ગાંધીજી લખે છે, ‘પિટરમેરિત્સબર્ગ અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. 23 વર્ષના મોહનને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.
ડરબન બંદરે શેઠ અબ્દુલ્લા પોતે મોહનને લેવા આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો પોતાના મિત્રોને લેવા સ્ટીમર પર આવ્યા ત્યાં જ મોહનને સમજાઈ ગયું અહીં હિંદીઓનું બહુ માન નથી. અબ્દુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે વર્તતા હતા તેમાં ય એક પ્રકારની તોછડાઈ એને દેખાતી હતી. અબ્દુલ્લા શેઠને જાણે આ તોછડાઈ સદી ગઈ હતી.
બે દિવસ પછી તેઓ મોહનને ડરબનની કોર્ટ જોવા લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં તેમના વકીલની પાસે મોહનની બેસવાની ગોઠવણ કરી. મેજિસ્ટ્રેટ મોહન સામે જોયા કરતો હતો. તેણે મોહનને પાઘડી ઉતારવા કહ્યું. મોહને તે ઉતારવાની ના પાડી અને કોર્ટ છોડી, કેમ કે પાઘડી ઉતારવી એટલે માનભંગ સહન કરવો. તેણે તો આખો કિસ્સો અને પોતાના તેમ જ પાઘડીના બચાવનો કાગળ અખબારને મોકલ્યો. અખબારમાં એની પાઘડીની ચર્ચા ઘણી ઉપડી. ‘અનવેલકમ વિઝિટર’ તરીકે મોહન છાપે ચડ્યો. કોઈએ એનો પક્ષ લીધો તો કોઈએ એની ઉદ્ધતાઈની ટીકા કરી.
આ બનાવ બન્યો હતો 1893ની 26મી મેએ, દક્ષિણ આફ્રિકા આવ્યા પછી તરત. મોહનદાસ કરમચંદ ગાંધીની ઉંમર ત્યારે 23-24 વર્ષની. 19માં વર્ષે તેઓ બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા, આવીને બે વર્ષ કઠિયાવાડમાં અને મુંબઇમાં વકીલાત કરી. વકીલાત તો ચાલી નહીં, પણ અનુભવસમૃદ્ધિ ચોક્કસ વધી. શ્રીમદ્દ રાજચંદ્રનો આંતરિક ભરપૂરતા વધારનાર સંસર્ગ પણ આ જ વર્ષોમાં થયો હતો.
પાઘડીના બનાવ પછી પાંચમે દિવસે એટલે કે વર્ષ 1893ની 31મી મેએ પિટરમેરિત્સબર્ગ ઘટના બની. તેઓ પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં બેઠા. ફર્સ્ટક્લાસની ટિકિટ હોવા છતાં અશ્વેત હોવાને કારણે થર્ડ ક્લાસમાં જવાનું કહેવામાં આવ્યું. એમ કરવાનો ઇન્કાર કર્યો ત્યારે પિટરમેરિત્સબર્ગ સ્ટેશન પર તેમને ફેંકી દેવામાં આવ્યા. જેમણે રિચર્ડ એડનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોઈ છે તેમને યાદ હશે કે એ ફિલ્મની શરૂઆત આ જ દૃશ્યથી થઈ હતી. એ રાતે અપમાનથી સળગતા અને હાડ ગાળી નાખે એવી ઠંડીમાં થરથરતા, જ્યાં આવ્યાને અઠવાડિયું જ થયું છે એવા અજાણ્યા દેશમાં, અજાણ્યા સ્ટેશન પર ફેંકી દેવાયેલા યુવાન ગાંધીની મન:સ્થિતિ કેવી હશે? વિચારોનું કેવું ઘમસાણ ચાલ્યું હશે એમના મનમાં?
‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, ‘મેં મારો ધર્મ વિચાર્યો : કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરો દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો દુ:ખ અને અપમાન સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ અને એણે બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.
એ પછી શું બન્યું? બીજા દિવસે સવારે ગાંધીજીએ રેલવેના મેનેજરને અને અબ્દુલ્લા શેઠને લાંબા તારથી વિગત જણાવી. શેઠ રેલવે મેનેજરને મળ્યા. મેનેજરે આગળનો પ્રવાસ નિર્વિઘ્ને થાય એવી સૂચના મોકલી અને ગાંધીજી ચાર્લ્સટાઉન તો પહોંચ્યા. રેલવે લાઈનો ત્યારે નવી નવી નખાતી હતી. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સિગરામ-ઘોડાગાડીમાં જવાનું હતું. ત્યાં એક રાતનું રોકાણ હતું. પછી ફરી ટ્રેન લેવાની હતી.
સિગરામના ગોરા માલિકે મોહનને ન બેસાડવા બહાના કાઢવા માંડ્યા. મોહને મક્કમતાથી વાત કરી એટલે બેસવા તો આપ્યું, પણ હૉટેન્ટોટ હાંકનાર પાસે. મોહનને અન્યાય સમજાયો, પણ તેને તકરાર કરવી ન હતી, તેથી કચવાઈને ત્યાં બેસવાનું સ્વીકાર્યું. થોડી વારે અંદર બેઠેલો એક ગોરો સિગરેટ પીવા બહાર આવ્યો અને એક મેલું ગુણપાટ હાંકનારના પગ પાસે પાથરી તેણે મોહનને કહ્યું, ‘ઊઠ, ત્યાં બેસ. મારે અહીં બેસવું છે.’ મોહને ના પાડી. પેલાએ એને ધમકાવ્યો, માર માર્યો.
રાત્રે હોટેલવાળાએ ‘અલાઉ’ ન કર્યો. અબ્દુલ્લા શેઠના પરિચિત વેપારીઓને નવાઈ ન લાગી – ‘આપણને હોટેલમાં થોડા ઉતરવા દે?’ સવારે બીજી ટ્રેન લેવાની હતી. ‘અહીં તો આપણને પહેલા કે બીજા વર્ગની ટિકિટ જ આપતા નથી.’ ગાંધીજીએ રેલવેના કાયદા જોયા. સ્ટેશન માસ્તરને મળ્યા. થોડી આનાકાની પછી, વચ્ચે કંઈ બને તો પોતાને સંડોવવો નહીં એ શરતે તેણે ફર્સ્ટક્લાસની ટિકિટ આપી. ગોરો ટિકિટચેકર એને ઉતારવા માગતો હતો. સાથી મુસાફર – એ પણ ગોરો જ હતો, તેણે ટિકિટચેકરને રોક્યો, ‘શા માટે એમને પજવો છો? રાતે એક અમેરિકન હબસીએ ‘ડાયનિંગ હોલમાં નહીં, રૂમમાં જ ખાવું પડશે’ એ શરતે હોટેલમાં રૂમ આપ્યો. પછી જો કે બધા સાથે ડાયનિંગ હોલમાં ખાવા દીધું. પ્રિટોરિયા જઈને આ આખા બનાવ અંગે ચર્ચા કરી ત્યારે સાંભળ્યું, ‘અહીં રહેવું હોય તો અપમાન સહન કરવાં જ પડે’.
ગાંધીજી લખે છે, ‘આ આખા અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. ગાંધીજીને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.
ગાંધીજીને ઉતારી પાડનારાઓની વાતો વગર સમજ્યે માની લઈને હો-હા કરતા યુવાનોને એમની આ ઠંડી તાકાતની પ્રતીતિ છે? ત્યાર પછી મોહને કેસના કામ સાથે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની સ્થિતિનો અભ્યાસ કર્યો. પ્રિટોરિયામાં જ એક સભા ભરી આખો ચિતાર ત્યાંનાં ભારતીયો સમક્ષ મૂક્યો. એ એનું પહેલું ભાષણ હતું. એમાં એણે સત્ય પર ખૂબ ભાર મૂક્યો હતો. વેપાર કે વ્યવહારમાં શુદ્ધ સત્ય ન ચાલે એવી માન્યતાનો એ ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો અને વેપારીઓને કહ્યું કે એમની ફરજ બેવડી છે. પરદેશમાં આવવાથી એમની જવાબદારી દેશમાં હોય તે કરતાં વધે છે કેમ કે ખોબા જેટલા ભારતીયોની રહેણીકરણી પરથી કરોડો ભરતવાસીઓનું માપ થાય છે. અંગ્રેજોની સરખામણીમાં ભારતીયોની રહેણીમાં રહેલી ગંદકી તરફ પણ ધ્યાન ખેંચ્યું, ધર્મ અને ભાષાના ભેદો ભૂલી જવા પર ભાર મૂક્યો અને છેવટે એક મંડળ સ્થાપી ભારતીયોને પડતી હાડમારીનો ઈલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું. તેમાં પોતે બનશે તેટલો વખત વગર વેતને આપશે એમ પણ જણાવ્યું. એમણે જોયું કે સભામાં આવેલા મોટાભાગનાને અંગ્રેજી ઘણું ઓછું આવડતું હતું. પરદેશમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું, તેથી ગાંધીજીએ જેમને વખત હોય તેમને અંગ્રેજી શીખવવાની તૈયારી બતાવી અને મોટી ઉંમરે પણ અભ્યાસ થઈ શકે એવી પ્રેરણા આપી. સમયાંતરે વધુ સભાઓ ભરી, પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટને મળ્યા, રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને સારાં કપડાં પહેર્યાં હોય તેવા ભારતીયોને ઉપલા વર્ગની ટિકિટ આપવામાં આવશે એવી લેખિત બાંહેધરી લીધી. એથી પૂરી સગવડ તો ન મળી, કેમ કે સારાં કપડાં કોણે પહેર્યાં એ તો સ્ટેશન માસ્ટર જ નક્કી કરે ને!
બ્રિટિશ એજન્ટ પાસેથી મોહનને કેટલાક કાગળો મળ્યા, જેના પરથી તેને ઓરેન્જ ફ્રી સ્ટેટમાંથી ભારતીયોનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું. પ્રિટોરિયામાં તેણે દક્ષિણ આફ્રિકાના ભારતીયોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ઘણો અભ્યાસ કર્યો – એને તો એક વર્ષના અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલા દેશ જતું રહેવું હતું, છતાં. આ અભ્યાસનો પાછળથી પૂરો ઉપયોગ થવાનો હતો, એ એને ત્યારે ખબર નહોતી.
આવું હતું 23-24 વર્ષના મોહનનું અનુભવવિશ્વ અને વિચારવિશ્વ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 મે 2024