ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં

ચિરંતના ભટ્ટ
યુરોપે હંમેશાં એમ દેખાડ્યું છે કે ભૌગોલિક રાજનીતિની વાત આવે, ત્યારે પોતે સંતુલન જાળવ્યું છે અને નૈતિકતાને મામલે આ આખી ચોપાટમાં પોતે અગ્રેસર છે, ધ્વજ વાહક છે. જો કે યુરોપનો દંભ હવે ઉઘાડો પડી રહ્યો છે. યુરોપના નેતાઓ ભારત, ચીન અને બ્રાઝીલને દમદાટી આપી રહ્યા છે. તેઓ ચાહે છે કે આ દેશોએ રશિયા સાથે વ્યાપાર બંધ કરી દેવો જોઇએ. તેમની ધમકીનો સૂર કંઇક આવો છે, “રશિયા સાથે વેપાર બંધ કરો – નહીંતર અમારા તરફથી પ્રતિબંધોનો સામનો કરો.” NATOના મહાસચિવ માર્ક રટે આ ધમકીનો પડઘો પાડ્યો અને ઉમેર્યું કે જે પણ રાષ્ટ્ર મોસ્કો સાથે તેના આર્થિક સંબંધોને ગાઢ બનાવશે તેની પર સેકન્ડરી પેનલ્ટીઝ – સેકન્ડરી સેન્કશન્સ એટલે કે ગૌણ દંડ લાગી શકે છે. યુરોપના આ નૈતિક તણાવનો બીજો ચહેરો એ છે કે યુરોપીય ખંડ હજી પણ રશિયન શાસકો સાથે આર્થિક રીતે નજીકથી જોડાયેલો છે. પોતે સંબંધ બગાડવા નથી પણ અન્ય રાષ્ટ્રોને અલગ પાડવાની વાત કરે છે.
આપણે ક્રુડ ઓઇલના વેપારની જ વાત કરીએ તો યુરોપ આમ તો અશ્મિગત ઈંધણ વગરના ભવિષ્યની વાતો જોરશોરથી કરે છે પણ રશિયન ઊર્જાની આયાત પરોક્ષ રીતે ચાલુ રાખે છે. એક અહેવાલ પ્રમાણે ભારત દ્વારા આયાત કરાયેલા રશિયન ક્રુડ ઓઇલનું નિસ્યંદન કે શુદ્ધિકરણ જામનગરમાં કે મુંબઈમાં થાય છે અને બાદમાં ડીઝલ અને જેટ ઈંધણ તરીકે તેની અમેરિકામાં નિકાસ કરાય છે. નેધરેલેન્ડ્ઝ તેના પુનઃનિકાસ કેન્દ્ર તરીકે કામ કરે છે જે જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશોમાં તેનો પુરવઠો પહોંચાડે છે. યુરોપના નેતાઓ જેને નૈતિક દબાણનું નામ આપીને અન્ય દેશોને ઠોંસો મારે છે તે ખરેખર તો તેમની પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટેની આર્થિક પાઇપલાઇન જ છે.
વાત માત્ર ક્રુડ ઓઇલની નથી પણ શેડો ફ્લીટ એટલે કે જૂના ટેંકરોનું એવું વૈશ્વિક નેટવર્ક જે ઓછા નિયમન વાળા ટૅગ હેઠળ રશિયન ક્રૂડ ઓઇલને એશિયા અને આફ્રિકામાં પહોંચાડે છે. અહીં પશ્ચિમી દેશોની દેખરેખ ઓછી છે. યુરોપે જ્યારે મૂલ્ય મર્યાદાની વાત કરી એટલે કે પ્રાઇસ કૅપની વાત કરી ત્યારે તેમનો હેતુ તો બહુ સારો હતો પણ તેનાથી થયું શું? મૂલ્ય મર્યાદાને પગલે રશિયાએ પોતાના મોટા ભાગના ક્રુડ ઓઈલનો પુરવઠો ભારત, ચીન, તુર્કી સહિતના એવા દેશો તરફ મોકલવાનો શરૂ કર્યો જે દેશો ચૂકવણી કરવા તૈયાર હતા અને મંજૂરીના તર્કને લઇને બહુ માથાકૂટ નહોતા કરતા.
યુરોપના વિચાર અને વહેવારમાં સમાનતા નથી. તેની નૈતિક વાણી અને તેનો વહેવાર આ માળખાકીય વાસ્તવિકતાને અવગણે છે. યુરોપ માટે આપણી કેન્દ્ર સરકાર સામે આંગળી ચિંધી તેમનો વાંક જોવો સહેલો છે પણ બ્રસેલ્સના સ્વાર્થી વહેવાર સામે તેઓ આંખ આડા કાન કરે છે. યુરોપના નેતાઓ ભૂલી જાય છે કે રિફાઇન થયેલા ઉત્પાદનોનો લાભ તેઓ પોતે પણ લઇ રહ્યા છે. આમાં નૈતિકતા નહીં પણ રાજકીય આડોડાઇની વાત છે. NATOના નેતાઓ ભારત જેવા લોકશાહી દેશને ઉપદેશ આપે છે ત્યારે ભૂલી જાય છે કે તેમનો દંભી અભિગમ તેમની જ વિશ્વસનીયતા ખોરવી નાખનારો સાબિત થશે.
આ વ્યાપારી અભિગમની વાત છે પણ NATO આંતરિક રીતે તૂટી રહ્યું છે અને યુરોપમાં રાજકીય ભૂમિકા બદલાઇ રહી છે. જૂન 2025ના સમિટમાં સાથી દેશોને 2035 સુધીમાં સંરક્ષણ બજેટ 2 ટકા જી.ડી.પી.થી વધારીને સામૂહિક 5 ટકા કરવાની વિનંતી કરાઇ. રાજકીય વાસ્તવિકતા સાવ અલગ અને આકરી છે – સ્પેને તો 3.5 ટકા જેટલો સામાન્ય વધારો કરવાની પણ ના ફરમાવી દીધી અને માત્ર 2 ટકાથી વધારે કરી શકશે તેવો પ્રસ્તાવ મૂક્યો. પૂર્વ યુરોપમાં ખાસ કરીને પોલેન્ડ અને બાલ્ટિક રાષ્ટ્રોને તાત્કાલિક પગલાં લેવાય તેમાં રસ છે. પશ્ચિમી યુરોપના દેશો સામાજિક ખર્ચમાં કટોકટી કરવાનો ઇનકાર કરે છે, ફ્રાન્સ અને બ્રિટનને ડર છે કે તેમના વેલફેર – કલ્યાણ માટેની સુવિધાઓ ઘટી જશે. પૂર્વ યુરોપને રશિયા ફરી બળૂકો થઇને બેઠો થશે તો શું?ની ચિંતા છે એટલે NATO પાસેથી આકરી કાર્યવાહીની માગ કરે છે. પશ્ચિમ યુરોપને રશિયાથી ઓછું જોખમ અનુભવાય છે એટલે તે મોસ્કો સાથેના આર્થિક સંબંધોના ટૂંકા ગાળાના લાભને જુએ છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશોની દૃષ્ટિ ખંડીત છે, એક દિશામાં નથી તે અહીં સાબિત થઇ જાય છે. આ બધા ખેલમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું ટ્રમ્પેટ પણ ચાલુ છે. તેમણે NATOના સભ્યોને ચેતવણી આપી છે કે જો તેઓ રક્ષા ખર્ચની ચૂકવમી નહીં કરે તો અમેરિકા પણ રક્ષણ નહીં આપે. ટ્રમ્પના આ વિધાને યુરોપમાં ડરનો માહોલ ખડો કર્યો છે.
આપણે એક રાષ્ટ્ર તરીકે વિરોધાભાસી સ્થિતિમાં છીએઃ NATO રશિયન આક્રમકતા વિશે નૈતિક દલીલો તો કરે છે પણ NATOની પોતાની જ વિશ્વસનીયતા ડગુમગુ થઇ રહી છે. યુરોપ ઇચ્છે છે કે ભારત કોઈ એક પક્ષ લે – પણ યુરોપના વિવિધ દેશોમાં બજેટ, વ્યૂહરચના અને અમેરિકા પ્રત્યેની નિષ્ઠા જેવા મુદ્દાઓ પર ઝગડા વધી રહ્યા છે. કાગળ પર જે બાબતો મજબૂત લાગે છે તે અંગે થતું રાજકીય ઘર્ષણ એ વાતનો પુરાવો છે કે યુરોપીય દેશોમાં સંપ નથી અને તેઓ અસંગતતાના જોખમનો સામનો કરી રહ્યા છે.
17 જુલાઈના રોજ ભારતે NATOના “ડબલ સ્ટાન્ડર્ડ્સ”ને સાવ સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધા. નૈતિક દબાણનો જવાબ આપતા ભારતે જણાવ્યું કે રાષ્ટ્રીય ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવી એ તેનો હક છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ જણાવ્યું કે જો રશિયન આયાતમાં અવરોધ આવે, અને જરૂર પડે તો ભારત અન્ય સપ્લાયર્સ તરફ વળી શકે છે – પણ પોતાની ઊર્જા વ્યૂહરચના ભારત પોતે જ નક્ક કરશે. ટૂંકમાં ભારત હવે યુરોપીય દંભ સામે શાંત મગજથી, પણ દૃઢતાથી જવાબ આપી રહ્યો છે – “અમે જે જરૂરી લાગે તે કરીશું.” ભારતની કૂટનીતિ એ છે કે એક રાષ્ટ્ર તરીકે તે સંવાદ માટે તૈયાર છે પણ તે કોઈ પણ પ્રકારના દબાણને નકારે છે.
જો યુરોપે નૈતિકતાને મામલે કૉલર ઊંચા રાખવા હશે તો પહેલાં પોતાના વિચાર-વહેવારના વિરોધાભાસ દૂર કરવા પડશે. યુરોપે શેડો ફ્લીટ બંધ કરવી પડશે. EU અને G7ને પુનઃનિકાસના છીંડા પૂરવા પડશે. ફ્રન્ટ કંપની ટેંકર્સ પર પ્રતિબંધો લાદીને રશિયન ક્રુડનું શુદ્ધિકરણ બંધ કરવું પડશે. સ્વચ્છ ઊર્જાની વાત નહીં પણ રોકાણ અને અમલીકરણ પણ થાય તે જરૂરી છે. યુરોપે બે ય લાડવા ખાવાની દાનત બદલવી પડશે. NATOની દિશા સ્પષ્ટ થાય તે જરૂરી છે. સંરક્ષણના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને જો રાજકીય સર્વસંમતિ ન મળતી હોય તે સાવ ઠાલાં છે. NATOના સભ્ય દેશોએ જોખમની દૃષ્ટિએ પણ સંપ રાખવો જોઇએ, અમેરિકાના દબાણમાં આવી જઇને અસંદિગ્ધ સંકેતો આપવાનું ટાળવું જોઇએ. યુરોપે ભારત અને બ્રાઝિલ જેવા દેશોના સમીકરણોને સમજવા પડશે. ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વૈકલ્પિક ન હોય. ભારત કે બ્રાઝિલની નિંદા કરવામાં યુરોપનું નેતૃત્વ નથી ઝળકતું બલકે નવા પ્રકારનો સામ્રાજ્યવાદી અભિગમ સપાટી પર આવે છે જેને ઉદારતાનું મહોરું પહેરાવેલું છે.
રશિયા પ્રત્યેનો યુરોપનો અભગિમ અસ્થિર બની રહ્યો છે – બોલવામાં શૂરા યુરોપનું તેજ જ્યારે પગલાં લેવાનો વારો આવે ત્યારે ઝાંખું પડી જાય છે. બ્રસેલ્સનો ભંડાર રશિયન ઊર્જા ભરશે અને બીજાઓને ઉપદેશ આપશે તો વૈશ્વિક નેતૃત્વની યુરોપની નિશ્વસનિયતા ફસકી જવાની એ ચોક્કસ.
NATO મહત્ત્વાકાંક્ષા અને વિરોધી વિચારધારાનો ચક્રવ્યૂહમાં ફસાયું છે. NATOના સભ્ય દેશોમાં સંપ નહીં હોય તો ભારતને તેની કોઈપણ ધમકીઓ ખોખલી જ લાગશે. આ સંજોગોથી સાવ વિપરીત રીતે ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં. ટૂંકમાં જ્યાં સુધી યુરોપ પોતાના ઊર્જા વ્યાપાર, સંરક્ષણના અભિગમ અને નૈતિક જવાબદારી પર નિયંત્રણ નહીં લાવે ત્યાં સુધી તેની ધમકીઓ નિર્લજ્જ સદ્ભાવનાના દેખાડામાં ખપશે અને તેને નકારી દેવાશે.
બાય ધી વેઃ
યુરોપનું મોરલ પોલીસીંગ ઠાલું લાગી રહ્યું છે કારણ કે તેના બેવડાં ધોરણો છતાં થઇ રહ્યાં છે. યુરોપની હાલત એ દારુડિયા જેવી છે જે પોતાની લત નથી છોડતો અને પાડોશીને ભાંડ છે; ટૂંકમાં ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શીખામણ આપે. આખા વિશ્વમાં ખેલાઈ રહેલા રાજકીય કાવદાવાને ગુકેશ પણ હરાવી ન શકે એટલો પેચીદો માહોલ બની રહ્યો છે. વડા પ્રધાન માટે આ સહેલું નથી કારણ કે દોસ્તીના દાવા કરનારા અમેરિકાની વાતો, યુરોપનું નૈતિકતાનું નગારું અને ગ્લોબલ સાઉથમાં શક્તિપ્રદર્શન આ બધા વચ્ચે આપણે તો એક રાષ્ટ્ર તરીકે નક્કરતા અને મક્કમતા દેખાડવાની છે. ભૌગોલિક રાજકારણ એવું મેદાન બની રહ્યું છે જ્યાં જાણે સુરંગો બિછાવી હોય એટલે સાવચેતી અને ગણતરીપૂર્વકનાં પગલાં માત્ર જ એક રાષ્ટ્ર તરીકેની આપણી ગરિમા જાળવવામાં મદદરૂપ થઇ શકે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025