Opinion Magazine
Number of visits: 9741285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૩) 

સુમન શાહ|Opinion - Literature|25 August 2024

ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ – ટોટલ પોએટ્રી; એક સુસમ્પન્ન સૃષ્ટિ – ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. કવિએ પોતે ‘સમગ્ર કવિતા’ શીર્ષક આપ્યું છે. શીર્ષક ઔપચારિક નથી, એમાં કાવ્યશીલ સમગ્રતાનો પણ સંકેત છે.

એનું પ્રકાશન ૧૯૮૧-માં. ૧૯૩૧-થી ૧૯૮૧ લગીના ૧૦ કાવ્યસંગ્રહોનો એ સર્વસંગ્રહ છે : “વિશ્વશાન્તિ” – ૧૯૩૧; “ગંગોત્રી” – ૧૩૪; “નિશીથ” – ૧૯૩૯; “પ્રાચીના” –  ૧૯૪૪;  “આતિથ્ય” –  ૧૯૪૬; “વસંતવર્ષા” – ૧૯૫૪; “મહાપ્રસ્થાન” – ૧૯૬૫; “અભિજ્ઞા”- ૧૯૬૭; “ધારાવસ્ત્ર” – ૧૯૮૧; અને “સપ્તપદી”- ૧૯૯૧.

ઉમાશંકરના કવિવ્યક્તિત્વની પહેલી આકર્ષકતા એ છે કે એમણે કશીપણ દિલચોરી વિના એ સર્વસંગ્રહમાં પોતાની તમામ રચનાઓ રજૂ કરી છે. તેમાં એક જાતનો સન્માન-ભાવ પણ છે – પોતે લખ્યું, કાવ્ય નામે પ્રકાશિત કર્યું, તે સમગ્રને વિશેના સન્માનનો ભાવ. એમાં, આત્મશ્રદ્ધા અને ‘સરજ્યું તે બધું આ રહ્યું’ પ્રકારની વિરતિ એકમેકમાં ઓતપ્રોત છે.

૧૯૩૧-થી ૧૯૮૧ લગીનાં ૫૦ વર્ષ, એટલે કે કવિનાં ૭૦ વર્ષના આયુષ્યનો લગભગ પૉણો ભાગ, કાવ્યલેખનમાં કેમ ખરચાયો અને કેવો તો ફળ્યો તેનું એ સર્વસંગ્રહ ધીંગું નિદર્શન છે. એનાં ૮૦૦-થી પણ વધુ પાનાં પલટાવતાં લાગે કે એમાંની ઘણી બધી રચનાઓને આપણે ભૂલી ગયા છીએ, પરન્તુ ૫૦ વર્ષ લગી કવિતાને વિકસાવતા રહેવાની આ સ્વનિયુક્ત પ્રવૃત્તિએ કવિમાં જ એક ઇતિહાસ રચ્યો છે. મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે પણ છે.

મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે છે કે એમણે એ કાવ્યપુરુષાર્થને ઍકમ્પ્લીશ કર્યો છે, પોતાની કવિતાની એક પ્રકારની આશાયેશ અનુભવી શકાય તેવી સમ્પૂર્તિ રચી છે. શબ્દસૃષ્ટિની એવી સમ્પૂર્તિ બહુ ઓછાઓમાં હોય છે : કાલિદાસમાં છે, શેક્સપીયરમાં છે; રવીન્દ્રનાથમાં છે; બૅકેટમાં છે. એક પ્રકારે ગોવર્ધનરામ, મુનશી અને રાજેન્દ્ર શાહમાં પણ છે.

••••

એમની સમગ્ર કવિતાની આ લાક્ષણિક સમ્પૂર્તિ મારા આ લેખનનું કેન્દ્રવર્તી વિષયવસ્તુ છે. મારા અધ્યયનને પરિણામે હું ૩ તારણો પર આવ્યો છું : 

૧ : ઉમાશંકરે પોતાની કાવ્યસર્જનાનું કેન્દ્ર શોધી લીધું છે. એ કેન્દ્રને સ્વકીય ધૉરણોથી દૃઢ કર્યું છે, પોતાની જમીન બનાવી છે, કવિ તે પર ઊભા છે, કવિ તે ભૉંય પર ટકેલા કવિ છે.

૨ : મુખ્યત્વે એમનામાં કવિકર્મની સમ્પૂર્તતા છે. તેઓ અમુક અને આટલુંક સરજીને બેસી નથી રહ્યા, કાવ્યના તરીકા, કસબ, બદલી બદલીને વિકસ્યા છે. કેન્દ્ર વિસ્તરતું રહેતું વર્તુળ બન્યું છે. કવિ કાવ્યધનસમ્પન્ન થયા છે, કાવ્યસત્તાધીશ થઈ શક્યા છે. એમની સિસૃક્ષા એમના કવિકર્મથી શક્યતમ આવિષ્કૃત થઈ છે. ‘મંગલ’ શબ્દથી શરૂ થયેલી સર્જનયાત્રા ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ એવા વિરામ પાસે પૂર્ણ થઈ છે, અથવા અટકીને ટકી છે. 

૩ : એક નૈષ્ઠિક કવિ કે કલાકાર આપી આપીને મનુષ્યજાતિને શું આપી શકે? એક તુલ્યબળ કલ્પન કે વૅલમેડ મૅટાફર. ઉમાશંકરને જગત સામે ધરવા સમું સાવયવ કલ્પન લાધ્યું છે અને તેને તેઓ શબ્દમાં મૂકી શક્યા છે. લેખન જો મૅટાફર છે, તો એવો મૅટાફર તેઓ રચી શક્યા છે. 

એ સંદર્ભમાં, “સમગ્ર કવિતા”-ને હું ૩ વર્તુળમાં મૂકું છું : 

૧: જીવન-સ્વીકૃતિ 

૨ : જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન

૩ : સમ્પૂર્તિ – એક જાતનું સમાધાન, મનમનાવણ કે ઠરણ. 

દરેક વર્તુળમાં કર્નલ સ્પોટ કહેવાય તેવી રચનાઓ છે. કર્નલ સ્પૉટ એટલે, કોર, ઇસેન્સ, વસ્તુનો ગર્ભ ભાગ; વિમાનમાંથી નીચે જોતાં જે મુખ્ય હોય એ જ દેખાય, સંલગ્ન બધું આવૃત થઇ ગયું હોય; તે. બીજા શબ્દોમાં કહીએ તો પરાકોટિ-રૂપ રચનાઓ, જેમાં તે કોટિની અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ ગયો હશે એમ કલ્પી શકાય.

(ક્રમશ:)
(24 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જમ્મુ કાશ્મીરની ચૂંટણીઃ ભા.જ.પા. માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કસોટીની એરણે ખરા ઉતરવાનો વખત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 August 2024

ભા.જ.પા.ના વરિષ્ઠ નેતાઓ કોઇ પણ પ્રકારની ગઠબંધનની વાત ફગાવી દઇ રહ્યા છે પણ સૂત્રો અનુસાર ભા.જ.પા. સારી પેઠે જાણે છે કે ભા.જ.પા. જમ્મુમાં બધી બેઠકો પર જીતશે તો પણ તેણે સરકાર રચવા માટે સામા પક્ષ સાથે એક લોકતાંત્રિક અને સ્થિર સંવાદ સાધવો જ પડશે.

ચિરંતના ભટ્ટ

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં લોકસભાની ચૂંટણી સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાન યોજાવાની છે. આ ચૂંટણી, ખાસ કરીને જમ્મુ કાશ્મીરની ચૂંટણી એ ભારતની લોકશાહી અને ખાસ કરીને ચૂંટણી પંચ માટે એસિડ ટેસ્ટ સાબિત થશે. જમ્મુ કાશ્મીરે પોતાનું ‘સ્ટેટ હેડ’ ગુમાવ્યું, લદાખને અલગ યુનિયન ટેરિટરી જાહેર કરાયું – એ પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ વગરનું એ પછીની આ પહેલી ચૂંટણી છે. જમ્મુ કાશ્મીર માટે આ ચૂંટણી અગત્યની છે એ કંઇ કહેવાની બાબત નથી કારણ કે જે પણ નવી સરકાર ચૂંટાશે તેનું લક્ષ્ય અને પડકાર, બન્ને એક સ્થાયી રાજકીય પ્રક્રિયા હશે. ચૂંટણીને લઇને ઉત્સાહ અને સાથે સાથે સતત બનતી હિંસાની ઘટનાઓ અત્યારે કાશ્મીરની સ્થિતિ દર્શાવતા બે મુખ્ય પરિબળો છે. દેખીતી રીતે ન્યાયી હોય અને પારદર્શી હોય એવી ચૂંટણી પ્રક્રિયા સ્વસ્થ લોકશાહીની નિશાની છે અને એ કાશ્મીર માટે પણ અગત્યની બાબત છે.

2019માં 370ની કલમ હટાવી લેવાઇ એ પછી જમ્મુ કાશ્મીરમાં ભૌગોલિક અને રાજકીય રીતે ઘણીબધી બાબતો ધરમૂળથી બદલાઇ ગઇ. લદાખને યુનિયન ટેરિટરી જાહેર કરાયું તેને કારણે કાશ્મીર પાસે પહેલાં સંસદમાં છ બેઠકો રહેતી હતી તે હવે પાંચ થઇ ગઇ. 2019ની ચૂંટણીમાં છ બેઠકોમાંથી ત્રણ ભા.જ.પા.ને મળી હતી અને ત્રણ જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સને ભાગે ગઇ હતી. પણ હવે લદાખ જેમાં ભા.જ.પા.ની પકડ મજબૂત હતી એ અલગ થઇ જવાથી ભા.જ.પા.એ હવે જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સત્તાઓ સાથે ચૂંટણીમાં બાથ ભીડવાની આવશે.  આમ તો ભા.જ.પા.નો વોટ શૅર જમ્મુ કાશ્મીરમાં 46.39 ટકા છે. 2014ની ચૂંટણીમાં ભા.જ.પા.ને 1999 પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં બહુમત મળ્યો જેમાં વોટ શૅર 32.36 ટકા હતો. કાઁગ્રેસની પકડ અને વોટ શૅર બન્ને જમ્મુ કાશ્મીરમા મજબૂત હોવા છતાં છેલ્લી બે ચૂંટણીમાં કાઁગ્રેસને કોઇ બેઠક નથી મળી.

જ્યારે 370ની કલમ હટાવાઇ હતી ત્યારે સ્થાનિક રાજકીય બળોએ તેનો વિરોધ કર્યો હતો પણ સુપ્રીમ કોર્ટ સામે તેમની કોઇ કારી ન ફાવી. આ કલમ ફરી લાગુ કરાઈ તેની તરફેણમાં જે પણ પક્ષો છે તેમણે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે. પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશનમાં (PAGD) ખીણ પ્રદેશના પાંચ પક્ષો છે. NC, PDP સહિત PAGDમાં CPI(M) અને ખાલિદા શાહની અવામી નેશનલ કોન્ફરન્સ પણ છે. આ વખતે તો ચૂંટણી જંગમાં INDIA બ્લૉકે પણ ઝંપલાવ્યું છે. આમ ભા.જ.પા. સામે વિવિધ પક્ષોના ગઠબંધનની લડાઇ પણ જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં એક અગત્યનું પાસું છે. NC અને PDP બન્ને જે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને હટાવવાના વિરોધી છે તે INDIA બ્લોક સાથે જોડાયા છે પણ તેઓ રાજ્યમાં ત્રણ બેઠકો પર તો આપબળે ચૂંટણીના જંગમાં ઝંપલાવશે જ કારણ કે કાઁગ્રેસે INDIA બ્લોકના સાથે નેશનલ કોન્ફરન્સ માટે મેદાન મોકળું છોડ્યું. આમ બન્ને પક્ષો PDP અને NC આપબળે લડશે.

જમ્મુમાં ભા.જ.પા. સામે બે બેઠકો પર લડનાર કાઁગ્રેસે  કેન્દ્ર સરકાર સામે 370 ખસેડી લીધા પછી, એક કવચ હટી ગયા પછી ખડા થયેલા રોજગારીના પ્રશ્નો પર જવાબ માંગ્યો છે. અહીં ભા.જ.પા. સામે ઉમેદવારો મજબૂત છે. કાશ્મીરમાં ભા.જ.પા.ની ચુપકીદી આંખે ઉડીને વળગે એમ છે કારણ કે 370ની કલમ ખસેડ્યા પછી મોદીએ ત્યાં મુલાકાત લીધી હતી ખરી પણ એ પછી કંઇ બહુ અવાજ સંભળાયો નથી. લાગે છે કે  શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ-રજોરીની બેઠકો પર ભા.જ.પા. હારવાનું જોખમ લેવા નથી માગતી.

આ તો સ્થાનિક સંજોગો છે પણ ભારત અને પાકિસ્તાન બન્ને માટે જમ્મુ કાશ્મીરની ચૂંટણી અગત્યની છે. આમ તો બન્ને દેશોના સંબધો 2019માં 370ની કલમ હાટવી લેવાયા પછી કોઇ રીતે બદલાયા નથી. આમે ય સંબંધો બહુ સારા કહી શકાય એવા છે નહીં, પણ ચૂંટણી પછી તેમાં કંઇ સળવળ થાય એમ બને. પાકિસ્તાને રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા, ભારત સાથેના વ્યાપાર પર રોક લગાડી દીધી. આ તરફ ભારતનું માનવું છે કે પોતે જમ્મુ કાશ્મીરમાં વહીવટ કેવી રીતે કરે છે એની સાથે પાકિસ્તાનને કંઇ લેવાદેવા નથી. ભારત અને પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર પોતાના દાવાને મામલે તસુ ભાર પણ ફેરફાર કરવાનો ઇરાદો નથી ધરાવતા એ પણ સ્પષ્ટ છે. પાકિસ્તાન સરકારના મતે આ ચૂંટણીને પગલે લોકો શું માગે છે કે ઇચ્છે છે તેમાં કોઇ ફેર ન પડી શકે. કોર્ટ ભલે સ્ટેટહૂડ અને ચૂંટણીને માન્યતા આપે પણ પાકિસ્તાનનું દૃઢતાપૂર્વક માનવું છે કે ભારત જ્યાં સુધી  370ની કલમ હટાવવાનો નિર્ણય બદલીને જેમ હતો તેમ નહીં કરે ત્યાં સુધી કોઇ ફેર નથી પડવાનો. પાકિસ્તાનનો વર્ગ જે ભારત સાથે સંવાદ સાધવા માગે છે તેને આ ચૂંટણીમાં પ્રોત્સાહન મળશે અને તેઓ કાશ્મીરમાં અમુક હદ સુધીની પોતાની સ્વાયત્તતાની દલીલ કરશે. પણ પાકિસ્તાની ‘ડીપ સ્ટેટ’ જેનું સૂકાન ISIના હાથમાં છે તે આ સંભાવનાઓ રુંધી ચૂક્યા છે. તેમને અસ્થિરતા જ જોઇએ છે અને તે પણ ભારતીય પ્રતિસાદ નોતર્યા વિના. તેમની આ માનસિકતા તાજેતરના આતંકી હુમલાઓની વ્યૂહરચનામાં સાબિત થઇ જાય છે. ભારત આતંકવાદ સામે લડવા બાવડાં મજબૂત કરે છે અને સતત એ વાત પર ભાર મૂકે છે કે કોઇ પણ સંવાદ સધાય તે પહેલાં પાકિસ્તાને આતંકવાદ સામે નક્કર પગલાં લેવા જોઇએ. ભૂતકાળમાં નવાઝ શરીફ જેવા નેતાઓની શાંતિ માટેની પહેલ વગેરે થઇ હોવા છતાં ભારત ચાહે છે પાકિસ્તાનમાં પહેલાં હાઇ કમિશનરની ફરી નિમણૂંક થાય અને પછી સંબંધો સામાન્ય કરવાની દિશામાં કંઇ હિલચાલ થવી જોઇએ. તાજેતરના આતંકી હુમલાઓને કારણે બન્ને દેશોના સંબંધો તંગ છે અને આતંકવાદ વિરોધી કોઇપણ સ્પષ્ટ ખાતરી ન આપનારા પાકિસ્તાન સાથે ભારત કોઇ સંવાદમાં જોડવા તૈયાર નથી. ટૂકંમાં જમ્મુ કાશ્મીરની ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ બન્ને દેશો માટે અગત્યનાં છે પણ રાજદ્વારી સંબધોમાં બન્ને કોઇ ચોક્કસ ખાતરી આપનારી પહેલ નથી કરી રહ્યા.

ફરી સ્થાનિક સ્થિતિ પર નજર કરીએ તો ભા.જ.પા. તરફથી કાશ્મીરમાં ‘પ્રોક્સી’ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે અને જેમ લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના કોઇ ઉમેદવાર નહોતા તેવું જ વિધાનસભાની ચૂંટણીમાં થવાની વકી છે. જમ્મુમાં ભા.જ.પા. પોતાનો ઉમેદવાર કદાચ મૂકે પણ કાશ્મીર ખીણ પ્રદેશમાં ભા.જ.પા.એ સ્થાનિક સ્વતંત્ર ઉમેદવારો સાથે ગઠબંધન કરવું પડશે. ભા.જ.પા.એ રામ માધવને ચૂંટણીના અધ્યક્ષ નિમ્યા છે અને ભૂતકાળમાં તેમણે ભા.જ.પા. – PDP જોડાણ કરાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો, એ વાત અલગ છે કે જોડાણ તૂટી પડ્યું પણ તેમની આવડત ચૂંટણી પછીના સંજોગોમાં ચોક્કસ કામ લાગશે. ભા.જ.પા.ની નજર જમ્મુ પર હોય તે સ્વાભાવિક છે કારણ કે ત્યાં હિંદુ મતદાતાઓ છે અને અંદાજે 43 બેઠકો છે, ખીણ પ્રદેશમાં 47 બેઠકો છે. નવી સીમાંકન સાથે વિધાનસભામાં 90 બેઠકો છે. ભા.જ.પા.ના વરિષ્ઠ નેતાઓ કોઇ પણ પ્રકારની ગઠબંધનની વાત ફગાવી દઇ રહ્યા છે પણ સૂત્રો અનુસાર ભા.જ.પા. સારી પેઠે જાણે છે કે ભા.જ.પા. જમ્મુમાં બધી બેઠકો પર જીતશે તો પણ તેણે સરકાર રચવા માટે સામા પક્ષ સાથે એક લોકતાંત્રિક અને સ્થિર સંવાદ સાધવો જ પડશે.

બાય ધી વેઃ 

આવનારી ચૂંટણી કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર છે. જમ્મુ કાશ્મીરને લઇને જે પણ વાયદા કર્યા છે તે નિભાવવામાં શું ભા.જ.પા. ખરી ઉતરશે? આ ચૂંટણીના ગઠબંધનો, વ્યૂહરચનાઓ, ઉમેદવારની પસંદગી બધું ચોકસાઇ અને ચિવટથી થાય તે બધા જ પક્ષો માટે અનિવાર્ય છે.  નરેન્દ્ર મોદી – ભા.જ.પા.ના આત્મવિશ્વાસમાં કંઇ કાચું કપાશે તો ભારતીય રાજકારણ પર તેનો ઘેરો પ્રભાવ પડશે અને જો બધું સમું સૂતરું પાર પડશે તો કેટલા ય લોકોએ ગમ ખાવો પડશે. કાશ્મીરી નેતાઓની અટકાયત પછી તેમને છોડવા, ત્યાર પછીના રાજકીય કાવાદાવા, ટેકા અને વિરોધમાં બાંધ છોડ કરવાની રમત તો રમાઇ ચૂકી છે. જમ્મુ કાશ્મીરનું રાજકારણ જટિલ છે અને અત્યારના પ્રતિબંધો, અમુક નેતાઓ સામે ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાઓ અને આતંકી હુમલાઓના માહોલ વચ્ચે થનારી આ ચૂંટણી સુરંગ બિઝાવેલા મેદાન પર ચાલવા જેવી સાબિત થઇ શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2024

Loading

નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2024

રમેશ ઓઝા

કોલકતા બળાત્કાર અને હત્યા પ્રકરણની વાતે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ૨૦૧૨ની નિર્ભયા સાથે બનેલી ઘટના યાદ આવે છે. ત્યારે પણ આવો જ ઊહાપોહ થયો હતો, લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેન્ડલ માર્ચ નીકળી હતી, સંસદમાં થોડી વેદના અને વધુ અવસરના રાજકારણને ધ્યાનમાં રાખીને ચર્ચા થઈ હતી, આકારાં પગલાં લેવાની અને આવા નરાધમ ગુનેગારો બીજી વાર આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહીં એવા કાયદા ઘડવાની, કાયદામાં સુધારા કરવાની અને કાયદાના અમલની ચુસ્ત વ્યવસ્થા કરવાની બાયંધરી આપવામાં આવી હતી. આ વાત ૨૦૧૨ની સાલની છે.

૧૨ વરસ પછી ૨૦૨૪ની સાલમાં સર્વોચ્ચ અદાલતે ગ્લાનિગ્રસ્ત અવસ્થામાં કોલકતાની ઘટનાને સામે ચાલીને સાંભળવાનું શરૂ કર્યું છે. સારી વાત છે, સંવેદનશીલતા અને સહાનુભૂતિ માટે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો આભાર માનવો જોઈએ. પણ વિડંબના જુઓ! નિર્ભયા ઘટના બની એ પછી ૧૨ વરસે સર્વોચ્ચ અદાલતના જજોએ ગુરુવારે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કોલકતાની પોલીસે અકુદરતી મૃત્યુની ઘટનાની તપાસ કરતી વખતે ભારતીય દંડસંહિતામાં જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું પાલન કર્યું નહોતું. આવી ઘટનાની તપાસ કરવામાં કેવી કેવી ખબરદારી રાખવી જોઈએ એ વિષે એમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. વારુ, તો પછી ૧૨ વરસ પહેલાં જે સંકલ્પો કરવામાં આવ્યા હતા તેનું શું થયું? એ શું પ્રજાના રોશને શાંત પાડવા માટેના હતા? શુદ્ધ છેતરપિંડી હતી? એટલી બુદ્ધિ તો બાળક પણ ધરાવે છે કે સંકલ્પ પૂરા કરવા હોય તો એ માટે પ્રયત્ન કરવા પડે. બાર વરસ અને કશું જ નહીં? ફરી એ જ ઘટના અને એ જ વાત જે બાર વરસ પહેલાં બની હતી અને કહેવાઈ હતી? હવે ફરીવાર એ જ સંકલ્પ કરવામાં આવશે જે બાર વરસ પહેલાં કરવામાં આવ્યો હતો.

૧૨ વરસમાં નિર્ભયા જેવી, એટલે કે સ્ત્રી સાથેના દુર્વ્યવહારની એક બે નહીં, પંદર-વીસ ઘટનાઓ બની છે. હું મોટી ઘટનાઓની વાત કરી રહ્યો છું જેના વિષે વાત થઈ હોય, છાપે ચડી હોય. જે નજરમાં ન આવી હોય એવી તો બીજી સેંકડો ઘટનાઓ બની હશે. આમાંની એક ઘટના તો સર્વોચ્ચ અદાલતના પવિત્ર ન્યાયમંદિરમાં બની હતી. ઘટના એપ્રિલ ૨૦૧૯ની છે જ્યારે રાજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. હા, એ જ રાજન ગોગોઈ જેણે સરકારને અનુકૂળ ચુકાદાઓ આપીને રાજ્યસભાની સદસ્યતાનો સોદો કર્યો હતો. અત્યારે તેઓ રાજ્યસભામાં બિરાજે છે અને રાજ્યસભામાં એ મહાશયે સરકારની તરફેણમાં કહ્યું હતું કે બંધારણના મૂળભૂત ઢાંચામાં પરિવર્તન કરવાનો સંસદને અધિકાર છે. દેશનો એક સમયનો મુખ્ય ન્યાયમૂર્તિ બંધારણને વફાદાર નથી, ફાયદા કરાવનારા પક્ષને વફાદાર છે. આવા માણસ પાસેથી ન્યાયની અપેક્ષા રખાય? અને એવું જ બન્યું.

એપ્રિલ ૨૦૧૯ની સાલમાં સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરતી એક યુવતીએ ન્યાયમૂર્તિ ગોગોઈ સામે આરોપ કર્યો હતો કે તેઓ તેની સાથે છેડતી કરે છે, નજીક લેવા અભદ્ર પ્રયત્નો કરે છે અને હું જ્યારે પ્રતિસાદ નહોતી આપતી ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈ મને અને મારાં પરિવારને ધમકાવે છે, સતાવે છે. એ સ્ત્રીએ સોગંદનામું કરીને આવા આક્ષેપો કર્યા હતા. કોલકતાની પોલીસે તપાસ કરવામાં દક્ષતા નથી દાખવી, પણ ઢીલ કરી છે એમ કહેનારા ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ ત્યારે પણ સર્વોચ્ચ અદાલતમાં હતા. સર્વોચ્ચ અદાલતમાં તેમની નિયુક્તિ ૨૦૧૬માં થઈ હતી. કહેવાની જરૂર નથી કે કોઈ પ્રકારની તપાસ થઈ નહોતી. વિશાખા જોગવાઈ મુજબ આંતરિક તપાસ પણ થઈ નહોતી. એ સ્ત્રીને એટલી હદે સતાવવામાં આવી હતી કે ડરીને તેણે સર્વોચ્ચ અદાલતની નોકરી છોડી દીધી હતી. અને થોભો, ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ સહિત કોઈ ન્યાયમૂર્તિ ન્યાયના મંદીરમાં ન્યાયનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે એ વિષે એક હરફ સુધા બોલ્યા નહોતા. જેણે પોતાની સહાયક તરીકે કામ કરતી સ્ત્રી સાથે કહેવાતો દુર્વ્યવહાર કર્યો હતો એ હજુ વધુ ન્યાયનું કાસળ કાઢીને રાજ્યસભામાં જવાનો હતો. શું એ સ્ત્રી એક તપાસની પણ મોહતાજ નહોતી ચન્દ્રચૂડ સાહેબ? સ્ત્રીની આબરુની કિંમત કોડીની અને એ પણ દેશના સર્વોચ્ચ ન્યાયમંદીરમાં? ખોટી હતી તો દંડ કરવો હતો, પણ આંખ બંધ કરી દેવાની? અકળાવનારી ખામોશી!

આ દેશમાં કાયદાના રાજની સ્થિતિ આવી છે. સર્વોચ્ચ અદાલતમાં કાયદાનું રાજ ન હોય ત્યાં બીજે શું અપેક્ષા રાખવાની! કોલકતા કેસની તપાસ હવે સી.બી.આઈ. કરી રહી છે અને સી.બી.આઈ.ના વકીલે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું છે કે ઘટનાના પાંચમાં દિવસે જ્યારે સી.બી.આઈ.ના હાથમાં કેસ આવ્યો ત્યાં સુધીમાં તો કોલકતાની પોલીસે ઘણું બધું ફેરવી નાખ્યું હતું. સી.બી.આઈ. જે કહે છે એમ જ બન્યું હશે, પણ મુદ્દો એ છે કે આવું હવે પછી નહીં બને અને કોઈ પાપીને છોડવામાં નહીં આવે અને છૂટી પણ નહીં શકે એવું જે ૨૦૧૨માં કહેવામાં આવ્યું હતું એનું શું? એક પક્ષ બીજા પક્ષ પર અને એક એજન્સી બીજી એજન્સી પર આરોપ કરે એવું તો ૨૦૧૨ પહેલાં પણ બનતું હતું. બધું જ એવું ને એવું જ છે, બલકે વણસ્યું છે.

હમણાં મેં કહ્યું કે છેલ્લા બાર વરસમાં બળાત્કારની અને બળાત્કાર પછી હત્યાઓની બારેક ઘટનાઓ બની છે. દરેક વખતે ઊહાપોહ કરનારાઓ બહાર નથી નીકળતા. પહેલવાન છોકરીઓને કેન્દ્રીય પ્રધાન છેડતો હતો, છોકરીઓએ ધરણાં કર્યાં, પણ કોઈનું દિલ દુભાયું નહોતું. ‘કાશ્મીર ફાઈલ્સ’ જોઇને માંહ્યલો વલોવાઈ જાય, પણ પહેલવાન છોકરીઓનાં દર્દથી માંહ્યલો ન વલોવાય પછી ભલે એ છોકરીઓ હિંદુ હોય! કાશ્મીરમાં કઠુઆમાં માત્ર આઠ વરસની મુસ્લિમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બને ત્યારે કોઈનો માહ્યલો નહોતો રડ્યો. એ ઘટના ૨૦૧૮માં બની હતી. ૨૦૨૨માં બરાબર ૧૫મી ઓગસ્ટે આઝાદીના દિવસે  બિલ્કીસબાનુ પર બળાત્કાર કરનારા ગુનેગારો(આરોપી નહીં, ગુનો સાબિત થઈ ચુક્યો હોય અને સજા ભોગવતા હોય એવા ગુનેગારો)ને આઝાદ કરવામાં આવ્યા ત્યારે કોઈનો અંતરાત્મા નહોતો દુભાયો. ચાહી કરીને આઝાદીના દિવસે હિંદુ બળાત્કારીઓને આઝાદ કરવામાં આવ્યા. એમ બતાવવા માટે કે દેશમાં હિંદુઓનું રાજ છે જેમાં બળાત્કારી હિંદુ જો તેણે કરેલા ગુનાનો શિકાર મુસ્લિમ હોય તો આઝાદ ફરવાનો અધિકારી છે. આવા તો બીજા એક ડઝન કિસ્સા ટાંકી શકું એમ છું. ઉન્નાવ, હાથરસ વગેરે યાદ હશે.

ક્યારેક અંતરાત્મા દુભાય અને ક્યારેક જરા ય ન દુભાય. ૨૦૧૨માં નિર્ભયાની ઘટનામાં જબરદસ્ત આઘાત લાગ્યો પણ એ પછી એનાં કરતાં પણ બર્બર ઘટનાઓ બની પણ આઘાત ન લાગ્યો. કોલકતાની ઘટના પછી પીડાનો અનુભવ થવા લાગ્યો હતો, પણ મહારાષ્ટ્રમાં બદલાપુરમાં યૌનશોષણની લગભગ એવી જ શરમજનક ઘટના બની એટલે પીડાનું શમન થવા લાગ્યું. પીડાને પાંખ પણ હોય છે. જગાડ્યા પછી પીડા અન્યત્ર પહોંચે તો! બંગાળ અને મહારાષ્ટ્રમાં સરકાર અલગ અલગ પક્ષ કે મોરચાની છે.

તો મુદ્દા બે છે. એક તો નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને બીજો મુદ્દો એ કે પીડાજનક ઘટના ન બને એ રીતનું કાયદાનું રાજ અમર તપે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. વ્યવસ્થા બદતર થતી જાય છે. સર્વોચ્ચ અદાલતમાં કામ કરતી યુવતીને ન્યાય ન મળે ત્યાં બીજાને ન્યાય મળે એની શું અપેક્ષા રાખવાની! આ તો જરાક સંકડામણ પેદા થાય ત્યારે તેમાંથી છૂટવા કાયદાના રાજ માટે પોકાર કરવો જોઈએ એટલું જ. દસ વરસ પછી કોઈ બીજો મુખ્ય ન્યાયમૂર્તિ ખરખરો કરશે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2024

Loading

...102030...621622623624...630640650...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved