કિરણ બાજુના ગામમાંથી અમદાવાદ બસમાં અભ્યાસ કરવા માટે અપડાઉન કરતો હતો. બાપાને ખેતી હતી, પણ કિરણ બીજું જ વિચારતો હતો, કે ‘ચાર ભાઈ વચ્ચે વહેંચાતી ખેતી લાયક જમીન એના ભાગે તો ચોથા ભાગે જ આવશે એટલે જો હું વધુ અભ્યાસ કરીને સરકારી નોકરી કરું, અને મારો ભાગ જતો કરું, તો ખેતી લાયક જમીનના ત્રણ ભાગ પડે’ અને આ વાતની સંમતિ તેણે બાપા અને ભાઈઓ પાસેથી લઈ લીધી હતી. ઘરનાં બધાંના સહકાર સાથે તેણે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેની ઇરછા કાયદાનો અભ્યાસ કરી વકીલ થવાની હતી, એટલે તે સખત મહેનત કરતો હતો.
બસ અમદાવાદથી ઉપડી હતી અને બસમાં સખત ગિરદી હતી. કંડક્ટર કિરણ પાસે આવ્યો, ત્યારે બસ અમદાવાદથી દૂર નીકળી ગઈ હતી. ટિકિટ લેવા માટે કિરણે ખિસ્સામાં હાથ નાખ્યો તો તેનું પાકીટ ગુમ હતું, ખિસ્સું કપાઈ ગયું હતું. તેણે કંડક્ટરને વાત કરી, કે મારું ખિસ્સું કપાઈ ગયું છે, તેમાં પૈસા અને ડેઇલી પાસ હતો. પણ, આજે કંડક્ટર નવો હતો એ કિરણને ઓળખતો નહોતો. કંડક્ટરે પહેલું ગામ આવતાં કિરણને ઉતરી જવા કહ્યું. કિરણે ઘણી વિનંતી કરી કે ‘તમે ટિકિટ આપો, હું મારું ગામ આવતાં પૈસા આપી દઈશ.’ કંડક્ટર ન માન્યો અને કિરણ બસમાંથી ઉતરી ગયો. ગામ સાવ અજાણ્યું હતું. વિચારમાં પડી ગયો શું કરવું? તેનું ગામ તો અહીંથી દૂર હતું.
કિરણે, બે-ત્રણ વ્યક્તિઓને પોતાની હકીકત કહી પણ કોઈએ સહકાર ન આપ્યો. છેલ્લે વિચાર્યું, ‘હવે આ ટેનામેન્ટમાં પ્રયત્ન કરી જોવું. બહાર નામની તકતીમાં નામ લખ્યું હતું, ‘વિશ્વનાથ પંડ્યા’ કિરણે ધીમેથી દરવાજો ખખડાવ્યો, બારણું ખુલ્યું.
“આવો ભાઈ, શું કામ છે?”
કિરણે હકીકત કહીને, પોતાના ગામ સુધી પહોંચવા માટે મદદ કરવા કહ્યું.
“ભલે, શું મદદ જોઈએ છે?”
“મને એક સો રૂપિયા આપો, હું તમને પાછા આપી જઈશ.”
“ભલે, વધારે જોઈતા હોય તો પણ કહો, આપણે એક બીજાના કામમાં આવીએ એ જ સાચો માનવ ધર્મ છે.”
•
“લો કાકા, આ પૈસા તમે તે દિવસે મદદ ન કરી હોત, તો મારી તો હાલત બગડી જાત, ખૂબ ખૂબ આભાર, કાકા.”
“અરે! બેટા, એ પૈસા પાછા ન લેવાના હોય.”
“પણ, કાકા તમારું ઋણ મારી ઉપર રહે.”
“તો બેટા, બાકી રાખ! મોકો મળે ઋણ ઉતારી દેજે.”
વિશ્વનાથ પંડ્યા સરકારી અધિકારી હતા. સારા હોદ્દા ઉપર હતા. તેના હસ્તક લાખોનાં ટેન્ડર પાસ થતાં હતાં. પોતે શુદ્ધ મનના અને શુદ્ધ વિચાર ધરાવતા વ્યક્તિ હતા. પોતે તો કંઈ ખોટું કરતા નહીં અને કોઈને ખોટું કરવા પણ નહોતા દેતા, એટલે અનિષ્ટ તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.
વિશ્વનાથ પંડ્યામાં એક સદ્દગુણ કહો તો સદ્દગુણ અને દુર્ગુણ કહો તો દુર્ગુણ, એ બધાં ઉપર અતિ વિશ્વાસ ધરાવતા અને બધાંને પોતાની જેવા જ માનતા. કિરણ ઘણી વાર વિશ્વનાથ પંડ્યાના ગામડે ઉતરી જતો. આમ બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહ્યો હતો …
“લો કાકા, પેંડા. આજે મને વકીલાત કરવા માટેની સનદ મળી ગઈ, હવે હું વકીલાત કરી શકીશ.”
“હા, બેટા, તારું સ્વપ્ન પૂરું થયું.”
કિરણ, પોતાના વકીલાતના બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયો હતો, એટલે વિશ્વનાથ કાકાને ઘણા સમયથી મળ્યો નહોતો. એક દિવસ ઘરે જતા રસ્તામાં વિશ્વનાથ કાકાને ત્યાં મળવા રોકાઈ ગયો. હવે તે ગામડેથી બાઇક ઉપર અપડાઉન કરતો હતો.
“કેમ, છો કાકા? આમ નંખાઈ ગયેલા કેમ લાગો છો?”
“શું કહું બેટા! મારી વર્ષોની નિષ્ઠા, તપસ્યા, શુદ્ધતા, ઉપર જોખમ ઊભું થયું છે. મેં એક પાર્ટીનું ટેન્ડર પાસ ન કર્યું એટલે તેણે મારી વિરુદ્ધ લાંચ લઈ બીજાનું સરખી જ કિંમતનું ટેન્ડર પાસ કરવાનો આરોપ કરતી અરજી કરી છે અને મારા ઉપરી અધિકારીએ મારી સામે પગલાં લેવાનું કહ્યું છે. હું શું કરું? બેટા, કંઈ સમજાતું નથી. મારી વર્ષોની નિષ્ઠા કામ ન આવી.”
“કાકા, ચિંતા કરવાની જરૂર નથી. મને એ કહો કે તમને કોની ઉપર શંકા છે? મને તમારી ઑફિસનો કોઈ સ્ટાફ ભળેલો હોય એમ લાગે છે.”
“હા, બેટા એવું મને પણ લાગે છે. મનુભાઈ અમારી ઑફિસમાં ક્લાર્ક છે. તેણે તેના એક સંબંધીનું ટેન્ડર પાસ કરવા કહ્યું હતું. મેં જે ટેન્ડર પાસ કર્યું છે અને મનુભાઈના સંબંધીના ટેન્ડરની કિંમત સરખી હતી. મને પણ નવાઈ તો લાગી હતી, બે ટેન્ડરની બધી વિગત સરખી કેવી રીતે હોઈ શકે? મનુભાઈના સંબંધીના બજાર અને બેંકના રિપોર્ટ સારા નહોતા એટલે મેં તેને પાસ ન કર્યું. મનુભાઈએ મારી ઉપર દબાણ ઘણું કરાવ્યું, પણ મેં નિર્ણય ન ફેરવ્યો.”
“બસ કાકા, તમે આરામથી સૂઈ જાવ, કોઈ ચિંતા ન કરતા.”
•
“દીપેનભાઈ કેમ છો?”
“તમે કોણ?”
“હું કિરણ જોષી, વકીલાત કરું છું.”
“મારે કાયદાને લગતું કોઈ કામ નથી.”
“જાણું છું. મારે તમારું કામ છે. તમે વિશ્વનાથ પંડ્યા સામે ફરિયાદ કરી છે?”
“તો શું? તેની ઑફિસ તેનું કામ કરશે. મારે કયાં કોર્ટ કચેરીમાં દાવો કરવો છે, તે તમારી જરૂર પડે.”
“મારે વિશ્વનાથ પંડ્યા સાથે જૂનો હિસાબ ચૂકતે કરવો છે એટલે તમારી સલાહ અને તમારી ફરિયાદની વિગત જાણવાની ઇરછા છે.”
“તમે કોઈને વાત ન કરતા, ઑફિસમાં મારા સંબંધી છે. તેના કહેવાથી મેં ટેન્ડર ભર્યું હતું અને બીજાના ટેન્ડરની બધી વિગત મને મળી ગઈ હતી. જો ટેન્ડર પાસ થાય તો મારે પચાસ હજાર તેને દેવાના હતા. પણ, ખડુસ પંડ્યા સાહેબે મારું ટેન્ડર પાસ ન કર્યું.”
“એટલે આવા પવિત્ર માણસ સામે ફરિયાદ કરવાની? તમારી ફરિયાદ ખોટી છે. જો પંડ્યા સાહેબ તમારી સાચી વાત જાહેર કરશે તો તમને અને તમારા બિઝનેસને બહુ નુકસાન થશે. પંડ્યા સાહેબ બધી વાત જાણે છે. પણ, પવિત્ર માણસ છે એટલે તમારી કે તમારા સંબંધી વિરુદ્ધ કંઈ કહ્યું નથી કે કંઈ કર્યું નથી.”
“તમારી વાત તો સાચી છે. મેં ફરિયાદ કરવામાં ઉતાવળ કરી નાખી છે.”
“તો હવે ફરિયાદ પાછી લઈ લો એટલે વાત થાય પૂરી.”
•
“પંડ્યા સાહેબ, તમારી વિરુદ્ધની ફરિયાદ, ફરિયાદીએ પાછી ખેંચી લીધી છે. કાલથી ઑફિસે આવવાનું શરૂ કરી દેજો.”
વિશ્વનાથ પંડ્યા અચંબામાં પડી ગયા કે આ ચમત્કાર કેવી રીતે થયો. કદાચ, ફરિયાદીને સદ્દબુદ્ધિ આવી હશે કે મારા શુદ્ધ કર્મોનું ફળ હશે, જે હોય તે જતી જિંદગીએ બે-આબરૂ થતા બચી ગયો.
•
“કેમ, છો કાકા?”
“અરે! આવ બેટા આવ. તને ખબર છે? મારી વિરુદ્ધની ફરિયાદ, ફરિયાદીએ પાછી લઈ લીધી.”
“કાકા, આ તો સારા સમાચાર કહેવાય.”
“કિરણ, તે આ ચમત્કાર કેવી રીતે કર્યો? એ તો કહે.” કિરણે બધી વાત કરી.
વિશ્વનાથ નવાઈ પામી ગયા. સાલું આવું પણ બની શકે છે.
“દીકરા, હવે હું તને દીકરો કહીશ. મારે દીકરો નથી. પણ, તું છો ને. તે મારા એક સો રૂપિયાનું ઋણ મારી લાખેણી આબરૂ બચાવીને ચૂકવ્યું. તને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા આવડે છે.”
“એ હું, તમારી પાસેથી શીખ્યો છું. તે દિવસે તમે મને કંઈ જ નહોતું પૂછ્યું. અરે! તમે મારુ નામ ઠેકાણું પણ નહોતું પૂછ્યું. મેં કહ્યું, એટલે તમે ફટ દઈને સો રૂપિયા આપી દીધા અને પાછું પૂછ્યું હતું, વધારે જોઈએ છે? તમે મારી પાસેથી એ પૈસા પાછા નહોતા લીધા. આવા, પવિત્ર, શુદ્ધ, અને નિષ્ઠાવાન માણસ જો ખોટા ગુનામાં ફસાઈને સજા ભોગવે, તો ન્યાયને, સત્યને, નિષ્ઠાને નીચાજોણું થાય એટલે મેં પ્રયત્ન કર્યો અને સફળ થયો. આ સફળતા તમારા અને મારા યોગ્ય મૂલ્યાંકનનું ફળ છે”
“હા, દીકરા.” બંનેના મુખ પર પ્રસન્નતા ફરી વળી ….
ભાવનગર….ગુજરાત.
e.mail : nkt7848@gmail.com