ફાટફાટ પાણીથી
વહેતી નદીના સામે કાંઠે,
પીપળ તળે નેજવું કરીને
મારી રાહ જોતું
ઊભું છે
ગામનું પાદર!
શેરીની બન્ને ધારે
બારી ઉઘાડીને
ગુપચુપ વર્ષોથી
મારી પ્રતીક્ષામાં બેઠાં છે
ગાર માટીનાં ખોરડાં ….
ફળિયે
બાળ ભેરુ જેવા
વર્ષોથી લીલાં પર્ણ ખેરવતા
પીળા પડી ગયેલા લીમડા હેઠે,
મારા સ્પર્શની રાહ જોતી,
લીલું સુક્કું ભરડતી
સમયને વાગોળતી આંચળને ચાટતી
રાતડીને
વળગીને બેઠી છે
વાછડી!
સાંકળ ખખડવાની વાટમાં ….
રાતદિવસ
ચુંદડીના છેડે
અનરાઘાર આંખેથી વહેતા
આંસુ લૂછી
જર્જરિત થઈ ગયેલ
ડેલીની
સામે આવીને
હવે કેમ હું ચાલ્યો જાવ છું?
જાણે
કોઈ ગામમાં
ભૂલા પડેલા એક પરદેશીની જેમ!
65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com