Opinion Magazine
Number of visits: 9557411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરીશ રઘુવંશી : ફિલ્મ સંશોધક અને ગીત સંગ્રાહકની વિદાય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2024

હરીશ રઘુવંશી

હરીશ રઘુવંશીને યાદ ન આવે એટલાં વર્ષ પર પહેલી વાર મળેલો. ત્યારે કદાચ રમેશ ચૌહાણ દ્વારા સંપર્ક થયેલો એવો આછો ખ્યાલ છે. રમેશ અને હું એક જ દિવસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની કણપીઠ, સુરત મેઇન ઓફિસમાં 1971માં જોડાયેલા, ત્યારથી તે આજ સુધી અમે સંપર્કમાં છીએ, પણ હરીશભાઈ સાથેનો છેલ્લો સંપર્ક બકુલ ટેલરને ત્યાં એ બેજનવાલામાં રહેવા ગયો, ત્યારે કોઈ ફંક્શનમાં થયેલો. તે વખતે જ હરીશભાઈની તબિયત ઠીક ન હતી. બોલવાની પણ તકલીફ હતી. બસ એ પછી એકાદ વખત ફોન પર વાત થઈ હશે એટલું જ !

એવા દિવસો પણ હતા જ્યારે હરીશભાઈને વારંવાર મળવાનું થતું. એ હળદિયા શેરીનાં મારાં ઘરે આવતા, તો હું પણ એમને ઘરે જતો. વાતોનો વિષય મુકેશનાં ગીતો કે ફિલ્મો હોય. હું યુનિયન ધારા, અઠવાલાઇન્સમાં રહેવા આવ્યો ત્યારે વાસ્તુ રાખેલું. એ વખતે એ અને ફિલ્મ અભિનેતા ને દિગ્દર્શક કૃષ્ણકાંત (કે.કે.) પણ આવેલા ને પછી તો કે.કે.ને ત્યાં પણ મળ્યા હોઈશું. અમારી વચ્ચે વિષય ફિલ્મોનો જ હોય. હરીશ ત્યારે મુકેશનાં ગીતોની અને તેને લગતી માહિતી ભેગી કરતાં હતા. એમણે અમારો એ ભ્રમ દૂર કર્યો કે મુકેશે હજારો ગીતો ગાયાં છે. પછી તો મુકેશનાં ગીતોનો સંચય જ એમણે બહાર પાડ્યો ને પુરવાર કર્યું કે હિન્દી, ગુજરાતી ગીતોનો કુલ આંકડો હજાર ગીત પર પણ પહોંચતો નથી. ‘મુકેશ ગીત કોષ’ મારા જેવા મુકેશ રસિયા માટે તો આજે પણ ઉપકારક રહ્યો છે. એ કોષમાં મુકેશનાં ગીતોની યાદી અને એ ગીતો તો છે જ, પણ તેની સાલવારી પણ એમણે આપી છે. સહગાયક કે ગાયિકાની વિગતો ને ગીત ગવાયું હોય, પણ ફિલ્મમાં ન લેવાયું હોય કે એ ફિલ્મ રજૂ જ ન થઈ હોય એવી વિગતો પણ પૂરી ઝીણવટ સાથે, અધિકૃત રીતે, હરીશભાઈએ કોષમાં આપી છે. ફિલ્મી ગીતોની સ્ક્રિપ્ટ મોટે ભાગે ભાષાની ભૂલો વગર ભાગ્યે જ બહાર આવે છે, પણ હરીશભાઈએ ભાષાની ને વિગતોની સચ્ચાઈ સંશોધકની ચીવટ સાથે આપી છે. એ સાથે જ બીજું મહત્ત્વનું કામ હરીશભાઈએ ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’નું કર્યું છે. ગુજરાતી પહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ (ભક્ત નરસૈંયો) 1932માં આવી ત્યારથી શરૂ કરીને એમણે ગુજરાતી ફિલ્મોની વિગતો સાથે ગીત કોષ તૈયાર કર્યો છે.

આમ તો એમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ‘ઓડિયો વિઝન’ નાનપરા રોડ પર હતી. મારી બદલી પણ નાનપરા બ્રાન્ચમાં 1976 આસપાસ એ જ રોડ પર થઈ. અમારી વચ્ચે થોડી દુકાનોનું અંતર હતું એટલે મળવામાં અંતર ન રહ્યું. એમને ત્યાંથી જ મેં પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી. ક્રાઉનનું (લાકડાના દરવાજાવાળું) ખરીદ્યું. એ પછી એ પૂતળી નજીક સગરામપરાની દુકાનમાં આવ્યા, મારા ઘરની નજીક, એટલે અહીં પણ મળવાનું વધ્યું. અહીંથી એમની પાસેથી મેં ઓનિડા કલર ટી.વી. ખરીદ્યું ને તે વર્ષો સુધી ‘યુનિયન ધારા’નાં ઘરમાં ચાલ્યું. એમનો પોતાનો ફિલ્મને લગતો કોઈ ઇતિહાસ ન હતો, પણ એ સંશોધનમાં એટલા ઊંડા ઊતર્યા કે પોતે ઇતિહાસકાર તરીકે જાણીતા થયા. ફિલ્મને લગતી કોઈ પણ માહિતી હું એમને પૂછતો, તો એમની પાસેથી સાલવારી સાથે સચોટ માહિતી મળતી. મને એ પણ યાદ છે કે ‘જીવન ભારતી’ના રોટરી હોલમાં એક ફિલ્મ ક્વિઝ વર્ષો પહેલાં મેં કંડક્ટ કરેલી ને એ કંડક્ટ કરવામાં પણ હરીશ સાથે રહ્યા હતા.

વર્ષો પહેલાં હું ‘ગુજરાતમિત્ર’માં ફિલ્મોને લગતી કૉલમ ‘ફિલ્મલોક’ લખતો હતો. એ વખતે મુકેશ પર બે મિત્રો સક્રિય હતા. મને પોતાને મુકેશનાં ગીતો ખૂબ ગમતાં. એટલે હરીશભાઈ ઉપરાંત જગદીશ માસ્તર સાથે પણ પરિચય વધ્યો. જગદીશ પણ યુનિયન બેન્કનો જ સ્ટાફ. ટેક્સટાઇલ માર્કેટ બ્રાન્ચમાં મારી બે વખત બદલી થઈ. એમાં પહેલી વાર કેશિયર હતો ત્યારે જગદીશને મળવાનું થયેલું. જગદીશ ત્યારે મુકેશનાં ગીતો ગાતો. એણે પછી ‘ગાંધી સ્મૃતિ ભવન’માં મુકેશનાં ગીતો ગાવાનું શરૂ કર્યું. હું એને ‘બીજો મુકેશ’ જ કહેતો. મુકેશને કલ્પના પણ નહીં હોય કે એણે અમને ત્રણ જણને મૈત્રી વડે સાંકળ્યા હતા. મેં ‘ફિલ્મલોક’ કોલમમાં એક જ દિવસે હરીશ રઘુવંશી અને જગદીશ માસ્તર વિષે પરિચાયાત્મક લેખ લખ્યા. એની અસર એ પડી કે અમે વધુ નજીક આવ્યા. હરીશભાઈ મુકેશની સ્ક્રિપ્ટ સાથે પ્રગટ થયા ને જગદીશ મુકેશના 600 ગીતો સાથે અવાજમાં પ્રગટ થયો.

‘મુકેશ ગીત કોષ’ બહાર પડ્યો ત્યારે એનું વિમોચન હજૂરી નજીક સલાબતપરામાં કોઈ ઘરમાં રાખેલું. એ દિવસોમાં કોઈક કારણસર શહેરમાં કર્ફ્યૂ ચાલતો હતો ને મારે વિમોચનમાં જવાનું તો હતું જ ! કોઈ નામી ફિલ્મી હસ્તીને હાથે વિમોચન હતું. (અત્યારે એ નામ યાદ નથી આવતું) વાતાવરણ ત્યારે એવું હતું કે વિમોચન સ્થળે પહોંચી શકાય એમ લાગતું ન હતું, પણ પહોંચી ગયો અને એ કાર્યક્ર્મ સારી રીતે સંપન્ન થયો એનો આનંદ આજે પણ છે. મુકેશ રાજકપૂરનો અવાજ હતો, તો મુકેશ અવાજ અને સ્ક્રિપ્ટ સાથે જગદીશ અને હરીશ નામે મારી પાસે ઉપલબ્ધ હતા. એ રીતે હું રાજકપૂર કરતાં વધારે નસીબદાર હતો.

જો કે, આજે પાસે કોઈ નથી. નથી હરીશભાઈ રહ્યા કે નથી જગદીશ સાથે પણ કોઈ સંપર્ક રહ્યો એટલે હું મુકેશ વગરનો થઈ ગયો હોઉં એવું લાગે છે. હરીશભાઈ ઘણા વખતથી બીમાર હતા ને ઘણી શારીરિક તકલીફોમાંથી પસાર થયા પછી 74 વર્ષની ઉંમરે 27 ઓગસ્ટ, 2024ની રાત્રે 11 વાગે એમનો દેહ વિલય થયો છે. મુકેશની સાથેની એમની પ્રીતિ તો જુઓ કે દુનિયા છોડવા માટે હરીશભાઈએ તારીખ પણ એ જ પસંદ કરી જે રાત્રે મુકેશનું અવસાન થયું હતું.

સૂરત શહેર અને ગુજરાત રાજ્ય પણ કલાકારો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકોની કદર કરવાને મામલે ભાગ્યે જ ઉદાર છે. આસપાસ પતંગિયાંની જેમ ઊડ્યાં કરતાં કે સરકારની નજીક કુરનીશ બજાવતા થોડા પોંખાય પણ છે, પણ જે માથે વેચાણ કિંમતની ટેગ લગાવ્યા વગર ખૂણે બેસીને કોઈ ખેવના રાખ્યા વગર સાધના કરે છે તેમના સુધી આ શહેર અને રાજ્ય પહોંચવામાં કાયમ ઊણું ઊતર્યું છે.

નર્મદ યુનિવર્સિટી સાંઠ વર્ષથી આ શહેરમાં સક્રિય છે. એ ડિ.લિટ્.ની પદવી આપતી હતી. તે હવે વર્ષોથી બંધ છે. એની નજર હરીશભાઈ સુધી ને એમના જેવા અન્યો સુધી જઈ શકી હોત તો આનંદ થયો હોત. વર્ષોથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય છે. તેણે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સંગીતકારોનું, સંશોધકોનું સન્માન કર્યું પણ છે, પણ તે ય હવે ખુશામતખોરોથી આગળ જઈ શકતું નથી. સૂરત કળા, સાહિત્યને મામલે મરી પરવાર્યું છે ને તેનું બારમાસી શ્રાદ્ધ ચાલ્યા કરે છે. આ શહેર અને રાજ્ય, કળા અને સાત્ત્વિક કલાકારો, સંશોધકોને મામલે જીવતું હોત કે યુનિવર્સિટીઓ માત્ર ધંધાકીય ન થઈ હોત તો કોઈ હરીશભાઈ જેવા સુધી પહોંચ્યું પણ હોત ! આ શહેરમાં મોહનલાલ મેઘાણી જેવા ઇતિહાસકાર હજી સક્રિય છે, તેમણે આત્મકથા કરી છે. તેમને પોંખવાનું ઉત્તમ નિમિત્ત પણ હાથવગું છે. સાહેબ, એમ.ટી.બી. કોલેજ જેવામાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક રહ્યા. એ કોલેજ કે એ સોસાયટી કે કોઈ યુનિવર્સિટી એમના સુધી પહોંચે ને એમનું યોગ્ય તે સન્માન કરે કે ગુજરાત રાજ્ય સરકાર તેની મતલબી બહેરાશ છોડી એમને સાંભળે એ અપેક્ષિત છે. એનાથી હરીશભાઈ કે મેઘાણી સાહેબ ઊજળા દેખાશે તે કરતાં આ શહેર અને રાજ્યની ગંદકી થોડી દૂર થશે તે મોટું આશ્વાસન હશે.

ઠીક છે, એ તો થાય ત્યારે ખરું, આજે તો હરીશભાઈની ખોટ પડી છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.

એમને શ્રદ્ધાપૂર્વક વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2024
છબિ સૌજન્ય : ઉર્વીશ કોઠારી

Loading

શાળા-કોલેજોમાં ભણાવાતા ઇતિહાસમાં થતા વિલોપન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 August 2024

ચંદુ મહેરિયા

ઇતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે, પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઇતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણા દેશોમાં ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળેય શિક્ષણમાં ઇતિહાસ એક મહત્ત્વનો વિષય છે, પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઇતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઇતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જો કે કોઈને ય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઇતિહાસ ગમતો નથી. સાચો-ખોટો  ગૌરવાન્વિત ઇતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.

વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઇતિહાસમાંથી આ બાબતની હંમેશાં બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણા દેશોમાં અન્યાય, અત્યાચાર, યુદ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામ્રાજ્યનો આ ઇતિહાસ ભણાવાતો નથી. બ્રિટનનાં પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશાં પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે. પાકિસ્તાનના શાળેય અભ્યાસક્રમના ઇતિહાસનાં પુસ્તકોમાં પાકિસ્તાનના ઇતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. શાસકો પાકિસ્તાનનો ઇતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઇતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે, અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઇતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિદ્યાર્થીઓ જો આ પ્રકારનો ઇતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.

ભારતમાં પણ ૨૦૧૪થી એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસનાં પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એન.સી.ઈ.આર.ટી.એ વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઇતિહાસનાં પાઠ્યપુસ્તકમાંથી ઔદ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ્દ કરી હતી. છેલ્લી પચાસીના મહત્ત્વના જનાદોલનોમાં દલિત પેન્થર, ચિપકો આંદોલન, માહિતી અધિકાર આંદોલન અને નર્મદા બચાવ આંદોલનને પણ પાઠવટો મળ્યો હતો.

ઇતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો ? ઇતિહાસનો એક અર્થ હિંદીમાં સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઇતિહાસ લખવો. આ પ્રકારનું ઇતિહાસ લેખન મિથકોનું જાણે કે ઇતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઇતિહાસ જાણવા, સમજવા, લખાવવાના બદલે આપણો ઇતિહાસ શું હોવો જોઈએ તે દૃષ્ટિથી ઇતિહાસને જોઈએ છીએ.

સ્વતંત્રતા પછી ભારતમાં ઇતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઇતિહાસકારો પાસેથી શાળા શિક્ષણનાં પુસ્તકો લખાવવામાં આવ્યાં છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઇતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઇતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ્દ કરવામાં આવી છે.

રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઇતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઇતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુદ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુ:ખ ઇતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઇતિહાસ છે.

ઇતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યનાં છે. જેવાં દૃષ્ટિ અને દૃષ્ટિકોણ તેવો ઇતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઇતિહાસ છે તો માનવતા, કોમીસૌહાર્દ, લોક વચ્ચેનો આપસી ભાઈચારો ઇતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઇતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઇતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઇતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઇતિહાસ ક્યાં? તેવો સવાલ ઉઠવો જોઈએ.

ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઇતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં, પણ તેઓના દલિત અધિકારો માટે લડનારા ડો. આંબેડકર સાથેના મતભેદો અને વિવાદો કે તેમનું ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઇતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઇતિહાસનાં પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઇતિહાસ વિદ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.

ઇતિહાસનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઇતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્ય પુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઇતિહાસ જો નહીં ભણાવાય તો વિદ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચુનીલાલ મડિયા: ગુજરાતી સાહિત્યના ઇન્દ્રધનુનો આઠમો રંગ 

દીપક મહેતા|Opinion - Literature|28 August 2024

‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ એ ચુનીલાલ મડિયાની એક મહત્ત્વની નવલકથાનું નામ તો છે જ. પણ માત્ર એટલું જ નથી. મડિયાના વ્યક્તિત્વનો અને તેમના લેખનનો પરિચય ઓછામાં ઓછા શબ્દોમાં આપવો હોય તો કહી શકાય કે મડિયા એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇન્દ્રધનુનો આઠમો રંગ. મોટા ગજાના સર્જક તો હતા જ મડિયા, પણ ગુજરાતી સાહિત્યના, પત્રકારત્વના, અને જાહેર જીવનના સ્વનિયુક્ત અને સદાજાગ્રત રખેવાળ પણ હતા. અંગત સંબંધોમાં ખૂબ જ ઋજુ, માયાળુ, જાતે ઘસાઈને પણ બનતું કરી છૂટે. પણ સાહિત્યની વાત આવે ત્યારે ભલભલા ચમરબંધીની પણ શેહશરમ રાખે નહિ. ઉમાશંકર જોશી જેવાને પણ મુખોમુખ કડવું સત્ય કહી શકનારા મડિયા ઉપરાંત ભાગ્યે જ કોઈ હશે.

આપણા એક અગ્રણી વિવેચક મનસુખલાલ ઝવેરીએ વર્ષો પહેલાં પન્નાલાલ પટેલ અંગે યોગ્ય જ કહેલું : “પન્નાલાલ જ્યારે ગામડું છોડીને શહેરમાં ફરવા નીકળે છે ત્યારે અલબત્ત, ભૂલા પડી જાય છે. ગામડું એ પન્નાલાલની શક્તિ પણ છે અને સીમા પણ છે.” મડિયાની બાબતમાં આવું નહોતું. ૧૯૫૦થી ૧૯૬૨ સુધી મુંબઈમાં અમેરિકન સેન્ટરની ઓફિસમાં ‘પ્રેસ સેક્શન’માં કામ કર્યું. ઓફિસમાં બેઠા હોય ત્યારે મડિયા તમને જરા ય ગામડિયા લાગે નહિ, તો મોટા સાહેબ છે એવું પણ લાગવા ન દે. વખત જતાં પ્રેસ સેક્શનના વડા થયા. એ વખતે મોટી ગણાય એવી રકમો આપીને અનુવાદનાં ઘણાં કામ બહારથી કરાવવાં પડતાં. પણ એ અંગેના નિર્ણય હાથ નીચેના માણસો જ લે એવો આગ્રહ મડિયા રાખતા. એ બાબતમાં ક્યારે ય માથું મારતા નહિ. અલબત્ત, એમની ચકોર નજર કોણ શું કરે છે, કે નથી કરતું એના પર સતત રહેતી જ.

મડિયા છપ્પનવખારી લેખક હતા. એટલે ઘણીવાર વાર્તા કે ધારાવાહિક નવલકથાનું પ્રકરણ છેક છેલ્લી ઘડીએ લખવાનું બને. કેટલીકવાર તો પ્રિન્સેસ સ્ટ્રીટ પરની નવભારત સાહિત્ય મંદિરની એ વખતની નાનકડી દુકાનમાં એક ખૂણામાં બેસીને હેન્ડબેગ પર કોરા કાગળની થપ્પી રાખીને સડસડાટ લખતા હોય. મારા જેવો કોઈ ઓળખીતો એ વખતે દુકાનમાં જઈ ચડે તો કાળી જાડી ફ્રેમનાં ચશ્માંમાંથી આંખ સહેજ ઊંચી કરીને આછા સ્મિતથી નોંધ લે. લખાઈ જાય એટલે કાગળોની ગડી વાળી, કવરમાં મૂકીને આપે ધનજીભાઈ શાહને. આજના જેવી કુરિયર સર્વિસ એ વખતે નહિ. પણ કાલબાદેવીના વેપારી વિસ્તારમાં આંગડિયા ખરા. નવભારતનો  માણસ તરત એ કવર આંગડિયાને આપવા દોડે. પછી ચા પીતાં પીતાં મડિયા અલકમલકની વાતોનો ખજાનો આપોઆપ ખોલે. હાસ્ય તો ખરું, પણ જનોઈવઢ કટાક્ષ પણ હોય જ. મડિયા જન્મે જૈન, પણ લખવા-બોલવામાં અહિંસક જરાવય નહિ. સાહિત્યના ખૂણાખાંચરામાં પણ શું ચાલે છે તેનાથી પૂરા વાકેફ હોય જ. અને એ અંગે કશુંક આગવું કહેવાનું હોય જ. બોલતી-લખતી વખતે પૂરેપૂરા અકુતોભય. કોઈથી ન દબાય, ન દોરવાય. તો બીજી બાજુ જેની સાથે આંખનીયે ઓળખાણ ન હોય તેવા કોઈ નવા લેખકમાં કૌવત લાગે તો અચૂક વખાણ કરે. પણ સાથોસાથ ભયસ્થાનો તરફ આંગળી પણ ચીંધે જ. આપણા વિવેચકોમાંના ઘણાએ ‘કાણાને કાણો નવ કહીએ’ એ શિખામણને અપનાવીને વિવેચનને વાટકી-વ્યવહારનું સાધન બનાવી દીધું છે. આવા વિવેચનને મડિયા ‘થાબડભાણીક વિવેચન’ કહેતા, અને તેનાથી અકળાઈને ખિલ્લી ઉડાવતા.

મડિયાનાં અણિયાળાં બાણ સૌથી વધુ જો કોઈએ ઝીલ્યાં હોય તો તે આપણા અગ્રણી સર્જક ગુલાબદાસ બ્રોકરે. પણ મડિયાનાં બાણમાં અંગત દંશ કે દ્વેષ મોટે ભાગે ન હોય. રઘુવીર ચૌધરીએ એક પ્રસંગ નોંધ્યો છે. “સવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં પી.ઈ.એન.ની બેઠક ચાલે. એમાં ગુલાબદાસ એમનો લેખ વાંચે. કાગળની એક બાજુ સાઈકલોસ્ટાઈલ કરેલો એ લેખ શ્રોતાઓને વહેંચવામાં આવેલો. હું એમાં પણ ધ્યાન આપું. થોડીવારમાં મડિયા આવ્યા. પાંચેક મિનિટ પછી મને કાગળની પાછલી કોરી બાજુ ચીંધીને કહે : ‘સી હીઝ બ્રાઈટ સાઇડ!’

વ્યક્તિ અને લેખક તરીકે બ્રોકર અને મડિયા સામસામા છેડાના. મડિયા કરતાં ગુલાબદાસ ઉંમરમાં ૧૩ વરસ મોટા. તેમનું પહેલું પુસ્તક ‘લતા અને બીજી વાતો’ ૧૯૩૮માં પ્રગટ થયું. મડિયાનાં પહેલાં ત્રણ પુસ્તકો ૧૯૪૫માં પ્રગટ થયાં ત્યાં સુધીમાં બ્રોકર સાહિત્યની દુનિયામાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. ‘ઘૂઘવતાં પૂર’ વાર્તા સંગ્રહની નકલ બ્રોકરને ભેટ આપવા મડિયા જાતે તેમની પાસે ગયા હતા. બંને આનંદથી એક બીજાને ભેટ્યા હતા. એ સંગ્રહમાંની ‘કમાઉ દીકરો’ વાર્તા તો બ્રોકરને ખૂબ ગમી ગઈ હતી. પણ પછી કોઈક કારણસર એ બંને સાહિત્ય પૂરતા એકબીજાથી દૂર જતા ગયા. પણ અંગત દ્વેષ કે વૈમનસ્ય તો ક્યારે ય નહિ. ૧૯૬૩ના અરસાનો એક પ્રસંગ ગુલાબદાસભાઈએ ‘સ્મરણોના દેશમાં’ પુસ્તકમાં નોંધ્યો છે. ઉમાશંકર જોશીનાં પત્ની જ્યોત્સ્નાબહેનની છેલ્લી માંદગીના દિવસો. વિલે પાર્લેની એક હોસ્પિટલમાં હતાં. ગુલાબદાસ અને ઉમાશંકરના બીજા કેટલાક મિત્રો રાત્રે હોસ્પિટલમાં રોકાયા હતા. ઠંડીના દિવસો. ગુલાબદાસ ટૂંટિયું વાળીને એક બાંકડા પર સૂતા હતા. આંખો બંધ, પણ ઊંઘ આવતી નહોતી. ત્યાં એકાએક શરીરને ઉષ્માનું આવરણ વિંટળાઈ વળ્યું. આંખ ઉઘાડીને જોયું તો પોતાની શાલ બ્રોકરને ઓઢાડીને મડિયા જઈ રહ્યા હતા.

બ્રોકર : ‘અરે! મડિયા તમે?’

‘તમે અસ્વસ્થ ઘણા લાગતા હતા.’

‘પણ તમને ઠંડી નહિ લાગે?’

‘મારું શરીર બધું ખમી શકે તેમ છે.’

ચુનીલાલ મડિયા

આ પ્રસંગ નોંધ્યા પછી બ્રોકર લખે છે : “દરેક જમાને સાહિત્યના માણસોમાં અમુક એકબીજાને અપ્રિય બની ગયા લાગતાં હોય તેવાં જોડકાં કોણ જાણે કેમ જોડાઈ જતાં હોય તેવું બની આવે છે. નર્મદ ને દલપતનું એવું એક જોડકું હતું. નરસિંહરાવ અને બળવંતરાયનું એવું એક જોડકું કહેવાતું. લોકજીભે, મડિયાનું અને મારું પણ એવું જોડકું બની ગયેલું સંભળાતું. અમારા અનેક મતભેદો છતાં અંતરનો એક જાતનો સંબંધ પણ હતો એ ન જાણનારા મારી પાસે આવી એ સંબંધી જ્યારે જ્યારે કંઈ ને કંઈ વાત કરવા મથતા ત્યારે હું હંમેશાં કહેતો : “એ બધું જે હોય તે, પણ એક દિવસ જ્યારે હું આ પૃથ્વી પરથી ચાલ્યો જઈશ ત્યારે જે ચાર માણસોની આંખ જરી ભીની થશે એમ હું માનું છુ તેમાં એક મડિયા તો હોવાના જ.”

૨૦૨૨ના મે મહિનામાં આપેલી એક વીડિયો મુલાકાતમાં મડિયાનાં પત્ની દક્ષાબહેને એક પ્રસંગ યાદ કરેલો. કોઈ સેમિનારમાં મડિયા અને બ્રોકર, બંને વક્તા તરીકે સાથે હતા. ખૂબ નબળી પાચનશક્તિને કારણે બ્રોકર ક્યારે ય બહારનું ખાતા નહિ. મડિયા આ વાત જાણે. એટલે દક્ષાબહેન પાસે ઘરે રસોઈ કરાવીને બ્રોકર માટે સાથે લઈ ગયા. ઘણી વાર આપણે માણસને સમજવામાં ભૂલ કરીએ છીએ અથવા બીજા બધાને પણ આપણી પ્રતિકૃતિ જેવા જ રાગદ્વેષી માની લઈએ છીએ. મડિયા અને બ્રોકર વચ્ચે મતભેદ હતા, મનભેદ નહિ.

અમેરિકન સેન્ટરમાં યશવંત દોશી મડિયાના હાથ નીચે કામ કરે. પણ અંગત સંબંધ મિત્રો જેવો. વખત જતાં બંનેએ સ્વેચ્છાએ નોકરી છોડી. ૧૯૬૨માં મડિયાએ, ૧૯૬૩ના સપ્ટેમ્બરથી યશવંતભાઈએ. ૧૯૬૩માં મડિયાએ ‘રુચિ’ માસિક શરૂ કર્યું, એકલે હાથે. યશવંતભાઈએ ‘ગ્રંથ’ માસિક શરૂ કર્યું હતું. પણ ફરક એ કે ‘ગ્રંથ’ને વાડીલાલ ડગલીની અને પરિચય ટ્રસ્ટની ઓથ હતી. મડિયાને કોઈ સંસ્થા કે વ્યક્તિની ઓથ નહોતી. ‘રુચિ’નું સંપાદન-પ્રકાશન એ પૂરીપૂરી રીતે ‘ગૃહઉદ્યોગ.’ અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તે વીડિયો મુલાકાતમાં દક્ષાબહેને કહ્યું છે કે ‘રુચિ’માં મારું સૌથી મોટું પ્રદાન એ કે દર મહિને બધાં રેપર્સ પર સરનામાં હું લખતી. યશવંતભાઈ ઠરેલ, ઠાવકા, મિતભાષી. પણ મડિયા પરિચય ટ્રસ્ટની ઓફિસમાં મળવા આવે ત્યારે ધ્વનિપ્રદૂષણ ઘણું વધી જાય. બંને અલકમલકની વાતો માંડે. મડિયા તરફથી વ્યંગ, કટાક્ષ, ટીકા, ક્યારેક કૂથલીનો પણ વરસાદ થાય. યશવંતભાઈ એમાં જોડાય નહિ પણ ખુલ્લા દિલે માણે ખરા. સ્વભાવની દૃષ્ટિએ બે અસમાન વ્યક્તિઓ વચ્ચેની મૈત્રીનું આ એક ઉદાહરણ હતું.

બીજી ઘણી બાબતોની જેમ પોતાની સાહિત્ય કૃતિઓની ગુણવત્તા અંગેના પ્રમાણપત્રની બાબતમાં પણ મડિયા આત્મનિર્ભર હતા. આથી જ એમણે કહેલું : “મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરી આત્મશ્રદ્ધા ધરાવું છું.” પણ આ મિથ્યાભિમાન નહોતું. મડિયાનું આયુષ્ય ૪૬ વરસનું. તેમની હયાતી દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોની કુલ સંખ્યા ૪૧. એક સાથે ત્રણ પુસ્તકો દ્વારા ૧૯૪૫માં આંખ આંજી દે એવી રીતે પ્રવેશ. તેમાં ‘ઘૂઘવતાં પૂર’ અને ‘ગામડું બોલે છે’ એ બે ‘ટૂંકી વારતા’નાં પુસ્તક. ‘પાવક જ્વાળા’ નવલકથા. વિદાયના વરસે, ૧૯૬૮માં, એક સાથે ચાર પુસ્તક : ‘ક્ષત-વિક્ષત’ ટૂંકી વારતાનો સંગ્રહ, બે નવલકથા : ‘સધરાના સાળાનો સાળો’ અને ‘આલા ધાધલનું ઝીંઝાવદર’, અને એક વિવેચન સંગ્રહ, ‘કથાલોક’. ૨૩ વરસમાં ૪૧ પુસ્તકો આપનારને ‘પ્રોલિફિક રાઈટર’ ન કહીએ તો શું કહી શકાય? વારતા, નવલકથા, નાટક-એકાંકી, નિબંધ, વિવેચન, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, નિબંધ, કવિતા – એક આત્મકથાને બાદ કરતાં સાહિત્યના લગભગ બધા પ્રકારો સાથે તેમણે ઘરોબો બાંધ્યો છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે મડિયા સબ બંદર કે વેપારી હતા.

આપણું વિવેચન વ્યવસ્થાપ્રિય છે. એટલે લેખકોને જૂદાં જૂદાં ખાનાંમાં ગોઠવી દેવાની ટેવ ધરાવે છે. મેઘાણી અને પન્નાલાલની સાથે મડિયા પણ ગ્રામજીવનના ખાનામાં. પછી તેમનાં બીજાં લખાણો વિષે ઝાઝી વાત કરવાની જરૂર નહિ! આ ત્રણે લેખકોનું ગ્રામજીવનનું આલેખન ક્યાં, કઈ રીતે, કેટલું, શા માટે, જૂદું પડે છે એ વિચારવાની પણ જરૂર નહિ. ૧૯૪૫માં મડિયા પહેલાં ત્રણ પુસ્તકો લઈને આવ્યા ત્યારે ઝવેરચંદ મેઘાણીનો સૂર્ય તો અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. પણ તે પહેલાં કાઠિયાવાડના લોકો અને તેમની સંસ્કૃતિને મેઘાણીએ બહુ બળૂકી રીતે વાચકો સામે ખડી કરી દીધી હતી. એટલે મડિયા માટે કાઠિયાવાડના જનજીવનને કેન્દ્રમાં રાખીને લખવું સહેલું નહોતું. પણ સહેલાં કામ કરવાની તો મડિયાને ટેવ જ ક્યાં હતી?

તો બીજી બાજુ ૧૯૪૦માં ‘વળામણાં’ અને ૧૯૪૧માં ‘મળેલા જીવ’ જેવી ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની સશક્ત નવલકથાઓ આપીને પન્નાલાલ પટેલે એક બળૂકા લેખક તરીકે પોતાને સ્થાપી દીધા હતા. અને છતાં મડિયાએ ઘૂઘવતાં પૂરની જેમ આપણા સાહિત્યમાં પ્રવેશ કર્યો. પણ પન્નાલાલની જેમ મડિયા મુંબઈ જેવા મહાનગરમાં ભૂલા પડ્યા નહિ. ૧૯૬૦માં પ્રગટ થયેલી નવલકથા ‘પ્રીતવછોયાં’ વાંચતાં જ ખ્યાલ આવે છે કે મડિયાની નવલકથા પડખું ફેરવી રહી છે. પણ લેખક મડિયા મુંબઈ જેવા મહાનગરના વતની બની ચૂક્યા છે એ વાતની ખાતરી થાય છે તે તો ૧૯૬૭માં પુસ્તક રૂપે પ્રગટ થયેલી નવલકથા ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી. મુંબઈના જનજીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ તે પહેલાં ૧૯૬૫ના જાન્યુઆરીથી ૧૯૬૬ના ફેબ્રુઆરી સુધી અમદાવાદથી પ્રગટ થતા અખબાર ‘સંદેશ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ઇન્દ્રધનુનો આઠમો રંગ’નાં બધાં પાત્રો પૂરેપૂરાં મુંબઈગરાં છે. મુંબઈ બહાર તેમને નથી કોઈ ‘ગામ’ કે નથી કોઈ ‘દેશ’.

નરેનના પિતાના અવસાન નિમિત્તે એકઠા થયેલા લોકોમાં, એના પિતા પ્રાણજીવનદાસની નપુંસકતા વિષે ચર્ચા ચાલે છે. એ જાણીને નરેન, પોતાના અસલી પિતાની શોધ કરવાનો નિર્ધાર કરે છે. પિતા વિશેની શંકામાં અને શોધમાં સંક્ષુબ્ધ બનેલો નરેન, પોતાની પ્રિયતમા કુંદાની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો પણ ઇનકાર કરી બેસે છે. નરેનથી તરછોડાયેલી કુંદા, સહાધ્યાયી ડિકીના હાથમાં સપડાય છે. ડિકીના પિતા અને રીજન્ટ મિલના મેનેજિંગ એજન્ટ કરમશીકાકા, કુંદાને બળજબરીથી ભોગવી બાળકની માતા બનાવે છે. પછીથી મુંબઈ આવેલી કુંદા, અનિચ્છાએ પણ, નાની બહેન નારંગીની જેમ વેશ્યા બને છે.

આરંભમાં કરમશીકાકાને ત્યાં નોકરી કરતો નરેન, પછી નોકરી અર્થે પોતાના મામાને ત્યાં કોચીન આવે છે. તો ત્યાર બાદ ગોદાવરીમામી સાથે દેહસંબંધ બાંધીને ભાગેલો નરેન મુંબઈ આવે છે. અહીં તે વિવશપણે વેશ્યાવ્યવસાયમાં ફસાયેલી કુંદાને મુક્ત કરે છે ને તેની સાથે કોર્ટમાં લગ્ન પણ કરી લે છે. પોતાની માતા યશોદા પર કામુક અને પાગલ બનેલો સાવકો ભાઈ વિજભૂષણ તૂટી પડે છે ત્યારે નરેન, તેની હત્યા કરે છે. ભાઈની હત્યા અંગે વસવસો પ્રગટ કરતા નરેનને, રહસ્ય પરથી પડદો ઉપાડતાં માતા કહે છે કે તેણે ભાઈની નહિ, પણ પિતાની હત્યા કરી છે! આ જાણીને ઉદ્વિગ્ન બનેલો નરેન કુંદાની સાથે લગ્નજીવન ભોગવી શકતો નથી, એટલે કુંદા ફરીથી ડિકીનો આશ્રય લે છે.

આમ, પિતાની શોધ પહેલાંની અને પછીની નરેનની મનોદશા અને એનું ભગ્ન લગ્નજીવન, — આ બે આંતર-બાહ્ય ઘટનાઓ આ નવલકથાની પાયાની ઘટનાઓ હોવાનું જણાય છે. પોતાની જાતને ‘શાપિત’ માનતા નરેનના મનોભાવોનું લેખકે કરેલું નિરૂપણ ખાસ ધ્યાન ખેંચે તેમ છે. તો સાથોસાથ બોનસને મામલે મિલમાં પડેલી હડતાલ, ચંદ્રન અને ઘોષાલ જેવા કામદાર નેતાઓએ લીધેલું નેતૃત્ત્વ, નરેનની બહેન ડો. લતિકાનાં ચંદ્રન સાથેનાં લગ્ન, ચંદ્રનના મૃત્યુ પછી લતિકાનાં ચિત્રકાર હરનાથ સાથે થતાં લગ્ન, હરનાથના ખૂન પછી ફરીથી લતિકાનું વિધવા થવું, જેવી ઘણી બધી ગૌણ ઘટનાઓ કથાના પ્રવાહને વેગીલો અને બહોળો બનાવે છે. આ બધાંને કારણે આ કૃતિ મહાનગર જેવો પથરાટ અને આધુનિક સમાજ જેવી સંકુલતાવાળી કૃતિ બની રહે છે.

એક-એક ઘોડાવાળા સાત રથ દોડતા હોય તો એકાદ રથને સૌથી આગળ નીકળી જવાની તક રહે. કોઈ રથ રસ્તામાં જ ભાંગી પણ પડે. પણ સાતે ઘોડા એક જ રથ સાથે જોડ્યા હોય ત્યારે તો બધાએ સાથે જ દોડવું પડે. કોઈ આગળ નહિ, કોઈ પાછળ નહિ. ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’નાં પાત્રો એક રથે જોડેલા ઘોડા જેવાં છે. ઉમાશંકરે ‘વ્યાજનો વારસ’ને નાયક વિનાની નવલકથા કહી છે, પણ એ વાત મડિયાની ઘણી કૃતિઓને લાગુ પડે તેમ છે. ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી કૃતિમાં તો આ નાયકહીનતા સહેતુક જણાય છે. જો કે તેમની બધી કૃતિઓ માટે આમ કહી શકાય તેમ નથી.

અઘોરી જાનકીદાસ, ડિકી, કરમસીકાકા, વીજભૂષણ, પ્રાણજીવનદાસ, યશોદા, કુંદા, ગોદાવરી, નારંગી, રિકામ્મા – આ નવલકથાનાં આવાં પાત્રોને જોઈએ ત્યારે પહેલી નજરે તો જાણે જાતીય સંબંધો પરત્વે abnormal માનસ ધરાવતાં સ્ત્રીપુરુષનો મેળાવડો મળ્યો હોય એવું કદાચ લાગે. લગ્નપૂર્વ અને લગ્નબાહ્ય તો ખરી જ, પણ એ ઉપરાંત પણ જાતીય સંબંધની અનેક અરૂઢ ઝંખના આ પાત્રોમાં જોવા મળે છે. તે ઉપરાંત અહીં અફીણ-ગાંજામાં મસ્ત રહેનારાઓ છે, ટ્રાન્ક્વિલાઈઝારના વ્યસનીઓ છે, હીરારસના પ્રયોગથી બીજાને બરબાદ કરનારા અને પોતે પણ બરબાદ થનારાઓ છે, વિકૃત જાતીય અંગો ધરાવતી રસ્તે રખડતી નગ્ન ભિખારણ છે, દારૂનો ધંધો કરનારી ટોળકી છે, પી.એ. કે સ્ટેનોનું મહોરું પહેરી વેશ્યાવ્યવસાય કરનારી સ્ત્રીઓ છે. મુંબઈનું આખુંયે underworld અહીં આપણી આંખ સામે તેના યથાતથ રૂપે આવે છે. અને મોટરના એકઝોસ્ટના કડવા ધુમાડા જેવી આ બધાની વાસ વાચકના મનમાં વ્યાપી જાય છે.

પણ વાર્તાનો નાયક, કહો કે પ્રતિનાયક નરેન, કુંદાનું સ્મરણ કરતો બસમાં જતો હોય છે ત્યારે એને માત્ર એકઝોસ્ટના ધુમાડાની કડવી વાસ જ નથી આવતી, પણ એ વાસને વીંધીને આછી, છતાં ય ઓછી નહિ, એવી ‘ઓ દ કોલોન’ની સુવાસ પણ આવે છે. આ નવલકથામાં પણ આવી આછી આછી સુવાસ સતત ફેલાયેલી રહી છે. જગત અને જીવનની વિષમતાઓ તો છે જ, પણ ચંદ્રન જેવા મરજીવા અને લતિકા જેવી વીરાંગનાઓ પણ છે, હરનાથ જેવા કલાકારો પણ છે, જે આ જીવનના ચિત્રમાં કોઈ અદકો રંગ પૂરવાની હોંશ ધરાવે છે. અને કથામાં સતત નરેશનું મનોમંથન પણ છે જ. છેવટે ભલે કુંદા પણ તેને છોડીને ડિકી સાથે ભાગી જાય છે, છતાં નરેન ભાંગી પડતો નથી. હરનાથ પણ મૃત્યુ પામે છે, પણ કથા ત્યાં અટકતી નથી. ભલે પોતાના નહિ, તો ય છેવટે કુંદાના સંતાનને નરેશ જુએ છે, અને ત્યારે આકાશમાં ઇન્દ્રધનુ ખીલી ઊઠે છે. નરી આંખે ભલે એમાં સાત રંગ દેખાતા હોય, પણ આઠમો રંગ પણ એમાં ભળ્યો છે. અને આમ, મૃત્યુથી શરૂ થયેલી કથા જીવન, બલકે નવજીવન, આગળ આવીને અટકે છે. અને છતાં કૃતિ ક્યાં ય ‘મંગલ છાપ’ બનતી નથી.

અહીં પ્રસંગો પાર વિનાના છે, પણ પ્રસંગ ખાતર પ્રસંગ ભાગ્યે જ જોવા મળે. પહેલી નજરે વાંચતાં કોઈક પ્રસંગ આગંતુક લાગે, પણ થોડે આગળ જઈએ ત્યાં એ પ્રસંક સમગ્ર ઘટના-પ્રવાહમાં બરાબર ગોઠવાઈ જતો લાગે. આ નવલકથાની નિરૂપણ રીતિ યરવડા ચક્ર જેવી નહિ, પણ અંબર ચરખા જેવી છે. અહીં એક સાથે ઘણી ત્રાકો ફરે છે, ઘણી પૂણીઓ કંતાય છે, ઘણા તાર નીકળતા જાય છે. પણ આ બધાને ચલાવનાર મુખ્ય ચક્ર તો એક જ છે, નરેન. આથી આટલી બધી ઘટનાઓ હોવા છતાં કૃતિ વેરવિખેર થઈ જતી નથી. આખી નવલકથા વાંચતાં એની લખાવટમાં એક આગવી બળુકાઈ વર્તાઈ આવે છે. આપણી ઘણી નવલકથાનાં શહેરી પાત્રોની બોલી જાણે ડેટોલથી ધોયેલી હોય તેવી, વધારે પડતી સ્વચ્છ, પણ માંદલી લાગે. આ નવલકથાનાં બધા જ પાત્રો શહેરી છે, તેમાંનાં કેટલાક સુશિક્ષિત છે, છતાં તેમની બોલીમાં પેલી માંદલી સ્વચ્છતા નથી, પણ તંદુરસ્ત માણસની બળુકાઈ છે. આથી આખી કૃતિને વિશિષ્ટ બળ મળી રહે છે.

કોઈ પણ વાચક આ નવલકથા વાંચીને જરૂર કહી શકે કે તેનો લેખક સુખાસનમાં બેસનારો નહિ, પણ ફરંદો આદમી છે. મુંબઈના જુદા જુદા રસ્તાઓ પર જુદે જુદે વખતે – ખાસ કરીને મોડી રાતે – લેખક ખૂબ ફર્યા છે. પરિણામે મુંબઈનાં અનેક કડવાં, મીઠાં, તૂરાં ચિત્રો અહીં આવતાં રહે છે. તેમાંનાં ઘણાંખરાં માણવાં ગમે તેવાં છે. જેમ કે એક વખત દિવસ-રાત ધબકતી સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસની આસપાસના વિસ્તારનું રાતના બાર – સાડા બાર પછીના સમયનું વર્ણન. પણ ક્યારેક આવા વર્ણનોની માત્રા સહેજ વધુ પડતી થતી કોઈને લાગે. તો ક્યારેક લેખક વધુ પડતા બોલકા બની જતા લાગે છે. ઝટ દેતાંક ને મગનું નામ મરી પાડી દેતા હોય એવું લાગે. જેમ કે રસ્તા પર વેચાતા શીશકબાબ અને અંધારા ખૂણામાંથી નીકળી આવતી વેશ્યા, એ બેનું સહચિત્રણ જે સૂચવવાનું છે એ માટે પૂરતું છે. છતાં કદાચ વાચક એ ન સમજી શકે એવી બીકે લેખક કહે છે : “અહીં પણ આદિમ કક્ષાએ જીવન જીવાતું હતું. પેલા સળિયા પર શેકાતા શીશકબાબ જેવું જ.” તો ક્યારેક મડિયા જેવા જાણતલ લેખક પાસેથી આશા ન રાખી હોય તેવી ચૂક પણ જોવા મળે છે. કુંદા વેશ્યાગૃહમાંથી છૂટે છે અને તરત જ રજિસ્ટ્રારની ઓફિસે જઈ નરેન સાથે પરણી જાય છે. સિવિલ મેરેજ એ ગાંધર્વ લગ્ન નથી, એ કરતાં પહેલાં એક મહિનાની નોટિસ આપવી પડે છે, એ હકીકત મડિયા જેવા મડિયા ચૂકી જાય ત્યારે કાબે લૂંટેલો અર્જુન યાદ આવી જાય. અને ચિત્રકાર ઘરનું બારણું ઉઘાડવા આવે ત્યારે પેલેટ સાથે લઈને આવે એ તો સમજાય, પણ આખેઆખી ઈઝલ લઈને કેવી રીતે અને શા માટે આવે? છતાં અહીં બે-ત્રણ વાર એવો ઉલ્લેખ થયો છે. અને છતાં, મડિયાની નવલકથાઓમાં જ નહિ, શહેરી પશ્ચાદ્ભૂમિ ધરાવતી આપણી પ્રમાણમાં ઓછી નવલકથાઓમાં એક આગવી કૃતિ બની રહે એવી તો આ નવલકથા છે જ. ‘લીલુડી ધરતી’માં મડિયાની ગ્રામજીવનના ચિત્રણની કુશળતા સોળે કળાએ ખીલતી જણાય છે. તો અહીં નગર-ચિત્રણની સૂઝ અને શક્તિ જોવા મળે છે.

‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી મનમાં એક સવાલ ઊઠે છે : મડિયાને જો થોડાં વધારે વરસ મળ્યાં હોત તો? તો કદાચ નગર જીવનનું બળુકું નિરૂપણ કરતી ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી વધુ નવલકથાઓ તેમની પાસેથી મળી હોત? ગામડું અને શહેર, બંનેની તલવાર એક જ મ્યાનમા રાખી શકવાની કુશળતા તો તેમનામાં હતી જ. સર્જક મડિયા ગામડાથી બહુ દૂર તો ગયા ન હોત, કારણ એ તો એમને ગળથૂથીમાં મળ્યું હતું. પણ કર્મભૂમિ મુંબઈનાં વધુ પ્રતિબિંબ તેમની કૃતિઓમાં ઝીલાયેલાં જોવા મળતાં હોત, કદાચ. પણ શું જીવનમાં કે શું સાહિત્યમાં જો-તોને અવકાશ જ ક્યાં હોય છે? ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ના છેલ્લા વાક્યમાં નજીવો ફેરફાર કરીને આપણે કહી શકીએ : “લેખકે જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી.”

‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ નવલકથા એટલે મડિયાની નવલકથાનો પણ એક અદકો રંગ, આઠમો રંગ.  

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “પરબ” માસિકના ઓગસ્ટ ૨૦૨૪

Loading

...102030...542543544545...550560570...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved