Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખા દેશમાંથી તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાનું બંધ થવું જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2024

રવીન્દ્ર પારેખ

આખા દેશમાં શિક્ષણ સડી ગયું છે.

2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે, તેમાં સૈદ્ધાંતિક રીતે ઘણું સારું હશે, પણ વ્યવહારમાં તો તમામ સ્તરે ભ્રષ્ટતા જ દેખાય છે. પરીક્ષા જ શિક્ષણ હોય, તેમ આખું વર્ષ ઠેર ઠેર પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે ને એમ લાગે છે કે ભણવા કે ભણાવવાને નામે ખાસ કૈં કરવાનું રહ્યું નથી. પ્રાઈમરીથી માંડીને પીએચ.ડી. સુધી પરીક્ષા જ સર્વોપરી રહી છે. ભણતું કોઈ નથી, પણ પાસ બધાં જ થાય છે. ખરી કમબખ્તી તો બોર્ડની પરીક્ષાઓ પાસ કરો પછી શરૂ થાય છે. મેડિકલમાં કે અન્ય કોઈ વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આપવાની થાય છે. એમાં પાસ થાવ તો જ મેડિકલમાં પ્રવેશ મળે. એ સિવાય અન્ય વિદ્યાશાખાની પરીક્ષાઓ પાસ કરો કે નોકરી માટેની પરીક્ષાઓ આપવાની. એ પાસ થાવ પછી કામચલાઉ ધોરણે નોકરી મળે. માસ્તર થવું હોય તો વિદ્યાસહાયકની ફિક્સ પગારની અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટવાળી નોકરી મળે ને કોન્ટ્રાક્ટ પૂરો થાય કે વળી અરજી કરવાની ને પછી નોકરી મળે કે ના પણ મળે. ન પગાર વધારો, ન પેન્શન કે ન નોકરીના કોઈ લાભો. માસ્તરોને પણ કૈં ચચરતું નથી એટલે ચાલે છે. જેમાં મહેનત ને મગજ ને મનીની જરૂર પડે છે તે મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગે. એક વાર એમાં પ્રવેશ મળ્યો કે પછીનું તો ‘ફોડી’ લેવાય છે ને મની હોય તો બધું ‘મેનેજ’ પણ થઈ જાય છે.

હવે મેડિકલમાં એડમિશન લેવું હોય તો નીટ(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ)ની એક્ઝામ આપવી પડે. એનું આયોજન 2017થી એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) કરે છે ને તે મેડિકલની ખાનગી અને સરકારી સંસ્થાઓ માટેની પરીક્ષાઓ લે છે. જો કે, આ વખતે એન.ટી.એ. નીટની એક્ઝામ લેવામાં ધરાર નિષ્ફળ નીવડી છે ને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમમાં ફરી પરીક્ષા લેવાની અરજીઓ થઈ છે, તેમાંથી હરિયાણાનાં ઝજ્જર કેન્દ્રમાં વિદ્યાર્થીઓનો સમય બગડવાને બહાને ગ્રેસ માર્કસ એન.ટી.એ. દ્વારા અપાયેલા જે યોગ્ય ન હતા, કારણ સ્કૂલની પ્રિન્સિપાલ અંશુ યાદવનું કહેવું છે કે એમનાં કેન્દ્ર પર કોઈનો એક મિનિટનો સમય પણ બગડ્યો નથી. એ ગ્રેસ માર્ક્સને કારણે જ ઝજ્જર કેન્દ્રમાંથી એક સાથે છ વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ લાવવામાં સફળ થયા. આ અંગે ફરિયાદ થતાં 1,563 વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનો ચુકાદો સુપ્રીમે આપ્યો છે ને જે ફરી પરીક્ષા આપવા તૈયાર ન હોય તેમણે પરિણામ ગ્રેસ માર્કસ વગરનું સ્વીકારવાનું રહેશે એવી ચેતવણી પણ અપાઈ છે. નીટની 2024ની પરીક્ષાએ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે ને તે ગેરરીતિનું અને હરામની કમાણીનું કેન્દ્ર બની ગઈ છે, બીજી તરફ સરકાર અને એન.ટી.એ. ટેવ મુજબ ‘સબ સલામત’ની ઘંટીઓ વગાડ્યાં કરે છે. પરીક્ષાનાં પેપરો લીક થયા છે ને પોલીસે તે સંદર્ભે કેટલાકની ધરપકડ કરી છે, તો ય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને એન.ટી.એ.એ એવું કૈં થયું હોવાનો ઇન્કાર કર્યો છે. એની સામે, પોલીસે અર્ધ બળેલ પેપરનાં 74 સવાલો સરખાવવા એન.ટી.એ. પાસેથી મૂળ પેપર માંગ્યું છે, તો જવાબમાં બેવકૂફી ભર્યા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.

નીટની પરીક્ષા આ વખતે 5 મેએ 4,750 કેન્દ્રો પર યોજાઇ હતી ને તેમાં દેશભરમાંથી 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એનું પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું, પણ ચૂંટણીનું પરિણામ હતું એ જ દિવસે 4 જૂને જાહેર કરી દેવાયું, તે એ કારણે કે ચૂંટણીની હોહામાં બહુ ઊહાપોહ ન થાય. બન્યું એવું કે નીટમાં 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્કસ મેળવી પ્રથમ આવ્યા. આવું અગાઉ બન્યું ન હતું. 720માંથી 720 તો 2020માં બે, 2021માં ત્રણ, 2022માં એક પણ નહીં, 2023માં બે જણનાં જ આવ્યા હતા ને આ વખતે 67ના આવ્યા, તેમાં પણ એક જ કેંદ્ર ફરીદાબાદમાંથી એક સાથે 6 વિદ્યાર્થીઓના 720માંથી 720 આવ્યા. આ મામલે સી.બી.આઇ. કે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય એવી માંગ ઊઠી છે ને બિહારમાં તો પરીક્ષા જ રદ્દ કરવાની માંગ છે. નીટને મામલે પટણામાં આગજનીની ને સામે પોલીસના બળપ્રયોગની ઘટનાઓ પણ બની છે. અહીં પોલીસે પેપર ફૂટવાને મામલે 13 જણની ધરપકડ કરી છે ને તેમાં જુનિયર એન્જિનિયર સિકંદર કુમારે કબૂલ્યું છે કે 4 મેએ નીટનું પેપર ફૂટ્યું હતું અને ઉમેદવારોને ‘સેફ હાઉસ’માં ભેગા કરીને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. આ સ્થિતિ હોય ને શિક્ષણ મંત્રી અને એન.ટી.એ. એ સ્વીકારવા તૈયાર ન થાય એ શરમજનક છે.

એ છે કે પટણા, ગોધરા અને ઝજજરની જે ઘટનાઓ સામે આવી છે તેણે એન.ટી.એ. પરનો ભરોસો ખતમ કરી દીધો છે. ગોધરામાં જલારામ સ્કૂલમાં નીટનું કેન્દ્ર હતું. અહીં પૈસા લઈને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જે આવડે તે સવાલના જવાબો ઓ.એમ.આર. શીટમાં લખવા, બાકીનાને એટેન્ડ ન કરવા. એ પાછળથી ભરી દેવાશે. ગોધરામાં આવું થયું હોય, તો બીજે ન જ થયું હોય એવું કેમ માનવું? જો કે, ગોધરામાં દરોડો પડતાં વાત આગળ વધી નહીં. દરોડા દરમિયાન વડોદરાના કોચિંગ સંચાલક પરશુરામ રૉય, ગોધરાની જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા ને તેના શિક્ષક તુષાર ભટ્ટ વગેરેની ધરપકડ કરવામાં આવી ને પરશુરામ રૉય પાસેથી બે કરોડ ત્રીસ લાખના ચેક અને તુષાર ભટ્ટની કારમાંથી સાત લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે કોચિંગ સંચાલકે પ્રિન્સિપાલ સાથે મળીને બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યમાંથી આવેલા ત્રીસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો ઠેકો લીધો હતો. અન્ય રાજયોમાંથી કોઈ ગોધરાની સ્કૂલ કેન્દ્ર તરીકે પસંદ ન જ કરે, પણ અહીંનું આખું કેન્દ્ર જ પૈસા લઈને પાસ કરાવવાનું હતું. કમાલ તો એ છે કે ગુજરાતની એક વિદ્યાર્થિનીનાં 720માંથી 705 માર્કસ નીટમાં આવ્યા છે ને ધોરણ બારની પરીક્ષામાં એ વિદ્યાર્થિની ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ થઈ છે.

આ પરીક્ષા પાંચ મે-એ હતી, પણ પટણાના એક કેન્દ્રમાં આયુષ નામના એક વિદ્યાર્થી પાસે તે પહેલાં પેપર આવી ગયું હતું. આયુષ સાથે બીજા 25 વિદ્યાર્થીઓ હતા જેમની પાસે પેપર અને જવાબો તૈયાર  હતા અને તે દરેક પાસેથી વીસ વીસ લાખ વસૂલવામાં આવ્યા હતા.

સવાલ એ છે કે નીટની પરીક્ષામાં લાખો રૂપિયા આ રીતે વાલીઓ ખર્ચે છે કેમ? એનો જવાબ એ છે કે દેશની મેડિકલ કોલેજમાં લાખ-સવા લાખ સીટ છે. તેમાંથી પચાસેક હજાર સરકારી કોલેજોમાં અને બાકીની ખાનગી કોલેજોમાં છે. હવે જો પહેલાં પચાસેક હજારમાં વિદ્યાર્થીનો નંબર લાગે તો સરકારી કોલેજોમાં એડમિશન મળે ને તેની પાંચેક વર્ષની પાંચેક લાખની ફીમાં વિદ્યાર્થી ડૉક્ટર થઈને બહાર પડે. જો, તે પછી નંબર લાગે તો ખાનગી મેડિકલ કોલેજમાં જવું પડે અને તેની પાંચ વર્ષની ફી કરોડથી સવા કરોડ થાય. એ ન ખર્ચવા પડે ને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી રહે એટલે આ રીતે પેપર ફોડીને, દલાલોને પૈસા ખટાવીને મેડિકલમાં પ્રવેશ મેળવાય છે. આ બધાંમાં જે ખરેખર સિન્સિયર છે ને તેની પાસે હરામના પૈસા નથી તેનો મરો થાય છે. એ પણ છે કે આ રીતે પૈસા વેરીને વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશે છે. જે પ્રવેશ જ ગેરરીતિથી મેળવે છે તે ડૉક્ટર કેવો થશે તે કલ્પવાનું અઘરું નથી ને વધારે શરમજનક તો એ છે કે પોતાનાં સંતાનોને વાલીઓ જ ખોટી રીતે આગળ વધવાનું ઉત્તેજન આપે છે.

નીટની આ પરીક્ષાનું ધોરણ એ હદે કથળ્યું છે કે આ આખી પરીક્ષા અને એનું સંચાલન કરતી એન.ટી.એ. તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ. મેડિકલમાં એડમિશન માટે આવી ઘાલમેલ થતી હોય એવી પરીક્ષાથી સિદ્ધ તો ભ્રષ્ટાચાર જ થાય છે, તો મેડિકલ માટે આવી ભ્રષ્ટ પદ્ધતિઓને જ પ્રમાણભૂત ગણવાની છે? એ ખરું કે દેશનાં લોહીમાં પારદર્શિતા ને વ્યવહાર શુદ્ધિ લગભગ નથી, પણ આવી રીતની પરીક્ષાઓથી તો એને જ ઉત્તેજન આપવા જેવું થાય છે. તો, એવું થવા દેવાનું છે? એક સમયે બોર્ડની પરીક્ષાઓને આધારે પ્રવેશ અપાતો હતો ને એ રીતે જે ડોકટરો કે એન્જિનિયરો થયા તે ફાલતુ હતા એવું કહી શકાય એમ નથી અને આટલી ખર્ચાળ રીતે લેવાતી નીટની પરીક્ષાઓ વિશ્વસનીય જ છે એવું આવા ભવાડા પરથી તો લાગતું નથી. વળી અમુક નિશાનીઓ કરાવીને માર્કસ આપી દેવામાં વિદ્યાર્થીઓની વર્ણનશક્તિ કે સમજશક્તિનો અંદાજ મળતો નથી. કોઈ પણ ખાલી જગ્યાઓ ભરીને કે ભરાવીને આવી પરીક્ષામાં પાસ થઈ જવાની આ રીત જ ફેર વિચારણા માંગે છે. સાચું તો એ છે કે તમામ સ્તરે એન્ટ્રન્સ એક્ઝામ્સ પૂરેપૂરી બંધ કરી દેવી જોઈએ. જ્યાં પણ પ્રવેશની જરૂર પડે ત્યાં બોર્ડની છેલ્લી પરીક્ષાનું પરિણામ જ પ્રમાણભૂત ગણાવું જોઈએ. એન્ટ્રન્સ એક્ઝામ્સ સમયનો બગાડ છે અને વાલીઓને લૂંટવાનો કારસો છે. આટલે મોટે પાયે થતો નીટની પરીક્ષાનો વેપલો એનો જીવંત પુરાવો છે. બહુ પરીક્ષાઓ લેવાથી જ વિદ્યાર્થી હોંશિયાર પુરવાર થાય એવું ક્યાંય લખેલું નથી. સાફ વાત તો એ છે કે આવી પરીક્ષાથી વિદ્યાર્થિની ગુણવત્તા પુરવાર થતી હશે કે કેમ તે નથી ખબર, પણ પરીક્ષા લેનાર સંસ્થાઓની હોજરી તો ભરાય જ છે.

અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાથી જ હવે ગુણવત્તા નક્કી કરવાના દિવસો આવ્યા છે તે દુ:ખદ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2024

Loading

દુ:ખ શીખવે છે, દુ:ખ માંજે છે, પીડાથી જ આવે છે રોશની !

રમેશ સવાણી|Opinion - Opinion|16 June 2024

2 માર્ચ 2019ના રોજ વડા પ્રધાન સ્કૂલનાં બાળકો સાથે ઓનલાઈન વાત કરી રહ્યા હતા. દહેરાદૂનની એક છોકરી ડિસ્લેક્સિયા-Dyslexia (વાંચવા લખવામાં મુશ્કેલી પેદા કરનાર માનસિક રોગ) ગ્રસ્ત બાળકોની ક્રિએટિવિટી અંગે પોતાના પ્રોજેક્ટની વાત કરી રહી હતી. વડા પ્રધાને વચ્ચે જ પૂછ્યું કે ‘એનાથી 40-50 વર્ષના બાળકોને ફાયદો થાય?’ છોકરી વડા પ્રધાન શું કહેવા માંગે છે તે અંગે થોડીવાર અટકી અને કહ્યું કે ‘હા, થાય.’ વડા પ્રધાને બીભત્સ ઢંગથી હસતા હસતાં કહ્યું કે ‘તો એની મા ખુશ થઈ જશે !’

ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. ધરતી પર જન્મેલ ભાગ્યે જ કોઈ માણસ હશે કે જે જાણતો ન હોય કે અપમાન શું છે? પરંતુ રાહુલ ગાંધીથી સારી રીતે આ વાત બીજા કોઈ જાણતા નથી; કેમ કે આ દેશના ઇતિહાસમાં બીજું કોઈ ઉદાહરણ નથી; જ્યારે બધાં મીડિયા, IT Cell, અને સીસ્ટમની સઘળી મશીનરી કોઈને પપ્પૂ સાબિત કરવા લગાડી દીધી હોય. કરોડો રૂપિયાના ખર્ચે એક નેરેટિવ / ધારણા ઊભી કરવાની કોશિશ કરી હતી. નિશાન પર માત્રને માત્ર એક વ્યક્તિ હતી. અને આ એક દિવસ, દસ દિવસ, સો દિવસની વાત ન હતી, દસ વર્ષથી પૂરી તાકાત લગાવી ધારણા ઊભી કરી હતી.

માત્ર એક દિવસ ઘરમાં, ઓફિસમાં, પબ્લિકમાં આપણને કોઈ અપમાનિત કરી દે તો કેટલા ય દિવસો સુધી ટ્રેસ હોર્મોન વધતા રહે છે. કોઈ કામમાં મન લાગતું નથી.

આ માણસને તો લાખો લોકો રોજ અપમાનિત કરી રહ્યા હતા. ભલે તેઓ ગાળો આપતા ન હોય, પરંતુ જે કરી રહ્યા હતા તે શાબ્દિક ગાળથી ઘણું વધારે હતું, મન, શરીર, આત્માને વીંધનારી વાત હતી. કોઈના પૂરા વજૂદનો ઈન્કાર હતો. દિવસ-રાત એના પર ભદ્દા મીમ, ચુટકુલા બનાવવા, ટી.વી. પર પ્રાઈમ ટાઈમમાં બેસીને મજાક ઉડાવવી, એને મૂર્ખ બતાવવો ! 

કોઈએ થપ્પડ નથી મારી, પરંતુ જેટલો માર રાહુલને પડ્યો છે, આ દેશના ઇતિહાસમાં કોઈને પડ્યો નથી. 

અને જૂઓ, તેણે એનો જવાબ કઈ રીતે આપ્યો? એક એટલી ઊંચી રેખા ખેંચી દીધી કે બીજા પોતે ઠીંગુજી દેખાવા લાગ્યા. આ વાત માત્ર પોલિટિક્સની નથી, ચૂંટણી જીત અને હારની પણ નથી. આ તેનાથી કંઈક વધુ ઊંડી વાત છે.

જ્યારે રૂમી લખે છે : ‘The wound is the place where the Light enters you. ઘા એ જગ્યા છે જ્યાં પ્રકાશ તમારામાં પ્રવેશ કરે છે.’ લિઓનાર્ડ કોહન લખે છે : ‘There is a crack in everything That’s how the light gets in. દરેક વસ્તુમાં તિરાડ છે આ રીતે પ્રકાશ દાખલ થાય છે.’

દુ:ખ શીખવે છે, દુ:ખ માંજે છે, પીડાથી જ આવે છે રોશની !

આ મનુષ્યનું અર્જિત આદિમ જ્ઞાન છે. સુખના દિવસોમાં આપણે માત્ર સુખી રહીએ છીએ, સુખ સત્તાથી આવે તો અહંકારી પણ બનીએ છીએ. પરંતુ દુ:ખમાં આપણે આપણા ભીતરમાં ઉતરીએ છીએ. દુ:ખ જ શિખવે છે. પીડા આપણને મનુષ્ય બનાવે છે. 

14 વર્ષની ઉંમરે દાદીની હત્યા થઈ. બાળકોનું સ્કૂલ જવું, ઘરથી નિકળવું, સામાન્ય બાળકોની જેમ બીજાં બાળકો સાથે રમવું બધું બંધ થઈ ગયું. 21 વર્ષે પિતાની હત્યા થઈ. સુરક્ષા કરણોથી કોલેજ છોડવી પડી. નામ બદલીને, ઓળખ છૂપાવીને, અભ્યાસ કર્યો. નોકરી કરી. પ્રેમ પણ કર્યો. પરંતુ જેને પ્રેમ કરતા હતા તે ઇન્ડિયન ન હતી. પ્રેમ સંબંધમાં પરિણમે તે પહેલાં આ દેશના નફરતીઓ તેમની માને વિદેશી મૂળના છે તેનો એટલો મોટો મુદ્દો બનાવી દીધો હતો, એટલું ઝેર ફેલાવી દીધું હતું કે પછી રાહુલ એ છોકરી સાથે ક્યારે ય દેખાયા નહીં, ન આ બાબતે તેમણે ક્યારે ય વાત કરી. 

2013માં, લેખક વિક્રમ શેઠે ‘ઇન્ડિયા ટુડે’માં લખ્યું હતું : “સંસારમાં જેટલી ક્રૂરતાઓ છે, તેમાં સૌથી વધુ ક્રૂર છે પ્રેમ ન કરી શકવો. કોઈને એ કહેવું કે જેનાથી તમને પ્રેમ છે, તમે તેને પ્રેમ નહીં કરી શકો.” 

હું જાણું છું, દુ:ખ બહુ છે દુનિયામાં. ભૂખ, ગરીબી, યુદ્ધ, અસમાનતા. પરંતુ પ્રેમ ન કરી શકવાનું દુ:ખ આ બધાંથી ઊંડું છે. ખબર છે કેમ? કેમ કે મનુષ્યને દરેક દુ:ખ સાથે લડવાની તાકાત માત્ર પ્રેમથી જ મળે છે. જ્યારે બધું ખત્મ થઈ જાય તો અંતમાં માત્ર એક જ વાત મહત્ત્વની રહે છે – કેટલો પ્રેમ કર્યો અને મેળવ્યો !

કોઈ માને કે ન માને, પરંતુ આજ 52 વર્ષની ઉંમરે એ માણસના દિલમાં આ એક સૌથી અદૃશ્ય, સૌથી ઊંડી દરાર-તિરાડ છે, જ્યાંથી આવે છે રોશની !

ઇતિહાસ લખાતો-ભૂસાતો રહેશે. બાજી પલટાતી રહેશે. પરંતુ સંસારમાં આટલા અન્યાય પછી પણ જિંદગી કાયમ છે; આટલા અંધકાર છતાં જો રોશનીની આશા કાયમ છે તો તેનું કારણ માત્ર એક જ છે – પ્રેમ. રાહુલ ગાંધી પ્રેમ છે !

 [સૌજન્ય : પત્રકાર મનિષા પાંડેય, 10 જૂન 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion, Poetry|16 June 2024

જિંદગીથી અતિ મહોબ્બત છે,

આદમીને સદા જરૂરત છે.

લોક તૂટી ગયા છે “મત” આપી,

સૌ મદારીને ખાસ રાહત છે.

મારા હિસ્સાનો એ ગળે તડકો,

આ એપાર્ટમેન્ટની કેવી આદત છે!

કંટકો કેમ આવે મારગમાં !

એક વાતે તો બન્ને સંમત છે.

તમને મળશે જરૂર એ મંઝિલ,

જેની પાછળ તમારી મહેનત છે.

“સ્મિત” તો જાહેરાત આંખોની,

દિલનો આજે સ્વભાવ કરવત છે.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

...102030...534535536537...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved