘા નથી પડી રહ્યા. કેન્દ્ર સરકારે પોતે લદ્દાખને જે વાયદા કર્યા હતા, એની હાલત ટોચ પરથી ખીણમાં બગડી ગયેલા નાનકડા કાંકરાઓ જેવી છે અને લોકશાહી પણ એ કાંકરાઓ સાથે સાવ તળિયે ધસી ગઇ છે.

2019માં જમ્મુ-કાશ્મીર પરથી 370ની કલમ ખસેડી લઇને આ રાજ્યોનો વિશેષ દરજ્જો દૂર કરાયો હતો. આ સાથે લદ્દાખ પણ જમ્મુ-કાશ્મીરથી અલગ થયું અને વિધાનસભાના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો તેને મળ્યો, જે તેના પહેલાંના સ્તરથી નીચલું સ્તર છે. જમ્મુ-કાશ્મીર માટે ખેલાયેલા રાજકારણમાં લદ્દાખ રાજકીય અને આર્થિક અસ્થિરતાનો ભોગ બન્યું છે. પહેલાં લદ્દાખ જમ્મુ-કાશ્મીરનો ભાગ હતો, 370ના હટી જવાથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા તો ખરા પણ એમાં પણ ભેદભાવ રહ્યા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે તો લદ્દાખમાં નથી. લોકસભામાં લદ્દાખનું પ્રતિનિધિત્વ કરવા માટે ગણીને એક માણસ છે અને આપણી લોકસભામાં કેટલી લોકશાહી છે એ તો આપણે બધા બહુ સારી પેઠે જાણીએ છીએ. લદ્દાખની ચાર મુખ્ય માંગણીમાં એક છે, લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાનો, છઠ્ઠી સૂચિ હેઠળ બંધારણીય સુરક્ષાની માંગ, પબ્લિક સર્વિસ કમિશનની રચના અને સ્થાનિક યુવકો માટે કમિશન અને નોકરીની અનામત તથા છેલ્લે લેહ અને કારગીલ માટે બે અલગ સંસદીય મતવિસ્તારોની રચના. જો લદ્દાખને છઠ્ઠી સૂચિ હેઠળ લેવામાં આવે તો બંધારણમાં તેને જમીન, જંગલો, પાણી અને ખીણને લગતી પ્રવૃત્તિઓમાં સ્વાયત્તતા મળી શકે. આમ થાય તો તેઓ પોતાની આર્થિક સ્થિરતા, કુદરતી ઓળખ અને રોજગારી વગેરેને પોતાની રીતે સાચવી શકે. કેન્દ્ર સરકાર દૂર બેઠા લદ્દાખનું શાસન સાચવવા જશે તો અંધાધૂંધી અને દટાઇ જતી લોકશાહી સિવાય કંઇ હાથમાં નહીં આવે.

લદ્દાખમાં લોકશાહીની સ્થિતિ બરાબર એવી જ છે જેવી ઊંચાઇ પર જતા હવાની થઇ જતી હોય છે – એટલે કે તદ્દન પાતળી અને પાંખી. સોનમ વાંગચુક જે શિક્ષણ સુધારક અને ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતા વૈજ્ઞાનિક છે, અને તેમના વિશે મોટાભાગના લોકો એટલે જાણે છે કે તેમના આધારે રાજકુમાર હિરાણીની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં આમિર ખાનનું ફુંગ્શુક વાંગડુ નામનું પાત્ર રચાયું હતું. તે સોનમ વાંગુક પણ લદ્દાખના મામલે ઉપવાસ પર ઉતર્યા હતા. લદ્દાખમાં થઇ રહેલા વિરોધ દેખવોમાં સોનમ વાંગચુકે એક જ વાત કરી હતી કે 2019માં ભા.જ.પા. સરકારે પોતાના મેનિફેસ્ટોમાં જે પણ વાયદા કર્યા હતા, જે ઘોષણાઓ કરી હતી કે લદ્દાખને બંધારણીય સુરક્ષા મળશે અને તેને છઠ્ઠી સૂચિ એટલે કે સિક્સ્થ શેડ્યુલમાં ઉમેરવામાં આવશે, એવું તો કંઇ જ કરવામાં આવ્યું નથી. લદ્દાખના આદિવાસી પ્રદેશના દરજ્જાની માંગની પણ વાત ચાલી છે. કાન ફાડી નાખે એવું કેન્દ્ર સરકારનું મૌન એટલું સજ્જડ છે કે ખીણ પ્રદેશનો સૂનકાર પણ તેની સામે વામણો લાગે.

લદ્દાખના પ્રશ્નને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. ઉત્તરીય સરહદ પરનું લદ્દાખ ચીન અને પાકિસ્તાનની સરહદની નજીક હોવાને કારણે બહુ જ હેરાન થયું છે. તેમાં ય ખાસ કરીને 370ની કલમ ખસેડી લેવાઇ હોવા છતાં ચીન તો આ આખી બાબતને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવીને લદ્દાખની સરહદમાં વધુ અંદર સુધી ધસી આવ્યો. 2020માં ગલવાન ખીણમાં જે સંઘર્ષ થયો હતો એ પછી એ લદ્દાખના ઘણા પેટ્રોલિંગ પોઇન્ટ ભારતીય સેના અને સરહદી રહેવાસીઓ માટે ‘નો-ગો’ ઝોનમાં ફેરવાઇ ગયા છે. ચીનના સૈનિકો લદ્દાખી પશુપાલકોને પ્રાણીઓના ચરવાની જમીન – ગોચરમાંથી પાછળ ધકેલી રહ્યા છે, લદ્દાખીઓને ડર છે કે કાલે ઊઠીને આ સૈનિકો તેમને પોતાના જ ઘરમાંથી તગેડી મુકશે. આ ચીનની ઘુસણખોરી અને પાકિસ્તાનની આડોડાઇથી કેન્દ્ર સરકાર જરા ય અપરિચિત નથી તો પછી આ નફ્ફટાઇભરી અવગણનાનો શું અર્થ? 

ભારતીય સંઘમાંથી વગર લેવેદેવે લદ્દાખ હાંસિયામાં ધકેલાઇ ગયો છે. બંધારણ વગરની યુનિયન ટેરીટરી બની ગયેલા આ પ્રદેશમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચૂંટાયેલી સરકાર વિના ગૃહમંત્રાલયને ભરોસે વહીવટ ચાલે છે. અરાજકતાને પગલે કેન્દ્ર સરકાર સામેનો રોષ લદ્દાખીઓમાં ટોચે પહોંચ્યો છે. લદ્દાખની ભૌગોલિક સ્થિતિને કારણે આ પ્રદેશ પાંચ મહિના સુધી તો બાકીના વિશ્વથી અલગ જ હોય છે. હિમવર્ષા અને કડકડતી ઠંડીને કારણે લદ્દાખ જાણે અમુક મહિનાઓમાં બંધ જેવું જ પાળે છે. વળી બદલાઇ રહેલાં પર્યાવરણને કારણે ત્યાં પર્યાવરણને લગતા પડકારો પણ મોટા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સરકારી માળખું ન હોય ત્યારે કેન્દ્ર સરકાર સ્વચ્છંદી રીતે પ્રદેશને પોતાના સ્વાર્થ માટે મનફાવે તેમ ઉપયોગમાં લે એવો ડર ચોક્કસ પેદા થાય.

 જેમ કે પ્રદેશનું લશ્કરીકરણ, સૈન્ય માટે જમીન હસ્તગત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર લઇ જ શકે છે. વળી પર્યાવરણમાં આવતા ફેરફારોને પગલે ત્યાં પાણીની તંગી ખડી થઇ છે. આવામાં ઔદ્યોગિક તથા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જો અહીં લૉન્ચ કરી દેવાશે તો જેમ જોશીમઠ વગેરેમાં જમીન ધસી પડી છે અને આખે આખા વિસ્તારો દટાઇ ગયા છે એવી ઘટના અહીં થાય એ માટે બહુ લાંબી રાહ નહીં જોવી પડે. આમ થયું તો પછી લદ્દાખ જઇને રીલ બનાવવાના સપનાં તો ભૂલી જવા પડશે અને એને માટે વાંક કાઢવો પડશે કેન્દ્ર સરકારનો. 

લદ્દાખની હાલત ધોબીનાં કૂતરાં જેવી થઇ ગઇ છે, ઘરમાં પણ સલામતી નથી અને સરહદે ચીની લશ્કર સતત નહોર બતાવે છે. ચીનના લશ્કરી હુમલાની ધમકીઓ અને કેન્દ્ર સરકારની નીતિઓને કારણે ફેલાયલા અસંતોષ સામે લડવા માટે લદ્દાખીઓ પર્યાવરણની સુરક્ષા, જમીન પર સ્વાયત્તતા અને લદ્દાખ માટે રાજ્યના દરજ્જાની માંગ કરે એમાં કોઇ ખોટી જક નથી બલકે પોતાની ઓળખ, પોતાના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવની જાળવણી અને પોતાને માટેની આર્થિક સામાજિક સુરક્ષા પોતાના હાથમાં રહે તેની ચોકસાઇની ચાહ છે. 

કેન્દ્ર સરકારની કામગીરી વહીવટી ઓછી અને રાજકીય વધારે છે. જે રીતે જમ્મુ-કાશ્મીરને હિંદુ ધર્મની ધરોહર તરીકે જોવામાં આવે છે તેનાથી સાવ અલગ લદ્દાખને તો લામાઓ અને ગોમ્પાઓનો પ્રદેશ ગણાય છે. લદ્દાખમાં મુસલમાનો બૌદ્ધો કરતાં ઘણી વધારે સંખ્યામાં છે એ ભૂલવા જેવી બાબત નથી. લદ્દાખની સમસ્યાઓમાં કોમવાદી અને ધર્મવાદી સંઘર્ષ નથી એટલે  પ્રદેશને એ જ રીતે નાણવામાં આવે છે. 

પાકિસ્તાન અને ચીન સાથેના સરહદી સંઘર્ષની ચિંતા બીજા બધા જ મુદ્દાઓ કરતાં મોટી છે. લદ્દાખ  પોતાને માટે બંધારણીય સલામતી અને સંસદમાં પ્રતિનિધિત્વ માગે છે. તકલીફ એ છે કે કેન્દ્ર સરકારનો અભિગમ એવો છે કે અમે આપીએ એ લઇ લો, તમને શું જોઇએ છે એ જાણવાની તસ્દી અમે નથી લેવાના કારણ કે અમે તો સરકાર છીએ એટલે જે કરીશું એ બરાબર જ કરીશું.

બાય ધી વેઃ  

ગૃહ મંત્રાલયે લદ્દાખના મુદ્દાઓને સંબોધવા ખાસ સમિતિ રચી છે અને તે સાબિત કરે છે કે લદ્દાખમાં સમસ્યા તો છે જ. લદ્દાખ બુદ્ધિસ્ટ એસોસિયેશન અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સની માંગ અંગે હજી સુધી કેન્દ્ર સરકાર રચિત સમિતિએ કોઇ જવાબ નથી આપ્યો. સોનમ વાંગચુક સહિત અન્યોએ જે વિરોધ પ્રદર્શનો કર્યા તેને પગલે લદ્દાખના પ્રશ્નોને વધુ ગંભીરતાથી સંબોધવાની અનિવાર્યતા સરકારને નથી સમજાતી એવું તો નથી જ. પણ બેરોજગારી, પર્યાવરણીય અસંતુલન, સ્વાયત્તતાની ગેરહાજરી, સંસ્કૃતિની જાળવણી જેવા પ્રશ્નોને વિકાસ અને શક્તિ પ્રદર્શનના બ્લિન્કર્સ પહેરનારી કેન્દ્ર સરકાર મહત્ત્વ આપશે ખરી? આમ જોવા જઇએ તો કેન્દ્ર સરકાર માટે ભારતના મોટા ભાગના સરહદી રાજ્યો બળતાં ઘર જેવા છે, પછી એ મણિપુર હોય કે અરુણાચલ પ્રદેશ કે પછી કાશ્મીર –  આંખ આડા કાન કરવાથી અહીં લાગેલી આગની ઝાળ પોતાના સુધી નહીં પહોંચે એમ માનવાની ભૂલ કેન્દ્ર સરકારે ન કરવી જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2024

Loading

...102030...769770771772...780790800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved