અરુણાબહેન આજે ખૂબ ચિંતામાં હતાં. પ્રેગ્નન્સીનો ડ્યું ટાઇમ થઈ ગયો હતો. ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ જવું પડે તેમ હતું. અરુણાબહેનની તબિયત ધાર્યા કરતાં સારી હતી, પણ ચિંતા બીજી વાતની હતી, કે શું થશે? બાળક, દીકરો હશે કે દીકરી. ઘરમાં બધાં દીકરા માટે ઉત્સાહિત હતાં. પરેશ પણ કાંઈ કહેતો નથી, પણ ઊંડે ઊંડે તેની ઈચ્છા પણ દીકરા માટેની હશે, તેમ તેના મોઢા પરથી લાગે છે. મમ્મીને કહેરાવ્યું છે. દૂરથી આવતાં વાર તો લાગે જ ને. અરુણાબહેન આમથી તેમ ઘરમાં ધીમાં પગલે આંટા મારતાં હતાં. આ પ્રથમ પ્રેગ્નન્સી હતી, એટલે શું થશે? અને કેમ થશે? એ જ દ્વિધામાં પડી ગયાં હતાં. અરુણાબહેનની ચિંતાનું બીજું પણ કારણ હતું. બીજાને ત્યાં દીકરીનો જન્મ થાય તો ઘરમાં બધા અણગમો પ્રદર્શિત કરતાં હતાં, જ્યારે આજે તો પોતાના માટેની જ વાત અને રાહ હતી.
અરુણાબહેનની ચિંતા સાચી પડી. ડ્યું ટાઇમનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. પ્રાઇવેટ હોસ્પિટલનો તો ખર્ચ પોસાય એમ નહોતો. વળી, પ્રાઇવેટ હોસ્પિટલમાં તો મોટા ભાગે સિઝેરિયન કરી નાખે છે, એવી ધારણા પણ મનમાં હતી. એટલે એ ડર પણ મનમાં હતો. અંતે સરકારી હોસ્પિટલમાં અરુણાબહેનને દાખલ થવું પડ્યું. જનરલ રૂમ હતો અને રૂમમાં આઠ જેટલા બેડ હતા. મોટા ભાગની પ્રથમ પ્રેગ્નન્સીવાળી બહેનો હતી. પણ જેમને બીજો કે ત્રીજો અનુભવ હતો તે લોકો થોડા સ્વસ્થ હતાં. હા, જેને અત્યાર સુધી દીકરીઓ જ અવતરી હતી એ બહેનો ચિંતામાં હતી.
આઠ બેડ હતા એટલે સગાં, સંબંધીઓ, સાસુ અને દીકરીઓની માતાથી રૂમ ભરચક થઈ ગયો હતો. બધાં પોતાના અનુભવો અને પડેલી તકલીફોની વાત કરતાં હતાં. કોઈએ કહ્યું, મને તો પહેલે ખોળે દીકરો આવે એ જ ગમે. જો જો ને મારી વહુ દીકરાને જ જન્મ આપશે. અરુણાબહેને જોયું તો તેનાં સાસુ પણ ચર્ચામાં સામેલ હતાં અને કહેતાં હતાં કે પહેલે ખોળે દીકરો આવે એ તો સહુને ગમે. મેં અરુણાને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી પણ કરાવી. ડૉક્ટરને પૂછ્યું તો જવાબ ન આપ્યો, એટલું જ કહ્યું તબિયત સારી છે. ચિંતાનું કોઈ કારણ નથી. કોઈકે કહ્યું ડોક્ટરને ખબર પડી ગઈ હોય, તો પણ કહે નહીં. સરકારનો આદેશ છે એટલે ડોક્ટર પણ શું કરે. અને અત્યારનો માહોલ પણ આવો છે કે બધાંને દીકરા જ જોઈએ છે. કોઈ એ નથી સમજતું કે દીકરી વગર કોઈનો પણ વંશ વેલો કઈ રીતે આગળ વધશે. આવી બધી ચર્ચાઓ રૂમમાં થતી હતી જે ચિંતા સાથે અરુણાબહેન સાંભળી રહ્યાં હતાં.
સમય પસાર થતો હતો. અરુણાબહેનને તો પોતાના માટે સમય સ્થંભી ગયો હોય એમ લાગતું. દાખલ થયેલ દર્દીઓમાંથી ત્રણ બહેનો છૂટી થઈ ગઈ. વાતાવરણ ખુશી અને ના ખુશીથી ભરેલું હતું. દીકરાવાળા ખુશિયા મનાવી રહ્યાં હતાં ને દીકરીવાળા તમાચો મારીને ગાલ રાતો રાખી રહ્યાં હતાં. રૂમનું વાતાવરણ ખુશીવાળું હતું કે ગંભીર હતું એ અરુણાબહેનને સમજાયું નહીં.
અરુણાબહેને જોયું તો તેનાં સાસુ જ્યાં દીકરાનો જન્મ થયો હતો ત્યાં ખુશ મિજાજથી વાતો કરી રહ્યાં હતાં. આ દૃશ્ય જોઈને અરુણાબહેનની દિલની ધડકણ વધી ગઈ હતી. નર્સે આવીને અરુણાબહેનનું બી.પી. માપ્યું તો વધારે આવ્યું. તેણે કહ્યું, અરુણાબહેન, તમે જરા પણ ચિંતા ન કરતાં. ભલે લોકો આ હોસ્પિટલને સરકારી દવાખાનું કહે છે પણ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલથી પણ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
અરુણાબહેને મનમાં કહ્યું મને હોસ્પિટલની નહીં, પણ આવનાર બાળક વિશે ચિંતા છે. નર્સ તો દવા આપીને ચાલી ગઈ.
રૂમમાં ખુશી, નાખુશી અને ગંભીર વાતાવરણનો માહોલ બનતો રહ્યો. આખો દિવસ આમ જ પસાર થયો. અરુણાબહેનને થયું હું દુઃખાવાની ખોટી ભ્રમણાથી તો દાખલ નથી થઈ ગઈને? અહીંયા સમય પસાર કરવો અઘરો પડે એમ છે. ઘરની વાત જુદી હતી. ત્યાં તો જે હોય એ બધાં ઘરના જ હોવાનાં.
અરુણાબહેને પોતાના મમ્મીને આવતાં જોયાં. મનમાં થોડી ટાઢક થઈ કે મમ્મી આવી ગઈ છે એ બધું સંભાળી લેશે. અરુણાબહેનના બંને ભાઈને ત્યાં એક એક દીકરી જ છે. મમ્મીએ બધું સંભાળી લીધું હતું એમ કહીને કે બધાંયને દીકરાની આશા હોય પણ મારે તો લક્ષ્મીનો અવતાર એવી દીકરી જ જોઈતી હતી. દીકરીઓ તો તુલસીનો ક્યારો છે. દીકરીઓ પણ તેનું નસીબ લઈને જ આવતી હોય છે.
અરુણા, બેટા, કેમ છે?
અરુણાબહેને કહ્યું, “સારું છે મમ્મી. મને ચિંતા બહુ થાય છે.”
“તું ચિંતા કરમાં, બધાં જ સારા વાના થશે.”
“ચાલો વૅવાણ, જરા આપણે બહાર આંટો મારી આવીએ.”
અરુણાબહેનને મનમાં જે ભીતિ હતી એ જ થયું. દીકરીનો જન્મ થયો. અરુણાબહેને બધાં ય સામે જોયું પણ કોઈએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. અરે! મમ્મીએ પણ બે શબ્દો આશ્વાસનના ન કહ્યાં. બધાં જ વાતો કરે, પણ મનમાં ઈચ્છા તો દીકરાની જ રાખે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અરુણાબહેન રિક્ષામાં બેઠાં. મનની ધડકણ તો વધેલી જ હતી કે અત્યારે ભલે કોઈ કંઈ નથી કહેતું પણ ઘરે તો દીકરી આવી છે એ નારાજગી અવશ્ય પ્રગટ કરશે. હશે! જેવી ભગવાનની ઈચ્છા.
અરુણાબહેન ઘરમાં દાખલ થયાને …. ઘરમાં ચારેકોરથી અવાજ ગુંજી ઊઠ્યો ….
“વેલ કમ આત્મજા”……” વેલ કમ આત્મજા……”
અવાજ સાંભળી અરુણાબહેન ભાવવિભોર થઈ ગયાં. તેણે સાસુ અને મમ્મી સામે જોયું.
સાસુએ કહ્યું, “હા, બેટા, અમારા માટે તો દીકરો હોય કે દીકરી બંનેનું સરખું જ મહત્ત્વ છે. અમને તારી ચિંતા હતી. તું સ્વસ્થ ઘરે આવી ગઈ અને તે પણ લક્ષ્મી રૂપ આત્મજાને લઈને. બેટા, હું ને તારી મમ્મી દૂરથી તારું ધ્યાન રાખતાં હતાં. પાસે રહીને તને ઢીલી પાડવા નહોતાં માંગતાં.”
અરુણાબહેને આત્મજાને જોઈને કહ્યું ….. તે આવીને અમારા ઘરને ખુશીઓમાં તરબોળ કરી દીધું. મારુ માન વધારી દીધું. અરુણાબહેનની આંખમાં હર્ષનાં આંસુ હતાં.
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com