જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને બાંધવો હોય અને બાંધી રાખવો હોય તો શું કરવું જોઈએ? કેન્દ્રની જમણે હોય કે ડાબે, ભારતમાં દરેક લોકે આ વિષે વિચાર્યું છે અને પોતપોતાની રીતે જવાબ આપ્યા છે. આમાં અપવાદ સામ્યવાદીઓનો અને મૂળભૂતવાદી મુસલમાનોનો. સામ્યવાદીઓ એમ માને છે કે પ્રબળ અને નિર્ણાયક ઓળખ માત્ર બે જ છે; રહિત અને સહિત. શોષક અને શોષિત. બાકીની દરેક ઓળખોનો શોષણ કરવા માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. માટે તેઓ રાષ્ટ્રીયતાને માનતા નથી. જગતના શ્રમિકોની એક કોમ છે, એક ઓળખ છે અને માટે એક થાવ. મૂળભૂતવાદી મુસલમાનો માને છે કે જગતમાં માત્ર બે જ કોમ છે, એક એ જે અલ્લાહમાં અને અલ્લાહે મોકલેલા પયગંબરના વચનોમાં વિશ્વાસ ધરાવે છે એટલે મુસલમાન અને બીજા એ જે તેમાં નથી માનતા એટલે કે કાફિર. માટે તેઓ પણ કોઈ પ્રકારની રાષ્ટ્રીયતામાં નથી માનતા. વૈશ્વિક મુસ્લિમ બંધુતામાં તેઓ માને છે. પણ આ બે અપવાદ છોડીને ૧૮૫૭ પછી લગભગ દરેક લોકોએ વિચાર્યું છે કે જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને કેમ બાંધવો અને બાંધી રાખવો.
ખમો. તમને કોણે કહ્યું કે આ દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો? વિનોબા ભાવે જેવાઓ આ પ્રશ્ન પૂછશે. કોઈ દેશ રાજકીય રીતે એકસૂત્રે જોડાયેલો હોય એ જ શું રાષ્ટ્રીય એકતાનો માપદંડ છે? મધ્યકાલીન ભારત રાજકીય રીતે ભલે અનેક ટૂકડાઓમાં વહેંચાયેલો હતો, પણ એક હતો. કોઈ કાવડમાં ગંગાનું પાણી લઈને રામેશ્વરમમાં શંકરની લિંગનું પ્રક્ષાલન કરે કે કોઈ કાવડમાં કાવેરીનું પાણી લઈને કાશીમાં શંકરની લિંગનું પ્રક્ષાલન કરે એ શું સૂચવે છે? ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે, પણ યુરોપની જેમ ભાષાવાર દેશ અલગ નથી. રાજકીય કરતાં સાંસ્કૃતિક એકત્વ વધારે મહત્ત્વનું છે. આપણે પશ્ચિમના પ્રભાવ હેઠળ રાજકીય રીતે સીમાબદ્ધ રાષ્ટ્રીયતાને વધારે મહત્ત્વ આપીએ છીએ અને એમાં એકંદરે નૈસર્ગિક (ઓર્ગેનિક) રાષ્ટ્રીયતાને નુકસાન પહોંચાડીએ છીએ. વળી સીમાબદ્ધ રાષ્ટ્રીયતા તેનું અસ્તિત્વ ટકાવી રાખવા લશ્કર પર આધારિત છે, જ્યારે નૈસર્ગિક રાષ્ટ્રવાદ લોકો પર આધારિત હોય છે. રાષ્ટ્રવાદની ચર્ચા કરતી વખતે આ દૃષ્ટિકોણ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. રાષ્ટ્રીયતાના નામે રાજ્ય રાષ્ટ્ર પર હાવી થઈ રહ્યું છે, ગળું ઘોંટી રહ્યું છે, પણ આપણે વળી તેનો મહિમા કરી રહ્યા છીએ.
ખેર, વિનોબા જેવાઓનું રાષ્ટ્રચિંતન કદાચ તમને આદર્શવાદી લાગશે. આટલી બધી આદર્શવાદી મોકળાશ પચાવવા જેટલા હજુ આપણે પરિપક્વ થયા નથી. આપણે શું, માનવસભ્યતા એટલી પરિપક્વ થઈ નથી. એ ભવિષ્યનો એજન્ડા છે જ્યારે જે તે પ્રજાઓનું માનવફૂળ (કોમનવેલ્થ ઓફ નેશન્સની જગ્યાએ કોમનવેલ્થ ઓફ કોમ્યુનિટીઝ) રચાશે. મને વિશ્વાસ છે કે એવું એક દિવસ બનશે. પણ પ્રારંભમાં કહ્યું તેમ ૧૮૫૭ પછીથી ભારતમાં લગભગ દરેક ચિંતક ચર્ચા કરતા રહ્યા છે કે જે દેશ ઇતિહાસમાં ક્યારે ય એકસૂત્રે બંધાયેલો નહોતો તેને બાંધવો કેમ અને બાંધી રાખવો કેમ? દેખીતી રીતે તેમનો રાષ્ટ્રીય એકતાનો અભિગમ સાંસ્કૃતિક કરતાં રાજકીય વધુ છે.
એવા ક્યા પદાર્થો છે જે આ દેશને જોડી રાખવામાં બાધારૂપ છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ કે શું એ ખરેખર બાધારૂપ છે? અને ત્રીજો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ કે એ કહેવાતા બાધારૂપ પદાર્થોથી ક્યારે ય મુક્તિ મળવાની છે? અને જો એ બાધારૂપ પદાર્થોનું હોવું અપરિહાર્ય છે, તેનાથી છૂટકારો મળે એમ ન હોય તો રાષ્ટ્રીયતાની વ્યાખ્યા ભારતનાં સંદર્ભમાં નવેસરથી કરવી જરૂરી નથી લાગતી? આ છેલ્લો પ્રશ્ન.
પહેલાં કહેવાતા બાધારૂપ પદાર્થોને ઓળખી લઈએ. એ છે; ધર્મ, જ્ઞાતિ, ભાષા અને પ્રદેશ. આ સિવાય પણ અનેક પદાર્થો છે, પણ આ ચાર મુખ્ય છે. આ ચારેયના અસંખ્ય પેટા કે ઉપ છે. પેટા સંપ્રદાય, પેટા જ્ઞાતિ, ઉપ પ્રદેશ અને બોલી ભાષાઓ.
પહેલાં ધર્મની વાત કરીએ. ભારતમાં અનેક ધર્મો સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. શું આટલા બધા ધર્મો રાષ્ટ્રીય એકતામાં બાધારૂપ છે? હિન્દુત્વવાદીઓ કહે છે કે ના બધા નહીં, પણ જે ધર્મોનો પાર્દુર્ભાવ વિદેશમાં થયો છે એ બાધારૂપ છે. દયાનંદ સરસ્વતી અને આર્યસમાજીઓ કહે છે કે જે ધર્મોનો અને સંપ્રદાયોનો પ્રાદુર્ભાવ ભારતમાં થયો છે એ પણ બાધારૂપ છે. વેદ સિવાય બીજા કોઈ પણ વિચાર પર આધારિત ધર્મ કે સંપ્રદાય અને ઓમકાર સિવાયની અન્ય ઉપાસના કરનારાઓ રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ છે. બન્ને હિંદુ, પણ બાધાઓની યાદી અલગ.
હવે બીજો પ્રશ્ન હાથ ધરો. શું એ ખરેખર બાધારૂપ છે? જો એમ હોત તો આ દેશ સદીઓ સુધી ટકી કેવી રીતે રહ્યો? હિંદુ અને મુસલમાનો વચ્ચે સિવિલ વોર થઈ હોય, હજારો અને લાખોની સંખ્યામાં લોકો માર્યા ગયા હોય, જાતિનિકંદન કાઢવામાં આવ્યું હોય એવી એકેય ઘટના ભારતમાં ક્યારે ય બની છે? જગતમાં આવી અનેક ઘટનાઓ બની છે અને બની રહી છે. આ દેશમાં હિંદુઓ અને મુસલમાનો સદીઓથી સાથે રહે છે, પણ વિસરી ન શકાય એવી અથડામણની એક પણ ઘટના નહોતી બની. જ્યારે હિંદુઓ અને મુસલમાન રાજવીઓ એકબીજા પર રાજ કરતા હતા ત્યારે આવી કોઈ ઘટના નહોતી બની. આયોજનપૂર્વકની વ્યાપક હિંસાની ઘટના ત્યારે બની જ્યારે દેશમાં ત્રીજો પક્ષ રાજ કરતો હતો અને હિંદુ અને મુસ્લિમ નેતાઓ વિભાજનવાદી કોમવાદી રાજકારણ કરતા હતા. તો સવાલ એ છે કે ઇસ્લામ અને મુસલમાન ખરેખર રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ છે કે પછી બાધારૂપ ચિતરવામાં આવી રહ્યા છે કે જેથી હિંદુઓને ડરાવીને સત્તા ભોગવી શકાય?
અને હવે મહત્ત્વનો સવાલ. જે લોકો જેને રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ માને છે તેનાથી ક્યારે ય મુક્તિ મળવાની છે? માત્ર હિંદુઓનો બનેલો મુસ્લિમ કોમ વિનાનો ભારત, માત્ર સનાતન ધર્મમાં માનનારો સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો વિનાનો ભારત, માત્ર બ્રાહ્મણોના આધિપત્યવાળો અન્ય જ્ઞાતિઓની હસ્તી વિનાનો ભારત, માત્ર આર્યાવર્તનો બનેલો દ્રવિડભૂમિ વિનાનો ભારત, માત્ર સંસ્કૃત અને હિન્દી બોલનારો અન્ય ભાષાભાષીઓ વિનાનો ભારત શક્ય છે? તમને લાગે છે કે એ ક્યારે ય અસ્તિત્વમાં આવશે?
અને જો એ શક્ય જ ન હોય તો ડાહ્યા માણસો શું કરે?
ડાહ્યાજનો વાસ્તવિકતાનો સ્વીકાર કરે. બીજાને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની શીખ આપે. અથડામણ વિના સાથે જીવવાના રસ્તા શોધે, તેને માટે અનુકુળ ભૂમિકા રચે અને પ્રતિકૂળ પદાર્થોને દૂર કરવાનો પ્રયાસ કરે. કટુતાને ભૂલવાડવાનો પ્રયાસ કરે. વિનોબા ભાવે કહેતા એમ ભારતીય સંસ્કૃતિમાં જે જોડનારાં નૈર્સગિક તત્ત્વો છે તેનો મહિમા કરે. તેને ઘૂંટે. તેને વિવિધતા તરીકે ઓળખાવે. પણ આ બધા ડાહ્યાજનોનાં લક્ષણો છે.
તમે કોની વચ્ચે બેસવાનું પસંદ કરશો?
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 સપ્ટેમ્બર 2024