Opinion Magazine
Number of visits: 9457123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અટપટું ચટપટું 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2024

કાવ્યકૂકીઝ 

0

‘આ વખતે વધુ વરસાદ થશે.’

‘તેથી ઇકોનોમીને વેગ મળશે.’

‘તે તો ખબર નહીં, પણ તેલની ખપત વધશે.’

‘તે કેવી રીતે?’

‘બહાર જવાશે નહીં ને ભજિયાં ઘરમાં થશે.’

‘કજિયા પણ !’

0

‘સાહેબ, વૈશાખી પવનમાં થોડાં ઝાડ પડી ગયાં.’

‘બુલેટ ટ્રેન માટે કાપ્યાં,એટલે પવનને જોર ચડ્યું લાગે છે.’

0

‘સાહેબ, મેં બધા ગેઇમ ઝોન બંધ કરાવી દીધા’

‘ડોબા, એ શરૂ જ કરાવવાના ન હતા.’

‘કેમ?’

‘એ ગેઇમ ઝોન નહીં, શેઇમ ઝોન હતા.’

0

‘સાહેબ, તમે શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાય આપી, હવે ખમ્મા કરો.’

‘કેમ?’

‘બીજે હોડી ડૂબે, આગ લાગે તેને માટે કૈં રાખવાનું કે નહીં?’

0

‘તમે વર્ષોથી માર્કેટો ચલાવો છો તે ફાયર NOC છે?’

‘એ વળી શું?’

0

‘તમારી પાસે ફાયર NOC છે?’

‘ના, લાયર NOC છે.’

0

‘કોઈ ગધેડો ઘોડા પર બેસતો જોયો છે?’

‘હા, પરણવા જાય ત્યારે.’

0

‘તમે એ.ટી.એમ.થી પૈસા કેમ નથી ઉપાડતા?

‘એ.ટી.એમ.માં બેલન્સ વગર પણ પૈસા મળે?’

0

‘ડિયર, તમને મારે માટે શું પાળવાનું ગમે?’

‘બે મિનિટનું મૌન.’

0

‘પ્રિયે, કેરીની જેમ મારે માટે તું બીજું શું પકવશે?’

‘વીમાની પોલિસી.’

0

‘ફાયર સેફટીનાં સાધનો ન હોય એવી સંસ્થાઓ સીલ કરો.’

‘એમાં તો આખું શહેર સીલ થઈ જશે, સાહેબ.’

0

‘તમે આગથી બચવા શું કરશો?’

‘અમે બધા હવે છાતી પર અગ્નિશમન યંત્ર બાંધવાના છીએ.’

0

‘આતંકવાદનું દેશી નામ?’

‘ભ્રષ્ટાચાર.’

0

ઊંચે ‘ઊડતાં વિમાનમાં બોમ્બ મળે તો શું કરો?’

‘ઉપરથી જ ઉપર જાઉં, બીજું શું?’

0

‘કોઈ હોસ્પિટલ દર્દી વગરની હોય?’

‘નવી નવીમાં કોઈ ન આવે એમ બને.’

‘હોસ્પિટલ જૂની હોય તો?’

‘તો એનું નામ ‘શ્રદ્ધાંજલિ’ હોઇ શકે.’

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

કોઈ વ્યક્તિ કે પક્ષ અભેદ્ય  અને અજેય નથી — ‘હવા’ માત્રે પંચમહાભૂતમાં ભળી જવું રહે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 June 2024

સંકેત નવપ્રભાતના

મૂગી નાગરિક છટપટાહટે પહેલ કરી અને વિપક્ષમાં વૈકલ્પિક પ્રતિકારની ઊર્જા પ્રગટી : નવું સંવત તો બેસતાં બેસશે ,પણ નવપ્રભાતના સંકેત આ જરૂર છે.જતાઆવતા  પક્ષોએ પાંચ પાંચ વર્ષે પરવાનો લેવો રહે છે.પણ નાગરિક જેનું નામ એની નોકરી તો ચાલુ ને ચાલુ જ હોય છે.

પ્રકાશ ન. શાહ

ભા.જ.પ. (ભલે એન.ડી.એ. રૂપે) સરકાર રચવાનો દાવો કરવાની સ્થિતિમાં ચોક્કસ જ છે. બંને કે આડી રાત તેની શી વાત, એમ કહીને આપણે હવેના ઘટનાક્રમ વિશે તત્કાળ લખવાબોલવાનું ટાળીએ. પણ ભીંત પરના અક્ષર પેઠે જે એક-બે વાતો ચોખ્ખી વંચાય છે એ તો નાગરિક છેડેથી કહેવી જ જોઈએ.

એક તો, મોદી ભા.જ.પ. (જેમ ક્યારેક ઇંદિરા કાઁગ્રેસ) અજેય ને અભેદ્ય છે એવી જે ‘હવા’ હતી તે એના સહજ ગુણધર્મ પ્રમાણે પંચમહાભૂતમાં ભળી ગઈ છે. મંત્રીમંડળના સંખ્યાબંધ સાથીઓની હાર, વડા પ્રધાનની પોતાની જીતનું પ્રમાણમાં ઠીકઠીક ઓછું માર્જિન, એક પક્ષ તરીકે 272ના જાદુઈ આંકડા પર પહોંચી ન શકાયાની અકાટ્ય વાસ્તવિકતા, આ બધું બરાબર એક દસકાની બધ્ધ ને બંધિયાર પરિસ્થિતિમાં અંશતઃ પણ તાજી લેરખીનો સુખાનુભવ નિઃશંક છે.

એમણે ‘ઇન્ડિયા’ને ‘ઘમંડિયા’ કહી કોઈ માનસિક કિલ્લો ફતેહ કર્યાનો શબ્દાનંદ ખસૂસ લીધો હશે, પણ જે લગભગ શૂન્યવત્ સમજાતું હતું એમાંથી સર્જનનું કૌશલ દાખવી પ્રતિપક્ષે પોતાની હાજરી પુરાવી અને મતગણતરીના કલાકો દરમિયાન સત્તાપક્ષને કંઈક અધ્ધરજીવ ક્ષણો પણ આપી એ આ ચૂંટણીનું એક અસામાન્ય લક્ષણ લેખાશે.

જે મોટી વાત આ બેહદ લાંબા ચૂંટણીક્રમને વળોટીને ઊપસી રહી તે તો કદાચ એ છે કે છેલ્લા દસકા આખામાં જે એક કથાનક વૈખરીછૂટાં વ્યાખ્યાનો ને પ્રસારિત-પ્રાયોજિત માધ્યમો થકી સત્તાપક્ષે સ્થાપિતવત્ કર્યું હતું એની સામેના છૂટાછવાયા વિચારછણકા કે કથિત બૌદ્ધિક છમકલાં કેવળ નકરા બુદબુદ નથી પણ એક સળંગ સુવાંગ કથાનકનું કૌવત ધરાવે છે એ મુદ્દો સરસ ઊઘડી આવ્યો. સ્વદેશવત્સલતા સૌને ગમે, સૌને સહજ ફોરે પણ, પરંતુ તેને નામે ‘રાષ્ટ્ર’ એ આમ આદમીનાં વાસ્તવિક સુખનો અવેજ અલબત્ત નથી. મૂર્ત માનવ્યનાં સુખદુઃખની દૃષ્ટિકસોટીએ વિચારવાનો અભિગમ – તમે એને સર્વોદય કહો, લોકશાહી સમાજવાદ કહો, એનું આ આવડ્યું એવું કથાનક છે.

જે એક વાત તાજેતરના અનુભવોને અનુલક્ષીને નાગરિક છેડેથી દર્જ કરવી રહે છે તે આપણાં સ્થાપિત માધ્યમો અને સોશ્યલ મીડિયાશાઈ સ્વતંત્ર ઉપક્રમો વચ્ચેના અંતરની પણ છે. જે વસ્તુ બનતી આવતી હતી એની છબી સ્થાપિત માધ્યમોમાં ઝિલાઈ જ નહીં (કે એમણે જાણીને ન ઝીલી) તેની સામે વૈકલ્પિક માધ્યમોમાં પરિવર્તનનું વાસ્તવચિત્ર ઊઘડતું આવ્યું અને મતગણતરીના કલાકોમાં તે અંકે પણ થયું. એગ્ઝિટ પોલના અવાજો અને ખરી ડૂંટીના અવાજોનું અંતર પણ સાફ થઈ ગયું. બજારઉછાળ અને બજારધોવાણનું રાજકારણ ને અર્થકારણ (ખરું જોતાં અનર્થકારણ) પણ હવે ન સમજવું હોય તો જ ન સમજાય અને બજારખેલાડીઓ તેમ સત્તાકારણીઓની સાંઠગાંઠ પણ ન સમજવી હોય તો જ ન સમજાય, એ આ દિવસો પછી જુદેસર કહેવાનું રહેતું નથી.

નેતૃત્વની એક તરાહ, એક તાસીર કહો કે એક મોડેલ છેલ્લાં વરસોમાં ઘોર છવાયેલ હતું. હમણેના ગાળામાં રાહુલ ગાંધીએ જે ગજું કાઢી બતાવ્યું છે એણે એક વૈકલ્પિક મોડેલની સર્જનાત્મક સંભાવનાઓ જરૂર પ્રગટ કરી છે એ હવે જુદું કહેવાનું રહેતું નથી.

ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના નિર્ણાયક ઉદયને કદાચ એ રીતે પણ જોઈ શકાય કે આવડા મોટા દેશમાં કોઈ એકચક્રી અભિગમને બદલે સમવાયી અભિગમ અનિવાર્ય છે. નેહરુના સમવાયી અભિગમ સામે ઇંદિરાજીએ ખાલસા નીતિ જેવું જે રાજકારણ ખેલ્યું એમાંથી તેલુગુ દેશમનો ઉદય થયો તે આજના દિવસોમાં તરત સાંભરતો દાખલો છે. કાઁગ્રેસની સિન્ડિકેટ ક્યારેક સમવાયી પ્રતિનિધિત્વ કરતી હતી તે ભલે પશ્ચાદદૃષ્ટિએ પણ એક સમજવા જેવી વિગત છે.

ગમે તેમ પણ નવપ્રભાતની ઊઘડતી શક્યતા વચ્ચે નાગરિકે વિવેક ને ધૈર્યથી પ્રતિબદ્ધ રહેવાનું છે. એણે જ તો, મૂગી જનતાએ સ્તો ચૂંટણીમાં ભિન્નમત વાસ્તે પહેલ કરી અને વિપક્ષને સંબલ સંપડાવ્યું. સતત સતર્કતા અને અતન્દ્ર જાગૃતિ … તમારો સાથે કદાપિ ન છૂટો.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 જૂન 2024

Loading

એક કા નારા ‘અમન’ એક કા ‘જય જવાન જય કિસાન’

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|5 June 2024

મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી – દેશસેવાનો તેમનો માપદંડ હતો દૃઢ નિષ્ઠા અને સખત પરિશ્રમ પોતાના પદ કે પ્રતિષ્ઠાનો કોઈ ફાયદો ન પોતે લીધો, ન સંતાનોને આપ્યો. પોતાનાં જીવન અને કાર્યોથી રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન અપાવનારા આ બંને મહાનુભાવો આખરે કઈ માટીના બન્યા હશે? એવી નોખી માટી, એવા નોખા માનવીઓ હવે આ દેશ ઉત્પન્ન નહીં કરતો હોય શું?

‘આજ હૈ દો અક્તૂબર કા દિન, 

આજ કા દિન હૈ બડા મહાન, 

આજ કે દિન દો ફૂલ ખિલે, 

જિનસે મહકા હિંદુસ્તાન, 

એક કા નામ થા બાપુ ગાંધી, 

ઔર એક લાલબહાદુર હૈ, 

એક કા નારા અમન, 

એક કા જય જવાન જય કિસાન’ 

1967ની ફિલ્મ ‘પરિવાર’ માટે ગુલશન બાવરાએ લખેલું અને કલ્યાણજી-આણંદજીએ સંગીતબદ્ધ કરેલું આ ગીત 2 ઑક્ટોબરે જન્મેલા દીકરા માટે મા ગાય છે. કહે છે, 

‘મેરે મુન્ને દો અક્તૂબર કે શુભ દિન હી તૂ જન્મા, 

મેરી યહી દુઆએં હૈં કિ ઉન જૈસા હી તૂ બનના, 

ઔર જો ઉન જૈસા ના બન પાયે તો ફિર ઈતના કરના, 

કમ સે કમ ઉનકે બતલાયે રસ્તે પર હી તૂ ચલના, 

વિશ્વશાંતિ કે હિત મેં દેખોં ઉન વીરોં ને દિયે હૈં પ્રાણ …’ 

આ ગીત રચાયાને અડધી સદી જેટલો સમય થઈ ગયો છે, પણ આજે પણ શાળાઓમાં ગાંધીજયંતીના કાર્યક્રમમાં કોઈ શિક્ષક ગાંધીજી સાથે શાસ્ત્રીજીને યાદ કરતાં આ ગીત ગાય અને નાનાં નાનાં બાળકોએ તેને ઝીલે ત્યારે વાતાવરણમાં એક ઊર્જા પ્રસરી જાય છે. ગાંધીજી અને શાસ્ત્રીજી – કેવા હતા એ મહાનુભાવો અને કેવા છીએ આપણે – કહાં ગયે વો લોગ, ઔર ક્યા હો ગયે હમ લોગ?

મહાત્મા ગાંધીનો જન્મદિન 1869માં અને અને શાસ્ત્રીજીનો 1904માં. બંનેની ઉંમરમાં અડધી સદી જેટલું અંતર. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે શાસ્ત્રીજી શાળામાં ભણતા વિદ્યાર્થી હતા. લોકમાન્ય તિલકને સાંભળી તેમની નસોમાં એ કૂણી ઉંમરે પણ દેશભક્તિ વહેવા લાગી. 1915માં 11-12 વર્ષની ઉંમરે તેમણે મહાત્મા ગાંધીનું પ્રવચન સાંભળ્યું. ત્યારથી તેઓ ગાંધીજીના ભક્ત બની ગયા. કાશીથી થોડાં જ કિલોમીટર દૂર આવેલા મુગલસરાઈમાં જન્મેલા લાલબહાદુરની અટક શ્રીવાસ્તવ હતી, પણ એ કાયસ્થ જ્ઞાતિ સૂચવતી હતી તેથી તેમણે એ અટક ત્યાગી દીધી હતી.

1921માં ગાંધીએ ઉપાડેલી અસહકારની લડત પૂરજોશમાં હતી. એમાં ભાગ લઈ શાસ્ત્રીજી જેલમાં ગયા, પણ તરત તેમને છોડી મૂકવામાં આવ્યા. તેમણે વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ કુલ નવ વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો, જ્યારે ગાંધીજીએ કુલ અગિયાર વર્ષ જેલમાં ગાળ્યા હતા. 1942ની લડત પહેલા ગાંધીજીએ શરૂ કરેલા વ્યક્તિગત સત્યાગ્રહમાં શાસ્ત્રીજીએ ભાગ લીધો હતો. ગાંધીજીએ ભારતમાં આવી પહેલા સત્યાગ્રહો ચંપારણ અને ખેડાના ખેડૂતો માટે કર્યા હતા. તે પછી પચીસ વર્ષે શાસ્ત્રીજીએ સૂત્ર આપ્યું હતું, ‘જય જવાન, જય કિસાન’. શાસ્ત્રીજી નવા સ્વતંત્ર થયેલા ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત નહેરુના જમણા હાથ જેવા હતા અને તેમની જેમ ધર્મનિરપેક્ષ રાજકારણમાં માનનારા હતા, પણ નહેરુની ઔદ્યોગિક નીતિઓ સાથે તેઓ સંમત ન હતા.

1926માં બનારસમાં સ્થપાયેલી કાશી વિદ્યાપીઠમાં ફિલોસોફી અને નીતિશાસ્ત્ર લઈ તેઓ સ્નાતક થયા અને ત્યારથી શાસ્ત્રી કહેવાયા. આ કાશી વિદ્યાપીઠનું ઉદ્દઘાટન 1916માં તાજા તાજા દક્ષિણ આફ્રિકાથી આવેલા મહાત્મા ગાંધીએ કર્યું હતું. 1927માં લલિતાદેવી સાથે લગ્ન થયાં ત્યારે લાલબહાદુર ગાંધીરંગે પૂરા રંગાઈ ચૂક્યા હતા. તેમણે સસરા પાસેથી રેંટિયો અને થોડી ખાદી એટલી જ ભેટ સ્વીકારી હતી. ગાંધીજીના આશ્રમમાં લગ્ન થતાં ત્યારે ગાંધીજી શરત મૂકતા કે વિધિ, ફૂલ વગેરેનું ખર્ચ ચાર આનાથી વધારે ન થવું જોઈએ. વરવધૂ હાથે કાંતેલી ખાદીની આંટી વરમાળા તરીકે એકબીજાને પહેરાવે. આશ્રમના જ કોઈ ગોરમહારાજ બનીને વિધિ કરાવી દે.

ગાંધીજી અને શાસ્ત્રીજી બંનેએ કોઈ અંગત લાભ લીધા વિના દેશસેવા કરી. દેશસેવાનો તેમનો માપદંડ હતો દૃઢ નિષ્ઠા અને સખત પરિશ્રમ – કોઈ અંગત લાભ નહીં. પોતાના પદ કે પ્રતિષ્ઠાનો કોઈ ફાયદો ન પોતે લીધો, ન સંતાનોને આપ્યો. દેશના અદના સેવકો તરીકે બંને જીવ્યા અને મર્યા. 1948માં ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે તેમની સંપત્તિમાં ચંપલ, ચશ્માં, ઘડિયાળ વગેરે દસબાર વસ્તુઓ જ હતી. શાસ્ત્રીજી મૃત્યુ પામ્યા ત્યારે તેઓ જે જૂની કાર વાપરતા હતા તેના હપ્તા ભરવાના બાકી હતા. બેમાંથી કોઈ પાસે કોઈ મિલકત ન હતી. બેંકમાં ખાતું પણ નહોતું. પોતાનાં જીવન અને કાર્યોથી બંનેએ બતાવ્યું કે રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન છે.

સત્યાગ્રહની લડતમાં કંઈક પણ ચૂક થાય તો ગાંધીજી એની જવાબદારી પોતે લેતા. શાસ્ત્રીજી રેલવે પ્રધાન હતા એ વખતે એક મોટો અકસ્માત થયો ત્યારે શાસ્ત્રીજીએ તેની જવાબદારી પોતે લઈને રાજીનામું આપ્યું હતું. એક પ્રધાને આવો નિર્ણય લીધો હોય તેવું દેશમાં કદી બન્યું નથી. મરણોપરાંત ‘ભારતરત્ન’ મેળવનારા શાસ્ત્રીજી પહેલા હતા.

ગાંધીજી પશ્ચિમના વિરોધી હતા એવી છાપ છે. પણ ગાંધીજીના ઘડતરમાં પશ્ચિમના અમુક મૂલ્યોનો બહુ મોટો ફાળો હતો. ચોકસાઈ, નિયમિતતા, સ્વચ્છતા, કરુણા, સમાનતા, બંધુત્વ – આ બધું જે રીતે એમના અસ્તિત્વમાં વણાઈ ગયું હતું તે આપણી આધ્યાત્મિક પરંપરા કરતાં પશ્ચિમની વિભાવનાઓને વધારે મળતું આવતું હતું. ગાંધીજી પછીની પેઢીએ આ તત્ત્વોને વધતાઓછા પ્રમાણમાં અપનાવ્યાં. શાસ્ત્રીજીમાં આ ગુણો ભરપૂર પ્રમાણમાં હતા. પરંપરાના ખૂંચે તેવા અંશોથી અલિપ્ત રહેવાના આ બંનેએ સભાન પ્રયત્નો કર્યા હતા. શાસ્ત્રીજી નરમ હતા, પણ વખત આવે સિંહની જેમ ગર્જી ઊઠતા. ગાંધીજીની જેમ તેમની અહિંસા પણ વીરની અહિંસા હતી. મહાત્મા ગાંધીએ સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ દ્વારા ગુલામ અને કચડાયેલી પ્રજામાં આત્મવિશ્વાસ અને નિર્ભયતાનો પ્રાણ પૂર્યો. શાસ્ત્રીજી વડા પ્રધાન થયા ત્યારે એક ક્ષિતિજ પર તાજી પૂરી થયેલી ચીનની લડાઈના ધુમાડા ઊઠતા હતા, બીજી ક્ષિતિજ પર પાકિસ્તાનની લડાઈ ગાજતી હતી. અદ્દભુત કાબેલિયત અને હિંમતથી તેમણે પરિસ્થિતિ સંભાળી લડાઈ રોકવાના પૂરા પ્રયત્ન કર્યા, પણ લડવાનું આવ્યું ત્યારે હાકલ કરી, ‘જરૂર પડશે તો આપણે ભૂખ્યા રહી લઈશું પણ માતૃભૂમિની સ્વતંત્રતાનો સોદો નહીં થવા દઈએ.’ અને દેશ પોતાનાં દુ:ખો ભૂલીને જુસ્સામાં આવી ગયો.

ગાંધીજી અને શાસ્ત્રીજી બંને કોઈ વાત કહેતા પહેલા પોતે તેને અમલમાં મૂકતા. ગાંધીજીને સાંભળી લાખો લોકો ખાદીધારી બનતા, હજારો યુવાનો ગામડામાં જઈ સેવાના ભેખધારી બન્યા અને સૌ અસ્પૃશ્યતા શબ્દને ભૂલી ગયા કારણ કે ગાંધીજીએ પોતાનો દરેક શબ્દ ઉચ્ચારમાં મૂકતા પહેલા આચારમાં મૂક્યો હતો. શાસ્ત્રીજી વડા પ્રધાન હતા તે વખતે દેશમાં અનાજની તંગી હતી. અમેરિકાએ સડેલા ઘઉં મોકલ્યા ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે આવું સડેલું અનાજ ખાવા કરતાં દરેક નાગરિક અઠવાડિયામાં એક ટંક ન ખાય તો અનાજની તંગીનો પ્રશ્ન ઉકલી જાય. કરોડો લોકોએ આ ‘શાસ્ત્રીવ્રત’ પાળવા માંડ્યું અને શહેરોના રેસ્ટોરાં પણ એક ટંક બંધ રહેવા માંડ્યા કારણ કે આ વાત કહેતા પહેલા શાસ્ત્રીજીએ પોતાના ઘરનું રસોડું પણ એક ટંક માટે બંધ કરાવ્યું હતું.

ગાંધીજી અને શાસ્ત્રીજી બંને દેખાવમાં સાવ સામાન્ય. પ્રભાવશાળી બિલકુલ નહીં. બંને સ્વેચ્છાએ અપનાવેલી ગરીબીમાં જીવ્યા. તેમના કુટુંબોએ તેમના આદર્શો અપનાવ્યા અને મૂંગા મોઢે બલિદાનો આપ્યાં. કસ્તૂરબાનું મૃત્યુ જેલમાં થયું, પુત્ર હરિલાલ સાથે કાયમી જુદાઈની સ્થિતિ આવી ગઈ. શાસ્ત્રીજી જેલમાં હતા ત્યારે તેમની પુત્રી સરવારના અભાવે મૃત્યુ પામી.

કઈ તાકાતે ઊભા રાખ્યા હશે તેમને? શું પ્રાપ્ત કર્યું તેમણે? પોતાનાં જીવન અને કાર્યોથી રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન અપાવનારા આ બંને મહાનુભાવો આખરે કઈ માટીના બન્યા હશે? એવી નોખી માટી, એવા નોખા માનવીઓ હવે આ દેશ ઉત્પન્ન નહીં કરતો હોય શું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 ઑક્ટોબર  2023

Loading

...102030...548549550551...560570580...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved