Opinion Magazine
Number of visits: 9457122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ ‘એ.વી.યુ.ટી.’નો માર્ગ અપનાવવો જોઇએ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2024

રમેશ ઓઝા

આજે સુરેન્દ્ર પ્રતાપ સિંહની યાદ આવે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ (એસ.પી.) હિન્દી ભાષાના એક મોટા ગજાના પત્રકાર હતા. હિન્દી ભાષાના અત્યાર સુધીના દસ શ્રેષ્ઠ પત્રકારોમાં તેઓ અચૂક સ્થાન પામે એટલા મોટા પત્રકાર. મને યાદ છે કે ૧૯૯૦-૯૧નાં વરસોમાં તેઓ ‘નવભારત ટાઈમ્સ’ના તંત્રી હતા અને મેનેજમેન્ટ સાથે એડિટોરિયલ પોલીસી બાબતે મતભેદ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને તેમની સાથે બીજા અનેક પત્રકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. તેમના નામની એક પત્રકારત્વકીય સ્કૂલ હતી અને અનેક લોકો તેમને ગુરુ માનતા હતા. તેમની સ્કૂલના પત્રકારોમાંથી કેટલાકને હું સામે પ્રવાહે તરતા જોઉં છું અને એકાદ-બે એવા પણ છે જે આજકાલ જે ગોદી મીડિયા તરીકે ઓળખાય છે એના માટે કામ કરે છે. દરેકની કરોડરજ્જુ એક સરખી નથી હોતી.

‘નવભારત ટાઈમ્સ’માંથી છૂટા થયા પછી એસ.પી. ‘ઇન્ડિયા ટુડે’ જુથમાં જોડાયા હતા અને તેમણે ‘આજ તક’ નામની ચેનલ શરૂ કરી હતી. “તો યે થીં ખબર આજ તક, ઇંતજાર કીજિએ કલ તક” એ તેમનું છેલ્લું વાક્ય લોકજીભે બેસી ગયું હતું. તેમણે ‘આજ તક’ દ્વારા હિન્દી ટી.વી. પત્રકારત્વનો માર્ગ તેમણે કંડારી આપ્યો હતો, પરંતુ એ માર્ગે તેઓ પોતે લાંબી મુસાફરી કરી શક્યા નહોતા.

આજે તેમની યાદ આવે છે એક દુર્ઘટનાને કારણે. ૧૩મી જૂન ૧૯૯૭ના દિવસે દિલ્હીમાં ઉપહાર સિનેમામાં આગ લાગી હતી જેમાં ૫૯ જીવનો ભોગ લેવાયો હતો. જીવ ગુમાવવા માટે કોઈ કારણ નહોતું, કોઈ ગુનો નહોતો, સાવ નિર્દોષ હતા એ બધા દર્શકો અને ઊલટું ઉપહાર સિનેમા ગૃહમાં ચાલી રહેલી ‘બોર્ડર’ નામની ફિલ્મ જોઇને તેઓ પોતાના દેશપ્રેમની સાહેદી પૂરાવતા હતા. એ દિવસની રાતનું ‘આજ તક’નું ન્યુઝ બુલેટિન મારી આંખ સામે તરે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ વિહવળ હતા, દુઃખી હતા અને કેમેરાની સામે ભાવુક બની ગયા હતા. તેમણે કટ લીધા વિના પત્રકારની અંદર રહેલા માણસને કેમેરા સામે પ્રગટ થવા દીધો હતો. એ ઘટનાએ તેમણે એટલી હદે અસ્વસ્થ કરી મૂક્યા હતા, કેમેરા સામે તેઓ રડી પડ્યા હતા. એ પછી એક દિવસ તેમને હાર્ટએટેક આવ્યો અને ૨૭મી જૂને તેઓ ગુજરી ગયા.

આજે રાજકોટની દુર્ઘટનાને અખબારો, ટી.વી. ચેનલો જે રીતે હાથ ધરી રહ્યા છે એ જોઇને માથું શરમથી ઝૂકી જાય છે. એક દાયકામાં સંવેદનશીલતાનો જાણે કે દુકાળ પડ્યો છે. કેટલાક પત્રકારો રાજકોટની દુર્ઘટનાને માટે જવાબદાર લોકોનો અને ખાસ તો પ્રશાસનનો બચાવ કરી રહ્યા છે. મોરબીની દુર્ઘટના વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. ઘડિયાળ બનાવતી કંપનીને પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં તેની કોઈ એક્સપર્ટીઝ નહોતી. પણ શો ફરક પડે છે? થોડા દિવસ પહેલા પૂનામાં એક બિલ્ડરના તરુણ પુત્રે વહેલી સવારે બેફામ ગાડી ચલાવીને એક યુવક અને યુવતીના પ્રાણ લીધા હતા. તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો અને બિલ્ડરના વંઠેલ પુત્રને બચાવવા સવારના છ વાગે શિવસેના(શિંદે જૂથ)નો ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો ને એ યુવકને છોડાવીને લઈ ગયો હતો. પોલીસે ત્રણસો શબ્દોમાં એક નિબંધ લખાવીને એ છોકરાને જવા દીધો હતો.

અહીં સુરેન્દ્ર પ્રતાપ સિંહને યાદ કરવા પાછળ એક બીજું કારણ પણ છે. તેમના દિલને હચમચાવી મૂકનારા રિપોર્ટીંગ તેમ જ ફોલોઅપના કારણે દિલ્હીના મૃતકોના પરિવારના લોકોને બળ મળ્યું હતું. તેમણે લડી લેવા કમર કસી હતી. કોઈ પણ ભોગે અને પૂંઠ પકડીને ન્યાય મેળવવા માટે તેમણે એક મંચની રચના કરી હતી અને સતત દસ વરસ લડીને તેમણે ન્યાય મેળવ્યો હતો. તેમની અથાક મહેનત પછી ઉપહાર સિનેમા ગૃહના માલિકોને બે વરસની જેલની સજા થઈ હતી અને મૃતકોના પરિવારને ૨૫ કરોડ રૂપિયા વળતર તરીકે આપવા પડ્યા હતા. કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો પણ લડનારા લોકો ન્યાય મેળવીને રહ્યા હતા. એ મંચનું નામ હતું ‘એસોસિએશન ઓફ ધ વિકટીમ્સ ઓફ ઉપહાર ટ્રેજેડી’ (AVUT). તેમનાં પ્રયત્નોનાં કારણે તેમને માત્ર ગુનેગારોને જેલ અને વળતરરૂપી ન્યાય નહોતો મળ્યો, પણ દિલ્હી વહીવટીતંત્ર પાસે જ્યાં લોકો જમા થતા હોય એવી જગ્યાએ ફાયર સેફટી માટે નિર્દેશો તૈયાર કરાવ્યા હતા અને તેનું પાલન થાય એ રીતની જોગવાઈ કરાવી હતી. જ્યારે પૈસાભૂખ્યા વેપારીઓ અને પ્રશાસન વચ્ચે સાંઠગાંઠ રચાય અને પ્રશાસન તેમ જ પત્રકારો નીંભર બની જાય ત્યારે નાગરિક સમાજે આગળ આવવું જોઈએ અને ન્યાયની લડત હાથમાં લઈ લેવી જોઈએ. એ લડત થકવી દેનારી હોય છે, અક્ષરસઃ નીચોવી દેનારી હોય છે, પણ એક દિવસ ન્યાય જરૂર મળતો હોય છે. એ.વી.યુ.ટી.ના પ્રયત્નોનો આ ધડો છે.

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ દિલ્હીનો એ.વી.યુ.ટી.નો માર્ગ અપનાવવો જોઈએ. ખુશીની વાત એ છે કે ઉપહાર સિનેમામાં માર્યા ગયેલા લોકો માટે લડનારા સગાંસંબંધીઓ ન્યાય મેળવ્યા પછી ચૂપ નથી બેઠા, પણ આવી માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય માટેની લડતમાં માર્ગદર્શન કરવાનું કામ પણ કરે છે. ગૂગલ પર સર્ચ કરશો તો એ.વી.યુ.ટી.નું નામ સરનામું અને ટેલિફોન નંબર મળી રહેશે. આ દેશમાં માત્ર ઊહાપોહ કરવાથી ન્યાય નથી મળતો, ન્યાય માટે લડત આપવી પડે છે. ગુનેગારોએ બચવા માટે પોલીસ અને જજોને પણ ખરીદ્યા હતા. એક સમયે તો લડનારાઓને એવું પણ લાગવા માંડ્યું હતું કે કશું જ હાથ નથી આવવાનું, પણ તેઓ નિરાશ નહોતા થયા. આમાં રાજકોટની દુર્ઘટના તો દિલ્હીની ઘટના કરતાં પણ કંપાવનારી છે. માટે લડી લેવું એ જ માર્ગ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—250

દીપક મહેતા|Opinion - Opinion|2 June 2024

જ્યારે મુંબઈમાં પૈસાની રેલમછેલ હતી ત્યારે ફોર્ટ કેમ તોડી નખાયો?  

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત–પ્રાંગણેઃ

સાગર હિલ્લોળે, વન ડોલે,
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે
ધરતીનું દિલ ખોલે.

કવિ પ્રહ્લાદ પારેખનું આ ગીત બોમ્બેના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે(૧૮૧૫-૧૮૮૪)એ તો ક્યાંથી સાંભળ્યું હોય? પણ તેઓ ૨૪ એપ્રિલ,૧૮૬૨ના દિવસે બોમ્બેના પહેલવહેલા તાજનિયુક્ત ગવર્નર બન્યા અને એક પછી એક બંધ દરવાજા ખોલવા જ નહિ, તોડવા માંડ્યા. એક રીતે જુઓ તો માથાભારે માણસ. લંડનમાં બેઠેલા બડેખાંઓની પણ સાડીબારી ન રાખે. ગવર્નરના સિંહાસન પર બેઠા અને તરત નક્કી કર્યું કે આ મુંબઈ શહેરને વધુ સ્વચ્છ, નિરોગી, સોહામણું, ધબકતું બનાવવું છે. પણ શું કરવું, કેટલું કરવું, એ નક્કી કેમ કરવું? એટલે અધિકારીઓને પૂછ્યું : મું’બઈ શહેરની વસતી કેટલી?’ ‘એ તો ખબર નથી, સાહેબ.’ ‘કેમ? અહીં વસતી ગણતરી નથી થતી?’ ‘ના સાહેબ, આજ સુધીમાં ક્યારે ય થઈ નથી’. ‘તો આપણે કરાવીએ.’ મુંબઈ સરકારે આ અંગે ઠરાવ કરી દિલ્હી નામદાર વાઈસરોયને મોકલી આપ્યો. થોડા વખતમાં મંજૂરી મળી ગઈ. પણ સાથે લખેલું કે આ અંગેનાં કાગળિયાં લંડનના હાકેમોને જાણ ખાતર મોકલીએ છીએ.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

ગવર્નર જનરલની મંજૂરી મળી કે તરત વસતી ગણતરીની તૈયારીઓ શરૂ. એક  જ દિવસમાં ભીતરકોટ અને બહારકોટમાં રહેતા લોકોની ગણતરી કરી લેવી એવું નક્કી થયું. વસતી ગણતરી માટેનાં સાધનો, માણસો, બધું નક્કી. વસતી ગણતરીના ઠરાવેલા દિવસને આઠ-દસ દિવસ બાકી હતા અને દિલ્હીથી વાઈસરોયનો સંદેશો. લંડનના હાકેમોએ તમારી દરખાસ્ત નામંજૂર કરી છે, એટલે વસતી ગણતરીનું કામ બંધ. તરત જ ફ્રેરેએ અધિકારીઓને બોલાવ્યા. વાત જણાવી. અધિકારીઓ કહે : ‘તો આજથી બધી તૈયારી બંધ કરી દઈએ ને?’ ‘ના. લંડન જે કહે છે તે મુંબઈ સરકારને બંધનકર્તા છે. પણ કોઈ ખાનગી કંપની કે સંસ્થા તો વસતી ગણતરી કરી શકે ને? એ કાંઈ રાજદ્રોહી કામ નથી કે આપણે કોઈને તે કરતાં અટકાવી શકીએ.’ અને નિર્ધારિત તારીખે, નિર્ધારિત રીતે પહેલી વાર મુંબઈની વસતી ગણતરી થઈ. હા, એ સરકારે નહોતી કરાવી, એક ‘ખાનગી સંસ્થા’એ કરાવેલી.

આ ગવર્નરસાહેબને એક ટેવ. પરદુઃખભંજન રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : ભીતરકોટ એટલે કે કોટ કહેતાં ફોર્ટની અંદરનું મુંબઈ, જ્યાં મોટે ભાગે અંગ્રેજો અને થોડા બહુ માલેતુજાર પારસીઓ રહે. બીજું મુંબઈ તે ‘બહારકોટ,’ એટલે કે કોટ કહેતાં ફોર્ટની બહારનો વિસ્તાર, જ્યાં રહે ‘દેશી’ લોકો. કેટલાક અંગ્રેજોના લખાણમાં એને માટે ‘બ્લેક ટાઉન’ શબ્દો પણ વપરાયેલા જોવા મળે છે.

આવી નગરચર્યા દરમ્યાન બહારકોટનું એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. હજી તો ચાર-પાંચ મહિના પહેલાં ત્રણ-ચાર માળનું હતું. અને આજે સાતમો માળ ચણાતો હતો. ગયા એ મકાનમાં, અને મળ્યા માલિકને. પૂછ્યું : ‘તમને એવી તે શી જરૂર પડે છે કે ત્રણ માળના મકાન પર આજે સાતમો માળ ચણાવો છો? જવાબ મળ્યો : ‘નામદાર, અહીં નીચે કેટલી ગંદકી છે, જીવજંતુનો ત્રાસ છે એ તો તમે જાણો જ છો. એને કારણે આજ સુધીમાં મારાં ત્રણ બાળકો નાની ઉંમરમાં જ મરી ગયાં. હવે ફરી મારી ઘરવાળીને સારા દિવસ છે. આ બાળકને નીચેની ગંદકી અને રોગચાળાથી બને તેટલું દૂર રાખવા માગું છું, એટલે આ સાતમો માળ બંધાવું છું. મને આશા છે કે આ વખતે મારો છોકરો બચી જશે.’

આ સાંભળીને ફ્રેરેસાહેબ તો સડક થઈ ગયા. પણ પછી તરત વિચાર્યું : આ ગંદકી અને રોગચાળાનું કારણ છે કોટ ફરતી બાંધેલી ખાઈ. તેમાં વાસી, ગંદુ,ગંધારું પાણી ભરાઈ રહે છે. જેને લીધે રોગચાળો ફેલાય છે. એટલે પહેલી વાત એ કે આ ખાઈ હવે પુરાવી દેવી. પણ ખાઈ તો હતી કોટની દીવાલોની આસપાસ. એ દીવાલો … અને તેમના મનમાં બત્તી થઈ : માત્ર ખાઈ નહિ, આ આખો કોટ કહેતાં ફોર્ટ હવે જર્જરિત, નક્કામો અને બિનઉપયોગી થઈ ગયો છે. હવે એણે કોઈના હુમલાથી રક્ષણ કરવાનું નથી, કારણ હવે આ મુંબઈ પર હુમલો કરવાનો વિચાર કોઈને સપનામાં પણ આવી શકે તેમ નથી.

પણ કેમ વારુ? આ કોટ એવી રીતે બંધાયો હતો કે જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે થતા હુમલાનો સામનો કરી શકે. આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ અને અંગ્રેજો જેને ‘સિપોય મ્યુટિની’ કહેતા એ ૧૮૫૭ની ઘટના પછી આખા દેશમાં કોઈ એવી સત્તા રહી નહોતી જે જમીનમાર્ગે મુંબઈ પર હુમલો કરવાનું સપનામાં પણ વિચારી શકે. અને યરપમાં પણ ગ્રેટ બ્રિટનનો ડંકો વાગતો હતો. મહારાણીના રાજ્યની ઓળખ ‘જ્યાં સૂર્ય કદિ આથમતો નથી’ એવા સામ્રાજ્ય તરીકે અપાતી હતી. એટલે કોઈ યુરોપીય સત્તા દરિયાઈ માર્ગે આક્રમણ કરી શકે તેમ નહોતું. અમેરિકા તો પોતે જ આંતર વિગ્રહમાં સપડાયેલું હતું.

અને ગવર્નર ફ્રેરેએ નક્કી કરી નાખ્યું : ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી. પહેલાં કોટ તોડો. પછી એનો કાટમાળ વાપરી ખાઈ પૂરો. પણ સરકારી અમલદારો હંમેશાં સાત ગળણે ગાળીને પાણી પીએ. કહે : ‘સાહેબ, પણ આ માટે લંડનની મંજૂરી? અગાઉ આ કોટ અને ખાઈ બાંધતી વખતે કેવો પાઈ પાઈનો હિસાબ લંડને મુંબઈ પાસે માગ્યો હતો! આ બધું કામ કરવાનો ખરચ?’ ગવર્નર કહે : ‘જુઓ, પહેલી વાત એ કે એ વખતે વેપારી કંપનીની સરકાર હતી. હવે તાજની સરકાર છે. એટલે આ સરકાર ફક્ત નફા-નુકસાનનો વિચાર કરી ન શકે. લોકોનું હિત પણ જોવું જ પડે. બીજું, આ બંને કામ માટે આપણે સરકારી તિજોરીનો એક પાઉન્ડ પણ વાપરશું નહિ.’ ‘તો કામ કઈ રીતે થશે?’ ‘કોટ પાડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, ઘણી જમીન છુટ્ટી થશે. એ જમીન આપણે વેચી દેશું. મને ખાતરી છે કે બધો ખરચ બાદ કર્યા પછી પણ આપણી પાસે પૈસા વધશે. એટલે તાજના રાજનો તો એક રૂપિયો પણ વપરાશે નહિ.’

અગાઉ ડોંગરીના કિલ્લાને તો ડાઈનેમાઇટ ચાંપીને એક દિવસમાં ફૂંકી માર્યો હતો. પણ અહીં એમ થઈ શકે તેમ નહોતું. કારણ કોટની અંદર અને બહાર, લોકોની પુષ્કળ વસતી, અને તેમની માલમિલકત. જે.સી.બી. અને બુલડોઝર જેવાં સાધનો એ વખતે નહિ. એટલે મજૂરો રોકી, પાવડા-કોદાળી વડે કોટ તોડવાનું ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૬૪માં પૂરું થયું. કાટમાળથી ખાઈ પણ પૂરાઈ ગઈ. આજે તો હવે મુંબઈના આ ફોર્ટની એકાદ ઈંટ પણ ક્યાં ય જોવા મળતી નથી. હા, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના કમ્પાઉંડમાં આવેલી એક દીવાલને ઘણા ટુરીસ્ટ ગાઈડ મુંબઈના કોટની દીવાલ તરીકે ખપાવી દે છે. પણ એ દીવાલ તો આપણે ગયે વખતે જેની વાત કરેલી એ ફોર્ટ જયોર્જની છે. અને હા, છૂટી થયેલી જમીન ખરીદવા માટે તો પડાપડી જ થઈ. અને કેમ ન થાય? એ વખતે મુંબઈમાં પૈસાની અભૂતપૂર્વ રેલમછેલ હતી, અમેરિકન આંતરવિગ્રહણે પ્રતાપે.

માન્ચેસ્ટરની કપડાની મિલો

હેં? અમેરિકન આંતરવિગ્રહને અને મુંબઈને શું લાગેવળગે? વાત જાણે એમ છે કે એ વખતે કોટન મિલ્સની દુનિયાનું પાટનગર હતું ગ્રેટ બ્રિટનનું માન્ચેસ્ટર. મુખ્યત્વે અમેરિકાથી રૂ માન્ચેસ્ટર જાય. ત્યાંની મિલોમાં કાપડ વણાય. અને જાય હિન્દુસ્તાન સહિત અનેક દેશોમાં. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે અમેરિકન આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે માન્ચેસ્ટરને અમેરિકાથી મળતું રૂ બંધ. પણ એટલે કાંઈ મિલો તો બંધ કરાય નહિ. એટલે મગાવો રૂ હિન્દુસ્તાનથી. અગાઉ પણ આપણા દેશનું રૂ બ્રિટન જતું, પણ બહુ ઓછું. પણ હવે તો મુંબઈમાં રૂના ભાવ આસમાને ગયા. કહે છે કે મુંબઈના લોકોએ ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડી ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. રૂના વેપારીઓને નાણાં ધીરવા માટે રાતોરાત નવી નવી બેંકો ફૂટી નીકળી. ઊંચા વ્યાજે આડેધડ લોન આપવા લાગી. નફો ઘણો, એટલે બેન્કોના શેરના ભાવ આસમાને. સાથોસાથ આખું શેરબજાર ઊંચકાયું. મુંબઈમાં પૈસાની રેલમછેલ. બેન્કોની સાથોસાથ ‘રેકલમેશન કંપની’ઓ ફૂટી નીકળી. મુંબઈના જુદા જુદા ભાગોમાં દરિયો પૂરીને જમીન નવસાધ્ય કરવા માટે. લોકોએ આંખ મીચીને એમાં પણ પૈસા રોક્યા.

હવે તમે જ કહો, આખું મુંબઈ પૈસાથી ફાટફાટ થતું હોય, વેપારધંધા માટેની જગ્યાની માગ વધતી જતી હોય, ત્યારે જરીપુરાણા કોટની દીવાલો વચ્ચે આ સોનાપરી જેવી નગરી કઈ રીતે પૂરાઈ રહે? એટલે જ્યારે કોટની દીવાલો પાડી, ખાઈ પૂરી, ત્રણ દરવાજા માટીમાં મળ્યા ત્યારે મુંબઈના લોકો તો કવિ નર્મદની પેલી પંક્તિ ગણગણતા હતા : ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

ફુવારાના એનગ્રેવિંગ પર છાપેલું નામ: ફ્રેરે ફાઉન્ટન

 અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ માત્ર કોટ તોડાવ્યો એટલું જ નહિ. બને તેટલી મદદ બેન્કોને કરી, રેકલમેશન કંપનીઓને કરી, નાનામોટા વેપારીઓને કરી. એ વખતના શેરના સટ્ટાના બેતાજ બાદશાહ તરીકે જાણીતા શેઠ પ્રેમચંદ રાયચંદને ગવર્નર સાથે ઘરોબો. એટલે બેન્કોને, શેર બજારને, રૂના વેપારીઓને સીધી નહિ તો ય આડકતરી મદદ કરી ગવર્નરે. જે જગ્યાએ કોટનો ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો એ જ સ્થળે એક સરસ મજાનો ફુવારો બનાવવાનું નક્કી થયું, એ ચર્ચગેટની યાદગીરીમાં. અને કોટનાં બંધન તોડીને મુંબઈને મુક્ત કરાવનાર ગવર્નર સર બાર્ટલ ફ્રેરે પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે એ ફુવારાને ‘ફ્રેરે ફાઉન્ટન’ નામ આપવાનું નક્કી થયું. એ ફુવારો બની ગયા પછી ૧૮૭૧માં બ્રિટનમાં પ્રગટ થયેલા એના એનગ્રેવિંગમાં નીચે ‘ફ્રેરે ફાઉન્ટન’ એવું નામ પણ છાપ્યું છે. પણ ફુવારાની નીચે જે તકતી મૂકેલી છે તેમાં નથી ફ્રેરેનું, કે નથી ફ્લોરાનું નામ. માત્ર This Fountain એટલું જ લખ્યું છે.

ફુવારા નીચે ચોડેલી તકતી પર નથી ફ્રેરેનું નામ કે નથી ફ્લોરાનું નામ, લખ્યું છે માત્ર ‘ધીસ ફાઉન્ટન’

એ તકતીમાં જણાવ્યા પ્રમાણે આ ફુવારો બાંધવાનો ખરચ ૪૭,૦૦૦ હજાર રૂપિયા, જેમાંના ૨૦,૫૦૦ શેઠ ખર્શેદજી ફરદુનજી પારેખ નામના પારસી વેપારીએ આપેલા. પણ પછી કોઈક કારણસર ફ્રેરેનું બન્યું ફ્લોરા. આ ફાઉન્ટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લો મૂકાયો ત્યારે સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર નહોતા. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે તેઓ સ્વદેશ પાછા ગયા હતા.  મુંબઈનો કોટ ભલે પડ્યો, પણ કોટ પડ્યા પછી પણ આજ સુધી એ આખો વિસ્તાર ઓળખાય છે ફોર્ટ કે કોટના નામે જ. પણ પેલો કોયડો તો વણઉકેલ્યો રહે જ છે : આ ફુવારાનું નામ ફ્રેરે ફાઉન્ટનને બદલે ફ્લોરા ફાઉન્ટન કેમ પડ્યું? છે કોઈ વાચકમિત્ર પાસે આ કોયડાનો જવાબ? તો લખી મોકલજો.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 જૂન 2024)

Loading

2024ની ચૂંટણીમાં ભા.જ.પા.એ નવા ખાતા ખોલવાનો પ્રયાસ કર્યો તો વિવાદી રાજ્યોને છેટે રાખ્યા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 June 2024

400 પારના દાવાનું પરિણામ જલદી જ આર યા પાર થઇ જશે, ત્યારે ભા.જ.પા. માટે કયા રાજ્યોમાં પગદંડો જમાવવો અઘરો રહ્યો છે અને શા માટે તે જાણીએ

ચિરંતના ભટ્ટ

આવતીકાલે જે થવાનું છે તેની દરેકને કાગડોળે પ્રતીક્ષા છે. આટલી ઉત્સુકતા તો હવે કોઇ બીજા પરિણામો માટે કોઇને પણ નથી હોતી. ગઇ ચૂંટણીમાં ભા.જ.પા. ૩૦૩ બેઠકો પર જીતી અને એન.ડી.એ. સાથે ગણતરી કરીએ તો – 352 બેઠકો પર તેની જીત થઇ હતી. આ વખતે 400 પારનો દાવો સતત ગુંજ્યો છે. ભા.જ.પા.એ પોતાનું નિશાન 370 બેઠકો પર રાખ્યું છે તો એન.ડી.એ. સાથે 400 બેઠકો પર જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. એક આખા વર્ગનું માનવું છે કે 400 પાર ભા.જ.પા. માટે સરળ છે જ્યારે વિશ્લેષકો માને છે કે જે રાજ્યોના ગઢને ગઈ ચૂંટણીમાં ભા.જ.પા.ને જીતવો હતો પણ ધારી સફળતા ન મળી. એવી જ રીતે આ વખતે પણ કેટલાક રાજ્યોમાં ભા.જ.પા. માટે પોતાનો સિક્કો જમાવવો સહેલો નથી. જો કે આ વખતે ભા.જ.પા.એ જ્યાં પોતાની પહોંચ કે પ્રભાવ નથી ત્યાં છવાઇ જવા માટેના કોઇ પ્રયત્નો બાકી નથી રાખ્યા.

બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્ર લોકસભાના પરિણામોને ચોથી જૂને આવવાના છે અને આ ચારેયમાં ભા.જ.પા.એ પકડ જમાવવા માટે પાછા ફરીને નથી જોયું. બીજા બધા રાજ્યોને બેઠકોમાં ભા.જ.પા. કાં તો થોડી ઘણી પકડ ધરાવે છે અથવા તો ત્યાં પગદંડો જમાવી શકે એટલો પ્રભાવ ધરાવે છે અને ત્યાંના આંકડાથી આખરી પરિણામોમાં બહુ મોટું ગાબડું કે બહુ બધો ફાયદો થવાની શક્યતાઓ પાંખી છે. ખરી રસાકસી આ ચાર રાજ્યોમાં છે કારણ કે અહીંના પરિણામ કઇ બાજુ વળાંક લેશે તે ભા.જ.પા. માટે નિર્ણાયક સાબિત થાય એમ છે. જ્યારે ભા.જ.પા. કાઁગ્રેસ સાથે સીધે સીધી ઝીંક ઝીલે છે ત્યારે લડાઇમાં જીતવું મોટે ભાગે સહેલું રહે છે. જે રાજ્યોમાં ભા.જ.પા.એ ત્યાંના, જે-તે રાજ્યના પ્રાદેશિક પક્ષો સામે લડવાનું હોય છે ત્યાં ભા.જ.પા.ને એડી ચોડીનું જોર લગાડવું પડ્યું છે. આ વખતે પણ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચાર કામગીરી દરમિયાન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં બધું જોર લગાડ્યું છે કારણ કે અહીંના પ્રાદેશિક પક્ષોના ગઢના કાંગરા ખેરવવા ભા.જ.પા. માટે સહેલું નથી. ઉત્તર પ્રદેશ સિવાય જોઇએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને દક્ષિણના અમુક રાજ્યોમાં ભા.જ.પા.એ પોતાનો સિક્કો જમાવવા પાછા ફરીને જોયું નથી.

સૌથી પહેલાં દક્ષિણી રાજ્યોની વાત કરીએ તો અહીંના પરિણામોને મામલે કોઇ નક્કર દાવો કરવો ભા.જ.પા. માટે અશક્ય છે. કેરળની જ વાત કરીએ તો હજી સુધી ભા.જ.પા.ને લોકસભાની ચૂંટણીમાં અહીંથી એક બેઠક જીતવી પણ અઘરી રહી છે. એલ.ડી.એફ. અને યુ.ડી.એફ. જ અહીં મુખ્ય પ્રવાહ તરીકે દેખાયા છે અને તેમાં પોતાનો રસ્તો કરવા માટે ભા.જ.પે. બધા પ્રયત્નો કર્યા હોવા છતા હજી સુધી ધાર્યું પરિણામ નથી મળ્યું. કેરળમાં ભા.જ.પા.નું ખાતું ખુલ્યું નથી. એક એવું રાજ્ય જ્યાં સાક્ષરતાનું પરિણામ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું વધારે છે ત્યાંનું રાજકારણ ભા.જ.પા.ને હજી સુધી નથી કળ્યું. સી.પી.એમ. અને કાઁગ્રેસ કેરળમાં બીજા કોઇની કારી ફાવવા નથી દેતા અને બધા વોટ આ બન્ને વચ્ચે વહેંચાઇ જાય છે અને ભા.જ.પા. હાથ ઘસતી રહી જાય છે.  કેરળના હિન્દુ વોટ ભા.જ.પ.ને મળતા નથી અને લઘુમતી ઉપર કાઁગ્રેસનો પ્રભાવ છે. અહીંના હિન્દુ વોટ ડાબેરી પક્ષોને જતા હતા પણ વિધાનસભા ચૂંટણીઓમાં ભા.જ.પા.એ હિન્દુ વોટનો પ્રભાવ પોતાની તરફ વાળ્યો છે પણ શું સબરીમાલાને મુદ્દો ભા.જ.પ. તરફી વળેલા મતનો લાભ ભા.જ.પા.ને આ વખતે લોકસભાની ચૂંટણીમાં મળશે ખરો? કેરળના પાડોશી રાજ્ય તમિલનાડુમાં પ્રચાર કરવા નરેન્દ્ર મોદી દસથી વધારે વાર જઇ આવ્યા છે અને એ સાબિત કરે છે કે અહીં ખાતું ખૂલે એ માટે ભા.જ.પા. બેચેન છે. ભા.જ.પા.નું હિંદુત્વ તમિલનાડુમાં ચાલે એમ નથી કારણ કે અહીં ધર્મ નહીં પણ જાતિલક્ષી રાજકારણ ખેલાય છે. દક્ષિણી રાજ્યોને રિઝવવા માટે રામ મંદિરમાં પણ દક્ષિણનો ઘેરો પ્રભાવ રખાયો છે જેને વિશે આપણે અહીં પહેલાં પણ ચર્ચા કરી છે.

ઓડિશાના ચૂંટણા મેદાનમાં બીજુ જનતા દળ (બી.જે.ડી.) અને ભા.જ.પા.એ શિંગડા ભેરવ્યા છે. બી.જે.ડી. સાથે હાથ મેળવવામાં તો ભા.જ.પા. નિષ્ફળ રહી જ છે પણ મુખ્ય મંત્રી નવીન પટનાયકના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે ભા.જ.પા. પાસે કોઇ ચહેરો નથી. ભા.જ.પા.એ ઓડિશામાં પોતાની પકડ જમાવવા માટે કાઁગ્રેસની વોટ બેંકને તોડી છે. કેન્દ્રમાં રહ્યે રહ્યે ભા.જ.પા.એ પટનાયક સરકાર સાથે સારાસારી નથી રાખી એ પણ એક અવરોધ તો છે જ પણ ગરજ પડી ત્યારે પટનાયક સરકારની વાહવાહી કરનાર ભા.જ.પા.ની આશાઓ પર ઓડિશા મહેરબાન થાય છે કે કેમ તેની કોઇ ગેરંટી નથી.  બી.જે.ડી. રાષ્ટ્રીય મુદ્દાઓમાં મોદી સરકારને ટેકો આપે છે પણ ઘર આંગણે બીજુ પટનાયક સામે મોદી કાર્ડ કેટલું ચાલશે એ કોયડો ઉકેલવો અઘરો છે. પટનાયકની તરફેણમાં ઓડિશાના મહિલા વોટરો મોટી સંખ્યામાં છે.  બીજી તરફ ઓડિશામાં કાઁગ્રેસની કોઇ ગણતરી નથી અને ભા.જ.પા. પટનાયકની લોકપ્રિયતામાં ગાબડું પાડીને પોતાનો સિક્કો નહીં જમાવી શકે એ સ્વાભાવિક છે. આવામાં મુત્સદ્દી વલણથી પોતાની છાપ સારી રાખે તો કમ સે કમ ભા.જ.પા. ગણતરીમાં લેવાય એટલો ફાયદો કદાચ થાય એમ છે. ટૂંકમાં પટનાયક સરકારની લીટી ટૂંકી કરવાની દાનતથી ભા.જ.પા.ને ફાયદો થવાનો નથી.

પશ્ચિમ બંગાળ અને બિહારની 82 બેઠકો પરનો જંગ સૌથી રોચક રહ્યો હશે એમ કહી શકાય. આ રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમા ઇ.ડી. અને સી.બી.આઇ. જેવી તપાસ એજન્સીઓ ફરી વળી છે. મમતા બેનર્જીની સરકાર માટે છેલ્લાં પાંચ વર્ષ અઘરાં રહ્યાં છે કારણ કે તૃણમૂલના ધારાસભ્યો, નેતાઓ અને ડઝન જેટલા નેતાઓ ભ્રષ્ટાચારીના લેબલ સાથે જેલભેગા કરાયા છે. સંદેશાખલીનો જાતીય સતામણીનો મામલો પણ મતતા બેનર્જીના પડકારોમાં વધારો કરનારો સાબિત થયો છે. મોદીએ પોતાની રેલીઓમાં આ બધા મુદ્દાઓને ભારે ચગાવ્યા છે. અહીં મોદી સામે ઝીંક ઝીલવા માટે કાઁગ્રેસ અને ડાબેરી પક્ષો પણ એક નથી થઇ શક્યા. મમતા બેનર્જી માથાભારે છે અને તેમની પશ્ચિમ બંગાળ પરની પકડને જરા ય હળવાશથી લેવાય એમ નથી છતાં પણ ભા.જ.પા.ની આ વખતની ઝૂંબેશમાં કોઇ કસર છોડવામાં નથી આવી. ભા.જ.પા.એ અહીં ખાતું ખૂલે એ માટે બનતા બધા પ્રયત્નો કર્યા છે અને મોદીએ તો એવો વિશ્વાસ જતાવ્યો છે કે ભા.જ.પા.ને અહીં સૌથી વધુ ફાયદો થાય તેમ છે. જો કે 2021ની વિધાનસભાની ચૂંટણી પછી સત્તા પર ફરી ગોઠવાયેલા દીદીને ભા.જ.પા. ટસથી મસ નથી કરી શકી.

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને એન.સી.પી.નું વિભાજન થતા રાજકીય સમીકરણો બલાઇ ગયા છે. અને ભા.જ.પા.ને આ બન્ને પક્ષોમાંથી જે બળૂકાં જૂથ છે તેનું જ સમર્થન મળ્યું છે પણ મહારાષ્ટ્રની અસ્પષ્ટતા પેચીદી છે. વળી ઉત્તર પ્રદેશમાં 30 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સાથે એન.ડી.એ.ની લડત કસદાર રહેવાની છે.

જોવાનું એ છે કે ભા.જ.પા.એ આ બધા રાજ્યોમાં ગોઠવાઇ જવા માટે કોઇ કસર નથી છોડી પણ ભા.જ.પ. કાશ્મીરમાં ચૂંટણી નથી લડતો. 370ની કલમની મોટાભાગની જોગવાઇઓને 2019માં રદ્દ કરવામાં આવ્યા પછી ઘાટીમાં પહેલી ચૂંટણી છે. ભા.જ.પા.ના ‘નયા કાશ્મીર’ના નેરેટિવથી ત્યાંના લોકો બહુ પ્રભાવિત હોય એમ લાગતું નથી. ભા.જ.પા. ઘાટીમાંની ત્રણ બેઠકમાંથી એકેય પરથી ચૂંટણી નથી લડી રહી. લદ્દાખને પણ ભા.જ.પા. છંછેડતી નથી તો મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાંમાં પણ ભા.જ.પા.નો પોતાનો એકેય ઉમેદવાર નથી.  જ્યાં સવાલોના જવાબ આપવા પડે ત્યાં કશું વતાવવું નહીં અને સમર્થક બની રહેવું એ ભા.જ.પા.નો અભિગમ રહ્યો છે.

આત્મવિશ્વાસ અને હુંકાર દેખાડવો એક વાત છે પણ સિફતથી સંવેદનશીલ રાજ્યોથી દૂર રહેવું, પ્રાદેશિક રાજકારણમાં રસ્તો બનાવવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવામાં ક્યાંક ભા.જ.પા.ના મનમાં રહેલી અસલામતી અને અચોકસાઇ ડોકિયું કરી જાય છે.

બાય ધી વેઃ 

કાઁગ્રેસે જ્યાં ધુસી શકાય ત્યાં ઘુસવાનો પ્રયત્ન કર્યો જ છે. ક્યાંક પ્રયાસો મરણિયા રહ્યા છે તો ક્યાંક સલુકાઇથી કરાયા છે પણ બધે કારી ફાવી નથી એ ચોક્કસ. ભા.જ.પા.ને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના બળે બહુમતી નહીં મળે એમ કાઁગ્રેસ દૃઢપણે માને છે. વળી એન.ડી.એ.માંથી ઘણાં સાથીઓ છૂટા પડી ગયા છે. ભા.જ.પા.નો સાથ છોડનારાઓ અંગે પક્ષનું કહેવું છે કે એની અસર ભા.જ.પા.ની પોતાની ગણતરી પર પડવાની નથી. પ્રાદેશિક પાર્ટીઓ સામે ટકવું ભા.જ.પા. માટે મુશ્કેલ છે એ તો પાર્ટી અંદરખાને સારી પેઠે જાણે જ છે પણ થપ્પડ મારીને ગાલ લાલ ન રાખે તો રાજકારણી શાના? ખેલનું પરિણામ જલદી જ આપણી સામે હશે અને મતદારો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે ત્યારે દરેકને સમજાશે કે દાવા કરવા રાજકારણીઓનું કામ છે પણ એને સાચા પાડવાની તાકાત મતદારોના હાથમાં જ છે. મંદિરના મુદ્દાએ ખડો કરેલો જુવાળ શમી ગયો છે, દર વખતે ચૂંટણીમાં એકનાં એક ભાવનાત્મક મુદ્દાઓનું સરખું વળતર નથી મળી શકતું, તેમ જ છ અઠવાડિયા ચાલેલો ચૂંટણી પ્રચાર, કાળઝાળ ગરમીમાં થયેલું મતદાન શાસક પક્ષને ફાયદો જ કરાવી જ આપશે એમ માની લેવાનું કોઇ કારણ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2024

Loading

...102030...551552553554...560570580...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved