
રમેશ સવાણી
23 જુલાઈ 2025ના રોજ ‘ગ્રેટ સોલ્ટ લેક’ નિહાળ્યા બાદ ‘સોલ્ટ લેક સિટી’થી 25 માઇલ દૂર, રોકી પર્વતોમાં, ‘Bingham Canyon Mine – બિંઘમ કેન્યોન ખાણ’ની વિઝિટ કરી.
આ ખાણને ‘Kennecott Copper Mine’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1848માં, આ ખાણની શોધ બિંઘમ કેન્યોનમાં બે ભાઈઓ, સેનફોર્ડ બિંઘમ અને થોમસ બિંઘમ દ્વારા થઈ હતી. આ ખાણ બ્રિટિશ-ઓસ્ટ્રેલિયન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન, રિયો ટિન્ટો ગ્રુપની માલિકીની છે. આ કંપની એક કોન્સન્ટ્રેટર પ્લાન્ટ, એક સ્મેલ્ટર અને એક રિફાઇનરીનું સંચાલન કરે છે. આ ખાણ દર વર્ષે આશરે 2,75,000 ટન તાંબાનું ઉત્પાદન કરે છે. તાંબા ઉપરાંત, તે નોંધપાત્ર પ્રમાણમાં સોનું, ચાંદી, Molybdenum – મોલિબ્ડેનમ અને સલ્ફ્યુરિક એસિડનું પણ ઉત્પાદન કરે છે. આ ખાણમાં 2,000 કરતાં વધુ શ્રમિકોને રોજગારી મળે છે.
આ ખાણમાં જવા માટે બસની વ્યવસ્થા છે. વ્યક્તિ દીઠ 6 ડોલરની ફી છે. બસમાં આ ખાણના ઇતિહાસ / ખોદકામ / વહન / પ્રોસેસ / ઉત્પાદન / કંપનીની સામાજિક જવાબદારી વિશે ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. બસ દ્વારા પર્વત પર લઈ જવામાં આવે છે. ત્યાંથી ખાણનું દૃ શ્ય જોઈએ ત્યારે જ ઓપન-પીટ / ખૂલી ખાણ કેવી હોય છે તેનો અનુભવ થાય છે.
આ ખાણ તેના વિશાળ કદ માટે જાણીતી છે. આ ખાણ માનવસર્જિત સૌથી મોટું ખોદકામ છે, અને વિશ્વની સૌથી ઊંડી ખુલ્લી ખાણ છે. 0.75 માઇલ(1,210 મીટર)થી વધુ ઊંડો, 2.5 માઇલ (4 કિલોમીટર) પહોળો અને 1,800 એકર (3.0 ચોરસ માઇલ) વિસ્તાર ધરાવતો ખાડો ! 4 કિલોમીટર લાંબો અને 1.2 કિલોમીટર ઊંડો ખાડો જોઈને જ આશ્ચર્ય થાય ! Ore (કાચી ધાતુવાળા પથ્થર) ખાણમાંથી કોપરટન કોન્સેન્ટ્રેટર સુધી કન્વેયર બેલ્ટ દ્વારા પરિવહન કરવામાં આવે છે. આ conveyor beltની લંબાઈ જ 5 માઈલની છે !
આ ખાણકામના કારણે પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે. તાંબાની પ્રક્રિયા માટે ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડે છે. તાંબામાં 4,644 °F(2,562°C)નો ખૂબ જ ઊંચો ઉત્કલન બિંદુ હોય છે અને તેને અન્ય ધાતુઓ અને અશુદ્ધિઓથી અલગ કરવા માટે અન્ય રસાયણોનો ઉપયોગ કરવાની પણ જરૂર પડે છે. તે માટે એસ્બેસ્ટોસનો ઉપયોગ થાય છે, તેમાં સૂક્ષ્મ કણો હોય છે જે વાતાવરણમાં ફેલાય છે અને ખાણોની નજીક રહેતા કામદારો અને વ્યક્તિઓનાં સ્વાસ્થ્યને અસર કરે છે. ખાણકામ ભૂગર્ભજળનું પ્રદૂષણ કરે છે. ખાણમાંથી નિકાલ થતાં ગટરનાં પાણીમાં મોટા પ્રમાણમાં આર્સેનિક અને સેલેનિયમ હોય છે જે પક્ષીઓ, માછલીઓ અને ઉભયજીવી પ્રાણીઓ માટે ઝેરી છે. લોકજાગૃતિનાં કારણે ઉટાહ રાજ્યે પ્રદૂષણ નિયંત્રણનાં પગલાં લીધાં છે.
Copper વિના ચાલે તેમ નથી. તાંબાની ઉત્તમ વિદ્યુત અને થર્મલ વાહકતા, કાટ પ્રતિકાર અને malleability – ઢાળી શકવાને કારણે કેબલ ઇલેક્ટ્રિકલ વાયરિંગ / મોટર્સ, જનરેટર અને ટ્રાન્સફોર્મર્સ / પ્લમ્બિંગ / સર્કિટ બોર્ડ / સ્માર્ટફોન-કમ્પ્યુટર / પાણી પુરવઠા, ગેસ લાઇન અને હીટિંગ સિસ્ટમ / ઔદ્યોગિક મશીનરી વગેરેમાં કોપરનો ઉપયોગ થાય છે.
ખાણમાંથી પ્રોસેસિંગ સુવિધાઓ સુધી મોટા જથ્થામાં ‘ઓર’ પરિવહન માટે હેવી-ડ્યુટી ટ્રક વપરાય છે, જેના ટાયર 12 ફૂટ જેટલા વ્યાસવાળા હોય છે. આવું એક ટાયર અહીં મૂકવામાં આવ્યું છે, તેની પર લખ્યું છે : ‘Bingham Canyon Mine-Pioneering Human Progress Since 1903-બિંઘમ કેન્યોન ખાણ-1903થી માનવ પ્રગતિની પ્રણેતા’ કોઈ પણ ઉદ્યોગગૃહ માનવ પ્રગતિ સાથે પોતાને જોડી દે છે ! ઔદ્યોગિક ઉત્પાદનો વિના ચાલવાનું પણ નથી. આ સ્થિતિમાં કુદરતી સંપત્તિનો ઉપયોગ વિવેકપૂર્ણ થાય, ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એ સાવચેતી પર જ માનવ પ્રગતિ ટકી શકે !
24 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર