સાથીની ગતિવિધિઓ પર વધારે જ નજર રાખવી, એ બહાર હોય ત્યારે દસ–દસ મિનિટે ફોન કે મેસેજ કરવા, તેના મોબાઈલ, ઈમેલ કે ફેસબુક અકાઉન્ટ ચેક કરતા રહેવા, એને એકલા કે મિત્રો સાથે કોઈ પ્રોગ્રામ કરવા ન દેવા એ ઈર્ષા અને માલિકીભાવની નિશાની છે. કેટલાક તો લોકેશન ટ્રેકિંગ એપ વાપરતા હોય છે. પ્રેમમાં હોય એને પણ પ્રાયવસીની જરૂર અને અધિકાર બંને હોય છે. એમાં ઈર્ષાળુ કે આક્રમક થવાની જરૂર નહીં
ફિલ્મ ‘દિલ હી તો હૈ’નું ગીત ‘તુમ અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’ આપણને ગમી ગયું છે. સાહિર લુધિયાનવીએ લખેલું અને રોશને સ્વરબદ્ધ કરેલું આ ગીત રાજ કપૂર અને નૂતન પર ફિલ્માવાયું હતું. ફિલ્મ હળવી, રોમેન્ટિક અને સંગીતમય હતી – આ ગીતનો પણ એ જ મિજાજ છે. રાજ કપૂર કવિ છે. નૂતનને ચાહે છે, પણ કહી શક્યો નથી. નટખટ નૂતન આ જાણે છે અને માણે પણ છે. એક મહેફિલમાં નૂતન એની સાથે પરણવા માગતા પ્રાણની સાથે આવી છે અને એને જોઈ રાજ કપૂર આ ગીત રૂપે મીઠી ઈર્ષા વ્યક્ત કરે છે. એ ઈર્ષા, એ નટખટપણું વારંવાર માણવાં ગમે, યાદ રહી જાય એવાં છે. 1963નું આ ગીત યાદ કરવાનું કારણ રાજ કપૂરની પુણ્યતિથિ અને નૂતનનો જન્મદિન છે.
આ બંને દિગ્ગજોને સલામ કરી આપણે એક સવાલ તરફ જઈએ – સવાલ એ છે કે પ્રેમ અને ઈર્ષા વચ્ચે કોઈ સંબંધ ખરો? ઈર્ષા પ્રેમની નિશાની હોઈ શકે? ક્યારે ઈર્ષા તંદુરસ્ત ગણાય ને ક્યારે નુકસાનકારક? અંગ્રેજીમાં ‘જેલસી’ અને ‘એન્વી’ એવા બે શબ્દો છે અને ગુજરાતીમાં ‘અદેખાઈ’ અને ‘ઈર્ષા’. થોડો ફરક છતાં આ શબ્દો એકબીજાની આવેજીમાં છૂટથી વપરાય છે. દ્વેષ શબ્દ પણ છે. બાઇબલ કહે છે કે ઈશ્વરે જે આપ્યું છે તે જોવાની અક્ષમતા અને કૃતજ્ઞતાના અભાવમાંથી ઈર્ષા જન્મે છે. વ્યવહાર કહે છે કે ઈર્ષા તેની જ થાય છે જે પોતાનાથી ચડિયાતું હોય અથવા એની પાસે એવું કંઈક હોય જે પોતાને ન મળ્યું હોય.
આપણે કોઈની ઈર્ષા ન કરીએ તો ઉત્તમ. પણ કોઈ આપણી ઈર્ષા કરે તો? તો ગુસ્સે થવાનું નહીં. ધન્યતા અનુભવવાની. દયા ખાનારા વધે તે કરતા ઈર્ષા કરનારા વધે એ ઈચ્છવા જેવું; કેમ કે ઈર્ષા કરનારે દુનિયાના લાખો માણસોમાંથી આપણી જ પસંદગી કરી એ એણે આપણામાં કોઈ વિશેષતા જોઈ હશે ત્યારે જ ને? માણસ જેની ઈર્ષા કરે તેના પ્રત્યે એના મનમાં છૂપો આદર હોય છે. એ રીતે ઈર્ષા અને આદર એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈર્ષાને આદરનો નેગેટીવ ચહેરો કહી શકાય.
રોમેન્ટિક રિલેશનશિપમાં ઈર્ષાનું શું સ્થાન છે એની ચોક્કસ ખબર હોય કે નહીં, પણ બંને પાત્રો વચ્ચે ઈર્ષાનાં આછાંઘેરાં વહેણ વહેતાં જ હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે થોડી ઈર્ષા પ્રેમની મધુરતામાં વધારો કરે છે. કોઈ આપણને ખોવાનો ડર અનુભવે છે એ સંવેદન એક જાતનો આનંદ આપે છે. પ્રેમીઓ તો એવો દાવો પણ કરે કે ઈર્ષા એ જ કરે જે ચાહતા હોય. ઈર્ષામાં એક બિલોંગિંગનેસ, એક અધિકાર, એક મમ-ત્વ, એક ઝંખના જરૂર હોઈ શકે; પણ એનાથી દૂર રહેવું સારું કેમ કે ઈર્ષા એક આવેગ છે, એ વિચારશક્તિને ધૂંધળી કરે છે, એ વિધ્વંસક પણ બની શકે છે અને એને માલિકીભાવ કે અંકુશમાં રાખવાની વૃત્તિમાં પલટાઈ જતાં વાર લાગતી નથી. એટલે જ્યારે તમે તમારી પોતાની કે તમારા સાથીની ઈર્ષાથી પરેશાન હો ત્યારે સાચો રસ્તો તો એ છે કે બંનેએ મળીને તેને બેલેન્સ કરી લેવી. તે માટે ઈર્ષાનું અને પ્રેમનું મનોવિજ્ઞાન સમજી લેવું જોઈએ.
જેમ પ્રેમમાં ન પડ્યું હોય એવું ભાગ્યે જ કોઈ હોય તેમ જોઈ ઈર્ષાનો અનુભવ ન કર્યો હોય એવું પણ ભાગ્યે જ કોઈ હોય. આ બંને વૃત્તિઓ નોર્મલ છે, માનવસહજ છે. જે પોતાનું છે, તેને બીજા બધાથી બચાવી રાખવું છે. જે પોતાનું છે, તે પોતાની સાથે જ રહે, તેનું ધ્યાન પોતા તરફ જ રહે એ જોઈએ છે. પણ એવી સ્થિતિ કાયમ રહે એ શક્ય નથી. જો કે નાની નાની હળવી હળવી ઈર્ષા સંબંધને મજેદાર પણ બનાવે છે. એકબીજાની કિંમત કરાવે છે. ક્યારેક ભૂતકાળનો કોઈ અનુભવ કે આસપાસના લોકોની પ્રકૃતિને લીધે અવિશ્વાસ જન્મે છે. ક્યારેક પોતાના વ્યક્તિત્વમાં પૂરતું આકર્ષણ ન હોવાની શંકા પજવે છે. ક્યારેક અન્યનું વ્યક્તિત્વ કે બુદ્ધિમત્તા વધારે લોભવશે એવી આશંકા કનડે છે. ગમે તેમ, પ્રેમમાં થોડીક ઈર્ષાનું હોવું સહજ છે. પણ ઈર્ષા સંબંધ બગડવાનું કારણ બનવા લાગે ત્યારે ચેતી જવું. જો પોતાનાથી કાબૂમાં ન રહે તો કાઉન્સેલર પાસે જતાં પણ અચકાવું નહીં. એવી માનસિક કસરતો હોય છે જેનાથી તમે વધારે ખુલ્લા-ભલા બનો અને આત્મવિશ્વાસ અનુભવો.
ક્યારેક સ્પેસ ઇશ્યૂ પણ ઈર્ષાનું કારણ બનતા હોય છે. મોહિનીને તરંગનો 100 ટકા સમય જોઈતો હોય અને તરંગને થોડો સમય પોતાની જાત સાથે, શોખ સાથે, મિત્રો સાથે એટલે કે પોતાની સ્પેસમાં ગાળવો હોય એમ બને. કે પછી રાધાને સુનીલ દિવસમાં દસ વાર ફોન કરીને ક્યાં છે, શું કરે છે પૂછતો હોય – મોહનને એની ચિંતા હોય અથવા સિમ્પલી એની આસપાસ રહેવું ગમતું હોય પણ રાધાને એ જાસૂસી કરવા જેવું, જાપ્તો રાખવા જેવું લાગતું હોય. આવી બાબતો પર નિખાલસ વાતચીત કરી લેવાની અને સામી વ્યક્તિના ગમા-અણગમાનો આદર કરવાની આદત કેળવવી જોઈએ.
જો તમે સાથીની ગતિવિધિઓ પર વધારે જ નજર રાખતા હો, એ બહાર હોય ત્યારે દસ-દસ મિનિટે ફોન કે મેસેજ કરતા રહેતા હો, તેના મોબાઈલ, ઈમેલ કે ફેસબુક અકાઉન્ટ ચેક કરતા રહેતા હો, એને એકલા કે મિત્રો સાથે કોઈ પ્રોગ્રામ કરવા ન દેતા હો તો તમે ઈર્ષાનાં શિકાર બનતા જતા હોઈ શકો. કેટલાક લોકો તો લોકેશન ટ્રેકિંગ એપ પણ વાપરતા હોય છે. આ બધાથી સંબંધો કડવા, જટિલ બને છે. પ્રેમમાં હોય એને પણ પ્રાયવસીની જરૂર અને અધિકાર બંને છે. એમાં ઈર્ષાળુ કે આક્રમક થવાની જરૂર નહીં.
ઈર્ષા પૉઝિટિવ હોઈ શકે? હા. આપણામાં ઈર્ષાને ખરાબ અને નેગેટિવ માનવાનો સંસ્કાર ખૂબ દૃઢ થઈ ગયો હોય છે. પણ કેટલીક વાર ઈર્ષા એકદમ નોર્મલ અને રિઝનેબલ હોય છે એટલું જ નહીં, લાભદાયક પણ હોય શકે છે. આ વિષય પર પશ્ચિમમાં સંશોધન પણ થયું છે. જો એવું લાગે કે સાથી જે કરે છે તે મર્યાદાના ઉલ્લંઘન જેવું છે તો ઈર્ષા આવી શકે. એની સાથે વાત કર્યા પછી, એનો પ્રતિભાવ જોયા પછી સંબંધ ક્યાં ઊભો છે તેનો ખ્યાલ આવે અને નિર્ણય કરવાની નોબત આવે તો સ્પષ્ટતા હોય. ઈર્ષાથી ઘણીવાર જરૂરી માહિતી પણ મળી શકે જે અન્યથા ધ્યાન દેવા જેવી ન લાગી હોય. ઈર્ષાથી તમને તમારા વ્યક્તિત્વ, પસંદગી, મૂલ્યો, પ્રાથમિકતાઓ વિષે પણ સ્પષ્ટતા મળે છે જેના પર સંબંધોની તંદુરસ્તી અમુક રીતે નિર્ભર હોય. ઈર્ષાથી તમને આગળ વધવાની, કશુંક સિદ્ધ કરવાની ચાનક ચડે એમ પણ બને.
પણ આપણે ફરી એ ગીત યાદ કરીએ: ફૂલ કી તરહ હંસો, સબકી નિગાહોં મેં રહો, આપની માસૂમ જવાની કી પનાહોં મેં રહો, મુઝકો વો દિન ન દિખાના તુમ્હેં આપની હી કસમ, મૈં તડપતા રહૂં તુમ ગૈર કી બાહોં મેં રહો, તુમ જો મુઝસે ન નિબાહો તો કોઈ બાત નહીં, કિસી દુશ્મન સે નિબાહોગી તો મુશ્કિલ હોગી … આવી વહાલભરી ને નિખાલસ ઈર્ષાની પણ ઈર્ષા આવે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 જૂન 2024