Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2024

રમેશ ઓઝા

કોલકતા બળાત્કાર અને હત્યા પ્રકરણની વાતે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ૨૦૧૨ની નિર્ભયા સાથે બનેલી ઘટના યાદ આવે છે. ત્યારે પણ આવો જ ઊહાપોહ થયો હતો, લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેન્ડલ માર્ચ નીકળી હતી, સંસદમાં થોડી વેદના અને વધુ અવસરના રાજકારણને ધ્યાનમાં રાખીને ચર્ચા થઈ હતી, આકારાં પગલાં લેવાની અને આવા નરાધમ ગુનેગારો બીજી વાર આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહીં એવા કાયદા ઘડવાની, કાયદામાં સુધારા કરવાની અને કાયદાના અમલની ચુસ્ત વ્યવસ્થા કરવાની બાયંધરી આપવામાં આવી હતી. આ વાત ૨૦૧૨ની સાલની છે.

૧૨ વરસ પછી ૨૦૨૪ની સાલમાં સર્વોચ્ચ અદાલતે ગ્લાનિગ્રસ્ત અવસ્થામાં કોલકતાની ઘટનાને સામે ચાલીને સાંભળવાનું શરૂ કર્યું છે. સારી વાત છે, સંવેદનશીલતા અને સહાનુભૂતિ માટે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો આભાર માનવો જોઈએ. પણ વિડંબના જુઓ! નિર્ભયા ઘટના બની એ પછી ૧૨ વરસે સર્વોચ્ચ અદાલતના જજોએ ગુરુવારે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે કોલકતાની પોલીસે અકુદરતી મૃત્યુની ઘટનાની તપાસ કરતી વખતે ભારતીય દંડસંહિતામાં જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું પાલન કર્યું નહોતું. આવી ઘટનાની તપાસ કરવામાં કેવી કેવી ખબરદારી રાખવી જોઈએ એ વિષે એમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. વારુ, તો પછી ૧૨ વરસ પહેલાં જે સંકલ્પો કરવામાં આવ્યા હતા તેનું શું થયું? એ શું પ્રજાના રોશને શાંત પાડવા માટેના હતા? શુદ્ધ છેતરપિંડી હતી? એટલી બુદ્ધિ તો બાળક પણ ધરાવે છે કે સંકલ્પ પૂરા કરવા હોય તો એ માટે પ્રયત્ન કરવા પડે. બાર વરસ અને કશું જ નહીં? ફરી એ જ ઘટના અને એ જ વાત જે બાર વરસ પહેલાં બની હતી અને કહેવાઈ હતી? હવે ફરીવાર એ જ સંકલ્પ કરવામાં આવશે જે બાર વરસ પહેલાં કરવામાં આવ્યો હતો.

૧૨ વરસમાં નિર્ભયા જેવી, એટલે કે સ્ત્રી સાથેના દુર્વ્યવહારની એક બે નહીં, પંદર-વીસ ઘટનાઓ બની છે. હું મોટી ઘટનાઓની વાત કરી રહ્યો છું જેના વિષે વાત થઈ હોય, છાપે ચડી હોય. જે નજરમાં ન આવી હોય એવી તો બીજી સેંકડો ઘટનાઓ બની હશે. આમાંની એક ઘટના તો સર્વોચ્ચ અદાલતના પવિત્ર ન્યાયમંદિરમાં બની હતી. ઘટના એપ્રિલ ૨૦૧૯ની છે જ્યારે રાજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. હા, એ જ રાજન ગોગોઈ જેણે સરકારને અનુકૂળ ચુકાદાઓ આપીને રાજ્યસભાની સદસ્યતાનો સોદો કર્યો હતો. અત્યારે તેઓ રાજ્યસભામાં બિરાજે છે અને રાજ્યસભામાં એ મહાશયે સરકારની તરફેણમાં કહ્યું હતું કે બંધારણના મૂળભૂત ઢાંચામાં પરિવર્તન કરવાનો સંસદને અધિકાર છે. દેશનો એક સમયનો મુખ્ય ન્યાયમૂર્તિ બંધારણને વફાદાર નથી, ફાયદા કરાવનારા પક્ષને વફાદાર છે. આવા માણસ પાસેથી ન્યાયની અપેક્ષા રખાય? અને એવું જ બન્યું.

એપ્રિલ ૨૦૧૯ની સાલમાં સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરતી એક યુવતીએ ન્યાયમૂર્તિ ગોગોઈ સામે આરોપ કર્યો હતો કે તેઓ તેની સાથે છેડતી કરે છે, નજીક લેવા અભદ્ર પ્રયત્નો કરે છે અને હું જ્યારે પ્રતિસાદ નહોતી આપતી ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈ મને અને મારાં પરિવારને ધમકાવે છે, સતાવે છે. એ સ્ત્રીએ સોગંદનામું કરીને આવા આક્ષેપો કર્યા હતા. કોલકતાની પોલીસે તપાસ કરવામાં દક્ષતા નથી દાખવી, પણ ઢીલ કરી છે એમ કહેનારા ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ ત્યારે પણ સર્વોચ્ચ અદાલતમાં હતા. સર્વોચ્ચ અદાલતમાં તેમની નિયુક્તિ ૨૦૧૬માં થઈ હતી. કહેવાની જરૂર નથી કે કોઈ પ્રકારની તપાસ થઈ નહોતી. વિશાખા જોગવાઈ મુજબ આંતરિક તપાસ પણ થઈ નહોતી. એ સ્ત્રીને એટલી હદે સતાવવામાં આવી હતી કે ડરીને તેણે સર્વોચ્ચ અદાલતની નોકરી છોડી દીધી હતી. અને થોભો, ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ સહિત કોઈ ન્યાયમૂર્તિ ન્યાયના મંદીરમાં ન્યાયનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે એ વિષે એક હરફ સુધા બોલ્યા નહોતા. જેણે પોતાની સહાયક તરીકે કામ કરતી સ્ત્રી સાથે કહેવાતો દુર્વ્યવહાર કર્યો હતો એ હજુ વધુ ન્યાયનું કાસળ કાઢીને રાજ્યસભામાં જવાનો હતો. શું એ સ્ત્રી એક તપાસની પણ મોહતાજ નહોતી ચન્દ્રચૂડ સાહેબ? સ્ત્રીની આબરુની કિંમત કોડીની અને એ પણ દેશના સર્વોચ્ચ ન્યાયમંદીરમાં? ખોટી હતી તો દંડ કરવો હતો, પણ આંખ બંધ કરી દેવાની? અકળાવનારી ખામોશી!

આ દેશમાં કાયદાના રાજની સ્થિતિ આવી છે. સર્વોચ્ચ અદાલતમાં કાયદાનું રાજ ન હોય ત્યાં બીજે શું અપેક્ષા રાખવાની! કોલકતા કેસની તપાસ હવે સી.બી.આઈ. કરી રહી છે અને સી.બી.આઈ.ના વકીલે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું છે કે ઘટનાના પાંચમાં દિવસે જ્યારે સી.બી.આઈ.ના હાથમાં કેસ આવ્યો ત્યાં સુધીમાં તો કોલકતાની પોલીસે ઘણું બધું ફેરવી નાખ્યું હતું. સી.બી.આઈ. જે કહે છે એમ જ બન્યું હશે, પણ મુદ્દો એ છે કે આવું હવે પછી નહીં બને અને કોઈ પાપીને છોડવામાં નહીં આવે અને છૂટી પણ નહીં શકે એવું જે ૨૦૧૨માં કહેવામાં આવ્યું હતું એનું શું? એક પક્ષ બીજા પક્ષ પર અને એક એજન્સી બીજી એજન્સી પર આરોપ કરે એવું તો ૨૦૧૨ પહેલાં પણ બનતું હતું. બધું જ એવું ને એવું જ છે, બલકે વણસ્યું છે.

હમણાં મેં કહ્યું કે છેલ્લા બાર વરસમાં બળાત્કારની અને બળાત્કાર પછી હત્યાઓની બારેક ઘટનાઓ બની છે. દરેક વખતે ઊહાપોહ કરનારાઓ બહાર નથી નીકળતા. પહેલવાન છોકરીઓને કેન્દ્રીય પ્રધાન છેડતો હતો, છોકરીઓએ ધરણાં કર્યાં, પણ કોઈનું દિલ દુભાયું નહોતું. ‘કાશ્મીર ફાઈલ્સ’ જોઇને માંહ્યલો વલોવાઈ જાય, પણ પહેલવાન છોકરીઓનાં દર્દથી માંહ્યલો ન વલોવાય પછી ભલે એ છોકરીઓ હિંદુ હોય! કાશ્મીરમાં કઠુઆમાં માત્ર આઠ વરસની મુસ્લિમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બને ત્યારે કોઈનો માહ્યલો નહોતો રડ્યો. એ ઘટના ૨૦૧૮માં બની હતી. ૨૦૨૨માં બરાબર ૧૫મી ઓગસ્ટે આઝાદીના દિવસે  બિલ્કીસબાનુ પર બળાત્કાર કરનારા ગુનેગારો(આરોપી નહીં, ગુનો સાબિત થઈ ચુક્યો હોય અને સજા ભોગવતા હોય એવા ગુનેગારો)ને આઝાદ કરવામાં આવ્યા ત્યારે કોઈનો અંતરાત્મા નહોતો દુભાયો. ચાહી કરીને આઝાદીના દિવસે હિંદુ બળાત્કારીઓને આઝાદ કરવામાં આવ્યા. એમ બતાવવા માટે કે દેશમાં હિંદુઓનું રાજ છે જેમાં બળાત્કારી હિંદુ જો તેણે કરેલા ગુનાનો શિકાર મુસ્લિમ હોય તો આઝાદ ફરવાનો અધિકારી છે. આવા તો બીજા એક ડઝન કિસ્સા ટાંકી શકું એમ છું. ઉન્નાવ, હાથરસ વગેરે યાદ હશે.

ક્યારેક અંતરાત્મા દુભાય અને ક્યારેક જરા ય ન દુભાય. ૨૦૧૨માં નિર્ભયાની ઘટનામાં જબરદસ્ત આઘાત લાગ્યો પણ એ પછી એનાં કરતાં પણ બર્બર ઘટનાઓ બની પણ આઘાત ન લાગ્યો. કોલકતાની ઘટના પછી પીડાનો અનુભવ થવા લાગ્યો હતો, પણ મહારાષ્ટ્રમાં બદલાપુરમાં યૌનશોષણની લગભગ એવી જ શરમજનક ઘટના બની એટલે પીડાનું શમન થવા લાગ્યું. પીડાને પાંખ પણ હોય છે. જગાડ્યા પછી પીડા અન્યત્ર પહોંચે તો! બંગાળ અને મહારાષ્ટ્રમાં સરકાર અલગ અલગ પક્ષ કે મોરચાની છે.

તો મુદ્દા બે છે. એક તો નિર્દોષની પીડાનો સત્તાના રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે અને બીજો મુદ્દો એ કે પીડાજનક ઘટના ન બને એ રીતનું કાયદાનું રાજ અમર તપે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. વ્યવસ્થા બદતર થતી જાય છે. સર્વોચ્ચ અદાલતમાં કામ કરતી યુવતીને ન્યાય ન મળે ત્યાં બીજાને ન્યાય મળે એની શું અપેક્ષા રાખવાની! આ તો જરાક સંકડામણ પેદા થાય ત્યારે તેમાંથી છૂટવા કાયદાના રાજ માટે પોકાર કરવો જોઈએ એટલું જ. દસ વરસ પછી કોઈ બીજો મુખ્ય ન્યાયમૂર્તિ ખરખરો કરશે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2024

Loading

25 August 2024 રમેશ ઓઝા
← સાબરમતી આશ્રમ સ્મારકના મૂકસેવકની વિદાય
જમ્મુ કાશ્મીરની ચૂંટણીઃ ભા.જ.પા. માટે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કસોટીની એરણે ખરા ઉતરવાનો વખત →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved