Opinion Magazine
Number of visits: 9845594
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે — કુન્દન વ્યાસ

સોનલ પરીખ|Opinion - Opinion|22 June 2024

‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો કુન્દનભાઈ વ્યાસની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકોને, ખાસ કરીને યુવાપેઢીને હોવી જોઈએ.  

132 પદ્મ એવોર્ડની જાહેરાત અને એમાં સમાવિષ્ટ આઠ ગૌરવવંતા ગુજરાતીઓનાં નામ આપણા હોઠે અને હૈયે રમે છે. વરિષ્ઠ પત્રકાર, 1996થી ‘જન્મભૂમિ’ના તંત્રીપદે વિરાજતા અને અઢી દાયકાથી ‘જન્મભૂમિ’નાં મેનેજિંગ એડિટર અને સી.ઇ.ઓ. તરીકે કાર્યરત કુન્દનભાઈ વ્યાસને પત્રકારત્વ માટે પદ્મભૂષણ એનાયત થયું છે, એ સમગ્ર અખબારી જગત માટે આનંદ અને ગૌરવની વાત છે.

‘જન્મભૂમિ’ની શરૂઆત 1934માં સૌરાષ્ટ્રના સિંહ ગણાતા અમૃતલાલ શેઠે કરી હતી. પ્રખર રાષ્ટ્રવાદી, નીડર, પ્રજાભિમુખ અને ગાંધીવિચારના સમર્થક અને સ્વસ્થ વાંચન પીરસતા ‘જન્મભૂમિ’ અને એના સાપ્તાહિક ‘જન્મભૂમિ પ્રવાસી’નું રાષ્ટ્રીય પત્રકારત્વની તવારીખમાં ગૌરવપ્રદ સ્થાન છે.

કુન્દનભાઈ વ્યાસની કલમે લખાયેલા તંત્રીલેખો અને એની રાજકીય સમીક્ષામાં પોલિટિકલ એનલિસ્ટથી માંડી રાજકારણની આંટીઘૂંટીઓ જેના પલ્લે પડતી ન હોય એવા સમાન્યજન સુધીના સર્વને રસ પડે અને જાણકારી મળે. ઇમેજ પ્રકાશન તેમ જ ઉમંગ પબ્લિકેશને એમના તંત્રીલેખોનાં પુસ્તકો કર્યાં છે.  ગયા વર્ષે એમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં – પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીનો ભારતનો રાજકીય ઇતિહાસ વર્ણવતા ‘દિલ્હી દરબાર’ના બે ભાગ અને ‘એક પત્રકારની વ્યવસાયકથા’. નવભારત પ્રકાશને પ્રગટ કરેલાં આ ત્રણે પુસ્તકો એમની પત્રકાર તરીકેની કારકિર્દી અને બહોળા અનુભવોના નિચોડ તરીકે તો મહત્ત્વના છે જ, સાથે સ્વતંત્ર ભારતની શરૂઆતથી આજ સુધીની રાજકીય ઘટનાઓનો જે કડીબદ્ધ ઇતિહાસ એમાં આલેખાયેલો છે તેની જાણકારી જાગૃત નાગરિકો માટે, ખાસ કરીને યુવાપેઢી માટે અગત્યની જ નહીં, અનિવાર્ય પણ લાગે.

છ દાયકાથી વધુ સમય વિસ્તરેલી કુન્દનભાઈની પત્રકારત્વ-કારકિર્દીને એક લેખમાં વર્ણવવી શક્ય નથી. 1961માં પત્રકારત્વમાં પ્રવેશ, પ્રવેશતાં જ ચીની આક્રમણ અને ભરતચીન યુદ્ધનું રિપોર્ટિંગ, 1964માં ‘વ્યાપાર’માં જોડાયા, 1967માં ‘જન્મભૂમિ’ ગ્રૂપના નવી દિલ્હી ન્યૂઝ બ્યુરોમાં નિમણૂક, રાજકીય ઊથલપાથલનાં વર્ષોના સાક્ષી બનવા સાથે 1971માં વૉર કોરસપોન્ડન્ટ તરીકે ભારત-પાક યુદ્ધનું કવરેજ, 1976માં યુનાઈટેડ નેશન્સની ફેલોશિપ અને વિશ્વપ્રવાસ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે અનેક દેશોની મુલાકાત, બે ટર્મ માટે ઇન્ડિયન લેન્ગ્વેજિસ ન્યૂઝપેપર્સ એસોસિયેશનના પ્રમુખ, ઇન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટીના પ્રમુખ, પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં ત્રણ ટર્મ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા ન્યૂઝપેપર્સ એડિટર્સ કોન્ફરન્સના સભ્ય આ બધી સિદ્ધિઓ-પદો; ‘આશીર્વાદ’ – ડૉ. હરિવંશરાય બચ્ચન પત્રકારત્વ પુરસ્કાર, લોકમાન્ય તિલક ઍવોર્ડ, પ્રિયદર્શિની ઍવોર્ડ, નચિકેતા ઍવોર્ડ અને હવે પદ્મભૂષણ જેવાં અનેક સન્માનો એમના નામે બોલે છે.

કુન્દનભાઈ એવા નખશિખ પત્રકાર છે કે એમનું વ્યક્તિત્વ અને જીવન એમના પત્રકારત્વનો જ પર્યાય છે. અવિનાશભાઈ પારેખે કરેલી ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ સિરીઝમાં 19મું પ્રવચન કુન્દનભાઈનું હતું. અંતિમ પ્રવચનની કલ્પના કરતી વખતે મોટેભાગે વક્તાઓ પોતાના આખા જીવન પર એક નજર ફેરવી લે અને અસ્તિત્વને સ્પર્શી ગઈ હોય એવી અંગત જીવન, સંબંધો, સમાજ, વ્યવસાય વગેરેની વાત કરે. કુન્દનભાઈએ કહ્યું, ‘અંતિમ પ્રવચન? અંત કોણ જાણી શકે? વિચારોનું વસિયતનામું કોઈ કેવી રીતે લખે? કદાચ બેલેન્સશીટ જેવુ કઈંક આપી શકે. એની કોશિશ કરું.’ અને પછી માત્ર અને માત્ર પોતાના પત્રકારજીવનના પડાવોની સુંદર વાતો કરી – ‘પત્રકારના જીવનમાં રાષ્ટ્રનો ઇતિહાસ વણાઈ જાય છે એટલે મેં આ કર્યું, મને આ મળ્યું એમ કહેવાને બદલે મેં આ જોયું અને આવું બતાવ્યું એવું કહેવું વધારે યોગ્ય થાય.’ – આ સ્પષ્ટતા સાથે. એમના જ શબ્દોમાંથી થોડું આચમન કરીએ :

‘જયંતીભાઈ શુક્લ, હરજીભાઈ ગિલાણી અને મનુભાઈ મહેતા જેવા ગુરુઓ પાસેથી મને તાલીમ અને સંસ્કાર બંને મળ્યા. હું પત્રકાર બન્યો ત્યારે પત્રકારોનો એક પરિવાર હતો. સિનિયર પત્રકારો યુવાન પત્રકારોને ઘડતા, કેળવતા, દૃષ્ટિ આપતા. મોડે સુધી બેસાડે, મહેનત કરાવે, પીઠ પણ થાબડે. શાસ્ત્રીજીના અવસાનનો ઈન્ટ્રો “આજનો મંગળવાર ભારત માટે અમંગળ નીવડ્યો” શીર્ષકથી લખ્યો, શાબાશી મળી. “નિઝામના હીરા સુપ્રીમ કોર્ટ જઈ આવ્યા” એવા મથાળા માટે હરકિસનભાઈએ એ જમાનામાં 500 રૂપિયાનું ઈનામ આપેલું.

‘1967માં કાઁગ્રેસનાં વળતાં પાણી થયાં. 1969માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા. કાવાદાવા અને રાજરામતો ચાલ્યાં. ઇન્દિરાજી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવા માગતાં હતાં, મોરારજીભાઈ કહે, બેન્કોનું સામાજિકરણ કરો. મુદ્દો અર્થકારણનો નહીં, રાજકારણનો હતો. મોરારજીભાઈને વડા પ્રધાન બનવું હતું, કામરાજ “ગૂંગી ગુડિયા” ઇન્દિરા ગાંધીને આગળ કરી ધાર્યું કરવા માંગતા હતાં. કઈંક થયું ને મેં મોરારજીભાઈને પૂછ્યું, “તમે સમાધાન કરવાના નહોતા, કેમ કર્યું?” ત્યારે તેઓ કહે, “માય ડિયર યંગ બૉય, યસ્ટરડે વૉઝ યસ્ટરડે, ટુડે ઈઝ ટુડે.’ આર્મીવાળાના જવાબ પાછા જુદા હોય. 71ની વૉર વખતે એન્ટરપ્રાઇઝ નામની અમેરિકન શીપ આવવાની હતી. સમાચાર સનસનાટીભર્યા હતા – શીપ મદદ માટે આવવાની છે કે લડવા માટે? મેં જનરલ માણેકશાને પૂછ્યું. માણેકશા ઠંડકથી કહે, “યંગ બૉય, ધેર આર ટુ થિંગ્સ ઇન લાઈફ. ઈફ ધે વૉન્ટ ટુ ફાઇટ, વી વિલ ફાઇટ. ઇફ ધે વૉન્ટ ટુ ફ્રાઈટન અસ, વી વિલ નોટ બી ફ્રાઈટન્ડ. સમજ્યો?” એ વખતે સિયલકોટ ફ્રન્ટ પર દસ-વાર દિવસ રહેવાનું થયું. જમીન પર એક ચોરસની આસપાસ બે-બે ફૂટના ખાડા કરેલા હોય – આ ડાઈનિંગ ટેબલ પર જમવાનું.  જવાનો ગમે તેટલા ટેન્શન વચ્ચે પણ હસીમજાક કરી લે. એક વાર એક પાણીમાં ચાલી શકે એવી જીપમાં રઝળતી લાશો વચ્ચે પાકિસ્તાન જઈ આવ્યા. પછી સિમલા મંત્રણા થઈ. યુદ્ધ પછી શાંતિ કવર કરી. મનુભાઈ રોજ ફોન પર ઝડપથી બધું સમજી લે અને છાપામાં પોતે જોયું હોય એવી તાદૃશ રીતે બધું મૂકે. કહે, “પત્રકારે તો અંગૂઠા પરથી રાવણને ચીતરવાનો હોય.”

‘કટોકટી પહેલા મોરારજીભાઈ ઉપવાસ પર ઊતર્યા. પ્રાર્થનામાં હું જાઉં. સી.આઇ.ડી.ના માણસો મારો પીછો કરે. “કયા હુઆ? વો કયા બોલા?” હું કહું, “નહીં બતાઉંગા. કલ અખબારમેં આયેગા, દેખ લેના.” યુવાનીની એ હિંમત પાછળ લોકશાહીની તાકાત હતી. ‘મોરારજીભાઈ પારણા કરશે, ઇન્દિરા ઝૂકશે’ લખીને હું તો સૂઈ ગયેલો. સવારે અંગ્રેજી છાપાંઓએ જુદું જ લખેલું. પણ રાષ્ટ્રીયકરણની જેમ આ વખતે પણ મારી વાત સાચી પડી. નવનિર્માણ વખતે બિહારમાં ટ્રેનિંગ ચાલે. અમે – ગિલાણીભાઈ, શુક્લભાઈ અને હું – પાંચ દિવસ ત્યાં રહ્યા. જયપ્રકાશ નારાયણની ખરી મુવમેન્ટ જોવા મળી. આજના યુવાનોએ આ ઇતિહાસ જાણવો જોઈએ. ભવિષ્ય બનાવવું હોય તો ઇતિહાસ સમજવો પડે.

‘કટોકટી વખતે અખબારો અને પત્રકારોની બૂરી હાલત થઈ. મને યુ.એન. ફેલોશિપ મળી, પણ સરકાર અમેરિકા જવા પરવાનગી ન આપે. એક મિત્ર કહે, “સંજય ગાંધી સાથે મારી ઓળખાણ છે. એ કહે તો તારું થઈ જાય.” મેં ના પાડી. આખરે યુ.એન.વાળાએ કહ્યું, તમારા પત્રકારને નહિ મોકલો તો ફેલોશિપ પાકિસ્તાનને આપીશું, ત્યારે સરકારે જવા દીધો.

‘આજકાલ મીડિયાની ફ્રીડમની ખૂબ ચર્ચા થાય છે, પણ મીડિયાનો ધર્મ – પહેલા એની ચર્ચા થવી જોઈએ. સ્વયંશિસ્ત જોઈએ. પણ આમાં પણ રાજકારણીઓ અને રાજકારણ જ નડે છે. રાજકારણ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી ખૂબ પૈસા આપીને આગળનાં પાનાંનો કબજો કરી લે છે અને પબ્લિક ઇસ્યુઝ પાછળ ધકેલાઇ જાય છે. કોમનવેલ્થ ગેમ વખતે ખૂબ વિવાદો થયાં, ચગ્યા. આવે વખતે માધ્યમો ભૂલી જાય છે કે આપણે ભારતના છીએ, ભારત માટે કામ કરીએ છીએ. ધર્મના નામે મત માગવા જેમ ખોટું છે તેમ સેક્યુલરીઝમને નામે મત માગવા એ પણ ખોટું છે. ગ્લોબલાઈઝેશન પછી ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓ પર અંગ્રેજી હાવી થઈ ગયું છે તેથી અંગ્રેજી મીડિયા પોતાને ઊંચું માને છે; પણ આપણે ગમે તેટલું જાણીએ, માતૃભૂમિ અને માતૃભાષા ભુલાવી જોઈએ નહીં. સત્ય અને પ્રામાણિકતા એ જ પત્રકારની મૂડી છે અને તાકાત પણ.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી  2024

Loading

વરસાદ એટલે વરને સાદ નહીં જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

કાવ્યકૂકીઝ 

વરસાદ એટલે વરને સાદ 

એવું મારા સિવાય કોઈ માનતું ન હતું, 

કારણ ગમે એટલો સાદ પડે તો પણ 

વર સાંભળતો હોતો નથી,

એવું પાછું દરેક વહુ માનતી હોય છે. 

ભાવિ વહુ પ્રેમિકા હોય 

ને લગ્ન થવાનાં બાકી હોય તો 

ભાવિ વર પડ્યો બોલ જ નહીં, 

પ્રેમિકા પણ ઉપાડી લેતો હોય છે, 

પણ પ્રેમિકા 

જેવી વહુ થાય છે 

કે વરને થોડી બહેરાશ આવી જાય છે 

તે શું નથી સાંભળવાનું 

તે બરાબર સાંભળતો હોય છે 

વરને કામ ન હોય ત્યારે 

તે વધુ કામમાં હોય છે

એટલે વહુ સાદ પાડે તો પણ  

વર,સાદ નથી પાડતો,

મરજાદ પાળતો હોય છે. 

તે સામે નથી થતો તેમ તેમ 

વહુ સામે થતી જાય છે 

ને વર સહનશીલ થતો જાય છે, 

છતાં અન્યાય તો વહુને જ થાય છે

એનો પુરાવો એ જ કે  

‘વર’સાદ છે, તેમ ‘વહુ’સાદ નથી જ !

તે સારું પણ છે 

વરસાદની આગાહી થઈ શકે છે 

તેવી વહુસાદની થઈ શકતી નથી, 

કારણ વહુસાદ બારમાસી હોય છે 

ને બારમાસીની આગાહી થતી નથી,

એ તો હોય જ છે 

ને હોય તેની આગાહી શું કરવાની?

વરસાદની આગાહી હોય

ગાજવીજની આગાહી હોય, પણ   

વરસાદ ન પડે એવું ઘણી વાર બને છે 

ઘણીવાર તો આગાહી જ ન હોય 

ને વરસાદ તૂટી પડે ત્યારે 

વર બીજાની છત્રી લઈ આવે એવું બને

ને લલ્લુ એવો હોય 

કે છત્રી તો બીજાની લાવે 

પણ ખોલવાની જ ભૂલી જાય 

ને પલળતો પલળતો ઘરે આવે તો 

વહુને વીજ જેમ ત્રાટકવાની તક મળે છે.  

કોઈ વાર વહુ સાથે હોય 

ને છત્રીની જેમ 

બહાર જ ભૂલી આવે 

ત્યારે પણ વહુ 

વીજળીની જેમ પાછળથી ધસી આવે છે.  

એવું વહુ સાદનું થતું નથી 

એ બીજો ‘વર’સાદ ઉપાડીને ન જ આવે  

કારણ એકનો જ ત્રાસ એવો હોય કે 

બીજાનો વિચાર પણ ન આવે 

વહુસાદથી શેકયો પાપડ ન ભાંગતો હોય 

તો પણ વરને સાદ તો દેવાતો જ રહે છે. 

ને વરસાદ પડે તો શેક્યો પાપડ 

પલળી જતો હોય છે. 

વરસાદ ન પડે તો પણ ખોરું ઘી 

દિવેલમાંથી નથી જતું. 

વરસાદ નહીં તો વરસાદની 

ઝેરોક્સ તો વરસે જ !

પ્રોબ્લેમ એ છે કે સૂર્યનું ચિત્ર 

અંધારામાં અજવાળું આપતું નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

શિક્ષકો કોન્ટ્રાક્ટ પર રખાય તો મંત્રીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રખાય કે નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

રવીન્દ્ર પારેખ

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી જ હતી, છતાં મુખ્ય મંત્રી રૂપાણી સહિત તમામ મંત્રીઓને સપ્ટેમ્બર, 2021માં બદલી કાઢવામાં આવ્યા ને નવા મંત્રીઓ એવા પસંદ કરવામાં આવ્યા કે રૂપાણી સરકારમાંનો એક પણ રિપીટ ન થાય. એ વખતે મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની અને શિક્ષણ મંત્રી તરીકે જિતુ વાઘાણીની વરણી થયેલી. એ પછી 2022માં નવી સરકાર આવી ને હવે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી શિક્ષણનો કારભાર ચાલે છે. મંત્રીઓની એકાએક છટણીને કારણે જ કદાચ જ્ઞાન સહાયકનો તુક્કો ગુજરાત સરકારને આવ્યો હોય એમ બને. અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે કામચલાઉ શિક્ષકોની ભરતીને ‘જ્ઞાન સહાયક’ જેવું રૂપાળું નામ અપાયું, પણ એ સરકારની ઋગ્ણ માનસિકતાથી વિશેષ કૈં ન હતું. આ તુક્કા પહેલાં ‘પ્રવાસી શિક્ષકો’ની નિમણૂકનું ડિંડવાણું ચાલ્યું. એમાં ફાવટ ન આવી તો જ્ઞાન સહાયકનો સિક્કો સરકારે ઉછાળ્યો ને 26,500 જ્ઞાન સહાયકો નીમવાની વાત કરી, પણ ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાવા રાજી ન હતા, તેનું કારણ એ કે જે કાયમી નોકરી મેળવવાના હેતુસર ટેટ-ટાટની પરીક્ષાઓ એમણે પાસ કરી હતી એ હેતુ જ્ઞાન સહાયકમાં જળવાતો ન હતો ને 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી આ નોકરી પછી એ જ નોકરી ફરી મળવાની કોઈ ખાતરી ન હતી, એટલે એવી કામચલાઉ નોકરીનો વિરોધ થયો. એ કારણે નિમણૂક મળી તો પણ ઘણા નોકરીમાં હાજર ન થયા.

આમ તો કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી ચલાવવાની વાત હતી, પણ સરકારની દાનત કામચલાઉ શિક્ષકોથી જ ચલાવવાની હતી. કાયમી નોકરી અંગે કોઈ વિચારણા જ સરકાર પાસે કદાચ ન હતી, એટલે કાયમી શિક્ષકોની ઘટ વધીને 34,000 પર આવી ગઈ હતી. કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારને ફુરસદ ન હતી, પણ પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકોની ભરતી કરવાની અનુકૂળતા સરકાર પાસે ભરપૂર હતી. સાચું તો એ છે કે કાયમી નોકરીના લાભ આપવા સરકાર ઇચ્છતી નથી. શિક્ષણ મંત્રી કાયમી નોકરીનો લાભ લે, પણ તેમના શિક્ષકોને તે લાભ ન આપવો પડે એટલે કામચલાઉનો આગ્રહ રાખે છે. જો શિક્ષકો કોન્ટ્રાક્ટ પર રખાય તો મંત્રીઓ પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રખાય તો ચાલે કે કેમ એ અંગે વિચારવા જેવું છે.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કાયમી નોકરી મળે એ આશાએ પરીક્ષાઓ પાસ કરી હોય ને સરકાર કાયમી નિમણૂક કરવામાં ગાળિયા કાઢે એ કોઈ રીતે યોગ્ય નથી. સરકારના આ વેપલાને લીધે ઘણા ઉમેદવારોની ઉંમર પુરાઈ રહી છે, એનો વિચાર સરકારને આવતો નથી એ દુ:ખદ છે. ઉંમર પુરાતાં એમને બીજે પણ નોકરી નહીં મળે એવું લાગતાં નાછૂટકે એમણે 18 જૂનને મંગળવારે ગાંધીનગરમાં મંત્રીશ્રીને રજૂઆત કરવાની કોશિશ કરી, તો ત્યાં પોલીસોનું ધાડું તેમના પર તૂટી પડ્યું. મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવાઈ. કોઈ ગુનેગાર સાથે ન થાય એવું વર્તન પોલીસે ભાવિ શિક્ષકો સાથે કર્યું. સરકારે એવી જડબેસલાક વ્યવસ્થાઓ ગોઠવી કે કોઈ સચિવાલય સુધી પહોંચી જ ન શકે. એ વ્યવસ્થા કરવામાં જે સમય અને નાણાંનો ખર્ચ સરકારે કર્યો એના કરતાં તો એ આંદોલનકારીઓને મળવાનું સસ્તું પડ્યું હોત, પણ સરકારનો આપવામાં હાથ તંગ રહે છે ને પોતાને માટે ખર્ચવામાં તો ક્યારે ય કૈં ખોટ પડી નથી.

એ ટીંગાટોળી પછી, કેબિનેટની બેઠક મળી ને ત્રણેક મહિનામાં ટાટ પાસ 7,500 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી. માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 500 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,000 કાયમી શિક્ષકોની ભરતી થશે, તો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 750 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,250 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટૂંકમાં, ટાટ-1માં 3,500 અને ટાટ-2માં 4,000 કાયમી ભરતી થશે. પ્રવક્તા મંત્રીએ 1,500 HMAT પ્રિન્સિપાલની ભરતી ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં તાજેતરમાં જ થઈ હોવાની વધામણી ખાતાં એ પણ ઉમેર્યું કે ટેટ-ટાટ પરીક્ષા નોકરી આપવા માટે નથી, પણ લાયકાત માટે છે. ટૂંકમાં ગ્રેજ્યુએશન, બી.એડ્. વગરે લાયકાત નથી, એ લાયકાત તો ટેટ-ટાટ પાસ કરવાથી જ આવે. એમ રાખીએ, પણ એ એટલે પાસ કરવાની છે કે નોકરી ન મળે ને મળે તો કાયમી ન મળતાં કામચલાઉ મળે? આટલી લાયકાત પછી આટલી તકલાદી નોકરી સરકાર આપે એ યોગ્ય છે? પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે ટેટ-1, ટેટ-2ની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. એ આંદોલનકારીઓનો આભાર માનવો જોઈએ કે વર્ષોથી બાકી કાયમી ભરતીની પ્રક્રિયા હાથ ધરવાનું સરકારને આંદોલનને નિમિત્તે યાદ આવ્યું.

આમ તો દર વર્ષે જૂનમાં નવી ટર્મ શરૂ થતી હોય છે, પણ સરકારને કાયમી ભરતીનો વિચાર જ નથી આવતો ને આવે છે તો ટર્મ અડધી થવા આવે ત્યાં સુધી કૈં ઠેકાણું નથી પડતું. સરકારની છેલ્લી જાહેરાત અનુસાર 10 વર્ષમાં 18,382 કાયમી શિક્ષકોની ભરતી થઈ છે. એટલે કે સરેરાશ 1,838.2 શિક્ષકો. એની સામે છેલ્લા આઠ જ મહિનામાં 17,500 શિક્ષકો નિવૃત્ત થયા છે. સાચું તો એ છે કે ખુદ શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ પણ કાયમી ભરતી થતી નથી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 5,300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરેલી, ત્યાં મંત્રીઓ 2021માં બદલાતા એમણે જ જવાનું થયું.  એમના પછી જિતુ વાઘાણી આવ્યા ને એમણે 2022માં 2,650 ને નિમણૂક પત્રો આપ્યા, તો ય 2,650ની નિમણૂક તો રહી જ. એ પછી જિતુ વાઘાણી પણ પૂર્વ મંત્રી બન્યા ને એની સામે 31/10/2023 ને રોજ 7,500 શિક્ષકો અને 31/5/2024 ને રોજ 10,000 શિક્ષકો મળી કુલ 17,500 શિક્ષકો નિવૃત્ત થયા. એની સામે નિમણૂક તો 2,650 ને જ મળી, એટલે 14,850 જ્ગ્યાઓ તો ખાલી જ રહી. હવે પ્રવક્તા મંત્રીની 7,500ની ભરતીને બાદ કરીએ તો પણ 7,350 જ્ગ્યાઓ તો ખાલી જ રહે છે ને આ સ્થિતિ તો છેલ્લા આઠ મહિનામાં નિવૃત્ત થયેલ શિક્ષકો સંદર્ભે છે. એની પહેલાંની ને પછીની તો કલ્પના જ કરવાની રહે છે.

આ ઘટને કારણે બન્યું છે એવું કે રાજ્યની 33,510 સ્કૂલોમાંની 1,606થી વધુ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. આ સંખ્યા અગાઉ 754ની હતી, એવું હાલના શિક્ષણ મંત્રી કહે છે ને એમના જ કહેવા પ્રમાણે જ્યાં શિક્ષકો છે તે લાયકાતવાળા જ છે એવું નથી. ફેબ્રુઆરીમાં વિધાનસભામાં સરકારે કબૂલ્યું છે કે ખાલી અમદાવાદમાં જ 348 શિક્ષકો લાયકાત વગરના છે. એક તરફ સ્કૂલોમાં શિક્ષકો નથી ને છે ત્યાં લાયકાતનો પ્રશ્ન છે ને બીજી તરફ લાયકાતવાળાએ કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ સ્થિતિ છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં ખાનગી સ્કૂલો તરફની દોટ ઘટી છે ને સરકારી સ્કૂલો બંધ થવા છતાં, તેમાં વિદ્યાર્થીઓ વધ્યા છે. ગુજરાતમાં ત્રણેક વર્ષોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, પણ તે ઓછા છે ને વર્ષો પછી પણ સરકાર એ સ્થિતિમાં નથી કે શિક્ષકોની ઘટ પૂરી કરી શકે. બીજી તરફ લાખોની સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો, નોકરી માટે વર્ષોથી ફાંફાં મારી રહ્યા છે. 7,500ની કાયમી ભરતી થાય તો પણ, 1.18 લાખ ટાટ પાસ ઉમેદવારોની સામે એ દરિયામાં ખસખસથી વધુ નહીં હોય. એમાં પણ ટેટની ભરતી પ્રક્રિયાની તો ખાલી વાત જ છે, જ્યારે ટેટ પાસ બેકારોની સંખ્યા 2.65 લાખથી વધુની છે. એમાંના કોને, કેટલી ને ક્યારે કાયમી નોકરી મળશે એ તો આવનારો સમય જ કહેશે.

પટાવાળાની, ક્લાર્કની, સૈનિકોની, ઑફિસરોની, મામલતદારોની, જજોની ભરતી થતી હોય, તો શિક્ષકોની ભરતી કરવામાં સરકારને શું નડે છે તે નથી સમજાતું ને આટલો સમય વીતવા છતાં, કાયમી ભરતી સરકાર કેમ નથી કરતી એનો ખુલાસો પણ સરકાર કરતી નથી. તેને બદલે કામચલાઉ જગ્યાઓ ભરવાનો તેને વાંધો નથી, તો નિવૃત્તિ પછીના લાભો આપવા ન પડે એટલે સરકાર કાયમી ભરતીમાં અખાડા કરે છે, એમ માનવાનું છે? એવું હોય તો તેનો ય વાંધો નથી, તો સરકાર કોર્પોરેટરોના, વિધાનસભ્યોના, સાંસદોના નિવૃત્તિ પછીના લાભો રદ્દ કેમ નથી કરતી? અત્યારે જે સરકારી અધિકારીઓ છે તે પેન્શન ને અન્ય લાભો લેવાના છે કે જતા કરવાના છે? જો, એ બધા લાભો લેવાનો સંકોચ ન થતો હોય તો, શિક્ષકોને જ એ લાભો આપવામાં હાથ કેમ પાછો ખેંચાય છે? આ કોઈ પણ રીતે યોગ્ય નથી. નથી જ –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જૂન 2024

Loading

...102030...715716717718...730740750...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved