ગાંધી જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર માથું નમાવી આવ્યા એનો ફોટો વર્તમાનપત્રોમાં પ્રગટ થયો છે. એમાં રાજઘાટ પર ફૂલો પથરાયેલાં દેખાયાં ને મને હસમુખ પાઠકનું આ કાવ્ય યાદ આવ્યું :
રાજઘાટ પર –
આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી –
રાજઘાટ પર મળ્યું એટલું સૂવાનું ગાંધીને ક્યારે ય મળ્યું ન હતું. આટલાં ફૂલો ય મળ્યાં ન હતાં. એ નિરાંતનો જીવ જ ન હતા ને આપણે ગાંધીને ફૂલો નીચે શોધીએ છીએ. જો કે, હવે ગાંધીને બહુ શોધતા ય નથી. આપણે એટલા મતલબીય નથી કે એમ ભૂલી જઈએ. કમ સે કમ ગાંધી જયંતીએ તો યાદ કરીએ જ છીએ. એ ખરું કે જયંતી આવે છે કે ઢગલો ઝાડુ રસ્તે આવી પડે છે. સ્વચ્છતા અભિયાનને દાયકો થયો. એમાં શું સ્વચ્છ થયું તે તો નથી ખબર, પણ વર્ષથી મેલાં થઈ ગયેલાં ગાંધીજીનાં પૂતળાં તો સ્વચ્છ થઈ જ ગયાં છે. સુરતમાં તો પહેલાં ગાંધીજી ‘ગાંધીબાગ’માં હતા, તે હવે બાગની બહાર આવી ગયા છે. ગાંધી આગળ, બાગ પાછળ. ગાંધીજી એટલે સ્વચ્છતા ! ઠેર ઠેર સાફ થયેલા રસ્તાઓ પર ઝાડુઓ ફરવા લાગે છે ને બીજી ઓકટોબર એકદમ ‘સાફ’ થઈ જાય છે. સાહેબોનાં કપડાં મેલાં ન થાય એટલે અગાઉથી રસ્તા સાફ કરી દેવામાં આવે છે ને પછી સાહેબો હાથ સફાઈ કરે છે.
રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ પાસે નેતાઓએ પહેલાં જોઈ લીધું કે કચરો ક્યાં નથી? એ પછી જ સફાઈ અભિયાન શરૂ કર્યું. બધાંના ફોટા બહુ મસ્ત આવ્યા. સફાઈ તો એવી થઈ કે ઝાડુ પણ ક્યાંયથી મેલું ન થયું. સુરત મહાનગરપાલિકા પણ પાછળ ના રહી. સ્વચ્છતા હી સેવા-સૂત્રને સાર્થક કરવા બધાં ડુમસ બીચ પર ઊતરી પડ્યાં. 800 જેટલા સફાઇકર્મીઓએ એટલું બધું સાફ કર્યું કે એટલું તો ગાંધીજીએ પણ નહીં કર્યું હોય ! 800 જણાંએ 1,700 કિલો કચરો કાઢ્યો. તે ઉપરાંત 179 કિલો પ્લાસ્ટિક તો ખરું જ ! એવરેજ કાઢો તો બે કિલોથી પણ વધારે આવે. એમ પણ લાગ્યું કે સુરત સ્વચ્છ સિટીમાં પ્રથમ રહ્યું છે, એ હિસાબે કદાચ કોર્પોરેશનમાં હોય તેથી પણ ઓછો કચરો ડુમસમાં હશે. એક વર્ષનો 1,700 કિલો કચરો કૈં બહુ ન કહેવાય. હવે આવતે વર્ષે જશે તો આનાથી ય ઓછો કચરો થશે.
એ ખરું કે ગાંધીજી ચલણી નોટ પર જ રહી ગયા છે, એ પણ કોઈ બદલે તો નવાઈ નહીં, પણ હવે જ્યારે બાપુ છે જ ને દર વર્ષે બીજી ઓક્ટોબરે આવે જ છે, તો જ્યાં એમનો જન્મ થયેલો એ પોરબંદરમાં પણ થોડી સફાઈ થવી જોઈએને ! નહીં તો વિદ્યાર્થીઓને એમનો જન્મ પોરબંદરમાં થયેલો એવું ગોખાવવાનો કોઈ અર્થ ન રહે. ગમે તેમ તો ય આઇન્સ્ટાઈને એમને માટે કહેલું કે હાડચામનો આવો માણસ પૃથ્વી પર ફરતો હતો, તે થોડાં વર્ષો પછી કોઈ માનશે નહીં. જો કે, કે હવે વર્ષોની રાહ જોવાની રહી નથી. ગાંધીજીને અત્યારથી જ કોઈ માનતું નથી. આઇન્સ્ટાઇનને આપણે ઘણો વહેલો સાચો પાડ્યો. ગાંધીજીને કોઈ માનતું નથી એમ એટલે લાગે છે, કારણ, માનતા હોત તો પોરબંદરનું જન્મ સ્મારક ત્રણ વર્ષથી બંધ પડ્યું ન હોત !
આ ગાંધી જ્યંતીએ પણ મહાત્મા ગાંધીનું જન્મ સ્મારક ખૂલ્યું નહીં. સ્મારકનું હેરિટેજ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું, પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગે અઢી વર્ષ સુધી એનાં તરફ ધ્યાન જ ન આપ્યું. ગમે તેમ તો ય ભારતીય પુરાતત્ત્વ વિભાગ છે, એ પણ જર્જરિત તો થાયને ! આઠેક મહિનાથી રિપેરિંગ ચાલે છે, પણ કામ પૂરું થયું નથી. પોરબંદરમાં જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયેલો તે સ્થળ પાસે સ્મારક બનાવાયું. તેનો ઉપરનો હિસ્સો જર્જરિત થતાં અઢી વર્ષથી તેને તાળું મારીને બહાર ‘વર્ક ઇન પ્રોગ્રેસ’નું પાટિયું મારી દેવાયું છે. એને કારણે દેશવિદેશથી આવતા પ્રવાસીઓને મકાનની નીચેનો ભાગ જોઈને જ પરત થવું પડે છે.
પોરબંદરમાં 2 ઓકટોબર, 2011ને રોજ નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વધારામાં ગાંધીજીને લોકમાનસમાં જીવંત રાખવા લેસર શોની વ્યવસ્થા કરવામાં આવી. જાપાનથી ત્રણ પ્રોજેક્ટર ત્રણ કરોડને ખર્ચે લાવવામાં આવ્યાં. એનો કારભાર પાલિકા હસ્તક છે. કોરોના કાળ પહેલાંથી એ શો ટેકનિકલ કારણોસર બંધ છે. છેને કમાલ ! ભારત બહાર ગાંધીજીનાં 42 સ્મારકો છે, પણ તેમની જન્મભૂમિ પરનું સ્મારક બંધ હાલતમાં છે. હવે સ્મારક જોવા ભારતથી વિદેશ જવું પડે એમ બને. ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધીજીની પ્રતિમા, તસવીરો વગેરેની દુર્દશા સરકારી કારભારની ચાડી ખાય છે. 2011માં લોકાર્પણ થયું હોય ને તેર જ વર્ષમાં કોઈને જોવા લાયક પણ ન રહે એ કેવું? ત્રણ વર્ષથી મુખ્ય મંત્રી પણ એક જ રૂમ જોઈને પાછા વળી જાય છે ને હજી તો મંગળવારે જ મુખ્ય મંત્રી ત્યાં જઈ આવ્યા છે, તો એક સાદો સવાલ ન પુછાય કે એક જ રૂમ દર્શનની સ્થિતિ બદલાશે કે આ એક રૂમ પણ બંધ થવાનો છે?
કોઈ એમ ન સમજે કે હું ગાંધીજીનો ભક્ત છું. ભક્ત હું કોઈ ગાંધીનો નથી. ગાંધીજીના બ્રહ્મચર્યના વિચારોનો લિખિત વિરોધ મેં કર્યો છે. મહાત્મા હોય તો પણ બધું મળીને તે એક માણસ હતા. માણસમાં હોય તેવી નબળાઈ તેમનામાં પણ હતી, પણ સત્ય, અહિંસાનો જે સંદેશ એમણે આપ્યો એનો અસ્વીકાર જગત કરી શકે એમ નથી, છતાં લેબેનોનમાં ઈઝરાયેલના 8 સૈનિકોનાં મોત ગાંધી જ્યંતીએ જ થયા. ગાંધીનો એકડો કાઢવા જતાં શૂન્ય થઈ જવાનો ભય દેશને માથે છે જ ! તેમની સાદગી કોઈ સંત મહાત્મા પાસે પણ નથી. ચશ્માં, ચંપલ, ઘડિયાળ, લાકડી ને પોતડીથી સજ્જ જગતનો કયો રાષ્ટ્રપિતા હશે તે નથી ખબર. ગમે એટલા આગળ જઈએ તો પણ ગાંધી વિચાર પાસે થોભવું પડે એમ છે તે સમજી લેવાનું રહે.
દાંડી સત્યાગ્રહને 2005માં 75 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એક કાવ્ય લખેલું તે પ્રસ્તુત કરું છું :
દાંડી
0
દાંડી
ફૂલનો આધાર
દાંડી
ઢોલનો ધ્વનિ
દાંડી
ચશ્માંનો કાન
દાંડી
જડે નહીં તેવું ગામ
ત્યાં ઝૂક્યો એક હાથ
ને ઉપાડ્યું મીઠું
એ મીઠું પછી
મધમીઠું થયું
ને દાંડી થયું
દીવાદાંડી !
0
ગાંધીજીને ઘણાંએ જોયા નથી. ઘણાંને અફસોસ પણ થાય છે કે પોતે ગાંધીજીને જોવાના રહી ગયા.
પ્રિયકાંત મણિયારનું એને લગતું એક સરસ કાવ્ય છે :
તમે ગાંધીજીને જોયા હતા?
0
એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો –
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે’ના તમે,
‘એ તો અમે !’
0
સાવ નાનો ભાઈ એકદમ મોટાભાઈને પૂછે છે કે તમે ગાંધીજીને જોયા હતા? તો મોટોભાઈ એમ જ બોલી પડે છે કે – હા. એ જાણીને નાનાભાઈને ઓશિયાળું લાગે છે કે એ તક પોતાને ન મળી. મોટાભાઇ એટલા નસીબદાર કે એમને ગાંધીજી જોવા મળ્યા, પણ ગમે તેટલું કરવા છતાં એ નસીબ પોતાનું તો ન હતું કારણ, ત્યારે તો પોતે ‘હીંચતા’તા ઘોડિયામાં’, એ સ્થિતિ જ ન હતી કે ગાંધીજીને જોવા જેટલા મોટા હોય. નાનાભાઈની તો પેન પાટી લઈને એકડો ઘૂંટવાની ઉંમર હતી. નાદાન હતો. ત્યારે મોટોભાઈ બહુ માર્મિક રીતે કહે છે કે નાદાન તમે ન હતા, અમે પણ મોટા હોવા છતાં એકડો જ ઘૂંટતા હતા. નાદાન જ હતા. સમજદાર હોત તો અમે પણ ગાંધીજીને ઓળખ્યા હોત !
આજે પણ ગમ્મત તો એ જ છે કે ઘણા ગાંધીજીને ઓળખતા નથી, ઓળખી શક્યા નથી ને ઓળખી કાઢ્યા હોય તેમ મૂછે તાવ દેતા ફરે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑક્ટોબર 2024