Opinion Magazine
Number of visits: 9457289
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી પરંતુ પરસ્પર પૂરક છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2024

રમેશ ઓઝા

કોઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા અને માણસાઈ એ પરસ્પર વિરોધી ગુણ છે? ભારોભાર માણસાઈ ધરાવનારો માણસ શૂરવીર ન હોઈ શકે? પણ આજકાલ આવું કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મુસલમાનોની ઐસીતૈસી કરનારા ભડવીર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓ આ બન્ને મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. તેઓ બન્ને ભડવીર જરૂર હતા, માથાભારે નહોતા. માણસાઈ, વિવેક અને મર્યાદા જાણતા હતા અને પાળતા પણ હતા.

શિવાજી મહારાજની માણસાઈનું પ્રમાણ તો હિન્દુત્વવાદીઓના મહાગુરુ વિનાયક દામોદર સાવરકરે પોતે જ આપ્યું છે અને માણસાઈ ધરાવવા માટે (હા, માણસાઈ ધરાવવા માટે તેમ જ માણસાઈ બતાવવા માટે) ધોખો કર્યો છે. શિવાજી મહારાજના સૈનિકોએ કલ્યાણના મુસ્લિમ સૂબાની પુત્રવધૂ અને અન્ય સૈનિકોની પત્નીઓને પકડીને શિવાજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરી. શિવાજી મહારાજને મરાઠા સૈનિકોનું આ પગલું ઉચિત લાગ્યું નહીં અને આદેશ આપ્યો કે હમણાં ને હમણાં આ સ્ત્રીઓને માનભેર તેમના ઘરે પાછી પહોંચડવામાં આવે અને તેમનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. સાવરકરે આ પ્રસંગને ટાંકીને લખ્યું છે કે શિવાજી મહારાજે હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેમના સૈનિકોને ભોગવવા માટે આપી દેવી જોઈતી હતી. હિંદુ સૈનિકો તેમના પર બળાત્કાર કરત અને મુસલમાનોને પાઠ ભણાવત. સાવરકર માનતા હતા કે માણસાઈ એક નબળાઈ છે, દુર્ગુણ છે. તેમણે તેમનાં મરાઠી પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે જેનું શીર્ષક જ છે : સદ્દગુણ વિકૃતિ. સદ્દગુણ એ વિકૃતિ છે.

મુસ્લિમ સ્ત્રીઓની આબરૂનું રક્ષણ કરનારા શિવાજી મહારાજ નબળા હતા? જો નબળા હોત તો તેમણે આગ્રાની જેલમાંથી છૂટવા માટે ઔરંગઝેબની માફી માગી હોત, જે રીતે સાવરકરે આંદામાનની જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની એક વાર નહીં, ઉપરાઉપર અનેકવાર માફી માગી હતી. શિવાજી મહારાજની બહાદુરી, સંકલ્પસિદ્ધિ, કૃતનિશ્ચયતા વિષે કોણ નથી જાણતું? એ માણસે ઔરંગઝેબને હંફાવી દીધો હતો અને દક્ષિણ છોડીને દિલ્હી પાછો જવા નહોતો દીધો. લાંબો સમય સુધી દિલ્હીની બહાર રહેવાને કારણે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને છેવટે તેનું પતન થયું હતું. અને હજુ એક વાત. આગળ જતાં આ જ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યનું પતન મરાઠાઓની મર્દાનગીના અભાવને કારણે નહોતું થયું, પણ પેશ્વાઓની ઐયાશીના કારણે, તેમની જીવન મૂલ્યો સાથેની શિથિલતાને કારણે, મર્યાદાલોપને કારણે થયું હતું. ટૂંકમાં મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. બન્ને એકબીજાને વધારે સમૃદ્ધ કરે છે. દીપાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામ કાયર હતા?

શિવાજી મહારાજની જેમ સરદાર વલ્લભભાઇ પટેલ પણ ખાસ એજન્ડાના શિકાર છે. આ બન્નેને મોટા બનાવવામાં નથી આવી રહ્યા, નાના બનાવવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણને માફક આવે એવા અને આપણી જેવા બનાવો. આમાં આપણી જેવા એ વધારે મહત્ત્વનું છે. આપણી જેવા એટલે માનમર્યાદામાં નહીં માનનારા અને મુસલમાનોની ઐસીતૈસી કરનારા. શિવાજી મહારાજે આવું ક્યારેનય કર્યું નથી અને સરદારે પણ આવું કર્યું નથી. ૧૯૩૭-૩૯ની સાલમાં મુંબઈ રાજ્યની સરકારમાં કનૈયાલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એ સમયે સુરતમાં, મુંબઈમાં અને સોલાપુરમાં કોમી રમખાણો થયાં હતાં. સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને રમખાણોનાં કારણો જાણવા પત્ર લખ્યો હતો અને તેને રોકવા માટે સૂચનો આપ્યાં હતાં. તેમણે મુનશીને ખાનગીમાં નહોતું કહ્યું કે બે દિવસ તમને આપું છું, મુસલમાનોને ધીબેડી નાખો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે તેઓ પોતે દેશનાં ગૃહ પ્રધાન હતા અને ત્યારે તેઓ એમ કહી શક્યા હોત કે મહાત્માજી તો બોલ્યા કરે, સેક્યુલરિસ્ટો અને માનવતાવાદીઓ તો ભસ્યા કરે, હું તમને અઠવાડિયું આપું છું કરી દો મુસલમાનોને પાકિસ્તાન ભેળા. તેઓ ભડવીર હતા, કૃતનિશ્ચયી હતા, આખાબોલા હતા, કોઈની આડોડાઈને સહન નહોતા કરતા પણ એની સાથે માણસાઈ ધરાવનારા માણસ હતા.

એક પ્રસંગ ટાંકુ છું. બોરસદના સત્યાગ્રહમાં વિજય મળ્યો એ પછી ૧૨મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. એ સભામાં વલ્લભભાઇ પટેલે કહ્યું હતું: “એક મહિનાની ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. તેમાં દરબારસાહેબની (દરબાર ગોપાળદાસ) પંડ્યાજીની (મોહનલાલ પંડ્યા) કે મારી, કોઈની બુદ્ધિચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી; પણ આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. એમણે આપેલી દીક્ષાની ગુરુદક્ષિણા તો હજી આપણે આપવી બાકી જ છે, આ તો એમના ઋણનું વ્યાજ માત્ર આપણે પાછું વાળ્યું છે.” આગળ કહે છે : “ … મેં જાણ્યું કે તમે ફતેહની ઉજાણી કરવાના છો. તે ભલે ઉજવો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તિ કરવા આવનારાઓને પણ ભાગ લેવા બોલાવો. આપણી લડત આસૂરી નથી, એટલે દુ:શ્મને જ્યારે હથિયાર હેઠાં મૂકયાં ત્યારે તમારે તેમની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજાણીમાં ભાગ લેવા બોલાવવા.”

સરદાર કહે છે કે ગાંધીના માર્ગે વિજય મળ્યો અને એ માર્ગ માણસાઈયુક્ત શૌર્યનો હતો અને માણસાઈયુક્ત શૌર્યથી વધારે મોટું કોઈ શૌર્ય હોતું નથી. માણસાઈ વિનાનું શૌર્ય એ શૌર્ય ન કહેવાય એને માથાભારેપણું કહેવાય. અને વિજય? સરદાર કહે છે કે ઉદારતાયુક્ત વિજય એ સાચો વિજય કહેવાય અને જો વિજયમાં ઉદારતા ન હોય તો એમાં વિરોધી માટે દ્વેષ, તિરસ્કાર અને પ્રસંગે સતામણી પેદા થાય.

આવા હતા શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઇ પટેલ. તેમની મર્દાનગી માણસાઈયુક્ત હતી. તેમના વિજયમાં ઉદારતા હતી. પણ આજના યુગમાં શાસકોની ખાસ જરૂરિયાતના ભાગરૂપે આ બન્નેની માણસાઈને પાતળી પાડવામાં આવી રહી છે. તેઓ શિવાજી મહારાજ અને સરદાર પટેલને તેમના જેવા બનાવવા માગે છે. આવું કરનારાઓ તેમને અન્યાય કરે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024

Loading

પર્યાવરણમિત્ર વિકાસ માટે લદ્દાખ બંધારણના છઠ્ઠા શિડ્યુલનો લાભ માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 March 2024

સોનમ વાંગચુકનાં અનશન

વાંગચુકને પગલે અનશન શૃંખલા અવિરત જારી છેઃ સરેરાશ લદ્દાખી વિમાસે છે, દિલ્હી લગણ ક્યારે પુગશે ‘મન કી બાત…’ને ચેનલ ચોવીસા ચૂપ કેમ? 

પ્રકાશ ન. શાહ

સુદૂર લદ્દાખમાં સોનમ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ છોડ્યા છે, પણ હવે દસ દિવસના ઉપવાસનો દોર મહિલાઓએ સંભાર્યો છે અને તે પછી યુવજનો તો ખરા જ, પણ બૌદ્ધ ભિખ્ખુઓ સુધ્ધાં તે દોર જારી રાખશે. કોણ છે આ સોનમ વાંગચુક મહાશય, તમે પૂછશો. ભાઈ, આપણે એને ”થ્રી ઇડિયટ્સ”માં આમીરખાન વાટે તો મળ્યા જ હતા. આયુષ્યના અડસઠમે લદ્દાખના જનજીવનમાં લગારે ગાજોવાજો નહીં એવું નરવુંનક્કર પ્રદાન એમનું છે. કામમાં ગંભીર હશે, પણ કશાયે બોજ વગરની હસ્તી છે, આ અસલી ‘રેન્ચો”.

એમણે શેને સારુ આકરી લાંઘણ ખેંચવાનો દોર શરૂ કર્યો છે એની વાત લગીર રહીને કરું. આરંભે મારે, આ મિકેનિકલ એન્જિનિયરના એ જીવનકાર્યનો ખયાલ આપવો જોઈએ જે ચીલેચાલુ ઇજનેરી માળખાની સાહેબશાહી રીતરસમથી ઉફરાટે સામાન્ય સમજ સાથે વૈજ્ઞાનિક અભિગમથી જીવનને કંઈક સુખકર બનાવવા પ્રયોગો કરે છે. એમનું લોકવિજ્ઞાન મજેનું છે. એમણે કથિત નબળા વિદ્યાર્થીઓ માટે જે કેમ્પસ ઊભું કર્યું છે, એ ગારમાટીનાં ઘરનું ને સૌર શક્તિ સંચાલિત છે. બાકી લદ્દાખ જ્યારે -15 સેન્ટીગ્રેડ અનુભવતું હોય ત્યારે એમનાં આ ગાર – માટીનાં ઘરનું તાપમાન +15 સેન્ટિગ્રેડ હોય છે અને ઠુંઠવાતા મલક વચ્ચે ફૂંફાતાં બાળ રમેભણે ઉછરે છે. વસ્તુતઃ 1988થી એમણે છાત્રો વચ્ચે શૈક્ષણિક ને સાંસ્કૃતિક એવી જે બિનરાજકીય ચળવળ શરૂ કરી, ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ – એ હવે ખાસી આગળ વધી ગઈ છે. સરકારી શાળાઓમાં સુધારણા કરી પરિણામો સુધાર્યાં પછી પણ જે છોકરાં પાછળ છૂટી જાય છે, દસમું વટાવી શકતાં નથી એમને ભણાવવા એમણે નવ્ય આશા અભિયાન (ઓપરેશન ન્યૂ હોપ) શરૂ કર્યું – સરકાર, સ્થાનિક સમુદાયો અને નાગરિક સમાજ ત્રણેને સાંકળીને. આજે દસમું માંડ પાસ કરતો પાંચ ટકાનો આંકડો પૂરા પંચોતેર ટકે પહોંચી ગયો છે.

જેમ એમના ગારમાટીનાં ઘરની હમણાં જિકર કરી તેમ બીજો યે એક લોકોપયોગી પ્રયોગ અહીં સંભારી લઈએ. આ પ્રયોગ આઈસ સ્તૂપ(હિમસ્તૂપ)નો છે. શિયાળામાં એવા આર્ટિફિશિયલ ગ્લેશિયર સરજવાનાં જે ઉનાળામાં પાણીખેંચ વખતે વૈકલ્પિક જળસ્રોતની ગરજ સારી શકે.

હવે એમણે શરૂ કરેલી ઉપવાસ શૃંખલા વિશે. 370મી નાબૂદ થઈ અને લદ્દાખને યુનિયન ટેરિટરીનો દરજ્જો તો મળ્યો. પણ પ્રજાકીય હિસ્સેદારી વગરના શાસનનો શો મતલબ ? એ કહે છે, અમને બંધારણના છઠ્ઠા શિડ્યુલમાં મૂકો. એને અન્વયે અમે ઓટોનોમસ કાઉન્સિલ મેળવી શકીએ – અને એક સ્વાયત્ત માહોલમાં પ્રજાકીય પહેલ અને ભાગીદારી સાથે વિકાસનાં કામો હાથ ધરી શકીએ. હા, વાંગચુક કહે છે, વિકાસની વ્યાખ્યા અમારી હશે. હાલ જે રીતે કોર્પોરેટ રાહે હિમાલયી શોષણ ને દોહન શક્ય છે તે નહીં ચાલે. પ્રજાની હિસ્સેદારી સાથે પર્યાવરણમિત્ર વિકાસનો એ રાહ હશે. અમે જેટલે લાંબે ઢોરાં ચારવા જતા હતા એટલે લાંબે હવે જઇ શકતા નથી, કેમ કે ચીનની હરકત ઇંચ-બઇંચ આગળ વધતી રહી છે. ચીન-પાકિસ્તાન સાથેના સીમામુલક તરીકે અહીં લોકભાગીદારી સાથેનો પર્યાવરણમિત્ર વિકાસ એક સંરક્ષણ હરોળ નીચે ગરજ સારી શકે. અહીં આપણા દેશના જવાનો તૈનાત હોય ત્યારે સ્થાનિક લોકો એમનાં સુખદુઃખની જે સંભાળ લે છે એ તો જુઓ! આ સરેરાશ લદ્દાખી જ્યારે પર્યાવરણમિત્ર વિકાસે સહભાગી, સજ્જ ને સમૃદ્ધ હશે ત્યારે પેલી સંરક્ષણ હરોળ કેટલી દૃઢ થઈ હશે એ તો વિચારો જરી!

તમે આ દિવસોમાં સોનમ વાંગચુકને સાંભળ્યા છે ? સહજ સરળ સ્વસ્થ સ્વચ્છ અંગ્રેજી /હિંદીમાં લગારે આક્રોશ વિના એ પોતાની વાત મૂકે છે. એકવીસ ઉપવાસ કેમ, તો કહે છે ગાંધીજીએ બાંધેલી મર્યાદામાં ચાલુ અનશન અભિયાને પહેલો પડાવ પત્યો ને એમણે લોકજોગ જે સંબોધન કર્યું એને અંતે ‘જયહિંદ” પણ સહજ ક્રમે દડી આવ્યું હતું. ન દિલ્હીના દેવતાઓને, ન તો મેઇન સ્ટ્રીમ મીડિયાને આ અવાજ પહોંચે છે. આપણે કારુણિકા, બીજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 માર્ચ 2024

Loading

ટિકિટ કપાય તો ય દુ:ખ ને અપાય તો ય દુ:ખ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 March 2024

રવીન્દ્ર પારેખ

લોકસભાની ચૂંટણી લોક’ખભા’ની ચૂંટણી બની રહી હોય એવું લાગે છે. કોઈ ખભો આપીને તો કોઈ ખભે ચડીને ચૂંટણી જીતવા જીવ પર આવી ગયા હોય તેવું વાતાવરણ છે. હાઇકમાંડ, કમાન છટકાવીને ટિકિટો આપી રહ્યા છે, તો જૂના જોગીઓની ટિકિટો કાપી પણ રહ્યા છે. જે વિપક્ષ તરીકે ગાળ દેતાં થાકતા ન હતા તે હવે પક્ષ બદલીને, ટિકિટ મેળવી લઈ મલકાઈ રહ્યા છે, તો ટિકિટ ન મળતાં કેટલાંક છણકાઈ પણ રહ્યા છે. જે પોતાના પક્ષને વફાદાર ન રહ્યા તે હવે નવા પક્ષમાં નફાદાર થવા દાખલ પડી ગયા છે ને પ્રજા બધું ભૂલીને તેમને મત આપે એવી ભોળી છે કે કેમ તે તો ચૂંટણીનાં પરિણામો જ કહેશે. જો કે, આ વખતે એક કૌતુક એવું પણ થયું છે કે ટિકિટ મળી હોય છતાં ઉમેદવારો મત મેળવવાના મતના નથી. ગુજરાતમાં જ સાબરકાંઠાના અને વડોદરાના ભા.જ.પ.ના બે ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ એક કાઁગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી છે. આ ચૂંટણી વૈરાગ્ય કેમનોક આવ્યો તે તો ખબર નથી, પણ કેટલાક આક્ષેપો જીરવવાનું અઘરું થયું હોય એમ બને. એ તો ઠીક, પણ, ચૂંટણી લડવાના પૈસા ન હોય ને કોઈ ચૂંટણી લડવાનું નકારે ને એમ નકારનાર બીજું કોઈ નહીં ને કેન્દ્રીય નાણાં મંત્રી પોતે હોય ત્યારે એક સાથે હજારો વૉલ્ટનો ઝાટકો ઘણાંને લાગે ને તેઓ આઘાતથી બેવડ વળી જાય એમ બને.

બન્યું એવું કે ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી લોકસભાની ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો, તો નાણાં મંત્રીએ એમ કહીને ના પાડી કે તેમની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા નથી. હવે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય તો લોકો તો ગરીબ જ  હોયને ! એવું તો કેવી રીતે હોય કે રાજા ભિખારી હોય ને રાજ્ય એશ કરતું હોય? સીતારામન્‌ને પૂછવામાં આવ્યું કે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય એ કેવું? તો, એમનો જવાબ હતો – મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પરંતુ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. નાણાં મંત્રી ખોટું તો ન બોલે. જો કે, ખોટું તો હવે કોઈ બોલતું જ નથી. એ જે હોય તે, પણ સીતારામન્‌ના જવાબ પરથી એટલું તો ફલિત થાય છે કે ભારતના નાણાં મંત્રીનું પોતાનું ફંડ એટલું નથી કે તે લોકસભાની ચૂંટણી લડી શકે. કમાલ છે ને કે જીતનારા 543 સાંસદો ને સેંકડો બીજા વિધાનસભ્યો ને હજારો કોર્પોરેટરો ચૂંટણીઓ લડી શકે છે. એનો અર્થ એ થયો કે એ બધા નાણાં મંત્રી કરતાં વધુ સમૃદ્ધ છે. સાચું તો એ છે કે ભારતની ચૂંટણીઓ અત્યંત મોંઘી થઈ છે. સીતારામને એમ પણ ઉમેર્યું કે ચૂંટણીમાં સમુદાય ને ધર્મ પણ ભાગ ભજવે છે. જાતિ-જ્ઞાતિ વગેરે બાબતો વિજયી બનાવનારાં પરિબળો છે એય ખરું. આ બધું જ જો સક્રિય હોય તો નિષ્પક્ષ ચૂંટણી ક્યાં લડાય છે તે પ્રશ્ન જ છે.

સવાલ તો એ પણ છે કે ચૂંટણી બોન્ડમાંથી ભા.જ.પે. 6,986.5 કરોડ સમેટ્યા હોય તો એ ચૂંટણી માટે નહીં ને ચટણી માટે છે, એવું? આમ તો બધા જ પક્ષોએ ચૂંટણી ભંડોળ ભેગું કર્યું છે, તે એ કૈં પત્તાં ટીચવાં તો નહીં જ હોય ! એ જુદી વાત છે કે નાણાં મંત્રીના અર્થશાસ્ત્રી પતિ પરાકલા પ્રભાકરને રોકડું કર્યું છે કે ચૂંટણી બોન્ડ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને તેને લીધે ભા.જ.પ.ને મોટું નુકસાન થશે. આ વિધાન કોઈ વિપક્ષી નેતાનું નથી, પણ અર્થશાસ્ત્રીનું છે. તેમનું માનવું છે કે આ મુદ્દો હજી વધારે ચગશે અને મતદારો સરકારને મત દ્વારા તેનો જવાબ પણ આપશે. સીતારામન્‌નું કહેવું છે કે બધા જ સંડોવાયેલા છે એટલે કોઈને કોઇની વિરુદ્ધ બોલવાનો નૈતિક અધિકાર જ નથી. મતલબ કે કૈંક તો એવું છે જે નૈતિક નથી. વારુ, ખોટું કોઈ એક કરે તો જ ખોટું, એવું નથી, ઘણાં કરે તો પણ ખોટું તો ખોટું જ રહે છે.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચૂંટણી 75,000 કરોડથી વધુ કિંમતની પડે છે. એમાં ઇલેકટોરલ બોન્ડથી છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ વીસેક હજાર કરોડ આવ્યા. મતલબ કે વર્ષના 4,000 કરોડ. તો, બાકીના પૈસા ક્યાંથી આવે છે? એ રોકડથી આવે છે. બીજા અર્થમાં ચૂંટણી પણ એક કારણ છે જે કાળું નાણું ઘટવા ન દે. ઘટે તો ય નાબૂદ થવા દે એ શક્ય નથી, કારણ રાજકીય પક્ષોને ચૂંટણી ઉપરાંત પણ અનેક કામો માટે ફંડની જરૂર પડે જ છે ને તે ખાઈ ઘણુંખરું કાળાં નાણાંથી જ પુરાતી હોય છે. વર્ષમાં અંદાજે 37 જેટલી ચૂંટણીઓ થતી હોય છે. એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે ચૂંટણી પાછળ થતો ખર્ચ અતિશય છે. એ સંદર્ભે નાણાં મંત્રી ચૂંટણી લડવાનું પડતું મૂકે તે સમજાય એવું છે. આવનાર સમયમાં ઘણાં એ રીતે ચૂંટણી લડવાનું જતું કરે એમ બને. આમાં સાધારણ માણસ માટે તો કોઈ અવકાશ જ નથી. બીજા શબ્દમાં ચૂંટણીનો ખેલ અમીરોનો જ ખેલ છે. એ જ ચૂંટાય, એ જ રાજ કરે ને એ જ નીતિઓ ઘડે. એ નીતિઓ ગરીબો માટે કેટલીક હોય તે સમજી શકાય એમ છે.

એમ લાગે છે કે ચૂંટણી ન લડી શકે એવા ગરીબોનો નવો વર્ગ ભવિષ્યમાં ઊભો થશે. એક વર્ગ એવો જેને સરકાર વર્ષોથી મફત અનાજ આપે છે. એવા પશ્ચિમ બંગાળના ગરીબો માટે વડા પ્રધાનને એવો અભૂતપૂર્વ વિચાર આવ્યો કે ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભ્રષ્ટાચારીઓને ત્યાં દરોડા પાડીને 3.000 કરોડ જેટલી રકમ જપ્ત કરી છે, તો તે ત્યાંનાં ગરીબોને આપવી. આવું ચૂંટણી પ્રચાર અંગેની ટેલિફોનિક ચર્ચામાં ભા.જ.પ.ના કૃષ્ણાનગરના ઉમેદવાર અમૃતા રૉયને વડા પ્રધાને કહ્યું ને ભારપૂર્વક ઉમેર્યું પણ કે આ વાત તેઓ બધાંને જણાવે. પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે આનાથી વધુ રૂડું બીજું શું હોય? એ તો જે કરવું હોય તે વડા પ્રધાન ભલે કરે, પણ ચૂંટણી લડવા ઇચ્છુક આર્થિક ગરીબો માટે એવી યોજના પણ વિચારાવી જોઈએ, જેમાંથી ચૂંટણી લડવા જોઈતું ફંડ મળી રહે. ઇલેકટોરલ બોન્ડ તો દરિયામાં ખસખસ ગણાય. ઇ.ડી. દરોડા દ્વારા જપ્ત થતી રકમનો જેમ ગરીબો માટે ઉપયોગ થઈ શકે એમ જ ચૂંટણી લડવા ઇચ્છનાર ઉમેદવાર માટે પણ થઈ શકે. એને માટે વિપક્ષો ભલે ટાર્ગેટ થાય, શાસક પક્ષને ય ન મૂકવા. એમાં કેટલાક ખરેખર સન્માનનીય છે જ, પણ બધા જ દૂધે ધોયેલાં નથી.

દૂર ક્યાં જવું? આસામની શાસક ભા.જ.પ. સરકારની સહયોગી પાર્ટી બોડોલેન્ડ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુ.પી.પી.એલ.)ના નેતા બેંજામિન બાસુમતારીની એક છબી ચર્ચામાં છે. એ છબીમાં બાસુમતારી 500ની ચલણી નોટોના પથારા નીચે ફેલાઈને પડેલા દેખાય છે. બાસુમતારી પર પી.એમ. આવાસ યોજનામાં ગરીબો પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. જો કે, પાર્ટીએ તો તેમને 10 ફેબ્રુઆરીથી બરતરફ કરી દીધા છે. એક તરફ પૈસાને વાંકે ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા ભા.જ.પ. સરકારનાં નાણાં.મંત્રી નિર્મલા સીતારામન્‌ છે ને બીજી તરફ બાસુમતારી જેવા ભા.જ.પ. સરકારના સહયોગી પાર્ટીના સભ્ય છે જે ચલણી નોટોનો બીભત્સ દેખાડો કરી છીછરી માનસિકતા પ્રગટ કરે છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી તો મોંઘી છે જ, પણ તે ઘણી મોંઘવારીનું કારણ પણ છે, એટલું જ નહીં, ચૂંટણી જીતનારા અનેક રીતે પૈસા ઊભા કરીને તેનો દેખાડો પણ કરતા રહે છે. અપવાદ રૂપે કેટલાક સ્વચ્છ રાજકારણીઓ હશે જ, પણ તે અપવાદોમાં જ હશે એ ભૂલવા જેવું નથી. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે, પણ તે એટલી મોંઘી હોય કે લડવાનું જ મન ન થાય તો એ આખું પ્રકરણ પુનર્વિચારણાને પાત્ર છે. અહીં વાત ચૂંટણી નકારવાની નથી જ નથી, પણ તે સાધારણ માણસનો જ જો બધી રીતે છેદ ઉડાડતી હોય તો એ સ્થિતિ બદલી શકાય કે કેમ તે અંગે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2024

Loading

...102030...612613614615...620630640...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved